નોંધ

પ્રકરણ : 1

– કરુણિકા : ટ્રૅજેડીના પર્યાય રૂપે ‘કરુણાન્તિકા’ અને ‘શોકાન્તિકા’ જેવા શબ્દો પ્રચલિત છે. પણ જેનો અંત કરુણ ન હોય એવી કૃતિઓ પણ ટ્રેજેડી હોય છે. એટલે ‘કરુણિકા’ પર્યાય વધુ બંધબેસતો છે.

– રૌદ્રકાવ્ય : Dithyramb ગ્રીસમાં મદ્યના દેવ ડાયોનિસિયસની સ્તુતિમાં ઓજસ્વી ભાષામાં ગવાતું નૃત્યગીત. મોટેભાગે આ વૃંદગીત હતું. એના વિકાસશીલ સ્વરૂપમાં કંડિકાઓ સાથેનું એ સંબોધન ગીત – ode – બન્યું. વાદ્યસંગીતની સહાયથી એ ગવાતું. ગાયકવૃંદનો નાયક કોઈ કોઈ વાર તો પોતે કવિ પણ હોય એવું જોવા મળતું. સમય જતાં એમાં સંવાદનું તત્ત્વ દાખલ થયું. તેથી કેટલાક વિદ્વાનો માને છે કે ગ્રીક નાટકનો ઉદ્ભવ આવાં રૌદ્રકાવ્યોમાંથી થયો હોય. ડ્રાયડનનું ‘Alexander’s Feast’ રૌદ્રકાવ્યના સ્વરૂપનું છે.

– ‘સંવાદ’ : બૂચર અહીં ‘harmony’ શબ્દ અવતરણચિહ્નમાં મૂકે છે. બાયવોટર પણ ‘harmony’ શબ્દ પ્રયોજે છે. કૂપર ‘melody’ અને ટી. એસ. ડોર્શ ‘music’ને પર્યાયો તરીકે ઉપયોગમાં લે છે. ‘harmony’ શબ્દમાં સંવાદિતા અને સૂરમાધુર્ય બંને અર્થચ્છાયાઓ રહેલી છે.

– સોફ્રોન : વિડમ્બનોના લેખક તરીકે વિખ્યાત. એનાં લખાણોમાંથી ત્રુટક ભાગો જ ઉપલબ્ધ છે.

– કસેનારક્સ : સોફ્રોનનો પુત્ર અને વિડમ્બનાત્મક પ્રહસનોનો લેખક. રોમમાં એણે કેટલોક વખત અધ્યાપનકાર્ય કરેલું.

– વિડમ્બન : Mime. ગ્રીકશબ્દ Mimos. પ્રાચીનકાળમાં ઇટલી અને સિસિલીમાં લોકોત્સવ પ્રસંગે રજૂ થતી રચનાઓ. એમાં વિદૂષકવેડાને અવકાશ હતો. આ રચનાઓ ગદ્યમાં હતી તે નોંધપાત્ર છે. આધુનિક mime મૂક કલા છે.

– સોક્રેટિસ : ગ્રીસનો મહાન તત્ત્વવેત્તા. પ્લેટોનો ગુરુ. વક્તવ્યના અસરકારક વાહન રૂપે એણે સંવાદનો ઉપયોગ કર્યો હતો. પાછળથી પ્લેટોએ સોક્રેટિસને એક પાત્ર રૂપે રજૂ કરી સંવાદરીતિ પ્રયોજી. યુવાનોને ગેરરસ્તે દોરવાનો આ મહાન ગુરુ ઉપર આક્ષેપ કરાયેલો અને વિષપાનની સજા તેણે ભોગવેલી.

– લઘુ-ગુરુ-દ્વિમાત્રિક વૃત્ત : iambic. એક લઘુ અને એક ગુરુ શ્રુતિના બનેલા ગણ (અંગ્રેજીમાં foot)ની જેમાં પુનરાવૃત્તિ થાય તે વૃત્ત.

– હોમર : ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’નો રચયિતા વિશ્વવિખ્યાત મહાકવિ.

– એમ્પિડોક્લિસ : સુપ્રસિદ્ધ તત્ત્વવેત્તા અને શાસ્ત્રજ્ઞ. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયો. ગ્રીક લોકશાહીનો એક અગ્રણી ઉદ્ગાતા. એટના જ્વાળામુખી પર એનું મૃત્યુ થયેલું. મિલ્ટનના ‘પૅરૅડાઇઝ લોસ્ટ’માં અને મેરેડિથના ‘એમ્પિડોક્લિસ’માં આ ઘટનાના ઉલ્લેખો છે. મૅથ્યૂ આર્નોલ્ડે ‘એમ્પિડોક્લિસ અને એટના’ નામની કૃતિમાં કહ્યું છે કે આત્મહત્યા માટે જ એ જ્વાળામુખી પર ચઢ્યો હતો.

– કેરેમોન : ઈ. સ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગયો. કરુણિકાઓનો સર્જક અને વિખ્યાત શિલ્પી.

