૩૩

રાત. આજનો અન્ધકાર અગ્નિમય છે. રોષે ભરાયેલા નાગની જેમ એ રહી રહીને ફૂંફાડો મારે છે. એની જ્વાળાઓ ભૂતાવળની જેમ નાચે છે. નિસ્તબ્ધતા એમાં ઘીની જેમ હોમાય છે. મારા શ્વાસ જામગરી બનીને સળગે છે. લોહીમાં રહેલો સુપ્ત અગ્નિ જાગીને ફાળ ભરે છે. એકાન્તોનાં કેટલાંય વન સળગી ઊઠ્યાં છે! બળી ગયેલા કાગળ પરના અક્ષર જેવો હું માત્ર રહી ગયો છું. પવનની આંગળી ક્યારે વિખેરી નાખે એની પ્રતીક્ષામાં. આ અગ્નિ દ્યાવા પૃથ્વીને સાંકળનારો સેતુ છે, જાતવેદા છે. બે હૃદય વચ્ચેનો પણ એ સેતુ નથી? બીજાના હૃદયમાં જે જન્મે છે તેને પણ એ શું નથી જાણતો? માલા, આ અગ્નિના આલિંગનમાં હું પણ અગ્નિમય બનીને જાતવેદા થઈ ગયો છું. પણ યાદ રાખજે, મારું અસ્તિત્વ બળી ગયેલા કાગળ પરના અક્ષર જેવું છે. એના પર વધુ જુલમ નહીં થઈ શકે. એક આંસુ પણ એને રોળી નાખી શકે. ના, તું કશું બોલીશ નહીં. શબ્દોનો થડકાર પણ પ્રાણઘાતક નીવડે. પણ તારા હૃદયના ધબકારનું શું કરીશ? તું સહમરણની વધૂ બનીને અગ્નિસ્નાન કરશે? અગ્નિથી મારી જોડે સંધાઈ જશે? આ અન્ધકારના અગ્નિમાં સમયનાં હાડ ભડકે બળે છે. કજળી ગયેલા ચન્દ્રની રાખને પવન ફૂંક મારીને ક્યાંની ક્યાં ઉડાડી મૂકે છે. સૂરજ કાળા અગ્નિથી તસ તસ ભરાઈ ગયો છે. આ અન્ધકારના સ્ફુલ્લંગિની માળા ગૂંથવાની રમત તું રમશે ખરી? અન્ધકારની ઉજ્જ્વળ દાહકતાનો કોઈને નશો ચઢી શકે ખરો? હવે કશો ભાર રહ્યો નથી. મારા આવેગના ભારથી તું કેવી અકળાઈ ઊઠતી? હવે તો તું એક ફૂંક મારે તો હું રાખ બનીને ઊડી જઈશ. બોલ, તારે એવો જાદુ કરવો છે? કે પછી એ રાખને માદળિયામાં ભરી રાખશે ને કોઈ સિદ્ધ પુરુષ મને ફરીથી જીવતો કરી આપે તેની રાહ જોયા કરશે? મારા શબ્દોથી પણ તું કેવી ત્રાસી ઊઠતી! રાખની લિપિમાં તો કશું લખી શકાતું નથી, અન્ધકારનો આ અગ્નિ તારાંમારાં સર્વ રહસ્યોને ઉજ્જ્વળ બનાવે છે. મારી આંખોમાં હવે એની શિખા સમુદ્રની છોળની જેમ ઘૂઘવે છે. મરણ નાનું શું કાજળનું ટપકું બની ગયું છે. ઈશ્વરહીન આ અપરિમેયતા માનવહૃદયની સીમાને સાચવીને પોતાની કાયાને સંકોચતી નથી. તું તો કેવી સંકોચશીલ છે! પૂરી આંખ ખોલીને તું કશું જોતી પણ નથી. તારો સ્પર્શ પણ ભીરુ, હમણાં જ છટકીને ભાગી જશે કે શું એવી શંકામાં રાખનાર – આ અન્ધકારના અગ્નિની ભરતીના જુવાળ તને અડે તો શું થાય? કોઈ વાર મારા સ્પર્શથી ચોંકીને સફાળી તારી આંખો મારી સામે માંડીને ઉપાલમ્ભભરી નજરે મારી સામે નથી જોઈ રહેતી? કદાચ મારા સ્પર્શમાં પણ પ્રચ્છન્ન કશો અગ્નિ રહ્યો હશે. પણ ચન્દન વૃક્ષોનાં વનની શીતળતામાં રહેતા સાપનું ઝેર પણ જલદ નથી હોતું? ઠાલા હૃદયની બખોલમાંય ઝેરી નાગ વસતા હોય છે. તારા ઠાલા હૃદયની બખોલમાં તેં નજર કરીને નાગની સંખ્યા કદી ગણી છે ખરી?

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.