અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં વલણો: બદલાતાં શૈલીસ્વરૂપો

સાહિત્યનાં બધાં સ્વરૂપો એક સરખી ગતિએ વિકાસ પામતાં નથી. તેમ છતાં આ તબક્કાનું એક લક્ષણ એ છે કે એમાં ત્વરિત પરિવર્તનો થતાં રહે છે. એની સાથે વિરોધાત્મક એવી બીજી વિલક્ષણતા એ દેખાય છે કે આ પરિવર્તનોની સાથે જ પુનરાવર્તનો પણ શરૂ થઈ જાય છે. આ અકળાવી મૂકનારાં પરિવર્તનો વચ્ચે વિવેચકો એકાદ સિદ્ધાન્તપદ્ધતિને વળગી રહીને મૂલ્યાંકનો કરતા રહે છે જે ઘણી વાર સિદ્ધાન્તજડ, ઉદાર, સહાનુભૂતિહીન અને અપ્રામાણિક સુધ્ધાં લાગે છે. એમનાથી અણજાણપણે વિવેચકો અસાહિત્યિક કાકુઓ ઉચ્ચારતા થઈ જાય છે. પણ્ડિતયુગથી જ આપણા વિવેચકોએ સાહિત્ય સાથેના સમ્બન્ધમાં એક પ્રકારની પરોક્ષતા જાળવી રાખવાનો આગ્રહ સેવ્યો હોય એવું લાગે છે.

સાહિત્ય જ્યારે કાર્યપોથીના નિયમોને આધારે રચાતું હતું ત્યારે ઝાઝાં આન્દોલનો, ચળવળો કે વિદ્રોહો નહોતા. એક સાહિત્ય સ્વરૂપ બીજા સાહિત્ય સ્વરૂપથી સહેલાઈથી નોખું પાડી શકાતું હતું. સ્વરૂપોની ભેળસેળ થઈ જવાનો ભય સેવવાનું કશું કારણ જ નહોતું. હવે સ્વરૂપોની બાંધેલી દૃઢ વ્યાખ્યાઓની ભેખડો તૂટી પડવા માંડી. ચૈતન્યના પ્રબળ ઉત્કર્ષને કારણે આમ બન્યું છે એવું કહી દેવાની ઉતાવળ ન કરવી ઘટે.

કાવ્યની સૂક્ષ્મતા, કાવ્યમાં સહજ લાગે એવા ઉદ્રેક અભિનિવેશો, માનવવ્યવહારને ઘસાઈને ન ચાલવાની કાવ્યની સ્વતન્ત્રતા, કાવ્યમાંનો ભાષાવ્યવહાર – આ બધું બીજાં સાહિત્યસ્વરૂપો પ્રયોજનારને લલચાવી ગયું છે. ટૂંકી વાર્તાની સરહદમાં ઊંડે સુધી કવિતા ઘૂસી ગઈ છે. ‘ટૂંકી વાર્તા એટલે એક ઊમિર્કણ’ એવી વ્યાખ્યાનો લાભ લઈને ઘણાએ ટૂંકી વાર્તાનાં ઊમિર્કાવ્યો લખી નાખવાની હામ ભીડી હોય એવું લાગે છે. નવલકથામાં શ્રીકાન્ત શાહે એમની કૃતિ ‘અસ્તી’માં આવો પ્રયત્ન કરી જોયો હતો. કર્તાએ યોજેલા માનવસન્દર્ભમાં નિર્વાહ્ય બની રહે એથી વધારે કાવ્યત્વનું આરોપણ કૃતિને ઉપકારક નહીં નીવડે શકે. આ પછી તો કાવ્યમય વાતાવરણ ઘણી નવલકથાઓમાં પ્રસરી ગયેલું દેખાયું. વસ્તુગૂંથણીની શિથિલતા, કાળયોજનામાં વ્યુત્ક્રમ, નિશ્ચિહ્ન બનતાં જતાં પાત્રો – આ બધાંએ નવલકથામાં કવિતાના પ્રવેશને સરળ બનાવી આપ્યો. આ પ્રલોભન ઘણાને લલચાવનારું નીવડ્યું.

