‘લોને આ કવર પોષ્ટમાં નાખવાનું છે. સડક પર જાવ છો તે કોઈ સાઈકલીસ્ટને આપી દેજો.’

સત્યને લલિતાએ પરબીડિયું આપ્યું.

‘સડક પર તો નથી જતો, પણ એ તો આપી દઈશ કોઈને.’ સત્ય એના મરોડદાર અક્ષરો જોતો જોતો વૉર્ડ બહાર ગયો. લલિતા પતિનાં બેત્રણ કપડાં ધોવા બાથરૂમમાં ગઈ.

રોગીઓ જમીપરવારી ખેતરમાં, સડક પર છૂટાંછવાયાં વેરાઈ જતાં. પેલો જન્નુ બસસ્ટેન્ડ પાછળના વડ નીચે થડ પાછળ લપાઈ ગયો. હવે નિરાંતે બીડીના દમ લગાવશે. ડૉક્ટરે એના હોઠ જોઈને એક દિવસ પૂછેલું.

‘તું બીડી પીએ છે ને?’

ત્યારે બે હાથે કાનની બુટ પકડીને દશશેરી હલાવી હતી,

‘ઉંહુ.’

‘તો આ હોઠ કેમ ધૂણીવાળા થયા છે?’

એણે સોગન પણ ખાધા હતા.

‘મહીસાગરના.’

નંદાડીને જોતાંવેંત એ પાડાની જેમ મલકાતો. જન્નુની એ બીજી બીડી હતી. નર્સ કહેતી હતી કે જન્નુ તો જૂનો દર્દી છે. ગયે મહીને અમદાવાદ વાડીલાલ હૉસ્પિટલમાંથી ઑપરેશન કરાવીને. આવેલો. પેલો ઉસ્માન માસ્તર બેચાર દર્દીઓને ભેગા કરીને પોતાના ઑપરેશનની ‘ટેપ’ સંભળાવતો હતો.

એને આંખો મચકારવાની આદત છે. રાતની નર્સ નં. 7ને કહેતી હતી :

‘પેલો ઉસ્માન લુચ્ચો છે.’

સત્યને ઉસ્માન ભાઈ જેવો લાગતો હતો. ઉસ્માન શાયર હતો. એની આંખ મીચકારવાની આદત સત્યને નોંધપાત્ર લાગી હતી.

તિવારી વૉચમેન ગોફણ ખભે નાખીને,

‘રામઝરુખે બૈઠ કે સબુકા ,મુઝરા દેખ

જયસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત.’

ગાતો નર્સની કૅબિન તરફ વૉચ કરવા સરકી ગયો.

લલિતા કપડાં ધોઈ-સુકવીને બહાર આવી. આંબા નીચે સત્યને એકલો નિમગ્ન સ્થિતિમાં બેઠેલો જોઈ એની પાસે પહોંચી.

‘કેમ કશે ફરવા નથી જવું?’ સત્યને એણે જાગૃત કર્યો.

‘ના લલિતાબેન, મને આ આંબા નીચે બેસી રહેવાની મજા આવે છે. મારા એક ખેતરમાં રસ્તા ઉપર જ આંબાનું વૃક્ષ છે. હું હંમેશ ત્યાં જઈ બેસતો. રજાઓ પૂરી થતાં અમદાવદ જતો રહું ત્યારે મારા બાપુજીનું સ્મરણ પછી થતું, પ્રથમ એ—’

‘ખેડૂતના પુત્ર છો એટલે વૃક્ષપ્રીતિ વધારે હશે.’

‘વધારે નહિ, છે.’

સત્ય આમ્રઘટાને લાગણીભરી નજરે જોવા લાગ્યો.

એ સમયે દરવાજાનાં પગથિયાં પર નાની નાની દેડકીઓ કૂદાકૂદ કરતી હતી. એને જોઈ રમતમાં જામી પડેલું ગલુડિયું મીઠા અવાજ કરતું હતું.

લલિતાનું ધ્યાન એના તરફ ગયું. એને ડચકારાથી બોલાવવાનો પ્રયત્ન કરી જોયો પણ એ ક્ષુબ્ધ પ્રાણી ન સમજ્યું.

‘કેટલું વહાલું છે!’

લલિતાએ સત્ય ભણી જોયું. ‘નહીં?’

‘મને પણ એ ખૂબ ગમે છે.’

‘ગમે એવું જ છે.’ કહીને લલિતા એને પકડી લેવા ગઈ. સત્ય એકલો એકલો કહેતો હતો :

‘ખરું છે એ?’

લલિતાએ બૂમ પાડી :

‘એ…આ તો દેડકામાર નીકળ્યું. જુઓ’ને’ એ ત્યાં જ ઊભી ઊભી મરેલી દેડકીઓ ગણવા માંડી. આઠની સંખ્યા થતાં થતામાં સત્ય ત્રાસી ગયો.

