માર્ક્સવાદ અને અસ્તિત્વવાદ

કૅથોલિકો સાર્ત્ર ભૌતિકવાદી છે એવું કહીને ભાંડે છે તો માર્ક્સવાદીઓ એવું કહે છે કે હજી સાર્ત્રની વિચારણાને તળિયે આદર્શવાદનું પડ બાઝેલું છે. સત્તા(being)ના નિરૂપણમાં રહેલું દીર્ઘસૂત્રીપણું અને બીજાઓની સત્તાની સ્થાપનાની પ્રવૃત્તિ જરા વધારે પડતાં લાગે છે. દીર્ઘકાળ સુધી એકાન્તમાં રહેલી ચેતનાને જ આ સત્યો નવાં લાગે. એન્ગલ્સે કહેલું, ‘બધી ફિલસૂફીઓનો અને વિશેષ કરીને અર્વાચીન ફિલસૂફીનો પાયાનો પ્રશ્ન તે વિચાર અને સત્તા વચ્ચેના સમ્બન્ધનો છે.’

અલબત્ત, માર્ક્સવાદનો એક પ્રકાર એવો છે કે પ્રારમ્ભથી જ પોતાની માંડણી સાર્ત્રે રજૂ કરેલી સમસ્યાથી ઊંચે માંડે છે. એ આન્તરિકતા(interiority)નો સમૂળો નિષેધ કરે છે. એ ચેતનાને જગતના એક અંશ રૂપે પદાર્થના પ્રતિબિમ્બ રૂપે સત્તાની ગૌણ નીપજ રૂપે જુએ છે. મોટામાં મોટા માર્ક્સવાદી ચિન્તકોનું વલણ આ તરફનું છે. જ્યારે એન્ગલ્સ એમ કહે કે ‘વિચારોને પદાર્થોના બૌદ્ધિક પ્રતિબિમ્બોને રૂપે અને વાસ્તવિક દુનિયાની ગતિ રૂપે’ જોવા જોઈએ, જ્યારે એ આપણને વાસ્તવિક દુનિયા અને માનવીના મગજે (જે પોતે આ વાસ્તવિક દુનિયાની જ એક નીપજ છે) ઉપજાવેલા વિચારો વચ્ચેના સાચા સમ્બન્ધની ફરીથી સ્થાપના કરવાનું કહે; જ્યારે લેનિન એમ કહે કે ‘આ જગતનું ચિત્ર તે ભૌતિકતા કેવી રીતે ક્ષય પામે છે અને એ કેવી રીતે વિચારે છે તેનું ચિત્ર છે,’ અથવા તો જ્યારે એ એમ કહે છે કે ‘મગજ એ વિચારને માટેનું કારણ છે’ ત્યારે આપણને એમ લાગે છે કે આવાં સૂત્રો અને દેકાર્તના સૂત્ર ‘હું વિચારું છું માટે છું,’ વચ્ચે કશો સમ્બન્ધ સ્થાપવાનું અશક્યવત્ છે. પણ મોટા ભાગનાં માર્ક્સવાદીઓને મન આ સૂત્રો અપૂરતાં છે. એમાં એમને બધી ઘટનાઓને એક તત્ત્વમાં સારવી આપનારી આધ્યાત્મિક ફિલસૂફીનો અણસાર વરતાય છે. અહીં આ એક તત્ત્વ તે ભૌતિકતા(matter) છે. આ દ્વૈતવાદી ફિલસૂફી નથી જેમાં અનિવાર્યતયા ઘટનાઓનાં જુદાં જુદાં સ્તરો વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધની સમ્ભાવના કરવામાં આવી હોય, ભૌતિક ઘટનાના પાયા પર કેટલાક મૂળભૂત સમ્બન્ધો કે માળખાંઓ રચાતાં હોય છે.