– સંગીતકાવ્ય : Nomic Poetry. એરિસ્ટોટલના સમયમાં આ કાવ્યસ્વરૂપ રૌદ્રકાવ્યથી બહુ ભિન્ન નહોતું. એક બાબતમાં એ જુદું હતું – રૌદ્રકાવ્ય કંડિકાઓમાં વહેંચાયેલું રહેતું, જ્યારે આ કાવ્યરૂપમાં સળંગ પંક્તિરચના રહેતી. એના વિકાસશીલ સ્વરૂપમાં તે તંતુવાદ્ય સાથે એકાદ વ્યક્તિ વડે ગવાતું, મોટેભાગે એપોલોની સ્તુતિ રૂપે.

પ્રકરણ : 2

– પોલિગ્નોતસ: ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયેલો વિખ્યાત ચિત્રકાર. એથેન્સના એકદરવાજા ઉપર એણે ટ્રોયના યુદ્ધનાં સુંદર ચિત્રો કર્યાં હતાં.

– પાઉસન: સમય ઈ.સ. પૂર્વે 360થી 330. ચિત્રકાર. વિશેષ માહિતી ઉપલબ્ધ નથી.

– ડાયોનિસિયસ: સમય ઈ.સ. પૂર્વે પાંચમી સદી. ગ્રીસનો વિખ્યાત વાસ્તવવાદી ચિત્રકાર.

– ક્લીઓફોન: એથેન્સનો કરુણિકાકાર અને યુરુપિડિસનો સમકાલીન કવિ.

– હેગેમોન : એની ‘જાઈજેન્ટોમેકિયા’ નામની કાવ્યકૃતિ જાણીતી છે. કવિ વિશે માહિતી ઉપલબ્ધ નથી.

– નિકોકારેસ: એક વિનોદિકાકાર. વિશેષ માહિતી ઉપલબ્ધ નથી.

– કાયક્લોપ્સ: ગ્રીક Kyklopes. કાયક્લસ એટલે ચક્ર અને ઓપ્સ એટલે આંખ; દંતકથામાં આવતી ચક્રાક્ષ દૈત્યોની એક જાતિ. એમના મસ્તકના મધ્યમાં એક આંખ હતી. તેઓ માનવીનો સંહાર કરીને તેનું ભક્ષણ કરતા.

– ટિમોથિયસ: ઈ.સ. પૂર્વે 446-357માં થઈ ગયો. વૃંદનૃત્ય માટે ગીતો રચનારો પ્રસિદ્ધ કવિ. મૌલિક નાટ્યકાર. શરૂમાં જનતાનો રોષ વહોર્યો પણ પાછળથી યશ પામ્યો.

– ફિલોક્સેનસ: સિથેરાવાસી પ્રસિદ્ધ સ્તોત્રકાર ઈ.સ. પૂર્વે 435 થી 380માં થઈ ગયો.

પ્રકરણ : 3

– સોફોક્લિસ : એથેન્સનો વિખ્યાત કરુણિકાકાર. કહેવાય છે કે એણે 130 નાટકો રચ્યાં હતાં પણ તેમાંથી માત્ર સાત ઉપલબ્ધ છે. સોફોક્લિસમાં ગ્રીક કરુણિકા એનાં ઉન્નત શૃંગો સર કરે છે. ઈ.સ. પૂર્વે 468ના મધ્યમાં યોજાયેલી એક નાટ્યસ્પર્ધામાં એણે પ્રથમ પુરસ્કાર મેળવ્યો અને એસ્કાઈલસ જેવા મહાન નાટ્યકારનો પરાભવ કર્યો. ‘ઇડિપસ ધ કિંગ’ અને ‘એન્ટિગોન’ એની વિશ્વવિખ્યાત કૃતિઓ છે.,

– એરિસ્ટોફેનસ : એથેન્સનો મહાન વિનોદિકાકાર. સમકાલીન વિખ્યાત વ્યક્તિઓનાં ઉપહાસપાત્રો એણે રજૂ કર્યાં. ‘ધ ક્લાઉડ’, ‘ધ બર્ડ્ઝ’ અને ‘ધ ફોગ્ઝ’ એની વિખ્યાત કૃતિઓ છે.

– એપિકેરમસ : કવિ અને ડોરિયન લોકોમાં પ્રસિદ્ધ વિનોદિકાકાર. એણે વિનોદિકાને નવો વળાંક આપ્યો અને કથાવસ્તુનો સમાવેશ કર્યો.

– ડોરિયન : ગ્રીક ભાષાની ડોરિયન બોલી બોલનાર લોકો.

– મેગેરિયન : ગ્રીસના નગર મેગેરાના રહેવાસીઓ.

– અભિનેતાઓનો બહિષ્કાર : નોંધપાત્ર પાઠભેદ : બૂચર – “being excluded contemptuously from the city.” બાયવોટર – “lack of appreciation keeping them out of the city.”

– ‘ડ્રાન’ : ‘ડ્રામા’ શબ્દ ક્રિયાપદ ‘ડ્રાન’ પરથી આવ્યો છે. ‘ડ્રાન’ એટલે ‘કરવું’. જુઓ ડોર્શ : “The word ‘drama’ means literally ‘a thing done’.”

