સાંજ ઢળી હતી. રસ્તા પરની અવરજવર ઓછી થતી જતી હતી. આંબા પરથી માત્ર પક્ષીઓનો કલશોર ખેતર પર ગુલાબી રંગ ધારણ કરીને પથરાતો હતો. બેચાર દિવસ પહેલાં જ ગામમાં વણજારાનું ટોળું આવી પડયું હતું. એમના હૃદયનો અવાજ વારંવાર અહીં આવી આવીને હોળીની જ્વાળા જેવો અડકી જતો હતો.

લખવાનું મન ચાલ્યું નહીં, એટલે સત્ય ખાટલી ખેંચીને છાપરી બહાર આવી બેઠો.

‘કેમ અહીં બેઠા છો?’

ઓચિંતો સૂર્યાનો સ્વર આવતાં તેણે પાછળ જોયું.

‘શાક લેવા ગઈ હતી, તમારા મિત્રની વાડીએ.’

ને સંધ્યાના રંગમાં એણે સ્મિત ઉમેર્યું. ખાટલી પર સત્યને અડીને બેઠી.

‘હાશ…’ સાંજને પણ શરમ આવે એમ તે વર્તી બેઠી.

સત્યના ગળે સાપણ પડી હોય એમ મોંને નજીક લઈ ગઈ.

‘Friend. night comes and we are alone.’

સૂર્યાના હાથને કુમાશથી વેગળો કરી એણે ઉત્તર આપ્યો. અલબત્ત ડૉક્ટરની પેલી આવતી વખતની સલાહને યાદ કરીને જ : ‘હા. રાત આવે છે. પણ તું એકાંત કોને કહે છે? હું ક્યારેય we are alone એવો શબ્દપ્રયોગ ન કરું. “we” શબ્દ મને એકાંતભંજક લાગે છે. એકાંતમાં માત્ર “હું” જ વ્યાપી રહે છે, તે પણ ક્ષણિક. ને તે પછી તો કેવળ એકાંત. જેમાં મારે મતે કેવળ શાંતિ જ હોય છે. એકાંત કદીય ક્રિયાસાપક્ષ હોતું જ નથી, સમાધીસાપેક્ષ હોય છે. અને હું માનું છું તને એ અભિપ્રેત નહીં હોય.’

સૂર્યાના આવેગને વશ થવાની એની અનિચ્છા આ રીતે પ્રગટ થતાં સૂર્યા હતાશ ન થઈ. એણે સત્યને અવળું જ કહ્યું–સંભળાવ્યું :

‘મને શું અભિપ્રેત હતું એ હું સમજું છું, પણ તમને કહી દઉં છું કે તમારી કામનાને હું વહેલી પિછાની ગઈ છું, હું બચી ગઈ! હું બચી ગઈ! મેં કેવળ મૈત્રી ઇચ્છી છે, સત્યકુમાર મૈત્રી. સમજ્યા? તમે તો બાળક નીકળ્યા; સૉરી. બાળક ત નિર્દોષતાનું પ્રતીક છે. પણ તમે તો હીન છો.’

ને સડસડાટ એ ત્યાંથી ચાલી ગઈ.

સત્યે ધાર્યં નહોતું આ વિચિત્ર નીકળશે અને આ રીતે વર્તી રહેશે! એ મનોમન પસ્તાયો :

‘આ રીતે સટૂ દઈને નગ્ન અભિપ્રાય આપી દેવો એ તો માત્ર વાર્તાસૃષ્ટિમાં ચાલે, વ્યવહારમાં ન ચાલે.’

સત્યને થયું સૂર્યા કડવી છે. એની મૈત્રી પોતાને નહિ સદે. એટલે એને માટે કંઈ વિચારવાનું માંડી વાળી તે ઊઠયો.

‘જે જલ્દી જલ્દી નૈકટય ઇચ્છે એ કેટલા લાંબા સમય માટે?’

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.