માર્ક્સવાદને નામે જો કોઈ આન્તરિકતા(interiority)ને કે એવી વિભાવનાને સમૂળગી બાકાત રાખવા ઇચ્છે તો પછી ઉપર વર્ણવેલા આધ્યાત્મિક ભૌતિકવાદના અવશિષ્ટના પાયા પર પોતાના પક્ષની માંડણી કરી શકાય નહીં. આ વ્યક્તિરૂપ ચેતનાને નકારવી અને પદાર્થ તથા ઇતિહાસ પર વધારે ભાર મૂકવો એ માટે માર્ક્સવાદમાં એક વધારે ઊંડું કારણ રહેલું છે: આપણી પાસે કશો વિકલ્પ નથી, આપણે બિલકુલ ઇતિહાસની જ નીપજ છીએ અને આ દુનિયામાં કશી બાંહેધરી અપાયા વિના ફેંકાયેલા છીએ એવું એ માને છે. માર્ક્સવાદની દૃષ્ટિએ વ્યક્તિગત ચેતનાને પ્રમાણિત કરવાના જે કાંઈ પ્રયત્ન થાય, તેમ છતાં આન્તરિકતાનો જ થતો ઉલ્લેખ તે આપણા પર બહારથી લાદવામાં આવેલાં નક્કર કાર્યોને ટાળવાનો જ પ્રયત્ન બની રહે છે. બીજી રીતે કહીએ તો આપણે આ જગત સાથે સંડોવાયેલા છીએ. શુદ્ધ માર્ક્સવાદ એમ કહે કે ફિલસૂફી નામે આદર્શવાદ છે તો તે પૂરેપૂરું સુસંગત છે, કારણ કે ફિલસૂફીમાં હંમેશાં ચિન્તનની અપેક્ષા રહે છે. એથી જે વર્તમાન છે, આપણી સમ્મુખ છે તેનાથી પરાઙ્મુખ થવાનું રહે છે. આ જ કારણે ફિલસૂફીને એ લોકો ભાંડે છે. આ એક વિલક્ષણ પ્રકારનો વાસ્તવિકતા જોડેનો અણબનાવ છે, કોઈ મહાન તત્ત્વ તરફ ભાગી છૂટવાની વૃત્તિ છે, આપણી વાસ્તવિક સત્તાનો ઇનકાર છે, ક્રાન્તિ પરત્વેની ભયાતુરતા છે, ભદ્ર લોકોના મનમાં છુપાઈ રહેલી આ અપરાધી હોવાની પાપબુદ્ધિ છે. જે ફિલસૂફ પોતાને શૂન્યત્વ અને સ્વતન્ત્રતાને રૂપે જોઈ શકે છે તે પોતાના સમયની સૈદ્ધાન્તિક ભૂમિકા બાંધી આપે છે. ઇતિહાસના જે તબક્કે માનવીનું અસ્તિત્વ અને એની સારભૂતતા (essence) પરસ્પરથી વિચ્છિન્ન છે, જે તબક્કે માનવી પૂરેપૂરું પોતાપણું પામ્યો નથી હોતો; કારણ કે એ મૂડીવાદે ઊભા કરેલા અનેક વિરોધાભાસોનાં કળણમાં ખૂંપી ગયો હોય છે તે તબક્કાનું એ વૈચારિક વિભાવનાઓમાં રૂપાન્તર કરી આપે છે. આ કે તે વિકલ્પોના અનુમાનમાં રાચતી ફિલસૂફી જે માનવી અને જગતના કોઈ સારભૂત શાશ્વત તત્ત્વને પામવા મથી રહી હોય છે તે ફિલસૂફી આપણી અસ્તિમત્તાનો જે ઇનકાર કરતો રહે છે તેની જ ગવાહી આપે છે. એમાં જગતને બદલવાનો ઇનકાર છે, માનવીય વાસ્તવિકતા જોઈને અવિક્ષુબ્ધ રહેવાનો દમ્ભ છે. આ માનવીય વાસ્તવિકતા તે કોઈ ઠાલી વિભાવના નથી. એ તો કાર્યો દ્વારા ઉત્ક્રાન્ત થતી આવી છે. એ પારિભાષિક સંજ્ઞાઓથી બાંધવામાં આવેલી કોઈ વ્યાખ્યા નથી. આ જગતનું સમ્પૂર્ણ આકલન એ ફિલસૂફી માત્રની પ્રવૃત્તિ છે, અને એ જો સિદ્ધ કરવી હોય તો ઇતિહાસ વિશે ચિન્તન કરવા કરતાં એની જોડે પ્રત્યક્ષ સમ્બન્ધ બાંધવો જરૂરી છે. માર્ક્સે એના એક પ્રખ્યાત સૂત્રમાં કહ્યું છે તેમ ફિલસૂફીની પૂર્ણતા સિદ્ધ કરવાનો એક માત્ર ઉપાય એનો સમૂળગો નાશ કરવો એ જ છે.

