વરસાદની આછી ઝરમર. એના ધૂંધળા પડદા પાછળ ઢંકાયેલી સૃષ્ટિને શોધી કાઢવાનું કુતૂહલ માલાને થતું નહોતું. એ ધૂંધળા પડદા પાછળ પોતે પોતાની નજર આગળથી પણ અદૃશ્ય થઈ જવા ઇચ્છતી હતી. એણે આંખો બંધ કરી દીધી. ભિન્ન ભિન્ન અવાજને રૂપે સૃષ્ટિ એની બંધ આંખો આગળ આવીને ઊભી રહી. એની સાથે ભળી જવા લાગ્યા હૃદયમાં રહેલી સૃષ્ટિના ધૂંધળા આકારો. એ પૈકીના કોઈ આકારને એ ઓળખવા ચાહતી નહોતી. છતાં, એ આકારો ધૂળની ડમરીની જેમ, ઉનાળાની બપોરની નિસ્તબ્ધતાની જેમ એને ઘેરી વળ્યા. એ આકારોથી ઘેરાઈ વળ્યા પછીનું એકાકીપણું એને અસહ્ય લાગવા માંડ્યું. અસહ્ય આગળ કશી વાતનો છેડો આવતો નથી. એનાથી પણ કેટલે દૂર સુધી આપણને ઘસડાવું પડે છે! હોલવાઈ ગયેલા ઘીના દીવાની ધૂમ્રસેર આછી ને આછી થતી આખરે અન્ધકારમાં એકાકાર થઈ જાય છે તેમ એની ચેતના પણ પોતાનું આગવાપણું ખોઈ નાખીને કશાકમાં એકાકાર થઈ જાય તો! પણ એ કદી બની શક્યું નથી. આપણી ચેતનાને સંચિત કરવાને મરણનું પાત્ર પણ કદાચ નાનું પડતું હશે. એથી જ તો પ્રેતની નવી સૃષ્ટિ ઊભી થાય છે. મરણ આગળ ક્યાં બધી વાતનો છેડો આવે છે?
વળાંક લેતા એન્જિનના જોરથી ઘૂમતાં દેખાતાં પૈંડાં–ગતિ પોતે જ જાણે દાંત કચકચાવીને અટ્ટહાસ્ય નહીં કરતી હોય! અશોક ને લીલા વાતો કરે છે. અશોક ફરી ફરીને માલાને વાતમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે: સાથે જોયેલી ફિલ્મની, પિકનિકની, ને એવી ઘણી બધી વાતો. માલા થોડી વાર સુધી રસ લઈ શકે છે, પછી એ બધાંમાં એક પાત્ર તરીકે રહેલી માલાને એ ઓળખતી નથી એવું એને લાગવા માંડે છે. આ એ ચલાવી લેવા તૈયાર નથી. એ માલા પણ પોતે જ છે એમ લડીઝઘડીને સાબિત કરવા તૈયાર થાય છે. એના પ્રયત્નથી એ પોતે જ કચવાય છે. એ વરસાદનાં ટીપાંથી ઝાંખી બનેલી બારીની આરપાર જુએ છે. દૂર કોઈ મોટા સ્ટેશનનો આભાસ દેખાય છે – ઘણા બધા દીવા, સિગ્નલનાં લાલ લીલાં ટપકાં, ગાડીની ગતિનો બદલાતો લય. ગાડી સ્ટેશને આવીને થંભે છે. વિચિત્ર અવાજો ને આકારો ફરી ઘેરી વળે છે. અશોક પ્લેટફોર્મ પર જઈને ઊભો રહે છે. બહાર બારી આગળ ઊભો રહીને વાતો કરે છે. ઘડીઘડીમાં એ માલાનો હાથ પકડી લે છે. માલા નિશ્ચેષ્ટ બનીને બેસી રહી છે. પણ એ વાતમાં રસ લેવાનું ચાલુ રાખે છે. અશોક એની બહુ કાળજી રાખે છે. એના મનને બહેલાવવાનો પ્રયત્ન કરે છે. આ સ્ટેશને ઊતરીને ક્યાં જઈ શકાય, એની પ્રખ્યાત વસ્તુઓ, એ શહેરમાં રહેતા મિત્રો – કંઈ કેટલું એ બોલ્યે જાય છે. લીલા દૂર, પ્લેટફોર્મને બીજે છેડે પહોંચી ગઈ છે. અશોક એકાએક કોઈક ઓળખીતી વ્યક્તિને જુએ છે. માલા એને ઓળખતી નથી, છતાં એ વ્યક્તિને અશોક એની પાસે ખેંચી લાવે છે. પોતાની સાથેની આત્મીયતા અશોકને મન સદા કોઈને ચીંધી ચીંધીને બતાવવા જેવી લાગે છે. માલા કદિક એની આ વૃત્તિથી અકળાય છે. પણ માલા અકળાય છે એ જાણીને અશોક, એ નિમિત્તે, એની વધુ નિકટ આવે છે. આ નિકટતા ભારે લાગે એવું કશું માલાને કરવું નથી. એથી જ કદાચ અશોકને એ દૂર કરી શકી નથી. એ અશોકને જોઈ રહી છે. એના મુખ પર કશોક ઉદ્ધતાઈભરેલો આત્મવિશ્વાસ છે. એના જોરે એ બધું જ પામી શકે એમ છે, ને જે એ પામી શકે તેને એ જતું કરવા તૈયાર નથી. છતાં ‘મારે આ જ જોઈએ’ એવો એને આગ્રહ નથી. આ પ્રકારની, કશીક ન સમજાય એવી અનાસક્તિ, માલાને મૂંઝવે છે. પાંચ વર્ષ પહેલાં એણે પહેલવહેલો ઓળખ્યો ત્યારે એ જે હતો તે આજે પણ છે. એ આ સિવાય બીજું કશું હોઈ શકે નહીં. આથી જ તો એ દુનિયાને માણી શકે છે. પાંચ વરસ પહેલાંનો એ દિવસ – માલાને એ બધું નથી સંભારવું. આજે જ શા માટે એ બધું યાદ આવે છે? કદાચ પોતે પણ એની એ જ છે. એનું હૃદય તરફડવા લાગ્યું. સ્મૃતિને એ તોડીફોડીને ફેંકી દેવા ઇચ્છે છે, નથી ઝંખના હવે કશા સમ્બન્ધની. એ કેવળ સર્યે જવા ઇચ્છે છે – હવે પ્રશ્ન નથી પૂછવા: કોનો આ સ્પર્શ, કોનું આ મુખ.
વળી ગાડી ચાલી. અશોક ચાની ટ્રે લઈને બેઠો છે, ચા તૈયાર કરીને એક કપ એ માલાના હાથમાં મૂકી દે છે. પછી વાતો, વાતો, વાતો. માલા હસે છે, બોલે છે, ગમ્ભીર બની જાય છે. પણ લીલા એને છોડતી નથી. લીલાની આંખ સામે એ આંખ માંડી શકતી નથી. એ આંખોમાં ઠપકો છે. માલા રોષે ભરાય છે. પણ એ રોષ પ્રકટ કરવાનો એને ઉત્સાહ નથી. આથી લીલાને ચીઢવવા ખાતર જ માલા અશોક સાથેની વાતો ચાલુ રાખે છે. ખરેખર એટલા ખાતર? નરી પ્રવંચના! કદાચ લીલાની આંખમાં રોષ નથી. એ બધી નરી પોતાની કલ્પના જ છે. તો એ શા માટે જઈ રહી છે? એણે જ અશોકને સાથે આવવા આગ્રહ નહોતો કર્યો? અશોકને મન તો કદાચ અનેક પર્યટનો પૈકીનું એક પર્યટન છે. કદાચ એ માલાની કાળજી રાખવા ઇચ્છે છે. ઘટના બની ચૂકી છે. એના ભારને એ પોતે શા માટે ઉપાડે? જે નથી તેનો ભાર શા માટે હોવો જોઈએ? માટે જ અશોક આશ્વાસનના શબ્દો બોલતો નથી, એ ઘટનાનો ઉલ્લેખ સરખો કરતો નથી. એની પાસે ઘણા બધા ટૂચકાઓ છે, વાતો છે. ખાવાની પીવાની વ્યવસ્થા એ કરે છે. બધી જ નાની નાની વીગતોમાં એને રસ છે.
