૧૦

‘ક્યાં ગયા છો?’

સત્યની વાર્તાનાં પાનાં ઉથલાવતાં ઉથલાવતાં સૂર્યાએ દિવાળીને પ્રશ્ન કર્યો.

‘તમાકુ જોખવા જ સ્તો, ગઈકાલની શરદી થઈ ગઈ છે ને પાછો આજેય ગયો છે. બેસ તું.’ સત્યની મા અંદર ગઈ બપોર હતો. સૂર્યાને ગઈ કાલનો ઉન્માદ યાદ આવ્યો. ગઈ કાલે મોટીબેન ઉમરેઠ ઉજાણીમાં ગયાં હતાં ને પોતે! પોતે M. C. નું બહાનું કાઢીને માતાજીની ઉજાણીને ચાલાકીપૂર્વક ટાળી હતી! ચોકમાં મંજુ રમતી હતી એને બોલાવી. એના નાજુક હાથ પકડયા.

‘તારું નામ શું?’ અને મંજુ પોતાનું નામ કહે તે પહેલાં એને બચીઓથી ગૂંગળાવી મારી. નાની છોકરી એના આવેગને જીરવી ન શકી. ચીસ પાડી ઊઠી. નાઠી.

‘ઊભી રહે.’

ને એ સત્યના ખાટલા પર પડી. સત્યનું લખાણ વાંચવા લાગી.

‘પર્વતશિખર પરથી નીચે જોયું. ભયથી રોમાંચ થયો તે તલપીએ દિનુનો હાથ પકડી લીધો.

‘કેમ આમ કરે છે?’

‘કેમ ભાર લાગે છે?’

‘સુગંધીનો તે ભાર હોતો હશે.’ તલપીના ચહેરાને એણે સુંઘતો હોય એમ ચેષ્ટા કરી.

‘મને આટલે ઊંચે ચડયા પછી પડી જવાનો જવાનો ભય લાગે છે.’

‘બીકણ. હું છું ને!’

‘આજે – અત્યારે તમે છો. આવતી કાલે પપ્પાએ મુંબઈ જવાનું નક્કી કર્યું છે. તો શું કરશો?’

‘રામની જેમ તારી પ્રતિમા બનાવીશ.’

‘પ્રતિમા બનાવ્યા વગર મને મેળવવાથી વાત કરો. પછી હું જોઉં તમે બીકણ છો કે હું?’

‘સમય એનું કામ કરશે. તું પત્ર તો લખીશ ને?’

‘એડ્રેસ?’

‘લાવ તારો હાથ’

કમળપત્ર જેવો મુલાયમ હાથ હાથમાં લઈ એકાદ માસના સહવાસને એની હથેળીમાં એના પ્રમત્ત હોઠથી જાગૃત કર્યોં. પછી એના પર પ્રેમથી પોતાનું સરનામું લખવા લાગ્યો.

‘તારી પેન એક સાથે પદાર્થો પર કામ કરે છે.’

ઓચિંતો હાથ દબાતાં જ તલપી ચીસ પાડી ઊઠી. સર્વદમન જેવી કુંણીચીસ.

સત્યે ‘સર્વદમન જેવી’ નીચે રેખા દોરી હતી. બાજુમાં લખ્યું હતું :

‘forget it my heart.’ સૂર્યા બબડી.

‘બોગસવેડા.’ કાગળો ટેબલ પર પાછા મૂકી દીધા.

‘આમ તે કંઈ પ્રેમ થતા હશે? એમાં તો ઊકળતા સીસા જેવું પૌરુષ જોઈએ.’

સામે જોયું તો અહેમદ. એ ખાટલામાંથી બેઠી થઈ નહીં. પડયે પડયે જ સ્મિત કર્યું .

‘કેમ છો? બેસોને. ઊભા છો શું? તમા મિત્ર કામે ગયા છે. એ આવે ત્યાં લગી મારે પણ તમારી વાડીનાં તાજા શાકભાજી ખૂબ ભાવ્યાં.’

‘ઉમરેઠની વાણિયણોને પણ ખૂબ ભાવે છે.’ અહેમદ ઉંમર પર બેઠો. ‘કાકી નથી?’

‘છે. તમારો અભ્યાસ ક્યાં લગી?’

