૧૨. શેઢો

‘સીમ-ખેતરનું સરનામું, તો કહે : મુકામ પોસ્ટ શેઢો; છેડો નહીં. આમ શેઢો એટલે છેડો — ખેતરનો છેડો; પણ ‘છેડો’ તો એકાંગી શબ્દસંકેત છે. શેઢો ખેતરને ચારે છેડેથી, ચારે બાજુએ વહાલથી વીંટળાઈ વળે છે. શેઢો સરહદવાચક છે, સરહદસૂચક છે; પરંતુ ખરેખર તો શેઢો આકારદર્શક છે; રૂપનિર્દેશક છે આ શેઢો, એનાથી ખેતર પામે છે પોતાનું ચોરસ-લંબચોરસ કે ત્રિકોણિયું ખેતરપણું! શેઢો ખેતરનો અસ્તિત્વબોધક છે. એ મર્યાદા સૂચવે છે પણ મર્યાદિત રહેતો નથી. એ સરહદ સૂચવે છે પણ પોતે એક હદ દ્વારા બીજી હદને દર્શાવે છે — આમ એ આપણને સીમમાં ફેરવે છે. શેઢા વગરનાં સીમખેતર ભાળ્યાં છે કોઈએ ભલા! માણસ વગરનાં ગામઘર વખતેય મળે… થોડી વાર, પણ શેઢા વગરનાં સીમખેતર તો સસલાનાં શિંગડાં જેવી વાત ગણાય. શેઢો ખેતરની અડખેપડખે બીજાં ચાર-બાર બારસો ખેતરોને ચીંધતો ચાલે છે. ક્યારેક પડતરમાં ભળી જતો તો ક્વચિત્ ટેકરીઓના ઢાળમાં મળી જતો શેઢો મબલખ મોલ સાથે લળીઢળી જતો ઓચ્છવ છે. શેઢો સ્વત્ત્વની સાચવણી છે. શેઢો પોતાપણાની તાવણી છે… અટક્યાની ઉજવણી ને ટક્યાનો ટેક છે આ શેઢો. ખેતરને વારતો, વળાંકે વાળતો શેઢો ડાહ્યાડમરા વડીલ જેવો મલકાતો હોય ત્યારે ખેતર એને ખુમારીથી કહેતાં હોય છે — ‘હૈં શેઢાભાઈ! અડખેપડખે અમારા વગર તમે કદી તમારાપણું પ્રગટાવી શકો ખરા કે—?’ ત્યારે શરમથી લીલોછમ થઈ જાય છે શેઢો, એ જાણે છે કે અડખેપડખેનાં ખેતરો વિના એનું ‘શેઢાપણું’ સહેજમાં આથમી જાય… ભળી જાય વેરાનમાં, પડતર પાદર થઈ જાય એની જાત જરાકમાં! એટલે એકબીજાને બાંધતાં અને પરસ્પરથી જાતને સાંધતાં આ ખેતર-શેઢાની મૈત્રી આમ જોવા જાવ તો ભૈ મતલબની ભાઈબંધી છે. બંને એકબીજાને માને છે ને પાળે છે આમન્યા પાળે પાળે… બધે. સીમ આખીમાં ઢાળે ઢોળાવે જાતની ઢાળી-ઢાળીને મ્હાલે છે આ ખેતર શેઢાની જુગલબંદી, કાન માંડીને સાંભળો તો તમને સંભળાશે એમની મટિયાળી હળવાશ… હોવાપણાના કશાય ભાર વિના વખતને જ વૈભવ ગણીને વાગોળતાં આ શેઢો ખેતર જબરાં છે, હાં…