માર્ક્સવાદીઓ કહે છે કે કોઈ પણ પ્રકારની reflexive philosophy માનવીના અસ્તિત્વને પોતાના વ્યાપમાં લેવામાં નિષ્ફળ જાય છે કારણ કે એ પોતે જ જગત અને ઇતિહાસથી વેગળા રહેવાનો એક પ્રકાર છે. માર્ક્સે કહ્યું હતું, ‘ફિલસૂફોએ જગતનું અનેક રીતે માત્ર અર્થઘટન કર્યું છે, પણ મુદ્દો તો જગતને બદલવાનો છે.’ ગ્રેબ્રિયેલ માર્સેલ પણ સાર્ત્ર સત્તા અને શૂન્યના જાળામાં પુરાઈ રહ્યા છે એવો આક્ષેપ મૂકે છે. એ એક વિષચક્ર છે, એમાંથી સાર્ત્ર બહાર નીકળી શકતા નથી. એઓ કહે છે, ‘એ વિષચક્રમાં પોતે અસ્તિત્વની હકીકત અથવા એના વિશિષ્ટ પ્રકારના માળખાની મર્યાદાને કારણે પુરાઈ રહ્યા છે એમ કહેવાનો કશો અર્થ નથી. આ હકીકતો અને મર્યાદાઓને અતિક્રમી જઈને એને સ્થાને અન્ય કશાંકની સ્થાપના કરવી એ જ એક પ્રમાણભૂત અતિક્રમણ નથી?’ દ્વૈતાત્મક વિરોધમાંથી બહાર નીકળી આવવા માટે બંને પક્ષો પોતપોતાની રીતે કાર્યને ઇષ્ટ લેખે છે. (અલબત્ત, માર્ક્સનો એવો દાવો નથી કે આવા અતિક્રમણથી આપણે સ્વર્ગમાં સિદ્ધ થઈ ચૂકેલા કશા સંવાદને પામી શકીશું. એ આવા સંવાદને આપણા ભવિષ્યમાં કલ્પે છે, સમયની સીમાની બહાર નહીં). આ બિન્દુએ હેગલના અનુગામીઓ લેખે ક્યિર્કેગાર્દ અને માર્ક્સ ભેગા થઈ જતા લાગે છે. આ હકીકત જ એ દર્શાવે છે કે માર્ક્સવાદીઓએ પોતાનાં સાધ્ય અને સાધન પરત્વે વધુ સ્પષ્ટ થવું જોઈએ. જો એઓ ગુહ્ય સાધનામાં થતાં કાર્યથી કે અમેરિકી વ્યવહારવાદથી પોતે નોખા છે એમ મનાવવા માગતા હોય તો એમણે આટલું તો કરવું જ રહ્યું. આપણે જે છીએ તે જ બની રહેવાનું કહેવું, ઇતિહાસની ગતિના એક ચેતનવંતા અંશરૂપ બની રહેવાનું ઇચ્છવું એ ઠીક છે, પણ ઇતિહાસની આ ગતિ શું છે તે તો હજી આપણે જાણવાનું રહે છે; એને પૂર્ણ કરવા માટે આપણે કોની મદદ પર ઇતબાર રાખવાનો છે તે પણ આપણે જાણતા નથી; આપણે શું કરવાનું છે તેની આપણને ખબર નથી. જે ક્ષણે આ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે તે જ ક્ષણે વ્યક્તિને એ પ્રશ્નો સમજી લઈને નિર્ણય કરવાનું પણ આવે. અત્યારે તો આપણે વ્યક્તિને જ એના જીવનનો કાબૂ સોંપી દઈએ છીએ ને ઇતિહાસનો એને મન શો અર્થ હશે તે તો એ પોતે જે અર્થ જુએ તેના પર જ આધાર રાખશે એ પણ કબૂલ રાખીએ છીએ. દેકાર્તે કહેલું કે બહારની કોઈ વાસ્તવિકતા વિશેનું આપણું જ્ઞાન આપણે જે પ્રક્રિયા દ્વારા જ્ઞાન પામીએ છીએ તે વિશેની આપણી પોતાની સમજના પર આધાર રાખે છે. આ વાત સાથે તો આપણને દરેકને – માર્ક્સવાદીને સુધ્ધાં – સમ્મત થવાનું રહેશે. કશી પણ વસ્તુગત ચેતના આપણને ઉપલબ્ધ થશે નહીં. એનો જે અર્થ છે તે આપણી સમ્મતિ પર આધાર રાખે છે. કોઈ પણ ‘હું વિચારું છું’(cogito)ને નકારીને ચેતનાને