ઉપેક્ષિતા

રવિવારે ‘ઓવર ટાઇમ’ કામ કર્યા બદલની પાંચ રૂપિયાની નોટને એ પોતાના ખિસ્સાની અંદર એની પાંચ આંગળીઓ વચ્ચે રમાડી રહ્યો હતો. એ નોટ એના મનના તરંગ પ્રમાણે જુદાજુદા આકાર ધારણ કર્યે જતી હતી: એની પત્નીની સાડી, એના વૃદ્ધ પિતાને માટેના ગરમ કોટનું કપડું, એની જર્જરિત માને માટેનું ગિરધરકૃત રામાયણ, એની બહેનને માટેનું સ્કર્ટનું કપડું, એના ભાઈને માટેનું કાંડાઘડિયાળ, એના નાના દીકરાને માટેનું રમકડું. એનું ખિસ્સું જાણે પેન્ડોરાની પેટી હતી. એની આંગળીઓ જાણે કલ્પવૃક્ષની શાખાઓ હતી. એ આંખે જોતો નહોતો છતાં આંગળીના સ્પર્શે ખિસ્સામાંના આ કામરૂપ વૈભવને માણી રહ્યો હતો. સાંજની ધૂસરતાના પટ પર એની મનોકામનાના અશ્વો પૂરપાટ દોડી રહ્યા હતા. ને મુખ પર આછા સ્મિતના મલકાટ સાથે, આંખમાં તરવરતી ઉલ્લાસની આભા સાથે, એ ઘર તરફ જઈ રહ્યો હતો.

ઘર પાસે આવીને એણે જોયું તો અંધારુ થયા છતાં ઘરમાં દીવા કર્યા નહોતા. ઘરમાંથી કોઈનોય અવાજ આવતો નહોતો. એ પગથિયાં ચઢતો હતો ત્યાં અંધારામાંથી અંધારાના પિણ્ડના જેવી એની મા એને રોકીને ઊભી રહી ગઈ. એ કશું બોલી નહિ. ઘરમાં વ્યાપેલી નિસ્તબ્ધતાનો ભંગ કરવાની એની હિંમત ચાલી નહિ. ખિસ્સામાંના કલ્પવૃક્ષની શાખાઓ શિથિલ થઈ ગઈ; એ શાખામાંથી માળો તૂટી પડતાં ઢગલો થઈને પંખીનાં ઊડવાનું નહિ શીખેલાં બચ્ચાં નીચે ફેંકાય તેમ પાંચ રૂપિયાની નોટ ડૂચો થઈને ખિસ્સાને એક ખૂણે પડી રહી. છતાં એના હાથને ખિસ્સામાંથી બહાર કાઢવાની એની હિંમત ચાલી નહિ. ઘડીભર એ પગથિયા પર ઊભો જ રહી ગયો. પછી માને લગભગ હડસેલી દઈને એ પગથિયાં ચડી ગયો. માએ ફરી એને વારવાનો પ્રયત્ન કર્યો. ગંઠાયેલી નસવાળો માનો ચીમળાયલો હાથ ગીધના પંજાની જેમ એના ખભા પર ફરી આધાર શોધતો આવ્યો. એને ભયની ધ્રૂજારી આવી. ઘરના અન્ધકારમાંથી એક ચામાચીડિયું એને ઘસાઈને બહાર ઊડી ગયું.

એ અંદર ગયો. પરસાળને એક ખૂણે એનો નાનો ભાઈ બેઠો હતો, બીજે ખૂણે એના વૃદ્ધ પિતા મોં ફેરવીને બેઠા હતા. જેને બાળપણમાં લાડથી ગૂંગળાવી નાખતા હતા તે જ પુત્રને એના પિતા દૃષ્ટિ માંડીને જોવા પણ તૈયાર નહોતા, અન્ધકારમાં બે મરી ચૂકેલા વૃક્ષનાં ઠૂંઠાં જેવા બાપદીકરો બેઠા હતા. એ બે વચ્ચે મૌનના ઘોડાપૂર ઊછળતાં હતાં. એ ભડકીને દૂર ખસી ગયો. એક જ ડગલું આગળ ભરે તો કદાચ એ પણ આ મૌનના વમળમાં ખેંચાઈ જાય.