પ્રકરણ : 4

– એસ્કાઈલસ : એથેન્સનો પ્રસિદ્ધ કરુણિકાકાર. જન્મ ઈ.સ. પૂર્વે 525 લગભગ. ઈ.સ. પૂર્વે 484ની નાટ્યસ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો; અને ઈ.સ. પૂર્વે 468ની સ્પર્ધામાં સોફોક્લિસથી હાર પામીને એથેન્સ છોડીને ચાલ્યો ગયો. એને કરુણિકાનો જનક કહેવામાં આવે છે. એણે સિત્તેર કરુણિકાઓ રચી હોવાના ઉલ્લેખો મળે છે, પણ માત્ર સાત કૃતિઓ જ ઉપલબ્ધ છે.

– ગુરુ–લઘુ–ક્રમયુક્ત દ્વિમાત્રિક ચતુષ્પદી: Trochaic Tetrametre. જે footમાં ગુરુ–લઘુનો ક્રમ રહે છે તેને ટ્રોકી કહેવામાં આવે છે. ટેટ્રામીટર એટલે ચતુષ્પદી વૃત્ત.

પ્રકરણ : 5

– આરકોન : પ્રાચીન ગ્રીસમાં નગરપતિ ‘આરકોન’ નામે ઓળખાતો. લોકોત્સવોમાં નાટ્યાભિનય માટેની અનુજ્ઞા તેના તરફથી મળતી.

– ક્રેટિસ : ઈ.સ. પૂર્વે 470માં થઈ ગયો. પ્રસિદ્ધ વિનોદિકાકાર. વિનોદિકાને વ્યક્તિગત ઉપહાસમાંથી ઊંચે ઉઠાવીને તેમાં તેણે જીવાતા જીવનના રંગો પૂર્યા. સોફોક્લિસનો સમકાલીન કવિ.

પ્રકરણ : 6

વિરેચન : Catharsis. એનો બીજો પર્યાય ‘વિશોધન’ પણ એટલો જ જાણીતો છે. કૅથાસિર્સ વૈદકીય પરિભાષાનો શબ્દ હોવાથી ‘વિરેચન’ એ અર્થમાં પણ બંધ બેસે છે.

ઝેયુક્સીસ : ઈ.સ. પૂર્વે 468ની લગભગ થઈ ગયેલો સિસિલીનો વિખ્યાત ચિત્રકાર.

પ્રકરણ : 8

હેરાક્લીસ : હર્ક્યુલીસ. હોમર કહે છે કે તે દેવ ઝિયુસનો ઔરસ પુત્ર હતો. વીર પુરુષ.

ઓડિસી : ઓડિસિયસ અથવા યુલિસિસની જીવનકથા આલેખતું હોમરનું મહાકાવ્ય.

પ્રકરણ : 9

હિરોડોટસ : ઈ.સ. પૂર્વે પાંચમી સદીનો વિખ્યાત ગ્રીક ઇતિહાસકાર. પશ્ચિમી ઇતિહાસનો જનક ગણાય છે. રાજકારણી બાબતમાં એને સ્વદેશ છોડીને નાસી જવું પડ્યું હતું. એશિયા માઈનોર, ઇજિપ્ત, કોકેશસ, આફ્રિકા વગેરે પ્રદેશોમાં દૂર દૂર ભટકીને એણે ઘણી માહિતી એકઠી કરી હતી. ઈ.સ. પૂર્વે 445 લગભગ એણે એથેન્સમાં ઇતિહાસનું જાહેરમાં વાચન કર્યું હતું, જે પ્રસંગે એને ખૂબ કીતિર્ અપાવી હતી.

પાર્નેસસ : ગ્રીસનો એક પર્વત. નેપ્ચ્યુનના પુત્રના નામે એનું નામકરણ થયું હતું.

એલ્કિબિયાડીસ : એથેન્સનો સુંદર, બુદ્ધિશાળી અને ધનિક પુરુષ, જેણે ભોગવિલાસમાં જંદિગી પૂરી કરી હતી.

એગેથોન : ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયેલો એથેન્સનો વિખ્યાત કરુણિકાકાર.

આર્ગોસ : ગ્રીસનું પ્રાચીન નગર.

પ્રકરણ : 10

– સ્થિતિવિપર્યય : મૂળ ગ્રીક શબ્દ Peripeteia. બૂચરનો અનુવાદ : Reversal of the situation. બાયવોટર ‘Peripety’ શબ્દપ્રયોગ કરે છે. માર્ગોલિથ Irony of Fate સૂચવે છે જ્યારે હમ્ફ્રી હાઉસ ‘Reversal of Intention’ પ્રયોજે છે.

– અભિજ્ઞાન : Recognition. મૂળ ગ્રીક શબ્દ Anagnorisis.

