૨. ઘર

ડુંગરા એવડું ઘર.

કણબીને તો અનાજ ભરવા-સંઘરવા જોઈએ. ઢોરનું કોઢિયું અને ઘાસ ભરવાના માળા જોઈએ… કોઠાર માટેની જગા જોઈએ ને પરોણા માટે પડસાળ; એટલે લુણાવાડિયા પાટીદારોનાં ઘર મોટા ડુંગરા જેવડાં. ઘણાંને તો વખાર જેવાં — બધું ભરેલું ને આડાઅવળું; ખડકેલું.

એ જમાનાની માટી-થાપી ભીંતો, છાણ-લીંપી ઓસરી; વળીઓજડેલા મોટા માળા અને ઉપર નળિયાંછાયાં ઢાળિયાં છાપરાં. બંધ કોલાવાળી પડસાળો; મોટી ચોપાડ; વિશાળ ગુંજાર ને પાછળ એકઢાળિયામાં ઓરડી જેમાં પાણી ગરમ કરવાનો ચૂલો ને ભેંસબળદનાં ખાણદાણ બાફવાનાં ગોરિયાં. એ પછી ન્હાવાનો પથરો, ત્યાં પાણીની ઘડી અને માટલાં. પાસે વાલોળપાપડી—ગિલોડીના વેલા ચઢાવેલાં કળીયાં ને રીંગણક્યારો… પછી વાડો; વાડામાં ખળું ને પછીની ખૂલી જગામાં ઘાસનાં કૂંધવાં, એ પછી વાડને અડીને કણજી — હરનાં ઝાડ. એની નીચે કરાંઠાંના કઠિયારા… પછી ખોડીબારું ત્યાંથી જવાય દાંતીએ, સીમે, નદીએ. બીજી બાજુ નેળિયાની પડખે ભાગોળ — જ્યાંથી ગાડાં ખળે આવે-જાય! ઘર-પડસાળની આગળ આંગણું; ત્યાં ઢોરને બાંધવાની ગમાણ, માથે લાકડાંની મેડી, ઉપર ઘાસ. એ પછી ઝૂલતાં લીમડા-ઝાડ ને પછી કૂવો. ત્રિભેટો. ત્યાંથી નેળિયાં ફળિયે ફળિયે ને સીમવગડે લઈ જાય. ઘણાં ગામ બે હારવાળાં ઘરોમાં વસેલાં; પણ ઘણાં તો નેળિયાં-ત્રિભેટાઓ વચ્ચે આંગણાં-ઘર-વાડા-પછીત : એમ વસેલાં. ગામ જુદાં જ લાગે.

આ પાટીદારોનાં ઘર-આંગણાં મક્તાવાળાં. મોકળાં. પડસાળની આગલી ભીંતે માટી થાપી પેલ્લીઓ કે ક્યાંક ઈંટેચણી ઓટલીઓય હોય. કરો ઊંચો — ચૂનો કરેલો કે રાતી ગોરમટીએ લીંપેલો. ક્યાંક મોર ચીતરેલા ભળાય. કરામાંય થોડાં નાનાં ઝાડવાં. ત્યાં પણ હોય કઢિયારો. રોજેરોજ વાપરવા-બાળવાનાં લાકડાં… ઉકરડો વાડામાં છેલ્લે હોય. આવાં ઘર બબ્બે ત્રણત્રણનાં ઝૂમખાંમાં; મોટે ભાગે કુટુંબો પ્રમાણે વસેલાં હોય. ના, અમારાં ગામડાંમાં માઢ-મેડીઓ ના મળે. ન મળે સાંકડી શેરીઓની સંકડાશ કે પાસપાસે વસેલાં ફળિયાંની ગીચતા પણ ન મળે. અમારાં ગામડાંને ન તો ખડકીઓ કે ડેલીઓ હોય કે ન ચણ્યા હોય કોટકાંગરા. બધી ખુલ્લાશ. બહુધા માણસોય એવા ખુલ્લા ને મોકળા મનવાળાં મળે.