લીલા ગમ્ભીર નથી થઈ ગઈ. માલાની ગમ્ભીરતાનો ભાર પણ એ હળવો કરવા મથી રહી છે. માલા વિચારે છે: ક્યાંથી લાવે છે એ આટલી શક્તિ? એના હૃદયમાં ક્યાંય શું થોડા પડછાયા ડોકિયું નહિ કરતા હોય? માલા પણ બધું સહ્ય બનાવવા જ ઇચ્છે છે. મરણ એને કદી આવકાર્ય લાગ્યું નથી, પણ એકાએક, મનમાં આછો સરખો એ વિશેનો વિચાર પણ નથી હોતો છતાં, આંખમાંથી આંસુ ટપકવા લાગે છે. દૃષ્ટિ ધૂંધળી બની જાય છે, શ્વાસ રૂંધાવા લાગે છે. શું આ ધૂંધળાપણું હવે એની આંખ આગળથી કદી ખસવાનું જ નથી? (માલા, તું ઘણી વાર મને પૂછે છે: ‘આમ અન્યમનસ્ક કેમ થઈ જાય છે? તારી આંખમાં શેનો ગભરાટ છે? તું મુક્ત ઉલ્લાસથી કેમ જીવી શકતો નથી?’ મને પણ થાય છે કે આ પ્રશ્નોનો જવાબ મારે શોધવો જોઈએ. પણ સાચું કહું? કોઈ ઊંચા પર્વતની ધાર પર ચાલતા હોઈએ, જોરથી પવન ફુંકાતો હોય ને એકાએક ધુમ્મસ છવાઈ જાય, આજુબાજુ કશું દેખાય નહીં, જેના હાથમાં હાથ ગૂંથીને ચાલતા હતા તેનો અણસાર પણ ન વર્તાય ત્યારે ભયંકર નિર્જનતા આપણને ઘેરી વળે તેના જેવું મને એકાએક થઈ આવે છે. ક્યાંથી આવે છે આ ધુમ્મસ? ને જનનિબિડ સૃષ્ટિમાં ક્યાંથી ધસી આવે છે શૂન્યના જુવાળ? માલા, કોઈ વાર તારી દૃષ્ટિ પણ ભૂલી પડી નથી જતી? આપણું ન કહી શકાય એવું, જેનું નામ પણ ન પાડી શકાય એવું, જેને આંગળી ચીંધીને બતાવી પણ ન શકાય એવું કશુંક તીવ્ર દુ:ખ આપણી મોઢામોઢ નથી ઊભું રહી જતું? આ દુ:ખને સમજવા માટે તો હું લખું છું …) ધુમ્મસ સાથે કોણ લડી શક્યું છે? ધુમ્મસમાં ધુમ્મસ બનીને એકાકાર થઈ જવા સિવાય કોઈ રસ્તો છે ખરો? માલા વિચારે છે ને એનું ધ્યાન નથી છતાં અશોકે કરેલી મજાક સાંભળીને એ પણ હસવા લાગે છે. એને લાગે છે કે હવે આમ જ ચાલ્યા કરશે: એક સાથે ત્રણ ચાર ઘટનાઓ બન્યા કરશે, એમાંની એક્કેયમાં એ રસ લઈ શકશે નહીં ને છતાં એના આશ્રયે જ એ બનશે. ખૂબ ખૂબ થાક લાગે છે માલાને, પણ આંખ બંધ કરવાથી કશોક અજાણ્યો ભય એને ઘેરી વળે છે. પાંપણની અંદરની લાલાશ ભડકો થઈને જાણે એને લપેટી લે છે, પોતે પણ નર્યું લાલ ટપકું બનીને વહ્યે જાય છે, દાહની માત્રા વધતી જ જાય છે. એને લાગે છે કે હમણાં એક ભયંકર સ્ફોટ થશે, બધું રાખની કણ કણ થઈને વિખેરાઈ જશે. પણ કશું બનતું નથી. મહાપ્રયત્ને માલા આંખ ખોલી નાખે છે. પહેલાં તો આ પરિચિત સૃષ્ટિમાંનું કશું ઓળખાતું નથી. આકારોની રેખા સ્પષ્ટ થતી નથી, અવાજોનો અર્થ એકઠો કરી શકાતો નથી. આ બધું કરતાં કેટલો શ્રમ પડે છે! ‘(શું થયું માલા? થાકી ગઈ છે? અહીં પાસે આવ. ખૂબ રખડ્યાં હતાં કાલે? તું તો કહેતી હતી કે ત્રણ વાગ્યે અમે પાછાં આવી જઈશું, એકાદ કલાક આરામ કરીશ ને પાંચ વાગ્યે તો જરૂર તને મળીશ. પણ માલા, આ તો બીજો દિવસ. આખી રાતના ને અર્ધા દિવસના આરામ પછી પણ તારો થાક ઊતર્યો નથી. તું આંખ બંધ કરીને સૂતી છે. હું શું બોલું? મારો શબ્દ વિક્ષેપરૂપ નીવડે છે. માલા, જો તારો થાક હળવો થતો હોય, તો ભલે આમ મારા ખભાનો આધાર લઈને આરામ કર.’) કાચની બારી બંધ કરીને એને અઢેલીને જ માલા બેઠી છે, જાણે પોતાને જ ખભે માથું ઢાળી દીધું છે. કાચની બારીમાં પડતાં પ્રતિબિમ્બોમાં બહારની ને અંદરની સૃષ્ટિ કેવી ગૂંચવાઈ ગઈ છે! આમ જ એક વાર એ એકલી ગાડીમાં જઈ રહી હતી. અજયને પણ જવાનું હતું. પણ જાણી કરીને માલાએ એને આવવા દીધો નહોતો, ને પાછળથી મુસાફરીનું વર્ણન કરતાં એણે લખ્યું હતું: ‘તને એમ કે ગાડીમાં હું એકલી હોઈશ. ના, અરુણને તું ઓળખે છે? તેં જોયો તો હશે જ. એ ભારે હસમુખો છે. ક્યાં વખત ગયો તે ખબર પણ ન પડી.’ અજયે કદી આ વાતનો માલા આગળ ઉલ્લેખ કર્યો નહોતો. પણ આજે એ પછીનો એક બીજો પ્રસંગ માલાની નજર આગળ ખડો થયો. અજયના જાહેર સન્માનનો કશોક સમારમ્ભ હતો. એવે વખતે અજયને ચિઢવવાની માલાને ખૂબ મજા પડતી. આવા કોઈ સમારમ્ભમાં અજય ન છૂટકે જ જતો, કોઈ મિત્રોને તો એ વિશે કશું કહેતો જ નહીં. પણ માલા હઠ કરીને એ વખતે ગઈ હતી. સમારમ્ભ તો બીજે દિવસે હતો. એની આગલી રાતે બધાં અરુણને ત્યાં ભેગાં થયાં. એ પૈકીનાં કોઈ સાથે અજયને નિકટનો પરિચય નહોતો. એ તો માલાને કારણે ત્યાં ગયો હતો. બધાંએ ભેગાં મળીને સાહિત્યની, કલાની ઠીક ઠીક ઠેકડી ઉડાવી હતી. અજય અપરાધીની જેમ બેસી રહ્યો હતો. આમ ને આમ મધરાત પછી બધાં સૂતાં. માલા અજયની થોડેક જ છેટે સૂતી હતી. અજયને ઊંઘ આવતી નહોતી. માલાનો હાથ એના હાથને શોધતો એની નજીક આવતો હોય એવું લાગ્યું. એ પોતાનો હાથ એ દિશામાં આગળ વધારવા જતો હતો ત્યાં અરુણના હાથે માલાના હાથને જોરથી પકડી લીધો. બન્ને હાથ જાણે ગાઢ આલિંગનમાં ગુંથાઈ ગયા. અરુણનો હાથ માલાના મુખ પર, વક્ષ:સ્થળ પર ફરવા લાગ્યો. અજયને કશુંક શૂળની જેમ વીંધી ગયું. ને બીજે દિવસે સમારમ્ભમાં અજય આ વેદનાથી કે કોણ જાણે શાથી એવું તો હૃદયસ્પર્શી બોલ્યો કે માલાની આંખો આંસુથી છલકાઈ ઊઠી. માલા પોતે જ, વગર પૂછ્યે ખુલાસો કરવા બેઠી: ‘અરુણને તો ટેવ છે, સ્વપ્નમાં જ એ એમ કરતો હોય છે. મેં એનો હાથ ચાર વાર પાછો કાઢ્યો.’ વગેરે વગેરે. પણ અજય ઈર્ષ્યાથી ઝંખવાઈને સામાન્ય બની જાય એ માલાથી જ સહ્યું જતું નહોતું. માલા પોતે પણ અકળાઈ ઊઠી હતી. શું છે આ બધું? અજય માલાને કેવે રૂપે જોતો હશે? માલા સ્વામીત્વના પુરુષોના ખ્યાલની હંમેશાં ઠેકડી ઉડાવતી હતી. પણ એને જ સમજાતું નહોતું કે પોતે શા માટે આ રીતે વર્તતી હતી. એના સમસ્ત જીવનને એની પકડમાં એકાએક ગ્રહી લે એવું કશું એને મળ્યું નહોતું માટે શું એ આ રીતે સન્તોષ લેવા મથતી હતી? માલા બારી પરના કાચને બાઝેલા વરસાદનાં ટીપાં ખંખેરવા લાગી ને તે સાથે જ આંખમાંથી પણ ટીપાં ખરી પડ્યાં. લીલાએ ને અશોકે એ જોયાં કે નહીં તેની એણે ચિન્તા કરી નહીં.
અજય ઘણી વાર કહેતો: ‘માલા, ચાલ ને આપણે ખૂબ લાંબા ગાળા સુધી દૂર દૂર રખડી આવીએ. આજે અહીં, કાલે ત્યાં. જુદી જુદી આબોહવા, જુદા જુદા લોકો, જુદાં જુદાં દૃશ્યો, આપણા ચહેરાની રેખાઓ પણ બદલાયા કરે. દરરોજ સવારે નવેસરથી પરિચય કેળવવાનો. કોઈ દિવસ ખોવાઈ પણ જઈએ.’ કદાચ માલાને આ ખોવાઈ જવાની જ તો નહોતી બીક લાગતી? એથી જ તો અમલ, અશોક, અરુણ – બધા ‘માલા’ કહે ત્યારે એ પોતાને વિશે નિશ્ચિન્ત બની જતી, પોતાને સાચવી રાખતી, પણ સાચવેલી વસ્તુ પણ બદલાતી નથી? જે આ બદલાવાની હકીકતને સ્વીકારી શકે તે જ પ્રામાણિક. પણ અજય કશાક ભયથી તો ભાગતો નહોતો? રખેને પોતાનો ચહેરો આખો જોઈ જવાય એ બીકે તો દર્પણ નહોતો તોડતો જતો? માલાને કશું સમજાતું નહોતું. વરસાદનાં ટીપાંની કે આંસુની માળા ગૂંથી શકાય? છતાં એ ગોઠવવા બેઠી: મુંબઈ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મરીન ડ્રાઇવ, પહેલું નામ: અજય મહેતા, બીજું નામ માલા દેસાઈ, ત્રીજું નામ અશોક પટેલ, ચોથું નામ અરુણ પરીખ, પાંચમું નામ અમલ મજમુદાર, છઠ્ઠું નામ લીલા શાહ. આ નામને એણે પાંચીકાની જેમ ભેગાં કરીને ઉછાળ્યાં. કેવાં લાગતાં હતાં આ નામ? જાણે કશીક અજાણી જ વાત ન હોય? એ નામો એણે ફરી હારબંધ ગોઠવ્યાં. થોડાં સંતાડી દીધાં. બહાર સ્ટેશનનાં પાટિયાંના અક્ષરો ગતિની ઠોકર લાગતાં છૂટા પડીને વિખેરાઈ જતા હતા. ગાડી એને એકઠા કરવાનો સમય આપ્યા વિના આગળ દોડી જતી હતી. કાળ પણ એમ જ દોડ્યે નહોતો જતો?
