અલગારી રખડપટ્ટી

1964માં મારા મિત્ર છોટુભાઈ ઘીવાળા લંડન ગયા ત્યારે મારી દીકરી ભાનુ અને એના પતિ આનંદ પાટીલને મળ્યાં. આનંદ સાથે બે દિવસ લંડનમાં ફર્યાં. મુંબઈ આવીને તેમણે ત્યાંના નજરદીઠા ખુશીખબર દીધાં પછી કહે, ‘તારાં દીકરી-જમાઈ તને લંડન તેડાવે છે. એક વાર જઈ આવ. મારી સાથે ખાસ કહેવરાવ્યું છે.’ પછી જ્યારે મળે ત્યારે ટપારે : ‘ક્યારે ઊપડે છે?’ લંડન જવા માટેનું બીજ મનમાં આમ રોપાયું.

પણ લંડન જવું એટલે ખરચના માળ અને જવા માટેની વિધિ-વિટંબણા અપરંપાર. ખરચાના આંકડા રોજ માંડું ને રોજ ભૂંસું. હું રહ્યો અલગારી જણ. જંદિગીમાં કદી પૈસો સંઘરવાનો પ્રયત્ન કરેલો નહિ. રોકડ પુરાંત મીંડું. સ્નેહીજનોના સદ્ભાવની મૂડી મબલખ, બહેન ભાનુને પુછાવ્યું, ‘તું મને ત્યાં બોલાવે છે તો ખરી, પણ તારું બેંક બૅલેન્સ કેટલું છે એ મને નિખાલસપણે લખજે એટલે કેમ કરવું એની સમજ પડે. મારો બાદશાહી ઠાઠ તું જાણે છે. પૈસાની મૂંઝવણ મારાથી નહીં વેઠાય!’

જવાબ આવ્યો : ‘બેંક કેવી ને બેલૅન્સ કેવી? વરસે દિવસે બસો-ચારસો પાઉન્ડ બચે તે કોન્ટિનેન્ટ પર ફરી નવા નવા દેશ જોવામાં ખરચી નાખીએ છીએ. આ વરસે પણ સ્કેન્ડિનેવિયા જવાનું નક્કી છે. તમે ત્યાંથી રિટર્ન ટિકિટનો પ્રબંધ કરીને આવો. બાકીનું બધું અમે સંભાળી લઈશું. પાસપોર્ટ તરત કઢાવી લો. અમે અહીંથી ગૅરન્ટી ફોર્મ મોકલીશું એટલે ‘પી ફોર્મ’ મળવામાં વાંધો નહિ આવે. જરૂર આવો.’

વાંચી મનમાં થયું, ‘દીકરીએ નામ રાખ્યું ખરું. પૈસા બચાવે તો મારી દીકરી શાની? પણ હવે આપણે લંડન જઈ રહ્યા!’ અને છતાં, ભગવાનને ભરોસે પાસપોર્ટની તૈયારી આદરી લીધી.

એક દિવસ મારા મિત્ર અદી મર્ઝબાન જોડે નિરાંતે ગપ્પાં મારતો હતો. વાતવાતમાં કહ્યું, ‘ભાનુને મળવા લંડન જવું છે.’

‘જઈ આવ!’

‘પૈસા નથી.’

‘તો માંડી વાળ!’

મેં કહ્યું, ‘માંડી તો વાળેલું જ છે, પણ તું પડખે ઊભો રહે તો એક પ્રોગ્રામ ગોઠવું. પૈસા તો ભેગા થઈ જશે.’

અદી કહે, ‘એવું કંઈ મનમાં બેસતું હોય તો ઝુકાવ; આઈ એમ યોર મેન! મારાથી બનશે તે બધું કરવા તૈયાર છું. કંઈ ગોઠવાય તો મને કહેજે; ને મળતો રહેજે. બેસ્ટ ઓફ લક!’

પછી છોટુભાઈને મળ્યો, મધુકર રાંદેરિયાને મળ્યો, જ્યોતીન્દ્ર દવેને મળ્યો, રજની પટેલને મળ્યો. પ્રોગ્રામ કરવાની વાત સૌએ હોંશભેર ઉપાડી લીધી અને સ્વજનોના સહકારથી 1965ના એપ્રિલની 20મી તારીખે ‘તહોમતનામું’નો યાદગાર ગ્રોગ્રામ ભારતીય વિદ્યાભવનમાં મારા પરદેશ પ્રવાસ માટે ગોઠવાયો.

અદી મર્ઝબાન, ચંદ્રવદન ભટ્ટ, જયંતી પટેલ, પ્રબોધ જોશી અને નવીન ખાંડવાલા આરોપીના પીંજરામાં હતા. ‘ગુજરાતી રંગભૂમિનું તમે સત્યાનાશ વાળ્યું છે!’ એવી મતલબનો આરોપ એ પાંચ જણ સામે હતો. છોટુભાઈ ઘીવાલા, બૅરિસ્ટર રજની પટેલ અને ધનસુખલાલ મહેતા જજ તરીકે; બચાવપક્ષે જ્યોતીન્દ્ર દવે, પ્રતાપ સાંગાણી અને ફરિયાદ પક્ષે મધુકર રાંદેરિયા વકીલો તરીકે; સાક્ષીના પીંજરામાં ગુલાબદાસ બ્રોકર, મુરલી ઠાકુર, રંભાબહેન ગાંધી, વસુબહેન ભટ્ટ, રસિકલાલ વકીલ અને રઘુનાથ બ્રહ્મભટ્ટ વગેરે હતાં. ગુજરાતી રંગભૂમિની ખ્યાતનામ સ્વતંત્ર રીતે એકેક પ્રોગ્રામ કરી શકે એવી, પચાસથી વધુ વ્યક્તિઓ એક જ તખ્તા પર રંગભૂમિના ઇતિહાસમાં પહેલી જ વાર એકઠી થઈ હતી. પ્રોગ્રામના આઠ દિવસ અગાઉ બધી ટિકિટો વેચાઈ ગઈ. જેની પાસે જઈને વેણ નાખ્યું એ સૌએ હેયાપ્રેમથી ‘હા’ પાડી ને પ્રોગ્રામને ઊજળો કરી બતાવ્યો. સૌનો સહકાર ગદ્ગદ કરી દે તેવો હતો.

પૈસાનું પત્યું એટલે તૈયારીઓ શરૂ થઈ. પાસપોર્ટ, વીસા, રિઝર્વ બેંકની ભુલભુલામણી… એ બધાં વિશે આપણી સરકારની અવળચંડી અળવીતરાઈની બનિસ્બત મારો અનુભવ એકંદરે સુખદ છે. જ્યાં જ્યાં ગયો ત્યાં ‘ધોળા વાળ’ની શરમેયે સૌનું વર્તન સલૂકાઈભર્યું હતું. ઉતાવળ નહોતી એટલે જાતે ધક્કા ખાઈને બધું પતાવવાની તૈયારી હતી. ‘એરો ટ્રાવેલ એજન્સી’વાળા મારા યુવાન મિત્ર ભાઈ મહેન્દ્ર ભગતે ‘લોઈડ ટ્રીએસ્ટીનો’ કંપનીની આલીશાન સ્ટીમર ‘મારકોની’માં 20મી જૂનનો મારો પૅસેજ નક્કી કરાવી દીધો.

જવાની તારીખ નક્કી થઈ એટલે પછી ખરીદી શરૂ થઈ. લંડનથી આનંદે લખ્યું હતું કે : ‘ચાર શર્ટ; બે પેન્ટ, જહાજ પર પહેરવા માટે એક સૂટ, એક સરસ ગરમ ઓવરકોટ, અંડરવેર, સ્લીપંગિ સૂટ, છત્રી, ગરમ ડ્રેસંગિ ગાઉન, શેવંગિનો સામાન અને ટૂથબ્રશ સિવાય કંઈ લાવતા નહિ. ત્યાંના ગરમ સૂટ અહીંની ઠંડીમાં કામ નહિ લાગે. અહીં જ બનાવી લેશું. જેમ બને તેમ સામાન ઓછો રાખજો.’ પણ મેં તો મારી બાદશાહી રીત પ્રમાણે, કઈ ચીજની ક્યારે જરૂર પડે એમ ગણી, ત્રણ મોટી ટ્રંકો ઠાંસી-ઠાંસીને ભરી; જેને જીનોવાથી ઘર સુધી પહોંચાડવાના દસ પાઉન્ડ ખરચવા પડ્યા અને પારાવાર હાડમારી ભોગવી એ નફામાં.

ભાનુ એ વખતે લંડનમાં ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલી ‘ઇન્ડિયા ક્રાફ્ટ’ની દુકાનમાં મૅનેજર તરીકે કામ કરતી હતી. આ ઉપરાંત, લંડન યુનિવસિર્ટીમાં ઓરિયેન્ટલ લેંગ્વેજીસ વિભાગમાં ગુજરાતી શીખવતી હતી. એણે લખ્યું હતું કે : ‘ચાંદીના કંદોરા, સાડીઓ, બંગડીઓ, હૅન્ડિક્રાફ્ટની ચીજો વગેરે સાથે લાવશો તો વેચીને અહીં સ્ટરલિર્ંગ મેળવી શકાશે. આ ગણતરી મનમાં રાખી ખરીદી શરૂ કરી.

સગાં અને વહાલાંઓ તરફથી વિદાયજમણનાં આમંત્રણો મળવા લાગ્યાં. સમય વીતતો ગયો એમ દોડધામ વધતી ગઈ. જવાના દિવસો ઢૂકડા આવતા ગયા એમ મનનો ગભરાટ વધી પડ્યો. અનેક જાતની આશંકાઓ થતી. હું સાધન વગરનો એક અલગારી જણ, ખરેખર આમ ખૂબ સાહજિકતાથી લંડન જવાની તૈયારી કરી રહ્યો છું; એ વાત જ જાણે માન્યમાં આવતી નહોતી. છેક છેલ્લી ઘડીએ ક્યાંથી કંઈક વિઘ્ન તો નહિ ટપકી પડેને! એવી દહેશત વારંવાર થઈ આવતી.

ભાનુએ લખ્યું હતું : ‘અહીં બધી વસ્તુઓ મળે છે, મારું ઘર નાનકું છે. ચીજો સંઘરવાની જગ્યા નથી, મારે માટે કશું જ ના લાવશો. છતાં, મારી પત્ની, ‘એ તો લખે!’ કહી અથાણાં, મસાલા, પાપડ, વડી, સુકવણી વગેરેના ગંજ ખડકતી રહી. એ બધું સમુંસૂતરું પહોંચાડતાં મને નવ નેજાં પાણી ઊતર્યાં.

ભાનુને એમ.એ.ની પરીક્ષામાં યુનિવસિર્ટી તરફથી ‘ગોલ્ડ મેડલ’ મળેલો. એ તો રિઝલ્ટ આવે તે પહેલાં જ, 1961માં લંડન જવા રવાના થઈ હતી. મેડલ તૈયાર થઈને આવ્યો છેક 1963માં. મેં એ લાવીને મારી પાસે મૂકી રાખેલો. જવાના બે દિવસ પહેલાં મને એ વિશે સાંભર્યું. કસ્ટમવાળાને પૂછ્યું તો કહે, ‘એ માટે રિઝર્વ બેંકમાં તપાસ કરો.’ ગયો રિઝર્વ બેંકમાં. કયો ઓફિસર એ વિશેની માહિતી આપી શકે એ શોધતાં મને ખાસ્સા બે કલાક થયા. સારે નસીબે લંચ અવરમાં એક સજ્જન લિફ્ટ પાસે ઊભા હતા તેમને પૂછ્યું. તેઓ કહેસ ‘એ તો મારું જ ખાતું છે. તમે અરજી કરો એટલે રજા મળશે.’

મેં કહ્યું, ‘મારે તો પરમ દિવસે જવું છે. અરજી કરું તો તમારા ખાતામાંથી લંડનથી પાછો આવું ત્યાં સુધીમાંયે તેનો નિકાલ ના આવ્યો હોય!’

એ કહે, ‘છેક છેલ્લી ઘડીએ જાગો પછી શું થાય? સોરી, બીજું કાંઈ ના થાય!’

મેં કહ્યું, ‘થાય. ના કેમ થાય? આ મેડલને ચાંદીનો ગિલેટ કરી સહેલાઈથી હું મારી સાથે લઈ જઈ શકું, પણ મારી ઇચ્છા ગેરકાયદે કશું કરવાની નથી. તમે મહેરબાની કરી હમણાં જ પરવાનગી લખી આપો. હું અરજીનું ફોર્મ ભરી દઉં.’

પણ એ બંદો તો ‘સોરી’ સિવાય બીજો શબ્દ ન ભણે. મને આવ્યો ગુસ્સો. મારું કાર્ડ એના હાથમાં સરકાવી મેં એક તુક્કો ફેંક્યો. કહ્યું, ‘પરમ દિવસે સ્ટીમર ‘મારકોની’માં હું જીનોવા જાઉં છું. રિઝર્વ બેંકના એક જવાબદાર ઓફિસર તરીકે તમને ખબર કરતો જાઉં છું કે આ મેડલ હું મારી સાથે લઈ જવાનો છું અને તમારી પરવાનગી લેવા આવ્યા છતાં એ આપવાનાં તમે ગલ્લાંતલ્લાં કર્યાં છે. તમે કસ્ટમવાળાને એ વિશે જાણ કરજો. મારી જવાબદારી અહીં પૂરી થાય છે.’

એ સાંભળી પેલો મદ્રાસીભાઈ ગભરાયો. કહે, ‘ડુ વોટ યુ લાઇક, બટ પ્લીઝ ડોન્ટ ઇન્ફોર્મ મી એન્ડ ડોન્ટ ઇન્વોલ્વ મી ઇન ઈટ.’ મતલબ કે : તમારે કરવું હોય એમ કરો પણ મહેરબાની કરી મને એ વાતમાં ન સંડોવો અને મને એ વાતની ખબર ન આપો. મેં કહ્યું, ‘ભાઈ, ખબર તો મેં તને આપી દીધી. હવે શું થાય?’

એ ભલો માણસ કહે, ‘આટલા બધા ચીકણા શા માટે થાઓ છો? ખિસ્સામાં નાખીને એ મેડલ ચૂપચાપ લઈ જાઓને! બધા એમ જ કરે છે. કસ્ટમમાં કોઈ તમને નહિ પૂછે.’ એના અનુસંધાનમાં પછી એણે જ મને એક ‘જોક’ કહી. હાઈકોર્ટમાં કોઈએ હવાલદારને પૂછ્યું, ‘અહીં બીડી પિવાય?’ હવાલદાર કહે, ‘ના.’ પેલો કહે, ‘તો પછી અહીં બીડીનાં જે આટલાં બધાં ઠૂંઠાં પડ્યાં છે તેનું શું?’ હવાલદાર કહે, ‘એ બધાં તો તમારી જેમ જે પૂછપરછ નથી કરતાં એવા લોકોએ પીધેલી બીડીનાં છે!’

મહેન્દ્ર ભગતે પૅસેજ તો બુક કરેલો, પણ કંઈક સરતચૂકથી ડિપોઝિટના પૈસા ‘લોઇડ્ઝ’ની ઓફિસે પહોંચાડવાનું રહી ગયેલું. અચાનક કંપનીનો કાગળ આવ્યો કે તમે ડિપોઝિટ રકમ મોકલી પૅસેજ કન્ફર્મ નથી કર્યો એટલે અમે એ પૅસેજ રદ કર્યો છે. અંતે થયું ને ભગાના ભાઈ જેવું! હું દોડી ગયો. ‘લોઇડ્ઝ’ની ઓફિસે. ત્યાં એક એંગ્લો-ઇન્ડિયન ભાઈ મિ. રોબર્ટ પૅસેજ-બુકંગિનું કામ સંભાળતા હતા તેને મળ્યો. ઇટાલિયન. કંપનીમાં કામ કરતા એ સજ્જન તો નીકળ્યા સવાઈ-ઇટાલિયન. ખભા ઉલાળી, અંગભંગ કરતાં કરતાં, વાંકીચૂંકી ચાવળી અંગ્રેજી જબાનમાં એણે માંડ્યું ઝીંકવા. કહે, ‘આઈ એમ સ્સો સોરી! વાંક તમારો છે. એ પૅસેજ વિશે હવે હું કંઈ કરી ન શકું!’