કાળઝાળ ઉનાળે આવા ઘરમાં કદી બફારો વળ્યો નથી. નળિયાંછાયાં પડાળમાંથી પવન સંચરતા હોય. ઘાસ-માળા ગરમીને રોકતા હોય. માટીની ભીંતો ઝટ તપે નહીં ને તળિયું તો છાણલીંપ્યું — ઓકળીવાળું. એય ટાઢું લાગે. પંખા વગર એવા ઘરમાં જિંદગીનાં પચીસ પચીસ વર્ષો કશી ફરિયાદ વિના વીતી ગયાં. શિયાળો જરા વધારે ટાઢો લાગે; પણ ચોમાસે વરસતો વરસાદ રાતભર નળિયાં વગાડતો. એ સંગીત ઊંઘને ઘૂંટે.

અંધારી રાતોમાં વરસતો વરસાદ નેવાંના દેકારાથી પમાતો. દિવસે એ નેવાંની ધારાઓ નીચે ન્હાવાનું ને ચોખ્ખું પાણી ભરી ન્હાવાની ઘડીઓ ભરી લેવાની. ઘરની પછીત લગી ઘાસ ઊગી આવે. વાડો ખેડીને મકાઈ વાવી હોય; ખળું પણ ઘાસથી લીલછાઈ જાય. અમારું ઘર વાડવેલાથી છવાયેલી વાડો વચ્ચે ઊભું હોય. હરિયાળા બેટમાં વસવાનો એ નોખો — અસલ અનુભવ. શિયાળો લીમડા ખેરવે. વાડામાં સોનેરી પરાળનાં કૂંધવાં ને સીમ પણ પીળચટી. પરોઢથી આંગણે તાપણી સળગાવી દાદા તાપતા હોય. ત્યાં ઋતુ બદલાય એની પ્રત્યેક ગતિવિધિ પમાતી રહેતી. ઉનાળો બેસે અને ખાટલા ચોપાડો-પડસાળો છોડીને ફળિયામાં-આંગણામાં આવી જાય. ચૈત્ર-વૈશાખની ચાંદની રાતોમાં ખુલ્લા આભ નીચે સૂવાનું એ સુખ શહેરની સાંકડમાંકડ શેરી-અગાસીએ ક્યાંથી મળે? પેલા ચામર ઢોળતા લીમડા માથે ઝળૂંબતા હોય… દૂર નદીના ભાઠામાં સારસ પ્રહરે પ્રહરે બોલતાં હોય ને એમ રૂપેરી રાત પસાર થતી હોય. ઘર પાસેનાં નદી-કોતરોમાંથી બહાર આવી શિયાળવાં લાળી કરે ને ગામનાં કૂતરાં એના જવાબમાં ભસતાં ભસતાં ગામસીમની સરહદ સુધી દોડી જાય. એક નાનકડું ‘અવાજયુદ્ધ’ ખેલાઈ રહે… ને પાછી રાત ટાઢા જળમાં પથરા જેવી શાંત. હા, ઘૂવડનો ડરામણો અવાજ રાતને બીકાળવી બનાવતો. સીમમાં વાસો ગયેલા કોક ખેડૂતનો ઢળતી રાતે ગાવાનો અવાજ સંભળાતો ને ક્યાંક; નદીની સામે પાર કાનેસરમાં તબલાં-કાંસીજોડાં રણકાવતી ભજનમંડળી કાને પડતી. ઘરને ઘેરીને રહેતી આવી ભાતીગળ દુનિયા માટે જીવ તો હજી ઝૂરે છે પણ એ બધું ક્યાં બચ્યું છે?