કોલેજ–ક્લાસરૂમ–સેમિનાર–એન્યુઅલ ફંક્શન–ગ્રુપ ડાન્સ–કવિસંમેલન: આ બધા ઢગલા વચ્ચે થઈને એ અજય સુધી પહોંચવા મથી રહી હતી. શું નામ હતું એ ગ્રુપનું? એ હસી. સ્મૃતિ કેવી ઝાંખી થઈ જાય છે! હં, યાદ આવ્યું: મિશ્ચિફ મન્ગર્સ. લીલા જ એક દિવસ ખેંચી ગઈ હતી. કંઈક ડિસ્કશન હતું: ‘ધી ડેથ ઓવ ગોડ.’ લીલા તો ખૂબ ગુસ્સે થઈને બોલી હતી. માલા ચુપચાપ બેસી રહી હતી, તે દિવસે પહેલવહેલા અજયને સાંભળ્યો હતો. એ સહેજ–સહેજમાં મુગ્ધ થઈ જાય એવી તો છે જ નહીં. પાછળથી કૅટકોલ્સ ને બૂઇંગ કરવામાં સામેલ થઈ ગઈ હતી. સાથે હતા અરુણ, અશોક ને અમલ. અમલને તો પહેલેથી જ અજય સામે રોષ. વેદિયો, બબૂચક, ઢોંગી, કવિરાજ – ગાળોનો અખૂટ ભણ્ડાર હતો. પછી ઇલાના આપઘાતનો પ્રસંગ. બધા અમલ તરફ આંગળી ચીંધતા હતા. અમલ સમ્બન્ધને ક્યાં સુધી આગળ ખેંચી ગયો હતો! ઇલા સર્વસ્વ હોડમાં મૂકી ચૂકી હતી. ઠંડે કલેજે અમલ એની માના કહેવાથી કોઈ છોકરી જોડે વિવાહ કરી બેઠો, બીજે દિવસે ઇલાનો અન્ત. આવું મોત જંદિગીને છાપાળવી ઘટનામાં ફેરવી નાખે એમ અજયે કહેલું. ઈર્ષ્યા, દ્વેષ અશ્લીલ છે, કારણ કે જંદિગીની શોભાને એ હણે છે. મૂક ગુપ્ત વેદના સારી. એનો દેખાડો ખોટો. તે દિવસે, શોકના વાતાવરણમાં પણ માલા કહી બેઠી હતી: ‘તમારી પ્રેયસીનું નામ પાડીશું વેદના.’ એ સાંભળીને કંઈક બોલવા જતો હતો, પણ તરત જ એણે શબ્દો વાળી લીધા હતા. લીલાને આ નથી ગમતું. જેટલો જુલમ જાત પર કરીએ છીએ તેટલું જાણ્યે અજાણ્યે બીજા પર ક્રૂર વેર લઈએ છીએ. કદાચ લીલાની વાત સાચી છે. એ શબ્દો જો તે દિવસે એણે બોલી નાખ્યા હોત તો એના એ ન બોલેલા શબ્દોથી રોષે ભરાઈને પ્રથમ પરિચયે જ માલા જે કડવાશ ઊભી કરી બેઠી હતી તે ન થઈ હોત. માલા હસી પડી: કોને ખબર! એના સૂના સૂના મનમાં પડઘા ગાજી ઊઠ્યા. ‘કોને ખબર!’ અજય માલાના આવા જવાબથી હંમેશાં અકળાતો. માલા વાત ટાળવા માટે નહોતી કહેતી. કદાચ માલાના સ્વભાવનું જ એ લક્ષણ હતું. એ પોતાને પણ દૂરના કોઈ દૃશ્યની જેમ જોવા ઇચ્છતી હતી. પોતાની આછી રેખાઓથી વિશેષનો એને લોભ નહોતો. અથવા એથી વધુ જિરવવાની એનામાં કદાચ શક્તિ નહોતી. માણસો પોતાને વિશે આવી ચૂંથાચૂથ જંદિગીભર શા માટે કરતા હશે તે લીલાને સમજાતું નહોતું. સહેજ સહેજમાં ઈર્ષ્યાનો તણખો ઝરે એ તે પ્રેમ કહેવાય? અમલ માલાને સ્પર્શવા જાય, સ્પર્શે એથી અજય શા માટે અકળાઈ જાય? એટલા સ્પર્શથી જ માલા અમલની થઈ જવાની હતી? ને જો એટલા માત્રથી જ માલા અમલની થઈ જાય તો ખોયાનો અફસોસ શો? આ વાત અજયને માન્ય નહોતી. અમલ માલાને પામે કે ન પામે, પણ માલા પોતાને ખોઈ શા માટે બેસે? અમલ માલાને પામવા ઇચ્છે છે એવું પણ માનવાની કશી જરૂર નથી. તો માલા શા માટે આવી ગૂંચ ઊભી કરે છે? અજય આથી ઘણી વાર અકળાઈ જતો. એક બે વાર અન્યમનસ્ક બની ગયેલી માલા કશું બોલી નહીં ત્યારે અજયે અકળાઈ ઊઠીને કહેલું: ‘હું આટલું બધું બોલી ગયો તેમાંનો એક અક્ષર તારે કાને પડ્યો ખરો?’ માલાએ ઠંડે કલેજે જવાબ આપ્યો હતો: ‘ના.’ અજય ઝંખવાઈ ગયો, દુ:ખી થયો. એટલું ઓછું હોય તેમ માલાએ કહ્યું હતું: ‘તું ક્યાં મને સંભળાવવાને બોલતો હતો? હું તો નિમિત્તમાત્ર.’ આથી જ તો લીલા ઘણી વાર માલાને કહે છે: ‘માલા, કેવળ નિમિત્તરૂપ બની રહેવાની પણ મજા છે, પણ તારું અભિમાન તને એમ કરવા દે તેમ નથી ને અભિમાન વિના જો તને ન ચાલે તો પ્રેમ’ – માલા ચિઢાઈને કહી દે છે: ‘પ્રેમ, પ્રેમ, પ્રેમ! અભિમાન વિનાનો તે પ્રેમ હોય? એ તો કરોડરજ્જુ વિનાની બીભત્સ ખુશામત.’ પરિણામરૂપે રહી જાય ન સમજાય એવી ને માટે જ અકળાવી મૂકનારી વેદના. શરીર અને મન સાથે દોડીને એક સ્થાને પહોંચી શકતાં નથી. શરીર એનું સુખ ધૂર્ત બનીને મેળવી લે છે. મન એની ગૂંચમાંથી બહાર નીકળતું નથી. પણ અજય શું આ સમજતો નથી? લીલા વિચારે છે. અજય કે માલા જાણતાં નથી છતાં લીલા આ વિશે ખૂબ ખૂબ વિચારે છે. એણે અજય સાથે દૂર દૂર સુધી ફરવાનો પ્રયત્ન કર્યો છે. અજયનું મન લોભાવવાની અશ્લીલતા એનાથી આચરી શકાઈ નથી. પણ અજય શા માટે માલા સાથેના અશોક, અમલ, અરુણના આછકલા સમ્બન્ધોની ઈર્ષ્યા અનુભવે છે ને દુ:ખી થાય છે તે એને સમજાતું નથી.માલા સર્વસ્વનું સમર્પણ નથી કરી શકતી? અજયનું વ્યક્તિત્વ એને આકર્ષે છે. એની સાથે બહુ ઊંડો, મર્મગત, સમ્બન્ધ દૃઢ થઈ જ ચૂક્યો છે એ પણ એ સ્વીકારે છે તો પછી? બસ, આટલે આવીને લીલા અટકે છે. અશોક વાતો કરે છે ત્યારે લીલા આ બધું વિચારે છે ને અજયને ઠપકો આપવા તૈયાર થઈ જાય છે. ત્યાં એને એકાએક ભાન થાય છે.
બહાર નર્યો અન્ધકાર જ અન્ધકાર છે. ગાડી દોડ્યે જ જાય છે. માલા આંખો બંધ કરીને ગાડીના દોડવાના અવાજને, નાની બાળા દાદીમાની વાત સાંભળતી હોય તેમ, સાંભળે છે. નાડી ને શિરાઓનાં બન્ધન છેદીને, સ્મૃતિના ગૂંચવાયેલા તાંતણાઓને છેદીને, સ્નાયુઓના બંધ ઢીલા કરીને મુક્ત થવું, અલોપ થવું – શું અજયે આવી મુક્તિ ઝંખી હશે? આખરે મુક્તિ? કોઈ મુક્તિ વિષાદને નિ:શેષ કરી શકતી નથી. આજે જે વિષાદનો મહેરામણ ગરજી રહ્યો છે તે અજયને નહીં સંભળાતે હોય? પણ કદાચ આટલું જ નહીં એથી કશું વિશેષ બનતું હશે. માલા બધી જ જવાબદારી સ્વીકારે છે. પણ એથી શું? એ પ્રશ્નનો કશો અર્થ નથી. અજય જ્યારે બહુ રોષે ભરાતો ત્યારે એ માલાની હથેળીમાં લખી દેતો. ‘One who loves is inferionr, and must suffer.’ માલાને એ યાદ આવ્યું. માલાથી રોષથી પૂછી દેવાયું: ‘હવે કોણ સહન કરે છે?’ પછી તરત એને થયું: કદાચ આ વેદનાથી મને બચાવવાને જ એ આજ સુધી મથી રહ્યો નહોતો? છંછેડાયેલી ભમરીની જેમ પ્રશ્નો એને ઘેરી વળે છે. ડંખે તો ભલે ડંખે.
અશોક અને લીલા ઉપલી બર્થ પર સૂઈ ગયાં છે. લાઇટ બુઝાવી નાખી છે. ગાડી બે સ્ટેશનોની વચ્ચે ઊભી રહી ગઈ છે. એન્જિનનો દૂરથી અવાજ આવે છે. તરત જ કાંઈ કેટલાંય અજાણ્યાં દૃશ્યો એ જોવા લાગે છે: માનવીઓ છે પણ બધાં અજાણ્યાં. એ બધાં શું બોલે છે, કરે છે તે એને સમજાતું નથી. પછી એ અહીં શા માટે છે? કોની રાહ જોઈ રહી છે? ધીમે ધીમે અસંખ્ય લોકોની ભીડ એને ઘેરી વળે છે. એમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. લોકોના હાથ એના હાથ સાથે ગૂંચવાઈ જાય છે. લોકોના ઉચ્છ્વાસ એને ઘેરી વળે છે. એને આ બધામાંથી છૂટવાનો કોઈ રસ્તો દેખાતો નથી. એ આંખ બંધ કરીને કેવળ ઊભી રહી જાય છે. એનું શરીર જાણે કણ કણ થઈને એ ટોળામાં વિખેરાઈ જાય છે. કેવળ હાહાકાર કરતું શૂન્ય એને ઘેરી વળે છે. એ ભયની મારી આંખો ખોલી નાખે છે. બારીના કાચ વરસાદનાં ટીપાંથી ઝાંખા થઈ ગયા છે. બહાર અન્ધકાર છે. વરસાદ વરસવાનો અવાજ એ કાન દઈને સાંભળે છે. ‘(જો માલા, વરસાદ પડે છે. વરસાદ આકાશની સ્વગતોક્તિ છે. તું સાંભળે છે? તારી આંખ ઊંઘથી ઘેરાઈ જાય છે, ખરું ને? પણ તું ઊંઘી જાય છે ત્યારે નિશ્ચેષ્ટ હાથને હાથમાં લઈને બેસતાં છાતીમાં ડૂમો ભરાઈ આવે છે. તું પાસે છતાં, તારો હાથ હાથમાં છતાં, કેવી એકલતા મને ભીંસી નાખે છે! માટે તો કહું છું માલા, સહેજ થોભી જા, મારી સાથે થોડીક વાર જાગતી બેસી રહે. જો તો, પવન કશુંક ઉખાણું પૂછી રહ્યો છે. બારીના કાચ પર નાની નાની આંગળીના ટકોરા મારીને આ જળબિન્દુઓ તને કશુંક સાંકેતિક ભાષામાં કહી રહ્યાં છે. હું પણ કાન સરવા રાખીને, કોઈ ગત જન્મની વિસ્મૃત કથા આજે આકાશમાં બેઠા બેઠા કરી રહ્યું છે તે સાંભળી રહ્યો છું. કેવી અસહ્ય વેદના – માલા, સહેજ તારે ખભે માથું ટેકવવા દે. વરસાદનાં ટીપાં સૂરજની પડોશમાં જ રહેતાં હતાં. છતાં કેટલાં શીતળ, કેટલાં ભંગુર! એમની લીલા તો પૂરી થશે ને સૂરજનું એકલવાયાપણું ભડકે બળ્યા કરશે. સૂર્યનો ને છાયાનો વિયોગ – એના જેવો કોઈ વિયોગ હશે ખરો? માલા, તારાં આંસુ પણ સૂરજનાં પડોશી નથી? પણ વરસાદનાં ટીપાં તો આનન્દથી નાચતાંકૂદતાં આવે છે ને ધરતીમાં કે જળમાં શમી જાય છે. તારાં આંસુ? વરસાદનાં ટીપાં ધાન્યનાં બીજને ઢંઢોળીને જગાડશે. એમનું હરિત હાસ્ય વિશાળ મેદાનોમાં લહેરાઈ રહેશે. ને કૂણાં કૂણાં પાંદડાં પર લખલૂટ મોતી વેરાઈ જશે. માલા, તું ક્યાં વિખેરે છે તારાં મોતી? ક્યાં છે તારો એ અસીમ હરિત વિસ્તાર? માલા, સહેજ થોભી જા, મારી છાતી પર માથું ટેકવીને આરામથી બેસ. તારી ધબકતી નાડી ને વરસતા વરસાદનો લય એ બેને ભેગા કરીને મને સાંભળવા દે. કેવી ઉષ્મા છે તારી કાયાની? આજે મારી સાથે જરાક વાર જાગતી બેસી રહે. ચારે બાજુ નિદ્રાધીન નિસ્તબ્ધતા વચ્ચે નાના શા દ્વીપ જેવાં ભલે ને થોડી વાર આપણે ટકી રહીએ. પછી છોને આવતો પ્રલય. પવને પડદા ઢાળ્યા છે. વૃષ્ટિધારાની ચામર ઝૂલે છે. તળાવડીના જામમાં આકાશનો માદક આસવ છલકાય છે. આજે આપણા હૃદયની ધરતીમાં ઊંડે ઊંડે મૂળ નાખીને કશુંક પલ્લવિત થવા ઇચ્છે છે. કેટલા બધા આનન્દનું એને પોષણ જોઈશે? માલા, આજે એ આનન્દ સંચિત કરી લઈએ. પછી ઐશ્વર્યના વિસ્તારને જોતાં જોતાં આપણે આપણું વિસર્જન કરી દઈશું. પણ માલા, આજે આંખો બીડી દઈશ નહીં, નિદ્રાને તળિયે ડૂબકી મારીને ખોવાઈ જઈશ નહીં.’) એક સ્ટેશન, પાટાઓ બદલવાનો કર્કશ અવાજ, થોડા ટમટમતા દીવાઓની ઝડપથી અંકાઈને ભુંસાઈ જતી રેખા, ફરી અન્ધકાર, ફરી એ જ ગતિનો લય. પણ હવે માલા આંખ બંધ કરવાનું ઇચ્છતી નથી. અશોકને જગાડીને એ તરેહ તરેહનાં ગપ્પાં મારવા ઇચ્છે છે. અશોક પાસે ‘રીડર્સ ડાયજેસ્ટ’માંની jokesનો અખૂટ ભણ્ડાર છે. ફિલ્મનાં ગીતોની મદદથી એ અન્તકડી પણ રમવા લાગે છે. કોઈ અજાણ્યા સ્ટેશને, ઊતરીને, લગભગ ગાડી ઊપડવાની અણી પણ હોય છે ત્યાં એ ગરમ ગરમ ચા લાવીને માલાના હાથમાં મૂકી દે છે. ફરી વાતો, માલા સાંભળતી સાંભળતી દૂર સરી જાય છે. પણ કેટલે દૂર? પાછા આવવાનો રસ્તો ભૂલી જવાય એટલે દૂર? સ્ત્રી કદી એવી રીતે ખોવાઈ જતી નથી. કોઈ મધરાતે દ્વાર ખખડાવે તો સૂનું ઘર એનો શો જવાબ દે? માટે સ્ત્રી પાછી વળે છે. બારણું ખોલે છે – પણ ઘણી વાર, બહાર કોઈ હોતું નથી. કેવળ ભણકારા વાગે છે. પવન સૂસવે છે. શૂન્ય સળકે છે. પાછું બારણું વાસી દેવું પડે છે.
