૧૪

ઓચિંતો એને ઘેર આવેલો જોઈ દિવાળીને ફાળ પડી. લગ્નની પૂર્વતૈયારીઓ ઘરમાં ઊલટભેર થઈ રહી છે ને આ ધરમૂળનો હગડગ ‘વિઘન’ ઊભું કરી બેસશે એવો ભય પાછો ઘાસની જેમ એના મનમાં ઊગી નીકળ્યો : એરંજમાં પોતાને ટી.બી. થઈ ગયો છે, એમ ધડ દઈને કહી બેઠેલો ને! પાછું આ તો…

‘કેમ બેટા ઓચિંતો, અમે કંઈ કાગળ તો નથી લખ્યો ને!’

દિવાળીને ઊંડે ઊંડે અહેમદ ડહાપણ કરી બેસે, એમ હતું.

‘મને ગમ્યું નહીં.’

પરસાળમાં રમતી સુરભિને એણે બોલાવી, એટલે એને કંઈક ટાઢક વળી.

‘રમાડ એને. હું જરા ખાંડ ભરી લઉં.

એ અંદર ગયાં.

સુરભિ જોડે સત્ય વાતોએ વળગ્યો.

‘બોલ જો બેટા, તારે માટે હું શું લાવ્યો હઈશ?’

નાની બાળકી એના હાથમાંથી ખસીને સહેજ દૂર ગઈ.

‘નૈ બોઉં.’

એને બચી ભરી મનાવી.

‘કેમ નહીં બોલે?’

‘તમે થુલા માથીને લઈ લોથોને એટલે.’

આટલું બોલીને એ મોટા માણસની જેમ મોં ચડાવીને અવળી ફરી ગઈ.

સત્યે હસવું ખાળીને થેલીમાંથી ચાવીવાળું રમકડું કાઢયું. એમાં ચાવી ભરવા માંડી એટલે સુરભિનું ચંચળ મન પીગળ્યું, સૂર્યામાસીને લઈ લેવાની ધૃષ્ટતા કરનાર કાકા પ્રત્યેનો એનો રોષ પલવારમાં રમતમાં ફેરવાઈ ગયો. ઓસરીમાં મનુષ્યની જેમ બે હાથ તાળીઓ પાડતું, છાકટું થયેલું હોય એમ આગળ પાછળ માથું ઉલાવીતું ઉન્માદમાં ગોળ ગોળ ઘૂમતું ચાવીવાળું રમકડું એને સૂર્યામાસીની તુલનામાં શ્રેષ્ઠ લાગ્યું. એને ઊંચકી લઈને તે બોલી :

‘થે ને હું આ નૈ આલું. થુલા માથીને પણ નૈ આલું.’

સુરભિને રમાડવાનું એને વધારે મન થઈ આવ્યું.

‘મારી છોકરી’ – એને ઊંચકી લઈને તેણે બચીઓ ભરી ભરીને ગૂંગળાવી દીધી. નાનો શો જીવ સમજી ન શક્યો કે સત્ય પોતાના અંતરમાં આવી ગયેલા વિષાદને આ રીતે દૂર કરવાનો યત્ન કરી રહ્યો છે.

એણે ફરીથી સત્યને વિનંતી કરી.

‘આને તમે લમાલો.’

સત્ય ચાવી ભરવા લાગ્યો. એટલામાં એની મા હાથમાં પેન લઈને આવી.

‘આ તારી ઈન્ડીપેનછીલ લે બેટા, તે દા’ડે જ ભઈ, એ એ જડી’તી પણ બર્યં કંકાસમાં ને કંકાસમાં તને આપવાનું રહી ગયું તે મારાથી મૂઈ અવળે હાથે મોરસના ડબામાં મુકઈ ગઈ’તી…’

સત્ય પેનને લઈને ક્યાંય સુધી એમનો એમ બેસી રહ્યો. મા એના કામમાં પરોવાઈ ગઈ હતી. સુરભિએ કાકાને જાગૃત કર્યો.

‘તાતા, આવોય તુપ થઈ ગયો. આનેય તમે ઘુનાવોને.’

સુરભિએ બીજો પ્રયાસ કર્યો.

‘તાતા, આ તો નથી લમતું.’

દિવાળી એના રડવાનો અવાજ સાંભળી બહાર આવી. એણે બેત્રણ પ્રયત્ન કરી જોયા પણ સુરભિનો રંગીલો હજીયે ઘૂમતો નહોતો. થાકીને સત્યને કહ્યું તો સત્ય ચિડાયો હોય એવું બોલી ગયો, ‘હું તે કેટલીક ચાવી ભરભર કરું?’