જ સમૂળગી નકારી કાઢી શકે નહીં, તો તો પછી એ જે કોઈ વિધાનો કરે (ભૌતિકવાદી વિધાનો સુધ્ધાં) તેને નકારી કાઢવાનાં રહે. માર્ક્સવાદ ઇતિહાસ વિશેની વ્યક્તિગત ચેતનાને નકારી કાઢતો નથી એમ માર્ક્સવાદી લેખકોએ વાજબી રીતે જ કહ્યું છે. માનવી પોતાનો ઇતિહાસ રચે છે એમ કહેવું એ કાંઈ દૈવવાદી વલણ નથી. સ્પષ્ટ રીતે વ્યાખ્યા બાંધીને નિરૂપેલી આથિર્ક કે સામાજિક સ્થિતિ વિશેની વિચારણાઓને ઇતિહાસ જોડે સમ્બન્ધ છે જ. એનો અર્થ એ કે આ વિચારણાઓ વ્યક્તિગત ચેતનાને ઇતિહાસના એક અંશ રૂપે નકારી કાઢતી નથી. જે લોકો ‘આન્તરિકતા’(interiority) એ સંજ્ઞા સાંભળતાં જ ધ્રૂજી ઊઠે છે, તેમને માર્ક્સનું આ વાક્ય યાદ દેવડાવવાની જરૂર છે; ‘ભૂતકાળના બધા જ ભૌતિકવાદની ખામી એ હતી કે એમાં વસ્તુ, વાસ્તવિકતા, સ્પર્શક્ષમ દુનિયાને માત્ર એક પદાર્થ રૂપે ગણી નક્કર માનવીય કાર્ય રૂપે ગણી નહીં, વ્યક્તિગત ચેતનાના કાર્ય રૂપે જોઈ નહીં.’

આપણી જેમ જ કોઈ માર્ક્સવાદી ચિન્તકને પણ વ્યક્તિગત ચેતના હોય છે. એઓ પણ કોઈક ક્ષણે તો રાજકારણના વિચાર કરતા બંધ થાય છે ને પછી પોતાની ફરજ યાદ કરીને ફરી પાછા એનો વિચાર કરવા લાગે છે. એના જીવનનો રાજકારણની દૃષ્ટિએ અર્થ હોય તો તે એટલા માટે કે પોતે કરેલા નિર્ણયથી આ અર્થ એણે પોતે આરોપ્યો હોય છે. આ જ રીતે બધા શ્રમિકો કાંઈ સામ્યવાદીઓ હોતા નથી. એનો અર્થ એ કે આપણે આપણા વર્ગમાંથી આપણે જે છીએ તેમાંથી સરી જઈ શકીએ છીએ. સત્તા અને શૂન્યતાનું દ્વન્દ્વ કેવળ સાર્ત્ર જેવા બૌદ્ધિકના મનમાં જ અનુભવાય છે એવું નથી, સંઘર્ષમાંથી પાછા હઠી જનારા હતાશ શ્રમિકના હૃદયમાં પણ એનો અનુભવ થાય જ છે. કોઈ માનવી પોતાના વર્ગ માટે ને એ દ્વારા સમસ્ત માનવજાતિ માટે ઝૂઝતાં ખપી જતો હોય તોય એવા ફાંસીએ લટકનારા કે ગોળીએ દેવાતા માનવીને પોતાના મરણને કારણે વિષાદ થશે જ નહીં એવું કોણ કહી શકશે? ઇતિહાસના ફલક પર તમે માનવીનો પ્રવેશ કરાવો – માર્ક્સવાદને તો એ અભીષ્ટ છે જ – પછી કેવળ માનવસમૂહને કે અમુક વર્ગને જ લક્ષમાં લેવાનો છે એવું કહી શકાય નહીં. એમાં તો વ્યક્તિનો પણ સમાવેશ કરવો જ રહ્યો. એ જે વર્ગનો છે તેની સેવા કરે, અથવા તેને દગો પણ દે. એ સ્વેચ્છાએ એ વર્ગમાં દાખલ થતો હોય છે. ઉત્પાદનની ચક્રશ્રેણીમાં વ્યક્તિઓ કાર્યકર નીવડે એવી રીતે પોતાને અનુકૂળ સ્થાન પામે. એવા સમૂહને માર્ક્સે ‘વર્ગ’ સંજ્ઞાથી ઓળખાવ્યો છે, પણ અન્યત્ર એ એમ કહે છે કે વર્ગ એ ઐતિહાસિક દૃષ્ટિએ કે ક્રાન્તિની દૃષ્ટિએ નિર્ણાયક તત્ત્વ બની રહે નહીં, જો વ્યક્તિને પોતાને એ વિશેની સભાનતા નહીં હોય તો એવું બને જ નહીં. આ સભાનતા પોતે અમુક સામાજિક આશયો પૈકીનો એક આશય છે વગેરે વગેરે.

