સંક્ષુબ્ધ સમયમાં સર્જકનું કર્તવ્ય

અત્યારે પ્રવર્તી રહેલા વિક્ષોભકર સંજોગોમાં સર્જકોનો ધર્મ શો? કેટલાક એમ માને છે કે શબ્દશક્તિનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી જો ઇષ્ટ પરિણામો લાવી શકાતાં હોય તો સર્જકે તેમ અવશ્ય કરવું જોઈએ; તો કેટલાક એમ માને છે કે વાતાવરણ ક્ષુબ્ધ હોય ત્યારે આપણી ભાષા પર પણ એની અસર પહોંચે છે. શબ્દોને નફરતનો પાસ બેસે છે, રાજપુરુષોની ધૂર્તતા અને વિચક્ષણતા શબ્દમાં રહેલી મૂળભૂત સન્દિગ્ધતાનો ગેરલાભ ઉઠાવવા માટે તત્પર બને છે. જેમ ચેપી રોગથી આપણે બચીને ચાલીએ છીએ તેમ આવા અનિષ્ટકર ચેપનો ભોગ બનેલી ભાષાથી તત્કાળ – પૂરતા દૂર રહેવું, મૌન સેવવું, ભાષાનો બહિષ્કાર જ આવી પરિસ્થિતિમાં સમર્થ શસ્ત્ર બની રહે.

આ બંને વિકલ્પોના પક્ષમાં અને વિરોધમાં ઘણું કહી શકાય. સર્જકને પ્રાપ્ય શબ્દશક્તિનો ઉપયોગ પૂર્વનિર્ણીત હેતુને સિદ્ધ કરવા માટે થાય તો આપમેળે જ એમાં આના કે તેના પ્રચારનું અસાહિત્યિક તત્ત્વ ભળે, સાહિત્યકાર પક્ષકાર બને, સર્જન ઝુંબેશ બને. એ બેધારી તલવાર છે, એનો બંને રીતે ઉપયોગ થઈ શકે. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે ઇસુ ખ્રિસ્તે આપેલા દસે દસ આદેશોનો ભંગ કર્યો હતો તે સચોટ રીતે બતાવી આપવા ટોમસ માન અને બીજા પ્રખ્યાત સર્જકોએ દસ વાર્તાઓ લખીને એનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. એમાંની કોઈ વાર્તાની, એના લેખકની નોંધપાત્ર વાર્તા તરીકે, ગણના થઈ નથી, બીજી વાત એ કે એ દસ આદેશોમાંના બધાનો નહીં તો થોડાનો સામા પક્ષે પણ ભંગ કર્યો હતો.

સર્જક મૌન સેવે તો એને એની કાયરતા જ ગણી લેવામાં આવે. એને કારણે ઘણી વાર સમાજ તરફથી એને સહન કરવાનું પણ આવે. વળી શબ્દો દુરુપયોગથી કે દુષ્ટ આશયથી કલુષિત થતા હોય ત્યારે, એઝરા પાઉંડે કહ્યું હતું તેમ, એમને શુદ્ધ રાખવા માટે સર્જકે તો સવિશેષ પ્રવૃત્ત થવું જોઈએ એમ નહીં કહેવાય? ઘણી વાર મૌન સમ્મતિસૂચક લેખાતું હોય છે, આજના આપણા સમાજમાં ધીમે ધીમે એક મોટો વર્ગ ઉદાસીન બનીને મૂંગો રહેતો થઈ જ ચૂક્યો છે. આ silent majority પોતાને જ પક્ષે છે એમ ગણી લેવાનું રાજપુરુષોને માટે સગવડભર્યું બની રહે છે. સર્જક જો નિષ્ક્રિય રહે તો આવી ગેરસમજ ફેલાવવામાં ઊલટાનો એ સક્રિય બની રહ્યો હોય છે. વિરોધના કે વિદ્રોહના સાહિત્યમાં બધું તત્કાલ પૂરતું અને પ્રચારલક્ષી જ હોય છે એવું નહીં કહી શકાય.

પ્રખ્યાત ચિન્તક અને સાહિત્યવિવેચક જ્યોર્જ સ્ટાઇનરે આ મુદ્દો એમના પુસ્તક ‘ધ લેન્ગ્વેજ ઓવ્ સાયલેન્સ’માંના ‘સાયલેન્સ એન્ડ ધ પોએટ’ નિબન્ધમાં ચર્ચ્યો છે. એનો ઉત્તર પક્ષ અમેરિકી કવિ હેયડેન કેરુથે ‘હડસન રિવ્યુ’ (26-3)માં ‘ફેલસિઝ ઓવ્ સાયલેન્સ’ શીર્ષકથી રજૂ કર્યો છે. આપણા આજના સન્દર્ભમાં આ ચર્ચા આપણામાંના ઘણાને આ દિશામાં વિચાર કરવા પ્રેરશે.