મેં કહ્યું, ‘ભાઈ, તારે ‘સ્સો સોરી’ થવાની કંઈ જરૂર નથી. અને મારે તને તકલીફ આપવીયે નથી. મારે તો તારા મૅનેજરને મળવું છે. હું તમારો કસ્ટમર છું; માટે ભવિષ્યમાં મારી સાથે વાત કરે અને ‘સોરી’ થાય ત્યારે ‘સોરી સર!’ એમ કહેવાની ટેવ પાડજે.’

એ છોભીલો પડી ગયો. પછી કહે, ‘મને લાગે છે કે મૅનેજર હમણાં કામમાં છે.’ મેં કહ્યું, ‘તને શું લાગે છે તેની સાથે મારે નિસ્બત નથી. તું ફક્ત કાર્ડ અંદર મોકલ. તેઓ કામમાં હશે તો મને બીજી એપોન્ટિમેન્ટ આપશે.’

કાર્ડ અંદર ગયું એટલે બે મિનિટમાં મૅનેજરે કૅબિનમાંથી બહાર આવી મને વિનયથી પૂછ્યું, ‘વોટ કૅન આઇ ડુ ફોર સૂ. સર?’ મારી વાત સાંભળી સમજી દફતર જોઈને કહે, ‘એ સો પાઉન્ડનો પૅસેજ તો બીજાને અપાઈ ગયો છે, એટલે લાચાર છું. અત્યારે મારી પાસે એકસો બાર પાઉન્ડનો પૅસેજ ખાલી છે એ બુક કરાવી લો. બીજો ઓછી રકમનો કોઈ પૅસેજ રદ થશે તો તમને જરૂર સગવડ કરી આપીશ.’

ત્યાર પછી અઠવાડિયાની અંદર જ એ ભલા અંગ્રેજે મને સત્તાણું પાઉન્ડનો, એક કૅબિનમાં ફક્ત બે જ મુસાફર હોય એવો સરસ પૅસેજ મોકલી આપેલો.

શીતળા ટંકાવવાનું અને કોલેરાનાં ઇન્જેક્શન લેવાનું સમયસર પતાવેલું એટલે એ વિશે બેફિકર હતો. જવાને આગલે દિવસે હેલ્થ સટિર્ફિકેટ ભાઈ મહેન્દ્રને બતાવ્યું તો કહે, ‘આમાં કોલેરાના સટિર્ફિકેટમાં મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરનો સિક્કો નથી મરાવ્યો. આ નહિ ચાલે. ટૅક્સી કરીને દોડ્યો બોરીબંદર. ચપરાશી કહે, આતાં વેળ સાંપલી, ઉદિયા યા.’

બે મહિનાથી રખડપટ્ટીમાં ઘણું શીખ્યો હતો. બે રૂપિયાની નોટ ચપરાશી સામે ધરી મેં કહ્યું. ‘ઉદિયા તો જાયાઈચા આતાં જ સ્ટેંપ મારાઈચી!’

‘ખૂલ જા સિમસિમ!’ની જેમ જાદુમંત્રથી સાહેબની કૅબિનનો દરવાજો ખોલી એ મને અંદર લઈ ગયો. સાહેબ કંઈ પૂછે તે પહેલાં તો સટિર્ફિકેટ પર ધડાક દઈને રબરસ્ટૅમ્પ પછાડી સહી કરવા માટે તેની સામે ધરી દીધું!

પરદેશ જઈ આવેલા મિત્રો તરફથી સલાહસૂચનો મળવાં શરૂ થયાં. અટપટાં સરનામાંઓથી નોંધવહી છલકાવા લાગી. ભાનુ લંડનના એક પરા — ન્યૂ બારનેટ– માં રહે. મુકામ તો તેની સાથે એટલે એ વિશે કંઈ વિચારવાનું નહોતું. પ્રવાસની રિટર્ન ટિકિટ ખિસ્સામાં પડી હતી, પણ મુંબઈથી લંડન સુધીની સફર તો આપણી સરકારે મંજૂર કરેલી ત્રણ પાઉન્ડની ‘ગંજાવર રકમ’ના જોર પર જ કરવાની હતી. એ મૂંઝવણ મોટી હતી. એટલામાં, જવાના બે દિવસ પહેલાં ભાનુનો પત્ર જ આવ્યો : ‘રસ્તામાં કેરો ઊતરજો. પિરામિડ જોઈ આવજો. ફરી એવી તક નહિ મળે. જીનોવાથી લંડન પહોંચતાં, અને વાટમાં જહાજ નેપલ્સ, મસીના, એડન વગેરે બંદરગાહોમાં લાગરશે ત્યાં બધે ફરજો. સ્ટીમર પર પણ મોકળે મને ડ્રિંક્સ વગેરે લેજો. જીનોવા ઊતરો ત્યારે બસો સિગારેટ અને વ્હિસ્કીની એક બાટલી શિપ પરથી ખરીદી લેજો. ડ્યૂટી ફ્રી મળશે. આવો છો ટો પછી ઠાઠ અને આનંદમોજથી આવો. મૂંઝાશો નહિ. વાટખરચી માટે અમે અહીં ‘લોઇડ’ની ઓફિસમાં પચાસ પાઉન્ડ ભરી દીધા છે તે શિપ ઊપડે કે તરત કૅપ્ટન પાસેથી મેળવી લેજો. આ સાથે વાઉચર બીડ્યું છે, બો વોયેજ!’

કેવું છે આ માનવીનું મન! આટલી બધી દોડધામ, જહેમત, રખડપટ્ટી, માથાકૂટ અને મથામણ જે સફર માટે વેઠીએ એ શરૂ થવાના દિવસ આવતા ગયા એમ હૈયામાં એક જાતનો અજંપો વરતાવા માંડ્યો. રિટર્ન ટિકિટ એક વરસની મુદતની હતી. કેટલું રોકાવું, ક્યાં ક્યાં ફરવું એ વિશે કોઈ ચોક્કસ મર્યાદા મનમાં બાંધી નહોતી. નવા નવા દેશ જોવાની હોંશ હતી. મનમાં એક તરફથી આનંદી ઉશ્કેરાટ હતો, અને છતાં લાંબા ગાળા માટે મિત્રો અને કુટુંબીજનોથી વિખૂટા પડવાનો રંજ પણ એટલો જ હતો.

‘ગાંધી સ્મારક નિધિ’વાળો મારો દોસ્ત સત્યેન્દ્ર ડે જાપાન-અમેરિકા એક વરસ રહી, 1963માં મુંબઈ પાછો આવ્યો. એ વખતે ગાંધી નિધિનું કામ એણે છોડી દીધું હતું. એટલે મણિભવનમાં રહેવાની જોગવાઈ બંધ થઈ. હું મારા ચોપાટી રોડ પરના નિવાસે એકલો જ રહેતો. કુટુંબનાં સૌ મહાલક્ષ્મી રહેતાં. મેં સત્યેન્દ્રને મારી સાથે રાખ્યો. અમે બંને બે વરસથી એક જ રૂમમાં રહેતા. એવો જ કંઈ ઋણાનુબંધ હશે. એ પણ મારી જેવો જ અલગારી જણ. ન હું એની પંચાત કરું, ન એ મારી. એવા પ્રેમાળ સોબતીને હવે જગ્યા શોધવાનું કહેવું એ વાતનો મનમાં ખૂબ વસવસો હતો, એને જાકારો દેતાં જીભ ઊપડતી નહોતી ત્યાં અચાનક મે માસની આખરમાં એ કહે : દિલ્હીના ‘ગાંધી મ્યૂઝિયમ’માં મારી નિમણૂક થઈ ગઈ છે, અને 16મી જૂને મારે દિલ્હીમાં ચાર્જ લેવાનો છે. એની વાત જાણી મન ઉપરનો શિલાભાર જાણે ઊતરી ગયો. એને જવાનું સોળમીએ, મારે ઊપડવાનું વીસમીએ. આવા દુ:ખદ જોગાનુજોગ જંદિગીમાં ઘણા અનુભવ્યા છે.

જતા પહેલાં ઘણાં અંગત કામો પતાવવાનાં હતાં. મનની લોમવિલોમ અવસ્થામાં આ બધાં માટે ઠીક ઠીક સમય કાઢવો પડતો. મિત્રો કહે, ‘તું જાય છે એ પ્રસંગે એક વિદાયભોજન ગોઠવીએ, એ રીતે બધાને મળી લેવાશે.’ મેં કહ્યું, ‘એટલા પેસા મને રોકડા જ આપી દો તો મળ્યા જેટલો આનંદ થશે.’ એટલે એ વાત બંધ રહી. પત્રકાર મિત્રો કહે, ‘તારો એક ફોટો આપ, છાપી નાખીએ. ખિસ્સામાં પાસપોર્ટ ફોટો હતો એ બતાવ્યો, ત્યારે કહે, ‘આ તો બંડલ છે. બીજો પડાવી લાવ.’ અરે ભાઈ, પાસપોર્ટ ફોટામાં તો હોઈએ એવા જ દેખાવું જોઈએ! અંતે એ વાત પણ સુભાગ્યે બંધ રહી!

સફર શરૂ કરીએ તે પહેલાં થોડી આડવાતો અહીં લખવાનું મન થાય છે. પરદેશ પહેલી વાર જનારના — ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓના — માર્ગદર્શન માટે આપણે ત્યાં કંઈ જ સાહિત્ય નથી. પાસપોર્ટ, વીસા, પૅસેજ, એક્સચેંજ એ બધાં માટે એજંટોના દોરાવ્યા દોરાવવું પડે છે. તેઓ જેમ નચાવે એમ નાચવું પડે છે. અલબત્ત, આમાંની ઘણી આબરૂદાર પેઢીઓ એમના કામમાં ખૂબ નિષ્ણાત અને પ્રમાણિક છે; પણ જો કોઈ લેભાગુ કે નવાસવાને હાથે ચડી જાઓ તો વિમાસણ અને હાલાકીનો પાર ન રહે.

યુરોપ-અમેરિકા એટલે ઇન્દ્રરાજાનો દરબાર અને ભારત જાણે દરિદ્રનારાયણનો એક કંગાળ દેશ, એવી ઢબે વાત કરવાની એક રીત આપણે ત્યાં સૌકાઓથી ચાલી આવે છે. સફર આદરતાં પહેલાં, પરદેશ ફરી આવેલા આપણા ખ્યાતનામ લેખકોની લેખમાળા અને પ્રવાસવર્ણનનાં પુસ્તકો કુતૂહલથી ઉથલાવી ગયો. અત્યારે, બે વારની લંડનયાત્રા પછી એ બધું ફરી વાંચું છું ત્યારે રંજ સાથે નવાઈ લાગે છે. કહેવાનું મન થાય છે કે, ભાઈ! મેલો તોયે આ તો માનો ખોળો! એની વહાલપ બીજે ક્યાંય થાવી નથી.

છે, યુરોપમાં ઘણી ઘણી સારી વાતો છે એની ના નહિ. પણ એમ તો સારપ આપણા દેશમાંયે ભારોભાર છે. સાથે સાથે ત્યાં કંગાલિયત, અનાચાર, અત્યાચારો, ચોરી, લુચ્ચાઈ, હડતાલો, અપ્રમાણિકતા, તોફાનો, અસભ્યતા, બેકારી, ગંદવાડ વગેરે પણ ઠેર ઠેર અને સારા પ્રમાણમાં મોજૂદ છે. ડેલિગેશનોની અને સરકારી ધોરણની વિદેશયાત્રાઓ કરનારની ઉપરટપકેની નજર એ બધું ના જોઈ શકી હોય એ સ્વાભાવિક છે. ત્યાં હું અંગ્રેજોનાં છિદ્રો જોવા નહોતો ગયો. હું તો તેમને માટે, તેમના દેેશ માટે કંઈક અહોભાવ લઈને ગયો હતો. પણ બંને વખતે નિરાશ થઈને આવ્યો છું.

ત્યાંની પ્રમાણિકતાની વાતો ઠેરઠેર વાંચું છું. અનુભવ તો એવો છે કે ચાલુ વ્યવહારમાં ઘસારો સહન કરવાનું ટાણું આવે ત્યારે ‘ઇંગ્લિશમેન ઇઝ ઓનેસ્ટ અપટુ વન પાઉન્ડ!’ અંગ્રેજ બચ્ચાની પ્રમાણિકતાની હદ એક પાઉન્ડ સુધીની. એ વિશેના દાખલાઓ આપણે જોઈશું. હું સતત દસબાર વરસ નૈનીતાલ રહ્યો છું. ત્યાં ઘરને તાળું માર્યા વિના તમે બેફિકર બહાર જઈ શકો. રસ્તે પડેલી તમારી ચીજ સામે કોઈ પહાડી કુદૃષ્ટિ ન કરે એવી પ્રમાણિકતા મેં જોઈ-અનુભવી છે. યુરોપમાં, કદર કરવાની દૃષ્ટિએ બધું જોયા પછીયે, મારા દેશવાસીઓ મને કાર્યકુશળતામાં યુરોપની પ્રજા કરતાં ઊતરતા નથી લાગ્યા. ‘ટાઇમ્સ’ કે ‘મુંબઈ સમાચાર’ની ઓફિસની કાર્યવાહી ત્યાંની ‘ડેઇલી ટેલિગ્રાફ’ની ઓફિસને મુકાબલે ઊતરતી કક્ષાની નથી લાગી.

દિવસો સુધી ન નહાનાર, ટોઇલેટ પેપર વાપરનાર અને કાગળના હાથરૂમાલમાં થૂંકીને તેના ડૂચા ખિસ્સામાં સંઘરનાર અંગ્રેજ આપણા કરતાં સ્વચ્છતામાં ચડિયાતો છે એ વાત મારે ગળે તો નથી ઊતરતી. ત્યાંની સ્ત્રીઓને શરીરની દુર્ગંધ પર ઢાંકપિછોડો કરવા માટે સેંટની બાટલીઓ ઠાલવવી પડે છે. જાતજાતનાં લોશનો વાપરવાં પડે છે, ત્યાં કાળી ચામડી પ્રત્યેની અસભ્યતા તો જંગલીપણાની હદે પહોંચી છે. બ્રિટિશ પ્રમાણિત પાસપોર્ટની ઇજ્જત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આજે કાણા પૈસા જેટલી પુરવાર થઈ છે.

ચારસો વર્ષની પરંપરા સાથેનાં ત્યાંનાં નાટકો — થિયેટરો જોયાં, માંડ પા દાયકાની પગભર થવા મથતી આપણી ગુજરાતી રંગભૂમિનાં થોડાં અને બંગાળી, મરાઠી, કન્નડ, અંગ્રજી રંગભૂમિનાટકો યુરોપની રંગભૂમિનાં નાટકોથી ઊતરતાં મને નથી લાગ્યાં. ત્યાં ચૌદ-ચૌદ વર્ષથી એકધારું ભજવાતું નાટક ‘માઉસ ટ્રેપ’ જોઈને તો સદંતર નિરાશા થયેલી. આ વાતની ચર્ચાના અનુસંધાનમાં થિયેટર સાથે સંકળાયેલી એક આગેવાન વ્યક્તિએ કહ્યું હતું, ‘સર, પરહૅપ્સ યૂ હૅવ કમ હીયર વિથ વેરી હાઇ એક્સપેક્ટૅશન્સ. નાટકો વિશે તમે કદાચ ખૂબ મોટી ઉમેદ લઈને અહીં આવ્યો છો એટલે તમને નિરાશા થાય છે.’

