૧૨

આજે તડકાનાં જાણે ફોરાં ઊડે છે. એને તારા વાળની લટમાં ઝીલાઈ રહેલાં જોઉં છું. આજે જો આખા આકાશ જોડે વાત માંડવી હોય તો માંડી શકાય. આજે તારા મૌનમાંથી નક્ષત્ર ઘડી શકાય. એથી જ આજે તું કોઈ દૂરના તારા જેટલી નિકટ લાગે છે. આપણે આપણી વચ્ચે જેટલી દૂરતા સમેટી લઈ શકીએ તેટલું આપણા પ્રેમનું ઐશ્વર્ય વિશેષ. પણ કોઈ ગણિતનું પદ માંડીને તો દૂરતા કેળવતું નથી! કદાચ આવી પડેલી દૂરતાને સહ્ય બનાવવાને હું આવું આશ્વાસન શોધી કાઢું છું! ના, દૂરતાના જે અંશમાં આપણે નથી વ્યાપી ગયા હોતા તે જ શૂળ થઈને ખટકે છે. જે લોકો દૂરતાને પોતાની બહાર ફેંકીને પોતાની જાતને સંકોચી લે છે તેઓ કેવા અલ્પ બની જાય છે! આ અલ્પતા જ પ્લેગની ગાંઠની જેમ એમને પીડશે એનો એમને ખ્યાલ નથી હોતો. પણ માલા, દૂરતાના બે ધ્રુવ વચ્ચે કેવળ આપણે જ આપણે છીએ. એથી તો હું ખુશ છું. દૂરતાને એક વાર ફેલાવી દીધા પછી હૃદયમાં સંકેલી શકાય. પણ સંકોચી રાખેલી દૂરતા કૂવાની દીવાલને તોડીને ફૂટી ઊઠતા પીપળાની જેમ હૃદયને ભેદી નાખે. આજની હવા જાણે જાદુગર છે. અડીખમ ઘરમાં ચોસલાંઓ આજે તરવા લાગ્યાં છે. માણસો પોતાના નાસી જતા અવાજોને પકડવાને જાણે દોડી રહ્યા છે. દૃષ્ટિના દોર આજે હાથમાં રહેતા નથી. આવી ક્ષણે ગ્રહનક્ષત્રોના પ્રદક્ષિણાપથ આપણા હૃદયની સીમામાં સમાઈ જાય છે. મૃત્યુ એનું મહોરું ઉતારીને બે ઘડી પગ વાળીને આપણી જોડાજોડ બેસી જાય છે. ઈશ્વર સંતાકૂકડી રમવાનું છોડી દે છે. માલા, આજે તારાં આંસુ જોડે ક્રીડા કરી શકાય – એને સસલાં બનાવીને દૂર દૂર દોડવા છુટ્ટાં મૂકી શકાય. પછી તારી સાથે, એને શોધવાને બહાને, ક્યાંના ક્યાં જઈ ચઢવાનું પણ ગમે. કોઈક વાર આપણે પરિચિત રસ્તો ભૂલીને કોઈ અજાણ્યા સ્થાને જ નથી જઈ પહોંચતાં? ત્યારે પ્રથમ ક્ષણે તો ભય ઊપજે, પણ પછી આ પરિચિતતાનો સ્વાદ આપણે લેવા માંડીએ. તો માલા, ભલે એને નહીં કહીએ પ્રેમ, નહીં કહીએ મૈત્રી – લીલા કહે છે તેમ એને માત્ર કહીએ ‘કશુંક.’ તંગ દોર બધા જ છોડી નાખીએ. ‘સુખ’ના સુ અને ખને પણ નહીં જોડીએ. સૂર્ય જેમ આ તડકાનાં ફોરાં રૂપે વિખેરાઈ જાય છે તેમ આપણે પણ વિખેરાઈ જઈએ તોય શું?

આવી ક્ષણે મને લાગે છે કે તારા નિસ્તરંગ મૌનની પારદર્શકતા વિના મારા શબ્દો એમની પોતાની છબિ જોઈ શક્યા હોત ખરા? ખૂબ ખૂબ ગાઢ સમ્બન્ધ છે તારા મૌનનો અને મારા શબ્દોનો. સુખદુ:ખ – બધું જ સીંચીને આપણે એને ઉછેરતાં આવ્યાં છીએ. એક ક્ષણ એવી પણ આવશે જ્યારે એ એકબીજામાં ભળીને અભિન્ન બની જશે. ત્યારે એ અભિન્નતા જ રહેશે. આપણે નહીં રહીએ.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.