૩. કાવ્યાત્મક અનુકરણની રીતિ

હજી એક ત્રીજો ભેદ પણ છે – આમાંના પ્રત્યેક વિષયની અનુકરણરીતિનો. માધ્યમ તેનું તે હોય અને વિષયો પણ તેના તે હોય તો કવિ કથનરીતિથી અનુકરણ કરી શકે અને આ બાબતમાં તે હોમરની પેઠે અન્ય વ્યક્તિત્વ ધારણ કરી શકે, અથવા પોતે બદલાયા વિના નિજી વ્યક્તિત્વમાં જ બોલી શકે, અથવા પોતાનાં બધાં જ પાત્રોને આપણી સમક્ષ જીવંત અને હરતાંફરતાં રજૂ કરીને પણ એ અનુકરણ કરી શકે.

તો, આપણે શરૂઆતમાં જોયું હતું તેમ, કલાત્મક અનુકરણનાં આ ત્રણ ભેદક તત્ત્વો છે – માધ્યમ, વિષયો અને રીતિ. એથી, એક દૃષ્ટિએ, સોફોક્લિસ હોમરના પ્રકારનો અનુકરણકર્તા છે, કારણ કે બંને ઉચ્ચતર પ્રકારનાં ચરિત્રોનું અનુકરણ કરે છે; પણ બીજી દૃષ્ટિએ સોફોક્લિસ એરિસ્ટોફેનસને મળતો આવે છે કારણ કે બંને વ્યાપારશીલ અને ક્રિયારત માનવીઓનું અનુકરણ કરે છે. કેટલાક લોકોના કહેવા પ્રમાણે આવાં કાવ્યોને ‘નાટક’ કહેવામાં આવે છે. કારણ કે તેમાં ક્રિયાનું નિદર્શન છે. આ કારણે જ ડોરિયન લોકો કરુણિકા અને વિનોદિકાની શોધનું શ્રેય પોતાને છે એવો દાવો કરે છે. વિનોદિકાની શોધનો દાવો મેગેરી લોકો પણ કરે છે; અને તે પણ મેગેરાની લોકશાહીના સમય દરમિયાન વિનોદિકા જન્મી એવું કહેતા માત્ર ગ્રીસવાસી મેગેરી લોકો જ નહિ પણ સિસિલીના મેગેરી લોકોનો પણ એવો જ દાવો છે. તેઓ કહે છે કે એપિકેરમસ નામનો કવિ તેમના દેશનો નિવાસી હતો અને તે ક્લિઓનિડ્ઝ અને મેગ્નિસ કરતાં પણ ઘણાં વર્ષો પૂર્વે થઈ ગયો. કરુણિકા માટે પણ પેલેપોનિસના કેટલાક ડોરિયન લોકોનો એવો જ દાવો છે. પ્રત્યેક દાવામાં ભાષાનો પુરાવો તે લોકો આગળ ધરે છે. તેઓ કહે છે કે સીમાડા પરનાં ગામોને તેઓ ‘કોમાઈ’ અને એથેન્સવાસી ‘દેમોઈ’ કહે છે. તેઓ એવું ધારે છે કે વિનોદિકાના–કર્તાઓ અને અભિનેતાઓનું ‘કોમેડીઅન્સ’ એવું નામકરણ ‘કોમાઝેઇન’ એટલે કે ‘રંગરાગ મચાવવો’ પરથી નથી થયું પણ નગરમાંથી અપમાનિત થઈને બહિષ્કાર પામીને, તેઓ એક ગામથી બીજે ગામ ભટકતા રહ્યા તેને કારણે થયું છે. તેઓ એ પણ ઉમેરે છે કે ‘કરવું’ ને માટે ડોરિયન શબ્દ ‘ડ્રાન’ છે પણ એથેનિયન શબ્દ ‘પ્રત્તેઇન’ છે.

અનુકરણની વિભિન્ન રીતિઓની સંખ્યા અને લાક્ષણિકતાઓની બાબતમાં આટલું પૂરતું લેખાશે.

License