૩૦. વતન

દૂર દૂર અલકમલકની પેલે પાર ટેકરીઓની વચ્ચે—ઉપર-નીચે અડખેપડખે મુક્ત વસેલું મારું રાતું રાતું ગામ હતું. ચાંદો ટેકરીઓના ઢાળ ઊતરીને ઢળતી રાતોમાં અમારી સાથે તડકો-છાંયો રમવા આવતો ને સૂરજ ડુંગર-ખેતર-સીમસીમાડે વગડા વાટે ફરતો-તરતો સાંજ પડે ને નદીકિનારે જઈને રતૂમડો થઈ જતો. જાણે એને મારું ગામ છોડીને બીજે જવાનું ના ગમતું હોય એમ ક્ષિતિજ ઓળંગતાં એ ભાવભીની અધખૂલી આંખે જોતો જોતો વિદાય લેતો. સવાર થતાં તોપાછો તરણે તરણે ને પર્ણે પર્ણે હાજર. રાતભર આભનાં તારોડિયાં દાદા સાથે ગોષ્ઠી કરતાં. નક્ષત્રોની પેલે પારના મલકમાંથી થોડીક પરીઓ અમારાં શમણાંમાં ક્યારેક ઊતરી આવતી. આકાશગંગાની વાટે એ પાછી જતી રહ્યાનું અમને દુઃખ સાલતું. ઋતુઓ વસ્ત્રો ફરકાવતી આવતી ને ખેતર-વૃક્ષે રોકાઈને પાછી વણજારાના પડાવો સાથે ઊપડી જતી ડુંગરોની પેલે પારના અજાણ્યા દેશમાં.

ગામ મારું પણ, ભૂખથી રિબાતું વલ્લવપુરા. એવુ જ મોટા પાલ્લા. એના પાદરમાં મોટા ચાંદરણા જેવડી તળાવડી ને એમાં શરદમાં ખીલતાં કંકુવરણાં પોયણાં. પાદર આટાપાટા રમે. હુતુતુ ને ખોખો રમે. પાદરમાં અજાણ્યા રાજપૂતના પાળિયા. ન થાય દીવો કે ન ચઢે સિંદૂર. પાસેનો કૂવો જળજીવતો. નજીક મોટો ઝાંપાનો વડ. એની નીચે, બાવાઓ હાથી લઈને આવે ને પડાવ નાખે. હાથી પણ એ વડ પાસે સાવ બચ્ચાં જેવા બાપડા લાગે. સીમની વાટે એક બીજું તળાવ એની પાળે લીમડાનાં ઝાડ તે પેલું ગીત કાયમ કાને રણક્યા કરે :

લીમડાની હેઠે તળાવ પાણીડાં રેલમ્‌છેલ
કુંવર આઘો ના જૈશ દેડકો તાણી જશે…

પછી લ્હેરાતાં ખેતરો ને દેખાય ઝાડભર્યો કોથળિયો ડુંગર. એની ટોચે લાખા વણજારાએ ધન દાટ્યાની વાતો પેઢી-દર-પેઢી ચાલી આવે ને દરેક પેઢી એ શોધવા મથતી રહે. ટેકરીઓ તો ચારે તરફ એવી કે લીલાછમ ઢોળાવે ઢોળાતી હોય ત્યારે વિલાયતના ‘મીડલૅન્ડ’માં મ્હાલતા હો એવું લાગે.

