નવી કવિતાનું ભાવજગત

આપણે જ્યારે કવિનું ભાવજગત એમ કહીએ છીએ ત્યારે ભાવ સાથે એક આખા જગતને જોડીએ છીએ. પહેલો પ્રશ્ન આપણા મનમાં એ થાય છે કે આવું એક જગત જોડાતું આવે એવી પ્રતીતિ નવી કવિતામાં થાય છે ખરી? અખિલાઈનો અનુભવ સુલભ નથી. આપણા મનમાં કશુંક અખણ્ડ દર્શન છે જ, અને પછી કવિતામાં આપણે એને ક્રમશ: વ્યવસ્થિત રીતે ગોઠવતા જઈએ છીએ એવું વર્ણન પણ સાચું નથી. તો આ ગોઠવણી તે construction બની રહે છે. આપણને કવિતા વાંચતાં જગત ધીમે ધીમે ઉત્ક્રાન્ત થતું આવતું લાગે એ સ્થિતિ જ સાચી છે.

ખણ્ડદર્શન એ જાણે ઘોર પાપ હોય એવી પણ લાગણી આપણે ત્યાં પ્રવર્તે છે. પણ આપણા ઇન્દ્રિયપ્રત્યક્ષોની વાસ્તવિકતા શી છે? હું મારી સામે ઊભેલા વૃક્ષને જોઉં છં ત્યારે એના વૃક્ષત્વનું તારણ કાઢવા હું નથી બેઠો. એ જે છે, મારી ઇન્દ્રિયો આગળ એ જે રીતે પ્રત્યક્ષ બને છે તેને જ હું વર્ણવું છું. અલબત્ત, એ પહેલાં મેં મેળવેલાં વૃક્ષ વિશેના સંસ્કારો, મેં એ વિશે કરેલા વિચારો – આ બધું સર્વથા લોપ પામતું નથી. પણ કાવ્યરચનાની પ્રક્રિયામાં જે અનુભૂત છે તે અત્યારે વર્તમાનમાં આપણને જે ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ રહ્યો છે તેમાં વ્યવધાનરૂપે આવે નહીં. એ પણ એક મહત્ત્વનું અંગ છે. જો એમ ન બને તો કાવ્યમાં જે અપૂર્વનો અનુભવ થવો જોઈએ તે થાય નહીં. આપણે જ્યારે મૌલિકતાના પર ભાર મૂકીએ છીએ ત્યારે પણ આ જ વાત બીજી રીતે કહેતા હોઈએ છીએ.

આવા સ્વયંપર્યાપ્ત લાગે એવી રીતે મૂર્ત થયેલા ઇન્દ્રિયપ્રત્યક્ષોમાં આપણે માની લઈએ છીએ તેવી સ્વૈરતા હોતી નથી. આપણા એક ઇન્દ્રિયપ્રત્યક્ષ અને બીજા ઇન્દ્રિયપ્રત્યક્ષ વચ્ચે સમ્બન્ધ બંધાતો આવે છે. આ સમ્બન્ધ કેવળ કાર્યકારણની શૃંખલાનો કે નરી પૂર્વાપરતાનો હોતો નથી. કેટલીક વાર એવું લાગે કે એ એક સદા ચાલ્યા કરતા આન્દોલનનો જ એક અંશ છે.

આમ છતાં આપણે એવી કલ્પના કરી શકીએ કે કાવ્યરચનાના તબક્કાઓમાં એક તબક્કો એવો આવે કે જ્યારે કાવ્યમાં આપણને કેવળ fragmented universeનો જ અનુભવ થાય. પણ પછીથી વળી એવો તબક્કો પણ આવે જ્યારે આ fragmentsમાંથી ક્રમશ: ઉત્ક્રાન્ત થતું જગત દેખાતું આવે. આ બે વચ્ચે વિરોધ છે એમ કલ્પી લેવાની જરૂર નથી. વાસ્તવમાં બે સામસામા ધ્રુવો વચ્ચે ચાલ્યા કરતાં સંકર્ષણવિકર્ષણથી જ કવિની ચેતના સ્પન્દિત થતી રહે છે. આ ‘vibrant marriage of opposites’ કાવ્યસાહિત્યના ઇતિહાસમાં દેખાતું રહે છે. કોઈ વાર શબ્દને સામે છેડે નિ:શબ્દતા, કોઈ વાર રતિને સામે છેડે વિરતિ, કોઈ વાર સ્વર્ગને સામે છેડે યાતનાનું નરક તો કોઈ વાર પ્રકાશને સામે છેડે અસૂર્યલોક – આમ આ ધ્રુવો આપણને પ્રતીત થતા હોય છે. કોઈ ગજાવાળા કવિમાં એવો વ્યાપ દેખાય છે જેમાં આ બન્ને સમાવિષ્ટ થઈને રહેલાં દેખાય છે. કવિતામાં જે કવિતા કૌવતવાળી છે, તત્કાલીનતાને ઉલ્લંઘી જઈને બૃહત્ પરિમાણમાં સંક્રમણ કરનારી છે તેમાં આ પ્રકારની antinomies દેખાય છે.

