સર્જક રાવજી પટેલ
સર્જન કરવાની શક્તિ કેવી તો જન્મજાત હોય છે એનો એક દાખલો આપણા નવલકથાકાર પન્નાલાલ પટેલ છે તો બીજો એક દાખલો કવિ રાવજી છે – રાવજી છોટાલાલ પટેલ. જન્મ 15 નવેમ્બર 1939 અને, નાની વયે જ આ ઉત્તમ સર્જકનું અવસાન : 10 ઑગસ્ટ 1968.
ડાકોર પાસેના નાનકડા ગામ વલ્લવપુરામાં જન્મેલો આ સામાન્ય સ્થિતિનો ખેડૂત-પુત્ર અમદાવાદ આવ્યો, સ્કૂલમાં ભણ્યો, કૉલેજમાં બે વર્ષ ર્ક્યાં; નિર્વાહ માટે મીલમાં, પુસ્તકાલયમાં નાની-સરખી નોકરીઓ કરી. આ એક સંઘર્ષ, ને શહેરમાં ગામ-ખેતર તીવ્રતાથી યાદ આવ્યા કરે એ બીજો મનોસંઘર્ષ. રાવજીનાં સંવેદના ને ચેતના એટલાં તો વેગવાળાં કે ગુજરાતીના કવિઓની કવિતા વાંચતાં વાંચતાં જ કવિતાનું ઝરણું ફૂટયું – ને જોતજોતામાં રાવજી પટેલ તે સમયની આધુનિક કવિતાનો એક મહત્ત્વનો કવિ બની ગયો – અદમ્ય સર્જકશક્તિનો જાણે ચમત્કાર! ભણ્યો, વાંચ્યું, લખ્યું તે બધું જ તરવરાટથી ને વલવલાટથી – ઊંડે ડૂબકી મારીને. નાનપણના અપોષણને કારણે ક્ષય થયો, લાગણીની તીવ્રતાવાળા આ કવિએ એ ગણકાર્યું નહીં, રોગ વકરતો ગયો, એને હોસ્પિટલમાં દાખલ કરાયો – પણ એ બચ્યો નહીં. 30 વર્ષની નાની વયે આપણી વચ્ચેથી એ વિદાય થયો…
જીવ્યો એ દરમ્યાનમાં, કૃષિ-ચેતના તેમજ આધુનિક ચેતનાનાં ખેંચાણવાળી – લાગણી અને સમજના અદ્ભુત સમન્વયવાળી કવિતા લખી. અવસાન પછી એનો, કવિમિત્રોએ, સંગ્રહ કર્યો : ‘અંગત’ (1970). એ ઉપરાંત બે નવલકથા લખી ‘અશ્રુઘર’(1966) અને ‘ઝંઝા’ (1967). વાર્તાઓ લખી – ‘વૃત્તિ અને વાર્તા’ (1977). એક રોગગ્રસ્ત અશક્ત વ્યક્તિ, એક સશક્ત સર્જક.
નવલકથા ‘અશ્રુઘર’
આ નવલકથાના નાયકનું નામ છે – સત્ય. એ ક્ષયગ્રસ્ત છે, પણ મન એનું તરવરાટવાળું, તીવ્ર રીતે સંવેદનશીલ છે. હોસ્પિટલ અને ગામડાનું ઘર – એની વચ્ચે પસાર થતા એના દિવસો વિસ્મયભરેલા, લાગણીમય, ઉશ્કેરાટવાળા, વેદના-ને-પ્રસન્નતાવાળા પ્રેમ-અનુભવથી ભરેલા છે. હોસ્પિટલમાં લલિતા સાથેનો પ્રેમ, ગામમાં ગયા પછી સૂર્યા સાથે લગ્ન, વળી છેલ્લી ઘડીઓમાં લલિતાનું ક્ષણિક સાન્નિધ્ય…
નવલકથામાં લેખકની શૈલી રમતિયાળ છે, એની ભાષા શિક્ષિતની તેમજ ગ્રામજનની એવા બેવડા સ્વાદવાળી છે. લેખકની રમૂજવૃત્તિ – sense of humour – પણ સંવાદોમાં ને વર્ણનોમાં દેખાય છે. ક્યાંક તો નરી કવિતા છે એ.
કરુણ અંતવાળી આ નાનીસરખી નવલકથા એવી તો કથા રસવાળી ને સર્જનાત્મક ભાષાના કસવાળી છે કે એમાં એકવાર પ્રવેશ કરીશું એ પછી આંખો સામેથી એ ખસશે જ નહીં.
આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.
Feedback/Errata