ભાષા, સાહિત્ય અને સમસામયિક ઇતિહાસ આ ત્રણનો સમ્બન્ધ ઘણી વાર ખતરનાક નીવડે એવો હોય છે. આગળ નોંધ્યું છે તેમ હિટલરનું વર્ચસ્ અને એનો કરુણ અન્ત – આ વચ્ચેના ગાળામાં જર્મનીમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. અમાનુષી અત્યાચારનાં નરકો ઊભાં કરનારાંઓ જર્મન સાહિત્યમાં સર્જાયેલાં ઉદાત્ત માનવતાવાદી સાહિત્ય પ્રત્યે શી રીતે અનુરાગ અને ભક્તિ ટકાવી રાખી શક્યા હશે? આપણે ત્યાં પણ જુદી જુદી રાજકીય છાવણીઓમાંના લોકો હિન્દુ ધર્મની કે ગાંધીજીની કે આપણાં ઉત્તમ દાર્શનિક અને સર્જનાત્મક સાહિત્યની મદદ લેતાં દેખાય છે. આથી પ્રજા એમના કાર્યને સમ્મતિની મહોર મારી આપે એવી એમની ગણતરી પણ હોય છે. ઠંડે કલેજે દિવસને છેડે કેટલાયને મરણશરણ કરનાર હત્યારાઓ શી રીતે એમની ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકારોની કૃતિઓનો ફુરસદના વખતમાં આસ્વાદ કરતા હશે? નાઝી અફસરો એ ગાળામાં ગોઈથે, હાઇન જેવા શ્રેષ્ઠ કવિઓની રચનાઓ માણવાનો દાવો કરતા. પણ બીજે જ દિવસે એ ગોઇથે અને હાઇને વાપરેલી ભાષાનો જ ઉપયોગ નિર્દોષ બાળકો અને એમનાં માતાપિતાને ભયંકર યાતનાઓ ગુજારીને મરણશરણ કરવા માટેના આદેશો ઘડી કાઢવા માટે કરતા. આવી દુનિયામાં કવિઓ અને સર્જકોની શી અવદશા થાય? કવિઓની જવાબદારીનું શું? એની કળાની શી અવદશા થાય? માનવતાવાદી એવા એમના જીવન પ્રત્યેના અભિગમની આ ક્રૂર મશ્કરી શી રીતે નિવારી શકાય? આવો ગણતરીપૂર્વકનો દુરુપયોગ થતો હોય ત્યારે ભાષાની પણ કેવી અવદશા થાય? શબ્દનું જે મૂળ મૂલ્ય છે, એ દ્વારા પ્રકટ થતા અર્થની સાર્થકતામાં આપણી જે શ્રદ્ધા છે, તેની પણ શી દશા થાય?

આ પ્રશ્નો આપણને જ વિક્ષુબ્ધ કરી નાંખે એવા છે. ઘણાએ તો આવી પરિસ્થિતિમાં રહેલાં હતાશા, અપરાધબુદ્ધિ અને લજ્જાસ્પદતાનો અસહાયભાવે સ્વીકાર કરી લીધો છે. સ્ટાઇનરનો નિબન્ધ આ કે તે વિશિષ્ટ પરિસ્થિતિના અનુલક્ષમાં જોવાનો નથી. એ કંઈક સામાન્ય સ્વરૂપનો, અનેક પ્રકારના તર્કવિતર્કથી ભરેલો વિતણ્ડાવાળો, પણ ઉત્કટ નિષ્ઠાથી લખાયો હોય એવો લાગે છે. એમાં થોડીક અવિશદતા રહી ગયેલી દેખાય છે, થોડી વાચાળતાની માત્રા પણ છે. માનવતાવાદી દૃષ્ટિકોણની એમાં સ્વીકૃતિ છે; તો એની સાથે સાથે એમાં કરડાકીભર્યા વાગાડમ્બરનું તત્ત્વ પણ પ્રવેશી ગયું છે, એથી ખૂબ ઉત્કટતાથી અનુભવેલાં છતાં ચર્ચાસ્પદ એવાં વિધાનો સબળતાથી રજૂ થઈ શકશે એવી એમની સમજ લાગે છે. સાહિત્યિક તત્ત્વચર્ચાના નિબન્ધ રૂપે જો એને લેખીએ તો એની ગમ્ભીરતાપૂર્વક વિચારણા થવી ઘટે.

કાવ્યની વ્યાખ્યા આપવી એ નિષ્ફળ જવા સર્જાયેલું દુસ્સાહસ છે. આપણી ચર્ચા માટે તત્પૂરતી કામચલાઉ વ્યાખ્યા આપીએ તો કાવ્ય એ માનવસંવેદનોનું વાઙ્મય રૂપ છે. એના સ્વરૂપમાં અન્તર્ગત ત્રણ પ્રકારનાં અતિક્રમણો (transcendence) પ્રત્યેનાં વલણો રહ્યાં હોય છે. આ ત્રણ વલણો એકબીજાથી વિરુદ્ધ એવાં નથી. એક વલણ શબ્દમાંથી પ્રકાશ તરફ થતાં અતિક્રમણનું છે, બીજું શબ્દમાંથી સંગીત તરફ થતાં અતિક્રમણનું છે અને ત્રીજું શબ્દમાંથી નિ:શબ્દતા તરફ થતાં અતિક્રમણનું છે. આ અતિક્રમણ એટલે ઇન્દ્રિયપ્રત્યક્ષોના એક સ્તર પરથી બીજા સ્તર તરફ થતું ઉન્નયન. એ માત્ર ઇન્દ્રિયવ્યત્યય નથી. એમાં ધ્વનિ શ્રાવ્ય મટીને દૃષ્ટિગોચર કે સ્પર્શક્ષમ બને એટલું જ નથી; ભાષામાં એક નવા જ પ્રકારનું લવચીકપણું (plasticity) આવે એટલું જ નથી. એમાં બહારથી ભીતરના પ્રકાશ તરફ, ઇન્દ્રિયગોચરતાથી જ સાવ ઊફરા જવાનું વલણ રહ્યું હોય છે, એ એક પ્રકારનો અતિ-ભૌતિક અનુભવ બની રહે છે.

