૨૦. કુંવારો વૈશાખ

વૈશાખ તો વરરાજાઓનો મહિનો. એક જમાનો હતો કે લગ્નો વૈશાખમાં જ થતાં. મોટા ભાગનાં ગામડામાં તો આજે પણ આવા માંગલિક પ્રસંગો વૈશાખમાં ઉકેલાય છે. ખેતીપ્રધાન દેશનાં ગામો ચોમાસાનો ખરીફ અને (પાણીની સગવડ હોય તો) શિયાળાનો રવી પાક લઈને ફાગણ-ચૈત્રમાં પરવારી જાય. પછી નિરાંતે સમાજજીવનમાં પડે. નવચંડી, ગંગાપૂજન, વાસ્તુ ને લગ્ન — બધા પ્રસંગો વૈશાખમાં. જોકે હવે એવા દિવસો નથી રહ્યા. આ ચરોતરનું જ ઉદાહરણ લો ને! બારેમાસ લગ્નો ચાલ્યા કરે. ગ્રીનકાર્ડવાળી છોકરી કે છોકરો વિદેશથી, મન થાય ત્યારે ઊડી આવે; ને પંદર દિવસમાં પચીસ કન્યાઓ કે ભાવિ પતિઓ જોઈ લે, પેગડે પગ અને પસંદગી થાય. અમથા પાંચ-છ દિવસમાં ખેલ ખલાસ. સાતઆઠ દિવસ ફરવાના — મા અંબાજી કે ત્યાંથી માઉન્ટ આબુ! પૈસા હોય તો ગોવા કે કુલ્લુ-મનાલી કે કોડાઈ કૅનાલ… હનીમૂન માટે તો મુંબઈ આસપાસનાં સ્થળો પણ હવે તો હાથવગાં છે. માથેરાન, ખંડાલા, લોનાવલા, ઊટી, મહાબળેશ્વર… હોડીને દૂર શું નજીક શું! આમ, લગ્નોત્સુક જુવાન પેઢી, પેલાં યાયાવર પંખીઓની જેમ આવે છે ને પાછા મહિનાની અંદર તો અદૃશ્ય થઈ જાય છે. વૈશાખનો વટ હવે ઓછો થયો છે. બીજા મહિનાઓએ એની રંગરાગી છટામાં ભાગ પડાવ્યો છે, પણ અમારા પંચમહાલમાં તો વૈશાખ લગ્નગીતોમાં વણાઈ ગયેલો છે :

વૈશાખી વાયરા વાયા, વિનુભૈ,
પરણ્યા વિના તે કેમ ચાલશે.

ને મહીકાંઠાના પાટીદારોમાં તો છોકરો-છોકરી ચૌદ-પંદરનાં થયાં નથી કે લગ્ન માટે માબાપ અધીરાં થઈ જાય. છોકરા-છોકરીને તો અધકચરી સમજણમાં, મજા પડે કે નંય પડે… પણ બંને પક્ષે માબાપને, એ પોતે પરણતાં હોય એટલો ઉલ્લાસ હોય. આજેય મહીસાગરની પેલે પારનાં ગામડાંમાં આવાં દૃશ્યોની નવાઈ નથી. હજી તો વરકન્યાએ દશમાની (ન્યૂ એસ.એસ.સી.) પરીક્ષા માંડ આપી હોય… ને બંનેને ‘પીઠી ચડે.’ એ બિચારાં કાચુંકૂણું શરમાય. એમનાથી એકાદ વર્ષ મોટાં ને વર્ષ-બે વર્ષ પૂર્વે પરણેલાં પોતાના ‘અનુભવો’ કહે  : હઠ ને રુઆબ શીખવે. આમાંથી ઘણાં અનિષ્ટો સર્જાય છે. હજી તો છોકરો બિચારો હાયર સેકન્ડરીમાં હોય, માથે પરીક્ષા ગાજતી હોય ને ઘરમાં વહુ વળાવવાની હોય, આણું કરવાનું હોય કે વહુને જીયાળે આંણે તેડવા જવાની હોય! બિચારો કે બિચારી! — એ તો વાંચે, પરીક્ષા આપે, શરમાય કે તાજા જન્મેલા બાળકને ઘોડિયામાં ઘાલીને હિંચોળતાં જાય? હાથમાં પાછી ચોપડી ને હાલો ગાય.

