૮ : અદૃશ્ય કેદી

હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહિ.

સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહિ.

      કલાપી

       

વહાણ ઉપરના આ બે કેદીઓ નામના જ કેદીઓ હતા. ક્વચિત્ જ તેમને બેડી પહેરાવવામાં આવતી. તેમને વહાણના એક ઓરડામાં રાખવામાં આવતા અને એ જ ઓરડામાં બીજા થોડા સૈનિકો કેદીઓ ઉપર પહેરો ભરવા માટે છે એમ માની લેવામાં આવતું. બધાની સાથે વાતોચીતો થઈ શકતી અને સાધારણ છૂટથી ફરી પણ શકાતું. આ બધી સગવડ પીટર્સની શુદ્ધ લાગણીના પરિણામ રૂપ હતી.

પરંતુ સહુ સાથીઓ જાણતા કે મુંબઈ ઊતરતાં બરોબર એ બંને કેદીઓને ઠાર કરવામાં આવવાના છે. સહુને એમ ભાસ હતો કે કેદીઓને વહાણ ઉપર જે છૂટ આપવામાં આવે છે તે હિંદી સૈન્યના ભયથી જ આપવામાં આવે છે. મુંબઈ ઊતરતાં બરોબર કંપની સરકારનાં બીજાં સૈન્યો હાજર રહેશે, અને આ ક્રીમિયાનું યુદ્ધ ખેડી આવેલા સૈન્યનો પછીથી હિસાબ નહિ રહે. વહેમ પડે એટલે વહેમને પુષ્ટ કરનાર સંજોગો પણ ઊભી થતા જ જાય. કોઈ પણ રીતે આ બંને સૈનિકો બચી જાય એવી આખા સૈન્યની તીવ્ર ઇચ્છા હતી; જરૂર પડયે બળવો કરવાની પણ કેટલાક ઝનૂની સૈનિકોની તૈયારી હતી. પરંતુ અઝીઝ સરખા ડાહ્યા અને વિનીત આગેવાનોની સલાહથી એમનું ઝનૂન દાબમાં રહેતું.

પીટર્સના ગયા પછી અઝીઝ બંને કેદીઓની પાસે ગયો. મંગળ અને અઝીઝ બંને પોતાના ધર્મ માટે અતિશય ચુસ્ત હોવા છતાં અંગત મિત્રો હતા. હિંદુ સૈનિકને ત્રિકાળ સંધ્યા કરતો જોઈ પાક મુસ્લિમ પ્રસન્ન થતો. મુસ્લિમ સૈનિકને મધ્યરાત્રે પણ નમાજ પઢતો નિહાળી હિંદુ આનંદ પામતો. એક ઈશ્વરને ઓમ કહી સંબોધતો, બીજો ઈશ્વરને અલ્લાહ કરી પુકારતો. એક ઈશ્વરને સાષ્ટાંગ નમન કરતો, બીજો ઘૂંટણે પડી જમીન સરસું શિરસાવંદન કરતો. બંનેના આચાર અને ઉચ્ચારમાં ફેર હતો; પરંતુ એ ભિન્ન આચાર અને વિચારની પાછળ એક જ પરમતત્ત્વનું દર્શન પામવા બંને મથતા હતા. સેંકડો વર્ષોના સહવાસથી હિંદુ અને મુસલમાન એટલું તો સમજી શકતા કે ધર્મ એ ઝઘડાનો વિષય તો નથી જ. મુસલમાનના હાથનું પાણી બ્રાહ્મણ નહોતો પીતો  એ ખરું; પંરતુ ગામનો પુરોહિત અને કાજી એકબીજાને પવિત્ર માની શકતા. સ્પર્શ એ તિરસ્કારનો વિષય નહોતો.

‘સૈયદ! હવે એકાદ દિવસના અમે મહેમાન છીએ.’ મંગળે કહ્યું.

‘પંડિતજી! એ તો ખુદાને ખબર.’ અઝીઝે જવાબ આપ્યો.

‘બોલ્યું ચાલ્યું માફ.’ ગૌતમે કહ્યું. ગૌતમના ઉચ્ચારણમાં સહજ શોક જણાયો.

