૧૩

આપણે કહીએ છીએ એકાન્ત, પણ ખરેખર એ એકાન્ત હોય છે ખરું? એ એકાન્ત કોઈકના નિબિડ સહવાસને માટે જ સરજતા હોઈએ છીએ ને? ગઈ રાતે હું ક્યાં સુધી બહાર જ હતો. હવામાં ઠંડીનો ચમકારો હતો. સહેજ ધૂંધળી ચાંદની હતી. મનુષ્યની આકૃતિની રેખાઓ આછી ઝાંખી હતી. અવાજો પણ ધૂંધળા હતા. જાણે કોઈકના જાદુથી ધીમે ધીમે સૃષ્ટિ લુપ્ત થવા ન બેઠી હોય! આખી સૃષ્ટિમાં એક પ્રકારની પરોક્ષતા હતી. હું મારા સુધી પહોંચું તોય જાણે કશાકમાં થઈને પહોંચી શકું. દીવાઓ તરતા દેખાતા હતા. બધું જ ધીમી ગતિએ ચક્રાકારે ફરી રહ્યું હતું. આ જોઈને એકાએક મને ભયની લાગણી થઈ આવી. મારા મનની સૃષ્ટિનું શું? મારી સ્મૃતિ? તું? એ બધું પણ આવા જ કશા ધૂંધળાપણામાં, આવી જ ઝાંખી ચાંદનીમાં, ધીમે ધીમે લુપ્ત તો નથી થતું ને? સૌથી પહેલાં હું જોવા મથ્યો તને. પણ યાદ કરી શક્યો માત્ર એક ટપકું – ગાડી દૂર નીકળી ગઈ હોય છે પછી પ્લેટફોર્મ પર દેખાય છે તેવું. પછી મેં મને સંભારી જોયો – ઉઝરડા પડ્યા હોય ને એની બળતરા થતી હોય એવી માત્ર એક સંવેદના! મને થયું: આ લુપ્તિને ભય સાથે જોડવાનીય શી જરૂર? એને આનન્દ સાથે જોડવાનીય શી જરૂર? ધીમે ધીમે બધું શૂન્યવત્ બનતું ગયું, અને શૂન્યવત્ જોનારી ચેતના પોતે પણ જાણે સાવ ધૂંધળી થઈ ગઈ. આજુબાજુના લુપ્તપ્રાય પરિવેશ વચ્ચે ગતિની એક રેખાની જેમ હું કેવળ સરતો રહ્યો. એ રેખાની મેં કોઈ દિશા નહોતી નક્કી કરી.મને ચાલ્યા જવાનો શ્રમ પણ નહોતો પડતો. આમ રસળતાં રસળતાં તો ક્યાંના ક્યાં નીકળી જવાય! એકાએક એક વિચિત્ર પ્રકારના તીક્ષ્ણ અવાજથી હું જાણે આ સ્થિતિમાંથી જાગી ઊઠ્યો. ધૂંધળા દીવા નીચે એક આકાર – ચીકણો ચહેરો, ભાવહીન આંખો – જાણે એ ચહેરાને આંખોની હવે કશી જરૂર રહી નહોતી ને છતાં એ હતી – ને પેલો હાસ્યનો અવાજ. એની સાથે હું અથડાઈ પડ્યો હતો. એણે મારા કાન પાસે મોઢું લાવીને કશીક અશ્લીલ માગણી કરી. મારા હાથને જોરથી પકડીને જાણે એ મને ઘસડવા લાગી. પણ એના હાથ જાણે ઓગળતા મીણ જેવા હતા. એનું હાસ્ય પણ જાણે હવામાં વહીને વિખેરાઈ જવાને બદલે ઠરી જઈને અહીંતહીં બાઝી જતું હતું. મારા મોઢા પર જાણે એના થોડા પોપડા બાઝી ગયા હતા. એ ઓગળતું જતું મીણ મને ચારે બાજુથી ઘેરી વળે તે પહેલાં મારે છૂટવું જ જોઈએ, સામેથી આવતી મોટરના દીવાની લગભગ સામે હું ધસ્યે ગયો. એકાએક મોટરની બ્રેક વાગી. પેલું હાસ્ય ચીસમાં ફેરવાઈને કણકણ બનીને ઊડી ગયું. હું પાછળ જોવા ન ઊભો રહ્યો. થોડી વાર રહીને દૂરથી ફરી એ હાસ્ય સંભળાયું. હું ઘેર પહોંચી ગયો. દીવો કર્યો. જોયું તો મારી પથારીમાં કોઈ બેઠું હતું. પૃથ્વીના કોઈ આદિ યુગનું કોઈ પ્રાણી. એ હાંફતું હતું, એની લાલ આંખો અંગારાની જેમ તગતગતી હતી. મેં દીવો હોલવી નાખ્યો…

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.