પ્રકરણ : 11

– ઇડિપસ : ગ્રીસના સુપ્રસિદ્ધ પુરાણકથાનકનો નાયક. ઇડિપસના પિતાને કોઈ ભવિષ્યવેત્તાએ જણાવ્યું હતું કે તમારો પુત્ર તમારી હત્યા કરશે. આથી પિતાએ ઇડિપસને મારી નાખવાની આજ્ઞા કરી. પણ એક ભરવાડે એને બચાવી લીધો. મોટો થતાં એણે અજાણતાં પિતાની હત્યા કરી, પિતાની રાજગાદી લીધી અને માતા સાથે લગ્ન કર્યું. જ્યારે એને વસ્તુસ્થિતિની જાણ થઈ ત્યારે એણે પોતાની આંખો ફોડી નાખી અને નગરત્યાગ કર્યો. એની માતા જોકાસ્તાએ આત્મહત્યા કરી. આ કથાનક પર આધારિત સોફોક્લિસનું નાટક ‘Oedipus the King’ ખૂબ જાણીતું છે અને આ ગ્રંથમાં એના વારંવાર ઉલ્લેખો આવે છે. આધુનિક સમયમાં ઝ્યાં કોક્તોએ આ કથાનકનો આધાર લઈને નાટક લખ્યું છે. ફ્રોઇડની ‘ઇડિપસ ગ્રંથિ’ આ કથાનકનો નિર્દેશ કરે છે.

– લિન્સીયસ : થિયોડિક્ટસની કૃતિ. તેનો નાયક લિન્સીયસ પોતાની વેધક દૃષ્ટિને માટે જાણીતો હતો. ડેનૌસનો જમાઈ.

– ડેનૌસ : રોડ્સના રાજાને પદચ્યુત કરીને રાજા બન્યો હતો. એના રાજ્યારોહણના સમાચાર સાંભળ એના પચાસ ભત્રીજા એને મળવા આવ્યા ત્યારે એણે પોતાની પચાસ પુત્રીઓને એમની સાથે પરણાવી દીધી; અને પુત્રીઓને આજ્ઞા કરી કે લગ્નની પહેલી રાતે જ એમણે એમના પતિઓની હત્યા કરવી. આનું કારણ એ હતું કે ડેનૌસનો જમાઈ એનું ખૂન કરશે એવી ભવિષ્યવાણી કોઈએ ભાખી હતી. બધી પુત્રીઓએ આજ્ઞાનું પાલન કર્યું પણ એકે ન કર્યું. એનો પતિ લિન્સીયસ ઊગરી ગયો. એને મારવાનો પ્રયત્ન ડેનૌસે કરી જોયો પણ એમાં એ ફાવ્યો નહિ અને પરિણામ વિપરીત આવ્યું.

– ઇફિજેનિયા : એગેમેમ્નોન અને ક્લિટેમિનેસ્ટ્રાની પુત્રી અને ઓરેસ્ટિસની બહેન. ટ્રોયના યુદ્ધને માટે એગેમેમ્નોન જતો હતો ત્યારે રસ્તામાં પ્રતિકૂળ પવનને કારણે એના કાફલાને એઉલીસમાં રોકાવું પડ્યું. એ વખતે એને કહેવામાં આવ્યું કે જો પોતે પોતાની પુત્રીનું બલિદાન આપશે તો દેવીનો પ્રકોપ શાંત થશે. એગેમેમ્નોને નછૂટકે શપથ લીધા. જ્યારે બલિદાન દેવાનું થયું ત્યારે ઇફેજનિયાએ એક સુંદર હરિણીનું રૂપ લીધું. દેવીને એની દયા આવી અને તે એને પોતાની સાથે લઈ ગઈ. એસ્કાઈલસ અને સોફોક્લિસે આ કથાવસ્તુ પર આધારિત નાટકો રચ્યાં છે.

– ઓરેસ્ટિસ : એગેમેમ્નોન અને ક્લિટેમિનેસ્ટ્રાનો પુત્ર. ઇફિજેનિયાનો ભાઈ. ક્લિટેમિનેસ્ટ્રા અને એગેસ્થિસે એગેમેમ્નોનની હત્યા કરી. મોટો થયા પછી ઓરેસ્ટિસે એનો બદલો લીધો.

પ્રકરણ : 12

– એનેપિસ્ટ : ગ્રીક પંગિળમાં આવતો એક ગણ જેમાં લઘુ-ગુરુ-ગુરુનો ક્રમ રહે છે.

પ્રકરણ : 13

– ભૂલ કે નિર્બળતા : Error or Frailty. ગ્રીક શબ્દ : Hamartia. બાયવોટરનો અનુવાદ : Error of Judgement. F. L. Lucas અહીં ‘Tragic Error’ શબ્દપ્રયોગ કરે છે.

– થિએસ્ટિસ : પોતાના ભાઈ એટ્રિયસની પત્ની ઈથ્રા સાથે એને આડો સંબંધ હતો. એટલે એટ્રિયસે એને પોતાને ત્યાં જમવા બોલાવ્યો અને એના જ પુત્રોનું માંસ ભોજનમાં પીરસ્યું. થિએસ્ટિસે એટ્રિયસને શાપ આપ્યો.

– એલ્સિમીઓન : એમ્ફીઅરૌસ અને એરિફાઈલનો પુત્ર. એક હારની લાલચે એરિફાઈલે પોતાના પતિને યુદ્ધમાં મોકલવાની હઠ કરી. એમ્ફીઅરૌસને ખાતરી હતી કે પોતે યુદ્ધમાંથી જીવતો પાછો નહિ ફરે. એણે પોતાના પુત્રને એની માતાની હત્યા કરવાની આજ્ઞા કરી. એટલે એલ્સિમીઓને એરિફાઈલની હત્યા કરી. કરુણતા તો એ છે કે એલ્સિમીઓનની પત્નીએ પણ તે જ હાર મેળવવાની ઇચ્છા કરી અને એ રીતે એ હાર એલ્સિમીઓનના મૃત્યુનું કારણ બન્યો!

