૨૩. મહાકાવ્ય

જેનું સ્વરૂપ કથનાત્મક હોય અને જેમાં એક જ છંદનો પ્રયોગ થતો હોય એવી કાવ્યાત્મક અનુકૃતિમાં વસ્તુનું ગ્રથન, કરુણિકાની જેમ,નાટ્ય-સિદ્ધાન્તોને આધારે થવું જોઈએ. તેના વિષય રૂપે એવી એક ક્રિયા હોવી જોઈએ જે અખંડ, સ્વયંપૂર્ણ અને આદિ-મધ્ય-અંતયુક્ત હોય. આ રીતે તે અનુકૃતિ એકાત્મતાની બાબતમાં જીવંત પ્રાણીની સાથે મળતી આવશે અને પોતાને અનુરૂપ એવા આનંદનું પ્રદાન કરશે. બંધારણની બાબતમાં તે ઐતિહાસિક રચનાઓની ભિન્ન હશે કારણ કે ઐતિહાસિક રચનાઓ એક ક્રિયાને નહિ પરંતુ એક સમયખંડને અને તે સમયખંડમાં એક અથવા અનેક વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવનારી સર્વ ઘટનાઓને આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે – આવી ઘટનાઓ ભલે પછી પરસ્પર અસમ્બદ્ધ હોય! સેલેમીસનું સમુદ્રયુદ્ધ અને સિસિલીમાં કાર્થેજવાસીઓ સાથે થયેલું યુદ્ધ બંને એક જ સમયે થયાં, પણ એમનું કોઈ એક પરિણામ ન આવ્યું. એટલે, ઘટનાઓની આનુપૂર્વીમાં એક ઘટના બીજીને અનુસરે અને છતાં તેમાંથી કોઈ એક પરિણામ ન પણ નીપજે. આપણે કહી શકીએ એમ છીએ કે મોટાભાગના કવિઓ આ પ્રમાણે કરે છે. અહીં પણ, આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે, હોમરની લોકોત્તર ગુણવત્તા દેખાઈ આવે છે. ટ્રોયના યુદ્ધને આદિ અને અંત બંને હતાં. તેમ છતાં હોમરે સમગ્ર ટ્રોય-યુદ્ધને પોતાનો કાવ્યવિષય બનાવવાનો પ્રયત્ન કર્યો નથી. એ અત્યંત વ્યાપક વિષય બન્યો હોત; અને એક દૃષ્ટિમાં એને આશ્લેષવાનું સરળ ન બન્યું હોત. જો એણે એના વિસ્તારને મર્યાદિત કર્યો હોત તો ઘટનાઓના વૈવિધ્યને કારણે તે વધારે પડતો જટિલ બની ગયો હોત. પ્રસ્તુત રૂપમાં એણે કથાનો એક અંશ ઉપાડી લીધો છે અને પછી યુદ્ધની સામાન્ય કથામાંની ઘણી ઘટનાઓને – જેવી કે વહાણોની સૂચિ અને એવી અન્ય ઘટનાઓ – ઉપકથાઓ રૂપે સમાવી લીધી છે. અને આ રીતે કાવ્યમાં એણે વૈવિધ્ય આણ્યું છે. બીજા બધા કવિઓ એક નાયક,એક સમયખંડ, કે કેવળ એક ક્રિયાને પસંદ કરે છે, પણ તેમાં વિભાગો અનેક હોય છે. ‘સિપ્રિઆ’ અને ‘લઘુ ઇલિયડ’ના કર્તાઓએ આ પ્રમાણે કર્યું છે. આને કારણે ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ પ્રત્યેક એક કરુણિકાને માટે અથવા વધુમાં વધુ બે કરુણિકાઓ માટે વિષય પૂરા પાડે છે; જ્યારે ‘સિપ્રિઆ’ અનેક કરુણિકાઓ માટે અને ‘લઘુ ઇલિયડ’ આઠ કરુણિકાઓ માટે વિષય પૂરા પાડે છે – જેવા કે શસ્ત્રપુરસ્કાર, ફિલોકટેટિસ, નિઓપ્ટોલેમસ, યુરિપાયલસ, ભિક્ષુ ઓડેસિયસ,લોકોનીઅન સ્ત્રીઓ, ઇલિયમ-પતન અને નૌકાકાફલાનું પ્રયાણ.

License