સવાર થવા આવી છે. પ્રભાતનો આભાસ પૂર્વમાં દેખાય છે. માલાની આંખો બળે છે. સવારનો કૂણો તડકો પણ એ ખમી શકવાની નથી. પણ દિવસે કાંઈ આંખ બંધ કરીને બેસી રહેવાશે નહીં. એકદમ એનું મન અકળાઈ ઊઠે છે. એ વિચારે છે: ‘હવે જે સ્ટેશને ગાડી ઊભી રહે ત્યાં ઊતરી જાઉં, ઊતરીને જ્યાં સુધી જવાય ત્યાં સુધી ચાલી જાઉં. પછી જે થાય તે કરું. હવે લીલા, અશોક, અરુણ, અમલ કોઈનો ચહેરો જોવો નથી, કોઈનો શબ્દ સાંભળવો નથી, હવે જોઈએ છે એકાન્ત, અજાણ્યો દેશ, અજાણ્યા લોકો – એ બધાં વચ્ચે હું મારો નવો પરિચય કેળવીશ, અજયની મદદથી, પછી બધું નવેસરથી શરૂ કરીશું.’ એ વિચારતી હતી ત્યાં અશોકે એને કહ્યું: ‘ચાલ, સ્ટેશન આવવાની તૈયારીમાં છે. પ્લેટફોર્મ પર પગ છૂટા કરીએ.’ એ ઊભી થઈ ગઈ. વીલરનો બૂક સ્ટોલ, ટી.સ્ટોલ, ઊંઘરાટાયેલાં બાળકો, બિસ્તરા, પંખીનો કિલકિલાટ – માલા અશોકના હાથમાં હાથ ગૂંથીને ફરતી રહી, અશોક કશું બોલતો નહોતો,’(માલા, કાલે મેં તને જોઈ હતી. તું અશોક સાથે હતી. મને બોલાવવાનું મન થયું. પછી મને થયું કે કદાચ એ તને નહિ ગમે. ને તેં શું મને નહોતો જોયો? તું અશોકની પાછળ ઢંકાઈ જાય એવી રીતે ચાલતી હતી. મને ઘણું કુતૂહલ થયું: તમે શી વાતો કરતાં હશો? પણ હું જાસૂસી નથી કરતો. તને જોવાનું ગમે છે, તને બોલતી સાંભળવી ગમે છે માટે.’) માલા અકળાઈ ઊઠી. કંઈક બહાનું કાઢીને એ એકલી પડવા ચાહતી હતી, પણ અશોક હાથ છોડતો નહોતો. આખરે એ પરવશ બનીને એની સાથે ચાલવા લાગી. ગાડી ઊપડવાનો સમય થયો. બંને પાછા ફર્યાં. લીલા બારીમાંથી ડોકું બહાર કાઢીને એમની રાહ જોઈ રહી હતી. વળી ગાડી દોડવા લાગી. એનો એ ક્રમ – માલાથી હવે રહેવાતું નહોતું. લીલા પણ શું એ સહન કરી શકતી હતી? બધાં કેમ દિલ ખોલીને વાત કરતાં નથી? અજયને આથી જ કદાચ મૌન અકળાવતું હશે. પણ બોલવાનુંય સ્વાભાવિક તો બની રહેવું જોઈએ ને? માલા આ બધી ગૂંચથી અકળાઈ ઊઠે છે. ‘(માલા, તું કેમ બોલતી નથી?’ ‘અજય,મારા મનમાં ઘણી બધી ગૂંચ છે.’ ‘મને કહે ને, હું ઉકેલવામાં મદદ કરું.’ ‘કોણે જાણ્યું કદાચ ઉકેલવા જતાં જ તું ગૂંચ વધારી મૂકે તો?’) લીલા કહે છે કે જે દિલ દઈને જીવે છે, જે દિલચોરી કરતા નથી, તેના જીવનમાં ગૂંચ ઊભી થતી નથી. કોણ જાણે? માલાને કશું સમજાતું નથી. કાંટાને કાંટાથી કાઢી શકાય, ગૂંચ વડે ગૂંચ ન ઉકેલી શકાય. પણ માલા વિચારે છે. ‘મેં ગૂંચનો હાઉ ખોટ્ટો તો ઊભો નહોતો કર્યો ને? ના કહેવી જોઈએ ત્યાં ના કહેવાની હિંમત કરી હોત, હા પાડવાની ક્ષણે હા પાડી હોત તો? પણ આ જ તો સહેલું નથી. હૃદય દગો દે છે. ખંધું બનીને કશું બોલતું નથી ને એ દરમિયાન ક્ષણ ચાલી જાય છે, પણ એ ક્ષણ આગળ જંદિગી તો પૂરી થતી નથી!’
લીલા માલા પાસે આવીને બેઠી છે. હવે એ અજયની વાત નથી કરતી. આમ છતાં, બંને જાણે છે કે એમના મનમાં રહી રહીને અજયની વાત ઝબકી જાય છે. સમ્બન્ધો અટપટા શા માટે હશે? આપણૈ એને વિસ્તરવા દેતા નથી, બંધિયાર કરી મૂકીએ છીએ. લીલા તો કહે છે જ કે જે જંદિગી સમસ્તને આવરી લે નહીં તે પીડા થઈને ઊભી રહે. પણ જંદિગી – આપણી જંદિગીની આપણને કેટલી ખબર હોય છે? માટે જ તો સાહસ, ભોગ (કે ત્યાગ?). લીલાની આ વાત માલા વિચારે છે. પ્રેમ ભોગ માગે છે. પણ એવું શા માટે? આ બધી રકઝક લીલાને ગમતી નથી. રખેને ખોટું થઈ જાય, ભૂલ થઈ જાય, પાપ થઈ જાય એવી બીકથી જીવનારા જ ગૂંચ ઊભી કરે છે – એવું એને લાગે છે. પાપનો ભય જ આખરે પાપ નથી બની રહેતો? ને નર્યું પુણ્ય આપણને એકલા નથી પાડી દેતું? આથી લીલા ઘણી વાર કહે છે: ‘માલા, તું બધા વચ્ચે ઘેરાઈને તારી એકલતાને મિથ્યા ઠરાવવા મથે છે. પણ તારો એ પ્રયત્ન જ કેવો દયામણો લાગે છે!’ કોઈ વાર માલા પોતાને સાવ ભૂલી જઈને વાતાવરણમાં તદાકાર થઈ જાય છે ત્યારે બધું કેવું હળવું લાગે છે! નરી પ્રસન્નતા લહેરાઈ રહે છે. પણ વળી ધીમે ધીમે બધું ભારે બનતું જાય છે. પારદર્શકતા ઝાંખી થાય છે. આંખે આંસુ ઝરે છે.
