વિચારપરિવર્તન માટેના તરીકા

સાહિત્યના કેટલાક વૈષમ્યવીરોની એક દલીલ એવી હોય છે કે ગુજરાતની આ ઊંઘાળવી જડ પ્રજામાં જાગૃતિ આણવા માટે તેને શબ્દાર્થના વિષમ આઘાતો કરવાની આજકાલ ભારે જરૂર છે. એને લીધે કંઈક જાગૃતિ આવે છે, જીવન પ્રગટે છે, સજીવતાનો ફાલ તો ઊતરે છે, માટે અમે આઘાત કરીને પણ પ્રજોદ્ધાર જ કરીએ છીએ એવું કંઈક એ પક્ષનું મંતવ્ય છે. એ પદ્ધતિ ઊંઘતા માણસને ઉઠાડવા માટે ધોકાનો ઉપયોગ કરવા જેવી છે. અને તેમ કરતાં છતાંયે, શું આવા આઘાતો કદી પ્રજામાં સંગીન કે ચિરકાલીન જાગૃતિ આણી શકે ખરા? ન આણી શકે. એથી ઊલટું, જેમ જીવશાસ્ત્રના અભ્યાસી મૂએલા દેડકામાં વીજળીના પ્રવાહનો સંચાર કરીને તેને ચોમેર પગ ઉછાળતો બનાવી શકે છે, અને પ્રવાહ થંભતા એવી ‘સજીવતા’વાળા દેડકામાંથી પાછું મુડદું જ છેવટ થઈ જાય છે, તેમ સમાજના સૂક્ષ્મ શરીરને વીજળિક સાહિત્ય દ્વારા ઝટકા દેનારા માણસો ફક્ત નકામો તાત્કાલિક ખળભળાટ કરી જાય છે. જડ પ્રજાશરીરો અનામય બને છે તે એવા ઝટકાઓથી નહિ પણ વિચારનાં સાત્ત્વિક અને સંશુદ્ધિવંત પરિવર્તનોથી જ.

વિજયરાય ક. વૈદ્ય

[‘કૌમુદી’ સં. 1983, વૈશાખ (ઇ.1927)]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.