‘ગૌતમ! પાંડેજી નાઉમેદ થાય એ સમજી શકાય; પણ તારા જેવો જુવાન પહેલવાન તોપને મોંએ પણ માફી માગવા ન નીકળે!’ અઝીઝે કહ્યંૅ.

‘સૈયદ! હું કાંઈ મોતથી ડરતો નથી, પણ એક ઉમેદ રહી જાય છે. હું મારું વતન જોઉ અને મારા ગુરુને પગે મસ્તક મૂકું એટલું કરી શકું તો મોતની કાંઈ વિસાત નથી.’

‘ઉમેદ રહી તો પૂરી કર.’

‘કેવી રીતે? અમને તો મુંબઈ ઉતારી પછી મારવાના છે.’

‘મરવું મારવું કોઈના હાથમાં છે?’

‘અલબત્ત, વિલાયતના સાહેબોના હાથમાં.’

‘એ સાહેબોનો પણ એક સાહેબ આખી આલમની દોરી ખેંચતો બેઠો છે!’

‘એ સાહેબ તો સૂઈ રહ્યો છે. નહિ તો નિર્દોષને ફાંસી મળે?’

‘તારા જેવા બહાદુર બેહૂદી વાત કરે એ કેવું? સાહેબ સૂતો હોય તો જગાડ! ઠોક તેના દરવાજા પુકાર તેની બાંગ! એ સાહેબ આકાશમાંથી ઊતરી આવશે; દરિયામાંથી ડોકિયું કરશે!’

મંગળ ઝબકીને જાગ્યો હોય તેમ આ સાંભળી અસ્થિર બન્યો.

‘કેમ પંડિતજી! ચમક્યા?’ ગૌતમે પૂછયું.

‘મને ગંગાજી યાદ આવ્યાં. અહીં ગંગાસ્નાન તો ક્યાં મળે? પરંતુ સમુદ્રસ્નાન થાય તેયે નવસે નવ્વાણું નદીઓ નાહ્યાનું પુણ્ય મળે!’ મંગળે જવાબ આપ્યો.

‘ગૌતમ! તરતાં આવડે છે?’ અઝીઝે પૂછયું.

‘હા સૈયદ! હું કાશી રહેતો હતો ત્યારે ભરચોમાસે ગંગા પાર કરતો.’

‘જો તરતાં આવડે તો દરિયાનાં મોજામાં ઘોડાની ઝડપ છે.’ સૈયદે કહ્યું.

ત્રણે જણ શાંત બેઠા. સંધ્યાકાળની રતાશ સમુદ્રનાં કાળાં મોજાંમાં લાંબી સર્પાકૃતિઓ ચીતરતી હતી. ત્રણે જણ ઘડીભર તે જોઈ રહ્યા.

‘ચાલો, હવે હું જાઉં. નિમાજનો વખત થયો.’ અઝીઝે ઊઠતાં ઊઠતાં કહ્યું.

‘સલામ આલેકુમ.’ ગૌતમે કહ્યું.

‘આલેકુમ અસ્સલામ! મુંબઈ છેક સવારમાં પહોંચીશું.’

‘હું મારી પ્રાતઃ સંધ્યાથી પરવાર્યો હોઈશ તો મળીશ. નહિ તો ઊતર્યા પછી…’ મંગળે કહ્યું.

નાક ઉપર આંગળી મૂકી મંગળને બોલતો અટકાવી અઝીઝ ત્યાંથી ચાલ્યો ગયો.