હવે દિવસ ઊગી ચૂક્યો છે. તાંબાવરણાં પાણીનાં ખાબોચિયાં ઠેરઠેર ભરાઈ ગયાં છે. ચકલીઓ ઊડી ઊડીને નાનાં નાનાં જીવડાંને પકડે છે. ઝાડ વરસાદમાં નાહીને ચોખ્ખાં થયાં છે. સવારનો તડકો એમના પર ખીલી ઊઠ્યો છે. છતાં પશ્ચિમમાં દૂરને છેડે ક્ષિતિજ ધૂંધળી દેખાય છે. હવામાં ભેજ છે. બારીની બહાર માથું રાખીને માલા જોયા કરે છે. કોઈક વાર નજીકના ઝાડ પર ઝિલાઈ રહેલાં ટીપાં પવનથી હાલીને માલાના વાળમાં ઝિલાઈ રહે છે. અશોક ઉપલી બર્થ ઉપર આંખ બીડીને પડ્યો છે. એનો એક હાથ નીચે ઝૂકી ગયો છે. માલા એને જોઈ રહી છે. નાનાં નાનાં સ્ટેશનો પસાર થઈ જાય છે. નાનાં ટપકાં જેવાં દૂર દૂરનાં ઝૂંપડાં, ચોરસ, લંબચોરસ આકારે વિસ્તરેલાં ખેતરો, વચ્ચે આવી જતું એકાદ શહેર – માલા અન્યમનસ્ક બનીને આ બધું જોયા કરે છે. હવે કોણ જાણે કેમ આંખ બંધ કરવાની એની હિંમત ચાલતી નથી. અજય એને કહેતો: ‘માલા, અનુભવ કેવળ તારો છે એમ માનીને નહીં, પણ તું સૌના વતી એને ગ્રહી રહી છે એમ માનીને ઝીલતાં શીખ.’ એટલો બધો ‘હું’નો લોપ માલાને કદી ફાવ્યો નથી. ‘હું’નો તો સ્વાદ છે, એ જ કાઢી નાખીએ તો સ્વાદ જ શો રહે? પણ ‘હું’ના અભાવનો પણ સ્વાદ હશે જ ને? અજયના ‘હું’નો સ્વાદ માલાને ભાવતો હતો. પણ એ એનો લોપ જ કરવાનું ગાંડપણ લઈને બેઠો હતો. આ કદી માલાને સમજાયું નથી. શું છે સર્જન? સાહિત્ય? કલા? પોતાના સુખનો લોપ કરો, સંસારનો લોપ કરો, કેવલ અનુભવ ઝીલવાનું નિમિત્ત બનો. કેવળ નિમિત્ત બની શકાતું હશે? જો એવું હોત તો અજય માલાને ઝંખે શા માટે? અલબત્ત, અજય કહેતો કે માલા, આપણા પ્રેમને માથે છાપરું નહીં હોય, આઠે પહોરનો ઘરસંસાર નહીં હોય, આપણો પ્રેમ સદા વિહરતો રહેશે. માલાને આ ગમતું. પણ અજય જે સર્જતો તેમાં કેવળ એને એકાન્તનો ખપ હતો. ત્યાં એ કોઈની છાયાને પણ પ્રવેશવા દેતો નહીં. એ અહંકાર ઉગ્ર નહોતો? માલા તો એ અહંકારથી ઘવાઈ જતી, દૂર ફેંકાઈ જતી. કદાચ અજયને એની ખબર ન હોય. લીલાની વાત જુદી જ હતી. લીલાને આવું ટાહ્યલું પસંદ નહોતું. જો પ્રેમ મહત્ત્વનો છે તો પછી બીજું બધું આપોઆપ જ ગૌણ નથી બની જતું? શબ્દો પણ સાથે રહીને સરજી શકાય. આ બધું વિચારતા માલાનું મન થાકથી ઢળી પડતું. સાહજિકતા કેમ આટલી વિરલ હશે? અશોકમાં આ સાહજિકતા છે? એ જે મનમાં આવે તે કરે છે. ઝાઝી કશી લપછપ નહીં. પણ માલાનું મન તો વરણાગિયું છે. હજાર વાંધા કાઢે છે. રિસાઈ જાય છે. એને મનાવવું એ સહેલી વાત નથી. લીલા અજયે રચેલી સાહિત્યિક સૃષ્ટિની આબોહવાને ઓળખે છે, ને એથી જ કદાચ અજયને પણ એટલે અંશે વધુ ઓળખે છે. માલા એ પરત્વે કંઈક ઉદાસીન રહે છે. ‘(માલા, તને યાદ છે? તે દિવસે આપણે સાડી લેવા ગયાં હતાં. ખૂબ સુન્દર હતી સાડીઓ. તું એનો પાલવ કેવો લાગશે તે જોવા એને તારા શરીર પર ધરી જોતી હતી. તારી મુગ્ધતા જોઈને હું ખુશ થતો હતો. તેં આનન્દથી મારી પસંદગીને વધાવી લીધી ને સાડીઓ લીધી. પણ માલા, મને સાહિત્યનો પણ એટલો જ શોખ છે. તું મારી સાથે ‘સ્ટ્રેન્ડ’માં આવી હોત ને ‘આ લઈએ? આ તને બહુ ગમે છે? આ કવિતા તો આપણે વાંચવી જ હતી ને?’ એમ આનન્દથી ચંચળ બનીને કહેતી હોત ને ઘણી બધી ચોપડીઓ લઈને મને આનન્દવિહ્વળ કરી નાખ્યો હોત તો? પણ માલા, તું નવી ભાતના રૂમાલ લેવા ઊભી રહી ને હું ફૂટપાથ પરનાં સસ્તાં પુસ્તકો જોતો ઊભો રહ્યો. એ દરમિયાન આપણે કેવાં છૂટાં પડી ગયા!’) ઘણી વાર માલાને લાગે છે કે કેટલીક ભ્રાન્તિઓને નાહકનું લાલનપાલન કરીને એણે પોષી છે ને આખરે એ પુષ્ટ થયેલી ભ્રાન્તિના ભારથી હૃદયને હાથે કરીને એણે કચડી નાખ્યું છે. એની ને અજયની વચ્ચે કશો જ ભેદ નહોતો, ને છતાં એ ભેદની ભ્રાન્તિને એણે શા માટે વહાલી ગણી હશે? એનો કોઈ આગવો રસ હશે? શું અજય એની આ નિર્બળતાને પારખી નહીં શક્યો હોય કે પછી પારખવા છતાં બોલ્યો નહીં હોય?
રેલવે લાઇનની સમાન્તર દોડ્યે જતા રસ્તા પર, અન્ધકારને વીંધીને એક મોટર દોડ્યે જાય છે. થોડી વાર સુધી એના બે દીવાઓ દેખાય છે, પછી એ ક્યાંક વળાંક લઈને વળી જાય છે ને એનું લાલ દીવાનું ટપકું પણ આખરે દેખાતું બંધ થઈ જાય છે. માલાને યાદ આવે છે: આમ જ એક વાર, એક અંધારી રાતે ( અજયને અજવાળી રાતો ગમતી નહિ.) એ અજય સાથે ટેક્સીમાં દૂરના નિર્જન સમુદ્રતટ પર જઈ રહી હતી. ખ્રિસ્તીઓનાં દેવળો, સાંકડી ગલીઓ ને એની વચ્ચે વચ્ચેથી દેખાતો સમુદ્ર – જાણે કોઈક નવા જ પ્રદેશમાં જઈ રહી હોય એવો માલાને આનન્દ થતો હતો. અજય આનન્દમાં હતો. ખૂબ બોલ્યે જતો હતો. માલા જાણે બધાંનું આકણ્ઠ પાન કરી રહી હતી. રસ્તો સમુદ્રના કિનારાની સમાન્તર ચાલ્યે જતો હતો. અન્ધકારમાં દૂરથી ઊછળીને ભાંગી પડતાં મોજાંની ફેનશુભ્ર કેશવાળી અને હણહણાટ – નવું જ વાતાવરણ ઊભું થઈ જતું હતું. માલા આમ તો સ્વભાવથી ભીરુ, પણ તે દિવસે એ પણ જાણે કાંઠો તોડીને છલકાઈ ઊઠવા ઇચ્છતી હતી. સમુદ્રમાં ભરતીની શરૂઆત થઈ હતી, ખડકોને અથડાઈને મોજાં ભાંગી પડતાં હતાં ને ફીણની ઝૂલ રેતીના પટ પર આંકી દઈને ભાગી જતાં હતાં. અજય એનો હાથ પકડીને ધીમે ધીમે આગળ લઈ જતો હતો. ઊડતા જળસીકરોનો શીતળ સ્પર્શ માલાના હૃદયને બહેકાવી મૂકતો હતો. એના હાથ પરવશ બનીને, કશીક છલકાઈ ઊઠેલી ઉત્કટતાથી અજયને ઘેરી વળ્યા હતા. અજયને મુખે ઉચ્ચારાતો એના નામનો ટહુકો – એની મીઠાશને એ ઘૂંટ્યા કરતી હતી ‘(મારો હાથ કશા સંકોચ વિના તારા હાથને ગ્રહી લે એટલો જ તારા મનનો છૂપો લોભ, એને તું વશ થઈ એમાં તું કેટલી સાચી પડી, નહીં? કારણ કે જીવન કેટલીય વાર નાહકના સંકોચથી રૂંધાઈ જાય છે! રૂંધી રાખેલો એક સૂર જો વહી જવા દઈએ તો એને જ સાંભળવાની રાહ જોઈને આપણી નિકટ બેઠેલું કોઈક તરત જ એની સાથે એનો મધુર ટહુકાર ભેળવીને આપણને આનન્દમગ્ન કરી દે છે. જે કરવાનું રહી જાય છે તે આપણને છોડીને તો કદી જઈ શકતું નથી. એ એની ઉદાસ દૃષ્ટિએ આપણા તરફ જોયા જ કરે. એથી તો કહું છું કે હું કેવો ભાગ્યશાળી! તારા હૃદયમાં ઉપહાર પામવાની ઇચ્છા ઉદ્ભવે તે પહેલાં જ મેં એ ઉપહાર તારા હાથમાં મૂકી દીધો!’) સમુદ્રનું જ કોઈક પ્રચણ્ડ મોજું એને ઘેરી વળ્યું હોય તેમ અજયે એને ગાઢ આલિંગનમાં સમાવી દીધી હતી. બીજી જ ક્ષણે કોણ જાણે શેના ભયથી, એ આલિંગનમાંથી મુક્ત થવા મથી હતી. અજય દુભાઈ ગયો હતો. માલા પોતે જ ક્યાં સમજતી હતી આ બધું! આજેય એ ‘માલા’ નામના બે અક્ષર વચ્ચે શું શું સમાવીને બેઠી છે તે સમજી શકતી નથી. જન્મોજન્મ અજંપો જગાડી બેસે એવો પ્રેમ – એને ક્યાં આવકારવો, એનું શું કરવું? કદાચ ગભરાઈને જ પોતે ભાગી છૂટી હતી. માલા અન્ધકારના વજ્ર દેહને આંસુથી ખણીખોતરીને જાણે આ સમસ્યાનો જવાબ શોધી રહી છે. હૃદયમાં હવે એક સમુદ્ર જાગ્યો છે. એનાં ભરતીઓટનો પ્રચણ્ડ લય માલાને વિહ્વળ કરી મૂકે છે. વિશાળ સમુદ્રના તટની નિર્જનતાના પાત્રમાં ઘુંટાતો એ પ્રચણ્ડ લય માલા સાંભળી રહી છે. રહી રહીને એ ચમકી ઊઠે છે.
સ્ટેશનના પ્લેટફોર્મ પરનાં ફાનસોના આછા અજવાળામાં કેવળ આકારની આછીપાતળી રેખા જેવા દેખાતાં માણસો, થોડા અવાજો ને ફરી ગાડીનો દોડ્યે જવાનો અવાજ – માલા આંખ બંધ કરીને સાંભળ્યે જ જાય છે. કોઈક વાર ઝોકું આવી જાય છે. તન્દ્રાની ધૂંધળી સૃષ્ટિમાં એ એકલી તો હોતી જ નથી, કાંઈ કેટલી અપરિચિત સૃષ્ટિના સીમાડા પર એ જઈ ચઢે છે! (ગાઢ જંગલ, અજાણ્યા સમુદ્રો ને અપરિચિત નગરોની પડછે તને રાખીને મારે જોવી છે. નારીનાં અસંખ્ય રૂપ પ્રેમ પ્રગટ કરી શકે છે. એ રૂપો તને પણ અજાણ્યાં છે. તેથી જ તો તું જ્યારે હોઠ મરડીને બોલે છે: ‘ના, એવું બધું કાંઈ અમને ગમે નહીં, ત્યારે એ ‘અમે’ તે કઈ બલા છે એવો વિચાર આવતાં હું હસી પડું છું. આથી તું વધારે રોષે ભરાઈને કહે છે: ‘ભલે ને કોઈને હસવું હોય તો હસે, એથી અમને શું?’ આ ‘કોઈ’ ક્યાં છે? એમ હું પૂછું છું ત્યારે તું જોરથી મારો કાન ખેંચીને કહે છે: ‘આ રહ્યો કોઈ’ ‘ને ક્યાં છે અમે?’ તું ગૌરવપૂર્વક છાતી પર હાથ મૂકીને કહે છે: ‘આ રહ્યા અમે.’ આ ‘કોઈ’ અને ‘અમે’ પછી એક ચુમ્બનમાં એકાકાર થઈ ગયા હતા, ખરું ને?’ વળી સવાર, વળી દિવસ–ચહા, નાસ્તો, છાપાં, ટાઇમટેબલનાં પાનાં ઉથલાવવાં એરાઇવલ-ડિપાર્ચર, લંચ…એક સ્ટેશને અશોકને એની ઓળખીતી બે છોકરીઓ મળી ગઈ. એ જ ગાડીમાં તેઓ આગળ જતી હતી. એકાદ બે સ્ટેશન સુધી અશોક એમની સાથે રહે એવી એમની ઇચ્છા હતી. માલાએ હસી કહી દીધું: Go ahead.