એનો નાનો ભાઈ – બાળપણનું એનું નિર્દોષ હાસ્ય, ચમકતી આંખો, કાલી કાલી બોલી, કોઈ એને ખોળામાંથી નીચે મૂકતું નહિ. આજે એમાંનું કશું નથી. આંખ નીચે કાળાં ચકામાં છે, આંખ ફિક્કી છે, ગાલની ચામડી બરછટ છે, વાળ અકાળે ધોળા થયેલા છે, હોઠ અતિશય સિગારેટ પીવાથી કાળા પડી ગયા છે, હાથમાં કુમાશ નથી, બોલે છે ત્યારે સૂકાં પાંદડાંના ખખડવાનો અવાજ આવે છે, એને જોતાં જ મન સન્તાપ પામે છે. એ ઘરમાં કશું બોલતો નથી, મનમાં આવે છે ત્યારે આવે છે ને જાય છે, એકાદ દિવસ કોઈ અજાણ્યો માણસ પૈસાની ઉઘરાણી કરતો આવી ચઢે છે, ને ત્યારે બધું સમજાય છે! હજુ તો દસ જ દિવસ થયા છે. એણે પોતે જ એ ભાઈને ઢોરમાર માર્યો હતો. હજુ એના હાથની આંગળી સૂઝેલી છે. પણ કાંઈ વળતું નથી. એનો પડછાયો પડતાંની સાથે જ જાણે બધું બદલાઈ જાય છે. બધાં એને ટાળે છે, ને છતાં એ, મારી મારીને કાઢી મૂકવા છતાં ફરી નફફટ બનીને અંદર પેસવાનો લાગ મળતાં ઘરમાં ભરાઈ જતા કૂતરાની જેમ, અંદર દાખલ થઈને સંતાઈ રહે છે. એક મા હજુ એને પંપાળે છે, એનો ખોળો હજુ એને આવકારે છે. પણ પિતા? એ તો સળગીને ભડકો થઈ જાય છે. બધાને ડારનાર એ પ્રતાપી વૃદ્ધથી લાચારી જીરવાતી નથી, હવે એ માળા ફેરવતા નથી, મન્દિરે જતા નથી. ભગવાનના ભારે ભક્ત હવે ભગવાનની સામે યુદ્ધ પોકારી બેઠા છે. એ બેની વચ્ચે અમળાતા મૌનથી એ દૂર સરી ગયો.

અંદરના ઓરડામાં અન્ધકાર વધારે ગાઢો હતો. પગ મૂકતાં જ એને કશાકની ઠોકર વાગી. એ ઊભો રહી ગયો. અન્ધકારની છાયા જેવી એની પત્ની દબાયેલો નિ:શ્વાસ નાખતી ઊભી થઈ. એણે પોતાની આંગળીઓને ફરી એકઠી કરી ને પેલી નોટને પકડવાનો પ્રયત્ન કર્યો. પત્ની થોડી વાર સુધી કશું બોલ્યા વિના ઊભી રહી. અંધારામાં એનું મોઢું દેખાતું નહોતું, આ ઘરમાં જાણે બધાં જીવતા છતાં કબરમાં દટાઈ ગયાં હતાં. બધાં હાલતાં ચાલતાં હતાં, પણ તે કબરની અંદરના કીડાની જેમ. ખૂણે ખૂણે દુ:ખની નાગણ કુંડાળું વળીને જાણે પડી હતી, અથડાતો કૂટાતો પવન કોઈક વાર ઘરમાં થઈને વાતો ત્યારે જાણે ચારે બાજુથી કોઈકનાં હીબકાં સંભળાતાં.

આ ઘરમાં એની કોડીલી વહુ આવીને કરમાઈ ગઈ છે. હવે ઝાઝું બોલતી નથી, ને બોલે છે તો હજુ બોલવા નહિ શીખેલા એના નાના દીકરા જોડે. એ અને એનો દીકરો બંને પોતાના આગવી દુનિયા રચીને જાણે બેઠાં છે. પણ અત્યારે દીકરો સૂઈ ગયો હતો. એ દુનિયાનું બારણું વસાઈ ગયું હતું. મૌન અને અન્ધકારના ઢાંકણ નીચે બધું ઢંકાઈ ગયું હતું. અન્ધકારના આચ્છાદન પાછળ ઢંકાઈ ગયેલી એની પત્નીને શોધવા એણે આંખને સ્થિર કરી, દૂર ખૂણામાં બેચાર ઉંદરો કશીક મસલત ચલાવી રહ્યા હતા. થોડી વાર પછી ઓરડાની હવા હાલી. એના પરથી અનુમાન કર્યું કે એની પત્ની અહીં જ ક્યાંક બાજુમાં હોવી જોઈએ. પોતે જે ઘરમાં ઊછરીને મોટો થયો છે તે ઘરમાં પોતાનાં માણસોની વચ્ચે, એ જાણે ભૂલો પડી ગયો! કોલસાની ખાણમાં માટી ધસી પડતાં ઉપર જવાનો રસ્તો બંધ થઈ જતાં જેવી રૂંધામણ થાય તેવી રૂંધામણ એને થવા લાગી. એ બીજી બાજુ વળ્યો. એક બાજુની બારીમાંથી આવતા પાતળા અન્ધકારમાં એણે જોયું તો એની બહેન ભોંય પર જ સૂઈ ગઈ હતી. અન્ધકારમાં આછા આભાસરૂપે જ દેખાતા એ આકારમાં એને એવી તો લાચારી દેખાઈ કે એની છાતીએ ડૂમો આવ્યો, કાલે સવારે એને હસાવવાની હામ ભીડી શકાશે?