આ બળ મેળવવા માટે કવિતાએ કાળનો અખણ્ડ અનુભવ કરવો જોઈએ. એવું કૌવત દેખાડનારો કવિ પોતાની કવિતામાં એની ભાષાની આખીય કાવ્યપરમ્પરા સાથેના અનુસન્ધાનને સિદ્ધ કરીને જ પોતાનું નવું પગલું ભરતો હોય છે. અસાધારણ માત્રામાં મૌલિક એવી કવિતામાં ઘણુંખરું નવીનતાનું નિર્માણ પરમ્પરાગત સાધનો વડે જ કરવામાં આવતું દેખાય છે. નવીનતા અને અપૂર્વતા વિશેની આપણી સમજ ઘણી વાર ખોટી લાગે છે, જે બની ચૂક્યું છે, સિદ્ધ થઈ ચૂક્યું છે તેમાંથી જ નવું સિદ્ધ કરી આપવાનો પડકાર કવિ ઝીલે છે.

આપણી કવિતા અત્યારે fragmented universeને પ્રકટ કરવાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ફ્રાન્સમાં અતિવાસ્તવવાદના પ્રારમ્ભિક તબક્કામાં એક ચિન્તકે ભાવિનાં એંધાણ ચીંધી બતાવીને કહેલું: ‘Eventually a time will come when everyone will write poetry.’ અત્યારે આપણે ત્યાં એ પરિસ્થિતિ પ્રવર્તતી લાગે છે. આપણે જુદા જુદા કવિઓને નામ દઈને ચીંધી બતાવીએ છીએ, પણ આ plurality of voices માત્ર છે, એથી દરેકનું આગવું ભાવજગત પ્રકટ થતું આવે એવી સ્થિતિએ હજી આપણે પહોંચ્યા નથી. આ અવાજોની બહુવિધતાની પાછળ થોડા જ સમયમાં વળી એકસૂરીલાપણું દેખાવા માંડે છે.

આજે અનુભવાતો મુખ્ય ભાવ તે નિર્વેદનો છે. પણ આ નિર્વેદ કે વિરતિ આપણને શાન્ત રસ તરફ લઈ જતાં નથી. એમાં ઉપશમ નથી. આક્રોશ છે, અભિનિવેશ છે. કવિની વાણીમાં ઉપાલમ્ભ અને વ્યંગના કાકુ છે, એ કદીક એને પોતાને પણ એનું લક્ષ્ય બનાવે છે. કેટલાક વિદ્રોહની અવસ્થા સુધી પહોંચી જાય છે અને તારસ્વરે એ વિદ્રોહને પ્રકટ કરે છે. લગભગ દરેક નવા કવિની કવિતાના સંગ્રહમાં આપણે ઈશ્વરને મરતો જોઈએ છીએ, એટલું જ નહીં, કવિ પોતે પોતાની કાવ્યરચનાની પ્રવૃત્તિની પણ હાંસી ઉડાવતો દેખાય છે. એ શબ્દો પર પોતાનો રોષ ઠાલવે છે. કોઈ વાર શબ્દથી શબ્દબ્રહ્મ સુધી પહોંચવાનો ડોળ કરે છે. કૃતક ફિલસૂફી ડહોળતો પણ એ દેખાય છે. આના જ પરિણામ રૂપે કવિ કાવ્યમાંથી પોતાના કર્તૃત્વનો લોપ કરવાનો ડોળ કરતો દેખાય છે. શબ્દ પર જુલમ ગુજારીને એને નિરર્થક બનાવી દેવાનો ઉદ્યમ પણ દેખાય છે. આમ કાવ્યવિકાસના એક તબક્કે કર્તૃત્વનો લોપ સાધીને પ્રકટ થનારી અતિવાસ્તવવાદી કવિતા પ્રકટે છે. કર્તૃત્વ કવિતામાં universality સાધવામાં આડું આવતું હોવાથી એને ફગાવી દેવાની ખુમારી અને અનાસક્તિ હોય છે. સભાન અહમ્ને બાજુએ હડસેલીને એ કાવ્યરચનામાં અજાગૃત ચેતનાના સ્તરને ક્રિયાશીલ બનવા દે છે. આપણે ત્યાં પણ આ તબક્કો આવ્યો છે. પણ કેટલાક આ સ્થિતિએ જ અટકી ગયા છે. આ એક વિકાસની અવાન્તર અવસ્થા છે એ ભૂલી જઈને અરાજકતા અને નિરર્થકતાનો જ નશો કરીને બેઠા છે. પ્રથમ દૃષ્ટિએ અનિયન્ત્રિત અને યદૃચ્છામય દેખાતી આ કાવ્યપ્રવૃત્તિ પર પણ કવિના પરિમિત સંકીર્ણ અહંકારનું અને કેટલાક સામાન્ય સ્વરૂપનાં ગૃહીતોનું નિયન્ત્રણ દેખાય છે.