આપણી ઊણપો છે. પારાવાર ઊણપો છે અને છતાં, સ્વાતંત્ર્ય પછીનાં વીસ વર્ષની પ્રગતિયે સાવ નિરાશાજનક તો નથી જ. ચાલીસ વર્ષ પહેલાં પરિસ્થિતિ એ હતી કે આપણા દેશમાં અંગ્રેજો તો શું પણ એંગ્લોઇન્ડિયનો સુધ્ધાં માટે અલગ કંપાર્ટમેન્ટ હતાં. આજે યુરોપમાં અંગ્રેજ આપણને ‘સર’ કહીને સન્માને છે. આપણા દેશની પ્રગતિ વિશે આપણને સંતોષ નથી, બલકે વાજબી રીતે પારાવાર કચવાટ છે. પણ યુરોપની રાજકીય, સામાજિક અને આથિર્ક પરિસ્થિતિ ઓછી કથળેલી નથી. ટૂંકમાં માનવસ્વભાવની નીપજ બધે જ એકસરખી છે.

લંડનમાં પ્રમાણિકતા દેખાય છે, કારણ કે ત્યાં બેકારીની સામે સરકારી રાહતનું રક્ષણ છે, એ ઢાલને લીધે કાલે સવારે ખાઈશું શું? એવો કારમો ભય પ્રજાને સતાવતો નથી, ત્યાં મહિને સો-બસો શિલંગિમાં ઘરવહેવાર નભાવવો પડે તો લોકોને ખબર પડે કે પ્રમાણિકતા કેમ જળવાય છે! અહીં, આપણા દેશમાં, કરોડો કુટુંબો એવાં છે જે મહિને સો-પચાસ રૂપિયામાં સંસાર ચલાવે છે. અને છતાં, એ લોકો પોતાનાં ઘરડાં માવતરને, વિધવા ભાભીને કે અપરિણીત બહેન-ભાણેજરુને મમતાથી પોષે છે. બીજા કરોડો તો સાવ બેકાર છે. યુરોપમાં વૃદ્ધ સ્ત્રીપુરુષોની કરુણ અવદશા તમે જુઓ તો આંખમાંથી લોહીનાં આંસુ ખરે!

ત્યાં બસની લાઇન તોડીને આગળ દોડતાં લોકો મેં જોયાં છે. અંડરગ્રાઉન્ડ રેલવેની હકડેઠઠ ભીડમાં હું ભીંસાયો છું. રસ્તે રખડતી વેશ્યાઓ મને ભટકાઈ છે. ટ્રેનના ‘સ્મોકંગિ કંપાર્ટમેન્ટ’માં પારાવાર કચરો મેં જોયો છે. અસાધારણ ગંદકીવાળા ‘સ્લમ’ વિસ્તારમાં હું ફર્યો છું અને દારૂ ઢીંચીને ફૂટપાથ પર આળોટતા દારૂડિયા મેં જોયા છે.

અને કુદરતની મહેર તો કયા દેશ પર નથી ઊતરી! બંને સફર દરમ્યાન ગજાસંપત પ્રમાણે ઇટાલી, ફ્રાંસ, સ્કેન્ડિનેવિયા, જર્મની, ઇજિપ્ત, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે સ્થળોની ઝાંખી કરી છે. લંડનની બરફલીલાઓ તો ખૂબ માણી લીધી. ત્યાંની મશહૂર ‘કંટ્રી સાઇડ’ અને ‘લેક ડિસ્ટ્રિક્ટ’નો આસ્વાદ પણ લીધો. સ્કોટલેન્ડની પહાડીયે ઘૂમી વળ્યો. આંખ અને અંતર એ વખતે હર્ષથી છલકાયાં છે, પણ સદ્ભાગ્ય એટલું કે ભારતમાંયે મસૂરી, કાશ્મીર, ઉટાકામંડ, સિમલા વગેરે સ્થળોએ ફર્યો છું. નૈનીતાલ તો વરસો રહ્યા. રાનીખેત, આલ્મોડા, ભીમતાલ ખૂંદી વળ્યો. મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, પૂરી, ધનુષકોડી એ બધાં સ્થળોની સાગરલીલા તો યુરોપમાં ક્યાંય ન ભાળી. ગીરની ડુંગરમાળ, મહારાષ્ટ્રની ઘાટી, દક્ષિણ ભારતનાં ગોપુરમો, બંગાળની સુજલાં-સુફલાં હરિયાળી, અનેક યાત્રાસ્થળો, ગુફાઓ, સ્થાપત્યો, એ બધાં નજરદીઠાં નજરાણાંથીયે અંતર ઓછું આનંદતરબોળ નથી થયું.

યુરોપમાં ઘણું અનુકરણ કરવા જેવું છે. ત્યાંની પ્રજાની રાષ્ટ્રીય શિસ્ત તો બેનમૂન છે. એ બધી સારી વાતો આપણે આ સફર દરમિયાન મન ખોલીને કરવી છે. પણ ‘પારકું બધું વાવા અને આપણું બધું છીછી’ એવી ઘોષણા સામે આટલો ઉરઅજંપો ઠલવાઈ ગયો.

સમયની વણથંભી સફરમાં વીસમી જૂન આવી લાગી. કસ્ટમ, હેલ્થ ઇન્સ્પેક્શન વગેરેના આંટીઘૂંટીભર્યા કઠેડા પટાવી હું સ્ટીમર ‘મારકોની’ના ડેક પર પહોંચી ગયો. કુટુંબીજનો અને મિત્રો વળાવવા આવ્યાં હતાં. સૌનાં હૈયાં ભારે હતાં. માત્ર ખુશ હતો મારા દીકરાનો દીકરો અજોય! એને હતું કે દાદાજી એને માટે ખૂબ રમકડાં લેવા જ લંડન જાય છે. અને હવે આપણી સફર શરૂ થાય છે.

પરદેશની મારી પહેલી સફર! હવાઈ જહાજની અલપઝલપ મુસાફરી કરતાં મને સ્ટીમરનો લાંબો, આરામી રંગીન જળવિહાર ગમે છે.

લંગર ઊંચકાયું, ભૂંગળાએ શંખ ફૂંકાય એવો ઘોષ કર્યો અને સ્ટીમર કિનારેથી સરકવા લાગી.

‘લોઇડ ટ્રીએસ્ટીનો’ કંપનીની એરકંડિશન્ડ લક્ઝરી લાઇનર ‘મારકોની’એ મુંબઈનું બારું છોડ્યું ત્યારે મારા મનને જાણે ખાલી ચડી ગઈ. ઘર છોડતાં, પોતીકી ધરતીની વિદાય લેતાં વસમું લાગ્યું. ડેક ઉપર ઊભેલાં સ્વજનો સામે, પત્નીએ આપેલાં ગુલાબનાં તાજાં ફૂલો હલાવતો હું વિદાય લઈ રહ્યો હતો. આ બધાં મિત્રો, શુભેચ્છકો, સગાં, વ્હાલાં હવે પાછાં ક્યારે મળશે? મને મળશે કે નહિ તેય કોણ જાણે!’ પત્ની પાલવથી અવારનવાર આંખો લૂછી રહી હતી. સ્ટીમર ખૂબ દૂર નીકળી ગઈ અને દૂરબીનમાંથી કિનારો દેખાતો બંધ થયો ત્યારે હું કૅબિનમાં ગયો.

જહાજનું માઇક ગાજતું થયું. પાસપોર્ટ અને ટિકિટ ચેક કરાવવાની, લગેજરૂમના લગેજની રસીદ લાવવાની, લાઇફજૅકેટ પહેરવાની તાલીમની, જમવાના ટેબલની વિગતો જાણવાની… એમ અનેક વિધિઓ માટેની જાહેરાતો શરૂ થઈ. તોતંગિ જહાજની રચનાથી અને અવરજવર માટેની ગલીકૂંચીઓની ભુલભુલામણીથી વાકેફ થતાં જ ખાસ્સો અડધો દિવસ લાગે તેવું હતું. કૅબિનના એક માત્ર સાથી ભાઈ પ્રેમ દીવાન સફરરીઢા હતા. આ હતી એમની ચોથી વિલાયતી સફર. ‘ધંધાના વધુ વિકાસ માટે’ વારંવાર પરદેશ જતા. ઠંડે કલેજે એમણે કહ્યું, ‘માઇક પર આવી જાહેરાતો તો થયા જ કરશે. એમ ઉતાવળ કરીને દોડવાની જરૂર નથી. છેવટે બાકી રહેલાં ઉતારુઓનાં નામ પોકારશે, ત્યારે આપણે નિરાંતે જઈશું. હમણાં તો ત્યાં સુધી ખાસ્સી લાઇન લાગી હશે. આરામ કરો!’

એટલે મેં સામાનસરંજામ વ્યવસ્થિત કર્યો. કપડાં સંદૂકમાંથી કાઢી અલમારીમાં ગોઠવ્યાં, ગુલાબનાં ફૂલોને ફૂલદાનમાં સજાવ્યાં. પત્નીનો અને પૌત્રનો ફોટો ટેબલ પર નજરે પડે એમ ગોઠવ્યો. તન અને મન જાણે થાકી ગયાં હતાં, ખુશ્બોદાર તમાકુવાળું પાન જમાવી હું તળાઈમાં લાંબો થયો. ક્યાંય સુધી અન્યમનસ્કભાવે પડ્યો રહ્યો. ‘હોમ સિકનેસ’ જાણે શરૂ થઈ ગઈ! મુંબઈનો આખો માનવમેળો નજર સામે તરવા લાગ્યો. અત્યારે સૌ ઘરે પહોંચીને મારા પ્રવાસની જ વાત કરતાં હશે? નાનો અજોય શું કરતો હશે? એની કેવી એક ભોળી આગવી બાળદુનિયા છે! ભવનમાં નવાં નાટકમાં રિહર્સલ ચાલતાં હશે. ચોપાટીના રેતીપટ પર લોક ભેળપૂરી ખાતા હશે. ભિખારીઓ ભીખ માંગતા હશે. લાલભડક બસો દોડતી હશે. મોટરમાં હોર્ન વાગતાં હશે. પરદેશની ધરતી અને ત્યાંના લોક કેવા હશે? ત્યાંની રીતરસમો કેવી હશે? જહાજી સૃષ્ટિ કેવી નીવડશે? એમ ક્યાંથી ક્યાં મનમાંકડું નાચવા માંડ્યું.

નાનાં બાળકોની જંજાળવાળાં પૅસેંજરોની પહેલી ભોજનપંગત સાંજે સાત વાગ્યે હતી, અમારે બીજી પંગતમાં આઠ વાગ્યે ડિનર પર જવાનું હતું. શેવંગિ પતાવી ઠંડા પાણીથી તાજગીભર્યું સ્નાન કરી મેં થકાવટને ખંખેરી લીધી. કપડાં બદલી, સૂટ ચડાવી હું ડાઇનંગિ રૂમમાં પહોંચ્યો ત્યારે જમણને હજી દસ મિનિટની વાર હતી. જમી પરવારેલાં પૅસેન્જરો બહાર સરકી રહ્યાં હતાં. જગ્યાની ચોકસાઈ કરી હું ટેબલ નંબર 50 ઉપર ગોઠવાયો. સરસ છાપકામથી શોભતું રંગબેરંગી ‘મેનુકાર્ડ’ ઉથલાવવા લાગ્યો. છસો જેટલાં પૅસેન્જરો એકસામટાં જમી શકે એવો વિશાળ હોલ ખાલી ખાલી લાગતો હતો. બીજી પંગતનાં પૅસેન્જરો હજી આવ્યાં નહોતાં. પાંચ પળ પછી એક અત્યંત સોહામણી યુવતી હોલમાં દાખલ થઈ. રૂપ સ્વયં જાણે રૂપાળું બનીને આવ્યું હોય એવું કોઈ ઊમિર્કાવ્ય જેવું, હવાને મધુરપથી ભરી દેતું એનું સરળ — સ્વચ્છ સૌંદર્ય અત્યાર સુધી ખાલી ખાલી ઓરડામાં જાણે છવાઈ ગયું. બધું ખાલી દેખી એક પળ એ અચકાઈ. પછી હેડ સ્ટૂઅર્ડ સાથે વાત કરી એ ટેબલ નંબર 50 તરફ જ વળી. મારી નજીક આવી થંભી.

ઊભા થઈ, ખુરશી ખસેડી આપી એને વિનયથી આવકારતાં હું અંગ્રેજીમાં બોલ્યો, ‘ગુડ ઇવનંગિ, મેડમ! હવે આપણે દસ દિવસ સુધીનાં ટેબલ-પાર્ટનર છીએ. સો પ્લીઝ્ડ ટુ મીટ યૂ. આઇ એમ રસિક ઝવેરી.’

એ મીઠું મલકીને કહે, ‘ધ પ્લેઝર ઇઝ ઇક્વલી માઇન સર! આઈ એમ અનુરાધા… મિસ અનુરાધા મહેતા.’

અનુરાધા ખૂબ લાવણ્યમયી હતી. એની દેહરેખા, કેશ, હોઠ, લલાટ, આકાર, છટા, ઢબ, શૈલી ગમે ત્યાં એક નજર જરાક ઠરે અને એ નજર ત્યાંથી પાછી ન ફરે — ન ફરી શકે. એની નાની નાસિકામાં જે ગર્વ હતો, તેજકિરણના જેવું પ્રતાપી રૂપ હતું એ જોનારને એક પ્રકારની શેહમાં આંજી દે એવું હતું. પ્રમાણબદ્ધ આકર્ષક રૂપને એણે સ્વેટરમાં લપેટ્યું હતું. હું વાતે વળગ્યો, ‘મિસ મહેતા એટલે તો કદાચ… આઇ મીન…?’

‘હા, જી. ગુજરાતી છું!’

‘શિષ્ટાચાર ખાતર નહિ, પણ ખરેખર કહું છું કે હવે તો… તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, મિસ મહેતા! મેં ગુજરાતીમાં જ વાત શરૂ કરી.’ અનુરાધા હસી પડી. પછી બોલી, ‘તમે મને રાધા કહીને બોલાવશો તો ચાલશે. બધાં મને એ જ નામે બોલાવે છે. ગુજરાતીમાં ‘મિસ મહેતા.’ તો કેવું અડવું લાગે છે, નહિ?’

થોડી વારમાં આખો હોલ પૅસેન્જરોથી ભરાઈ ગયો. સ્ટાર્ચ કરેલાં કડક કપડાંમાં સજ્જ પૂતળાં જેવા સ્ટૂઅર્ડો ડાઇનંગિ હોલમાં સરકીને પીરસી રહ્યા. સ્ટીમર ઓસ્ટ્રેલિયાથી આવતી હતી. જુદા જુદા દેશના, જુદા જુદા મિજાજના, જુદા જુદા રંગના સેંકડો માણસોનો એ ભોજનમેળો હતો, રંગબેરંગી આંખોની જાણે મિજલસ જામી ગઈ. નશાથી ચૂર લાલ આંખો, આકાશ જેવી ભૂરી આંખો, કાળોતરા નાગ જેવી કાળી આંખો, મોરપીંછ જેવી નીલ આંખો, પાનેતરના રંગ જેવી પીળી આંખો, ફૂદીનાના અર્ક જેવી લીલી આંખો… જ્યાં જુઓ ત્યાં બસ અનેકરંગી આંખો એકબીજાની સાથે ટક્કર લઈ રહી હતી. એકબીજાને માપી રહી હતી.

ટેબલ નંબર 50ની બાકીની છ ખુરશીઓ ખાલી જ પડી રહી. સ્ટૂઅર્ડે કહ્યું, ‘એ પૅસેન્જરો એડનથી જોડાશે.’ જમવાનું સરસ હતું, વાઇનથી ભરેલી કાચની સુરાહી ટેબલ પર પડી હતી. મેં મારો ગ્લાસ ભર્યો. પછી અનુરાધા સામે જોયું. એ કહે, ‘એમાં શું છે?’