‘ઊઠાંમાંથી ઊઠી ગયો છું સત્યને ગણિત હું શીખવાડતો હતો.’

‘એટલે જ તમાકુના હિસાબ એમને ફાવે છે. તમે ત્યાં દૂર બેઠા છો એના કરતાં આ ખુરશી પર બેસોને! તમારા મિત્રને ઘેર આ રીતે ન બેસાય.’

‘મારા વર્ગમાં એક ઘાંચણ શિક્ષિકા હતી તે મને યાદ આવે છે. બિચારી શિક્ષકોને ખૂબ સ્નેહથી પોતાની ઘાણીએથી તેલ લઈ જવાનું આમંત્રણ—’

સૂર્યાને હવે બેઠા થવાનું મુનાસીફ લાગ્યું.

‘તમે એટલે જ ઘાંચી જેવા લાગો છો.’

‘તમે મારામાં તમારું પ્રતિબિંબ જલદી જોઈ લીધું. મારી બા કહે છે અહેમદનું દિલ આયાના જેવુ છે એ હવે મને સમજાયું.’

‘પોતાની જાતને આટલી ઊંચી માનવી એ ભૂલ છે.’

એટલામાં સત્યના મા આવ્યાં.

‘આવ્યો ભઈ? જોને એ હજીય નથી આવ્યો. એમના હાથમાં દાબડો હતો. એમાં ઘરેણાં હતાં. સૂર્યાને આમ ઝટપટ જતી રહેતી જોઈને એને આશ્ચર્ય થયું.

‘બૌ શરમાળ છે નૈ અહેમદ?’

‘કોણ હું? કાકી વેપારને ને શરમને નાહ્યે નીચોવ્યે સંબંધ નથી.’

‘તારી વાત નથી કરતી, હું તો આ સૂર્યાની વાત કરું છું.’

‘તો હું ય (એની વાત કરું છું ને! મારી જોડે એ કેવો સોદો કરવા આવી’તી; એ હું જાણું છું) શું વળી સમજ્યો? શું છે આ? એણે વાત પ્રકટ ન કરી. એમ થાય પણ નહીં ને!

‘કંઈ નૈ એ તો જરા. મારી વેંટી નથી જડતી તે – તું એમ કરને ભઈ, સત્ય પર વિશ્વાસ ન લાવીશ. તારી જાતે જ અથાણા જોગાં મરચાં તોડી લાવજે ને, જોને એ તમાકુમાં પડયો છે, ને હવડાંથી પાછું સરદુય એને થયું છે.’

‘સારું ત્યારે કાલે વાત.’ ને એ ગયો. પણ સૂર્યાને ઘરેણાં બતાવવાં હતાં ને એ તો મુઈ જતી રહી. હશે પછી. હવે તો દિવા જેવું દેખાય છે, બેય જણાં મળી ગયાં સમજ.

ગઈ કાલે ભદ્રકાળી માતા સમક્ષ પોતે ગદ્ગદ થઈને શી પ્રાર્થના કરતી હતી, મા પાસે કોઈ ન જુએ એમ અશ્રુનો પાલવ પાથરીને માંગ્યું હતું —’સૂર્યા જેવી ભણેલી-ગણેલી વહુ આંખ આગળ હોય તો આનંદથી દહાડો આથમી જાય.’

આ રમેશ પરણીને તરત જ વેગળો થઈ ગયો. નોકરી રહી, શું થાય! કાશી છે પણ વઢકણી છે. ટંટો એને ફ્યડકે બાંધેલો હોય છે.

રીઝઈને રહી ત્યાં લગી વહુ નૈ તો શોક્ય બનીને ઊભી રહે.

સત્ય આવ્યો. આવ્યો એવો માથે હાથ મૂકીને બેસી પડયો. શું થયું છે? એમ પૂછે એટલામાં તો તે પોટલું થઈને પડયો ખાટલામાં. એને તાવ હતો.

આખી રાત ઊંઘની જેમ એ સત્યના મોં પર ઝળુંબી રહી. સત્ય તાવમાં વારંવાર બબડતો હતો.

‘ભૂલી જા. એ હવે નહીં આવે!’