કવિતામાં દેખાતા વિરોધ અને વિદ્રોહનું એક કારણ કે એ છે કે આજના આપણા સમાજનું સ્તર એના બૌદ્ધિકો અને આલોચકોના પુરુષાર્થને સમજવા જેટલું ઊંચું નથી, આપણો સમાજ એટલો વિદગ્ધ નથી. આથી કવિ વેગળો પડી ગયો છે. એની કવિતામાં જે નાટકી તત્ત્વ આવે છે, એ નવાં મહોરાં પહેરતો દેખાય છે તેનું કારણ પણ આ વેગળાપણું જ છે. એમાંથી એ છૂટવા માગે છે. આથી કવિઓ પોતે એક જૂથ બનાવીને પ્રવૃત્તિ કરે છે. આ જૂથને કારણે એમને એ પ્રકારની સ્વયંપર્યાપ્તતાનો અનુભવ થાય છે. ઘણી વાર એવું લાગે છે કે એ પોતે પોતાનાથી જ અસન્તુષ્ટ છે, એને પોતાના પર રોષ છે. એ પોતે પોતાની અપેક્ષાએ ઊણો ઊતરતો લાગે છે. પણ આ રોષને એ સમાજ તરફ, ઈશ્વર તરફ વાળે છે. એને એમ લાગે છે કે એની સાથે પ્રવંચના કરવામાં આવી છે. કશો ભવ્ય સમૃદ્ધ વારસો એને માટે અનામત રાખવામાં આવ્યો નથી. કશી સમૃદ્ધ અતૂટ સાંસ્કૃતિક પરમ્પરાનો એને લાભ મળ્યો નથી. આથી એને એમ લાગે છે કે તોડફોડ કરીને કેવળ એની પાછળ ભંગાર મૂકીને નાસી છૂટેલા ઈશ્વરના ઘરમાં એ રહેવા આવ્યો છે. આથી જ ઘણી કવિતામાં સંસ્કૃતિનું negative assessment થતું દેખાય છે.

આ બધાંની સાથે રોમેન્ટિક અભિનિવેશ પણ દેખાય છે, એની સાથે સંકળાયેલી મરણ માટેની આસક્તિ પણ દેખાય છે. સહેજ સહેજમાં મરણિયા બની જવાનો ઉત્સાહ પણ દેખાય છે, વિરતિ અને વ્યર્થતા વચ્ચે વળી એ એની આગલી પેઢીના કવિઓનાં જેવાં ગીતો પણ ગાઈ લે છે. એક જ કવિ એની ગઝલમાં જુદો મિજાજ પ્રકટ કરે છે, એનાં ગીતોમાં પાછળ સરીને જુદા જ જગતમાં જઈ ચઢે છે અને અછાન્દસ કવિતા લખતો હોય છે ત્યારે વળી નિરર્થક બનવાની હદે જતી વાચાળતામાં રાચતો દેખાય છે. આવા વિરોધોને કારણે એમ લાગે છે કે હજી એ કાવ્ય દ્વારા પણ પોતાનો સાક્ષાત્કાર કરવાની કક્ષાએ પહોંચ્યો નથી, એનામાં આપણને કઠે એવી કશીક કૃતકતા છે.

