ગઈ કાલે એક વિચિત્ર અનુભવ થયો. રાતની સૃષ્ટિ જુદી જ હોય છે. સ્વપ્નમાં અનેક જુગના છેડા ભેગા મળે છે. ખગોળભૂગોળ બદલાઈ જાય છે. એ બધું સમેટીને સવાર સુધીમાં વળી જે હતા તે બની જવું હંમેશાં શક્ય હોતું નથી. આથી ત્રણેય કાળમાં ન બદલાય એવી કશીક વેદનાની એંધાણી સાચવી રાખવી પડે છે. નહીં તો બીજે દિવસે બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય છે. આંખમાં આંસુની ઝાંય વળી હોય, જે જે જોઈએ તે બે બે દેખાય તેમ આખી સૃષ્ટિની બે છાયાઓ એકબીજામાં ગૂંચવાઈને આપણને મૂંઝવી મારે છે. મેં જોયું તો હું ને મારો અવાજ જુદા જ હતા. મારો અવાજ ઘડીકમાં પવનમાં ઊડતા કાગળના જેવો, ઘડીકમાં દૂરથી સંભળાતા ટાવરની ઘડિયાળના ટકોરા જેવો, ઘડીકમાં દિવસે હોલવવા રહી ગયેલા વીજળીના દીવા જેવો તો ઘડીકમાં આ ઓરડીમાં સદાકાળ વ્યાપી રહેલી નિસ્તબ્ધતાના જેવો લાગતો હતો. આવે વખતે એકલા રહેવાનું સહ્ય નથી નીવડતું. આજુબાજુ ખૂબ ખૂબ માણસો જોઈએ. આથી મેં કેટલાંયને ઘરે બોલાવ્યા: કોસ્મેટિક્સની જાહેરખબરમાંથી કાપેલી યુવતીઓ, સરકસના રંગલા જેવા જુવાનો, સૂના બાગ વચ્ચે એકલાઅટૂલા ઊછળ્યા કરતા ફુવારા જેવા એકાદ બે કવિ, મમીનું કફન પહેરીને હંમેશાં ચાલતા થોડા નવલકથાકારો, કાચની બરડતાનું કવચ પહેરીને ચાલતા ભદ્ર નાગરિકો! તું તો જાણે છે કે આ બધું મને જરાય રુચતું નથી. પણ માણસ પોતાને શોધવાને જ પોતા પર શા શા જુલમ નથી ગુજારતો! મારા અવાજની સાથે મારી સંતાકૂકડીની રમત ક્યાં સુધી ચાલતી રહી.
મને એ સાંજ યાદ આવી: આપણે ત્રણેય જણ હતાં – હું, લીલા અને તું: હું બોલતો નહોતો, તું બોલતી નહોતી, બોલતી હતી લીલા. આપણે નિર્જન રસ્તા પર થઈને ચાલ્યાં જતાં હતાં. અન્ધકાર ધીમે ધીમે ગાઢ થતો જતો હતો. થોડે થોડે અન્તરે આવતા રસ્તાના ઝાંખા દીવાઓ આપણો ચહેરો અજવાળતા ને વળી આપણે ભુંસાઈ જતાં. શબ્દો પવનમાં ફરફરતા હતા. એમાં એના અર્થનો ભાર નહોતો, આમેય તે લીલાના શબ્દોમાં અર્થનો ભાર ક્યાં હોય છે? ત્યાં એકાએક સાવ સાહજિકતાથી તારા હાથની આંગળી તેં મારા હાથમાં ગૂંથી દીધી. ક્યાં સુધી આપણે એમ ચાલ્યા કર્યું. પછી સામેથી આવતી ટ્રકની લાઇટના અજવાળામાં આપણે પકડાઈ ગયાં.
આજની સાંજના ધૂંધળા પ્રકાશમાં આનન્દની એ ક્ષણ ઓગાળીને નવેસરથી એની મિષ્ટતાનો સ્વાદ લઉં છું. હું જાણું છું કે તને એ ગમતું નથી. જે સ્મૃતિને આધારે જીવે છે તેને પછી સ્મૃતિ જ સારસર્વસ્વ જ લાગવા માંડે છે. પછી વર્તમાન કે ભવિષ્યને પણ ભૂતકાળમાં ધકેલી દઈને સ્મૃતિની દયા પર છોડી દીધે જ છૂટકો!