માલાએ જોયું: લીલાની આંખમાં થાક નહોતો, ઉજાગરાની કે આંસુની રતાશ નહોતી. હતી પ્રસન્નતા. લીલા માલાની પાસે આવીને બેઠી. લીલા કદી ચર્ચામાં ઊતરતી નથી. ખેતરમાં હળ ફરી ચૂક્યાં છે. પાડેલા ચાસની રેખાઓ દૂર સુધી વિસ્તરતી દેખાય છે. કયાંક નાનું ગામડું: પાંચ છ ઘરનું ઝૂમખું, થોડાં ઘટાદાર વૃક્ષો, એકાદ અલ્પતોયા તળાવડી, જૂનું ખંડિયેર – આટલું એકઠું કરીને જોઈએ ન જોઈએ ત્યાં ગાડી આગળ દોડી જાય છે. એક નાનો શો કૂવો, એની શીતળતાની માયા આસપાસ કેવી નાનકડી સૃષ્ટિ રચી દે છે! લીલા આ બધું કુતૂહલથી જોતી જાય છે, વર્ણવતી જાય છે. ગામડાંનાં બાળકો આશ્ચર્યથી ચાલી જતી જોઈ હાથ હલાવે છે. એવા જ આશ્ચર્યથી લીલા પણ આ સૃષ્ટિને જોઈ રહી છે. માલા વિચારે છે: લીલા એની આગવી રીતે નિષ્ઠુર નથી? એની આ પ્રસન્નતાના એ ફુરચેફુરચા ઉડાવી દેવા ઇચ્છે છે. એને જ સમજાતું નથી: શા માટે આ બધું એને આટલું બધું અસહ્ય લાગે છે?
લીલાએ સ્ટેશન પરથી ફૂલોનો ગુચ્છ ખરીદ્યો છે. એની સુગન્ધ લહેરાવા લાગી છે. ‘(અહીં શિરીષની વીથિકા છે. બંને બાજુ કેવળ શિરીષ. હું એ રસ્તે દરરોજ સાંજે નીકળી પડું છું. શિરીષનાં લીલાં રંગનાં ફૂલની સુવાસ મને ખૂબ ગમે છે. એ કેવી રીતે વર્ણવું? તું બી.એ.ની પરીક્ષા આપતી હતી ત્યારે બળબળતી બપોરે તાપથી ને થાકથી મારે ખભે માથું ઢાળી દેતી, પછી ધીમે ધીમે થાક ઊતરતાં ફરી તારા મુખ પર પ્રસન્નતા રેલાઈ ઊઠતી ને ત્યારે મારા ગાલને તારા ઉષ્ણ ઉચ્છ્વાસનો સ્પર્શ થતો – એ ઉચ્છ્વાસની સુવાસ અને આ શિરીષની સુગન્ધ એ બંને મારા મનમાં એક બની જાય છે.’) ફૂલ અત્યારથી જ દયામણાં લાગે છે. થોડી વારમાં તો ડોક ઢાળી દેશે, પવન એની પાંખડીઓ ખેરવીને ઉડાવી લઈ જશે. પણ લીલા એ ફૂલોને ફૂલની જેમ ખીલી ઊઠીને જોઈ રહી છે.
માલાથી દિવસનું અજવાળું સહેવાતું નથી. આંખ ઝંખવાઈ જાય છે. જો બની શકે તો નિદ્રાને તળિયે, ખૂબ ઊંડે ઊંડે ડૂબકી મારી જવા એ ઇચ્છે છે. પણ એને છેક તળિયે ઘસડી જાય એવો કશો ભાર જ એનામાં રહ્યો નથી. થોડી વારમાં જ એ ઉપર તરી નીકળે છે. લીલા પાસે અજયની સ્ક્રેપબૂક છે. એમાં એનો બાળપણનો ફોટો છે. સાવ પીળો પડી ગયો છે. પાછળ કાળા પથ્થરનું મકાન, એની સાથે એની જ વયનાં બીજાં બાળકો, માથે ભરત ભરેલી ટોપી, હાથમાં પહોંચી. બહુ ગમ્ભીરતાથી બેઠો છે, પણ હમણાં જ ઊભો થઈ જઈને છલંગ મારતોકને ક્યાંનો ક્યાં દોડી જશે એવી આખા અંગમાં તત્પરતા છે. હજી હાથે બારાખડી ઘૂંટવાનાં આંટણ પડ્યાં નથી. એની મોટી મોટી આંખો સ્થિર કરીને એ શું જોઈ રહ્યો છે! માલાના હોઠ ફરકે છે. એ આંખોને એ ચૂમી લેવા ઇચ્છે છે. અજયે એની પાસે એના બાળપણનો ફોટો માંગ્યો હતો. માલાએ આપ્યો ન હતો. એમાં શું જોવાનું? એને પોતાને જ એ જોઈને આજે હસવું આવતું હતું. બાળપણની એ રિસાળ છોકરીની અજયને ખૂબ માયા છે. એ છેક પહેલેથી જ માલાને ઓળખી લેવા ચાહે છે. ‘(માલા, આજે મારી વર્ષગાંઠ. પણ જે ગાંઠ રૂપે છે તેને આજે છોડી નાખીને આપણે પ્રવાહ બનાવી દઈએ તો? આજથી તારાં ને મારાં વર્ષો બે નદીની ધારાની જેમ ભેગા ભળીને વહેશે. એ સમયનદના પ્રલમ્બ કાંઠાઓ પર જે વિહારભૂમિ રચાશે તેની કુંજ કેવા મધુર સૂરના ગુંજનથી ધ્વનિત થઈ ઊઠશે!’)
સ્ક્રેપબૂકનાં પાનાં પવનમાં ફરફરે છે. પછી બંધ કરેલી સ્ક્રેપબૂક માલાના ખોળામાં પડી રહે છે. એનો કશો ભાર નથી – પણ એમાં કેટલાં વર્ષોનું જીવન સંચિત થયેલું છે! ને એ વર્ષો – માલાનો શ્વાસ એકદમ રૂંધાવા લાગે છે. જળમાં ઊંડે ડૂબકી માર્યા પછી ઉપર આવવાનો પ્રયત્ન કરતાં ખબર પડે કે પારદર્શી પ્લાસ્ટિકનું ઢાંકણું કોઈએ ઉપર વાસી દીધું છે ને હવે બહાર નીકળવાનો કોઈ ઉપાય જ નથી, હવે ગૂંગળાઈ મરવાનું જ નક્કી છે એવું કંઈક માલાને થાય છે. એ કાચની બારી ખોલી નાખે છે. બહારની ધૂળનો લેપ એના મોઢા પર થઈ જાય છે. પવન કોઈ અજાણ્યા પ્રેતની જેમ એને વળગી પડે છે. એ કંપી ઊઠે છે.
અશોક કહે છે કે હવે બે કલાકમાં મુસાફરી પૂરી થશે. લીલા બધું સમેટવા લાગી છે. માલા મોઢું ધોવા જાય છે. ઘડી ભર પોતાના પ્રતિબિમ્બ સામે તાકી રહે છે. એ હસી પડે છે. અજય જેને તાગવા મથ્યા કરતો હતો તે રહસ્યમયતા છે ખરી એની આંખોમાં? પુરુષો પોતે જ નારીમાં રહસ્યનું આરોપણ કરે છે ને પછી સ્વેસ્છાએ એ રહસ્યની અગાધતામાં ડૂબી મરે છે! પણ કદાચ આ વાત પૂરી સાચી નથી. માલા પોતે જ ક્યાં પોતાને સમજી શકી છે? માટે જ તો જરૂર છે પ્રબલ પ્રેમની, જે એના ઊછળતા જુવાળમાં બધું એકાકાર કરી દે, ઊંચું માથું રાખીને ઊભેલા ખડકોનું પણ ચિહ્ન ન દેખાય. પણ માલા કોણ જાણે શેના ભયે, આ પ્રબળતા ને પ્રચણ્ડતાથી દૂર ભાગતી આવી છે. ‘(માલા, મને ઘણી વાર તારું નામ બદલી નાખવાનું મન થાય છે. તારું નામ ‘ભરતી’ રાખું તો?’ ‘ના, મને ભરતી જરાય પસંદ નથી. નાનું શાન્ત સરોવર, એનું પારદર્શી હૃદય – જે સાવ રહસ્ય વિનાનું તો નથી જ હોતું – આછા તરંગો, કમલવન – મને તો એ ગમે.’) મરણ પોતે જ એક એવો ઊછળતો જુવાળ નથી? માલા પોતાના પ્રતિબિમ્બને જોઈ રહી, એના જ ચહેરાને એ બને તેટલો અજાણ્યો કરવા મથી. એને લાગ્યું કે પોતાનાથી અજાણ્યા થઈ જવું એ કદાચ બહુ અઘરું તો નથી. પણ એ અપરિચિત પણ ધીમે ધીમે પરિચિત બને છે, વળી એની પણ માયા થાય છે, ને માયાનો સ્વભાવ વળગવાનો છે….
માલાએ મોઢું ધોવા માટે કપાળ પરનું કંકુ લૂછી નાખ્યું. ‘(ઊભા રહો, તમે તો ખૂબ અધીરા છો!’ ‘કેમ, તને દૂર ઊભો રહીને જોયા કરું?’ ‘ ના, કશું ભાન તો રહેતું નથી? કંકુ લુછાઈ જાય છે ને એનો ડાઘ પડે છે તમારાં કપડાં પર. પછી એ ચાડી ખાશે તો?’) કપાળના એક છેડા પરના વાળ નીચે ઢંકાઈ જતો તલ ખુલ્લો થયો. કેમ જાણે એ તલ અદૃશ્ય થઈ જવાનો હોય ને એના અદૃશ્ય થઈ જવાથી જ જાણે પ્રેમ પણ નષ્ટ થઈ જવાનો હોય તેમ અજય માલાને મળતાવેંત એ તલ સહીસલામત છે કે નહીં તે જોઈ લેતો. માલાને એની આ બાલિશતા જોઈને ખૂબ હસવું આવતું. પણ અજય બાલિશતાથી ભર્યોભર્યો હતો. માલા રિસાઈ જતી ત્યારે એને મનાવવાને એ તરેહતરેહની પરીકથાઓ ઊપજાવી કાઢીને કહેતો. માલા પણ નાનકડી બાળા બનીને એ બધું સાંભળતી. એવી ક્ષણો નર્યા સુખની ક્ષણો બની રહેતી. એના પર સહેજ સરખા દુ:ખની છાયા પડતી નહીં. પણ પછી કોણ જાણે શું થઈ જતું!