‘મેનુમાં લખ્યું છે તે પ્રમાણે સરસ તાઝગીભર્યો ઇટાલિયન વાઇન છે. તબિયત માટે ખૂબ સરસ ચીજ છે.’

‘નશો ચડશે?’

‘નશીલી ચીજ પીવાથી નશો ન ચડે એવું કદી બને ખરું?’

રાધા કહે, ‘મેં તો કદી નશીલું પીણું પીધું નથી એટલે મને શી ખબર પડે? પણ અહીં, જહાજ પર હું બધું… બધ્ધું જ કરવાની છું. ખૂબ ખાવાની છું, ખૂબ નાચવાની છું, તરવાની છું. મને પણ એક ગ્લાસ આપો.’

જાંબુડિયા રંગના આસવથી ભરેલા વાઇન ગ્લાસ ટકરાવતાં હું બોલ્યો, ‘ટુ અ વેરી પ્લેઝન્ટ વોયેજ!’

જમવાનું પૂરું કરી અમે ડેક પર ગયાં.

ચાંદની રાત હતી. દરિયો શાંત હતો. જહાજ સરકતું હતું. આકાશ એટલું ચોખ્ખું હતું અને એની ભૂરાશ એટલી મુલાયમ હતી કે સુદ ચોથની ઉજાસભરી ચાંદનીથી ભલે આખું નભનંડળ ઓપતું હતું, છતાં ઉત્તરની ક્ષિતિજે સ્થિરતાથી ચમકતો ધ્રુવ અને એની આસપાસ અજવાળું પાથરી ફર્યા કરતી શમિર્ષ્ઠા સાવ સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. ચારેકોર બસ વિરાટ, અનંત, ગેબની સાથે ગોઠડી કરતાં જળરાશિ સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. અમે કઠેડાને અઢેલી, ચાંદનીમાં ચમકતાં આસમાની રૂપેરી અફાટ સાગરજળને જોતાં રહ્યાં.

એટલામાં પ્રેમદીવાન આવ્યો. કહે, ‘અહીં શું ઊભાં છો? ચાલો, બોલરૂમમાં.’

બોલરૂમ ચિક્કાર ભરેલો હતો. ખુરશી એકેય ખાલી નહોતી. ધીમું ધીમું રસીલું જાઝ મ્યૂઝિક હવામાં લહેરાતું હતું. ફ્લોર પર બેત્રણ યુગલો નાચી રહ્યાં હતાં. પ્રેમે અનુરાધાને પૂછ્યું, ‘નાચીશું?’

એ સહેજ વિચારમાં પડી, પછી બોલી, ‘પ્લીઝ! માફ કરજો મને. આજે નહિ, હું ખરેખર થાકી ગઈ છું. વળી આ કપડાંમાં નાચું એ પણ ઠીક નહિ. કાલે ફક્કડ સાડી પહેરીશ ત્યારે જરૂર નાચીશ.’

પ્રેમ બીજી પાર્ટનરની શોધમાં સરકી ગયો. થોડી વારે વધુ યુગલો નાચવા લાગ્યાં. જગ્યા ખાલી પડી એટલે અમે એક ખૂણામાં ગોઠવાઈને મિજલસ માણવા લાગ્યાં. મેં સ્ટૂઅર્ડને બોલાવ્યો અને વિવેકથી અનુરાધાને પૂછ્યું, ‘તમને વાંધો ના હોય તો મારે માટે બીઅર મંગાવું. તમે લેશો?’

એ કહે, ‘પેલા વાઇનથી તો કશો નશો ન થયો, બીઅર હું વહેલોમોડો પીવાની છું; તો પછી પહેલો જ શા માટે નહિ?’

ઠંડાગાર બીઅરના મગ આવ્યા. અનુરાધાએ પહેલો ઘૂંટડો ભર્યો અને એનું મોં બગડી ગયું, ‘અરે! કેટલો બધો ખરાબ સ્વાદ છે આ બીઅરનો?’ એ બોલી. મેં કહ્યું, ‘સ્વાદ માટે કોઈ શરાબ નથી પીતું, રાધા!’ શરાબ પીએ છે લોકો નશા માટે. તમને ના ફાવે તો ના પીશો.’

બીઅરના ઘૂંટ સાથે વાતો વહેતી થઈ. અચાનક મને એ ગર્વીલી, તેજસ્વી છોકરીને ચમકાવવાનું મન થયું. મેં કહ્યું, ‘રાધા! આઇ એમ ઇન લવ વિથ યૂ સવ એટ ફર્સ્ટ સાઇટ! પહેલી નજરે જ હું તમારા પ્રેમમાં પડી ગયો છું.’

એક ક્ષણ એ ચોંકી. એની ગગનરંગી ભોળી આંખો બાવરી બની. એને થયું કે બીઅર આ બધું મારી પાસે બોલાવી રહ્યો છે. મેં કહ્યું, ‘ચમકી ગયાં ને?’ તમે એટલાં સુંદર છો. એટલાં મીઠ્ઠાં છો; તમારા ચહેરા પર એવી રૂપાળી ભોળી મુગ્ધા રમ્યા કરે છે, કે બસ જોયા જ કરવાનું મન થાય. મારે તમારા જેવી જ, તમારા જેવડી જ, સરસ અને તેજસ્વી દીકરી છે. એને મળવા જ લંડન જાઉં છું. એની ફાધર વુડ બી પ્રાઉડ ઓફ ડોટર લાઇક યૂ!’

મારી આંખોનો સ્વચ્છ, નિષ્કપટ રંગ જોઈને એ હસી પડી. પછી કહે, ‘તો પછી તમે મને તુંકાર કેમ બોલાવતા નથી?’ ‘તમે તમે’ શું કહ્યા કરો છો? બાય ધ વે, તમને તમારી દીકરી શું કહીને બોલાવે છે?’

‘ભાઈ કહીને.’ ‘અચ્છા ભાઈ! પ્રેમની આ પહેચાન પર આપણે બીજો બીઅર મંગાવીએ.’ મેં પૂછ્યું, ‘કેમ હવે કડવો નથી લાગતો?’ એ કહે, ‘લાગે છે. પણ એની તરાવટથી મારા મનને જાણે સારું લાગે છે.’

સાગરને હેલારે હળવે હળવે ડોલતા જહાજમાં રાત્રે સરસ ઊંઘ આવી ગઈ. મુંબઈના થાકની રજ વેરાઈ ગઈ. વહેલી સવારે કૅબિનના સ્ટૂઅર્ડે મને અને પ્રેમને જગાડી, વરદી પ્રમાણે ‘બેડ ટી’ આપી ગયો. ચાનું પતાવી મેં તમાકુવાળું પાન જમાવ્યું અને પ્રેમે પાઇપ પેટાવી. હતો સફરનો અનુભવી મનમોજી આદમી. અમે વાતે વળગ્યા. મેં એને જહાજી રીતરસમો વિશે માહિતી પૂછી. એ કહે, ‘અહીં આ શંભુમેળામાં, વળી રીત કેવી અને રસમ કેવી? આપણે પૂરાં નાણાં ખરચીને પૅસેજ લીધો છે, આ કૅબિન પૂરતા તો આપણે બાદશાહ. કૅબિનની બહાર પણ આપણને ફાવે તે રીત અને ગમે તે રસમ! તમે તમારે મન ફાવે તેમ હરોફરો, તમે શું પહેરો છો, શું કરો છો એ જોવાની કોઈને અહીં પડી નથી. હા. ફક્ત ડિનર વખતે અને બોલરૂમમાં કોટ અને ટાઈ ફરજિયાત. ટાઈ ના પહેરવી હોય તો બંધ ગળાનો દેશી કોટ પહેરો એટલે પત્યું. તમે હમણાં ડેક પર જશો ત્યારે જોશો કે ત્યાં કેવા કેવા ચિત્રવિચિત્ર, ભડકામણા અને ઢંગધડા વગરના વેશ કાઢીને સૌ રઝળે છે. તમે બેફિકર લૂંગી પહેરીને ફરજો.’

આઠથી નવ સુધીમાં ડાઇનંગિ હોલમાં જઈ નાસ્તાનું પતાવવાનું, એ દરમ્યાન તમારી મોજ પ્રમાણે ફાવે ત્યારે જાઓ અને મન પડે ત્યાં અડ્ડો જમાવો. કોઈ ટેબલપાબંદી નહિ. નાસ્તો પતાવી અમે ડેક પર ગયા. ફર્સ્ટ અને ટૂરિસ્ટ ક્લાસ મળીને જહાજ પર બારસો જેટલાં મુસાફરો હતાં. નાનાંનાનાં ગોળમટોળ ભૂલકાંઓ ગેલમસ્ત હતાં. હમસફર સ્ત્રી-પુરુષો એકબીજાં સાથે હળીમળી મૈત્રી વિકસાવી રહ્યાં હતાં. લંચ પહેલાં તો ડેક ઉપર ઘણી નવી ઓળખાણો થઈ ગઈ.

રાવ દંપતી સહકુટુંબ ઇટાલી જાય છે. ત્યાંની એમ્બેસીમાં કામ કરશે. પારસી બિરાદર મંચેરશા દીકરીને મળવા જર્મની જશે. શેખ ઉસમાનભાઈ દીકરાને મળવા લંડન જાય છે. ખન્ના, કૃષ્ણમૂતિર્, કામઠ, ઠક્કર, શર્મા… એ વિદ્યાર્થીસંઘ લંડન વટાવી અમેરિકા જશે. સૌ સ્ફૂતિર્થી ડેક પર લટાર મારી રહ્યાં છે. બે ગોરી છોકરીઓ બેધંગિ કોસ્ચ્યૂમમાં સનબાથ લઈ રહી છે અને રૂપ સાથે અરૂપને છતું કરી રહી છે. અનુરાધાએ સરસ છટાથી આછા આસમાની રંગની સાડી પહેરી છે. એના ઘૂંટણ સુધી ઢળકતા કેશ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. કૃષ્ણમૂતિર્ને ખભે કીમતી કૅમેરા લટકે છે. એણે અનુરાધાને પૂછ્યું, ‘ઇફ યૂ ડોન્ટ માઇન્ડ પ્લીઝ! તમારો એક સરસ સ્નેપ લઉં?’ અનુરાધા અદાથી પોઝ આપે છે. ધીમે ધીમે રસિક યુવાનોનું ખાસ્સું ટોળું એની ફરતું જામી જાય છે.

લેચનો સમય થયો. અનુરાધા ભાખરા, અથાણું અને મીઠાઈ લાવી છે. લંચને અંતે સ્ટૂઅર્ડ આઇસક્રીમ લાવ્યો. હું એનીસાથે વાતે વળગ્યો. એનું નામ ફ્રેંકો. અચ્છો માણસ. રમૂજી ઇટાલિયન. હસીને વિનયથી વાત કરે. પૅસેન્જરોની તકતેવડ સાચવવાની હૈયાઉકલતવાળો. મેં બીજી વાર આઇસક્રીમ મંગાવ્યો, ફ્રેંકો કહે, સર! તમને આઇસક્રીમ બહુ પ્રિય લાગે છે!’ મેં કહ્યું, ‘એવું નથી. આ તો, મારા દીકરાના દીકરાએ ખાસ કહ્યું છે કે મારા ભાગની આઇસક્રીમની એક પ્લેટ મને યાદ કરીને રોજ ખાજો, એટલે બીજી પ્લેટ મંગાવી.’ એ પછી ફ્રેંકો મારે માટે રોજ બે પ્લેટ આઇસક્રીમ લાવે. કહે, ‘વન ફોર સીનોરી, વન ફોર ગ્રાંડ સન!’

ત્રીજે દિવસે એડન પહોંચ્યા. જહાજ અમારે પહેલે મુકામે લાંગર્યું. ઘરે કાગળો લખી રાખ્યા હતા તે પર એડનની સ્ટૅમ્પ લગાવી પોસ્ટ કર્યા. ભાનુએ મોકલેલા પચાસ પાઉન્ડ કૅપ્ટન પાસેથી મેળવી લીધા. જહાજ પરની સ્ત્રીઓનો ઉમંગ માતો નહોતો. એડનનો મુકામ એટલે સૌ માટે ખરીદીનો ઉત્સવ. પ્રેમ દીવાન કહે, ‘સ્ટર્લિંગની સગવડ હોય તો અહીંથી તમને એક સરસ કૅમેરા ખરીદી આપું. નેપલ્સમાં એ સારા નફાથી વેચાઈ જશે.’ મેં કહ્યું, ‘ભાઈ! કોઈએ મુંબઈમાં ગૂપચુપ પાઉન્ડ ખિસ્સામાં નાખી લઈ જવાની તો કોઈએ યુનિવસિર્ટી મેડલ ચુપચાપ લઈ જવાની સલાહ આપી હતી, કહ્યું હતું : ‘બધા એમ જ કરે છે. પણ મન ના માન્યું અને એવું કાંઈ ના કર્યું — ન કરી શક્યો. તો અહીંયાં, પારકા પરદેશમાં એવા લફરામાં ક્યાં પડવું? મારું એ ગજું નથી!’

એ રાત્રે ટેબલ નંબર 50ની બાકીની ખાલી ખુરશી ભરાઈ ગઈ. મિસ્ટર અને મિસિસ સિંહા : જુવાની વટાવી રહેલું સુખી યુગલ. મિસિસ ગુલ શિરાઝી જમાનાની ખાધેલ બાઈ. એની આંખોમાં કુતૂહલનાં સાપોલિયાં સળવળે. મિસ સુંદરી મીરચંદાની મદિરા જેવી ઉન્મત્ત આધેડ યૌવનથી છલકાતી રંગીલી સ્ત્રી. વરસો જર્મની રહી છે. મજેદાર વાતો કરે. મુક્ત પંખીની ઉડાન જેવું ખડખડાટ હસે. ડિનર પતાવી અમે સૌ બોલરૂમમાં ગયાં. બીઅરના મગ લઈ ગોઠવાયા. અનુરાધા અને કૃષ્ણમૂતિર્ ડાન્સ કરવા લાગ્યાં. સુંદરી મને કહે, ‘કમોન! લેટ અસ ડાન્સ.’ મેં કહ્યું, ‘મને નહિ ફાવે. તમને એક પાર્ટનર શોધી આપું.’ મેં પ્રેમને પકડીને સુંદરીને હવાલે કર્યો.

ત્યાં મિસિસ શિરાઝી મારી પાસે આવીને ગોઠવાઈ. પહેલી નજરે પતંગિયા જેવી આછકલી લાગે, પણ થોડા જ પરિચયે એની નેકી અને ખેલદિલીની ઝાંખી થઈ જાય. સ્ટૂઅર્ડને બોલાવી એણે અમારે માટે વ્હિસ્કી મંગાવ્યો અને મારી પાસે સિગારેટ માગી સળગાવી. જબરી વાતોડિયણ થોડી વારમાં તો એણે મારી સાત પેઢીનો ઇતિહાસ ખંખેરી લીધો. મારા ખૂબ આગ્રહ છતાં, ડ્રંક્સિના પૈસાયે એણે જ ચૂકવ્યા.

પણ સફર દરમ્યાન સૌથી વધુ ગમ્મત આવી જહાજ પરનાં તંદુરસ્તીથી તરવરતાં, નાનાં નિર્દોષ ભટૂરિયાં જોડે રમવાની. સફરના અનુભવી એક મિત્રની સલાહ માની મુંબઈથી મેં પીપરમેંટ, ચોકલેટ, કોફી, પેંડા, જીરાગોળી, સુગંધી સોપારી, એવું બધું સારા પ્રમાણમાં ભેગું રાખેલું. બાળકને એક દિવસ છૂટથી લહાણી કરી. પછી જોઈ લો મજા! બધાં ભૂલકાં દોસ્ત બની ગયાં. હું નીકળું એટલે ‘ઓલ્ડ મૅન વિથ સ્વીટ્સ’ એમ કલબલાટ કરી મૂકે. ખાસ્સું ટોળું જામી જાય મારી ફરતું. અમારી મંડળી એવી જામે કે ફર્સ્ટ ક્લાસનાં બાળકો પણ એમાં ભળી જતાં. એ બધાંને હું બાળકો માટેના ઓરડામાં ભેળાં કરી વાર્તા આદરું : પરી અને રાજકુમારીની, રાક્ષસ અને વહેંચિયાની, અલ્લાદિન અને જીનની, ચકાચકી અને કાગડાભાઈની. પછી અમે રમત રમીએ : છૂકછૂક ગાડી; ઘોડોઘોડો; મદારીના ખેલ; રીંછની રમત અને અલકચલાણું. ખૂબ મજા આવતી — ફરી એખ વાર નાનપણ આવ્યું હોય એવી! એમની માતાઓ છુટકારાનો દમ ખેંચતી. નિરાંતે ફરતી. છેલ્લે દિવસે, આ દોસ્તીદાવે, બાળકોની ફેન્સીડ્રેસ હરીફાઈમાં કૅપ્ટને જજ તરીકે મને બેસાડ્યો.