‘કોણ નહીં આવે બેટા?’ દિવાળી એને પૂછતી. પણ એને ક્યાં કંઈ ઉત્તર આપવો હતો! દિવાળી પતિ પર ઘડીક ગુસ્સે થતી. ‘મેં ના કહ્યું’તું છોકરાને તમાકુમાં ના ઘાલો. સળેખમ તો એને પહેલેથી જ નડે છે. મને તો સળેખમની વાત હાંભરી ત્યારથી જ ધ્રાસ્કો હતો કે એને તાવ આવ્વાનો.’

એ પાછી પોતાં મૂકવા લાગી. સત્ય હસ્યો.

‘એમાં ગભરાઈ ગઈ તું?’

‘તે ના ગભરાઉં બેટા. જોને તું ક્યારનો બબડ બબડ કરે છે.’

સત્ય એના પ્રલાપના ઘેનમાં હતો.

‘ડૉક્ટર તો કહે. તું બિલકુલ ચિંતા ન કરીશ.’

દિવાળી પુત્રનું માથું દબાવી કહે :

‘બેટા, થાય જ ને!’

ને સત્યનું ડૂસકું ઓરડામાં ફરી વળ્યું. પાછલી પડાળીના જાળિયામાંથી ચોરની બુકાની છૂટી જાય એટલો પવનનો ભયંકર સુસવાટો ઘરમાં પડતો હતો. ઘરમાં સત્ય બબડતો હતો :

‘Doctor, I love her, please give me her address.

I shall use it with my heart.’

દિવાળીએ એને ગોદડી ઓઢાડી.

‘હવે ટાઢ વાય છે બેટા?’ ને એને કશો ઉત્તર ન મળતાં એ પાછી લોથ થઈને ઓશીકા આગળ બેઠી. લાલાકાકાનું પરભાતિયું ગામને સ્વરની તમાકુમાં બાંધીને ‘બ્રહ્મા પાસે લટકાં’ કરાવવા લાગ્યું. કૂતરાંએ કાન ફફડાવીને ઊંઘતાં ચામાચીડિયાં ઉડાડયાં. કૂવાની ગરગડીઓ કચડવચડ થવા લાગી અને હવે દિવાળીએ પણ આંખને મળવા દીધી.

*

સત્યે નહાવાનો ખૂબ આગ્રહ રાખ્યો પણ દિવાળી એમ કંઈ નહાવા દેકે! બપોરે નારણ બધાંય વૃક્ષોની છાલ કાપી લાવે ત્યારે એનું ગરમ પાણી સસડાવીને એનો નાસ લેવડાવ્યા પછી જ એ પાણીથી એનું શરીર ઘસી ઘસીને નવડાવવાનો દિવાળીનો વિચાર હતો.

સૂર્યા ખબર પૂછવા આવી :

‘હવે કેમ છે, દિવાળીબા?’

‘સારું છે. પણ જોને ઊઠયો એવો એ વાડામાં જઈ લાગ્યો. એની બકરી માંદી હોય એમ એની પાસે જઈ બેઠો છે. બર્યું આખી રાત બબડયો છે. પેલું લખે છે ને! ત્યારે શું એની લગનીમાં ને લગનીમાં આખી રાત દવાખાંનાના દાક્તર જોડે વાત કરે. મને ચિંતા ન કરવાનું કહે, પાછો હસે બબડે.’

સૂર્યા વાડામાં ગઈ,

‘સૂર્યા!’ એ ઊભો થઈ ગયો. કંઈ બોલ્યો નહીં. માત્ર એને જોઈ રહ્યો.

‘સંવનન કરતા હતા?’

છેડાઈ ગયો. એને એમ હતું કે પરમ દિવસની પોતાની મિત્રતાને આજે સંભારીને તે લજવાઈ લજવાઈને વધારે રૂપાળી બનાવશે.

‘તું પુરુષ હોત તો તમાચો મારી દેત.’

‘તમે બરાબર કહ્યું અને હું પણ એમ જ કહું છું. તમે એ હોત તો તમાચાથી પણ આગળ વધત. પણ સ્રી પાસે તમને કુમાશથી વર્તવાનું જ ફાવે છે…’ પરંતુ હવે સત્ય ત્યાં ન ઊભો રહ્યો. સૂર્યા પણ એને અનુસરી.