પડસાળે દાદા-કાકા સૂતા હોય. પાછલી ગુંજારમાં ભાઈભાભીનો સંસાર ચાલે. ચોપાડે માની આસપાસ ટાબરિયાંના ખાટલા. ચોપાડની એક પા હોય ઢોરની કોઢ. પાગોળે બળદ અને દૂધ દેતી ભેંસો હોય. પાછલી ભીંતે પાડરાં ને બાખડી ભેંસ. અંધારામાં એમની આંખો તગતગતી રહેતી. દિવસે પણ અંધારિયાં લાગતાં કોઢ-કોલા ને માળા રાતે તો નર્યાં અંધકોપ! ચોપાડની બીજી બાજુ માટીના મોટા કોઠાર-ચોરસીઓમાં ડાંગર અને ગોળ કોઢીઓમાં મકાઈ. બીજી નાનીમોટી કોઠીઓમાં દાળ, મગ, ચોખા, ઘઉં, ચણા સમેત ભર્યું હોય અનાજ. થળીઓ દાટા દઈને સજ્જડ મૂકી હોય. ચોરસીઓ ઉપર મોટા ટોપલાઓનો થપ્પો હોય. આ કોઠારોના વચાળાઓમાં ઉંદરનો મુકામ. રાતે બિલાડીબેન આવે ને ઉંદરમામા ટાઢા થઈ જતા. ચોપાડની ત્રીજી બાજુ પાણિયારું હોય, માટીનું કે ચણેલું. ઠેબા ચણીને પથરો મૂકી માટલાં-બેડાં ગોઠવ્યાં હોય. ભીંતે લાકડાનાં પાટિયાંની બેચાર અભરાઈઓ ઉપરનાં તાંબા-પિત્તળનાં વાસણો દિવસે કળાય; રાતે નહીં. પાણિયારી પાસે જ હોય દેવગોખલો; જ્યાં દાદાદાદી-બાબાપા દ્વારકા-ડાકોર-કાશી ગયાં હોય ને છબિઓ લાવ્યાં હોય તે બધા દેવો, ધૂળ ઝાળાં વચ્ચે, ઝાંખાપાંખા બેઠા રહેતા. બાજુમાં રસોડાની ઓરડીનું બારણું.

‘રસોડી’ કહેવાય એવી આ અંધારી ઓરડી. માખોથી બચવા અંધારું રખાતું. છાપરાનાં એકબે ઢાંકણનળિયાં ઊંચાં કરી ‘છાંછાબારું’ કરીએ એમાંથી ઓરડીમાં અજવાળું રેલાય અને ચૂલાનો ધુમાડો પણ નીકળી જાય. બપોરિયું કરવા નિશાળેથી દોડીને આવીએ અને ઓરડી ખોલીએ એટલે પેલાં છાંછાબારાંમાંથી નીચે દડતો તડકો થોડાંક રૂપેરી ચાંદરણાં રચતો હોય. એ ચાંદરણાં, રોટલો-દૂધ ચોળેલા વાડકામાં અમે ઝીલીએ ને ચાંદરણાંને જ જાણે કોળિયે કોળિયે આરોગીએ. દૂધ-મકાઈનો રોટલો ને તડકાનું ચાંદરણું : ત્રણેનો એ સ્વાદ તો હવે કોણ પાછો આપી શકવાનું હતું? પકવાનને પાછાં પાડતાં એ સાદાં ને સાત્ત્વિક ભોજન વય છૂટતાં છૂટી ગયાં કે પછી ઘર-ગામ સાથે ઝૂંટવાઈ ગયાં છે એય!?

રસોડાની ઓરડીમાં વળીએ બાંધેલાં બબ્બે શીકાં ઝૂલતાં હોય — દાદાએ વણેલાં શીકાં. એમાં દહીંની દોણીઓ ઉપરાછાપરી મૂકેલી હોય. રોજ એ શીકાંમાંથી દહીં ચોરીને લસણચટણી ને રોટલા સાથે ખાવાનું. શીકાં નીચે છાશનાં ભાસરિયાં — એમાં પહેલા દિવસની કોપરિયા છાશ તે ખાવા માટે અને ત્રીજા દિવસની ખાટી છાશ તે વાસણો ઊટકવા. એક ખૂણે એંઠવાડ-પાણીનું કૂંડું. એની પડખે લાકડાં — સામે બે ચૂલા; ઠરેલા હોય ત્યારે ઊંધાં પાડેલાં હાંડલાં-પોળિયાં હોય એને માથે. ચૂલાબેડ ઉપર કલેડું-હાંડલું ને મસોતું. બાજુના ભીંત-આળિયામાં બેપાંચ ડબાડૂબી. બીજા આળિયા-ગોખલામાં તાવેથો-સાણસી ને ખાસ તો દાળ-કઢી હલાવવા-કાઢવાનો લક્કડિયો ચાટવો — સૌમાં ઠસ્સાદાર એ લાગે. બીજી બાજુ ઉતારેલાં હોય રાંધ્યા-ધાનનાં વાસણ. ત્યાં ભીંતે ઊભી હોય રોટલા ઘડવાની લાકડાની કથરોટ. બાજુમાં ચટણી વાટવાનું પથ્થરિયું ને ખાવાનાં ઢોભલાં — માટીનાં! હવે તો ગ્રૅનાઇટ જડેલાં ઊભાં રસોડાં આવી ગયાં છે; ત્યારે મારી એ અંધારી રસોડી હું ક્યાં જઈને શોધું? મારાં સંતાનો સૌની જેમ કહે છે : ‘હવે એનું કામ પણ શું છે? સારું થયું કે એમાંથી છૂટ્યાં!’ જોકે મારું મન માનતું નથી.