રાત પડી. વહાણની આંખ સરખો દીવો વહાણના અસ્તિત્વની સાક્ષી પૂરતો હતો; તે સિવાય આખું જગત અંધકારમાં ડૂબી ગયું. નિશાસમયે જાગવા સંયમી તારાઓ હસતે મુખે પોતાની સનાતન પરિક્રમા કર્યે જતા હતા. અંધકારમાંથી ઊપજી એક ક્ષણભર પ્રકાશનો લિસોટો આકાશના પટ ઉપર ચીતરી પાછા અંધકારમાં જ શમી જતા. ખરતા તારાઓ નક્ષત્રમાળાઓનાં પેલાં ચિરંજીવી મોતી સાથે પોતાની સરખામણી કરવા મથતા હતા. કેમ ન મથે? ખરતો તારો એક ક્ષણમાં પ્રગટી, પ્રકાશી અદૃશ્ય થઈ જાય છે; પણ એ માનવીની એક ક્ષણ; એ જ માનવીને અમર લાગતાં નક્ષત્રો કાળા માનવીની કોઈ અકલ્પ્ય ગણતરી પ્રમાણે ખરતા તારાઓ જેવાં જ ક્ષણજીવી કેમ નહિ હોય? મહાકાલને અનેક મન્વંતરો ક્ષણ સરખા પણ લાગતા નથી. પછી લાંબા ટૂંકા જીવનનું અભિમાન કેમ થતું હશે? કોણ જાણે! એ રાત્રિના ગહન અંધકારમાં વહાણનો ઝગમગતો દીવો કંપની સરકારના અમરત્વની આશા સરખો સતત પ્રકાશ પાથર્યે જતો હતો; પરંતુ તેની પાછળ અંધકાર કેમ હતો? એ અંધકારમાં એ દીવાને પણ ગુલ કરવા કોઈનું મન મથન કરતું હતું કે શું?’

‘અ…લ્લા… હ અકબર!’ વહાણમાંથી એક બૂમ રાત્રિના શાંત વાતાવરણને ભેદી રહી.

‘આ મિયાં જંપીને ઊંઘવા પણ દેતા નથી. સૈયદ! હજી તો રાત પડી છે; પડી રહો.’ એક સૈનિક સૂતો સૂતો બબડી ઊઠયો.

‘મિયાં મસીદમાં જતે જતે લશ્કરમાં પેસી ગયા છે.’ બૂમથી કંટાળેલા બીજા સૈનિકે કહ્યંૅ.

સૈયદ અઝીઝઉલ્લા બધા સાંભળે તેમ હસ્યા. કોઈ કોઈ વખત ભક્તિના આવેશમાં રાત્રે પણ તેઓ મોટી બૂમ મારી ઊઠતા. બબડીને પણ સહુ કોઈ સૈયદની વિચિત્રતાઓ સહી લેતા.

‘હું નિમાજ પઢવા ઊઠયો અને મને લાગ્યું કે કોઈ દરિયામાં પડયું.’

‘અત્યારે શાની નિમાજ?’

‘સવાર પડવા આવ્યું છે.’

‘ઊંઘ મૂકીને દરિયામાં કોણ પડે?’ એક સૈનિકે કહ્યું.

‘અને પડયું હશે તો વહાણ ચલાવનારા તો જાગે જ છે. પછી આપણે શું?’

સૈનિકો સૂઈ ગયા. અઝીઝે પ્રાતઃસેવા આરંભી. થોડી વારે સૂર્યોદય થયો. વહાણ અટક્યું. બે જણ બૂમો પાડતા આવ્યા.

‘કેદી ગુમ!’

‘કોણ?’ અઝીઝે પૂછયું.

‘ગૌતમ અને મંગળ!’

‘કોણે કહ્યું?’

‘આખા વહાણમાં નથી ને!’

‘ત્યારે દરિયો તપાસો.’ હસીને અઝીઝે કહ્યું, જવાબ આપ્યા સિવાય એ બંને પહેરેગીરો ચાલ્યા ગયા.

થોડી વારે પીટર્સે અઝીઝને પોતાની ઓરડીમાં બોલાવીને કહ્યંૅ :

‘તમારા બંને મિત્રોનો પત્તો નથી.’

‘હા જી; મેં સાંભળ્યું.’

‘શું થયું. એ તમે કહી શકો છો?’

‘દરિયામાં પડયા હશે.’

‘કારણ?’

‘ફાંસીએ ચડવા કરતાં ડૂબી મરવાનું એ બંને વધારે પસંદ કરે.’

‘તમને ક્યાંથી ખબર?’ પીટર્સને ખાતરી હતી કે અઝીઝ એ બંને કેદીઓની હિલચાલ જાણતો હોવો જોઈએ.

‘એ તો આપ પણ જાણી શકો. કૂતરાના મોતે મરવા કરતાં પોતાના હાથે જ મરે.’

‘પણ એ મરવા માટે અંદર પડયા નથી. બંને બહુ ઉમદા તારા છે. એવી મને ખબર છે.’

‘તેમ પણ બને. થોડો વખત દરિયામાં તરી લેવું તેમને મુશ્કિલ નથી.’