સત્ય ટેબલના ખાનામાં, અહીંતહીં કંઈક શોધવા માંડયો હતો. દિવાળી કંઈ પૂછે તે પહેલાં જ સૂર્યાએ કહ્યું, ‘તમારા છોકરાનો ક્રોધ ખોવાઈ ગયો છે, દિવાળીબા. હું મશ્કરીમાં પણ એમની સાથે વાત નથી કરી શકતી.’

‘એ છે જ પહેલેથી એવો, વિચિત્ર. ગુસ્સે થવાનું હોય ત્યારે હસે અને નાની અમથી વાતનું વતેસર કરી મૂકે.’ પછી સત્યને કહે, ભઈ, શું શોધે છે?’

‘પેન.’તે ડામચિયા નીચે જોવા નીચો વળ્યો.

‘કાલે તો તારા ખમીશના ખિસ્સામાં હતી બેટા.’

‘હતી પણ…’ બારણાની સાખનો ટેકો લઈને ઊભેલી સૂર્યા પર એને વહેમ આવ્યો. હમણાં જ કહેતી હતી; મશ્કરી જ કરી ન હોય!

‘તેં તો નથી લીધી ને?’ એણે પૂછયું.

‘તમારી પેનને મારે પ્રદર્શનમાં મૂકવી છે, તે હું જ લઉં ને!’ ને એ મંદ મંદ હસતી જોઈ રહી. દિવાળી રસોડામાં જોઈ આવી.

‘ભઈ, તેં કંઈ અવળે હાથે તો નેથી મૂકી દીધી ને?’

‘તો ગઈ ક્યાં?’ વળગણી હલાવી નાખી. પતંગિયું થઈને પેન સૂર્યાના મોં પર બેસી ગઈ હોય એમ ફરીથી જોયું.

‘પાછી ગુસ્સે શેની થાય છે? મારી શેઠાણી હોય એમ.’

દિવાળી ચિડાઈ.

‘ઈન્ડીપેણ હારું એને બચારીને શું કામ ટયડકાવે છે? મુઈ ખોવાઈ ગઈ તે, બીજી લવાશે.’

‘કપાળ લવાશે તમારું.’ ખૂણામાંનું કપડું વીંઝીને તે તમાકુના ઢગલા તરફ ગયો. એટલે દિવાળી સૂર્યાને સમજાવવા લાગી.

‘બોલે એ તો! તું મનમાં ન થતી. તાવલું શરીર છે, એટલે ચીડ કરે. એ રમેશ કરતાં આવોય ભોળો વધારે. રમેશ ઊજાણીએ આવ્યો હતો તે કે’ તારો અછોડો સુશીલાને આપ અને એની વેંટી તું લઈ લે. એવું કપટ આનામાં જરીય નૈ. પણ તું જોજેને મારાં બધ્ધાંય ઘરેણાં હું મારા ભોળીઆની વહુને જ આપવાની છું.’

નારણ વૃક્ષોની છાલ ધાર્યા કરતાં વહેલી કાપી લાવ્યો. બધી વનકડી ભેગી કરીને પાણી ગરમ કરવા માંડયુું. તલાટી સત્યની ખબર જોવા આવ્યા.

‘રાતે એને તાવ હતો તે કેમ છે?’ ને મ્હેસુલની, લાલબહાદુર શાસ્રીના મૃત્યુની; રતિલાલ એની વહુને નહીં તેડે એની, બબલભાઈને પણ તાવ આવ્યો હતો એવી બધી વાતો કરીને ગયા. ચૂલા ઉપર પાણી ગરમ થયું કે નહીં એ જોઈને દિવાળી ઓસરીમાં આવી એટલામાં તો સૂર્યા અલોપ થઈ ગઈ હતી.

‘આ છોકરીનેય મુઈને ભમરો હલ્યો છે. સતિનો સ્વભાવ એવો છે એમાં હું શું કરું? પણ બેય જણાં લઢીવઢીનેય ભેગાં થાય છે એથી તો માંયલો સંતોષમાં રહે છે.’

પેનની લાહ્યમાં ને લાહ્યમાં એવોય ગયો છે તે હજીય દેખાયો નહીં. ચોકમાં તલસળીઆની સળીઓથી ઘોડા બનાવીને રમતી મંજૂને બોલાવી. એને બોલાવવા મોકલી.

