૧૬. ભળભાંખળું

મોંસૂઝણું; વીતીને સવાર તરફ ઢળતી પાછલી રાતનો એવો વખત જ્યારે પાસે આવી ઊભેલી વ્યક્તિનું મોં સૂઝી શકે, એટલે કે પડખે ઊભેલી વ્યક્તિનું મોઢું ઓળખી-કળી શકાય એવું-એટલું ઝાંખું અજવાળું થતું હોય એવી વેળા. એને ભળભાંખળું પણ કહે છે. આમ તો વહેલું પરોઢ, હજી પ્હો ફાટવાની તૈયારી હોય, અરુણિમા પ્રગાટવાને વાર હોય, અંધારું જવા માટેની દિશા શોધતું હોય તેવો વખત તે મોંસૂઝણાનો વખત. પાદરના મંદિરનો મહંત હજી ઊઠવા વિચારતો હોય ને દૂરની સીમમાં આવેલા હનુમાન મંદિરનો કે મહી કાંઠેના કપીલેશ્વરનો બાવો જાગીને નદીનો ઢાળ ઊતરતો હોય…

હજી મોંસૂઝણું ના થયું હોય ને ધના સોમા પટેલ પાદરને કૂવેથી એ બેડાં પામી બરી લાવીને હળ જોડવા બળદોને ઘાસફૂસ ખવડાવતા હોય. ભૂરીમા એમની સારુ રોટલો ઘડતાં પહેલાં ભેંસોને ખાણપાણી કરાવતાં હોય. આખા ગામનાં સૌના પહેલાં જાગનારું ઘર તે શ્રી ધના સોમાનું; રાતે મોડે સુધી ખળામાં-ઘરમાં કામ ચાલતું હોય એટલે સૂવાનુંય મોડું. જળ જંપે ત્યારે ધનાકાકા જંપતા… ને એ સૌ પહેલાં ઊઠીને પાદરકૂવે જળને જગાડતા. ગામમાં મોટા ખેડૂત ને નામ પ્રમાણે પૈસોય ખરો, પણ કામમાંથી બારે માસ નવરા ના થયા, હું અને ધનાકાકાનો છોકરો વીરોભાઈ સાથે ભણીએ. હું એમના ઘરે વાંચવા જાઉં… સવારે ધનાકાકા અમને જગાડતાં કહેતા હોય — ‘વીરાભૈ, ઊઠો; દા’ડો તો બે વાંસ ચડ્યો સૅ…’ મારી આંખ ખૂલે ત્યારે ખબર પડે કે હજી તો બહાર અંધારું છે. ને બધું કામ પરવારીને ધનાકાકા હળ-બળદ-ગાડું હાંકતા સીમના વાટે મળતા હોય. એમનો અવાજ સાંભળીને બીજાં લોક જાગતાં. નિરાંતવો કણબી ખેતરે પહોંચે ત્યારે તો ધનાકાકાએ અડધું ખેતર ખેડ્યું હોય કે બે ઓળ બાજરી વાઢી હોય કે ભારો ચાર કાપી હોય! એ કહેતા — ‘કણબીને નિરાંત ચેવી ભૈ?’ આજે, જ્યારે ‘મોંસૂઝણું’ શબ્દ સાંભળું-વાંચું છે કે તરત ધનાકાકાવાળી બધી જ સાંભરણો તાજી થઈ ઊઠે છે.

અમારા એ નાનકડા ગામમાં ત્યારે તે રેડિયોય ના મળે. એટલે સવારનાં પ્રભાતિયાં ક્યાંથી સંભળાય? ખેતીકાર લોકોને ભજન માટે વખત નહીં. હા, પશવો લવાર ક્યારેક ઢળતી રાતે ભજનો ગાતા ને મંડળી જામતી… ને સબૂરકાકા તંબૂરો લઈને ‘મનવા ભજી લેને કિરતાર આ તો શમણું છે સંસાર…’ ગાતા. પણ સવારે તો એય જંપેલા જ હોય. નરસિંહનાં પ્રભાતિયાં અમારી પ્રજાના વશની વાત નહોતાં. સંસાર-સમાજના રોજના ફંદાઓમાં ફસાયેલાં લોકને લ્હેરમાં આવીને ગાવા જેવું તો લગ્નગાળામાં મળતું… બાકી વેઠને વેળા-કવેળા શેનાં?