સામૂહિક માધ્યમોએ આપણા અંગત પ્રતિભાવોના મૂળભૂત રચનાતન્ત્રને જ બદલી નાંખ્યું. ભાષાની શિષ્ટતા, સંસ્કૃત વૃત્તોની લયયોજનાનાં વૈવિધ્ય વગરની રચનાઓ, ભાવનાઓનું પોપટિયા ઉચ્ચારણ, ધીમે ધીમે આવતી જતી નિષ્પ્રાણતા – આ બધાંને કારણે ભાવકોના જડ બનતાં જતાં જ્ઞાનતન્તુઓને છેદી નાંખે એવું કશુંક જોઈતું હતું. આ દરમિયાન યુરોપઅમેરિકાના કવિઓનો, મુખ્યત્વે અનુવાદો દ્વારા, પરિચય થયો. આને પરિણામે ‘cult poetry’નો એક તબક્કો આપણે ત્યાં પણ આવી ગયો. છન્દમાંથી અછાન્દસમાં ગયા તો ખરા, પણ એ સ્વતન્ત્રતા જીરવવી અઘરી પડી. વળી અછાન્દસના લયની વાત શરૂઆતમાં ચાલી ખરી, પણ લયની એકવિધતા થોડા જ વખતમાં કઠવા લાગી. વાચાળતા વધી પડી. એ વાચાળતાએ કે ઉપલકિયા અશ્લીલતાએ કોઈ ગિન્સબર્ગ આપણને સંપડાવ્યો નહીં. જ્યારે aesthetic function વિના, કશીક હોંસાતૂસીને જ કારણે, નવી શૈલીને પ્રયોજવામાં આવે છે ત્યારે એ એક અળવીતરાપણું જ બની રહે છે. આ પછી ભાષામાંથી અર્થ ઉલેચી કાઢવાની પ્રવૃત્તિ ચાલી. નિરર્થક પુનરાવર્તનો, પ્રલાપો ઊભરાયા. રેઢિયાળ બનવા લાગેલી ભાષામાં a new linguistic virginityનો પરિચય કરાવે એવા કવિની આપણે રાહ જોવા લાગ્યા. શબ્દોની ગતિમાં ઊંડે ભૂસકો મારવાથી કશું વળ્યું નહીં. શબ્દો ખીચોખીચ ઠાંસી દીધા. આથી શબ્દ વચ્ચેના અવકાશમાં જે લીલા થઈ શકે તે શક્ય ન રહી.