ને એ વાડામાં આવ્યો. રમતીએ એને જોઈને બેત્રણ કૂદકા લગાવ્યા. પરંતુ એને બકરીના કૂદકા ક્યાં જોવા હતા? ખડકી સુધી આવ્યો તોય પેલા રમકડાની યાંત્રિક ચેષ્ટા એને સંતોષી રહી હતી.

પિતાએ કંકોતરી વિશે એનો અભિપ્રાય માગ્યો – ‘તારી પસંદગી પ્રમાણે કંકોતરીઓ છપાવીએ.’

પસંદગી શબ્દ એને કાળજે જઈને વાગ્યો. સૂર્યાની પસંદગી કરવામાં એને ઉતાવળ જેવું લાગ્યું.

‘શું કહે છે તું?’

‘તમને યોગ્ય લાગે તેવી છપાવજો. મને પૂછશો નહીં…’

‘હા, પછી રમેશની જેમ ઝઘડો કરે એ નહીં ચાલે. એ દિવસે જોને એ બોલતો હતો મારી કંકોતરીમાં ગણેશ ન જોઈએ. તમે મને પૂછયા વગર આ ડહાપણ કર્યું જ કેમ?’ કેટલું બબડતો’તો. દિવાળીએ સત્યની પાસે બેસતાં કહ્યું. સત્ય કંઈ બોલ્યો નહીં.

‘સારું. લાવ જો તારી પેન. કંકોતરીનો નમૂનો તલાટી પાસે કરાવું.’

સત્ય પેન આપીને માબાપનાં મોં જોવા લાગ્યો. એને સમજાતું નહોતું પોતાને આમ કેમ થયા કરે છે! હવે આવું થાય, એનો કશો અર્થ પણ શો? ઓટલા પર લાશ થઈને એ બેસી પડયો. ક્ષયરોગ ફરીથી ઉથલાયો હોય એવું એને થઈ ગયું.

સામેથી દોડતી દોડતી મંજુ નિશાળેથી આવી. દફતરને ઉલાળતી સત્ય પાસે એના આનંદજનક સમાચાર સંભળાવવા લાગી. નિશાળ આજે ઊઘડી હતી એટલે તલાટીએ બાળકોને પતાસાં વહેંચ્યાં હતાં. એટલું ઓછું હોય એમ મંજુના વર્ગમાં પતાસાથીય મીઠી નવી શિક્ષિકા આવી હતી. મંજુને એની નવી બહેન ગમી ગઈ હતી. મંજુને હવે કદીય માર નહી પડે, કારણ કે કાળા માસ્તર એમની કાળી આંકણીને હવે કબાટમાં મૂકીને બીજી નિશાળમાં ચાલ્યા ગયા છે. હવે કાળા માસ્તર મંજુને નહીં મારી શકે.

‘એમ?’ સત્યે મંજુના વાર્તાલાપમાં રસ લીધો.

‘તાર નૈ. હવે નવાં બેન કોઈને આંકણીથી નૈ મારે. આ બહેન પણ પેલાં સંગીતબેન જેવાં જ છે.’

‘આજે આવ્યાં નહીં કે!’

‘હોવે. છેને સતિકાકા, નવાં બહેને એક સરસ રાજકુંવરીની વાર્તા કહી હતી. તમારે સાંભળવી હોય તો આવતીકાલે નિશાળે આવજો.’

સત્ય પાછો એની સૃષ્ટિને રવાડે ચડયો.

‘આવશો સતિકાકા?’

સત્યને હવે વાત કરવાનું રુચ્યું નહીં. મંજુને જમવાનું મોડું થશે એની યાદ અપાવી; પણ મંજુને તો એનાં નવાં બહેનનું વર્ણન કરવાની ચાનક લાગી હતી.

‘નવાં બહેને છે ને રબરની ચંપલ પહેરી છે.’

રમતી તરસી હતી. એટલે સત્ય વાડામાં ગયો. મંજુ પણ સત્યની પાછળ પાછળ ગઈ. એનો ઉમંગ હજી એવો જ ચાલુ હતો.

‘એંહ સતિકાકા, નવાં બહેન નિશાળમાં જ રહેવાનાં છે?’