પાછલો ઓરડો તે ત્રીજું ભેંતિયું — ગુંજાર. એનો એક ખૂણો હળ લાકડાં રાંપડી — કરબડી — ઘાંણિયા — ચવડાં — કૉસથી ભરેલો. બીજો ખૂણોય વધારાનાં વેચવાનાં અનાજની ગુણોથી ચિક્કાર. કચરો-બાવાંનો પાર નહીં. આ કૉલામાં ચાંદરણાં પડે દસબાર. બાળપણમાં અમને ઘરમાં પૂરીને બધાં ખેતરે જતાં ત્યારે અમે આ ચાંદરણાં જોડે રમ્યા કરતાં. એ ખસતાં જતાં એનું અમને ભારે અચરજ થતું. સૂર્ય ઢળે એમ એ અવળી દિશામાં જતાં… ને છેવટે સીમ ઘેર આવતી ને બારણાં ખૂલતાં ત્યારે વાડામાં તડકો ગુલાબી ગુલાબી થઈને ઑગલાઓને મોટા બતાવતો હોય. સાંજના તડકામાં જોયેલાં એ વાડાનાં જુદી મુદ્રાવાળાં ઝાડવાં ચિત્તમાંથી ખસતાં નથી.

ગુંજારની અંધારે ઉબાયેલી કૉલા-ભીંતો ઉપર કરોળિયાઓનાં સફેદ સફેદ ઘર; એ પણ ધોળાં ધબ ચાંદરણાં જેવાં! અમને થતું કે સાંજે સૂરજ આથમી ગયા બાદ કૉલામાં રહી ગયેલાં ચાંદરણાં ભીંતોએ જેમનાં તેમ ચોંટી ગયાં છે ને કરોળિયાઓ એની હૂંફમાં રહેવા લાગ્યા છે. ક્યારેક અમે એ કરોળિયાનાં ઘરની ખાપો ઉખાડતા. એની નીચે બચ્ચાં જોતા ને પેલી રેશમી ખાપની સુંવાળપને અડ્યા કરતા. આજે; નળિયેરી પડાળ ગયા પછી; પાકાં ધાબાંવાળાં મકાનોમાં વસવા વળેલી નવજુ પેઢીને ‘ચાંદરણાં’નો અર્થ સમજાવવાનું અઘરું પડે છે. હજી ચાંદરણાં રમાડતા મારા એ માટેરી; કૉલાઓવાળા, રાતારાતા નળિયેરી ઘરની યાદો મને વ્યગ્ર કરી મૂકે છે. શહેરમાં ગયા અને ભાડાંનાં ઘર બદલાતાં રહ્યાં — અરે, પોતાનાં ‘ઘર’ કર્યાં ને એમાં લ્હેરથી વસવા છતાં ‘ઘર’ કહેતાં યાદો સાથે ઘેરી વળે છે એ તો મારું જૂનું ગામ-ઘર. જે માએ ગારો કરીને થાપેલું ને જીજીએ ગોરમટીથી લીંપેલું, જેની પેલ્લીએ બેનોએ ઓકળીઓ પાડી હતી!!