‘તમે જાણો છો છતાં મને કહ્યું કેમ નહિ?’

‘હુઝૂર! હું જુઠ્ઠું નહિ બોલું. દરિયામાં પડવાનું તેમણે મને કદી કહ્યું નથી.’ વાત ખરી હતી. જોકે સત્યનું અપમાન તો ગઈ સાંજથી અઝીઝે કર્યું હતું. અઝીઝના સૂચને તેમને આ માર્ગ સુઝાડયો હતો.

‘હું નથી માનતો.’

‘અઝીઝ કદી જુઠ્ઠું બોલતો નથી.’

‘તે હું જાણું છું માટે નવાઈ લાગે છે. એ બંને દરિયામાં પડયા ત્યારે તમે જાગતા હતા એમ મને બાતમી મળી છે.’

‘હુઝૂર!’ મેં નિમાઝ પઢતાં પઢતાં કાંઈ અવાજ સાંભળ્યો. બૂમ પાડી બધાંને જગાડયાં અને હકીકત જણાવી, પરંતુ કોઈએ મારું માન્યું નહિ. હું તો ત્યાંથી ખસી શકું નહિ; નિમાજ પઢતો હતો.’

‘એ લોકોનો પત્તો ક્યાં લાગે?’

‘જેના તેના ઘર ઉપર પહેરો મુકાવી દ્યો. ત્યાં ગયા સિવાય એ રહેશે નહિ.’

પીટર્સે અઝીઝને રજા આપી. તેને ઘણો ગુસ્સો ચડયો. જેને માટે તેણે આટલી આટલી સિફારશો કરી હતી તેમણે તેને થાપ દીધી! હિંદીઓ કૃતઘ્ની છે એમ તેને લાગી આવ્યું. પોતાનું કેદીઓ તરફનું શુભ વલણ સહુને જાણીતું હતું. ઘણી છૂટ આપવાથી આવું પરિણામ આવ્યું હતું એ સ્પષ્ટ જ હતું. એમ પણ બની શકે કે ગુનેગારોને નસાડવાનો આરોપ પણ પોતાને માથે મુકાય. કદાચ તે પુરવાર ન થાય. તોપણ પોતાની કારકિર્દીને ઝાંખપ તો જરૂર લાગે. પોતાનું ભવિષ્ય મર્યાદિત થઈ ગયેલું તેને લાગ્યું.

‘એ હિંદીઓને તો પૂરી રાખવા જોઈતા હતા.’ એક યુરોપિયન અમલદારે બંદર ઉપર ઊતરતાં કહ્યું.

‘અને રોજ સો સો ચાબૂકોનો માર મારવો જોઈતો હતો.’ એક બીજા અમલદારે જણાવ્યું.

‘ફટકાની સજા તો સરકારે બંધ કરી છે.’ પીટર્સે જણાવ્યું.

‘અરે તેમાં શું? હિંદીઓ ફટકા વગર ઠેકાણે રહે એમ નથી.’

‘અને ખાસ સંજોગોમાં તો તમે કેવી સજા કરી શકો છો.’ બીજાએ કાયદો સમજાવ્યો.

ભલા હૃદયના પીટર્સને લાગ્યું કે વધારે સખ્તી કરવાની જરૂર તો હતી. હિંદીઓ વિશ્વાસને પાત્ર તો નથી જ. તે મુખ્ય વાત ભૂલી ગયો કે એ બંને નિર્દોષ લડવૈયાઓના દેહાંતની સજા ખોટી થઈ હતી. અન્યાયથી પ્રજળી ઊઠેલું હૃદય શું શું ન કરે?

પરંતુ પીટર્સે બંને જણને પકડવા દૃઢ સંકલ્પ કર્યો. તેને ખાતરી હતી કે એ બંને સૈનિકો ડૂબી ગયા નહિ જ હોય. મુંબઈ ઊતરતાં બારોબાર એક નાની ટુકડી લઈ તેણે કૂચ કરી રુદ્રદત્તના ઘર ઉપર તેમણે હુમલો કર્યો. અને છેવટે વિચિત્ર સંજોગોમાં પાદરીને ઘેર રાત્રે રુદ્રદત્તે પીટર્સને ગૌતમ સૌંપી દીધો.

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.