સત્ય રમતીના શરીર પર હાથ ફેરવવા લાગ્યો. એને આખે શરીરે ધૂળ જામેલી હતી. કાળા વાળમાં ઘાસની સળીઓ – પાંદડાં ચોંટેલાં હતાં. એને નવડાવ્યે દશબાર દિવસ થઈ ગયા હશે. વચ્ચે બે દિવસ અમદાવાદ ગયો એટલે તે નારણના હાથમાં પડી હતી. એને બકરીની શી પડી હોય? મંજુને વચ્ચે વચ્ચે હોંકારો ભરાઈ જતો હતો એનું પણ એને ભાન નહોતું ને મંજુને એટલે તો ચાનક ચડી હતી ને!

‘બહુ થયું હવે તું ઘેર જા.’

‘પણ સાંભળોને. હેં સતિકાકા, નવાં બહેન તો વિધવા છે એમ કાળા માસ્તર કહેતા’તા. હેં સતિકાકા વિધવા એટલે શું હોય?’

સત્યે બકરી છોડતાં છોડતાં એને ઉત્તર આપ્યો, ‘જેને માથે વાળ ન હોય એ વિધવા કહેવાય. તને ભૂખ નથી લાગી?’

‘પણ એમને માથે તો વાળ છે.’

‘તો એ વિધવા નહીં હોય. તું મારું માથું ન ખા.’

રમતીને છોડી એ વાડા બહાર નીકળ્યો એવો જ દિવાળીએ એને રોક્યો.

‘બેટા, કપડાં તો બદલ, હજી આવ્યો એવો જ બકરીને લઈને ઊપડયો. તારે એવડી શી ઉતાવળ છે. ગાડીમાં ને મોટરમાં તારું મોં જોને બર્યું બીજું તો ઠીક પણ મંગળ રાતને બોલાવીને દાઢી તો કરાવી નાખ અને—’

પછી નિરાંતે, આને નવડાવી આવું.’

ને એ બકરીને લઈ તળાવે ગયો.

તળાવમાં મનુષ્યને નવડાવતો હોય એમ ચોળી ચોળીને રમતીને નવડાવી. ઓવારે પડેલા આમલીના કૂચાથી એના ગળાની પિત્તળની ઘૂઘરીઓ સાફ કરી, સૂર્યપ્રકાશમાં હલ્યા વગર નજરથી સંભળાય એવી. અને પાળ પર છોકરાં પોયણાંની માળા પહેરીને વર વહુની રમત રમતાં હતાં. એમની પાસેથી એક માળા લઈને રમતીના ગળામાં વીંટાળી. પછી એને છૂટી મૂકી દીધી. પાળ ઉપર મુક્ત રીતે કૂદતી ઠેકતી તે એની આગળ દોડી ગઈ. સત્ય કિનારા પરની લીલી વેલ જોતો, એમાં પાતળી ડોક ઉલાળીને સંવનન કરતાં સારસ પક્ષીને જોતો જોતો, આગળ વધતો હતો. પોતે નાનો હતો ત્યારે સારસીને પકડવા એની પાછળ ખૂબ દોડતો ત્યારે સારસી ઊડી જવાને બદલે પોતાને રમાડતી હોય એમ એની આગળ આગળ ઠેકડાં લેતી. એને નાનાલાલનું કાવ્ય સાંભર્યું : સારસ પક્ષીના શબ્દે જગતની રસચેતના ઝબકીને જાગી ગઈ–એવું તેવું એ કવિએ ગાયું હતું. સત્યને થયું પોતાની હૃદયગત રસચેતના સારસ પક્ષીરૂપે અત્યારે ડોક ઉલાળી ઉલાળીને મત્ત બની રહી છે. નિશાળના બારમાસી આંબા ભણી એનું ધ્યાન ગયું. એક છોકરો દોડતો આવીને એની બકરી નિશાળના બાગમાં પેસી ગયાની વાત કરી ગયો.

એ નિશાળના કમ્પાઉન્ડ તરફ વળ્યો.

એણે દૂરથી જોયું તો બકરીને બગીચામાંથી હાંકીને મંજુની નવી શિક્ષિકા ક્લાસરૂમમાં પ્રવેશતી હતી. છૂટા વાળથી છવાઈ ગયેલી શ્વેતાંબરી પીઠ જોતાં એણે હમણાં જ સ્નાન કરી લીધું હશે એવું લાગ્યું. નહાયા વગર વિદ્યાર્થીઓને એ ભણાવતી હશે એ વિચાર આવતાં સત્યને હસવું આવ્યું. એ નજીક ગયો એટલે ક્લાસરૂમમાં નજર નાખવાના કુતૂહલને ન રોકી શક્યો. કશીક ચીજ લેવા તે વાંકી વળી હતી. એની કેડમાં આંબાના મહોર જેવો પરિચય ફૂટતો દીઠો. એનાથી રમતી તરફ બુચકારો થઈ ગયો એવી જ પેલી શિક્ષિકાએ ઝડપથી પાછું જોયું. બેઉમાંથી કોઈ સાચું ન માની શક્યાં. બગીચામાંનો લાલપીળો હજારીનો ચતુષ્કલ વીંધીને સત્ય ક્યારે એની સમક્ષ પહોંચી ગયો એનું લવલેશ ભાન એને ન રહ્યું. બકરીને પોતે લેવા આવ્યો હતો તેય વીસરી ગયો.