*

અહેમદ આવવાનો હતો. ચાર દિવસ ઉપર પત્ર હતો. એમાં તો એ ગઈકાલે આવવાનો છે એમ લખ્યું હતું. સત્યે એની ખૂબ વાટ જોઈ. રીંગણાંમરચાંમાંથી જ નવરો આવતો હોય તો ને! ‘અમદાવાદવાળું મિત્રમંડળ આવી ગયું પણ એ કાછિયો ન દેખાયો.’ એ બબડયો. પાસે મેંદીની વાડમાં સંતાઈ ગયેલા કાંચિડાને સૂંઘીસૂંઘીને ખોળવાનો મિથ્યા પ્રયત્ન કરતું ટિલિયું ભસ્યું. લલિતાએ આવીને એને ઊંચકી લીધું. કેડમાંથી વાંકી વળેલી લલિતા કન્યાના સૌંદર્યને પ્રગટાવી રહી. એણે સ્મિત ન કર્યું હોત તોય ચાલત. સત્ય બે દિવસ ઉપર મનમાં એને સ્મિતવતી કહીને સંબોધતો હતો. એ આઘું ઓઢે એવું સત્યે ઇચ્છયું પણ પોતે ઓછો કંઈ એનો જેઠ છે-હતો! આ વિચારથી તેને હસવું આવ્યું.

કુરકુરિયાને માથે હાથ ફેરવતાં લલિતાએ પ્રશ્ન કર્યો : વાત કરવાનો આરંભ કરવાની એની આ પ્રશ્નરીતિ આકર્ષક હતી :

‘કેમ હસવું પડયું? મારું એવું કયું વૈચિત્ર્ય તમે જોઈ ગયા?’

‘તમે સાદ્યંત સરલ છો. બીજી ભાષામાં એનું એ જ કહું તો તમે નરી સરલતા છો; સજીવ સરલતા.’

સત્યને થયું પોતાના આ સાહિત્યવેડાથી એને હસવું તો નહીં આવે? એણે વિષયસંક્રાન્તિ કરી :

‘તમે લાજ કાઢો છો ત્યારે સુંદર લાગો છો.’

લલિતા જોરથી હસી પડી.

‘મારો અભિપ્રાય તમને કટાક્ષ તો નથી લાગ્યો ને? લાજના પણ પ્રકાર હોય છે. આડી લાજ, ઊભી લાજ, મૂંગી લાજ, ચૂંવાળી લાજ.’ સત્યને થયું લલિતા પોતાને ગાંભીર્યથી સાંભળશે પણ હવે તો એના હાથમાંથી પેલું ગલુડિયું પણ નીચે ઊતરી ગયું હતું.

‘મેં કંઈ – લલિતાબેન તમારી સાથે વાત કરતાં મેં કંઈ વ્યંજનાનો ઉપયોગ નથી કર્યો.’

‘હું સરલ નથી પણ તમે સરલ છો નહીં તો….’

‘હં હં બોલો.’

‘પેલું ગલુડિયું કેટલું સરસ છે.’ વાતને બદલી નાખીને એણે ગલુડિયાને બુચકારા કર્યા. એ કદકદ કરતું પાછું આવ્યું. એટલે વાતને સાંધી :

‘આ પ્રાણી પણ કેવું સમજણું છે! તમે – આપણે આનું નામ પાડીશું?’ એને પકડી સુંવાળા ગળાની આસપાસ હળવાસ ફેરવવા લાગી. વચ્ચે વચ્ચે મનુષ્યનો કઠોર સ્પર્શ ભળી જતાં તે બાલપ્રાણી કૂણું કૂણું ભસી પડતું. સત્ય ચૂપ હતો. લલિતાને સમજતો હશે.

‘એ રાજકુંવર! સાંભળો છો?’

લલિતાને ગલુડિયાની મુલાયમતાનું વ્યસન લાગ્યું એમ એમ તે વધારે હાથ ફેરવવા લાગી. ઓચિંતું એની આંગળીએ એણે બચકું ભર્યું.

‘ઓય…’

કેવળ બે જ મનુષ્ય સાંભળી શકે એટલી તીણી મીઠાસ વાતાવરણમાં પ્રસરી ગઈ.

લલિતાએ એને નીચે છોડી દીધું.

સત્ય ચમક્યો.

‘તમને બચકું ભર્યું ને એણે?’

‘હા. ક્યાં ગયા હતા? હું પૂછતી’તી આપણે એનું નામ પાડીશું?’

‘નામ પાડવું છે? સર્વદમન રાખો. શકુન્તલાના પુત્રનું નામ સર્વદમન હતું.’

‘ખબર છે. પણ…’

‘કેમ ન પડાય એ નામ?’

‘પણ આ બાપડું તો નિર્દોષ છે. કોઈને ક્યાં સતાવે છે?’

‘કેમ, તમને હમણાં એ લુચ્ચે બચકું ન ભર્યું?’