એ ઘરના માળાઓ મોટા; અનેક રહસ્યોથી ભરેલા હોય એવા. ત્યાં પૂર્વજો રહે ને ભૂતવંતરાં : બાળવયે એવી ભીતિ રહેતી. અમારાં શમણાંય ત્યાંથી આવતાં ને પાછાં ત્યાં જઈને છુપાઈ જતાં એમ લાગતું. એ માળાઓ વાંસવણ્યા કડાઓ(સાદડાં)થી છાયેલા-લીંપેલા. એમાં માટલાં જૂનાં-નવાં પડ્યાં રહેતાં. એમાં બિયારણના મગફળી ગોળા રહેતા ને ગોળ પણ. બેઉ ચોરવા અમે કોઠીઓ ઠેકતા માળે ચઢી જતા. એક બાજુ ઘાસપૂળા પરાળ હોય — ને એમાંથી સાપ-ઘોયરા કરડીને મરી જતાં લોક વિશે સાંભળેલું એટલે માળે ચઢતાં બીક લાગે… પણ લાલચ જેનું નામ! માળે વલોણાની નંદવાયેલી મોટી ગોળી. જેમાં બાનાં જૂનાં લૂગડાં હતાં… છેક તળિયે બાપાની થોડીક ચોપડીઓ. પડખે પતરાની પેટીમાં ભાભીઓના શણગારો ભરેલા હોય. બધાં વાસણો-પાત્રો ભારે રજોટાયેલાં. થાંભલા-ટેકાઓ વચ્ચે વળગણી કરી દાદાએ પોતે બનાવેલાં પડિયા-પતરાળાંના મોટલા હારબદ્ધ લટકાવ્યા હોય — જાણે અવસરની વાટ જોતાં એય અંધારું સેવતાં રહેતાં. બાપાને પૂર્વજ રમતો. ક્યારેક નવા દિવસોમાં એ દેવગોખલે દીવો કરતાં કરતાં ધ્રૂજી ઊઠે ને ધૂણવા માંડે. હાકોટા-છાકોટા કરતા ઘરમાં ફરી વળે. મા કહેતી કે પૂર્વજ ખોળિયામાં આવ્યો છે ને ઘરમાં આવેલાં બીજાં ભૂતવંતરાંને હાંકી કાઢવા એમ કરે છે. આ બધું માળામાં ભરાઈ રહેતું હોવાની અમને પાકી ખાતરી. આવડા મોટા ઘરમાં રાતે જરા સરખો — ઉંદર બિલાડીનો કે ઢોરનો — અવાજ થતો ને અમે ફફડી ઊઠતાં. ભયનું એ ઘરમાં જ વસતું જગત હવે નથી રહ્યું—

વીજળી દીવાઓએ એ માળા અને અંધારિયા કૉલાઓને ખુલ્લાખટ્ટ કરી દીધા છે. ભયરોમાંચની એક આગવી દુનિયા લૂંટાઈ ગઈ છે. આ જ ઘરમાં ગ્યાસતેલના ખડિયાને અજવાળે ભણ્યો અને ઈડરથી રજાઓમાં ઘેર આવતો ત્યારે પીએચ.ડી.નું વાચનલેખન પણ ફાનસને અજવાળે ચાલતું… એ ફાનસ હવે ભંડકિયાના ભંગારમાં જતી રહી હશે! વીજળી-દીવાઓએ બધાં રહસ્યો છીનવી લેવા સાથે અમારું એક અંગત ઘર-જીવન હતું તેય જાણે ‘ઉઘાડું’ કરી દીધું એનું શલ્ય ભોંકાય છે. પરાળના ઓગલામાં ખોયલો કરી કૂતરી વિયાતી — કદીક કરાના કઠિયારામાં એનાં બચ્ચાં ઊછરતાં. ભીંત-પડાળ વચ્ચે કબૂતરો સંસાર માંડતાં ને કરાની કંથેરમાં હોલી ઈંડાં સેવતી… સીતાફળને આંખો ઊઘડતી… હવે તો બધુંય ગયું — મહીનાં પાણી ઘરમાં પેઠાં ને પરિવર્તનોએ આલબેલ પોકારી! ઢળતી સાંજે માઈલો દૂરથી જોઉં છું મારું ઘર-સ્મૃતિના પ્રદેશમાં! ત્યાં તો માત્ર ખંડેરો રહ્યાં છે — ઊંટોની ખાંધો જેવાં… બાણુંમાં ઘર છોડ્યું પછી એ નથી રહ્યું… હવે એનાં ખંધેડિયાં જોવાની હિંમત નથી એટલે નથી જતો વતનમાં… જયંત પાઠકે ‘વનાંચલ’ને છેડે લખેલી પંક્તિઓ — અરે! એ તો મારે લખવાની હતી! — ભીની આંખે ને આર્દ્રસ્વરે બોલું છું :

‘અહીં હું જન્મ્યો’તો વનની વચમાં તે વન નથી,
નથી એ માટીનું ઘર, નિજ લહ્યાં તે જન નથી;
અજાણ્યાં તાકી ર્
હે વદન મુજને સૌ સદનમાં;
વળું પાછો મારે વનઘર હું; મારા જ મનમાં…’

[દિવાળી  : ૨૦૫૪]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book