પણ ગામમાં ભળભાંખળું થતું એ વેળા સાવ નોખી, તાજી. યાદ છે એવાં કેટલાંય મોંસૂઝણાંની વેળાઓ. દૂરની ટેકરીઓ ઉપર નાયકાઓનાં છાપરાંમાં કૂકડો બોલે ને સમસમ જતી રાતની ગતિને ઠોકર વાગતી. રાત પડાવ ઉપાડવા ઉતાવળી થતી. ઘરમાં ઘરડી મા જાગતી ને કેરોસીનનો ખડિયો સળગાવીને ઢોર-ખાણ પાણીને કામે ચઢતી. બાજુમાં કાકાના ઘરમાં જીવીભાભી પાંચશેર મકાઈ લઈને ઘંટીએ દળવા બેઠાં હોય. ઘંટીનો એકધારો અવાજ ગોદડીમાં લપાયેલા અમ જેવાંની ઊંઘ ઘૂંટતો હોય. બાજુમાં દલાકાકાના ત્યાં માસીએ ગોળીમાં દહીંની દોણીઓ ઠાલવીને માથે રવૈયો બાંધ્યો હોય. પછી દલાકાકા અને એ બેઉ ‘છાશ તાણતાં’ (દહીં વલોવવા રવૈયો નેતરાંથી ખેંચતાં હોય) ધમ્મ છમ્મ ધમ્મ છમ્મ રેલાવતાં હોય. એકધારો ફરતો રવૈયો ‘ઝૈડકા દેતાં’ ગવાહી પૂરતો હોય કે છાશ પર માખણ તરવા લાગ્યું છે. માસીના સ્વભાવ-શી એ કોપરા જેવી છાશ અમને પીવા મળતી… ને શરમાતી-મલકાતી એમની પુત્રવધૂના સ્મિત જેવું માખણ સવારે પૂનમના ચાંદા જેવા રોટલામાં મૂકીને રેવાભાઈ ખાતા હોય, અમને પણ એમાં ભાગ મળતો. માખણની એ કુમાશ અને અમૃતાસ્વાદ આપણાં આધુનિક ‘બટર’માં નથી પમાતાં.

હજી જરજર અંધારાનો પરદો આંખે અટવાતો હોય અને લાલદાદા ફળિયાને કૂવે ગરગડીએ ઘડો મૂકે… એના અવાજથી અમારી અંદર સવાર પડતું — ઊઠવું જ પડે એવું સવાર! બાકી ઊંઘ તો વ્હેલેરી ઊડી ગઈ હોય — કોઈ શમણાં સંગાથે — તે ભાઈરામકાકાનાં કંકુકાકી ડાંગર ખાંડતાં હોય એના ખમ્મ… ખમ્મ અવાજે, અમે તૂટીઊંઘે સો સુધી ગણતાં ને એકડી પાકી થતી. એ અવાજ ‘ખમ્મ ખમ્મ’ કરીને ખમી ખાવાનુંય શીખવતો હતો જાણે! બીજે દિવસે ડાંગર સોનફોતરી છોડી દેતી ને ઊજળા સવાર જેવા ભાતકણો હસી રહેતા. જીવીભાભીની ઘંટી અટકતી અને થાળામાં સફેદ લોટની ઢગલીઓ — જાણે ડુંગરીઓની હારમાળા… ઘડી વાર લાગે કે બરફછાઈ હિમાલયની દૂર દૂરથી દેખાતી પહાડીઓ! સૂરજ ઊગે ને માસી પેલા માખણને ઘી-તાવણીમાં ચૂલે ચઢાવે… સોનેરી તડકા જેવું ઘી સોઢી રહે — આખું ફળિયું ઘડી વાર મહેકી ઊઠે… ને પછી પાછલી રાતની ચાંદની ઠારી અને માટલામાં ભરી હોય એવી છાશ સવારે એક પછી એક બધાં લેવા આવે. ભળભાંખળું આવી તો કેટકેટલી ફાંટો ભરીને અમારી ભોળીભોળી આંખો આગળ ઠાલવી દેતું! ક્યાં છે એ બધું હવે?

ખેતરમાં વાસો ગયેલા દાદાની નિદ્રા તો કાગાનીંદર. ખળભાંખળું પરખવાની એમની નક્ષત્રરીતિ. ખાટલી ઉત્તરપશ્ચિમમાં ઢળી જાય; ઢોર ચરાવતાં ટોળે વળેલા ગોવાળિયાં જેવું — તારાઓનું ‘ગોવાળિયાં’ નામે ઓળખાતું ઝૂમખું — ઘેર પાછું વળતું હોય, શિયાળાની પાછલી રાતનું તારિયું (શુક્રનો તારો) પૂર્વાકાશમાં ઊગતું હોય, ઉનાળાની રાતોમાં પરોઢ ટાણે હૈણો (હરિણી) આથમવા જતી હોય… દાદા મોંસૂઝણું પારખે. લીમડા-દાતણ કરીને ભારો ચાર વાઢે ને સૂર્યોદય પહેલાં તો ઘરે આવી પહોંચે.