જહાજ નેપલ્સ પહોંચ્યું. અમારી સાથે હરનામસંગિ ચડ્ડા નામનો એક શીખ સરદાર એડનથી જોડાયો હતો. છ ફૂટ ઊંચો તગડો જુવાન. વર્ષો સુધી કંપાલા રહી હવે લંડન જતો હતો. ખિસ્સું સ્ટરલંગિથી તર. એની પાસે બ્રિટિશ પાસપોર્ટ. મારા ખિસ્સામાંય એવી રોકડ રકમ. સમય સાંજે સાતનો. ઠીકઠીક અંધારું. અમે અજાણ્યા રસ્તાઓમાં અટવાઈ ગયાં, પણ જહાજી મુકામથી બહુ દૂર ગયા નહોતા એટલે ખાસ ફિકર નહોતી. સાડા સાત સુધીમાં જહાજ પર પાછા જવાનું હતું.

એક ગલી વટાવવાનું થયું. રસ્તા પર બે છોકરીઓ ફરે અને ગલીને નાકે ચારપાંચ સોલ્જરો યુનિફોર્મમાં ઊભા હતા. હરનામસંગિની પંજાબી પાઘડી જોઈ છોકરીઓ નજીક સરકી. બોલી, ‘મહારાજ્જુ!’ સરદારજી તો આ સાંભળી પાણી પાણી થઈ ગયા. મને કહે, ‘ચાલો ચચાજી! ઉસકી સાથ બાત કરેં.’ પણ ચાચાજીનું ઠેકાણે હતું. મેં કહ્યું, ‘સરદાર, મારા બાપ! જહાજ પર પહોંચવાનો વખત થવા આવ્યો છે, માટે આવાં લફરાં છોડી સીધો પાધરો ચાલવા માંડ.’ એ કહે, ‘ચાચા! તુમ ડરો મત. મજા આ જાએગા.’ મેં કહ્યું, ‘શું ધૂળ મજા આ જાએગા! આ તો છે રખડુ બાઈઓ, અને પેલે ખૂણે ચાર મામા ફરે છે એ જોયા? તારી મજા અવળી નીકળી જશે. મારે પળ પણ અહીં રોકાવું નથી.’

પણ શિખામણ સાંભળે એ બીજા. એ તો ગયો પેલી બે પાસે. મારા પેટમાં ગૂંચળાં વળે. થોડી વારે આવી મને કહે, ‘લડકી લોક હમારા પર ખુશ હૈ. હમસે ‘લવ’ કરતા. પૈસા નહિ માગતા. ચલો યાર!’

મેં કહ્યું, ‘માળા મૂરખ! એને ‘લવ’ કરવા બીજું કોઈ ના મળ્યું તે તું જ મળ્યો! અહીં કોઈ કોઈને ‘લવ’ નથી કરતું. આ અજાણી ધરતીમાં ક્યાંય ફંગોળાઈ જઈશ. તારે રોકાવું હોય તો ખિસ્સામાં જે કંઈ હોય તે મને સોંપી દે અને મને જવા દે.’

મેં એને ખૂબ સમજાવ્યો. પણ શાણી વાત માને તો સરદાર શાનો? હું ત્યાંથી ભાગ્યો. પાછું વળીને જોયુંયે નહિ. ગલી વટાવું ત્યાં સામે જ જહાજનો અડ્ડો વરતાણો. જઈને પ્રેમદીવાનને વાત કરી. એ કહે, ‘માર્યા ઠાર! સરદારે ભારે કરી! એની તો બાદબાકી થઈ જશે. હવે એને ગોતવોયે ક્યાં?’

અમે બંને જહાજ પરથી ઊતરી આસપાસ આંટા મારવા લાગ્યા. અંતે જહાજ ઊપડવાને પાંચ મિનિટની વાર હતી ત્યાં સરદારજી દેખાયા. ‘મહારાજા’ની પાઘડીના વાળ વીંખાઈ ગયા હતા એના ખિસ્સામાંના સાઠ પાઉન્ડ, ઘડિયાળ, પેન અન સોનાની વીંટી નદારદ. એ કહે કે છોકરીઓ એને એક ખૂણામાં લઈ ગઈ હતી ત્યાં પાછળથી આવી પેલા સોલ્જરોએ એને ધમકાવી, ધોલ મારી, બધું આંચકી લીધું!

આ અનુભવ પછી મેં તો પાઉન્ડ ખિસ્સામાં રાખી બધી રકમ ‘પરસર’ને હવાલે કરી દીધી. મસીના જહાજ રોકાયું ત્યાં ફરવા નીકળ્યો. એક દુકાનમાં સરસ ફોલ્ડંગિ છત્રી જોઈ. લેબલ હતું પાંચ પાઉન્ડનું. વેચવાવાળી બાઈ અંગ્રેજી ન બોલે. હું ઇટાલિયન ન સમજું. મેં એને ખિસ્સામાંથી બે પાઉન્ડ કાઢીને બતાવ્યા ને ખિસ્સું ખાલી છે એમ ઇશારાથી સમજાવ્યું. એણે મોં મલકાવી બે પાઉન્ડની નોટ લઈ લીધી અને ચૂપચાપ છત્રી મારા હાથમાં સરકાવી દીધી!

એડન, સુએઝ, પોર્ટ સૈયદ, મસીના, નેપલ્સ; એમ વચગાળાની બંદરગાહો વટાવતી સ્ટીમર આગળ વધી. બેડ ટી, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, ગાયન, નાચગાન, વાર્તાવિનોદ, હસતાં-ખેલતાં મુક્ત ભૂલકાંઓ, બીઅરના ફુવારા, શરાબની બોટલો, ટીનોપોલ-વ્હાઇટ સ્ટૂઅર્ડો, મનમેળવાળાં અને મનમેળ વિનાનાં દંપતી, પરસરની ઓફિસમાંથી માઇક પર અવારનવાર ફેંકાતાં એલાનો, લાંબા શ્વેત ઝભ્ભામાં ફરફર ફરકતી સાધ્વીઓ, પાદરીઓ, બેધંગિ કોસ્ચ્યૂમમાં ફરતી અર્ધનગ્ન યુવતીઓ, રંગીલા યુવાનો, વૃદ્ધો, સુંદરી, ગુલ, અનુરાધા, પ્રેમદીવાન, કૃષ્ણમૂતિર્ અને એમના જેવા જાતજાતનાં મહોરામઢ્યાં અનેકરંગી સેંકડો મુસાફરો — એમ જહાજની દુનિયાનો ભાતભાતનાં ઊડતાં આખડતાં, ભેગાં ને છૂટાં પડતાં પંખીઓનો સફરી જમેલો આગળ વધે છે.

પરમ દિવસે જહાજ જીનોવા પહોંચશે. ત્યાંથી રેલરસ્તે મારે લંડન પહોંચવાનું. હવે બે દિવસના મુક્ત સાગરવિહાર પછી સૌ રોજંદીિ ઘટમાળના ચાકડે ચડી જશે. જંદિગીમાં ફરી પાછા એકબીજાને કદાચ મળશેય નહિ. અને છતાં, આ અફાટ જળરાશિ વચ્ચે અલપઝલપ માણેલો સ્વૈરવિહાર, આકાશની ઓથે કરેલી આનંદવાતો અને કેળવેલી મૈત્રી, એ બધું તો મનને એક ખૂણે સંઘરાયેલું અને સળવળતું જ રહેશે.

આજે કૅપ્ટન તરફથી મોટી મિજબાની છે. પછી ફેન્સી ડ્રેસની હરીફાઈ થશે. એને માટે ખાસ પારિતોષિકો અપાશે. છેક મોડી રાત સુધી સફરનો આરી નાચ ચાલશે. સૌ મસ્ત થઈને, તાકી જશે ત્યાં લગી નાચશે અને ગુલતાન કરશે. ટેબલ નંબર 50નાં સહપ્રવાસીઓ ખુશખુશાલ છે. અનુરાધા, ગુલ, સુંદરી ફેન્સીડ્રેસ હરીફાઈમાં ભાગ લેવાનાં છે. ડિનર ઝડપથી પતાવી સૌ તૈયાર થવા જાય છે.

ફ્રેંકો આજે મારે માટે આઇસક્રીમની ત્રણ પ્લેટ લાવે છે, કહે ‘વન ફોર સીનોરી, વન ફોર ગ્રાંડ સન, વન ફોર ફ્રેંકો!’ મેં એના હાથમાં હળવેથી પાઉન્ડની નોટ સરકાવી એનો ખૂબ આભાર માન્યો.

ડેક પર જહાજનાં બધાં પૅસેન્જરો ભેગાં થયાં છે. હવે હરીફાઈ શરૂ થશે. કોઈ રાજા તો કોઈ વિદૂષક, કોઈ રાણી તો કોઈ દાસી. કોઈ શરાબી, કોઈ ફકીર, કોઈ જોકર, કોઈ અર્ધનારીશ્વર; કોઈ કંઈક તો કંઈક. સ્પોટલાઇટનાં અજવાળાં ફેંકાય છે. ભાતભાતનાં વરણાગી વેશવાઘા સજી હરીફો એક પછી એક મંચ પર આવે છે. તાલીઓના ગડગડાટ વચ્ચે ઝૂકી નમીને વિદાય લે છે. સુંદરી મીરચંદાની ચૂડીદાર પાયજામો, અસ્સલ મોજડી પહેરી, બાંકી અદાથી લળી લળી સૌને મુજરો કરતી નવાબ વાજીદઅલીની રંગીલી તવાયફ બનીને આવી અને તાળીઓના ગડગડાટ વચ્ચે ઇનામ જીતી ગઈ.

કોકાકોલા, લેમન સ્ક્વોશ, વાઇન, બીઅર, વ્હિસ્કી, બ્રાંડી, રમ, માર્ટીની, જીન, કોકટેલ, શેમ્પેન ભરેલી ટ્રે સાથે સ્ટૂઅર્ડો ઝડપથી અને સ્ફૂતિર્થી ફરી રહ્યા છે; આજે ટીપકમાણીનો એમનો આખરી દિવસ છે.

રાત પૂરી થઈ, વહાણું વાયું. આકાશમાં રૂપાળું ઇન્દ્રધનુષ્ય રંગ ફેલાવે અને પાછું આકાશમાં ફેલાઈ જાય. એમ જીનોવા આવ્યું ને હેતપ્રીતનાં એંધાણ મૂકતી જહાજી રૂપસૃષ્ટિ ફેલાઈ ગઈ અને મનને વસમું લાગી ગયું.

લંડન પહોંચવા માટેની ટ્રેન જીનોવાથી રાત્રે ઊપડવાની હતી. આખો દિવસ જીનોવા ફર્યો. ઘરે વિગતવાર ટપાલ લખી થોડાં સુવેનિયર ખરીદ્યાં. રાત્રે રેલસફર શરૂ કરી.

સૂવા માટેની બર્થ એક પાઉન્ડ વધારે આપી રિઝર્વ કરાવી હતી. સૂવાની તૈયારી કરું એટલામાં એક ભાઈ પાસપોર્ટ તપાસવા આવ્યા. પાસપોર્ટ સામે ધર્યો એટલે એ બંદાએ તો એને ખિસ્સામાં મૂકી ચાલવા માંડ્યું. મેં હાથ પકડીને એને ઊભો રાખ્યો અને પાસપોર્ટની રસીદ માગી. હું બોલું અંગ્રેજીમાં; એ બબડે ઇટાલિયન ભાષામાં. હું એટલું સમજ્યો કે એ રસીદ આપવાની ના પાડે છે, એટલે મેં એના હાથમાંથી પાસપોર્ટ આંચકી લીધો. કહ્યું, ‘સોરી! નો રિસીપ્ટ–નો પાસપોર્ટ!’ એ સળંગ સીધી ટ્રેનમાં સરકી ગયો ને યુનિફોર્મમાં સજ્જ એક જણને બોલાવી લાવ્યો. પેલાની કમર પર પિસ્તોલ લટકે. એટલું સારું કે એ અંગ્રેજીમાં સમજે અને ભાંગ્યું-તૂટ્યું બોલેય ખરો. મને કહે, ‘સવારે તમને આ માણસ પાસપોર્ટ પાછો આપી જશે. કાયદો છે. રસીદ આપવાનો રિવાજ નથી.’ મેં કહ્યું, ‘હું ટોઇલેટમાં કે નાસ્તા માટે ગયો હોઉં તો અ મને ક્યાં શોધવાનો?’ પેલો કહે, ‘તમે જ્યાં હશો ત્યાંથી એ ખોળી કાઢશે. એનો ધંધો જ લોકોને શોધવાનો છે.’ અંતે કચવાતે મને અને ઊચક જીવે મેં પાસપોર્ટ એને હવાલે કર્યો. સવારે ચાર વાગ્યે મને ઢંઢોળી એ પાસપોર્ટ પાછો આપી ગયો.

સવારે મિલાન સ્ટેશને ગાડી બદલવાની હતી. રાત્રે તો બર્થ રિઝર્વ હતી. દિવસની મુસાફરી માટે સીટ રિઝર્વ કરાવી નહોતી. ઘરઆંગણે યુરોપની રેલનાં ખૂબ વખાણ સાંભળ્યાં હતાં. મુસાફરોનાં શિસ્ત અને વિવેકનીયે ઘણીઘણી વાતો સાંભળી હતી. ટ્રેનમાં એક ખાલી જગ્યા ખોળી કાઢી, સામાન ઉપરની બર્થ પર ગોઠવી મારો ઓવરકોટ સીટ પર મૂકી પ્લૅટફોર્મ પર ટહેલવા લાગ્યો, એટલામાં સામેના પ્લેટફોર્મ પર બીજી ગાડી આવી. એમાંના પૅસેન્જરોને ગાડી બદલવાની હશે, તે એ લોકો ગાડી બદલી અમારી ટ્રેનમાં ભરાવા લાગ્યાં. બીજું અમદાવાદ જોઈ લ્યો! ગિરદી કહે મારું કામ. હું મારા ડબ્બામાં ચડ્યો ત્યારે ત્યાં જવા-આવવાનો પૅસેજ સામાનથી અને મુસાફરોથી ઢોરના ડબ્બાની જેમ ચિક્કાર લદાઈ ગયેલો. મારો કોેટ જમીન પર ફેંકી એક જાડો આખલા જેવો ઇટાલિયન મારી સીટ પર અડ્ડો જમાવી બેસી ગયેલો.

મેં કહ્યું, ‘ઊઠો, બાદશાહ! હું મારો કોટ આ સીટ મૂકીને નીચે ગયેલો. આ જગ્યા તો મારી છે.’ બાજુમાં એક યુવતી બેઠેલી એ પણ કહે, ‘હા, ભાઈ એમનો કોટ મૂકીને હમણાં જ નીચે ગયા હતા.’ પેલો કહે, ‘નો રિઝર્વ! આઈ પે મની, હી પેઝ મની, નો રિઝર્વ!’ મતલબ કે : અમે પણ પૈસા આપ્યા છે. કંઈ મફત નથી બેઠા. નો રિઝર્વ! પેલી યુવતી ગુસ્સામાં ઊભી થઈ ગઈ. મને કહે, ‘તમે મારી જગ્યાએ બેસો, આ જક્કી માણસ નહિ સમજે.’