ને બન્ને હસી પડયાં.

થાળીઓ ખખડી – વૉર્ડ ભૂખ્યો થઈ ગયો હતો.

‘જમવા નથી જવું?’ લલિતાએ પૂછયું.

‘આજે ડૉક્ટરની મહેરબાની મારા પર વરસી પડી હતી. પેટ ભરાઈ ગયું છે. ફળો અને શીખંડપૂરીથી. બાકી હતું તે તિવારીએ ઊંધિયું ખવડાવ્યું. ડૉક્ટરે તો મારામાંથી પણ ભાગ પડાવ્યો. સરસ હતું. કહે છે સુરતની છોકરીઓ રસોઈની રાણી – ના, પાવરધી હોય છે.’

‘હું સુરતી છું. મારા હાથની રસોઈ તમે ચાખી નથી હજી,’

‘એટલે શું ડૉક્ટરનો મેં કહેલો અભિપ્રાય વજુદ વગરનો છે? ‘ લલિતા હસી. ‘હું એમ ક્યાં કહું છું. મને પણ સરસ વાનગીઓ તૈયાર કરતાં આવડે છે, એમ કહું છું.’

‘ઓહો એમ!’ને એણે પશ્ચિમઆકાશમાં મીટ માંડી.

‘આકાશમાં શું જુઓ છો? હજી તો એકે તારો ઊગ્યો નથી.’

‘નથી કેમ? જુઓ પે…લો રહ્યો શુક્ર.’ લલિતા સત્યના મોં ભણી જોતી હતી.

‘જોયો? વીજળીના બીજા તારની ઉપર પેલું પક્ષી ઊડે છે ત્યાં. હું છે ને લલિતાબેન, પાંચમાં ધોરણમાં હતો ત્યારથી એને ઓળખું છું. અમે સાથે ભણેલા.’

‘શુક્ર સાથે?’

‘ના.’ સત્યની વાતચીતમાં અહેમદનું સ્મરણ ભળી ગયું હતું.

‘ના. સૌથી પહેલાં અહેમદ એને ઓળખી લાવેલો. એ મારો મિત્ર છે. શુક્રને જોઈજોઈને અમે તળાવની પાળ પર બેઠા બેઠા વાતો કરતા.’

પાછું જમવાનો સમય યાદ આવતાં એણે લલિતાને જમવા અંગે પૂછી લીધું.

‘ના. મારે ગુરુવાર છે.’ ને કેળાંનો નાસ્તો કરી લીધો હતો.

‘પછી?’

‘પછી તો એ વકીલ થવાના મનસૂબા ઘડતો ને હું સંન્યાસી થવાનું કહેતો.’

‘સંન્યાસી?’ લલિતા ભડકી.

‘હા. અત્યારે એ ખેડૂત છે. શિક્ષિત ખેડૂત. આપણે ત્યાં બહુ ઓછા છે એના જેવા. એ તો પરણી પણ ગયો ને આપણે રામ હજી એના એ છીએ. સંન્યાસી.’

આમ્રપત્ર હાથમાં લઈ તે હાથ-મોં આગળ લાવીને ગોળ ગોળ ફેરવવા લાગ્યો.

‘તો હવે પરણજો.’

લલિતા એના મુખભાવ જોવાની ઇચ્છાને ન રોકી શકી.

‘હવે તો પરણ્યા! ટી. બી. ફરીથી ઊથલો મારે તો બિચારી આવનારીને…’

સત્ય એકાએક અટકી પડયો. કંઈક યાદ આવ્યું હોય એમ લલિતાના ચહેરા તરફ જોઈ લીધું અને…

‘પણ લલિતાબેન, તમે કશી ચિંતા ન કરશો હોં! આ વ્યાધિ કંઈ હવે અસાધ્ય નથી; તમારા પતિ બે-ત્રણ માસમાં તો મારી જેમ હરતાફરતા થઈ જશે.’

સત્ય આંબાનો ટેકો દેવા પાછળ ખસ્યો. એનો પગ લલિતાને અડી ગયો.

સાંજમાં બેઠેલું એ સ્રીશરીર ભયજન્ય કંપારી અનુભવી રહ્યું.

‘ડૉક્ટર તો કહે, તમે ગભરાશો નહિ.’

સત્યના એ વાક્યને પૂર્ણવિરામ મળે તેટલી ક્ષણોમાં તો લલિતાની ઉપસ્થિતિ વૉર્ડમાં પ્રવેશી ચૂકી. પતિના ખાટલા પાસે – ખાટલા ઉપર બેઠી. બેઠી કે તરત જ ઊઠી અને ઊંઘતા પતિના કપાળે હાથ મૂક્યો. હાથ નહીં વ્યાકુળતા. ધીરે ધીરે ઊઘડતી પતિની પાંપણો પૂરી ઊઘડી રહે તે પહેલાં તો એ માંદી આંખોમાં પ્રવેશી ચૂકી.

6

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.