જળનાં ઝાંઝર રણકતાંવેંત રોમાંચિત થઈ જતો, પળમાં જતો અને ઘડીકમાં ઘાસઘાસ થઈ જતો આ શેઢો, તમે નહીં માનો પણ ભારે તટસ્થ છે, ભાઈ! બે દુઃખબાવરી વહુવારુઓ શેઢે બેસી વાતે વળગે છે. ઘર-વર કે પિયરની પ્રીતમાં બે આંસુ વહાવે છે. મન હળવું કરે છે — નણંદભોજાઈ બે ઘડી આ શેઢા પર, ભાભી નખરાળાં નણદીને નણદોઈની ઘેલગમ્મત પૂછે ત્યારે શરમના શેરડાવાળા મોઢે છણકો કરી પગ પછાડતી નણદી… એ કૂણા ફળદ્રુપ પાદપ્રહારને તટસ્થપણે ખમી જાય શેઢો. નાડાછડી જેવી ભાભીને ભાઈની મહોબ્બતના રંગરાગ વર્ણવી નણદલબા ચીઢવે ત્યારે ધબકારા ચૂકી જતું ભાભીનું હૃદિયું સાંભળીને સીમ આખીમાં દોડી વળવાનું મન થાય શેઢાને… પણ એ તટસ્થપણે બેસી રહે છે બાજુમાં; જમાનાનો ખાધેલ છે આ શેઢો, વાતેવાતે મલકાવું સારું નહીં ને જાતેજાતે છલકાવું એ તો આછકલાઈ કહેવાય… શેઢો આવો જ્ઞાનીનો અવતાર છે… બે પડોશણો સુખદુઃખનાં રોણાં રડતી હોય… વાઢવા-નીંદવાનું વિસામે મૂકી પોરો ખાતી હોય બેઉ આ શેઢાની સાખે. બેઉએ જીવતરમાં તડકીછાંયડી જોઈ છે, વેઠવામાં બાકી નથી મેલ્યું… વહાલી દીકરીઓને વળાવી હોય સાસરે; ઉમળકે પરણાવેલા દીકરાઓની વહુઓ છણકા કરતી હોય, દીકરો વહુની આંખે દેખતો હોય ને ઘરડેઘડપણ મજૂરી ન થતી હોય તોય આ ખેતી… જીવતરની ફજેતી કરાવતી હોય! બેઉ આંખો ભરતી, નાક નીંસકતી ને સાડલે છીંકણીયાળાં લફરાં લૂછતી પાછી કામે વળગતી હોય… ત્યારે સૂનમૂન થઈને જોયા કરતો હોય આ શેઢો… એણેય વેળા વેળાની છાંયડીના સ્વાદ-ના-સ્વાદ જાણ્યા હોય છે! એય તળેઉપર થઈ જાય છે આશાએશના બે બોલ કહેવા પણ એને મોઢે મણમણનાં તાળાં મારેલાં છે વિધિએ… હાં કે!

કોઈ કાબી કણબીકન્યાએ મૂછનો દોરો ફૂટેલા પડોશી-છોકરાને, ભર્યાંભાદર્યાં મોલ લચેલાં ખેતરની વચ્ચ ઉગમણી સીમના બપોરી આભલા તળે, નિશ્ચિત શેઢા સાખે મળવા-હળવાના કોલ દીધા છે. અધીરાઈના અશ્વોને નાથી ન શકતી એ ગ્રામકન્યા આઘીપાછી થાય છે શેઢા ઉપર… અચાનક પ્રગટી ઊઠે છે પહેલો પ્રેમ… બથ ભરીને બાઝે છે… જીવ પર આવી ચૂમે છે… ચાખે છે વયને પહેલા વાર બેઉ… ત્યારે ખરી કસોટી થાય છે. આ શેઢાના તાટસ્થ્યની! વાડે વાડે ફૂલો ખીલી નીકળી છે… ઘાસ પર ઊભી રહી જાય છે કૂણી પડેલી વેળા  : ઢળતી બપોરનો આકરો તડકો પકવે છે મોલ… ત્યારે પણ આ સમજુ અને શાણો શેઢો તો રહે છે અબોલ…