‘પાછો બૌ હાજો થઈ ગયો ને તે રખડ રખડ કરે છે.’

એ આવ્યો છે ત્યારનું દિવાળીને નિરાંતે બેસવાનું નથી મળતું. બીજું તો ઠીક પણ રામાયણ પણ અડધું બાકી રહ્યું છે. એટલામાં કાશી આવી.

‘બા, સતિ ભૈએ પેલા રતિલાલને ઝૂડયા.’

દિવાળી સમજી સતિને ‘માર્યો. એણે એ રતિયાનું શું બગાડયું તે મૂઓ મારા તાવલા છોકરાને મારે?’

બારણું એમનું એમ ખુલ્લું રાખીને તે ઊપડી.

‘ક્યાં છે એવોય?’

‘આપણે ઘેર.’

દિવાળી મનહરના ઘર ભણી ગઈ. મનહર રાતોચોળ થયો હતો. ગઈ. એવી દિવાળીએ મનહર પાસે જ એનો રિપોર્ટ માગ્યો.

‘તે પૂછને તારા માનીતાને.’ મનહર આ રીતે રતિલાલનો પક્ષ લીધા કરતો હતો તે સત્યને ન ગમ્યું. પાટ ઉપરથી તે નીચે ઊતર્યો.

‘તો શું હું એ લુચ્ચાની પૂજા કરું? એને મે કાગળ નહોતો લખી આપ્યો એટલે એણે જ મારી પેન લઈ લીધી છે.’

‘આપ કમઈની ખરીને પાછી? આટલું કરંઝે છે શેની? એ બચારો નિરાંતે અહીં બેઠો બેઠો દાંણા જોતો’તો ને પૂછયા-ગાછયા વગર ધોલ મારવાનો તને શો અધિકાર છે.?’

‘કહ્યું તું તો ખરું…’

‘તારે પણ આટલો રોફ ચ્યમ કરવો પડે છે.’ દિવાળી ઊકળી ‘એવાય ઘેર નથી એટલે એને દબાવે છે. ચલ ભઈ, મુઈ લઈ ગયો તે. બીજી મંગાવી લેજે.’

કાશી પણ ત્યાં સાસુને લેવા મંડી. મનહરે પોતાને રાતોરાત જુદો કરી નાખ્યો હતો એ આખી વાત ઉખેડી. સુરભિની તબિયત ઠીક નહોતી એટલે એ બારણા વચ્ચે આ ઝઘડાને જોઈને રડતી હતી. રતિલાલ ધૂળવાળી ટોપીને હજીય ખંખેરતો હતો.

વાત સારી પેઠે વધી પડી હતી. રતિલાલ માર ખાઈને બાજુમાં ખસી ગયો હતો અને ઘરમાં બધાં ઝઘડતાં રહ્યાં.

પાંચેક વાગ્યે સત્યના બાપુજી બહારગામથી આવ્યા અને સત્યને બે દિવસ માટે બહારગામ લઈ ગયા. સત્ય ગયો એટલે દિવાળીએ મનોમન બળિયાની અને ભદ્રકાળીની બેવડી બાધા માની. સત્યના બાપુજીએ ‘આ વખત થઈ પણ જાય’ એમ જતાં જતાં કહેલું પણ ખરું. માનું હૈયું ફૂલ ફૂલ થઈ ગયું હતું. તમાકુના વેપારીની છોકરી ઘરમાં આજે જ આવી ગઈ હોય એવું એને થતું હતું. આજનો ટંટોબટો બધુંય વીસરીને એ નવી વહુ કેવી હશે, સૂર્યાનું મનમાં તો નક્કી છે એ મનમાં જ દાબી દેવું. કાશીને સમજાવી દેવાશે. નહીં કહે તોય ચાલશે. આજ તો બાપગોત્રને યાદ કરી શત્રુનું કામ કરતી હતી. પણ સૂર્યાનું નામ એ કેમે કરી ભૂલવી શકી નહીં. એના પિતા જીવવાળા નથી પણ છોકરી નરી રૂપવંશી છે. તો પાછું તમાકુના પાનનું મૂલ્ય પણ કંઈ એના સ્વપ્નને ઓછું શણગારતું નહોતું! એની મનોકામનાનો આજે જ ઉત્સવ હોય તેમ તે પડોશીઓના કાનમાં આનંદ રેડી આવી. સત્યને એના બાપુજી બતાડવા લઈ ગયા હતા એ વાત એનાં કુટુંબમાં સુગંધની જેમ પ્રસરી ગઈ. એટલે કાશીના પેટમાં તેલ રેડાયું. સૂર્યા આવી એ પહેલાં તો દિવાળીએ કાશી જોડે એની મસલત કરી હતી. સાસુવહુએ સત્ય-સૂર્યાના ‘મનમેળ’ પર બધું છોડી દીધું હતું. કાશીએ વરાળ કાઢી પણ ખરી. પરંતુ એની ઉષ્ણતા રાતને લીધે દિવાળીના કાન લગી ન આવી.