કોઈ ચિત્રપટમાં કે નવલકથામાં બને એવું જ એને લાગ્યું. સ્વપ્નમાં પણ એને ખ્યાલ ન હતો કે આ રીતે લલિતા પોતાને મળશે. પરસ્પર….

રમતી પાછી વળીને બગીચાની ક્યારીમાં લીલોતરી ખાવા લાગી. એનો અવાજ સરખોય બેમાંથી કોઈને સંભળાયો નહીં. ને હવે-બકરીના ગળાની ઘૂઘરીઓ વાગે છે કે લલિતાના ચક્ષુપલકાર સંભળાય છે! સત્ય ઓટલા પર ચડી ગયો. લલિતાના છૂટા વાળ પોતાના હાથમાં લઈને બબડયો :

‘તારા આટલા બધા વાળ તું કેવી રીતે જોઈ શકતી હશે?!’ બન્ને અંદર પ્રવેશ્યાં.

લલિતા રડી પડવું કે હસવું એનો જ નિશ્ચય ન કરી શકી. સત્યની દાઢીને જોઈ રહી. કેટલાય સમય પછી તે બોલી શકી.

‘કેટલા ગંદા લાગો છો!’

સત્ય પોતાના આ પ્રસંગ-સૌભાગ્યને ન જીરવી શક્યો. એ પેટી ઉપર બેસી ગયો.

લલિતા બોલતી હતી :

‘પાછા તમે મારા વાળની પ્રશંસા કરો છો. અરે, અરે, તમે આ મર્દ થઈને શું કરો છો? હું તો કલ્પી પણ શકતી નહોતી કે તમે મળશો. અને મળશો ત્યારે આમ ઢીલા થઈ જશો.’

લલિતા એની નજીક ગઈ. સત્યના હાથ પકડીને તેને ઊભો કર્યો.

‘આવું તે શું કરો છો?’

‘શું કરું છું તે—?’

‘મોં કેવું કરી નાખ્યું છે, રડમસ. તે પાછા પૂછો છો.’

‘હવે તને નહીં ગમે એવું કશુંય નહીં કરું.’

‘ડાહ્યા બહુને, પુરુષનો વિશ્વાસ રાખવાની મને આદત નથી.’

એણે જમવા માટે શેતરંજી પાથરી. સ્ટવ પર ખીચડીની તપેલી જોઈને હવે સત્યને ભૂખ લાગી.

‘તારે સ્કૂલમાં જમવાનું તૈયાર કરવું પડે છે?’

‘તો શું કરું? તમારા તલાટીને મેં પહેલેથી કહ્યું હતું. સ્કૂલબોર્ડની ઑફિસમાં જ. તોય ઘરનું નક્કી ન કરી આપ્યું ને મારે અહીં ગામને છેવાડે રહેવું પડે છે. બે દિવસથી અહીં આવી છું’

‘ઘરનું તો થઈ રહેશે. તું તારે ખાવાનું પીરસ. ખબર નથી હું ક્યારનો ભૂખ્યો છું.’

એની સામે તે જોઈ રહ્યો.

‘ઓત્તારી, તું હજી ઊભી રહી છે. હજી પાણીનો કળશો પણ ભર્યો નથી.’

‘તમે તો…’

‘હુકમ કરું છું નહીં?’

ને હજી તે વધારે બોલે તે પહેલાં લલિતા ત્યાં જ અશ્રુઘરમાં બેસી પડી. પીઠ પર ફરતા તરબતર પુરુષ હાથમાં પોતાનું સમગ્ર અસ્તિત્વ ઓગળી જતું હોય એવું લલિતાને એ હમણાં ઊઠીને જતા રહેશે એનો વસાવસો થયા કરતો હતો ત્યાં બારણું સહેજ સળવળ્યું. બારણાને પોતાની સોડમાં રાખીને એક કાળું ગોબરું છોકરું કુતૂહલસહજ અંદર જોતું ઊભું હતું.