લીલા અને અશોકે બધું સમેટી લીધું છે. સ્ટેશને ગાડી વધારે વાર ઊભી રહેતી નથી. નાનું શહેર છે; કદાચ શહેર પણ નહીં કહેવાય. સાંજ પડવા આવી છે. વળી વાદળ છવાયાં છે. આખો પ્રદેશ ગીચ વૃક્ષોથી ભરેલો જ. ક્યાંક નદી દોડી જાય છે. દૂર સુધી એકેય ડુંગર દેખાતો નથી. ગાડી મોટો વળાંક લે છે, દિશા બદલે છે. માલા કુતૂહલથી એન્જિનને જોઈ રહે છે. એનું હૃદય કશાક અજાણ્યા ભયથી ફફડી ઊઠ્યું છે. ‘(સ્ટેશન નાનું સરખું છે. હું રોજ સાંજે સ્ટેશને ફરવા જઉં છું. પ્લેટફોર્મ પર પાંચ ફાનસ છે. ત્રણ બૂચનાં ઝાડ છે. બે લીમડા છે. હું પ્લેટફોર્મ પર આંટો મારું છું. સાંજે બે ગાડીઓ આવે છે. એમાંની એકાદમાંથી તું ઊતરી પડશે એવી બાલિશ કલ્પના કરું છું. તારા મોઢા પર પ્રવાસનો થાક છે, પણ એથી મોઢું ઓછું રૂપાળું લાગતું નથી. હું તારા હાથમાંથી બેગ લઈ લઉં છું. તું ‘ના ના,’ કરતી રહી જાય છે. ઘડીભર બૂચના ઝાડ નીચેની પાટલી પર આપણે બેસીએ છીએ. હું તને થોડાં ફૂલ વીણી આપું છું. પછી આપણે બહાર જઈએ છીએ. ત્રણ ચાર ટેક્સી, ચારપાંચ ઘોડાગાડી – બીજાં વાહનો નથી. મને તો ચાલવાનો શોખ છે. પણ તું થાકી ગઈ છે એટલે ઘોડાગાડીમાં બેસીને જઈએ છીએ. હું બધું ઓળખાવું છું. મારી પેલી વાર્તામાં જેનું વર્ણન કર્યું છે તે આ દુકાન. દૂર દરિયાનો આભાસ જોઈને તું હરખાઈ ઊઠે છે. ‘કાલે નાહવા જઈશું?’ હું કહું છું: ‘કાલે શા માટે? આજે રાતે જ ફરવા જઈશું,’ તું ખુશ થઈ જાય છે…માલા, આમ હું તને દરરોજ તેડી લાવું છું. ને તું હાથતાળી દઈને પાછી ભાગી જાય છે. પણ કોઈ વાર આવે તો યાદ રાખજે. સ્ટેશનનું નામ ત્રણ અક્ષરનું છે. બૂચ ને લીમડાનાં ઝાડ છે. બહાર ટેક્સી ને ઘોડાગાડી છે. ઘર દૂર નથી. દરિયો દૂર નથી. માત્ર આપણે એકબીજાથી દૂર છીએ…’)
ગાડી ઊભી રહી. પ્લેટફોર્મના છેડા સુધી માલાની આંખો જોઈ વળી. એક આકારને જોઈને એ ઘડીભર થંભી ગઈ. બૂચનાં ઝાડ એણે ગણી જોયાં. લીમડા પણ હતા. ઘડીભર એને બૂચની નીચેની પાટલી પર બેસવાનું મન થયું પણ અહીં થોડો વખત પહેલાં જ વરસાદ વરસી ગયો હતો. બધું ભીનું થઈ ગયું હતું. નાનાં નાનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અસાવધપણે ચાલતાં એનો પગ એવા એક ખાબોચિયામાં પડ્યો ને છાંટા ઊડ્યા. એનું મન કચવાઈ ઊઠ્યું. એ ધૂંધળા વાતાવરણમાં દૂર સમુદ્રના આભાસને શોધવા લાગી. એને કશું દેખાયું નહીં. બહાર નીકળ્યાં ત્યાં આજુબાજુની હોટેલોમાં વાગતા રેડિયોના ઘોંઘાટથી માલા અકળાઈ ગઈ. અહીં કેમ એના મનને ક્લેશ થતો હતો? એણે જોયું: ગાડી કોઈક કારણસર હજી ઊભી હતી. એને ગાડીમાં બેસીને ભાગી છૂટવાનું મન થયું. પવનથી ઝાડ હાલ્યાં ને વરસાદનાં ઝિલાયેલાં કેટલાંક ટીપાં એની પર ટપકી પડ્યાં. એ એકાએક ચોંકી ઊઠી. કદાચ ભરતીનો વખત થયો હશે. પવનનો સુસવાટો એનાં હાડને કંપાવી ગયો. જાણે કોઈએ એને થોભવાનું કહ્યું હોય તેમ એ રાહ જોતી ઊભી રહી ગઈ. અશોક અધીરો બન્યો. એણે આવીને એના ખભા પકડીને ઢંઢોળીને એને લગભગ ખેંચીને ટેક્સીમાં લઈ ગયો. અશોકને તો આ સ્થળ જરાય ગમતું નહોતું. ગંદા રસ્તા, ઘોંઘાટભરી હોટેલો. એ અકળાતો હતો. પણ કશુંક ન ઓળખાય એવું તત્ત્વ અહીંના વાતાવરણમાં હતું. સમુદ્રના સમ્પર્કમાં રહેતા પવનનો મિજાજ જ જુદો હોય છે. એનો સ્પર્શ તમને તમારા પરિચિત પરિવેશ વચ્ચેથી ક્યાંક દૂર દૂર ખેંચી જાય છે. અજયને આવી જ કશી દૂરની માયા હતી – દૂર દૂર ઘસડાઈ જવાની, તણાઈ જવાની ને છતાં એ ઝૂરતો હતો છોડેલા ઘર માટે, પ્રિય જનો માટે. એનો એક એક પત્ર એની સાક્ષી પૂરતો હતો. ‘(અહીંના આકાશની નીલિમા, દરિયાનો ભૂખરો રંગ ને ઉન્મત્ત પવન – આ ત્રણ મળીને મારા હૃદયમાં કોણ જાણે આ શી વિહ્વળતાને જગાડે છે! અહીંના એકાન્તમાં શબ્દોને ગોઠવતો બેઠો હોઉં છું ત્યારે બે શબ્દ વચ્ચે એકાએક પવનની ઉન્મત્ત લહર સૂસવી ઊઠે છે. ત્યારે ભયના માર્યા કોઈનો હાથ પકડી લેવાનું મન થાય છે. પણ અહીં કોઈ નથી એ સારું છે. કારણ કે અજાણ્યા ભય ને આ વિહ્વળતાનો પણ મને ખપ છે.’) ટેક્સી શેરીઓમાંથી રસ્તો કરતી કરતી આખરે થોભી. નજીકમાં જ શેરીનો દીવો હતો. એની પાસે ઉપર જવાનો દાદર હતો. બેચાર વ્યક્તિઓ આજુબાજુ ઊભી હતી. એમના આકારો સ્પષ્ટ વર્તાતા નહોતા. અશોકે પૂછપરછ કરી.માલાને કશું સાંભળવું નહોતું. એ ફરી ભાગી છૂટવા ઇચ્છતી હતી. આજુબાજુના ઘર વચ્ચેથી દરિયાના ઇશારાને પામવાનું સહેલું નહોતું છતાં એ મથતી હતી. એમ કરીને કદાચ એ પોતાના મનને કશાકમાં રોકી રાખવાનું ઇચ્છતી હતી. લીલા તો એકદમ દાદર ચઢી ગઈ. બારીબારણાં ખોલી નાખ્યાં. માલા ઊભી હતી તેની બરાબર ઉપરની બારી ખૂલી ‘(આ બારીને આંખો નથી, એ બારીની જગ્યાએ તને બેસાડી દઉં તો?’) ને લીલાએ બૂમ પાડી: ‘માલા, ઉપર ચાલી આવ.’ ઘડી ભર માલા ખસી શકી નહીં. એક પંદર સોળ વરસની છોકરી એની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. એ માલા સામે એકસરખું તાકીને જોઈ રહી. કદાચ એ કશુંક કહેવા ઇચ્છતી હતી. પણ કશીક વ્યથાના ભારથી એ બોલી શકતી નથી. કોણ જાણે કેમ માલાને લાગ્યું કે એ બંને એક જ વ્યથાના સૂત્રે બંધાઈ ગયાં હતાં. આથી એ અકળાઈ ઊઠી. જાણે એ સૂત્રને એક ઝાટકે તોડી નાખતી હોય તેમ એ સફાળી દાદર તરફ વળી. પેલી છોકરી એની પાછળ પાછળ ચાલવા લાગી. માલાને એનો પાછળ આવવાનો અવાજ સંભળાયો. એ શા માટે એનો પીછો કરી રહી હતી? માલાને ભય લાગ્યો. એણે બૂમ પાડી: ‘અશોક, અશોક’ – સૂના ઓરડામાંથી એના પડઘા એના કાનમાં આવીને અથડાયા, ને સાથે ધસી આવ્યા કેટલા બધા અવાજ! માલાના પગમાંથી શક્તિ ચાલી ગઈ. એ પાસેના પલંગ પર ફસડાઈ પડી. આવું કશું બને એની એને બહુ જ શરમ આવતી હતી. એવું કશું જ ન થાય એની એ એકસરખી કાળજી રાખતી હતી, પણ…
ઓરડામાં અંધારું હતું. લીલા લાઇટની સ્વીચ શોધતી હતી. માલા પણ ઊભી થઈ ને હાથથી ફંફોસીને જોતાં સ્વીચ એને જડી ગઈ. એણે દીવો કર્યો અને જોયું તો બધું જ વ્યવસ્થિત હતું. પેલી પંદરસોળ વરસની છોકરી આ ઓરડીને ઓળખતી હતી. કદાચ એણે જ આ બધું વ્યવસ્થિત ગોઠવ્યું હશે. માલાને ચોપડીઓ ખોલીને જોવાનું મન થયું. અજયને પત્રો ચોપડીમાં મૂકી રાખવાની ટેવ હતી. કદાચ એના પર લખેલો ને બીડ્યા વગરનો રહી ગયેલો કોઈક કાગળ એમાંથી નીકળી પડે તો… પણ એ પલંગ પર જ બેસી રહી. ધીમે ધીમે એણે ઓરડીનો પરિચય મેળવી લીધો. દીવાલ પર છબિઓ તો હતી જ નહીં, એક કેલેંડરનાં પાનાં ફરફર ફરફરતાં હતાં. જવાબ આપ્યા વિનાનાં પડી રહેલા પત્રોની થોકડી ટેબલ પર હતી. રાઇટિંગ પેડ માલાએ ઉથલાવીને જોયું. એમાં એક અધૂરો પત્ર હતો. કશા કુતૂહલ વિના માલાને એ વચ્ચેથી વાંચવા માંડ્યો: ‘…મને તમારું નિમન્ત્રણ સ્વીકારવાનું ઘણું મન છે ને તમે મારે માટે જે સારા શબ્દો વાપર્યા છે તે મને બહુ ગમે છે. પણ આ સાથે જ બીજું પણ ઘણું બધું મને યાદ આવે છે. કદાચ જેટલું ભૂલી જવું જોઈએ તેટલું હું ભૂલી શકતો નથી. તમને તો યાદ હશે જ: તમે તમારે ત્યાં પ્રસિદ્ધ સાહિત્યકારોને જમવા નોતરેલા. ત્યારે પેલા પીઢ વાર્તાકાર મને મજાકનું કેન્દ્ર બનાવીને કેવી મશ્કરી ઉડાવતા હતા! મેં ખામોશી રાખી હતી. પણ પીઢ લોકોની ખંધી ભદ્રતા ને ભારેખમ dignity (!) મારાથી સહેવાતાં નથી. હું ખોટો વિષાદ ઘૂંટું છું, ચાર વસ્તુની આજુબાજુ મારી સૃષ્ટિ ઘૂમ્યા કરે છે. હું fake છું, મારું લખાણ phoney, હું તોછડો ને મિથ્યાભિમાની છું, ‘આ જન્મે વાંચીને આવતે જન્મે લખજો’ એવા આશિષ પણ કોઈ આપે છે. આ બધાંને મારે શી લેવાદેવા? મૂઢની પ્રશંસા ને ઈર્ષ્યાળુ લોકોએ કરેલા અપમાનથી વિચલિત થવા જેટલો હું ગમાર નથી. સંવિવાદો ને સંસદોમાં કૂથલીખોરોની વચ્ચે બેસતાં મને શરમ આવે છે. સર્જકને જોઈએ એકાન્ત…’ માલાને નવાઈ લાગી. અજય આમ કદી અકળાઈ ઊઠતો નહીં. કીતિર્ની એને ખેવના નહોતી એમ નહીં, પણ એને મન એની ઝાઝી કિંમત પણ નહોતી. એક વાર યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓ ગમ્મત ખાતર ‘આ મોટા લેખક ચાલ્યા’ એમ કહીને એને ઘેરી વળ્યા હતા ત્યારે એ પ્રસંગની વાત કરતાં એણે માલાને કહ્યું હતું. ‘લેખક એ બિચારાઓને મન કોઈ અજબ તરેહનું પ્રાણી છે. એનાં પૂંછડી-શીંગડાની એઓ શોધ ચલાવે છે. પણ હું માણસ છું. એમના જેટલો જ – આ એ લોકો ભૂલી જાય છે.’ માલાને યાદ આવ્યું: અજયની નવી ચોપડી પ્રકટ થઈ હતી. એ એને આપવા લાવ્યો હતો. પણ માલા તે દિવસે બીજી કશી વાતમાં એ ચોપડી હાથમાં લેવાનું કે લઈ જવાનું જ ભૂલી ગઈ હતી. બીજે દિવસે અજયે માલાની હાજરીમાં એ ચોપડી આખી ને આખી ફાડી નાખી હતી. આથી જ તો માલા અજયથી ગભરાતી હતી. આ માણસ એની જંદિગીનું શું ને શું કરી બેસશે? એને કેવી રીતે ખાળી શકાય, વારી શકાય? પણ લીલાનો મત જુદો હતો. સર્જકના એકાન્તમાં આપણો પડછાયો ન પડવો જોઈએ એ સાચું, પણ એની આંખમાં આપણે દૃષ્ટિ બનીને ભળી જઈએ, એના લોહીમાં ધબકાર બનીને એકાકાર થઈ જઈએ – શું નારી આ નહીં કરી શકે? એક વાર લીલાએ માલાને કહ્યું હતું: ‘માલા, જે પ્રેમ મર્યાદાને વટાવતો નથી તે પ્રેમ જ નથી. તું તો પરણેલી નથી, હૃદયથી અજયને સ્વીકારી શકે એમ છે, પણ પરણેલી હોત તોય એના તરફના પ્રેમને સ્વીકારવાનું પાપ તારે કરવું પડ્યું હોત. પાપને ઉલ્લંઘીનેય પ્રેમને નિષ્કલંક રાખી શકાય છે. પણ પ્રેમનું સત્ય જેણે પારખ્યું હોય તે જ એટલું પ્રગલ્ભ બની શકે.’ પણ માલા આજેય સમજી શકતી નથી: પ્રેમ આટલો બધો વિકટ કેમ હશે?