ગીતામાં ભગવાન અર્જુનને આવી જ એક અતિ-ભૌતિક વાસ્તવિકતાનો ચાક્ષુષ પ્રત્યક્ષ કરાવવાને ‘દિવ્યં દદામિ તે ચક્ષુ’કહીને વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ આપે છે. દાન્તે પણ ‘ડિવાઇન કોમેડી’માં વધારે પરિષ્કૃત અને શુદ્ધ(sincere) એવાં ચક્ષુની અભિલાષા સેવે છે. જો એવી દૃષ્ટિ પ્રાપ્ત થાય તો જ જે સ્વયં સત્યરૂપ છે એવા દિવ્ય જ્યોતિનાં એને દર્શન થઈ શકે. ભૌતિકતાનાં પડળ એની આંખ પરથી ઊતરી જાય છે. પછીથી એ સ્થિર અને તીવ્ર દૃષ્ટિથી તન્મય બનીને એ જ્યોતિનાં દર્શન કરે છે. આ દર્શન ચક્ષુથી નહીં પણ મનશ્ચક્ષુથી થયાં છે. આ મનશ્ચક્ષુને અવાન્તરિત દૃષ્ટિને જે મર્યાદા નડે છે તે નડતી નથી. એમાં અન્તરાયરહિત નરી પ્રત્યક્ષતા છે. એમાં ધૂંધળી દૃષ્ટિનો રઝળપાટ નથી, એ દૃષ્ટિ સ્થિત અને નિર્ગતિ છે. એ ઇન્દ્રિયાતીત છે. એ કશા પૂર્વ સંકલ્પથી નિયન્ત્રિત નથી, આથી એ મહાકાવ્યના અન્તિમ સર્ગમાં દાન્તેએ વિજય ગાયો છે. અહીં વાણી વાણીને અતિક્રમીને સાર્થક બને છે.

સ્ટાઇનરે શબ્દના સંગીત તરફ થતાં અતિક્રમણની વાત કરી છે. પણ એને વાસ્તવમાં અતિક્રમણ કહી શકાશે ખરું? અહીં આપણે એક બીજા જ પરિમાણમાં પ્રવેશીએ છીએ અને થોડી અસંગતિ વહોરી લઈએ છીએ. ખરું જોતાં આ પ્રક્રિયા એ અતિક્રમણની પ્રક્રિયા નથી પણ પરિવર્તનની પ્રક્રિયા છે. પશ્ચિમમાં કેટલાક કવિઓએ ભાષાને શુદ્ધ ધ્વનિ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. સંગીત જાણે અભિવ્યક્તિની ઊંચી કક્ષા હોય એવી કેટલીક કવિઓની માન્યતા લાગે છે.

આ સન્દર્ભમાં બીજા બે મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. સંગતિ તરફનું આ અતિક્રમણ તે ઇન્દ્રિયથી ઇન્દ્રિયાતીત તરફનું અતિક્રમણ નથી; એ તો માત્ર એક ઇન્દ્રિયના પરિમાણમાંથી બીજી ઇન્દ્રિયના પરિમાણમાં જવા જેવું જ છે. એ ઇન્દ્રિયવ્યત્યય માત્ર છે, એમાં શબ્દમાંથી સૂર તરફ ગતિ થાય છે. પણ ઇન્દ્રિયોની ભૂમિકા પર રહીને જ આ ગતિ થાય છે. વળી આ સંગીત તે ભાષાકીય સંગીત છે. અને એ રીતે એ કવિની ભાષાકીય સંપત્તિ છે, એ સંગીતકારોની સંપત્તિ નથી. આને સમાન્તર એવી ગતિ સંગીતની પરમ્પરામાં પણ છે. એમાં સૂર શબ્દ તરફ ગતિ કરે છે; એમાં ધ્વનિનું સંયોજન એવી રીતે કરવામાં આવે છે કે જેથી એમાંથી ધ્વન્યાતીત(ultrasonic) એવો અર્થ નિષ્પન્ન થાય. આમ અભિવ્યક્તિની આ બંને રીતિઓ એકબીજાની દિશામાં ગતિ કરે છે અને એ રીતે પોતાને ઉલ્લંઘી જવા મથે છે, આમ છતાં એમાં એકનું બીજા તરફ થતું આરોહણ, ઉન્નયન કે અતિક્રમણ નથી. આ એક સમથળ (horizontal) ગતિ છે, બંને વચ્ચે સમાન એવી જે ઇન્દ્રિયોની ભૂમિકા છે તેનાથી ઉપર ઊઠવાની એમાં કોઈ પ્રવૃત્તિ નથી. આ બે પૈકીની કોઈ પ્રવૃત્તિ આ ઇન્દ્રિયાનુભવથી પર એવા કોઈ બીજા વિશ્વમાં જઈ શકતી નથી, કારણ કે માધ્યમ પોતે જ જો વક્તવ્ય નથી તો પછી એ એક ઇન્દ્રિયગોચર એવો પદાર્થ છે. ભાષા જ્યાં ભાંગી પડે છે એવી સ્થિતિ વિશે કહેવા માટે દાન્તેને (નહીં ભાંગી પડે એવી) ભાષાનો જ આશ્રય લેવાનો રહે છે.

