૧૩. કરુણાજનક ક્રિયા

અત્યાર સુધીમાં જે કાંઈ કહેવાઈ ગયું તેના અનુસંધાનમાં હવે આપણે વિચારીએ કે કવિએ કયું નિશાન તાકવાનું છે, વસ્તુઓના ગ્રથનમાં એણે શેનો પરિહાર કરવાનો છે; અને કરુણિકાની વિશિષ્ટ અસર એણે કયાં સાધનો દ્વારા જન્માવવાની છે.

આપણે જોઈ ગયા છીએ કે અનવદ્ય કરુણિકાની રચના સાદી નહિ, પરંતુ સંકુલ યોજના પર થવી જોઈએ, વધારામાં એણે કરુણા અને ભીતિ ઉત્તેજનારી ક્રિયાઓનું અનુકરણ કરવું જોઈએ, કારણ કે કરુણાજનક અનુકરણનું આ વ્યાવર્તક લક્ષણ છે. આમાંથી સૌપ્રથમ એ વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે ભાગ્યપરિવર્તનનું નિરૂપણ એવું ન હોવું જોઈએ કે જેમાં કોઈ સદ્ગુણી વ્યક્તિનું સુખસમૃદ્ધિમાંથી વિપત્તિમાં પતન થતું બતાવાતું હોય. એનું કારણ એ છે કે તે ન તો કરુણા જન્માવી શકે, ન ભીતિ. એ તો આપણને માત્ર આઘાત પમાડે. વળી એ દુર્ગુણી વ્યક્તિનું વિપત્તિમાંથી સુખસમૃદ્ધિમાં થતું પરિવર્તન પણ ન હોવું જોઈએ કારણ કે કરુણિકાના તત્ત્વને માટે એનાથી વિશેષ પ્રતિકૂળ બીજું કશું ન હોઈ શકે. એમાં કરુણિકાનો એક પણ ગુણ રહેલો નથી. એવી પરિસ્થિતિ નૈતિક ભાવનાને સંતોષી શકતી નથી કે કરુણા અને ભીતિને પણ જન્માવી શકતી નથી. વળી,કોઈ અત્યંત ખલપાત્રનું પતન થતું પણ બતાવવું ન જોઈએ. આવા પ્રકારનું વસ્તુ નૈતિક ભાવનાને સંતોષશે એ નિ:શંક છે, પણ તે કરુણા અને ભીતિ તો નહિ જ જન્માવી શકે. નિર્મર્યાદ દુર્ભાગ્ય દ્વારા કરુણા જન્મે અને આપણા જેવા માનવીના દુર્ભાગ્યમાંથી ભીતિ જન્મે. એટલે આવી ઘટના ન તો કરુણાજનક કે ન તો ભયજનક નીવડી શકે. એટલે આ બે અંતિમોની વચ્ચે રહેલા ચરિત્રની શક્યતા બાકી રહે છે – તે એવી વ્યક્તિ હોય જે પૂર્ણત: સારી કે ન્યાયપરાયણ ન હોય અને છતાંયે જેની દુર્ભાગ્યપ્રાપ્તિ કોઈ દુર્ગુણ કે ચારિત્ર્યક્ષતિ પર આધારિત ન રહેતાં કોઈ ભૂલ કે નિર્બળતા પર આધારિત હોય. એવો માનવી સુવિખ્યાત અને સંપન્ન હોવો જોઈએ – જેમ કે ઇડિપસ કે થિએસ્ટિસ જેવી વ્યક્તિઓ અથવા એવાં જ કોઈ કુટુમ્બોના યશસ્વી પુરુષો.

સુગ્રથિત વસ્તુ,કેટલાક માને છે તે પ્રમાણે બેવડી પરિણતિવાળું નહિ પણ એકવડી પરિણતિવાળું હોવું જોઈએ. ભાગ્યનું પરિવર્તન અસદ્માંથી સદ્ તરફ નહિ પણ એથી ઊલટું, સદ્માંથી અસદ્ તરફનું હોવું જોઈએ. આ વિનિપાત દુર્ગુણના પરિણામરૂપ નહિ પણ આપણે વર્ણવી ગયા તેવા, અથવા હીનતર નહિ પણ ઉચ્ચતર, ચરિત્રમાંની કોઈ મહાન ભૂલ કે નિર્બળતાના પરિણામરૂપ હોવો જોઈએ. રંગમંચીય પરમ્પરા આપણા દૃષ્ટિબિંદુનું સમર્થન કરે છે. પહેલાં તો કવિઓ જે કોઈ દંતકથા હાથે ચડી તેનું પુનર્કથન કરતા, પણ હવે ઉત્તમ કરુણિકાઓ માત્ર થોડા પરિવારોના કથાનક ઉપર – એલ્સિમીઓન, ઇડિપસ, ઓરેસ્ટિસ, મેલિયેગર, થિએસ્ટિસ, ટેલિફસ અને એવા બીજા જેમણે કશુંક ભયંકર કર્યું કે ભોગવ્યું છે તેવાઓના ભાગ્ય પર – રચાય છે. એટલે,કલાના નિયમો અનુસાર કરુણિકાએ પૂર્ણ બનવું હોય તો તેની રચના આ પ્રમાણેની હોવી જોઈએ. આથી, પોતાનાં મોટાભાગનાં દુ:ખાન્ત નાટકોમાં સિદ્ધાંતનું પાલન કરનાર યુરિપિડિસને જેઓ નિંદે છે તેઓ ભૂલ કરે છે. તે, આપણે કહ્યું છે તે પ્રમાણે, સાચો અંત છે. એની ઉત્તમ સાબિતી એ છે કે જો તખ્તા ઉપર અને નાટ્યહરીફાઈમાં આવાં નાટકો સારી રીતે રજૂ થાય તો અસરની બાબતમાં તેઓ સૌથી વધુ કરુણ હોય છે; અને યુરુપિડિસ, એના વિષયની સામાન્ય યોજનાની બાબતમાં જોકે ભૂલો કરતો હશે તોપણ,કરુણ અસર જન્માવનાર કવિઓમાં તો તે સર્વશ્રેષ્ઠ છે.

કેટલાક લોકો જેને પ્રથમ પંક્તિની ગણાવે છે તેવી કરુણિકા ખરેખર તો બીજા સ્થાને આવે છે. ‘ઓડિસી’ની જેમ,તેમાં વસ્તુનું બેવડું સૂત્ર રહે છે; અને સચ્ચરિત્ર અને દુશ્ચરિત્રને માટે તેમાં વિપરીત વિપત્તિ આવે છે. પ્રેક્ષકોની નબળાઈને કારણે એને ઉત્તમ પ્રકારની ગણવામાં આવે છે. કારણ કે તેમાં કવિ જે લખતો હોય છે તેમાં પ્રેક્ષકસમુદાયની ઇચ્છાને અનુસરતો હોય છે. એમાંથી પ્રાપ્ત થતો આનંદ એ સાચો કરુણનો આનંદ નથી. એ વિનોદિકાને વધુ અંશે સ્પર્શે છે. જેમાં એકબીજાના કટ્ટર શત્રુઓ – જેવા કે ઓરેસ્ટિસ અને એગેસ્થિસ – પણ કોઈને માર્યા વિના કે મર્યા વિના મિત્રો રૂપે રંગમંચ છોડી જતા હોય છે.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.