– મેલિયેગર : મહાન યોદ્ધો. એટ્રોપોસે કહ્યું હતું કે એક કાષ્ઠવિશેષ અગ્નિમાં બળે છે. જ્યાં સુધી તે બળી નહિ રહે ત્યાં સુધી મેલિયેગર જીવતો રહેશે. આ સાંભળીને તેની માતાએ તે કાષ્ઠને સંતાડી દીધું. પણ એવું બન્યું કે મેલિયેગરે કોઈ કારણવશાત્ પોતાના મામાઓની હત્યા કરી ત્યારે માતા એલેથિયાને ખૂબ લાગી આવ્યું અને એણે કાષ્ઠને બાળી નાખ્યું. આ રીતે મેલિયેગરનું મરણ થયું.

– ટેલિફસ : હરક્યુલસનો પુત્ર.

– યુરિપિડિસ : જન્મ ઈ.સ. પૂર્વે 480માં. સુવિખ્યાત કરુણિકાકાર. મલ્લવિદ્યા, તત્ત્વજ્ઞાન અને વક્તૃત્વકલામાં પ્રવીણ. એણે લગભગ 90 નાટકો લખ્યાં હતાં. ‘મીડિયા’ એની વિખ્યાત કરુણિકા છે. એણે નાટકમાં જીવંત પાત્રો આપ્યાં અને એમનું માનવીકરણ – humanization – કર્યું.

પ્રકરણ : 14

– મીડિયા : કોલકેસના રાજાની પુત્રી. તે જેસન સાથે પ્રેમમાં હતી. જ્યારે બંને કોરીન્થ આવ્યાં ત્યારે જેસન રાજકુમારીના પ્રેમમાં પડ્યો, અને મીડિયાનો એણે ત્યાગ કર્યો. આ આઘાતના બદલા રૂપે મીડિયાએ પોતાના બંને પુત્રો અને રાજકુમારીની હત્યા કરી. તેણે થેસિયસના પિતા સાથે લગ્ન કર્યું. યુરિપિડિસની વિખ્યાત કરુણિકા ‘મીડિયા’નું આ મુખ્ય પાત્ર છે.

– એસ્ટિડેમસ : એણે 240 કરુણિકાઓ રચી હતી, જેમાંથી 15 ઇનામી નીવડી હતી.

– ‘જખ્મી ઓડિસિયસ’ : ‘The Wounded Odyaseus.’ સોફોક્લિસનું એક અનુપલબ્ધ નાટક.

– ટેલેગોનસ : ઓડિસિયસનો પુત્ર. તે પિતાને મળવા માટે ઈથાકા આવતો હતો પણ વહાણ ભાંગી જવાથી વચ્ચે જ રહી ગયો. ત્યાં એણે તોફાન આદર્યું. ઓડિસિયસ એને પકડવા આવ્યો. ત્યાં અજાણતાં જ ટેલેગોનસે પિતાની હત્યા કરી.

– એન્ટિગોન : સોફોક્લિસની વિખ્યાત કરુણિકા. એની નાયિકા એન્ટિગોન ઇડિપસ અને જોકારતાની પુત્રી. રાજા ક્રિઓનની આજ્ઞા વિરુદ્ધ એણે એના ભાઈની દફનક્રિયા કરી હતી. એટલે ક્રિયાઓને એને દેહાંતની શિક્ષા કરી. ક્રિઓનનો પુત્ર હેઈમોન એની પાછળ મરણ પામ્યો. હેઈમોન એન્ટિગોનનો પ્રિયતમ હતો.

– ક્રેસ્ફોન્ટિસ : યુરુપિડિસનું એક અનુપલબ્ધ નાટક. મેરોપી ક્રેસ્ફોન્ટિસની પત્ની હતી. ક્રેસ્ફોન્ટિસ અને તેના બે પુત્રો વિદ્રોહમાં માર્યા ગયા હતા. તેના ત્રીજા પુત્રે તેનો બદલો લીધો હતો.

– હેલે : એથેમસ અને નેફેલીની પુત્રી. ‘હેલે’નો રચયિતા અજ્ઞાત છે.

પ્રકરણ : 15

– મેનેલિયસ : ટ્રોયના યુદ્ધમાં કારણભૂત બનેલી સૌંદર્યરાજ્ઞી હેલનનો પતિ, સ્પાર્ટાનો રાજા અને એગેમેમ્નોનનો ભાઈ.

– સ્કાયલા : એક પરી. સમુદ્રદેવતા ગ્લૌકસ પણ એના પ્રેમમાં હતો. ઈર્ષ્યાને કારણે કોઈએ જાદુથી એને ખડકમાં પરિવતિર્ત કરી નાખી.

– મેલાનીપી : નેપ્ચ્યુનથી એને બે પુત્રો થયા હતા. આ કારણે એના પિતાએ ગુસ્સે થઈને એની બંને આંખો કાઢી લીધી હતી અને તેને કેદ કરી હતી. પછીથી પુત્રોએ તેને છોડાવી અને નેપ્ચ્યુનને તેને દૃષ્ટિ આપી.