આથમણી સીમમાં લક્કડિયા માતા ને વાયવ્યનાં ખેતરો સાચવતું મહીની ભેખડે ઊભેલું ધ્વજા ફરકાવતું — જાણે બોલાવ્યા કરતું — કપિલેશ્વરનું મંદિર! એનો આભ અડતો પીપળો એ પલપલે! ગામ પાસેની એક ટેકરી પર નાયકાઓનાં છાપરાં; બીજી ઉપર વસે હરિજન-ભંગી… પોતપોતાનાં જાણે નોખાં સામ્રાજ્ય. ગામમાં એક દોઢી — બેઉ બાજુથી બંધ — જવા- આવવાના દરવાજાવાળી આ દોઢીમાં બાપુઓ રહે — જૂના વૈભવની યાદો ને વટ સિવાય હાથેપગે થઈ ગયેલા. ને જમીનખેતરો ઉપર માંડ ગુજારો કરનારા. કોઈ ભણીને નોકરી જતાં સારું કમાતા થયેલા. બાકી ચોકીદાર ને પટાવાળા, પણ ગામના યુવાનોને તો દોઢીમાંથી ઓછું બહાર નીકળતી દીકરીઓ માટે ભારે કુતૂહલ. બધી રંગેરૂપે પૂરી ગામઠી હોય, પણ ‘બાપુની દીકરી’ તે ‘કુંવરબા’ જ કહેવાય ને! આવી જનકુંવરબા-ધનકુંવરબા-મનુકુંવરબા-અનુકુંવરબા-રૂપકુંવરબા — બધી જ ડુંગરપુર-વાગડના વલખતા મલકમાં વળાવી દેવાતી. ક્યારેક દારૂ પીને રુઆબ મારતા બાપુનો ઝઘડો ગામ સાંભળતું.

ગામમાં ‘ફરતી શાળા’. હા. અમે એમાં ‘૧થી ૪ ચોપડી’ ભણેલા. જુદાં જુદાં ફળિયાંની પડસાળોમાં વારાફરતે બેસવાનું — ક્યારેક કોઈનું કોઢિયું પણ મળે. નિશાળ એટલે એક લાકડાની પેટી જેમાં સાહેબનું દફતર રહે; બેલ ને મોગરી પણ એમાં મુકાઈ જાય. એક ખુરશી ને ટેબલ તરીકે વપરાતી પેલી જ પેટી. બાકી ટાટિયાં લઈને ભણવા આવતાં ટાબરિયાં. ખરા અર્થમાં આ ભીંતો વગરની લોકશાળા હતી. લોકોની અવરજવર અને લઢવાડ વચ્ચેય શાળા ચાલતી. પછી ગામછેવાડે ટેકરી ઉપર મકાન થયું… ને છાપરું ઊડ્યું તે ઊડ્યું — કોણ રિપેર કરાવે! શાળા તો આજે પણ એવી જ ઉપેક્ષિતા! ગામલોકને મન ‘નેંહાળ’ તો ‘ગમે ત્યાં ચાલે!’

ગામ નેળિયાં-નવેળિયાં અને વાડા-આંગણાં-ત્રિભેટાઓ તથા ફળિયાંવાળું! ફુલેકાં નીકળે ત્યારે હેલ્લારે ચઢતું ગામ. હવે ચૂંટણીઓ આવે છે ને ફળિયેફળિયું જાગે છે. જ્યાં નાનકડી દેવદેરી હતી ત્યાં હવે પડસાળમાં ‘દૂધની ડેરી’ આવી છે. આવક ઓછી ને પટલાઈ ઝાઝી. આ ડેરીએ ગામમાં લડાઈ ઘાલી છે. ત્યારે તો ઝાંપાના વડ નીચે ઝાયણી (નવલા વર્ષનો પહેલો જ દિવસ) એ તોરણ વણાય. ફટાકડા ફૂટે ને ગાયો તોરણ ચઢે. આ ‘ઝાયણીના જ્વાર’ કરતા ભેટે ને ‘રામરામ’ બોલે. નદીમાં ગરબા રમતા મેલી માતાની કૃપા માગે. હોળી પ્રગટાવવા ને ધુળેટી રમવાય ત્યારે ગામ મળતું પાદરમાં! હોળીના ઉલ્લાસથી છલકાતું પાદર વૈશાખે વ્હેલે બેસી સાસરે જતી કન્યાનાં રુદનથી સન્ન થઈ જતું! ફળિયા વચ્ચે ભાઈરામને ત્યાં બેઠકો જામતી ને કૂવાપાળે જવાનિયા ગપ્પે ચઢતા.