પ્રતીક, કલ્પન, પુરાણકલ્પનની ભરમાર ચાલી. એના વિનિયોગમાં પ્રગલ્ભતાની હદ વટાવીને છેક ધૃષ્ટતા સુધીય પહોંચ્યા. કલ્પનોની યોજનામાં rhetorics of the abrupt કામ કરતું દેખાયું. પ્રતીકોથી આપણે જાણે કશીક વિશ્વવ્યાપી મૂળભૂત એકતાને સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા સેવવા લાગ્યા. પણ ધીમે ધીમે પ્રતીકયોજના સામેનો વિરોધ પણ પ્રકટ થતો ગયો. જૂની પેઢીના કેટલાક કવિસમય અને પ્રતીક વચ્ચે વિવેક કરી શક્યા નહોતા. વિવેચનમાં પ્રતીક વિશેના અસન્તોષનું પ્રતીતિકારક કારણ આપતી ભૂમિકા જોવા ન મળી. આપણામાં અસમ્પ્રજ્ઞાત રૂપે માતાના ગર્ભમાં ફરીથી પ્રવેશવાની એક ઝંખના હોય છે. પ્રતીકમાં જે substitutuonની પરમ્પરા રચાય છે તે કદાચ ત્યાં આપણને પહોંચાડી દેશે એવી આપણને ભ્રમણા હતી. પણ ફ્રોઇડે બતાવ્યું હતું તેમ આપણને સ્વપ્નમાં જે condensation હોય છે તેનો ખપ હતો. તળપદી ભાષા, ઇન્દ્રિયવ્યત્યયોની યોજના, અલંકારોની યોજનામાં ઉપમેય ઉપમાન વચ્ચેનું નિરંકુશ મુક્ત સાહચર્ય, લોકસાહિત્યનાં સ્વરૂપોનો ઉપયોગ, માનવનિયતિ વિશેનો ઉપક્રમ ધરાવતી, પ્રમાણમાં દીર્ઘ, એવી રચનાઓ. આ બધું છૂટ્યા પછી, થોડાક અપવાદ બાદ કરતાં, મોટા ભાગના કવિઓ ફરી પુનરાવર્તનોમાં સરી પડ્યા. જે સમયમાં આપણે જીવીએ છીએ તે સમયમાં પ્રવર્તતી સંસ્કૃતિમાં આપણે જે વિરોધોનો અનુભવ કરીએ છીએ તેને ભાષાના સર્જનાત્મક ઉપયોગ દ્વારા ઓગાળી આપવા એ પણ કવિતાનું જ કામ છે. શબ્દો એકબીજાનું પ્રતિબિમ્બ પાડી શકે એટલા માંજી શકાયા નહીં. એના પર પ્રચલિત વિચારોના ડાઘા રહી જ ગયા. પરાવાસ્તવ સુધી ભાષાને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો પણ એ દ્વારા જે સિદ્ધ કરવા ગયા તે તો અત્યન્ત સંકીર્ણ નીવડ્યું. શબ્દો જાણે થોડો વખત એ નવા વાઘા સજીને અમુક વેશ ભજવી આવ્યા એટલું જ! આપણે યુગની સંકુલતા, સમયની તેજ રફતાર, માનવી સહી ન શકે એવો પ્રગતિનો વેગ – આ બધું રટતા રહ્યા. પણ એ બધાંને સમર્થ રીતે આવરી લઈ શકે એવી કોઈ myth રચી નહીં શક્યા. આ બધું બને તે પહેલાં તો કવિઓને પોતાના શ્રોતાઓનો વિયોગ સાલ્યો. એ રોમેન્ટિક અભિનિવેશવાળાં ગીતો અને ગઝલો લઈને શ્રોતાઓનું મનોરંજન કરવા એમની વચ્ચે જઈને બેસી ગયો!

ધંધાદારી રંગભૂમિ ફરી સજીવન થયેલી જોઈને કેટલાક સર્જકો વળી નાટક તરફ વળ્યા. પણ આ દરમિયાન એમાંના કેટલાક આયોનેસ્કો, બેકેટ, આરાબેલ વગેરેનાં નામ સાંભળી ચૂક્યા હતા. પિન્ટર, આલ્બી વગેરેનાં કાચાંપાકાં રૂપાન્તરો પણ થયાં અને ભજવાયાં. ‘એબ્સર્ડ’ નાટકોની બોલબાલા થતી હોય એવું લાગ્યું. થોડીક મુક્ત હવાનો અનુભવ થયો. પ્રયોગશીલતાને અવકાશ મળ્યો. Happeningથી માંડીને તે શેરીનાટકો સુધીના પ્રયોગોની અદમ્ય એષણાને આખરે તો એક સુપરિચિત અલ્પ નૈતિક વિચાર અર્થે જ જોતરવામાં આવી હોય એવું લાગવા માંડ્યું. વ્યાવસાયિક રંગભૂમિવાળા ન ગાંઠે એવાં નાટકો ભજવવાનો પડકાર ઝીલવાને બદલે નાટ્યકારોને પોતાને માટે વેતરવા મંડ્યા છે. નાટકથી આપણી ભાષાનું એક નવું પોત જોવા મળશે એ આશા વાંઝણી જ રહી ગઈ!