એટલામાં, પેલા ઇટાલિયનની બીજી બાજુની સીટ પર એક જાડી બાઈ બેઠી હતી એણે પેલાને પોતાની જબાનમાં માંડ્યો તતડાવવા. કહે : ‘બુઢ્ઢા માણસને ઊભા રાખતાં તને શરમ નથી આવતી?’ પેલો ખસિયાણો પડી તરત ઊભો થઈ ગયો. મને કહે, ‘યૂ ઓલ્ડ મૅન, યૂ સીટ, આઇ સ્ટૅન્ડ!’ હું બેઠો એટલે પેલી જાડી બાઈ તરફ આંગળી ચીંધી એ કહે : ‘શી માઈ વાઇફ. એ મારી બૈરી છે. એની સાથે વાત કરો.’ હું એની સાથે શું વાત કરું? મેં કહ્યું, ‘યૂ આર વેરી સ્વીટી!’ મારી વાત સાચી માનતી હોય એમ એ ખુશ થઈ ગઈ!

રેલસફર દરમ્યાન પીવાના પાણીની આખે રસતે ખૂબ તકલીફ પડી. પ્લૅટફોર્મ પર ક્યાંય પીવાના પાણીના નળ નહિ. રેસ્ટોરાં કારમાં જઈ પાણી માગ્યું તો પહેલાં મારી વાત કોઈ ના સમજે : વોટર! એક્વા! એમ હજી વાતની શરૂઆત કરું ત્યાં જ એ ફરાંસી બચ્ચાં પોતાની ખાસિયત પ્રમાણે ખભા ઊછળી માંડે ફેંકવા, ‘નો ઇંગ્લિશ!’ એક જણ થોડું અંગ્રેજી જાણનાર મળ્યો પણ એ નીકળ્યો ફિલસૂફ. ‘પાણી તો તબિયત માટે ખૂબ ખરાબ ચીજ છે. કોકાકોલા પીઓ. બીઅર શા માટે નથી પીતા? પાણીની બોટલ — મિનરલ વોટર — કરતાં તો બીઅર સસ્તો છે!’ હું એને કેમ કરીને સમજાવું કે : ભાઈ, જનમ ધરીને પાણી જ પીતો આવ્યો છું અને તબિયતને એનાથી નુકસાન પહોંચ્યું નથી. મેં પૂછ્યું, ‘તમે વાસણ શેનાથી સાફ કરો છો, બીઅરથી?’ પેલો કહે, ‘એ પાણી ન પિવાય!’

‘બીઅર કોકાકોલાથી આપણી તરસ છીપે? ‘મારી પાસે બેઠેલી પેલી યુવતી અંગ્રેજી જાણતી હતી. ફ્રેંચ પણ બોલી શકતી. એને મેં મોટી તકલીફ સમજાવી. એ કહે, ‘બીજા સ્ટેશને તમને પાણી પીવા લઈ જઈશ. ગાડી ત્યાં અડધો કલાક રોકાશે.’

સ્ટેશન આવ્યું એટલે મેં પેલા ઇટાલિયનને પૂછ્યું. ‘તમે અમારી જગ્યાનું ધ્યાન રાખશો? અમે પાણી પીવા જઈએ છીએ.’ એ હસીને કહે, ‘મારી બૈરી અહીં બેઠી છે ત્યાં સુધી કોઈની મગદૂર નથી કે કોઈ એ જગ્યા પર બેસી શકે!’

પેલી યુવતી મને લઈ ગઈ પાણીની તલાશમાં. એક પછી એક પ્લૅટફોર્મ વટાવતાં અમે બહાર નીકળ્યાં. અંતે એણે પાણીનો નળ શોધી કાઢ્યો. મેં ખોબો ધરી ધરાઈને ઠંડું પાણી પીધું. એ ક્યાંકથી કોકાકોલાની મોટી ખાલી બાટલી લઈ આવી અને મને વાટખરચી માટે ભરી આપી. નિરાંતે ટહેલતાં અમે પ્લૅટફોર્મ પર આવ્યાં તો ટ્રેન જ ગુમ! હું તો ગભરાયો. પેલી કહે, ‘ડોન્ટ વરી, અહીં ગાડી અડધો કલાક ઊભી રહે છે, આપણે તપાસ કરીએ.’ મેં કહ્યું, ‘ભલી બાઈ! ટાઇમ ટેબલમાં કંઈ ફેરફાર થયો હશે, કે તારી કંઈ સમજફેર થઈ હશે.’ એ કહે, ‘મારી સમજફેર થાય જ નહિ!’ અંતે પાંચ મિનિટની રખડપટ્ટી પછી કપડ પડી કે ટ્રેન તો સાઇડંગિમાં ગઈ છે.

એ યુવતીનું નામ હેરિયેટ્ટા. ટ્રન ચાલી એટલે અમે વાતે વળગ્યાં. એ કહે, ‘બે વરસથી હું જુદા જુદા દેશમાં ફરું છું. આટિર્સ્ટ છું. તમે શું કરો છો?’ મેં કહ્યું, ‘કંઈ કરતો નથી. દીકરીને મળવા લંડન જાઉં છું.’ એ કહે, ‘કેવડી છે તમારી દીકરી?’ મેં કહ્યું, ‘છવ્વીસ વર્ષની.’ એ કહે, ‘એવડી મોટી! તમે મારી વય કેટલી ધારો છો?’

બહુ નાજુક સવાલ કર્યો એણે. કોઈ પણ સ્ત્રીને એની ઉંમર કહેવી એ બહુ ખતરનાક કામ છે. ખાસ્સી ઊંચી અને મોટી લાગતી હતી. મેં સાવચેતીથી કહ્યું, ‘વીસ?’ તો કહે, ‘ના, સોળ વરસની. ચૌદમે વરસે જુદા જુદા દેશ જોવા નીકળી છું. ચિત્રકામમાંથી ઠીક ઠીક ખરચજોગું મેળવી લઉં છું.’ મેં પૂછ્યું, ‘માબાપ ફિકર નથી કરતાં?’ તો કહે, ‘ફિકર શા માટે કરે? હવે હું કંઈ નાની કીકી થોડી જ છું!’

ખૂબ તેજસ્વી અને ખુશમિજાજ હતી. વળી મને પૂછે, ‘મારી ચામડીનો રંગ તમને કેવો લાગે છે?’ જહાજ પર પ્રેમદીવાને શીખવ્યું હતું કે યુરોપમાં કોઈ સ્ત્રી આવો સવાલ કરે તો કહેવું ‘ઘઉંવરણી’ એટલે એ પ્રમાણે કહ્યું. એ તો ખુશખુશ થઈ ગઈ. ફરી ફરી પૂછે. ‘રિયલી! યૂ થિંક સો?’ છૂટા પડતી વખતે મેં એને મારું લંડનનું સરનામું આપ્યું.

ટ્રેનની સફર પૂરી થઈ. પછી ચૅનલ ઓળંગવા ફેરી બોટમાં બેસતાં પહેલાં કસ્ટમ ઓફિસે ત્યાંના ઇનચાર્જ ઓફિસરે છાપેલું ફરફરિયું આપ્યું. કહે, ‘વાંચો.’ વાંચ્યું એટલે એણે પૂછ્યું, ‘બરાબર સમજ્યા?’ મેં કહ્યું, ‘સમજ્યો.’ એણે પૂછ્યું, ‘કંઈ ડિકલેર કરવાનું છે?’

મારી સાથે જે વસ્તુઓ હતી એનું એક વિગતવાર લિસ્ટ મેં તૈયાર રાખેલું તે એને બતાવ્યું. એ કહે, એમાં કંઈ વાંધાભરેલું કે જકાત આપવી વડે એવું નથી. ઇટ ઇઝ ક્વાઇટ ઓલરાઇટ, સર!’ પણ છાપેલા નોટિફિકેશનમાં તમાકુ વિશે ઇશારો હતો, હું મૂંઝાયો. મેં કહ્યું, ‘એક્સ્ક્યૂઝ મી ઓફિસર, બટ આઇ થિંગ ઇટ ઇઝ નોટ ઓલરાઇટ. મારી સાથે બસો સિગારેટ છે એ તો જાણે કાયદેસર છે; પણ મારો ભારે સામાન જે પાછળથી આવશે તેમાં દોઢબે રતલ તમાકુ છે એનું કેમનું થશે?’ એ કહે, ‘એટલી બધી તમાકુને તમે કરશો શું?’

મેં પાનની પેટી કાઢીને તમાકુવાળું એક પાન બનાવ્યું. મોંમાં મૂક્યું અને તેને સમજાવ્યું કે મને આ રીતે પાનમાં તમાકુ ખાવાનું બંધાણ છે. એને પણ મેં પાન ખાવાનો આગ્રહ કર્યો. એણે હસીને વિનયથી ના પાડી. પછી સુજનતાથી કહે, ‘બંધાણ છે તો પછી શું થાય? કંઈ વાંધો નહિ.’ મેં કહ્યું, ‘વાંધો એટલો જ કે એ લગેજ પાછળથી એજન્ટ મારફત આવે ત્યારે કોણ ડિક્લેર કરશે? એજન્ટને આપેલી યાદીમાં એ વાત લખી નથી.’ એણે મને સિક્કો મારી એક કાગળ પર લખી આપ્યું છે કે : દોઢ રતલ તમાકુ ડિક્લેર કરી છે. પછી કહે, ‘કંઈ તકલીફ પડે તો આ કાગળ બતાવજો. હવે તો ખુશ ને?’

ફેરી બોટમાં ચૅનલ વટાવી ટ્રેનમાં બેઠો. ટિકિટ ફર્સ્ટ ક્લાસની બદલી લીધી હતી. એટલે ખૂબ આરામની મુસાફરી રહી. ગાડી વિક્ટોરિયા સ્ટેશને થોભી. ભાનુ અને આનંદ રૂમાલ ફરકાવતાં પ્લૅટફોર્મ પર ઊભાં હતાં. ઊતર્યો.

ચાર વરસે, એનાં લગ્ન પછી પહેલી જ વાર દીકરી-જમાઈને મળતો હતો. બંને ખૂબ વહાલથી ભેટી પડ્યાં. મારું હૈયું અત્યંત આનંદથી છલકાઈ ગયું!

ભાનુ રહે બારનેટમાં. લંડનનું એ એક પરું. લંડનથી આશરે સોળેક માઈલ દૂર. વિક્ટોરિયા સ્ટેશનથી કારમાં ત્યાં પહોંચતાં પોણો કલાક થયો. ઘરે પહોંચી સૌથી પહેલાં તો પેટ ભરીને ઠંડું પાણી પીધું. સીધું નળામાંથી જ લઈને પીવાનું. બરફ જેવું ઠંડુંગાર. ઘણે દિવસે ઘરની સ્વાદિષ્ટ રસોઈ જમ્યો. મોડી રાત સુધી આનંદવાતો ચાલી. જુલાઈ માસમાં છેક રાત્રે નવ વાગ્યા સુધી દિવસનું અજવાળું ઓસરે નહિ. રહેવાનું ઘર સરસ હતું. ડ્રોઇંગરૂમ, બે બેડરૂમ, ખાસ્સું મોટું રસોડું અને નાનો સ્ટોરરૂમ.

ભોંયતળિયે મકાન-માલિક મિ. ડાઉનંગિ એકલા રહે. વય 80 વર્ષની, પણ તનમનદુરસ્તી યુવાન જેવી. પોતે આટિર્સ્ટ. આ વયે પણ ચીતરવાનું ચાલુ. ભાનુ-આનંદ એમના મકાનમાં ભાડૂત રહ્યાં એ પહેલાં છ મહિને એમનો જુવાનજોધ દીકરો અકસ્માત્ ડૂબી મરણ પામેલો. મન એનું કંઈક આળું થઈ ગયેલું. પાંચ વરસની ભાનુ અને આનંદને પોતાનાં સંતાનની જેમ જાળવે. રોજ સાઇકલ પર પોતાના ખેતરે જાય અને ઘરઆંગણનો બગીચો માવજતથી ઉછેરે. બારનેટમાં આ ઘરમાં એક મોટી તકલીફ ઘરમાં ‘સેટ્રંલ હીટીંગ’ની. એટલે કે આખું ઘર કોલસા, ગૅસ કે ઘરવીજળીથી ગરમ રાખવાની જોગવાઈ નહિ. ઓરડામાં હીટર પેટાવવું પડે. જુલાઈ મહિનો એટલે ત્યાંની ગ્રીષ્મઋતુ.

હું પહોંચ્યો એ દિવસે મોસમ ખુશનુમા હતી. મારા પલંગ પર ચાર બ્લૅન્કેટ પાથરી ભાનુએ બિછાનું તૈયાર કરી રાખેલું. મેં કહ્યું, ‘આટલા બધા બ્લૅન્કેટને શું કરવા છે? એક બસ થશે. ઠંડી તો નથી લાગતી.’ ભાનુ કહે, ‘લાગશે, રાત્રે જરૂર પડશે.’ મેં તો બ્લૅન્કેટ સંકેલી મૂક્યા અને મારી શાલ ઓઢીને સૂતો. રાત સરકતી ગઈ એમ ટાઢ ઓરડામાં પેસતી ગઈ. હું ધીમે ધીમે એક પછી એક કામળો ઓઢતો ગયો. પરોઢ સુધીમાં તો સ્વેટર પણ પહેરી લેવું પડ્યું! એ વરસની ‘સમર’ ખૂબ ટાઢી રહી. રહ્યો ત્યાં લગી ઠંડી સારી એવી વરતાણી.

રાત્રે જ આનંદે કહ્યું હતું, ‘અમે બંને સવારે સાડા આઠે કામ પર લંડન પહોંચવા નીકળી જઈએ છીએ. સાંજે સાડા છએ છૂટીશું. તમેયે કારમાં સાથે ચાલજો. આઠ વાગ્યે નાસ્તો પતાવી તૈયાર રહેવું પડશે.’

સવારે વહેલો ઊઠ્યો. મને વર્ષોથી ઠંડે પાણીએ જ નાહવાની ટેવ. લંડનમાં એ આદત પહેલે દિવસે જ છૂટી ગઈ. નળમાંથી પાણી નીકળ્યું એ જાણે બરફપાણી જોઈ લ્યો. શરીર પર રેડ્યું ને આખે ડિલે ખાલી ચડી ગઈ. એ પછી શીતસ્નાનનો પ્રયોગ લંડનમાં ફરી કર્યો નથી.

મારો રાતની ઠંડીનો અનુભવ સાંભળી આનંદ કહે, ‘ભાઈ, સૌથી પહેલું કામ તમારે માટે ગરમ કપડાં ખરીદવાનું. મારાં સૂટ અને પુલોવર તમે પહેરી જુઓ. જો આવી રહે તો આજ પૂરતું કામ ચાલે.’ પાંચ વરસમાં આનંદે ઠીકઠીક ગજું કરેલું એટલે એનાં કપડાં મને ઢીલાં પડ્યાં. એ કહે, ‘મારા આગળના સૂટ એમ ને એમ પડ્યા છે, એ કદાચ તમને ફાવે.’ અને મને એ ફાવ્યા. એટલે નવાં કપડાં ખરીદવાનો વિચાર જ મેં મોકૂફ રખાવ્યો. કારણ એ કપડાં એટલાં ગરમ કે મુંબઈ માટે સાવ નકામાં. અંગ્રેજો ઘરઆંગણે ટાઈ શા માટે પહેરે છે એ મને ત્યાંની ઠંડીમાં ત્યારે જ સમજાયું. અને મુંબઈમાં ફેશનપરસ્તો ટાઈ શા માટે પહેરે છે તે હજી નથી સમજાતું!