ઇતિહાસના એક તત્ત્વ લેખે વર્ગની વિભાવનાને કોઈ વસ્તુલક્ષી હકીકતનો દરજ્જો નથી. તેમ જ એ કોઈ રડ્યાખડ્યા માનવીની ચેતનાએ યદૃચ્છાથી પસંદ કરેલું સાદુંસીધું મૂલ્ય પણ નથી. એ મૂલ્યને માટેની સૈદ્ધાન્તિક ભૂમિકા હજી સ્થાપવાની રહે છે. આજે તો બીજા અનેક વિરોધી દ્વન્દ્વો ઊભાં થયાં છે: ફ્રાન્સ અને જર્મની જેવાં બે રાષ્ટ્રો વચ્ચે વિરોધ છે. જર્મની હિટલરના ઉત્પાતથી થાકેલું છે, ફ્રાન્સ વીચી હકૂમતથી, એ બંનેની સામાજિક ચેતના ઉતરડાઈ ગયેલી છે. આવો જ વિરોધ અમેરિકાની નવી દુનિયા અને પશ્ચિમની જૂની દુનિયા વચ્ચેનો છે. તે ઉપરાંત શોષક અને શોષિત દેશો વચ્ચે પણ વિરોધ છે. ફ્રાન્સના શ્રમિકને જો ઇટાલીના શ્રમિક સાથે(1940ના ફાસિસ્ટ આક્રમણ છતાં) આજે સમ્પર્ક સાધવો હશે તો એણે વ્યક્તિગત પ્રયત્નો કરવાના રહેશે. ફ્રાન્સે એઓસ્તા ખીણ પ્રદેશને પોતાની સાથે જોડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં જો ઇટાલીના શ્રમિકને ફ્રાન્સના શ્રમિક સાથે સમ્બન્ધ બાંધવો હશે તો એણે પણ વ્યક્તિગત પ્રયત્નો જ કરવાના રહેશે. અમેરિકાના સમૃદ્ધ શ્રમિક અને એના ગરીબ સગા ફ્રાન્સના શ્રમિક વચ્ચેના સમ્બન્ધ પરત્વે પણ આવી જ અપેક્ષા રહેશે. જ્યાં જ્યાં આત્મલક્ષી અને પરલક્ષી વલણો ઇતિહાસમાં ભેગાં ગુંથાઈ જાય છે ત્યાં ત્યાં એનાથી સભાન બન્યા વિના વર્ગો કેવી અવસ્થામાં અને કેટલે અંશે આમાં સંડોવાયેલા હોય છે તેનું પૃથક્કરણ કરવું જોઈએ. ટૂંકમાં કહીએ તો સામાજિક અને વ્યક્તિગત સમ્બન્ધના સહઅસ્તિત્વની શક્યતાઓને તપાસવી જોઈએ. સાર્ત્રે આ માટે કોઈ સામાજિક સિદ્ધાન્તની ભૂમિકા રચી આપી નથી પણ વ્યક્તિગત ચેતના અને સામાજિક સૃષ્ટિ વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધોમાંથી ઊભા થતા પ્રશ્નોની એણે માંડણી જરૂર કરી આપી છે. સ્વતન્ત્રતા તે અમુક પરિસ્થિતિના વિશિષ્ટ સન્દર્ભના અનુલક્ષમાં જ હોય છે. વ્યક્તિગત ચેતના તે પદાર્થનો પડછાયો નથી, ‘ચિન્તનશીલ પ્રતિબિમ્બ’ છે એમ એણે કહ્યું છે.