સીમમાંથી વૃક્ષો વચ્ચે ને ઢાળે-ઢોળાવે દેખાતાં ગામનાં એ રાતાં રાતાં નળિયેરી ઘરો… સાચે જ ભારો ઉતારી વાટે વિસામો કરતા સ્વજન જેવું ગામ દેખાતું — આજેય આંખમાં તો એ જ છે. ક્યારેક નટના ખેલ થતા. રામાપીરની મંડળીઓ આવતી. કોકની પડસાળે રામાયણ-મહાભારત વાંચવા રાતે બેઠકો થતી. ઊંટોના ડેરા અને ઘેટાંનાં ટોળાં નીકળતાં — ગામ વચ્ચેથી. જિપ્સીઓ જતાં ને ગામ એમનાં ઊંટે લાદ્યાં બકરાંબચ્ચાં-મરઘાં-કૂતરાં ભેળાં છૈયાંછોકરાં જોઈ રહેતું. શ્રાવણી રાતોમાં રાવળિયા ભજન ગાતા. શિયાળુ રાતોમાં ભૂતપ્રેતનાં માંલ્લાં થતાં ભૂવા ધૂણતા ને વળગાડ મુકામ બદલતા… હેલીના દિવસોમાં ડોડા-છૂંદા ખાવા પરોણા પડસાળો ભાંગતાં. કૈંક કૈંક, રગ રગનાં વ્હેણ ને મોસમી વાતો… ગમ તો બારે માસ લીલુંછમ ને આમ જુઓ તો સુક્કુંખંખ. એકબીજાના કામમાં મદદ કરતાં ઓતપ્રોત થાય ને વાતે વાંકું પડે કે છીંકતાં છીંડું પડે તો પાણી-તેલની જેમ જીવ નોખા તર્યા કરે. પ્રજામાં ભોળપણ અને પક્કાઈ, કોકમાં ખંધાઈ ને ડાંડાઈ પણ!

ગામડાંને રોમૅન્ટિક બનીને જોવાની ફૅશન મને પણ નથી ગમતી ને ગામડાનું વાસ્તવજીવન પણ કાંઈ રંગદર્શી કે ભાવના-ભરપૂર નથી હોતું — ત્યાંય બધી દુનિયાદારી છે… છતાં પ્રકૃતિનું સાંનિધ્ય અને અસલ જીવન તથા મોકળાશ અને માણસૂડાં લોક વિશે જરાક વાર રંગદર્શી બનવાનું ગમે છે. એટલે જ તો રમણીક અરાલવાલાનું, આઠમા-નવમા ધોરણમાં, ‘વતનનો તલસાટ’ સૉનેટ ભણ્યો હતો તે આજેય વાગોળવાનું — કદીક લ્હેરમાં આવીને ગાવાનું પણ ગમે છે  :

‘ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવા કાંઠે કમર લળતી પાણિયારી, રસાળાં—
ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહરે ડોલતાં અન્નપૂર્ણા,
હિંડોળતાં હરિત તૃણ ને ખંતીલ ખેડૂતોનાં
મીઠાં ગીતો, ગભીર વડલા, શંભુનું જીર્ણ દેરું,
વાગોળતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરું,
ઓછી ઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરું,
ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નીંદ લેતો—’

કવિને ગામની સાથે બા સાંભરે છે! હાસ્તો, વતન સાથે પહેલું સ્મરણ તો બાનું જ હોય. કવિ કહે છે કે ઉક્તવાનાં તો બધાંય મળશે. બધું જ હશે, પણ બા હવે ક્યાં છે? કવિ બા વિનાના વતનમાં જઈ શકતા નથી. મારી પણ આવી જ સ્થિતિ છે. હુંય કૈંક ભાવાર્દ્ર થઈને મનમાં સોરાયા કરું છું!

જોકે હું એ વાતે સભાન છું કે હવે તો કાવ્યમાં વર્ણવાયું છે એવું ગામ બચ્યું જ નથી! અરે, નળિયેરી ‘ઘર’ ગયાં અને ધાબાવાળાં ‘પાક્કાં’ ‘મકાન’ આવી ગયાં છે આજે તો! ખાવા-પહેરવાની ને ખેતીની રીતભાતોય બદલાઈ ગઈ છે — માણસો પણ ના બદલાય તો દુનિયામાં જિવાય કેવી રીતે? પણ હજી એ સીમવગડો… નદીડુંગર ને ટેકરીઓ, એ બધાં ઉપર ફરફરતી ઋતુઓની તો વાત જ નોખી… એટલે દૂરના મલકનું મારું ગામ તો એવું જ અસલ અને અનોખું.

[નવું વર્ષ ૨૦૫૫]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book