ગરમ કપડામાં સજ્જ થઈ, શાવરપ્રૂફ ઓવરકોટ સાથે રાખીને નીકળ્યો લંડન જવા. ત્યાં પહોંચ્યા સવાનવે. બંને જણ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં જ કામ કરે. મને આનંદે ત્યાં બી. એન્ડ એચ. (બોર્ન એન્ડ હોલંગિવર્થ)ના પ્રખ્યાત સ્ટોર પાસે ઉતાર્યો. લંડનનો નકશો આપી ભાનુ કહે, ‘ભાઈ, જ્યાં હો ત્યાંથી બરાબર એક વાગ્યે અહીં, આ સ્ટોર પાસે આવી રહેજો. આપણે લંચ લેવા સાથે જઈશું. ત્યાં સુધી અહીંથી પીકેડેલી લગણ ફરો અને બધું જુઓ. પગપાળા ફરવાથી જ લંડન જોવાની ખરી મજા પડશે. ધૅટ ઇઝ ધ બેસ્ટ વે ટુ સી લંડન! ભૂલા પડો તો અહીંના કોઈ પણ પોલીસને પૂછજો. એ બધું સમજાવશે. આ બી. એન્ડ એચ. સ્ટોર ખૂબ જાણીતો છે. લંડનમાં તમારી કાર હોય તોપણ ગાડી પાર્ક કરવાની મુસીબત ભારેની. સારા નસીબે આનંદની ઓફિસ તરફથી આ માટેની પોતીકી વ્યવસ્થા હતી. લંડન પગપાળા જોવાનો ઉત્તમ માર્ગ ચીંધી દીકરી-જમાઈ તો ઊપડી ગયાં પોતપોતાને કામે અને એમની શિખામણ માની મેં માંડ્યું હેંડવા.

ઓક્સફર્ડ સ્ટ્રીટ એટલે લંડનનું મોટામાં મોટું ‘શોપંગિ સેન્ટર’. દુકાનોની કતારો લાગી ગઈ છે ત્યાં. હારબંધ કાચમઢી ‘શો વિન્ડો’માં તરેહવાર ચીજો આકર્ષક રીતે સજાવેલી. જોતાં આંખ અને અંતર ધરાય જ નહિ. હું તો ઓક્સફર્ડ સ્ટ્રીટ, રીજંટ સ્ટ્રીટ, બોન્ડ સ્ટ્રીટ વટાવતો પહોંચી ગયો ઠેઠ પીકેડેલી સુધી. ઠંડી સારી હતી, પણ ઓવરકોટ ચડાવેલો એટલે વસમું નહોતું લાગતું. ઊલટી તાજગી વરતાતી હતી. આટલી પદયાત્રામાં ‘વિન્ડો શોપંગિ’ કરતાં કરતાં સમય ક્યાં ઓસરી ગયો એનો ખ્યાલ ના રહ્યો. ઘડિયાળમાં જોઉં તો સાડાબાર થયેલા. એક વાગ્યે તો ગમે તે રીતે ઓક્સફર્ડ સ્ટ્રીટ પહોંચવાનું હતું. બસના રૂટની ચોક્કસ માહિતી નહિ. લંડનનો નકશો ઉકેલીને જોયું તો ઓક્સફર્ડ સ્ટ્રીટ પીકેડેલીથી બહુ દૂર ન લાગી.

 મેં એક પોલીસદાદાનું શરણ શોધ્યું. નેવીબ્લ્યૂ યુનિફોર્મ અન માથે મોટો લોખંડી ટોપો ચડાવેલો, ઠાવકો, વિનયવિવેકી, મોં ઊંચું કરીને વાત કરવી પડે એટલો — પૂરા સવા છ ફૂટ ઊંચો, કદાવર.

 એવી કહેતી છે, કે લંડનનો પોલીસ એટલે એ શહેર પૂરતો ‘સર્વજ્ઞ’. તમે કોઈ ગુનો કર્યો હોય તો એના જેવો તમારો દુશ્મન નહિ; અને જો તમે ભીડમાં હો તો એના જેવો મદદગાર મિત્ર દુનિયાભરમાં શોધ્યો ન જડે. એનું લાડકું નામ ‘બોબી’. યુરોપયાત્રા દરમિયાન એનો જોટો બીજે ક્યાંય ન ભાળ્યો.

મેં એને કહ્યું, ‘એક્સ્કયૂઝ મી, ઓફિસર! મારે ઓક્સફર્ડ સ્ક્વેરમાં બી. એન્ડ એચ. સ્ટોર પાસે જવું છે. પ્લીઝ, મને રસ્તો ચીંધશો?’

એ કહે, ‘આઈ એમ સોરી, સર!’ પણ તમારી કંઈ સમજફેર લાગે છે. અહીં, ઓક્સફર્ડ સ્કવેર જેવી કોઈ જગ્યા જ નથી. અને બી. એન્ડ એચ. નામનો કોઈ જાણીતો સ્ટોર નથી. કદાચ તમે ઓક્સફર્ડ સ્ટ્રીટમાં બી. એન્ડ એચ. સ્ટોર પાસે જવા ઇચ્છતા હશો.

ખરે જ, નામ કહેવામાં ભાંગરો વટાઈ ગયેલો. મેં કહ્યું, ‘બરાબર છે. મારી જ ભૂલ. હવેત્યાં કેમ પહોંચવું એ ચીંધો.’

એ તો રેતીની ભઠ્ઠીમાં ધાણી ફૂટે એમ માંડ્યો ફટાફટ બોલવા. ‘ગો સ્ટ્રેટ, ફર્સ્ટ ટ્રાફિક લાઇટ, ટર્ન ટુ રાઇટ, ધેન સેકન્ડ લેફ્ટ, ધેન…’

એક તો બોલે મિનિટના સો શબ્દની ઝડપે અને એમાં એના ગામઠી ઉચ્ચાર મને ઊકલે નહિ. એક હરફ સમજ્યો હોઉં તો ખુદાકસમ! હું તો મેં વકાસીને સાંભળી રહ્યો. પોપટવાણી પૂરી કરી એણે પૂછ્યું, ‘સમજ્યા? ઇઝ ધૅટ ક્વાઇટ ક્લીઅર, સર?’ પણ સર સમજ્યા હોય તો બોલે ને! કોઈ શુદ્ધ ગુજરાતી જાણનાર અંગ્રેજને આપણે કહીએ કે, ‘પે’લાં જમણી ગમ, પછી ડાબી ગમ ને પછી નાકની દાંડીએ સીધોસટ હાલ્યો જજે, ને ન્યાંકણે પાછો ડાબી ગમ વળજે.’ અને એ કંઈ ના સમજે, એના જેવો મારો ઘાટ હતો.

મેં વિચાર્યું, જો શરમાશરમીમાં હા ભણી તો બાર વાગી જશે. એટલે એને સરળતાથી સમજાવ્યું. ‘ભલા ભાઈ! તું બોલ્યો એમાંનો એક હરફ હું સમજ્યો નથી. અને સમજ્યો હોત તોયે તું એટલી ઝડપથી બોલ્યો કે મને કશું યાદ ન રહેત. લંડનમાં આ મારો પહેલો દિવસ છે. હું રસ્તાનો સાવ અજાણ્યો છું.’

એ કહે, ‘તમારી મુશ્કેલી હું સમજી શકું છું.’ પછી એક કાગળ ઉપર નકશો દોરી, કેમ ક્યાં પહોંચવું એ બતાવ્યું. ‘હવે તો સમજ્યા ને?’

મેં કહ્યું, ‘નકશો તો મારી પાસેય છે, પણ નકશો જોઈ ઝડપથી રસ્તો ખોળવાની ફાવટ હજી મને નથી. મારે બરાબર એક વાગ્યે આ મુકામે પહોંચવું જ જોઈએ. લંચ માટે મારી દીકરી ત્યાં આગળ મારી રાહ જોવાની છે. હું નહિ પહોંચું તો એ ફિકર કરશે.’

એ હસી પડ્યો. પછી ચૂપચાપ મારું બાવડું પકડી મંડ્યો મારી ભેળો ચાલવા. ચાલે એટલો ઝડપથી કે મારે એની પાછળ ઢસડાવું પડે. પંદરેક મિનિટ મને આમ દોરી અંતે એ થોભ્યો. કહે, ‘જુઓ આ છે ઓક્સફર્ડ સ્ટ્રીટ, સામે દેખાય છે એ બી. એન્ડ એચ. સ્ટોર અને પેલા થાંભલા પાસે સાડી પહેરેલાં તમારાં દીકરી જ રાહ જોતાં લાગે છે. હવે તો મુખ્સેલી નથી ને!’

લંડનની પોલીસ સાથેના બીજાયે બેત્રણ હૈયે વસી ગયેલા પ્રસંગો અહીં જ ઉમેરી લઉં.

એક દિવસ ખૂબ ઘેરું ધુમ્મસ–સ્મોગ–છવાઈ ગયેલું. રસ્તાની કે દિશાની ગમ ના પડે એટલો અંધકાર. મેં માંડ કરીને એક પોલીસને ફૂટપાથ પર ખોળી કાઢ્યો અને કહ્યું, ‘ઓફિસર, મને કંઈ સ્પષ્ટ દેખાતું નથી. તમે મને રસ્તો ક્રોસ કરવામાં સહાય કરશો?’ એ કહે, ‘સર, ડુ યૂ થિંક આઈ કૅન સી એનીથંગિ?’ મનેય કશું દેખાતું નથી. પણ ચાલો, આપણે સાથે મળીને મુસીબતનો સામનો કરીએ. લેટ અસ ફેઇસ ધ ક્રાઇસીસ ટુગેધર!’

પછી ખૂબ સ્વસ્થતાથી અને સહૃદયતાથી એણે મારો હાથ પકડી મને સામી ફૂટપાથ પર પહોંચાડ્યો. વાટમાં એ બોલ્યો, ‘સર! ઓન્લી એ બ્લાઇન્ડ મેન કૅન સી ઇન ધીસ સ્મોગ. આવા અંધારામાં તો આંધળો માણસ જ સ્વસ્થતાથી રસ્તો શોધી શકે.’ એ આટલું બોલ્યો અને એક ચોટદાર કથાવસ્તુ મારા અંતરમાં ગોઠવાઈ ગયું. જેમાંથી પછી ‘એક અંધારી રાત’ની અંધ-ભોમિયાની સરસ ટૂંકી વાર્તા લખાઈ.

ભાનુએ વાતવાતમાં કહેલું, ‘ભાઈ, જો કોઈ અણધારી ભીડ પડે તો પોલીસ તમને એક-બે પાઉન્ડ સુધીની રોકડ સહાય પણ કરશે. એની ફરજ ગણાય.’ એક વાર ખાતરી કરવા એક ‘બોબી’ને કહ્યું, ‘મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું, અથવા ક્યાંક પડી ગયું લાગે છે. મારી દીકરીએ કહ્યું છે કે સંકટમાં તમે મને રોકડ મદદ પણ કરશો; એટલે પૂછું કે એ વાત ખરી છે?’

એ કહે ‘અલબત્ત, ખરી છે. પણ દુર્ભાગ્યે મારી પાસે રોકડ રકમ કંઈ છે જ નહિ. તમે થોભો તો હું ક્યાંકથી લાવી તમને આપું.’ પછી એ કોઈ સ્ટોરમાંથી એક પાઉન્ડ લઈ આવ્યો ને મને આપ્યો. કહે, ‘ગમે તે પોલીસથાણે કાલે મારા નંબર સાથે પહોંચાડશો તો ચાલશે.’

મેં એને મારું કાર્ડ આપ્યું. સરનામું વાંચીને કહે, ‘જો તમારે બારનેટ પહોંચવું હોય તો થોડી વાર પછી અમારી પેટ્રોલ કાર એ તરફ જવાની છે એ તમને પહોંચાડી દેશે.’ મારે તો ફક્ત ભાનુએ કહેલી વાતની ખાતરી જ કરવી હતી, એટલે મેં એને પૈસા પાછા આપ્યા અને પોલીસવાનમાં બારનેટ ગયો.

વળી એક વાર એક ખંધા ટૅક્સીવાળા સાથે પનારો પડ્યો. મારે ખૂબ ઉતાવળે ‘ઇન્ડિયા હાઉસ’ પહોંચવું હતું એટલે ટોટમહામ કોર્ટ રોડથી ટૅક્સી લીધી. ‘ઇન્ડિયા હાઉસ’ પહોંચી મીટર જોયું તો આઠ શિલંગિ! મારી ધારણા પ્રમાણે એવું થવું ના જોઈએ. હું સમસમી ગયો. ત્યાં એક પોલીસ ઊભો હતો એને વાત કરી પૂછ્યું, ‘ટોટનહામ કોર્ટ રોડથી અહીં સુધીના આઠ શિલંગિ થાય?’ એ કહે, ‘ના થાય.’ એણે પેલા ટૅક્સીવાળાને દબડાવ્યો. પછી મને કહે, ‘ચાર શિલંગિ આપો અને ટીપ ન આપતા. એ તમને આડેઅવળે રસ્તે લઈ આવ્યો લાગે છે.’ ટૅક્સીવાળાએ ચૂપચાપ પૈસા લઈ ચાલતી પકડી.

ઓક્સફર્ડ સ્ટ્રીટ પાસેના ‘અલ્હાબાદ રેસ્ટોરાં’માં અમે લંચ લેવા ગયાં. ખાવાનું ખૂબ સરસ હતું. પરોઠા, શાક, પુલાવ, કઢી, રોટલી, દાળભાત, પાપડ, અથાણાં, રસગુલ્લાં, ગુલાબજાંબુ… જે માગો તે મળે. આવા લંચનો ખરચ સામાન્ય રીતે આઠ-દસ શિલંગિનો આવે. ઇન્ડિયા હાઉસના સેલ્ફ-સવિર્લ કૅન્ટિનમાં બપોરે બારથી બે વાગ્યા સુધીમાં તમે ત્રણ શિલંગિમાંયે લંચ પતાવી શકો. મારી પાસે સ્ટલિર્ંગનાં સાધનો મર્યાદિત, એટલે ધીમે ધીમે રખડપટ્ટીમાં હું કસકસર ક્યાં અને કેમ થઈ શકે એના અનેક રસ્તા શીખ્યો. ઘણી વાર તો લંચ માટે પૂરી શાક ઘેરથી લઈ લેતો અને વુલવર્થ જેવા સ્ટોરની કૅન્ટીનમાં કે વાય.એમ.સી.ના ટીરૂમમાં બેસીને ચા-કોફી સાથે એ લંચ પતાવતો.

દિવસો આનંદમાં વીતતા ગયા. સોમથી શુક્ર સુધી તો ભાનુ-આનંદ ગળાડૂબ કામમાં હોય. રાત્રે થાકીપાકી ઘરે આવી ભાનુ રસોઈ બનાવે. અમે જમતાં જમતાં ટેલિવિઝન જોઈએ. મોડી રાત સુધી આનંદની વાતો આદરીએ. લંડનના મારા ચિત્ર-વિચિત્ર અનુભવો સાંભળવામાં એ બંનેને ગમ્મત પડે. આનંદ ખૂબ હોંસીલો જુવાન. રોજ નવાં નવાં પીણાં મારે માટે લેતો આવે. કહે, ‘પીઓ, ભાઈ! મુંબઈમાં આ બધું નહિ મળે.’ બપોરે મને સ્પેનિશ, ઈટાલિયન, સ્વિસ, ગ્રીક, ફરાંસી, સિલોની… એમ જુદાં જુદાં રેસ્ટોરાંમાં લંચ માટે લઈ જાય. એનું મન રાખવા બધે જાઉં. પણ મને વેજિટેરિયન ખાણું મળે ત્યારે જ તૃપ્તિ થાય. એટલે ઝાઝુંખરું હું તો ‘અલ્હાબાદ રેસ્ટોરાં’નું જ શરણ શોધું. મોસમ કથોરી હોય તો બારનેટમાં જ પડ્યો રહું. લંડન ન જાઉં. નવો દેશ જોવો ગમે, પણ રોજ ઘર સાંભરે. કદી ગાંડો વિચાર મનમાં ઝબકી જાય, કે બસમાં બેસી ચોપાટી પહોંચી નાના અજોય જોડે રમી આવું! ઘેરથી આવા કોઈ મિત્રના કાગળ આવે તો દિવસ ખૂબ આનંદમાં જાય. ધારેલ દિવસે ઘરની ટપાલ ન મળે તો જીવ ઊચક થઈ જાય.