આ વિશે થોડુંક બીજું પણ કહેવાનું રહે છે. માર્ક્સવાદ સ્વતન્ત્રતા અને વ્યક્તિને સહી લે છે એટલું જ નહીં પણ ‘ભૌતિકવાદ’ તો જાણે માનવીને ચકરાવી નાંખે એવી જવાબદારી એને માથે નાંખે છે, હેગલને મતે ઇતિહાસ એટલે માનવ આત્માનો ઇતિહાસ, આથી હેગલે ઇતિહાસને પૂરેપૂરો સમજવાનો દાવો કર્યો. આખરી સમન્વય એને એની ચેતનામાં ઉપલબ્ધ થયો. આ રીતે એની ફિલસૂફીએ એનું લક્ષ્ય સિદ્ધ કર્યું, ચેતના પોતે પોતા તરફ પાછી વળે – એનું આ પ્રત્યાવર્તન તે જ જો એને મન ઇતિહાસ હોય તો હેગલ આશાવાદી કેમ નહીં બને? પોતે જે વિચારો પોતાનામાં અનુસરીને જીવતો હતો તેનું આન્તરિક પ્રમાણ આવા પ્રત્યાવર્તનને અનિવાર્ય સાબિત કરતું હતું. આથી માનવી સમ્પૂર્ણતા પ્રાપ્ત કરે અને બધા પ્રકારની ચિન્તાતુરતામાંથી મુક્ત થઈ જાય એવું એને લાગતું હતું. આ પાઠ્યપુસ્તકોમાં દેખાતો હેગલ છે, પણ એની ફિલસૂફીનું અર્થઘટન કરવાની બીજી રીતિઓ પણ છે. એને કંઈક વધુ અંશે માર્ક્સવાદી કલ્પવો જોઈએ, એના logicને એની phenomenologyના પાયા પર સ્થાપવું જોઈએ. એની phenomenologyને એના ર્નયૈબના પાયા પર નહીં. આપણે એ ફિલસૂફીને હેગલને નામે ચઢાવીએ કે માકર્સને નામે તે ઝાઝું મહત્ત્વનું નથી, પણ જે ફિલસૂફી આત્યન્તિક ચૈતન્ય તત્ત્વને ઇતિહાસના પ્રેરક બળ લેખે નકારી કાઢે છે, જે ઇતિહાસને એના પોતાના પગ પર ચલાવે છે અને વસ્તુઓના સમ્પર્ક અને એના પારસ્પરિક સમ્બન્ધમાંથી ઊભી થતી પ્રક્રિયાઓ સિવાયના કોઈ અન્ય કારણની કલ્પના કરતી નથી તે માનવીની પૂર્ણતાને માટેની શક્યતાને પ્રથમથી જ માન્યતા આપી શકે નહીં, બધા વિરોધોને ઓગાળી નાખનારા પરમમ્ સામ્યમ્ની એ કલ્પના કરી શકે નહીં. જો માનવી પરિસ્થિતિ સમજે નહીં તો મૂડીવાદ ભાંગી પડતાં દુનિયામાં ક્રાન્તિ થવાને બદલે અરાજકતા ફાટી નીકળે – જેમ જો પ્રકૃતિને કોઈ મદદ કરે નહીં તો બાળકના જન્મને પરિણામે માતાનું અને બાળકનું બંનેનું મરણ થાય, હેગલના આદર્શવાદમાં સમન્વયનું એક સમભાવના તરીકે સ્થાન છે તે સ્થાન વાસ્તવિક હકીકતની દૃષ્ટિએ માર્ક્સવાદમાં નથી. હેગલના પરમમ્ સામ્યમ્ના સામે માર્ક્સવાદનો અજંપો છે. હેગલના દર્શનનો પાયો એની આસ્તિકતામાં છે અને એને કારણે એ અન્ધશ્રદ્ધાથી બધી ઘટના જે પ્રાકૃતિક કમે બનતી આવી છે તેના પર છોડી દે છે, પણ માર્ક્સવાદ તો કેવળ મનુષ્યોના અનિવાર્ય એવા સહઅસ્તિત્વના પર જ આધાર રાખે છે. એને માટે એમ કરવું શક્ય નથી, એ પહેલેથી જ ઇતિહાસને માટે અમુક લક્ષ્ય નક્કી કરી આપી શકે નહીં, ‘સમ્પૂર્ણ માનવ’નો સિદ્ધાન્ત પણ એ સ્થાપી આપી શકે નહીં (એ પહેલાં એ ‘સમ્પૂર્ણ માનવ’ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ!) એન્ગલ્સે આ વિશે મોટી મોટી વાર્તા કરી છે અને કહ્યું છે કે ઇતિહાસના અકસ્માત તો એક વ્યાપક અનિવાર્યતામાં ભુંસાઈ જશે, પણ ઇતિહાસ બુદ્ધિપૂર્ણ છે અને બુદ્ધિપૂર્ણ જ રહેશે એવું એ આસ્તિક કે આદર્શવાદી હોવા વિના શી રીતે કહી શકે?

જૂન, 1973

License

અરણ્યરુદન Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.