નવલકથાની સ્થિતિ, હૃદયરોગથી પીડાતા છતાં લાંબું જીવી જનારા, દર્દી જેવી છે. એના નાભિશ્વાસની વાત થયા કરે છે. તો કોઈક એમ પણ કહે છે કે વિવેચકો જ એની ભૃણહત્યા કરતા રહે છે. મહાકાવ્યનો લોપ અને ફિલ્મ-ટેલિવિઝનનો ઉદય – આ બે વચ્ચેના ગાળાની એ નીપજ છે. હવે એની પ્રવૃત્તિનું ક્ષેત્ર રહ્યું છે ખરું, એવો કેટલાક પ્રશ્ન કરે છે. કેટલાક એમ કહે છે કે ગઈ સદીના આંકડાશાસ્ત્રનું કે કોમ્પ્યુટરનું જ્ઞાન નહીં ધરાવનારા, સમાજવિજ્ઞાનીઓને અનુકૂળ થઈ પડેલી તદબીર તે નવલકથા. એમાં પણ 1956 પછી નવા પ્રયોગોની આબોહવા આવી ખરી. કવિઓ લોકો સુધી પહોંચવા માટે નવલકથા તરફ વળ્યા. એમાં કેટલાકે કૃતક ગામ્ભીર્યથી દાર્શનિક સમસ્યાઓ નિરૂપવાનો દેખાવ કર્યો તો કેટલાકોએ કાવ્યનું અસ્તર વાપરીને મુલાયમ રચનાઓ રચી કાઢી. મેદ છૂટી ગયો, કળાસંયમ વધારે દેખાયો, ભાષાના વિનિયોગ પરત્વે વધુ સભાનતા જણાઈ. તેમ છતાં અનુભવના પર structureના આરોપને બદલે પોતાના વ્યક્તિત્વનું પ્રસારણ જ એમાં વિશેષ થતું લાગ્યું. પશ્ચિમનાં નાટક કવિતા જેટલાં વંચાયાં છે તેટલી નવલકથાઓ વંચાઈ નથી. ઘણા તો એકાદ નવલકથા લખીને હાંફીને બેસી પડ્યા છે. પહેલી નવલકથા તો રસ્તો શોધવા માટેના પ્રયત્ન રૂપ જ હોય છે. પછી આગળ વધતાં સાચી કૃતિ રચાઈ શકે. પણ ઘણાની બાબતમાં આ બની શક્યું નથી. આથી જે કૃતિઓ રચાઈ છે ને અનુભવને રૂપની શિસ્ત દ્વારા જીરવવાનું કૌવત ન હોવાને કારણે નવલકથા લખવાના ટાંચણ રૂપ જ બની રહી છે. અસાહિત્યિક મનોરંજનાત્મક વાર્તાઓનો રાફડો ફાટ્યો છે. આથી કેટલાક અવિવેકી વિવેચકો નવલકથા ફાલીફૂલી રહી છે એમ માને છે.

ટૂંકી વાર્તામાં સર્જકતાનો જે જુવાળ શરૂઆતમાં આવ્યો હતો તે હવે ઓસરતો જતો લાગે છે. શરૂઆતમાં ચમત્કારિક સહોપસ્થિતિઓ, multifocal time, કપોલકલ્પિતનું નિરૂપણ, ઘટનાતત્ત્વનો હ્રાસ – આ બધું વાતાવરણમાં હતું. કથનરીતિનો જૂનો ઢાંચો રાખીને ઉપર ઉપરથી નવા રંગનો હાથ મારી નવીન તરીકે ખપવાના મરણિયા પ્રયત્નો હજી ચાલુ છે. ટૂંકી વાર્તામાં મહાકાવ્યનો વ્યાપ લાવવો એ પડકાર ખાસ ઝિલાયો હોય એવું લાગતું નથી. પણ ઓ. હેન્રીની પકડમાંથી આપણે છૂટ્યા છીએ. કૃતક લાગણીવેડાનું વળગણ હવે રહ્યું નથી, કંઈક સૂક્ષ્મતા સિદ્ધ કરી શક્યા છીએ એટલું આશ્વાસન.

ભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, ફિનોમિનોલોજી – આ બધાંનો અભ્યાસ હવે થવા લાગ્યો છે. એ આપણને ઉપકારક નીવડશે એવી આશા રાખીએ.

License

અષ્ટમોઅધ્યાય Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.