– એઉલિસ : ટ્રોય પર હુમલો કરતાં પહેલાં ગ્રીક કાફલો જ્યાં થોભ્યો હતો તે સ્થળ.

– એકિલિસ : ટ્રોયના યુદ્ધમાં એક મુખ્ય ગ્રીક યોદ્ધો.

પ્રકરણ : 16

– કાસિર્નસ : મેસિડોનમાં રાજા ફિલિપના સમયમાં થઈ ગયેલો કરુણિકાકાર. એની કૃતિઓ ઉપલબ્ધ નથી.

– ટાયરો : સોફોક્લિસની અનુપલબ્ધ કૃતિ. એની નાયિકા ટાયરો પાસાયડોનની પુત્રી હતી.

– ટેરેઅસ : એણે એથેન્સના રાજાની કુંવરી પ્રોગ્ની સાથે લગ્ન કર્યું હતું. એણે ફિલોમિલા પર બળાત્કાર કર્યો હતો. ફિલોમિલા પ્રોગ્ની સાથે વાત ન કરે તે માટે એણે ફિલોમિલાની જીભ કાપી નાખી હતી. પણ ફિલોમિલાએ કાપડ પર ભરતકામ કરીને પ્રોગ્નીને જાણ કરી હતી. આથી એરિસ્ટોટલ ‘ભરતકામની ભાષા’નો ઉલ્લેખ કરે છે. બૂચર અને બાયવોટરના અનુવાદમાં ‘The voice of the shuttle’ એમ હોવાથી મેં ‘સાળવીના કાંઠલાનો અવાજ’ એવો અનુવાદ કર્યો છે.

– ડાયસીઓજીનીસ : ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં થઈ ગયેલો એક કરુણિકાકાર.

– કોઈફોરી : એગેમેમ્નોન, ક્લિટેમિનેસ્ટ્રા અને ઓરેસ્ટિસની કથા પર આધારિત એસ્કાઈલસની સુપ્રસિદ્ધ કરુણિકાત્રયી.

– પોલાઈડસ : ગ્રીક કરુણિકાકાર. માહિતી ઉપલબ્ધ નથી.

– થિઓડિક્ટસ : ગ્રીક નાટકકાર. એણે 40 કરિણિકાઓ લખી હતી.

– ફિનેડેઈ : યુરુપિડિસની એક અનુપલબ્ધ કૃતિ.

પ્રકરણ : 17

– કારનીસસ : મેસિડોનિયામાં રાજા ફિલિપના સમયમાં થઈ ગયેલો કરુણિકાકાર.

– એમ્ફિઅરૌસ : એડેરસ્તુસનો બનેવી. એડેરસ્તુસ થીબીસના રહેવાસીઓની વિરુદ્ધ આરગાઈવ લશ્કરનો અગ્રણી હતો. એમ્ફિઅરૌસ આ લડાઈમાં ભાગ લેવા ઇચ્છતો ન હોવાથી છુપાઈ ગયો હતો. પરંતુ એની પત્ની એરિફ્યુલેએ પોલ્યુનિકસના પ્રેમમાં પડીને પોતાના પતિની માહિતી આપી દીધી. થીબીસથી આલગાઈવ સૈનિકો પાછા ફર્યા ત્યારે એમ્ફિઅરૌસ અને તેનો રથ પૃથ્વીમાં સમાઈ ગયા.

– પોસેઈડોન : સમુદ્ર પર સત્તા ચલાવનાર એક દેવ. ગ્રીક પુરાણકથા અનુસાર ઝિયુસનો નાનો ભાઈ અને કેરોનોસનો પુત્ર. એપોલોની સાથે મળીને ટ્રોયની દીવાલની રચના એણે કરી હતી. ટ્રોયવાસીઓનો તે શત્રુ હતો.

પ્રકરણ : 18

– એજેક્સ: સેલેમીસના રાજાનો પુત્ર. પરાક્રમી યોદ્ધો. ટ્રોયના યુદ્ધમાં વિજયનું શ્રેય પોતાના પરાક્રમને ન મળતાં ઓડિસિયસની મુત્સદ્દીગીરીને મળ્યું એમ લાગતાં એને ક્રોધ ચડ્યો અને એણે આત્મહત્યા કરી એવી એક કથા પ્રચલિત છે.

– ઇક્સીઓને: એણે દિઆ સાથે લગ્ન કર્યું હતું. જ્યારે તેનો પિતા વધૂનું મૂલ્ય માગવા આવ્યો ત્યારે એણે કપટ કરીને તેને ભડભડતા અગ્નિકુંડમાં ડુબાડી દીધો. જ્યારે લોકોએ આ પાપમાંથી તેને મુક્ત કરવાનો ઇન્કાર કર્યો ત્યારે તે દેવ ઝિયુસને શરણે ગયો. ઝિયુસે એને મુક્ત કર્યો, પણ ત્યાં એણે ઝિયુસની પત્ની સાથે વ્યભિચાર કરવાનો પ્રયત્ન કર્યો તેથી તેને પાતાળમાં મોકલી દેવામાં આવ્યો અને સળગતા સ્તંભ સાથે એને બાંધી દેવામાં આવ્યો.