એની આસપાસ કવિ દલપતરામનાં ઘાસચારા, માથે આકાશ અને નીચે નરદમ ઘાસ… એની ભાતભાતની વાસ વેરતા શેઢા એકબીજાને મળે, છૂટા પાડે… આઘા જાય ને આવે ઓરા, એમને માથેય ક્યારેક બેસે ફૂલતોરા… એમના અંતરમાંય આવાસ અલખનો… એમની માલીપા મલકમલકનાં અજવાળાં-અંધારાં… એય ભરચક થાય, વઢાઈ જાય… એમનેય વાગે વેરાનતા, લાગી આવે ખેતરનો ખાલીપો. પણ શેઢાને ખરખરો કરવાની મનાઈ છે માલિક દ્વારા. ભલીબાઈના ઘડેલા રોટલા પડી રહે છે કાળુ વાલજી પટેલના ખેતરશેઢે… માંડલી ગામે, વાત્રકની વાટે ભૂખ્યોતરસ્યો કાળુ હળ હાંકે… તનની પરણેતર તો તણખલા તોલે છે… પણ મનની માલિક રાજુ… જોવનાઈના મોલે છે. પતિના પશ્ચાત્તાપને પામી ગયેલાં ભલીબાઈ, આમ કાકી પણ પતિની પ્રેમિકા રાજુબાઈને ભાતાં લઈને મોકલે છે… ઉમળકો ઊગે છે ખેતરશેઢે કાળુને…! ભથવારી રાજુ હોય તો ભવની ભાવઠ ભાંગે…! પણ આ તો વારો મુકાવવાની વાત છે… ઘડીકનો ખેલ, કાળુ કહે છે કે ભૂખ જ મરી ગઈ છે… શું ખાઈએ? મન કહે છે — રાજુ, તારા જેવી ભતવારી હોય તો ભૂખ ઊઘડે ને પછી ખવાય… જિંદગીની ભૂખ ભાગે… પણ ક્રૂર કાળની રમત જાણે છે શેઢો…! માનવીની ભવાઈનો સાક્ષી છે આ શેઢો!… છપ્પનિયા કાળનો તરસ્યો છે એ… ને તોત્તેરનાં પૂર વેઠ્યાં છે આ શેઢે… વડીલોની વિપદા એણે જોઈજાણી છે… લડતા-ઝઘડતા — સંપી સુલેહ કરી વહાલથી વીંટળાતા વારસદારોના લોહીધબકાર ઝીલ્યા છે આ શેઢાએ, વડીલોનો વડીલ છે એ તો; એ મટી જાય છે માટીમાં વળી પાછો બેઠો થાય છે ઘાસ રૂપે… ચાસરૂપે ફરી વળે છે ખેતરેખેતરે…

બે શોક્ય સામસામે છેડથી વાઢે છે શેઢો. હળ છૂટ્યાં છે શેઢે. બળદ ચરે છે શેઢે. ખેડુ હાથને ઓશીકે આડો પડ્યો છે શેઢે. ભોટવો પાણી ધરી બેઠો છે શેઢે. કઢી-રોટલા, કાંદા-કચુંબર, કેરી-ભાજી-ભાત-મરચાં ચટણી ખવાય છે શેઢે… છળાં-મ્હોંવીછળાં… બીડી ધતૂરીના દમ… નિશ્વાસ સાથે ગમ વેઠે છે શેઢો. ધાનના ઢગ શેઢે, વઢાયેલાં ઘાસ શેઢે, ભર્યાં ગાડાં શેઢે, શેઢે ઊછર્યાં ઝાડ ને એનાં ફળ ગર્યાં છે શેઢે શેઢે. કોઈ ખેતર સાચવતો નિશાળિયો ઘડિયાં ગોખે શેઢે, પિયર સાંભરતાં છાનુંછૂપું રડી લેતી પહેલી આણાત શેઢે. પતિને મલકાતો જોઈ શરમાતી નવોઢા શેઢે… પહેલી વાર છેટે બેઠેલી ખેડુકન્યા અડક્યાના ઉમળકા ઉછેરે શેઢે… ખેતરની જોવનાઈ પોતાના ડિલે અનુભવતી અને જીવ બાળતી કોઈ જીવી શેઢે… કોઈનું ઘડપણ હાંફે શેઢે…

