૧૯. વિચાર અને પદરચના

હવે પદરચના અને વિચાર વિશે વાત કરવાની રહે છે. કારણ કે કરુણિકાના અન્ય ઘટકો વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. વાગ્મિતાશાસ્ત્રમાં જે કંઈ કહેવાયું છે તેનો આપણે વિચારની ચર્ચા પૂરતો સ્વીકાર કરી લઈએ, કારણ કે આ વિષય તેના ગવેષણાક્ષેત્રની સાથે વધુ સંબંધ ધરાવે છે. વાણી દ્વારા જન્માવાતી પ્રત્યેક અસરનો સમાવેશ વિચારમાં થાય છે. તેના ઉપવિભાગો આ પ્રમાણે છે – સાબિતી અને પ્રતિકાર;કરુણા, ભીતિ, ક્રોધ અને એવી અન્ય લાગણીઓની ઉત્તેજના; અગત્ય અથવા બિનઅગત્ય અંગેનું સૂચન. હવે તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે જ્યારે કરુણા, ભીતિ, અગત્ય કે સંભવિતતાનો ભાવ જન્માવવાનો હેતુ રખાયો હોય ત્યારે નાટ્યાત્મક ઉક્તિઓની જે દૃષ્ટિએ માવજત કરવાની હોય છે તે જ દૃષ્ટિએ નાટ્યાત્મક ઘટનાઓની પણ માવજત કરવી જોઈએ. ભેદ માત્ર એટલો જ છે કે ઘટનાઓએ શાબ્દિક અભિવ્યક્તિ વિના પોતે જાતે મુખરિત બનવું જોઈએ; અને ઉક્તિએ જન્માવવાની અસરો વક્તા દ્વારા વાણીથી પરિણામ રૂપે જન્મવી જોઈએ. કારણ કે જો વિચારની અભિવ્યક્તિ વક્તાની વાણીથી નિરપેક્ષ હોય તો વક્તાની જરૂર જ શી રહે?

હવે પદરચનાની વાત કરીએ. શાસ્ત્રની એક શાખા ઉક્તિની પદ્ધતિઓનો વિચાર કરે છે. પણ જ્ઞાનનું આ ક્ષેત્ર તો વક્તૃત્વકલા અને તેના શાસ્ત્રના નિષ્ણાતોનું છે. એમાં, ઉદાહરણ રૂપે જોઈએ તો, આજ્ઞા, પ્રાર્થના, વિધાન, ધમકી, પ્રશ્ન, ઉત્તર વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ જાણવાથી કે ન જાણવાથી કવિની કલાને કોઈ ગંભીર આંચ નથી આવતી કારણ કે, ‘ગાઓ દેવી, ક્રોધનું ગીત’માં પ્રાર્થનાના અંચળા હેઠળ તે આજ્ઞા કરે છે, એવું હોમર પર પ્રોટાગોરસે કરેલું દોષારોપણ કોણ સ્વીકારશે? પ્રોટાગોરસ કહે છે કે કોઈને અમુક કામ કરવા કે ન કરવા કહેવું તે આજ્ઞા છે. માટે આપણે આ ગવેષણાને તે જે ક્ષેત્રની છે તેમાં જવા દઈએ, કવિતામાં તેને સ્થાન નથી.

License