– ‘પ્થિઓડિટસ’ : આ અનુપલબ્ધ નાટક સોફોક્લિસનું હોવું જોઈએ એવો ફાઈફનો મત છે.

– ‘પેલેઅસ’ : સોફોક્લિસ અને યુરિપિડિસ બંનેએ આ નામનાં નાટક લખેલાં છે. પેલેઅસ ઈકસનો પુત્ર હતો, કોઈ દોષવશાત્ તે ઈઓલકોસ ચાલ્યો ગયો. ત્યાં રાજા ઈકેસ્તસે એને દોષમુક્ત ઠરાવ્યો. ઈકેસ્તસની રાણી પેલેસના પ્રેમમાં પડી. પણ પછીથી કોઈ કારણસર ક્રોધિત થઈને એણે એને રાજાના હાથમાં સોંપી દીધો. રાજાએ હંસિક પશુઓ દ્વારા એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બચી ગયો. અંતમાં એને જલપરી થિતેસની સાથે પ્રેમ થયો અને તે બંનેના સંયોગથી એકિલિસનો જન્મ થયો.

– ‘ફોરસિડિસ’ : એક અનુપલબ્ધ નાટક. ‘ફોરસિસ’ એક સમુદ્રદેવની નાવનું નામ છે. નાટકમાં તે દેવની કથા આવતી હોવી જોઈએ.

– પ્રોમેથિયસ : અહીં જે કૃતિનો ઉલ્લેખ છે તે એસ્કાઈલસની નહિ, પણ કોઈ અજ્ઞાત કર્તાની હોવી જોઈએ. કૃતિ કે કર્તા વિશે કોઈ માહિતી મળતી નથી. એસ્કાઈલસે પોતાના ‘પ્રોમેથિયસ બાઉન્ડ’ નાટકમાં પ્રોમેથિયસના જીવનનું ઉદાત્ત ચિત્રણ કર્યું છે. તે ત્યુતેન અને ક્લેમેનનો પુત્ર હતો. એણે માટીમાંથી માનવી બનાવ્યા. જ્યારે ઝિયુસે એને અગ્નિ આપવાની ના પાડી ત્યારે તે સ્વર્ગમાંથી અગ્નિ લઈ આવ્યો હતો. શેલીએ ‘પ્રોમેથિયસ અન્બાઉન્ડ’ની રચના કરી છે.

– હેડેસ: ગ્રીક લોકોનું પાતાળ.

– નિયોબી: થીબીસના રાજા એમ્ફિઓનની પત્ની. એને સાત દીકરા અને સાત દીકરીઓ હતાં. એનો એને એટલો ગર્વ હતો કે એપોલોની માતા લીતો કરતાં પણ પોતાને શ્રેષ્ઠ સમજવા લાગી. આથી ક્રોધિત થઈને લીતોએ પુત્ર એપોલો અને પુત્રી અરતેમિસ દ્વારા નિયોબીનાં બધા સંતાનોને મારી નાખ્યાં. નિયોબીએ એટલો શોક કર્યો કે એનું પાષાણમૂતિર્માં પરિવર્તન થઈ ગયું.

– સિસિફસ : કોરિન્થનો રાજા. ધૂર્તતા માટે જાણીતો હતો.

પ્રકરણ : 19

– પ્રોટાગોરસ : ગ્રીક તત્ત્વવેત્તા. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયો. એણે ઈશ્વરી સત્તાનો ઇન્કાર કર્યો હતો; અને કહ્યું હતું કે બધું જ્ઞાન માનવસાપેક્ષ છે. આને કારણે એનો ગ્રંથ એક સભામાં બાળી મૂકવામાં આવ્યો અને એને દેશનિકાલ કરવામાં આવ્યો.

પ્રકરણ : 20

– વાક્ય અથવા વાક્યાંશ : મૂળ ગ્રીક શબ્દ – logos. બૂચર – a sentence or a phrase. બાયવોટર – speech. બાયવોટર કહે છે : ‘A logos, in Aristotle’s sense of the term, does not necessarily involve predication.’

– ‘માનવીની વ્યાખ્યા’ – મૂળ ગ્રીક વ્યાખ્યાનું ટ્વીનિંગે કરેલું ભાષાન્તર આ પ્રમાણે છે : ‘A terrestrial animal with two feet.’ આમાં ક્રિયાપદ નથી.

પ્રકરણ : 21

– એરિસ : ગ્રીકોનો યુદ્ધદેવતા.

પ્રકરણ : 22

– સ્થેનેલસ : આ કવિ વિશે કોઈ માહિતી મળતી નથી. એક ગ્રીક કરુણિકાકાર કહીને ફાઈફ તેને ઓળખાવે છે.

– યુક્લિઇડિસ : ગ્રીક ફિલસૂફીમાં મેગેરિઅન પંથની સ્થાપના કરનાર એક ફિલસૂફ. તે સોક્રેટિસનો શિષ્ય હતો.

– એરિફ્રેડિસ : માહિતી ઉપલબ્ધ નથી.