એ મલકમાં ભણતર વધ્યું પણ હજી નવા વિચારો નથી આવ્યા. બી.એ. ભણતાં છોકરા-છોકરીને એકાદ બાળકહોય અને એમનો સંસાર ‘બે બસ છે’ના આ જમાનામાં તો લગભગ સમેટાઈ જવાનો હોય; બલકે સમેટાઈ ગયો હોય! આવા કિસ્સાઓ હજી પચાસ ટકાથી ઉપર છે. એટલે સંસારનો ઢંગઢાળ ત્યાં કઢંગો છે. રંગીલો વૈશાખ આવી બેઢંગી ચાલ ચાલતો રહ્યો છે. કહેવાતી ઊજળી વર્ણ પણ હજી આમાંથી પરવારી નથી. મારી સાથે ભણેલા મારા મિત્રોને ઘેર આજે પૌત્ર-પૌત્રીઓ છે. એ ‘દાદા’ બનીને આંગળીએ પોતરો-પોતરી વળગાડીને કોઈના વિવાહમાં મહાલે છે. ‘દાદાગીરી’ કરે છે. આ વાત લખતાં મને પારાવાર પીડા થાય છે. એમ.એ. કે એમ.એસસી. થયેલા યુવાનો… અરે ડૉક્ટર, ઇજનેરનું ભણેલા યુવાનો પણ આ ઘરેડનો વિરોધ કર્યા વિના જીવ્યે જાય છે.

કહો, કેળવણી ક્યાં વધી છે? મારા મતે તો કેળવણી વધી નથી, ‘વકરી’ છે… આપણે એનો મર્મ પામ્યા નથી. સંતાનોની ખોટી ખોટી ચિંતા કરી, એમના જીવનના નિર્ણયો, ઉતાવળા ને આબરૂના ખોટા ખ્યાલમાં સપડાયેલાં માબાપો, કરી નાખે! ભણેલાં, અધ્યાપક કે આચાર્ય હોય એવાં માબાપો પણ આવું કરે ત્યારે તો જીવ ફફડી ઊઠે છે. નવી પેઢીને ભણાવવાના નામે છેવટે તો એ એમની જિંદગીને ખોટી દિશામાં ‘ચૅનલાઇઝ’ કરી દે છે. નવી પેઢી — પંચમહાલના ઈશાનિયા મુલકમાં તો હજી આ રીતે પરતંત્ર છે ને એને એની કોઈ ‘ચોઇસ’ નથી. જે સમાજમાં યુવા પેઢીનો અવાજ જ ન બંધાતો હોય કે બંધાવા જતા અવાજને કચરી નાખવામાં આવ્યો હોય એ વડીલ પેઢીને કે એ સમાજને વિશે શ્રદ્ધા શી રીતે રહે? મૂંગી ને મોટી પીડા છે આ.

આ ઉઘાડું સત્ય લખવાની પણ મારે — અમારે તો કિંમત ચૂકવવી પડે છે! પછાત વર્ણના લોકો — સમાજોએ પ્રગતિ કરી હોય અને અમારા સમાજે કેટલીક પ્રગતિ કર્યા છતાં કેટલીક મૂળભૂત વાતે એ જ રૂઢિ, જડ પછાતપણું દાખવ્યું હોય ત્યારે અમારા જેવા થોડાક લોકોને પારાવાર વેદના થાય એ કોને કહીએ?

ચૈત્ર ઊતરવા માંડે અને અમારા ચહેરા પર વૈશાખની વિપદાઓ આવી ઠલવાય છે. મિત્રો એમનાં કાચાં સંતાનોના લગ્નમાં બોલાવે છે, પણ જવાની મારી હિંમત ચાલતી નથી. એ આપણને વ્યવહારુ ન ગણે… કુરિવાજ આચરનાર જેટલો જ એમાં સાક્ષીભાવે હાજરી આપનાર જવાબદાર છે.

