ગાંધી નામનો અનુભવ

સારું છે ‘ગાંધી’ ફિલ્મ એક અંગ્રેજે ઉતારી. હિન્દુસ્તાની ઉતારી શકત નહીં. પ્લાઝા સિનેમાના ફોયરમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં હું લોકોને જોઈ રહ્યો હતો : રબારણો, મેવાડી રસોઈયા, સ્કૂલી ફ્રોક પહેરેલી ત્રણ છોકરીઓ, એક વહોરા સંયુક્ત કુટુંબ, કપાળની ઉપર વાળમાં સન-ગ્લાસીસ ચડાવેલી બે ઓફિસ-ગર્લ, ખાદીની મેલી ટોપી પહેરેલા બે મહારાષ્ટ્રીયન ડોસા, એક યુવા કોલેજિયન ટોળું, બે-ત્રણ ટેક્સી કે ટ્રક-ડ્રાઈવરો જેવા લાગતા પઠ્ઠાઓ… ત્રણ પેઢીઓ સાથે ઊભી હોય એવાં કુટુંબો…! […] રવિશંકરનું પાર્શ્વસંગીત પાછળ જ રહે છે, હિન્દી ફિલ્મોની જેમ બીભત્સ બનીને કાનમાં અથડાતું નથી. અને વિલન નથી, હેલન નથી, …નાચંનાચ નથી, ધનાધન નથી. […] સફળ હિન્દી ફિલ્મમાં જે હોય છે એ બધું જ નથી – અને 1983માં આ ફિલ્મે આખા ભારતને રડાવ્યું અને રડાવી રહી છે! પાંત્રીસ વર્ષમાં કોઈ સિપ્પી કે સાગર કે ચોપડાને આવી ફિલ્મ બનાવવી જોઈએ એવું કેમ સૂઝ્યું નહીં? […] કદાચ ‘ગાંધી’ ફિલ્મ પોપડા ચોંટી ગયેલા આપણા ગંદા રાજકારણને હાઈડ્રોજન પૅરોક્સાઈડની જેમ સ્વચ્છ કરશે, આ દેશ પર કેવા ઘટિયા દેશનેતાઓ આવી ગયા છે એ નવી પેઢીને સાફ સાફ બતાવી શકશે…! […] જેમ ‘ગીતા’ને દરેકે પોતાની દૃષ્ટિ અને પ્રકાશમાં સમજવાની હોય છે એમ ગાંધી નામનો અનુભવ દરેકે પોતાની રીતે કરવો પડશે.

ચંદ્રકાન્ત બક્ષી

[‘મહાત્મા અને ગાંધી’ (2003), પૃ. 120]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.