લલિતા શરમથી આઘી ખસી ગઈ. નાકમાંથી નીકળી આવેલા લીંટને ખમીશની ચાળથી લૂછતા છોકરાને થોડી વાર જોઈને બન્ને હસી પડયાં. સત્યે પેલા છોકરા ભણી એકધારી નજરે સહેજ જોયું એટલે એ ક્ષોભને કારણે તે ભીંત તરફ લપાઈ ગયો. બહારથી અવકાશ અંદર આવ્યો ને સત્યને હવે જ લલિતાનો લાલ ચહેરો વધારે રૂપાળો થયેલો જોવાનો વખત મળ્યો.

‘આમ શું મને ક્યારેય દીઠી ન હોય એમ તાકી રહ્યા છો?’

પેલા છોકરાથી પાછું રહેવાયું નહીં એને ડોકું કરતો જોઈ લલિતાને છણકો કરવાનું મનેય થયું પણ પાછો કંઈક વિચાર આવતાં તે સત્ય સામુ જોઈ મંદ મંદ હસી અને ડબ્બામાંથી બે ચાર ખારી પૂરીઓ કાઢી પેલા છોકરાને આપી એને કાઢી મૂક્યો.

‘મનેય ભૂખ લાગી છે.’

સત્યે એનો હાથ પકડીને પોતાની સાવ નજીક બેસાડી દીધી.

‘ખાવાનું તપેલીમાં છે.’ લલિતાએ સત્યની દાઢીના વાળ ચપટીમાં પકડીને કહ્યું. પાલવના છેડે થાળી સાફ કરતી કરતી તે બોલી :

‘અત્યારથી આવું કરો છો, તો પછી…’

‘પછી ગાઈશ. ભિક્ષા આપોને રાણી પિંગળા.’

‘લલિતા. પિંગળા નહીં. અત્યારથી તો નામ ભૂલી જાવ છો.’

‘લલિ, આટલો બધો સમય તેં કેવી રીતે પસાર કર્યો?’

‘કેવી રીતે?’ થાળી એની સામે મૂકીને એ ઊભી થઈ. પોતાને માટે તાસક મૂકી અને પેટી ખોલી. એમાંથી એક સફેદ ખમીશ કાઢયું. એને બતાવી કહે :

‘જુઓ, આ રીતે પસાર કર્યો સમય.’ સત્ય કંઈ કહે તે પહેલાં તો એને ચૂમીને—

‘સ્રીને કશોક ને કશોક તો આધાર મળી જ રહે છે. તમને પુરુષને એની ખબર ન પડે.’

ખમીશને વ્યવસ્થિત ગડી વાળીને પાછું મૂકતાં એ પાછી બોલી.

‘સ્વંય ઈશ્વર માગે ને તોય પાછું ન આપું એ.’

‘હું માગું તોય?’

લલિતાએ હોઠ પર આંગળી મૂકી કૃત્રિમ રોષની એક અભિજાત મુદ્રા પ્રગટ કરી અને તરત જ કશું ન બોલવાનો સંકેત કર્યો. બહાર કોઈના બૂટનો અવાજ સંભળાતો હતો.

થોડી વારમાં તો બારણા વચ્ચે ખાદી વસ્રધારી પુરુષ આવી ઊભો. જાડાં ચશ્માં સત્ય ઉપર મંડાયા હતા.

‘આવો તલાટી.’ લલિતાએ નમસ્કાર કર્યા.

નિશાળના આંગણામાં પાછી દૃષ્ટિ કરી એમણે કહ્યું :

‘બેન, ભલુને લગીરે નવરો બેસવા ન દેશો. આ ક્યારીઓની શી દશા કરી મેલી છે!’ ને એમણે પૂરીઓ ખાઈને હોઠ પર જીભ ફેરવતા પેલા છોકરાને ધમકાવી નાખ્યો.

‘લુચ્ચા, આખો દહાડો રખડે છે ને આટલું સચવાતું નથી. હાંક પેલી બકરીને.’ પછી લલિતા તરફ ફર્યા અને સલાહ દેતા હોય એવા સ્વરમાં કહ્યું :

‘જો જો, આ વનમાળીના વિશ્વાસે રહેતાં. નહીં તો પાછળથી પસ્તાવું પડશે. અહીંનાં છોકરાં કંઈ ઓછાં નથી.’

તલાટી ચશ્માંના ગ્લાસને ખમીશથી લૂછતા લૂછતા જતા રહ્યા. એ આવ્યા શું ને ગયા શું એ આ બે જણને શું સમજ પડે!

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.