મને ઘણી વાર થાય છે કે ‘વૈશાખ’ની વરણાગી છટા માણવા માદરેવતન ચાલ્યો જાઉં… પણ ત્યાં આ દિવસોમાં જે જયાફતો ઊડે છે, જરૂરી-બિનજરૂરી પ્રસંગો ઊભા કરીને લોકો હજારો મણના લાડુ કરી ખાય છે. ન્યાતવરાને નામે દેવામાં ડૂબે છે ને ભાવિ પેઢીનું અજાણતાં-જાણતાં જે અહિત કરે છે એ જોયું જતું નથી. ત્યાં ખાવું-ખવરાવવું કે કહેવાતા આગેવાનોની ખુશામત કરતા રહેવી — એનું નામ સામાજિકતા છે! સારું કામ કરનારો આબરૂદાર ન ગણાય. પંચાતિયાઓ, લડનારાઓ ત્યાં મોટા ગણાય છે. આ પણ એક જાતનું ગંદું-ગોબરું-વરવું રાજકારણ છે! ને એનો સામનો કરનારે તો વેઠવાનું જ આવે એ દીવા જેવી વાત છે!

મિત્રો મને કહે છે કે — આ વૈશાખે પીળાં ફૂલોથી લચી પડેલા ગરમાળાની — અમલતાશની વાતો લખો; રાતાં ફૂલે ઠસ્સાદાર ઊભેલા લાલચોળ પાઘડીધારી ક્ષત્રિય જેવા ગુલમોરોની કવિતા લખો. હાથોમાં મેંદી મૂકેલી, પાનેતરમાં લજામણીના છોડ જેવી શરમાતી-ઊઘડતી કન્યાના અરમાનોને યાદ કરો; ‘લાડલો તો પાન ચાવે ને રસ ઢોળે.’ એવા ગુમાની વરરાજાની આશાના આલેખ કરો… દોડતી — ઘૂઘરા રણકાવતી વ્હેલો અને હજીય ફટાણાં ગાતી જાનડીઓ; કે એમાંની કોઈ રૂપવતી પાછળ લટ્ટુ બનેલા કોઈ વરણાગી જાનૈયાની વાર્તા લખો! સાચી વાત છે, પણ મનેખનું કાળજું છે; વતનની માયા છે; સમાજ તરફની લાગણી છે એટલે વાસ્તવિકતા વિશે લખ્યા વિન નથી રહી શકતો. મારી આ ચિંતા ભલે અત્યારે વંધ્ય રહે; આવી વાતો લખીને ‘આવ પથરા પગ ઉપર પડ’ જેવી ઉપાધિ વોરવાની મારી રીતિથી મારાં સગાં, સ્વજનો, બાપ, ભાઈ બધાં નારાજ થાય… થતાં રહે છે… પણ મને શ્રદ્ધા છે કે આ શબ્દો ક્યારેક એમનો અર્થ પ્રગટાવશે… આ શબ્દો અવરથા નહીં જાય. કોકના હૃદયમાં તો એ ચિનગારી બનીને ચંપાશે… ક્યાંક ભારેલા છાણાની જેમ ચુપચાપ બળશે — ને મોકો મળતાં તેજસ્વી બની આવશે!

વૈશાખના અનેક ચહેરાઓ છે, પણ પેલો લુણાવાડિયો કે સંતરામપુરિયો ચહેરો મને ભૂલ્યો ભુલાતો નથી! એનો એક ઓથાર મારા સમાજ વતી હું એકલો એકલો વેઠ્યા કરું છું… બીજા સમાજોએ પણ રાજી થવા જેવું નથી. એબ તો દરેકને હોય. દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી દરમિયાન હજી મારો મલક લગ્ન બાબતે મર્યાદામાં રહે છે… પણ ચરોતરમાં તો દેવ પોઢતાય નથી કે જાગતાય નથી! રામ જાણે આખા મલકનું ને માનવજાતનું શું થવા બેઠું છે? આજેય વૈશાખ બેસે છે ને મારું કાળજું કંપ્યા કરે છે…

[વૈશાખ : ૧૯૯૫]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book