૧૫. કરુણિકાનાં ચરિત્રો

ચરિત્રની બાબતમાં ચાર વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ. પહેલી અને સૌથી વધુ અગત્યની વાત તો એ કે તે સારું હોવું જોઈએ. જે ઉક્તિ કે ક્રિયા દ્વારા કોઈ પણ પ્રકારના નૈતિક હેતુનો નિર્દેશ થતો હોય તે ચરિત્રની અભિવ્યક્તિ કરશે: જો હેતુ સારો હશે તો ચરિત્ર પણ સારું હશે. આ નિયમ પ્રત્યેક વર્ગ સાથે સંબંધ ધરાવે છે. સ્ત્રી પણ સારી હોઈ શકે અને ગુલામ પણ સારો હોઈ શકે – જોકે સ્ત્રીને નિમ્નતર કક્ષાની અને ગુલામને સાવ નગણ્ય કહી શકાય છે. લક્ષમાં લેવા જેવી બીજી બાબત તે ઔચિત્ય. પુરુષોચિત ગણાય એવું એક પ્રકારનું શૌર્ય હોય છે; પણ સ્ત્રીમાં એવું શૌર્ય અથવા નિર્મર્યાદ ચાતુર્ય અનુચિત ગણાશે. ત્રીજું, ચરિત્ર જીવનને યથાર્થ હોવું જોઈએ. અહીં વર્ણવેલાં ભદ્રતા અને ઔચિત્યની આ જુદી જ વસ્તુ છે. ચોથી વાત છે સંગતિની; બનવાજોગ છે કે અનુકરણનો વિષય અસંગત હોય અને અસંગતિ તેના ચરિત્રપ્રકારની સૂચક હોય, તોપણ એણે સંગતિપૂર્વક અસંગત હોવું જોઈએ. ‘ઓરેસ્ટિસ’માં મેનેલિયસ ચરિત્રના નિર્હેતુક પતનનું દૃષ્ટાન્ત છે; અશોભન અને અનુચિત ચરિત્રના દૃષ્ટાન્ત રૂપે ‘સ્કાયલા’માં ઓડિસિયસનો વિલાપ અને મેલાનીપીની ઉક્તિઓને દર્શાવી શકાય; અને અસંગતિના દૃષ્ટાન્ત રૂપે ‘એઉલિસમાં ઇફિજેનિયા’ને લઈ શકાય, કારણ કે ઇફિજેનિયાનું તે અનુનયશીલ રૂપ એના પાછલા જીવનના વ્યક્તિત્વને કોઈ પણ રીતે અનુરૂપ નથી.

વસ્તુના બંધારણની પેઠે, ચરિત્રના આલેખનમાં પણ કવિએ કાં તો અનિવાર્ય કે કાં તો સંભવિતને લક્ષ્યરૂપ ગણવાં જોઈએ. આ રીતે અનિવાર્યતા અથવા સંભવિતતાના નિયમને વશવર્તીને અમુક ચારિત્ર્યવાળી વ્યક્તિએ અમુક રીતે બોલવું કે ક્રિયા કરવી જોઈએ. આ જ પ્રમાણે, અનિવાર્ય કે સંભવિત પૌર્વાપર્ય અનુસાર આ ઘટના તે ઘટનાને અનુસરવી જોઈએ. એથી સ્પષ્ટ થાય છે કે વસ્તુના અટપટાપણાનો ઉકેલ વસ્તુમાંથી જ ઉદ્ભવવો જોઈએ. ‘મીડિયા’માં બને છે તે પ્રમાણે અથવા તો ‘ઇલિયડ’માં ગ્રીકોનું ‘પુનરાગમન’ છે તે પ્રમાણે યાંત્રિક રીતે ઉકેલ લવાવો જોઈએ નહીં, યાંત્રિક યુક્તિઓનો આશ્રય નાટકની બહારની ઘટનાઓ માટે લેવો જોઈએ. આવી ઘટનાઓ માનવીના જ્ઞાનની સીમા બહાર ભૂતકાળમાં બની ગયેલી હોય અથવા તો ભાવિ ઘટનાઓ હોય. તેમનું કથન કરવાનું હોય કે હેવાલ આપવાનો હોય; અને આ અંગે દેવોમાં ત્રિકાળજ્ઞાનની શક્તિ આપણે આરોપીએ છીએ. ક્રિયાની અંતર્ગત કશુંય અબૌદ્ધિક ન હોવું જોઈએ. જો અબૌદ્ધિકનો પરિહાર ન થઈ શકે તો એને કરુણિકાની સીમા બહાર રાખવું જોઈએ. સોફોક્લિસના ‘ઇડિપસ’માં આવું અબૌદ્ધિક તત્ત્વ છે.

કરુણિકા એ સામાન્ય સ્તર કરતાં ઊંચે રહેલા માનવીઓનું અનુકરણ હોવાથી તેમાં વ્યક્તિચિત્રો દોરનાર ઉત્તમ ચિત્રકારોને અનુસરવું જોઈએ. તેઓ મૂળના વિશિષ્ટ સ્વરૂપનું પ્રસ્તુતીકરણ કરતી વખતે જીવનને યથાર્થ હોય તેવી અનુરૂપતા સર્જે છે અને છતાંયે વધુ સુંદર બનાવે છે. તેવી જ રીતે કવિએ જે લોકો ક્રોધી, પ્રમાદી કે ચારિત્ર્યની અન્ય ખામીઓવાળા હોય તેમનું પ્રસ્તુતીકરણ કરતી વખતે તેઓને જેવા હોય તેવા તો જાળવવા જોઈએ; અને છતાં તેમને અભિજાત બનાવવા જોઈએ. આ રીતે એગેથોન અને હોમર બંનેએ એકિલિસનું આલેખન કર્યું છે.

તો, કવિએ આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ સિવાય કાવ્યની તત્ત્વભૂત તો નહિ, પણ એની સહચારી ગણાય તેવી, ઇન્દ્રિયોની અસરોની પણ કવિએ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. કારણ કે અહીં પણ ભૂલ થવાને ખૂબ અવકાશ રહે છે. પણ આને વિશે તો આપણા પ્રગટ થયેલા મહાનિબંધોમાં પૂરતું કહેવાઈ ગયું છે.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.