ત્રીજું અતિક્રમણ તે શબ્દનું નિ:શબ્દતા તરફનું અતિક્રમણ છે. સ્ટાઇનર આ પરત્વે બે દૃષ્ટાન્તો રજૂ કરે છે. હોલ્ડરલીન કવિતામાંથી ઉન્માદને કારણે આવેલી નિ:શબ્દતામાં સરી પડ્યો અને રેંબો કવિતામાંથી છટકીને ક્રિયાશીલ જીવન તરફ ભાગ્યો. હોલ્ડરલીનની નિ:શબ્દતા તે પાગલખાનાની નિ:શબ્દતા છે, રેંબો કવિતાથી દૂર નાસી છૂટ્યો તેનું કારણ કવિતા પ્રત્યે ઊપજેલો અણગમો હતો. એવો અણગમો આપણામાંના સૌ કોઈને કોઈ ને કોઈ વાર થઈ આવે છે. શેલી અને વાલેરી જેવા જુદી જુદી પ્રકૃતિ તથા જુદી જુદી કક્ષાના બે કવિઓની વિચારણામાં અને લાગણીમાં આ નિ:શબ્દતાએ શો ભાગ ભજવ્યો છે તે સ્ટાઇનરે દર્શાવ્યું છે પણ નિ:શબ્દતા પણ અનેક પ્રકારની હોઈ શકે છે. સ્ટાઇનરે આ પ્રકારો વચ્ચે વિવેક કરી બતાવ્યો નથી. વિસ્મયથી અભિભૂત થઈને અવાચક બની જઈએ અને હાર સ્વીકારીને મૌન સેવીએ એ બે વચ્ચે ભેદ કરવો જોઈએ. કવિતામાં જે નિ:શબ્દતાનો નિર્દેશ થાય છે તેનાથી આ બંને પ્રકારો સાવ ભિન્ન છૈ. એ વાસ્તવમાં તો નિ:શબ્દતા નથી જ. કાવ્યમાં પ્રયોજાયેલી રચનારીતિનો એ એક અનિવાર્ય અંશ હોય છે. એ પણ એક પ્રકારની શબ્દની લીલા જ છે. કવિઓ શબ્દોની વચ્ચે વિરામ યોજે છે. છાપેલી કવિતામાં એ અમુક ચિહ્નોથી દર્શાવી શકાય છે. સંગીતમાં પેહન કેઇજ જેવા સંયોજકો વચ્ચે વચ્ચે આવી નીરવતાનો ઉપયોગ કરે છે, કાવ્યમાં છન્દોરચનામાં આવાં યતિસ્થાનો તો અંગરૂપ જ લેખાય છે. હેન્રી મૂરના શિલ્પસમૂહની વચ્ચે રહેતા અવકાશની યોજના પણ આ સ્વરૂપની જ છે. આમ આ તો એક આયોજનરીતિનું અંગ જ ગણાય. અનુભૂતિને મૂર્ત કરવામાં એ સમર્પક બને છે.

