૧૦. વસ્તુ : સરળ અને સંકુલ

વસ્તુઓ સરળ હોય છે અથવા સંકુલ હોય છે, કારણ કે તેઓ જેમનું અનુકરણ કરે છે તે ક્રિયાઓ વાસ્તવ જીવનમાં દેખીતી રીતે જ આ પ્રકારના ભેદવાળી હોય છે. જે ક્રિયા ઉપર્યુક્ત અર્થમાં ‘એક’ અને સાતત્યવાળી હોય અને જેમાં સ્થિતિવિપર્યય તેમજ અભિજ્ઞાન વિના ભાગ્યપરિવર્તન થતું હોય તેવી ક્રિયાને હું સરળ કહું છું.

જેમાં સ્થિતિવિપર્યય કે અભિજ્ઞાન કે બંને વડે પરિવર્તન સધાય છે તે સંકુલ ક્રિયા છે. સ્થિતિવિપર્યય અને અભિજ્ઞાન વસ્તુના આંતરિક બંધારણમાંથી ઉદ્ભવવાં જોઈએ, જેથી જે પરિણામ નીપજે તે અનિવાર્ય રીતે કે સંભવિત રીતે પુરોગામી ક્રિયાની નીપજ હોય. કોઈ ઘટના ‘આને કારણે’ હોય અથવા ‘આના પછી’ હોય તો તે મૂળભૂત તફાવતની નિદર્શક છે.

License