દિવાળીએ ખાટલો ઢાળ્યો. સત્ય આજે ઊંઘવાનો નહોતો એટલે પોતે ઓરડામાં બફાવા કરતાં એના ખાટલા પર સૂવાનો નિશ્ચય કર્યો. સૂર્યા સુરભિને લઈને આવી પણ બેઠી ન બેઠી ને જતી રહી. ડામચિયા પરથી ગોદડું પાથર્યું.

‘તાવલું શરીર હજીય હહડે છે’ બબડી. અને ફાનસના ઝાંખા પ્રકાશમાં રમેશના લગ્નપ્રસંગે પણ દિવાળીને નહોતો થયો એટલો હર્ષ એને ગોદડામાં પડેલી ચળકતી પેન જોઈને થયો.

*

પરંતુ બીજે દિવસે એના હર્ષ પર કાશી છાણાં થાપવા બેઠી. સાસુને ઘેર બેત્રણ આંટા મારી ગઈ હતી. સુરભિને લઈ સૂર્યા તલાટીની વહુને સ્વેટર ભરવાનું શીખવવા ગઈ ત્યારેય મનહરે સૂર્યાની વાતમાં સંમતિ આપવા બદલ એનો ઉધડો લીધો હતો. ખાટુંગળ્યું પેટમાં ભેગું થતાં ઊલટી કર્યે જ છૂટકો. ને કાશીએ પોતાની અસ્સલ કવિતા સાસુના બારણા આગળ લલકારવી શરૂ કરી ત્યારે જ જંપી. બપોર હતો એટલે તાપની અસર પણ કાશીના મગજ પર થતી હતી. તો દિવાળીની આંખ આગળ સત્ય જોવા ગયો છે એ કન્યાના ગાલનાં પરવાળાં ઝળકતાં હતાં એટલે કાશીનાં સુવાક્યોનો પડઘો એટલી જ તીવ્ર રીતે પાડતી હતી. કાશીને સાંભળતાં લાગે કે એને ઘણું ઘણું વ્યક્ત કરવાનું છે, પણ એક જીભ એને ઓછી પડતી હતી ને એટલે એ સાસુ સામેના રોષમય વાર્તાલાપમાંથી વચ્ચે વચ્ચે તટસ્થ થઇને ઇશ્વરને પણ બેએક સંભળાવી દેતી હતી. દિવાળીએ એનો ક્રોધ બતાવ્યો કાશીના ગળા માટે. કાશીના ગળા માટે એણે એક વખત ‘બળદીઆ’ની ઉપમા આપી. કાશીએ દિવાળીના વાળ બાંધેલા હતા એ છૂટા કરી નાખ્યા.

સૂર્યા માટેનો વિચાર નષ્ટપ્રાય કરીને દિવાળી શાંત થઈને મનમાં ને મનમાં કાશી જોડે કંકાસ કરવા ઘરમાં બેઠી. બીજી સ્રીઓ વીખરાઈ ગઈ. પોતે બે કોળિયા ખાવા તો ન બેસી શકી પણ ભેંસ અને બકરી જેવાં મૂંગા પ્રાણીઓને પણ તરસે કંઠે, ભૂખે કોઠે રાખ્યાં.