આમ અહીં અતિક્રમણ અને વ્યત્યય પરત્વે તેમ જ બે વિબિન્ન પ્રકારના અનુભવો પરત્વે ગૂંચવણ ઊભી થઈ હોય એવું લાગે છે. તેવી જ રીતે કાવ્યનાં સાધન અને સાધ્ય બાબતમાં પણ થોડી ગૂંચ રહેલી લાગે છે; અનુભવ અને એના પ્રતિરૂપ પરત્વે આવી જ ગૂંચ રહી ગઈ છે. ઇન્દ્રિયોને ઉલ્લંઘી જતા, અન્તરાયહીન એવા, અનુભવની ક્ષણો નથી આવતી એમ નહીં. એને બુદ્ધિથી સમજાવવાના કૃતક પ્રયત્નો કરતી વેળાએ આપણે ‘ક્રાન્તદૃષ્ટિ’ કે ‘સહજસ્ફુરણ’ જેવી સંજ્ઞાઓનો વિનિયોગ કરીએ છીએ અથવા તો આપણે એનો આત્મલક્ષી એવો પરિચય રૂપકની પરિભાષા પ્રયોજીને આપી છૂટીએ છીએ. એને આપણે દિવ્ય જ્યોતિ કહીએ, નક્ષત્રગ્રહોનું સંગીત કહીએ, અનન્તનાં મર્મસ્થાને રહેલી નિ:સ્તબ્ધતા કહીએ, આમ એમાં પ્રકાશ, સંગીત અને નિ:શબ્દતા જેવી સંજ્ઞાઓને જ ખેંચી લાવીએ. આ અનુભવમાં આપણે સાચા અર્થમાં અતિક્રમણ થતું વર્ણવીએ છીએ, આપણે આપણને પોતાને ઉલ્લંઘી જઈને ગતિ કરતા હોઈએ એવું લાગે, આ એક અસાધારણ સ્વરૂપની રસાનુભૂતિ બની રહે. એમાં સામાન્યપણે કેન્દ્રસ્થાને રહેતી ઇન્દ્રિયોની ભૂમિકાથી આપણે પર થઈએ. નિ:શબ્દતાના અનુભવ પરત્વે તો આ સવિશેષે સાચું છે. આ વાત કૃતક નિ:શબ્દતાની નહીં પણ સાચી નિ:શબ્દતાની છે. ભાષા આ ભૌતિક વિશ્વમાંની આપણી બૌદ્ધિક ઉપસ્થિતિની દ્યોતક છે. આ નિ:શબ્દતા વર્ણવતાં ભાષા પોતે ભાંગી પડીને નિ:શબ્દતામાં ઓગળી જાય છે. આવી નિ:શબ્દતામાં ઇન્દ્રિયો પણ અન્તરાયરૂપ બનતી હોતી નથી. કોઈ મરમીને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે કે કોઈ પ્રકૃતિવાદીને વૈશ્વિક પ્રસારમાં લય પામવાનો અનુભવ થાય ત્યારે આવું કંઈક થતું હશે. આને બીજે અન્તિમે એક જુદા જ પ્રકારની ‘નિ:શબ્દતા’ છે. જૂઠાણું જ ઉચ્ચારતા રાજપુરુષો કે વેપારીઓ કે સંસ્કૃતિમાં ન્યૂનતમ અંશોને એકવિધ લાગતા સ્વરૂપમાં જ સાચવી શકનાર ટોળાંઓ ભાષાનો ક્રમશ: હ્રાસ કરતાં રહેતાં હોય ત્યારે કવિને આ ધીમે ધીમે અર્થહીન બનતી જતી ભાષાની અધોગતિનો સામનો કરવાનો આવે; આ પરિસ્થિતિથી એ ખેદ અનુભવે અને એને પરિણામે એને પોતાની ભાષા પણ હ્રાસોન્મુખ થતી જતી લાગે; આથી એની કલ્પના પણ કુણ્ઠિત થઈ જાય ત્યારે એ આ પ્રકારની નિ:શબ્દતાનો અનુભવ કરે. આ પણ વાસ્તવિક એવી નિ:શબ્દતા છે કારણ કે એ કવિના પરાજયમાંથી ઉદ્ભવે છે, એ શૂન્યતાની નીપજ છે.

વિરુદ્ધ અન્તિમોએ રહેલી આ બે પ્રકારની નિ:શબ્દતાની આપણે વાત કરી. એ પૈકીની એક ઇન્દ્રિયાતીત અને ઈશ્વરદત્ત છે તો બીજી સેતાને બક્ષેલી છે. આ બંને કવિતાના છેલ્લા સીમાડા છે, કવિતાની ચારે બાજુ આમ તો નિ:શબ્દતા જ છવાયેલી છે. એટલું જ નહીં, કવિતાનું રૂપ જ નિ:શબ્દતાની પડછે ઊપસતું હોય છે. પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા, અપૂર્વ અનુભૂતિઓને મૂર્ત કરવા, કવિતા હંમેશાં આ સીમાડા સુધી પહોંચી જવા મથ્યા કરતી હોય છે. કવિ પોતાની આવી અપૂર્વ અનુભૂતિને પોતાના નવા શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવા મથે છે. ત્યારે કોઈ અનુભવ કે કોઈ શબ્દ નર્યો અપૂર્વ કે નવો હોઈ શકતો નથી એ હકીકત પ્રત્યે પણ એ દુર્લક્ષ કરે છે. સ્ટાઇનર કહે છે કે આ કવિતા દુસ્સાહસનું દૃષ્ટાંત છે. અવ્યકતના ક્ષેત્રે પણ કવિએ દૈવી અભિનિવેશથી કરેલું આક્રમણ છે; એ એક રીતે શબ્દશક્તિ પરનું જ આક્રમણ ગણાય; જેમાં સર્વ અર્થ સમાહિત છે એવી દૈવી નિ:શબ્દતા પરનું જ આ આક્રમણ ગણાય. કવિ આ અપરાધ શા માટે કરે છે? એને એવી આશા હોય છે કે એના આ કૃત્યથી એ માનવભાષામાં નવું ઓજસ્ લાવી શકશે; જો એ ઓજસ્ પ્રાપ્ત ન થાય તો જાણે શાપિત થઈને એ અવાચક બની જાય છે.