એ આવા વિચારમાં સૂનમૂન થઈને ઊભો હતો ત્યાં એના દીકરાનો રડવાનો અવાજ સંભળાયો. એ શિશુના અવાજથી ઘરની અંદરનો અન્ધકાર હાલી ઊઠ્યો, અંદરના ઓરડામાં દીવો થયો. અન્ધકારની વચ્ચે થરકતો એ પ્રકાશનો લિસોટો લંબાઈને છેક બીજા ઓરડા સુધી પહોંચ્ચો. મા બહારથી અંદર આવી, એણે પાણીનો લોટો ભર્યો, એ લઈને બહાર પરસાળમાં ગઈ. એણે નાના દીકરાને ઊભો કર્યો. એને અંદર લઈ આવીને પાણી પાયું. ડોસા ઊઠ્યા. ઓટલા પર જઈને એમણે ગળું સાફ કર્યું. થોડી વાર શેરીના દીવાને અજવાળે ઊભા રહ્યા. શિયાળાની સાંજના ઠંડીનો ચમકારો એમને ધ્રૂજાવતો હતો કે પછી હૃદયના વલોવાટથી એ ધ્રૂજતા હતા તે કાંઈ સમજાયું નહિ.

એ અંદર ગયો ને પોતાના દીકરાને ઊંચકીને બહાર લાવ્યો. બાળક એની તોતડી બોલીમાં અર્થ વગરનું કશુંક બોલ્યે જ ગયું: ને એને થયું કે ઘરનાં બધાં જ માણસો જો આવી અર્થ વગરની ભાષા બોલતાં શીખી જાય તો કેવું સારું! પછી કશો ઝઘડો જ નહીં! ને કેમ જાણે એ પોતાના જ બાળક પાસેથી એ ભાષા શીખવા ઇચ્છતો હોય તેમ એની ભાષાને ધ્યાનથી સાંભળી રહ્યો.

એની મા અંદરના ઓરડામાં આવી. દેવની છબિ આગળ ઘીનો દીવો કર્યો, ને પછી હાથ જોડીને ક્યાં સુધી કશુંક અસ્પષ્ટ બોલતી ઊભી રહી. પછી એ રસોડામાં ગઈ. એની પત્ની પણ રસોડામાં, માની પાછળ પાછળ, ગઈ. ડોસા આવીને એના હાથમાંથી કીકાને લઈ ગયા. ઓટલે બેઠા બેઠા એ બંને જણ વાતે ચઢ્યા. ધીમે ધીમે નિસ્તબ્ધતાની વજ્રની કિલ્લેબંદી તૂટી. અવાજોની અવરજવર દબાયલે પગલે શરૂ થઈ.

એ પોતાના ઓરડામાં ગયો. કોટ ઉતારતાં ખિસ્સામાંથી પેલી પાંચ રૂપિયાની નોટ કાઢીને એણે એક ચોપડી નીચે દબાવીને મૂકી. એની પત્ની બેચાર વાર ઓરડામાં આવી ગઈ, પણ કશું બોલી નહિ. ખાવાને હજુ ઘણી વાર હતી. એ બાજુમાંની પેટીને અઢેલીને સહેજ બેઠો. એની આંખો ઘેરાવા લાગી; એ એક જુદી જ દુનિયામાં પ્રવેશ્યો: રોશનીથી ઝાકઝમાળ રાજમહેલ છે, ચારે બાજુ દર્પણોથી મઢેલી ભીંત છે, સુગંધી જળના ફુવારા ઊડે છે. પણ આજુબાજુ કોઈ નથી. સિંહાસન ખાલી છે, દરબારીઓનાં આસનો ખાલી છે. એ બધાના આવવાની રાહ જોતો ઊભો છે. સામે મોટો લીલા કિનખાબનો પડદો છે. એની ઉપર મોટે અક્ષરે પાંચનો આંકડો લખ્યો છે. એ આંકડા તરફ એની નજર મંડાય છે ને તરત જ એ આંકડો તોફાની દરિયામાં ડોલતી નાવડી બની જાય છે. પિતા, ભાઈ, બહેન, પત્ની, મા, દીકરો – બધાં એને બાઝી રહ્યાં છે, પણ પાણી – કાળાંભમ્મર પાણી ખૂબ ઊછળે છે. હોડી ડૂબું ડૂબું થાય છે. ત્યાં એ એકદમ ‘બચાવો, બચાવો’ની ચીસ પાડીને સફાળો જાગી ઊઠે છે. જુએ છે તો એની બાજુમાં એના દીકરાએ ચોપડીનાં ચારેક પાનાં તો ફાડી નાખ્યાં છે, ને એની નીચે દબાવેલી પાંચ રૂપિયાની નોટને હાથમાં લઈને ફાડી રહ્યો છે. એ નોટના ફાટવાના ચર્ર્ અવાજને સાંભળી રહ્યો.

License

બીજી થોડીક Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.