પ્રકરણ : 24

ઇલેક્ટ્રા : સોફોક્લિસની કૃતિ : ‘ઇલેક્ટ્રા’માં એક વૃદ્ધ શિક્ષક પિથીઅન રમત – રથસ્પર્ધા–માં ઓરેસ્ટિસના મૃત્યુનું ખોટું પણ હૃદયસ્પર્શી વર્ણન કરે છે. આ વર્ણન ખોટું છે. ઓરેસ્ટિસના સમયમાં પિથીઅન રથસ્પર્ધાનું અસ્તિત્વ જ નહોતું.

– મિસીઅન્સ : એસ્કાઈલસની કૃતિ હોવાનો ફાઈફનો મત છે.

– હેક્ટર : ‘ઇલિયડ’માં પ્રાયમના પુત્રોમાંનો એક અને ઉત્તમ યોદ્ધો. એકિલિસે એનો વધ કર્યો હતો.

પ્રકરણ : 25

– કેસેનોફેનસ : ઈ.સ. પૂર્વે 6ઠ્ઠી સદીમાં થઈ ગયો. એણે Polytheism અને Anthropomorphism જેવા ગ્રીક પરમ્પરાયુક્ત ધામિર્ક સંપ્રદાયો પર પ્રહારો કર્યા હતા.

1. ‘ઇલિયડ’માં ડાયોમ્ડ અને તેના મિત્રોનાં શસ્ત્રોનું વર્ણન. કૂપરનો અનુવાદ: ‘Their spears were driven into the ground, erect upon the spikes of the butts.’ ઇલિયડ, સર્ગ 10 (152)

2. અહીં ખૂબ મહત્ત્વનો પાઠભેદ છે. બૂચર જ્યાં ‘કાવ્યાત્મક રીતે’ કહે છે ત્યાં બાયવોટર ‘નૈતિક રીતે’ કહે છે. કૂપર મોઘમ અનુવાદ આપે છે.

બૂચર : Again, in examining whether what has been said or done by some one is poetically right or not, we must not look merely to the Particular act or saying, and ask whether it is poetically good or bad.

બાયવોટર : As for the question whether something said or done in a poem is morally right or not…

કૂપર : As for the question whether something said or done by someone in a poem is proper or not…

પોટ્સ : In making moral judgements of a speech or action…

ડોર્શ : In deciding whether something that has been said or done is morally good or bad…

3. ‘ઇલિયડ’ સર્ગ – 2, (1-2) દસમા સર્ગમાં પણ આનો ઉલ્લેખ છે.

4. ‘ઇલિયડ’ સર્ગ 18. (489) ‘she that alone has no share in the baths of the Ocean.’ Great Bear – મહાવરાહ–નો અહીં ઉલ્લેખ છે.

5. પ્રથમ પંક્તિ ‘ઇલિયડ’ સર્ગ – 2 (15) માંથી; બીજી સર્ગ – 23 (328) માંથી. થેસોસના હિપ્પીઆસ વિશે કોઈ માહિતી મળતી નથી.

6. બૂચરનો અનુવાદ : Of a sudden things became mortal that before had learnt to be immortal, and things unmixed, before mixed.

આમાં વાક્યના ઉત્તરાર્ધમાં આવતા શબ્દ ‘before’ની આગળ અલ્પવિરામ મૂકવું કે પછી તે પ્રશ્ન છે. વિરામચિહ્નના મૂકવા પર અર્થ બદલાવાની શક્યતા છે.

7. ‘ઇલિયડ’ સર્ગ – 10 (252) અહીં Pleoના બે અર્થ છે : (1) ના કરતાં વધારે; અને (2) પૂર્ણ.

– ગ્યેનિમીડ : દેવેન્દ્ર ઝિયુસને અમૃત પાનારો સેવક.

8. ઇલિયડ સર્ગ – 20 (272)

– ગ્લાઉકોન : આ વિવેચક વિશે કોઈ માહિતી મળતી નથી.

– ઇકેરિયસ : ટેલેમેક્સનો પિતા.

– ઝેયુક્સીસ : અદ્ભુત સ્ત્રીસૌંદર્યનાં ચિત્રો કરનારો કલાકાર.

9. જુઓ ‘મીડિયા.’

પ્રકરણ : 26

1. અગત્યનો પાઠભેદ :

બૂચર : If the more refined art is the higher, and the more refined in every case is that which appeals to the better sort of audience, the art which imitates anthing and everything is manifestly most unrefined.

બાયવોટર : It may be argued that, if the less vulgar is the higher, and the less vulgar is always that which addresses the better public an art addressing any and everyone is of a very vulgar order.

ડોર્શ : If the better form is the less vulgar, and the less vulgar is always that which is designed to appeal to the better type of audience, then it is obvious that the form that appeals to everybody is extremely vulgar.

પોટ્સ : If the less popular art is the better, and if by less popular, you mean ‘appealing to a higher-class public,’ It is all too clear that an art that imitates everything is popular.

બાયવોટરના અનુવાદ માટે પોટ્સ નોંધે છે : “but this involves an emendation, and is less in accord with the next sentence.”

2. સ્ત્રીપાત્રો પુરુષો ભજવતા હશે, એવો તર્ક આના ઉપરથી કરી શકાય.


License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.