સ્ટાઇનરનું આ દૃષ્ટિબિન્દુ પૌરાણિક, રોમેન્ટિક અને દૈવવાદી લાગે છે. રહસ્યમય લક્ષ્યની પ્રાપ્તિની વાત કરીએ ત્યારે કદાચ આમ જ બને. પણ સદ્ભાગ્યે જ્યારે સાધ્ય કરતાં સાધનની શોધની પ્રવૃત્તિ ચાલતી હોય છે ત્યારે કવિતા જાણે પછી પોતાના કેન્દ્રમાં સ્થિર થતી લાગે છે, ત્યારે એ વિશે આપણે વધુ તર્કસંગત લાગે એવી રીતે વાત કરતા હોઈએ છીએ. અભિવ્યક્તિના વ્યાપક પ્રદેશમાં એ ફરી પ્રતિષ્ઠિત થાય છે. ઇન્દ્રિયો પોતાને ઉલ્લંઘી જઈ શકે નહીં, નિ:શબ્દતાને તોડ્યા વિના નિ:શબ્દતાની વાત થઈ શકે નહીં. સરમુખત્યારશાહી ચાલતી હોય છે તેવા દેશોમાં સર્જકની શી દશા થાય છે તે તો આપણે હમણાં જ સોલ્ઝેનિત્શિનની હદપારીના દૃષ્ટાન્તથી જાણ્યું. આ પહેલાંય કેટલાય સર્જકોને શાસકોએ ખતમ કર્યાના દાખલા છે. લોકશાહીમાં પણ જ્યાં અમુક વ્યક્તિનું કે અમુક જૂથનું વર્ચસ્ હોય છે ત્યાં સર્જકો પર બહુ પ્રગટ નહીં એવાં અનેક પ્રકારનાં સૂક્ષ્મ નિયન્ત્રણો લાદવામાં આવતાં હોય છે. દરેક સમાજનો વગ ધરાવનારો વર્ગ (establishment) પોતાને અનુકૂળ નહીં હોય એવી સર્જનાત્મક પ્રવૃત્તિને અનેક રીતે રૂંધતો જ હોય છે. પોતાની જેમાં સમ્મતિ છે તેવી જ પ્રવૃત્તિને એ ઉત્તેજન આપે છે, ઘણી વાર કૃતક નૈતિક પ્રશ્નો ઊભા કરીને સમાજને કેટલાક સર્જકોની સામે આ વર્ગ ઉશ્કેરતો હોય છે. વિદ્યાસંસ્થાઓ પર પણ આવા વર્ગનું પ્રભુત્વ હોય છે ત્યારે પરિસ્થિતિ વધારે ખતરનાક નીવડે છે. આવી પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની શક્તિ આપણે ત્યાં હજી ઝાઝી કેળવાઈ નથી.

આપખુદ વલણોને કારણે સમાજમાં કહેવાતી શિષ્ટસમ્મત ભાષા ઊભી થાય છે. એનું ક્ષેત્ર વધુ ને વધુ સંકુચિત થતું જાય છે. પ્રચલિત શબ્દોના સંકેતોને એ ભારે ધૂર્તતાથી ફેરવે છે; પછી એ સંકેતો જ એના સાચા સંકેતો છે એવો એ દુરાગ્રહ રાખે છે, પોતાના બદલાતા આચાર અનુસાર એ ભાષામાં ઠરડમરડ કર્યા કરે છે. દુર્ભાગ્યે આપણા સમયમાં સર્જકોને આનો અનુભવ ઘણુંખરું થયા જ કરતો હોય છે. દુ:ખની વાત એ છે કે અનેક પ્રકારની ધામધમકીથી, દબાણોથી, પ્રલોભનોથી સર્જનશક્તિની ક્ષમતા ધરાવનારા ઘણાને આવો સમાજ લહિયા અને ભાટચારણ બનાવી દે છે. આ ભયંકર સ્વરૂપની સાંસ્કૃતિક હાનિની કોઈ ઝાઝી નોંધ પણ લેતું નથી.

આ ઉપરાંત ભાષા પરનું બીજું આક્રમણ અખબારો અને જાહેરખબરની સંસ્થાઓ તરફથી થતું હોય છે. બળાત્કાર, હત્યા જેવા પ્રસંગોને અખબારો રોચક સામગ્રીમાં ફેરવી નાખે છે. આપણા અનુભવોની અને આપણી વચ્ચે અખબારી શબ્દાળુતા એક એવું આવરણ ઊભું કરી દે છે જેને પરિણામે ધીમે ધીમે આપણી સંવેદના બુઠ્ઠી થતી જાય છે. જાહેરખબરોમાં વસ્ત વસ્તુ વચ્ચેના વિવેકની તુલા જળવાતી નથી. વિશ્વને કેટલીક ઉપયોગી કે મોજશોખની વસ્તુઓ પૂરતું હ્રસ્વ કરી નાખવામાં આવે છે. રવીન્દ્રનાથ જેવા કવિની કાવ્યપંક્તિઓનો, અજન્તા ઇલોરાની કળાકૃતિઓનો, ઉત્તમ સ્થાપત્યોનો, દેવદેવીઓનો તુચ્છ વસ્તુનાં ગુણકીર્તન માટે ઉપયોગ કરવામાં આવે છે. ‘શ્રેષ્ઠ’ જેવા શબ્દો સાથે બિનજવાબદારીભરી રમત રમવામાં આવે છે. જાહેરખબરોમાં ખંતથી આપણાં મન સામે અમુક વાતને ધર્યા કરવાનો પ્રયત્ન હોય છે. આને પરિણામે ઘણી બધી મનમાં સ્થાન આપવા જેવી, વિચારવા જેવી, વાતોને સ્થાન મળતું ઓછું થઈ જાય છે. આપણા મૂલ્યબોધની એમાં ભયંકર વિડમ્બના થતી હોય છે. આમ આપણે સડેલા શબ્દોના ઉકરડામાં ઉંદરની જેમ રહેતા થઈ જઈએ છીએ. એમાંથી ઊગરી ગયેલા થોડા શબ્દખણ્ડોને ચોરીછૂપીથી સંઘરીને સાચવવાના રહે છે. પણ ધીમે ધીમે આપણી આ પ્રવૃત્તિનો ઇલાકો સાંકડો ને સાંકડો થતો જાય છે. જીવતી ભાષા ધીમે ધીમે આપણી નજર આગળ હ્રસ્વ ને હ્રસ્વ થતી જાય છે, આવી પરિસ્થિતિમાં સર્જકોએ શું કરવું? સ્ટાઇનર એવી ભલામણ કરે છે કે આવી પરિસ્થિતિમાં સર્જકોએ લખવાનું ઓછું કરી નાખવું. એની પાસે જે કાંઈ શુદ્ધ શબ્દો બચ્ચા હોય તેને પોતાને મન જે મહાન માનવીય મૂલ્યોને પ્રકટ કરનારા પ્રસંગો હોય તેનાં નિરૂપણ માટે સાચવી રાખવા. આથી પણ વધારે ઉગ્ર પરિસ્થિતિ ઊભી થાય, સરમુખત્યારશાહીએ સમગ્ર ભાષાને ભ્રષ્ટ કરી નાખી હોય, (કારણ કે એવી કોઈ બર્બરતા નથી જેનું પ્રથમ વિભાવન ભાષા દ્વારા નહીં થયું હોય) ત્યારે સર્જકે બિલકુલ લખવું જ નહીં ત્યારે તો મૌન જ શ્રેષ્ઠ લેખાય.

