૨૯

બારીના કાચ પર બહાર પવનથી ઝૂમતી વૃક્ષની શાખાઓનું પ્રતિબિમ્બ અંકાય છે તે જોયા કરું છું. ખૂબ પવન છે. શિરીષ અને લીમડાની મંજરીની સુગન્ધના ફુવારા ઊડે છે. પાસે માલા બેઠી છે. એની લટમાં ગૂંથેલા મોગરાથી એને ઓળખું છું. એ પણ અન્યમનસ્ક છે. મને પણ કશું બોલવાનું રુચતું નથી. કેવું અકળ હોય છે નારીના હૃદયનું વિશ્વ! પુરુષ કદાચ રહસ્યમયી નારીને જ ચાહી શકે છે. પણ ઘણી વાર આ રહસ્યના મૂળમાં કશીક વેદના રહી હોય છે. એ વેદનાની સમ્મુખ ઊભા રહેવાની હામ નહીં હોવાથી એની ને આપણી વચ્ચે અન્તર પાડવા આપણે જંજાળ ઊભી કરતા જ જઈએ છીએ. પણ એકાએક આપણા જીવનમાં કોઈક એવું આવી ચઢે છે જેના એક દૃષ્ટિપાતથી આ જંજાળ બાષ્પ બનીને ઊડી જાય છે, ને પછી આપણી વેદનાનો સાક્ષાત્કાર થાય છે. ઘેરું મૌન જ એ વેદનાને વાચા આપી શકે. ત્યારે જે બોલીએ તે નિરર્થક બનાવીને જ બોલીએ. પણ મારું મૌન ધૂંધવાઈ ઊઠે છે. શી હોય છે એ વેદના? એનું કશું કારણ નથી હોતું? એ એક આબોહવા માત્ર હોય છે. માલાને ઢંઢોળીને જગાડવાની મને ઇચ્છા નથી. તેથી જ તો પવનના ઉત્પાતને જોયા કરું છું. બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે. ધૂળની ડમરી ઊંચે ચઢે છે. બારીમાંથી સૂકાં પાંદડાં અંદર આવીને પડે છે. બહારની ઘટાદાર આમલીની શાખાઓ વચ્ચેથી દેખાતું આકાશ હવે દેખાતું નથી. ઘણી વાર સાથે બેસીને કશું બોલ્યા વિના, એ આકાશ જોયા કર્યું છે. જાણે એ આકાશને સાથે બેસીને જોવાનું અમે વ્રત લીધું ન હોય! એ આકાશ, ધૂળને કારણે, દેખાતંુ બંધ થવાથી હું સહેજ અસ્વસ્થ થઈ જાઉં છું. પાસે બેઠેલી માલા આ પારખી લે છે ને પૂછે છે: ‘શું વિચારે છે?’ હું કહું છું: ‘ના, કશું નહીં.’ એ કહે છે: ‘તારી આંખોમાં કેટલા બધા વિચારની છાયા પડી છે તે હું જોઈ શકું છું.’ હું કહું છું: ‘તો પછી તું મને પૂછે છે શા માટે?’ એ મારે ખભે એના હાથ મૂકીને મારી સામે જોઈ રહે છે. પછી એકાએક કહે છે: ‘આંખમાં આવી વિચારની છાયા, મુખ પર ગમ્ભીરતા, પાસે હોવા છતાં જુગજુગનું અન્તર – આ બધાંનો ઉત્તર હું આંસુ સિવાય –’ હું એને વચ્ચેથી અટકાવી દઈને કહું છું: ‘ના, જો, મુખ પર હાસ્ય, આંખમાં ઉલ્લાસની ચમક, શ્વાસમાં પવનની ઉન્મત્તતા –’ મારું વાક્ય અર્ધેથી આંચકી લઈને એ ચાલુ રાખે છે. ‘ખરતાં પાદડાં જેવા શબ્દો, એ શબ્દો વચ્ચેથી સાપની જેમ સરતો ગુપ્ત સંકેત, વિષ, અગ્નિ, જ્વાળા, ભસ્મ, પવન, પ્રલય –’ બોલતાં બોલતાં જાણે શ્વાસ રૂંધાઈ ગયો હોય એમ એ અટકી ગઈ. પછી નાના બાળકની જેમ મારા ખોળામાં માથું ઢાળીને આંખ બીડી દઈને એ પડી રહી. હું એના ઉચ્છ્વાસના દ્રુત લયને પવનના ઉન્મત્ત લય જોડે ગૂંચવતો બેસી રહ્યો.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.