એટલામાં ગયે ગર્ષે નાતાલમાં બબલભાઈ જોડે બેચાર લાંબા લાંબા ઝભ્ભા પહેરીને ખ્રિસ્તીઓ આવ્યા હતા એવો એક પુરુષ સત્યનું ઘર શોધતો શોધતો આવ્યો. થોડાંક બાળકો એને અહીં સુધી ઘર બતાવવા આવ્યાં હતાં. એનો પાતળો ગોરો દેહ, મંદ મંદ હસતું નાના બાળક જેવું મોં, એક હાથમાં જાડું પુસ્તક, પગમાં ચાખડી જોઈને દિવાળી તો ખમચાઈ. પણ તરત જ પોતાની જાતને સંભાળી. તલાટી ઘણી વાર કહેતા આવા માણસો આપણા દેશના જુવાન છોકરાઓને પોતાના ‘ધરમ’માં લઈ જાય છે. એટલે એ તો બારણું વાસીને કંઈ ઉત્તર આપ્યા વગર ચાલી ગઈ.

‘બેન.’

બેચાર વખત એણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. પણ પછી ન રહેવાયું. બહાર આવી. છોકરાંને ઘર બતાવવા બદલ ધમકાવી કાઢયાં. પછી ‘નથી એ તો. બહારગામ ગયો છે. બેત્રણ દહાડા પછી આવશે.’ કહીને એ પરસાળ નાખવા બેઠી.

‘પણ બેન હું તો છેક અમદાવાદથી આવું છું.’ એમને મન એમ આ સ્રી જૂઠું બોલે છે.

‘તે જ્યાંથી આવ્યા હો એ હું શું કરું? એને થોડી ખબર છે કે તમારા જેવા આવવાના છે.’

સાવરણીથી ધૂળ ઊડતાં પેલો અજાણ્યો ધર્મભ્રષ્ટ કરાવનાર પુરુષ ઉંબરથી ચારેક ડગલાં પાછો હઠયો જોઈને દિવાળી સાવરણી વધારે પછાડવા લાગી.

‘સારું ત્યારે એની તબિયત તો સારી છે ને?’

‘હાજો હમો છે.’

મોં પર આનંદ ફરી વળ્યો એટલા વાક્યથી અને તે કરડું પણ બોલ્યા વગર ચાલ્યા જવાનું કરતા હતા ત્યાં ‘એ આવે ત્યારે કહેજો હું આવ્યો હતો. હું એનો પ્રોફેસર છું.’ કહીને તે ચાલ્યા ગયા. અત્યાર સુધી દિવાળી અંદરથી કંપતી હતી. આવડો ધોળો બાસ્તા જેવો માણસ પોતાના ભોળા દીકરાને ધર્મભ્રષ્ટ કરાવી નાખે એમાં નવાઈ નહીં. એ પોતની સાથે પણ પોતે સગી બહેન હોય એમ વારંવાર ‘બેન’ કહેતો હતો. છળ કરનારા લોકો કેવું મીઠું મીઠું બોલવાની દુષ્ટતા કરે છે! એ એને ખબર છે કંઈ.

એ દુષ્ટ માણસ ગયો કે નહીં તે જોવા મોટરસ્ટેન્ડ પર બેચાર છોકરાંને પણ એણે મોકલ્યા. અને જ્યારે મોટરમાં એને ચાલ્યો ગયો એ જાણ્યું ત્યારે જીવ હેઠો બેઠો. એને યાદ આવ્યું : સત્ય ઉમરેઠ ભણવા જતો ત્યારે ઘણી વાર કહેતો હતો કે પોતે સંન્યાસી જઈ જશે. અમદાવાદ ભણવા મોકલ્યો ત્યારે ભાઈ પાસેથી વચન પણ લઈ લીધું હતું કે સત્ય બાવો બનવાની વાત કરે નહીં. અને એમ જો કહે તો એને એમ કરતાં રોકે.

બીજું કંઈ નહીં પણ આવડો મોટો પરણવા લાયક થયો તોય હજી બાળક જેવો છે, રખેને કોઈ એને પોતાના વેંતમાં વેતરી નાખે. આ પૃથ્વી પર ભરમાવનારાઓનો કંઈ તોટો નથી. હજી હમણાં જ સંધ્યાકાળે થવા આવ્યો હતો એટલે તે બળિયાબાપજીએ ઘીનો દીવો કરી આવી અને પાલવ પાથરી ‘ફતેહ’ ની અંતરથી પ્રાર્થના પણ કરી આવી.

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.