કૂકડો બેત્રણ વાર બોલે. એનો તડકામહોર જેવો રણકતો અવાજ સાંભળીને, નદીના ભાઠામાં શિયાળુ તમાકુ સાચવવા ખોયલો કરીને રહેતો મૂંગા તળસી જાગીને ચૂંગી ભરે, પછી નદીનાં હૂંફાળાં પાણીમાં ડૂબકી મારી ભજન ગણગણતો; ઝાયણીના દિવસે લોકોએ નદીમાં તરતા મૂકેલા ગરબાના ઘડા કાઢી લીધા હોય એનાથી, તમાકુને પાણી પાવા વળતો હોય. પારકાંનાં ખેતરશેઢાની ચાર દૂંગવાની ટેવવાળો કોદર ડોસો હજી દિવસની ‘શેણ ફાટી’ ના હોય ને પડસાળમાં ભારો ચાર નાખીને હૂકો પીતો હોય. ભાથી પગી રાતની ‘રોણ’ ફરીને ઘેર આવી ઊંઘની ખટાશ કાઢવા ગોદડીમાં ગોટમોટ થતો હોય… ફૂલો બારિયો નિશાચર પ્રવત્તિ કરીને ઘેર આવી જંપી જવામાં હોય… ને અજવાળું થતાંમાં તો મેડીવાળા બાપુએ પણ ગામ ના જાણે એમ ઠકરાણાંને કાજે બેચાર બેડાં પાણી આણી દીધું હોય. વાલજીભાઈ ખળામાં રાતનું બાકી પરાળ કાઢતા હોય ને હરાયો તલાટી અંધારે અંધારે કોઈની વહુવારુ પાછળ લોટો ઢોળવા નીકળી ચૂક્યો હોય! મોંસૂઝણું સંતોના જાગવાની વેળા કહી છે. પણ અમે તો સંસારીઓને જાગતાં-ભાગતાં જોયાં છે.

ઋતુઋતુના રંગ પ્રમાણે ભળભાંખળાંય ભાતીગળ. અમે નદી પડખેનાં કોતરો તરફ લોટો ઢોળવા જતા હોઈએ ને કણજી પર હજી બેસી રહેવું ઘૂવડ ડોળા ઘૂરકાવતું હોય. શિયાળવાં ઝાડીમાં જવા ઉતાવળા દેખ્યાં હતાં. વડલાની ડાળે વડવાગોળ પાછાં વળીને લટકી જાય પછી અજવાળું થતું. અમે નેળિયાની ભીની-ઝાકળભીની ધૂળમાં પંખીપગલાં ને સાપલિસોટા જોતાં હોઈએ. વાડવેલાનાં વાદળી-જાંબલી ફૂલોની હસતી તાજપ અમને લોભાવતી રહેતી. વહેલાં પ્રગટેલાં ગોરિચાં-ચૂલાઓનો ધુમાડો ગામની ચારે પાસ વીંટળાઈને અ-પૂર્વ દૃશ્ય રચી રહેતો. પીપળા પર બગલાં બોલવા માંડતાં. કાગડાઓની વાચા તો વહેલી ખૂલી જતી… પછી તો વયસ્કાના ચહેરા જેવું અજવાળું પથરાઈ જતું અને ગ્રામસૃષ્ટિ યથાવત્ ગોઠવાઈ જતી. કેડીઓ ગાતી ગાતી સીમે નીકળી જતી… તડકાની સળીઓ ચાંચમાં લઈને ચકલી કોઈ કવિનું ઘર ગૂંથવાના કામે ચઢતી.

હવે તો ડેરીઓ આવી છે, દહીં વલોવવાની જરૂર નથી; જોકે એનાંય મશીન આવ્યાં છે. હવે દેશી ઘંટીઓને ઘરવટો અપાયો છે. ઢોરઢાંખર વગડેવાડીએ રાખવામાં આવે છે. ધના સોમાના છોકરાના છોકરાની વહુઓ માટે ‘નળ’ થઈ ગયા છે… બધી દમયંતીઓને ત્યાં સવારે ‘નળ આવે છે.’ ને લાલાકાકાનો પૌત્ર સ્કૂટર લઈને નોકરીએ જાય છે. રાયજી સાંકળનો બાબુ ગામની જમીન ટ્રૅક્ટરથી ખેડે છે. મોંસૂઝણે એનું ટ્રૅક્ટર ગામને પ્રદૂષિત કરતું ખેતરે જાય છે. પાદરે હવે બસ-સ્ટેશન છે — રવજીની લારીએ સવારે લોક ચા પીએ છે. ‘છાશવેચાણ’ કેન્દ્ર ખૂલ્યું છે… ભળભાંખળું થતું હશે ને નક્ષત્રો આથમવા જતાં હશે — પણ ગામમાં હવે એની કોઈને ખબર નથી રહી. ‘નાઇટગાડી’ પકડવા પરોઢનાં લોક ઉતાવળાં છે… સૃષ્ટિ જોવા ન તો દૃષ્ટિ છે ન એવી સભાનતા…!

[ધનતેરસ  : ૨૦૫૪]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book