શેઢો સાબદો છે હંમેશનો. સદીઓનાં તીર તથા નદીઓનાં નીર અજાણ્યાં નથી એનાથી, મલાજા પાળનારો શેઢો મૂંગો રહેવા છતાં બોલે છે મોસમ રૂપે પ્રત્યેક ઋતુમાં. શિયાળે એનાં અંગાંગે લચી આવે છે રાતીભીંડીનાં ઝીંડવાં. શરદના દિવસોમાં લાંબડા ઘાસની ટોચે જાંબળી-કલગીવાળી શ્વેત દીવીઓ ઝૂલ્યા કરે છે શેઢે શેઢે. વસ્ત્રને વળગી પડતા લૉપ ઘાસની પાકી સળીઓ સોનાવરણી થાય છે ત્યારે કરકડીયાની તૂરીતૂરી વાસ ફોરી રહે છે. શ્રાવણની વાડે કંકાસિણીનાં વાંકાં ફૂલો દેખાય છે… આષાઢે શેઢા ઉપર ઊગી આવે કંકોડીના વેલા. ફૂદડને બેઠાં હોય વાદળી ભૂંગળિયાં ફૂલો. ગળોના વેલા તો દોરડાં જેવા… મોચમમાંથી કૂદતાકને આવી લાગે! કોઠમડીના વેલા… એનાં કોઠમડાં કાચાં કોપરાં જેવાં લાગે — શેઢાનાં ખરાં ફળ તે આ કોઠમડાં. ડાંગરાં-ચીભડાં થાય. નૈયાના કે કોળા કંટાળાના વેલા પણ આ તક મળતાં ફાલતા જાય ઊભા શેઢે. આ બધાં ખવાય કાચાંકોરાં… એનો સ્વાદ તે શેઢાનો સ્વાદ. ક્યારેક બૉળના છોડવા ફાલે, ઊગી આવે કાશ પણ… કાશનાં શ્વેત ફૂલો — ચામર જેવાં… ચાંદીની છડી લઈને ઊભો રહે શેઢો. ઉનાળે ખેતરને આશ્વાસન આપતો આછીપાતળી લીલપથી સીમના અંતરને ઠારવા મથે છે શેઢો. દર્ભ જેવો દર્પ એનો. ઘાસ પહેરે-ઓઢે-પાથરે તોય એને ઘાસની એવી માયા નહીં. ઘણી વાર અનાસક્ત યોગી જેવો… ન લેવું ન દેવું! ક્યારેક એકાદો દાણો ઉગાડીને વખતે ડૂંડાળો-ડોડાળો થાય, પણ ખેતર થવાનો ચાળો ન કરે કદી. કોઈક ખોદાવે, માટી પુરાવે… પહોળો કરે શેઢો. નવા શેઢા પર દાદા બાવટો, બંટી ને કોદરા વાવતા… ધીમે ધીમે શેઢો હેઠો બેસે અને પછી ધારી લે કાયમી કઠોરતા. સારસ, મોર તથા સસલાં ચરાવતો એ સાપને સરી જવા દે છે ભીતરમાં. એ બધું બાંધી રાખવા ચાહે છે… કશું વેરાઈ-વીખરાઈ ન જાય એ એની ચિંતા. કાયમનો એ રખોપિયો. બે ખેતરના વચ્ચેના શેઢે મકાઈ સાચવવા ઊંચો માળો થાય — છાપરાવાળો… ઉપર સગડી ખાટલો. જોયા કરો સીમ તથા ટોયા કરો ચકલાં. શેઢા પર ડોડા શેકવાનાં તાપણાં થાય, બાજરી ઘઉંના પોંક પડે કે ચણા-મગફળીના લીલા ઓળા પાડવામાં આવે તે બધુંય શેઢે… તાજા પાક ને લીલા ઊના ઓળાના સ્વાદ તો શેઢે પલાંઠી મારીને લેવાના હોય… એના વિના મનખાવતાર ઊણો ને ઊચેલો ભળાય. એટલે પાટીદારને મન શેઢાની સાહ્યબી સોળ આનાની. શેઢે વહી જાય ભીના ઢાળિયા. જાગતલની જાત પમાય શેઢે; ભાવતાં ભોજન ખવાય શેઢે. એનાય ભાગ પાડનારા લોભી કપાતર લખાયા હોય છે એને લમણે. પણ એ તો અચળ… અઠે દ્વારકા! ભર્યા મોલ ખળે ઠલવાય ત્યારે ખાલી ખેતરનો એકમાત્ર આધાર આ શેઢો… ખેતરને તેતર રમાડતો સમય પસાર કરે છે શેઢો. નકરો નિર્મમ!!

[૧૯૯૬]
વિદ્યાનગર

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book