સ્ટાઇનરનાં વલણમાં પૌરાણિક દૈવવાદ છે, ધૂંધળી રહસ્યમયતા છે, સાધન અને સાધ્ય વચ્ચેની ગૂંચ છે; અતિક્રમણ અને વ્યત્યય કે પરિવર્તન વચ્ચેના વિવેકનો અભાવ છે; અતિ-ભૌતિક અને ઇન્દ્રિયગોચર એવી અભિવ્યક્તિની રીતિઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો નથી; વિસ્મયજન્ય નિ:શબ્દતા અને પરાજયજન્ય નિ:શબ્દતા વચ્ચેનો વિવેક કરી શકાયો નથી; વળી આવી નિ:શબ્દતા એ શૈલીતત્ત્વ પણ હોઈ શકે તે પણ સ્પષ્ટ રીતે કહેવાયું નથી. આને કારણે અસંગતિ ઊભી થાય છે એવું હેયડેન કેરુથે કહ્યું છે તે સાચું લાગે છે.

જે સાચા પ્રકારની નિ:શબ્દતા છે તે સામાજિક કે રાજકીય સાધન શી રીતે બની શકે? શૈલીગત નિ:શબ્દતા તો એક સાધન છે અને એ લેખે બીજાં સાધનોની જેમ એની ઉપયોગિતા ચર્ચી શકાય. એનો ઉપયોગ કરનાર કોઈ કવિ થોથવાતો તોતડાતો ને મન્દપ્રાણ લાગે તો વળી કોઈ કવિ આવી નિ:શબ્દતા વડે પોતાનાં મૂળભૂત સ્થાપત્યને દૃઢ આધાર આપતો હોય એવું પણ બને. આમ શી રીતે અને શા માટે બને છે તેની પૃથક્કરણપૂર્વકની તર્કસંગત ચર્ચા શક્ય છે.

આ નિશબ્દતાનો જો આ તબક્કે સ્વીકાર કરીએ તો એને શી રીતે ઘટાવીશું? એ આપણે સ્વીકારેલ કોઈ સિદ્ધાન્તનું પરિણામ છે? એ કોઈ અવિકૃત એવું સાધન છે? આત્મગૌરવ જાળવવાને માટે સેવેલું મૌન છે? સમાજને ભ્રષ્ટ અને દૂષિત કરનારાં તત્ત્વોથી અલિપ્ત રહેવા માટે સ્વેચ્છાએ અખત્યાર કરેલી નીતિ છે?

વોરસોની અત્યાચાર છાવણીઓમાં રહેનારા યહુદીઓએ યાતના સહેતાં સહેતાં પણ લખવાનું ચાલુ રાખ્યું હતું. એ લખાણ વેદનાને કારણે ડહોળું નહોતું બન્યું. એમાં કળાકારની પ્રામાણિકતા અને દક્ષતા હતી. આ બધું વિનાશોન્મુખ અવસ્થામાં લખાયું હતું. આવા સાહિત્યની તો સ્ટાઇનરે પણ પ્રશંસા કરી છે. સ્ટાઇનરે માનવ અનુભવનાં બે અન્તિમો (ભૌતિક અને અતિ-ભૌતિક) વચ્ચે અહીં ગોટાળો ઊભો કર્યો છે, આ ગોટાળામાંથી એણે કવિવ્યવહાર માટેનાં સૂત્રો તારવી આપવાનો પ્રયત્ન કર્યો છે. આવું કરી શકાય નહીં. આને પરિણામે કવિની નિ:શબ્દતા પર એ આધ્યાત્મિક સ્વરૂપની નિ:શબ્દતામાંથી સિદ્ધ થતાં મૂલ્યોનું આરોપણ કરે છે. આથી જાણે શબ્દો દ્વારા નિ:શબ્દ રહેવાનો એણે કવિઓને આદેશ દીધો હોય એવું લાગે છે. આવો ગોટાળો ખતરનાક છે. એથી કવિના કર્તવ્ય વિશેની આપણી સમૂળગી ભાવનાનું જ ઉન્મૂલન થાય છે એટલું જ નહીં; પણ એથી કવિના એક સામાજિક તરીકેના કર્તવ્ય વિશે પણ ભ્રમણા ઊભી થાય છે; કળા અને વાસ્તવિકતા વચ્ચેના સમ્બન્ધ પરત્વે એ મિથ્યા ભેદો ઊભા કરે છે.