માલાએ એક ચોપડી હાથમાં લીધી. અજયને કેટલીક વિચિત્ર ટેવો હતી. ઘણી વાર અધૂરી વાર્તાઓ, લખવા માંડેલી કવિતાઓ એ આવી ચોપડીની અંદર સંતાડી મૂકતો. કશું પણ પૂરું લખ્યા વિના એ કોઈને બતાવતો નહીં. માલા એને ચીઢવવાને માટે હંમેશાં એની ચોપડીઓ ઉથલાવતી. અજય અકળાઈ ઊઠતો એટલે માલા કહેતી. ‘કેમ, કોઈને પ્રેમપત્ર લખીને સંતાડી રાખ્યો છે?’ અજય અકળાઈને કહેતો: ‘હા, કદાચ એમ પણ હોય.’ માલા હસીને કહેતી: ‘કદાચ કેમ? તને પૂરેપૂરી ખબર નથી? કોણ છે એ, કહે તો?’ અજય પણ એકદમ હસી પડીને કહેવા લાગતો: ‘વર્ણન તો કરતાં આવડતું નથી. છતાં કહું છું: બે લુચ્ચી આંખો, શાંત નહીં, સદા ચંચળ; બે તોફાની હાથ – કશુંક અળવીતરું કરતા જ રહે –’ અજય કહેતો: ‘માલા, આથી જ ફરી ફરી તને કહું છું: તું જ શા માટે વાર્તા નથી લખતી?’ માલા રોષે ભરાઈને કહેતી: ‘ના, મારે જંદિગી નથી બગાડવી. લખું હું ને છતાં લોકો તો એમ જ કહેવાના કે અજયનો જ પડઘો સંભળાય છે! વળી લાગણી જોડે એવાં ચેડાં કાઢવાં –’ માલાને એ બધું યાદ આવ્યું. એ ઘડીભર ચોપડી હાથમાં રાખીને અન્યમનસ્ક બનીને બેસી રહી. પછી ચોપડીનાં પાનાં ફેરવવા લાગી. એમાંથી એક ચબરખી નીકળી. એણે લઈને વાંચવા માંડ્યું: ‘I can not rid my room of silence, silence / is your voice. And do you seek me here? / I am not here. And you, not finding me, / must ask other places where I was. / For not by signs and tokens but by all / that I remember will you know me.’ આ શબ્દો માલાના કાનમાં કોઈ ધીમે અવાજે ફરી ફરી કહી રહ્યું હોય એવું એને લાગ્યું. માલાએ આંસુથી ઝાંખી બનેલી આંખે આગળ વાંચવા માંડ્યું: ‘The thought of you returns / like darkness I have waited, I have not / forgotten. In these shadows I am safe / though weaponless, defying recognition, / prudent, careful of disguise. / For I am no one, I am what I seem. / The stillness listens, waiting for my words, / but when I speak my voice is not my own.’ માલા ગભરાઈ ઊઠી. એને સાંભળવું નહોતું છતાં એ શબ્દો એના કાનમાં ગાજી ઊઠતા હતા: ‘You move, / my love, in an unchanging climate / of the mind, a place I have not seen / And you resist all change, refusing me, / refusing to resist the momentary / lovers you imagine. Filled with tears, / my love, you yield to absence. I will not return..’ ઘડીભર માલાને એમ લાગ્યું કે જાણે એની ચેતના કશાક આઘાતથી શૂન્યમય થતી જાય છે, એણે આંખો બંધ કરી દીધી: ઘૂઘવતો સમુદ્ર, ચાંદની, ધોળી રેતીથી ભરેલો કાંઠો ને એના પર પૂરપાટ દોડ્યે જતા ધોળા ઘોડા પર બેઠેલો કોઈક કાળો અસવાર. ઘોડાના ડાબલા એના લમણામાં ગાજી ઊઠે છે. એનાથી સહેવાતું નથી. એ આંખો ખોલી નાખે છે. બારી આગળથી એક કાળી બિલાડી એના તરફ તાકી રહે છે. એની તગતગતી આંખો જોઈને માલા છળી મરે છે. એને અહીંથી ભાગી છૂટવાનું મન થાય છે; ને છતાં કશુંક એને જકડી રાખે છે. ‘(માલા, આ બારી આગળના ઝૂલવાળા ધોળા પડદા, આ ટેબલ, આ ઘડિયાળ – આ બધું દિવસના કેટલું પરિચિત લાગે છે! ને રાતે આ બધી નિર્દોષ નિરુપદ્રવી વસ્તુઓમાં કશીક આસુરી શક્તિ પ્રવેશે છે ને હું ભયથી છળી મરું છું. રાતે એકાએક મારી પાસે મારા કાનમાં કોઈક બોલતું હોય એવું મને લાગે છે. બોલનારનું મોઢું મને દેખાતું નથી, પણ બોલનારના અવાજમાં કાકલૂદી છે, આર્જવ છે. હું આંખો ખોલીને જોઉં છું. ઓરડીમાં કોઈ નથી. દૂર ક્યાંક નળ ટપકે છે. પણ એકાએક કોઈ એક સરખું હીબકાં ભરતું હોય એવો અવાજ સંભળાય છે. હું સૂનમૂન થઈને પથારીમાં પડ્યો રહું છું. ત્યાં પવનથી કે કોણ જાણે શાથી કાચની બારી હાલવા લાગે છે, બહારના ઝાડની ડાળીના પડછાયા ભીંત પર હાલે છે, પણ એ ડાળીના પડછાયા છે એમ જાણવા છતાં હું ધ્રૂજી ઊઠું છું. બારીના પડદાની ઝૂલ પવનમાં હાલે છે. એની નીચેથી કોઈકના ગોરા ગોરા પગ દેખાય છે. કોઈ ધીમે ધીમે ચોરપગલે મારા તરફ આવી રહ્યું છે. ઘડીમાં ચાંદની ભેગો એનો દેહ એકરૂપ થઈ જાય છે. ઘડીમાં એનો અસ્પષ્ટ શબ્દ છેક કાન પાસે સંભળાય છે. દર્પણમાં એના પ્રતિબિમ્બનો આભાસ દેખાય છે. કશીક અપાથિર્વ સુગન્ધ આખા ઓરડામાં લહેરાઈ ઊઠે છે. મને કશુંક ઘેન ચઢે છે. મોટા જળરાશિમાં મારું શરીર જાણે કણ કણ થઈને વિખેરાવા લાગ્યું છે. હું કશું જ કરી શકું એમ નથી. એક બીજો આકાર બારીમાંથી પ્રવેશે છે. પછી બંને આકારો હાથ ગૂંથીને ફરે છે. એમનું હાસ્ય ચારે બાજુ પડઘા પાડે છે. હું કશુંક બોલવા જાઉં છું, પણ એ હાસ્યના અવાજમાં મારું બોલેલું મને જ સંભળાતું નથી. ધીમે ધીમે લાગે છે કે હું મિથ્યા છું, ભ્રાન્તિ છું, આ આકારો જ સત્ય છે. માલા, એ કોણ હતું? તું હતી?તારી સાથે કોણ હતું?….’) માલાની આંખ આગળની આખી સૃષ્ટિ ધીમે ધીમે અદૃશ્ય થતી ચાલી. એની સામે કેવળ પાંખી ચાંદની જેવું કશુંક વિસ્તરી રહ્યું. રહી રહીને પવનની લહર ઓચિંતાની આવી ચઢતી ને એના સ્પર્શથી સચેત કરી જતી. એ આંખ સામે વિસ્તરતી જતી ધૂસરતાને જોઈ રહી. એમાં પોતે પણ એકાકાર થઈ જતી હોય એવું એને લાગ્યું. પણ એ તો ઘડીભરની ભ્રાન્તિ. ઘડિયાળના ટકોરા એણે સાંભળ્યા. અશોક એની પાસે આવ્યો. એનો હાથ માલાને ઘેરી વળ્યો. એના ગાલ પરથી નીચે વક્ષ:સ્થળ પર ત્યાંથી નીચે…. એના હોઠ પર અશોકના હોઠનો ઉષ્ણ ઉચ્છ્વાસ ચંપાયો, એ હાલી નહીં, એના હાથ એમ ને એમ શિથિલ થઈને પડી રહ્યા, એની આંખમાં આંસુ નહોતાં. એ દૂર દૂર મીટ માંડીને જોઈ રહેવા સિવાય એને બીજું કરવાનું પણ શું હતું? અશોકના અંગેઅંગમાં એનાં અંગેઅંગ સમાઈ ગયાં. એને બધું ભાન હતું, છતાં જાણે પોતાનાથી દૂર સરી જઈને, નામ અને સંજ્ઞાથી સાવ નિલિર્પ્ત એવી કોઈ અનેરી સૃષ્ટિમાં રહી રહી, એ આ બધું જોયા કરતી હતી. અશોકે એની દૃષ્ટિને આવરી લીધી, એની ઉત્તપ્ત કાયા માલાને ચારે બાજુથી ઘેરી વળી. એક પવનની લહરી આવી, બારી ખખડી, ને એના અવાજનો પડઘો પડ્યો, એમાંથી ધીમે ધીમે શબ્દોએ આકાર લીધો. માલાએ કાન સરવા કર્યા ને સાંભળ્યું. ‘My love, you yield to absence. I will not return.’