શરૂ કરતાં પહેલાં

1967-68માં બીજી વાર લંડન જવાનું થયું ત્યારે, ‘મુંબઈ સમાચાર’ના તંત્રી, મારા મિત્ર ભાઈ મીનુ દેસાઈએ ટપાર્યો હતો કે, ‘ત્યાંથી કંઈ જાણવા જેવી વાતો લખી મોકલજો.’ લંડન પૂરું એક વર્ષ રહ્યા. સમયના અવકાશનોયે અભાવ નહોતો, પણ હું આળસુ જણ. આજે લખીશ, કાલે લખીશ, ભા, કરતાં વાત ઠેલ્યે ગયો. એક હરફ ના લખાયો.

મુંબઈ આવ્યો. ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટકના એકસોમા પ્રયોગમાં ઇન્ટરવલ વખતે મીનુભાઈ અથડાઈ ગયા. કહે, ‘તમે કંઈ લખી ના મોકલ્યું! હવે લખી આપો.’ હા પડાઈ ગઈ. દર શનિવારે અચૂક લખીશ એમ વાયદો કર્યો અને માંડ્યું લખવા. એ વખતે તો પાંચસાત હપતામાં વાત સમેટી લેવાનો ઇરાદો હતો. વાચકો સાથે આદરેલી હૈયાવાતો આટલી લાંબી ચાલશે એવો તો ખ્યાલ જ નહોતો. અંતરમાં અટવાતી વાતોને, બસ, સંકોચ કે શરમ વિના છતી કરી દેવી એ નિષ્ઠાને આધારે લખવા માંડ્યું હતું. વાચકમિત્રોને હમસફર બનવામાં રસ પડ્યો. અંગત અને જાહેર પત્રો લખી હોંકારો દેતા ગયા, અને વાત આગળ ચાલતી રહી.

સાહિત્યકારોની પંગતમાં બેસવાનું મારું ગજું નહિ. એમનાં લક્ષણોનો વળગાડ મને નથી. મીનુભાઈએ કહ્યું, ‘લખી આપો!’ લખી આપ્યું. વાચકોએ વખાણીને કહ્યું, ‘ચાલુ રાખો!’ વખાણ સાંભળવાની રઢ એટલે ચાલુ રાખ્યું. નથી જાગતી કોઈ પ્રેરણા કે નથી કોઈ જીવનમાંથી જડેલાં પાત્રો મનનો કબજો લઈ મને લખવા મજબૂર કરતાં. શનિવાર ઢૂંકડો આવે એટલે પલાંઠી વાળીને લખવા બેસવું પડે. એમાં ‘મૂડ નથી!’ એવું બહાનુંયે ન ચાલે. લમણે લખાયેલું. જાત સાથે વાતો કરતો હોઉં એમ કાગળ પર ટપકાવતો જાઉં. હપતો પૂરો!  હા, લખતાં આનંદ જરૂર આવે. એને કોઈ બ્રહ્માનંદસહોદરનું મસમોટું નામ આપે તો ભલે! આ બહાને આટલું લખાઈ ગયું એ વાત માત્ર સાચી. એનો યશ મીનુભાઈને, ‘મુંબઈ સમાચાર’ના સંચાલકોને અને વાચકોને ફાળે છે.

1965થી ધક્કો મારી મને લખતો કરવામાં મારા યુવાન મિત્રો ભાઈ હરીન્દ્ર દવે અને ભાઈ ઘનશ્યામ દેસાઈનોયે મોટો ફાળો છે. એનો ઉલ્લેખ ફક્ત અહીં કરી લઉં.

આત્મીય એવા ભાઈ યશવંત બુટાલાએ અને ધી યશવંત પ્રિન્ટંગિ પ્રેસના કંપોઝિટર ભાઈ કચરાલાલ અને એમના સાથીદાર કસબીઓએ છાપકામ વિશેની મારી ચીકાશ ધીરજથી અને પ્રેમથી સહન કરી લીધી છે, અને એવા જ ઉમળકાથી બંધુ બંસીભાઈ વર્માએ પૂંઠાનું સુશોભન કરી આપ્યું.

ભાઈ ચંદ્રવદને મારો ભાઈબંધી હક સ્વીકારી મમતાથી બે વાતો લખી આપી મારા મનને પંપાળ્યું છે. જિજ્ઞાસુઓ આ પુસ્તક ખરીદીને વાંચશે અને એમણે સેવેલી આશા ફળ્યાનો આનંદ-આશ્ચર્યનો આંચકો એમને આપશે તો આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું સાર્થક થશે.

ફેબ્રુઆરી, 1969 – રસિક ઝવેરી

License

અલગારી રખડપટ્ટી Copyright © by રસિક ઝવેરી. All Rights Reserved.