કવિનો પ્રયત્ન મૂલ્યહીન અને અરાજક વિશ્વને સ્થાને શૈલીનું ઋત સ્થાપવાનો છે. આ રીતે જોતાં કળા અને વાસ્તવિકતા કે કળા અને જીવન કે કળા અને જગત વચ્ચે કશો ભેદ નથી. એકની અખણ્ડતા તે જ બીજાની પણ અખણ્ડતા. શબ્દ અને કર્મ ડૂબે તો ભેગાં તરે તો ભેગાં. ભાષાની અધોગતિની ક્ષણે બને તેટલું કરી છૂટવા મથનારા આપણે જ માત્ર સર્જકો નથી. જમાને જમાને કવિ ભાષાની આ અધોગતિ બદલ વિલાપ કરતો આવ્યો છે. પણ આ પહેલાં કવિને પક્ષે નરી નિ:શબ્દતાનું સમર્થન કોઈએ કર્યું છે? કાવ્યના એક ઉત્તમ સાધન લેખે પણ નિ:શબ્દતાની કોઈએ ગંભીરતાથી હિમાયત કરી છે? આપણે શબ્દમય સંસ્કૃતિથી ઘેરાઈને જીવીએ છીએ. એમાં શબ્દનાં માળખાંઓ દિવસે દિવસે નિરુપયોગી થતાં જાય છે, એ ઘસાઈ જાય છે, ભાંગી પડે છે, ભ્રષ્ટ બને છે. સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓ જમાને જમાને પોતે દૂષિત કરેલી ભાષાને બચાવી લેવાને માટે ઘોષણાઓ કર્યા કરતી હોય છે, કવિતાઓનું પણ જેમ જેમ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું જાય છે તેમ તેમ રેઢિયાળપણાં નીચે કચડાતી જાય છે, એમાં શૈલીગત યાન્ત્રિક પુનરાવર્તનો વધતાં જાય છે. તેથી કોઈએ એમ કહ્યું ખરું કે કાવ્યપ્રવૃત્તિ બંધ કરો? પ્રલયકાળ છે માટે થંભી જાઓ અને નવો અવતાર થાય ત્યાં સુધી મૌન સેવો એવું કોણે કહ્યું? પ્રલયની અને ત્યાર પછીના નવા અવતારની ઘોષણા પણ શબ્દ સિવાય શેનાથી કરશો?

કાવ્ય ક્રમશ: એના કેન્દ્ર તરફ ગતિ કરતું રહે છે. એમાંથી જ ભાષાને પોષનારો રસ સ્રવતો રહે છે, એ રીતે જ એ નવીન બને છે, પ્રગતિ કરે છે. અનુભૂતિના ક્ષેત્રમાંથી એ અરાજકતા અને વિદ્રોહ લઈને, ઘટનાઓની પ્રાકૃતતા લઈને આવે છે. પછી એને નિયન્ત્રિત કરનાર, એનું વિભાવન કરનાર એવી ભાષાકીય અભિવ્યક્તિની મૂર્ત, પાયાની અને શાશ્વત એવી રીતિઓ દ્વારા એને આકાર આપે છે. ભાષાનું આ કર્તવ્ય છે, શબ્દના દુરુપયોગને સુધારવો હોય તો શું કરવું? તો એને સાચી રીતે વાપરી બતાવવો આથી વધુ સારું સર્જન વધારે ને વધારે થવું જોઈએ એવો આગ્રહ રાખવો એ જ શું વધુ ઇષ્ટ નથી?

કારાગારની યાતનામાંથી કે મરણશિબિરોમાંથી સારવેલો એકે એક શબ્દ માનવજાતિની મોંઘી સંપત્તિ છે. માનવતાની કસોટી, એ આવી આત્યન્તિક પરિસ્થિતિમાં શબ્દોની પસંદગી શી રીતે કરે છે તેને આધારે થાય છે. ચિત્કાર નહીં, કણસવું નહીં, પણ સાવધાનીથી પસંદ કરેલા શબ્દો, યથાસ્થાને વપરાતા યોગ્ય શબ્દો, પુનરાવર્તનથી જેને બદલી ન શકાય એવા શબ્દો, જ આપણું ગૌરવ છે.

તો લખો, ઘણું ઉત્તમ લખતા રહો. પ્રામાણિકપણે, કલ્પનાસમૃદ્ધ, સાર્થક ને નિષ્ઠાભર્યું લખતા રહો. શૈલીનો અભ્યાસ વૈયાકરણો અને પણ્ડિતો ભલે કરે.

માર્ચ, 1974

License

અરણ્યરુદન Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.