આમ અર્થહીન, ઈશ્વરહીન, જગતમાં રહેતો છતાં આ સૃષ્ટિને, પ્રકૃતિને એ ઇન્દ્રિયલુબ્ધ બનીને માણે છે. ઘડીભર પોતે કયું મહોરું પહેર્યું છે તે ભૂલી જઈને ઇન્દ્રિયવ્યત્યયોની ભરમાર ઊભી કરી દઈને નાચવા માંડે છે. કેટલીક વાર નરી બર્બરતા, આસુરી આવેશ, સંસ્કૃતિહીનતાને સ્પૃહણીય ગણીને કશાક આદિમ આવેગથી એને વધાવી લેતો દેખાય છે.

માનવ જાતિને માથે તોળાઈ રહેલા સામૂહિક ભયની લાગણી પણ ઘણા કવિઓએ પ્રકટ કરી છે. આપણને થયેલા યુદ્ધના અનુભવનો આપણા કથાસાહિત્ય પર ઝાઝો પ્રભાવ પડેલો દેખાતો નથી. વિયેતનામ, બાંગ્લાદેશમાં જે અમાનુષી હત્યાકાણ્ડ ચાલ્યો તેથી આપણા બેત્રણ કવિઓ હાલી ઊઠ્યા છે ખરા, બાકી ઘણાખરાએ તો આવી વાતો માટે વિલાપ કરવા જેટલીય ગમ્ભીરતા જાળવી રાખવાનું જરૂરી ગણ્યું નથી. આ આપણા ભયત્રસ્ત યુદ્ધાક્રાન્ત જગતમાં રહીને આપણો કવિ પોતાનું આગવું વ્યક્તિત્વ અને પોતાની કવિતાનો જાદુ જાણી કરીને છોડી દઈને કેવળ વાચાળતામાં સરી પડતો દેખાય છે.

કવિને એમ લાગે છે કે આટલી બધી આથિર્ક વિષમતા, આટલી બધી યુદ્ધખોરી, આટલું અમાનુષીપણું હોવા છતાં આપણો જમાનો એ વિશે જરાય ગમ્ભીર નથી અને એ કવિતાને નભાવી શકે એવી એની દાનત પણ નથી. આવી સ્થિતિમાં સમકાલીન કવિતા વિશે કોઈ કશું ગમ્ભીરપણે કહેવા જાય એ સમયનો નિરર્થક વ્યય કરવા જેવું જ બની રહે. આથી કેટલાક આ સમકાલીન સાહિત્યને બાજુએ રાખીને આગલા જમાનાની પ્રશિષ્ટ કૃતિઓનું સેવન કરીને આપણી રસવૃત્તિને તૃપ્ત કરવાનો રસ્તો બતાવે છે.

આપણા એક મધ્યકાલીન કવિ કૃષ્ણજીએ કવિતા વિશે ‘શબ્દે શબ્દે મેળાવડો’ એમ કહીને જે આનન્દોદ્ગાર કાઢેલા તેનો આજે અનુભવ થાય છે ખરો? રિલ્કેએ પણ કહેલું કે Between name and name one should put felicity – આજે આ ઉત્સવનું તત્ત્વ કવિતામાંથી જતું રહ્યું છે. વિષાદ તો માનવી નિયતિમાં સદાનો છે જ. છતાં કાવ્યમાં તો એ પણ આસ્વાદ્ય બનીને જ આવવો જોઈએ. રૂપહીન અરાજકતાનો ઉદ્રેક, માધ્યમનાશ, શબ્દોને ખોતરીને પોલા બનાવી દેવાનો ઉત્સાહ – આવાં થોડાંક સૂત્રો ગજાવવા સિવાય કાવ્યરચના અને કાવ્યાસ્વાદની પ્રવૃત્તિમાં કંઈક વિશેષ રહ્યું છે.

માર્ચ, 1975

License

અરણ્યરુદન Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.