લંડન ન ગયો હોઉં ત્યારે બપોર પછી સાંજ માટે રસોઈ બનાવી રાખું, જેથી દીકરીને એટલી રાહત રહે. શનિ-રવિ રજાના દિવસોમાં અમે કારમાં ઊપડી જઈએ પિકનિક કરવા. આનંદ મને આમતેમ સો-બસો માઈલ ફેરવી લાવે. ત્યાંના મશહૂર ‘કંટ્રી સાઇડ’ અને સાગરકિનારે તો અનેક વાર જઈ આવ્યાં. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને સ્ટેટફોર્ડ-અપોન એવનમાં ચક્કર પણ લગાવી આવ્યાં.

સામાન્ય રીતે યુરોપમાં ઘરકામ માટે નોકરને રાખવામાં આવતા નથી. સૌ જાતે જ કામ કરી લે. પણ મિ. ડાઉનંગિને ત્યાં વરસોથી એક બાઈ કામ કરવા આવતી. એનું નામ મિસિસ બુલે. સિત્તેરેક વર્ષની વય. એ ભાનુના ઘરનું કામ પણ કરી જતી. અઠવાડિયામાં ત્રણ દિવસ એકેક કલાક આવે. અઠવાડિયાના કુલ એને પંદરેક શિલંગિ આ ત્રણ કલાકના કામના આપવા પડતા. એક કલાકમાં તો એ અજબ જેવી સ્ફૂતિર્થી કામ બધું આટોપી લેતી. વાસણ સાફ કરે. ઘર આખું ‘હૂવર’થી વળી-ઝૂડી ચોખ્ખુંચણક બનાવી દે અને પંદર દિવસે કપડાં ધોવાનાં મશીનોવાળી દુકાન–લોંડ્રેટ–માં જઈ કપડાં ધોઈ આવે.

ઠંડી હોય ને હું લંડન ગયો હોઉં તો મને ટપારે. કહે, ‘યૂ આર એ લેઝી મેન! ઇટ ઇઝ ફાઇન ડે! આવી સમરમાં ઘરમાં શું પડ્યો રહે છે?’ પોતે તો ખૂબ ઓઢી પોઢીને આવી હોય. હું કહું, ‘મારી મા, આને તું ‘ફાઇન ડે’ કહે છે! અમારે ત્યાં શિયાળામાંયે આવી ટાઢ નથી પડતી.’

એક વાર એ મજાકે ચડી. કહે, ‘ડાલિર્ંગ! આઇ લવ યૂ સો મચ! મને તારી સાથે ઇન્ડિયા લઈ જા.’ મેં કહ્યું, ‘ખૂબ નાનો હતો ત્યારે મા મરી ગઈ છે. ચાલ મારી સાથે, તને જતનથી રાખીશ.’ મારી આ હેતવાત સાંભળી એ ખુશીખુશી થઈ ગઈ. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મારે માથે વહાલથી હાથ મૂકી કહે, ‘ગોડ બ્લેસ યૂ! પણ પછી મારા અપંગ વરનું કોણ ધ્યાન રાખે? એને કોણ સાચવે! વીસ વરસથી બીમાર ખાટલાવશ છે.’ એક દિવસ મને એ કાનિર્વલ જોવા લઈ ગઈ. ચકડોળમાં, લાકડાના ફરતા ઘોડાવાળા ચક્કરમાં અને અથડાઅથડી કરતી મોટરમાં મારી સાથે બેઠી અને ખૂબ આનંદ કરાવ્યો. એક દિવસ આનંદ કહે, ‘કાલે રાત્રે મારલીના દિયાત્રીચનો સ્ટેજ-પ્રોગ્રામ છે. ટિકિટ મળી ગઈ છે.’ વરસોથી જેને મુગ્ધભાવે પડદા પર જોતો આવ્યો તેને સદેહે જોવાનું મળશે એ જાણી ખૂબ આનંદ થયો.

બીજે દિવસે અમે સિત્તેર વર્ષની ચિરયૌવના મારલીનાનો જલસો સાંભળવા ગયાં. પશ્ચિમના સંગીતમાં ખાસ ગતાગમ નહિ એટલે મારે માટે સાંભળવા કરતાં જોવાનું જ વિશેષ હતું. અને છતાં, અવાજની મુલાયમતા, એમાંથી નીપજતો અંતરને આવરી લે એવો રૂપાળો રણકો અને આરોહઅવરોહની લયબદ્ધતા ગમી ગયાં. પણ ચિત્તતંત્રને ચમકાવી ગઈ એ કલાસ્વામિનીની દેહયષ્ટિ. એનું આ વયે પણ જળવાઈ રહેલું ઘાટીલું, ટટ્ટાર, મનોરમ, સશક્ત બદન; ડોક-કમર-ખભાના મરોડદાર વળાંકનો મનભર ત્રિભંગસંગમ, એનાં તનમનની તાજગી; પ્રેક્ષકોને વશવર્તી એમને ખુશ કરવાની છલનામય છટા; એની કુમાશભરી મસ્તી અને સ્ફૂતિર્લી તંદુરસ્તી — આ બધાંમાંથી એક અજબગજબની રોનક વાતાવરણમાં વેરાતી હતી.

શરૂઆત એણે કરી એની જંદિગીમાં મહાયશ અપાવનાર ‘બ્લૂ એલ’ ચિત્રના એક ફ્રેન્ચ ગીતથી. અને પછી સતત અઢી કલાક સુધી એ ગીતપ્રવાહ વહેતો રહ્યો. અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, સ્પેનિશ, સ્વીડિશ, એમ જુદી જદી ભાષાનાં ગીત-લોકગીતોથી એણે શ્રોતાઓનાં હૈયાં હુલાવ્યાં. પાંચ મિનિટ સુધી તાળીઓનો અવિરત ગડગડાટ! સાતસાત કટર્ન-કોલ પછી શ્રોતાઓએ એને ભાવભરી વિદાય આપી.

જલસો પૂરો થયો. પત્રકાર તરીકેનું મારું કાર્ડ મોકલી મેં બેકસ્ટેજમાં મુલાકાત માગી. એણે કહેવરાવ્યું, ‘ખૂબ થાકી ગઈ છું, માફી ચાહું છું. પણ દશ મિનિટ થોભવું પડશે.’ એટલી વારમાં આનંદ પાસેની દુકાનમાંથી ફૂલોનો ગુલદસ્તો લઈ આવ્યો. દશ મિનિટમાં પાંચ સેકંડ બાકી હતી ત્યાં એની દાસી આવી અને અંદર લઈ ગઈ. જે થોડો સમય મળ્યો એમાં ઔપચારિક અને અનૌપચારિક મજાની વાતો થઈ. ‘વિટ્નેસ ફોર પ્રોસિક્યૂશન’ના ગુજરાતી રૂપાંતર થયેલા નાટક ‘ગુનેગાર’ વિશે પણ વાત નીકળી. અલપઝલપ મુલાકાત સંકેલી, ઓટોગ્રાફવાળી તસવીર મળ્યાનો સંતોષ લઈ, અમે છૂટાં પડ્યાં.

એ પછી લંડનથી પારીસ જતાં પ્લેનમાં અચાનક અમે સાથે થઈ ગયાં. પારીસમાં મારલીનાનો એક ખાનગી જલસો હતો. એમાં એના મહેમાન તરીકે હાજર રહેવાનું મને આમંત્રણ મળ્યું અને બીજે દિવસે અમે ત્રીજી વાર મળ્યાં.

ત્રણસોએક આમંત્રિતોની આ ઘરગથ્થુ મિજલસમાં કેટલાંક સહકુટુંબ આવ્યાં હતાં. નાનાં બાળકો પણ મારલીનાને જોવા-સાંભળવા માવતરની સાથે હતાં. હળવા-મળવાનું પૂરું થતાં યજમાન-પત્ની મિસિસ બોઝવેલે સૌને યથાસ્થાને ગોઠવાઈ જવાની વિનંતી કરી. વચમાંના નાના મંચ પર, આછા આસમાની પ્રકાશમાં મારલીનાએ શરૂઆત કરી.

અને, એ જ વખતે એકાએક, એક બાળકે રડવાની શરૂઆત કરી. બાળકની માતા વિલાઈ ગઈ. ચૂપ રાખવાની કોશિશ વધુ ખલેલ પડોંચાડશે એમ ધારી ડહાપણથી એ ખંડની બહાર જવા લાગી. એ પળ પછી મારલીનાએ ફરી શરૂઆત કરી. પણ રુદનનો એ ચેપ બીજાં બાળકોને પણ લાગ્યો અને ફરી બીજી માતા ઊઠીને બહાર જવા લાગી. ગાયનમાં ભંગાણ પડી ચૂક્યું. મારલીનાની ચહેરાની રેખાઓ બે પળ તંગ બની ગઈ. માત્ર બે જ પળ. ત્રીજી પળે એણે બહાર જતી માતાને રોકીને કહ્યું, ‘એને બહાર ના લઈ જઈશ. હું પણ મા છું. તારી મૂંઝવણ સમજું છું. પણ, બહેન મારી! એ બાળક અહીં મિજલસની મજા લેવા જ આવ્યું છે ને? પાંચ પળ થોભી જા!’

અને પછી, મારલીનાએ પોતાના ઘેરા રણકતા સ્વરમાં દુનિયાભરની માતાઓનું મમત્વ અને માર્દવ રેડીને એ બાળકના રુદનને ભેદતું એક હાલરડું — વિશ્વની સનાતન ભાષાનું ગાન — શરૂ કર્યું.

એક પળ, બે પળ, પાંચ પળ —

અને બાળરુદન જાણે થંભી ગયું! ખંડમાંનાં આબાલવૃદ્ધના કાનમાં માતૃત્વનો એ ચિરંતન નાદ ઘૂંટાવા લાગ્યો. અમીની એ તરંગલહેરો ચારેકોર વેરાઈ ગઈ અને ખંડમાંના બધાં ભટૂરિયાંનાં પોપચાં નીંદરરાણીએ જાણે ઘેરી લીધાં. હાલરડાંની પરીરાણીના દેશમાં સૌ બાળ જંપી ગયાં. દશ મિનિટ બાદ એ હુલામણા ગાનનો નાદ જ્યારે વિરમ્યો ત્યારે મિજલસમાંનાં બાળકો એમની જનેતાની હૂંફમાં નિરાંતની નીંદર લેતાં હતાં.

લંડનમાં ફરતાં થાકું. અથવા ટાઢ વધે કે વરસાદ પડે ત્યારે કોઈ મ્યૂઝિયમમાં કે મોટા સ્ટોરમાં પેસી જાઉં અથવા વાય.એમ.સી.એ.ના વેઇટંગિ રૂમમાં જઈને સોફાચેરમાં ઊંઘી લઉં. પણ સૌથી વધુ મને ગમે ચારંગિ ક્રોસ પાસેની જગવિખ્યાત ‘ફોઇલ્સ બુક શોપ’. ત્યાં પાર વિનાનાં પુસ્તકો અને પાર વિનાના વિભાગો. એની અભરાઈઓ હું કલાકો સુધી ફેંદ્યા કરું. ત્યાં તમારે કોઈ પુસ્તક ખરીદતાં પહેલાં જોઈ જવું હોય તો ખુશીથી વાંચી શકો એવી સગવડ અને છૂટ. એક સજ્જન રોજ એક ચોક્કસ પુસ્તક વાંચવા આવે. સાંજે અધૂરું હોય ત્યાં નિશાની માટે બુકમાર્ક મૂકી રાખે. વિભાગના કર્મચારીના ધ્યાનમાં આ વાત હતી જ. કોઈ ગ્રાહકે એ પુસ્તક ખરીદવાની મરજી બતાવી. તપાસ કરતાં ખબર પડી કે પેલા સજ્જન વાંચતા હતા એ તે ચોપડીની આખરી પ્રત હતી. ગ્રાહકને ખૂબ વિનયથી સમજાવવામાં આવ્યું કે, ‘કોઈ જિજ્ઞાસુ આ પુસ્તક વાંચે છે. તેઓ બુકમાર્ક મૂકી ગયા છે. હવે થોડાં જ પાનાં વાંચવાનાં બાકી લાગે છે. આજકાલમાં તેઓ આવશે એટલે, તેમને પૂછ્યા પછી જ આ પ્રત અમે આપને વેચી શકશું!’

ત્યાં આત્મકથા — બાયોગ્રાફી–ના વિભાગમાં હું થોડાં પુસ્તકો એક પછી એક ઉથલાવી રહ્યો હતો. મારી સાથે સાડીમાં સજ્જ એક ઓળખીતાં બહેન હતાં. એટલામાં એક વયોવૃદ્ધ સજ્જન મારી પાસે આવીને કહે, ‘એક્સક્યૂઝ મી, સર! તમે ભારતના વતની હો એવું લાગે છે.’ મેં હા કહી તેમની સાથે હાથ મિલાવ્યા, તેઓ કહે, ‘ચાલીશ વર્ષ હું ભારતમાં રહ્યો છું. ગાંધીજીનો પ્રશંસક છું. તમારો દેશ ખરેખર નસીબદાર છે. ત્યાં તો વિશ્વના અનુપમ સાહિત્યનો ભંડાર ભર્યો પડ્યો છે. તમારે ત્યાં રામાયણ અને મહાભારત જેવા મહાન કથાગ્રંથો છે. ગીતા જેવું અનુપમ વિશ્વકાવ્ય છે. ત્યાં કાલિદાસ, બાણ અને ભવભૂતિ જેવાની કૃતિઓ પડી છે ને ટાગોર — અરવંદિનું ગૂઢ સાહિત્ય મોજૂદ છે અને તમે અહીં, આ વિભાગમાં શું શોધો છો? થોડી વધુ વાતો થયા પછી એમણે મારી સાથે સંસ્કૃત ભાષામાં વાતો કરવાની શરૂઆત કરી ત્યારે શરમ સાથે કહેવું પડ્યું કે એમની વાતોનો એમાં જ જવાબ આપી શકું એવું અને એટલું સંસ્કૃત વિશેનું મારું જ્ઞાન નથી.’

‘જોગાનુજોગ’નો મારા મિત્ર સત્યેન્દ્ર ડે સાથેનો એક પ્રસંગ આપણે અગાઉ જોઈ ગયા છીએ. ‘ફોઇલ્સ બુક શોપ’માં એવો જ એક બીજો પ્રસંગ બની ગયો.

1967-68માં હું બીજી વાર લંડન ગયો ત્યારે, મુંબઈથી નીકળતી વખતે, મારા મામા રામુભાઈ ઠક્કરે મને બે બહુ જૂની, આસરે એંશી વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલી — અપ્રાપ્ય એવી — અંગ્રેજી ચોપડીઓનાં નામ લખાવ્યાં હતાં. અને લંડનમાં જો મળી શકે તો મેળવવાની કોશિશ કરવાનું કહ્યું હતું. મેં ઘણી તપાસ કરી પણ એ પુસ્તકો ક્યાંય નજરે ચડ્યાં નહિ. ફોઇલ્સની દુકાનમાં જૂનાં પુસ્તકો ખોળી આપવા માટેનો એક ખાસ વિભાગ છે. દરેક પુસ્તકની શોધદીઠ પાંચ શિલંગિ આપવા પડે. મેં દસ શિલંગિ ભરી બે પુસ્તકો માટે પૂછપરછ નોંધાવી. ઘણા દિવસ પછી મને ફોઇલ્સનો પત્ર મળ્યો, કે તેઓ એ બંને પુસ્તકો ખોળી શક્યા છે. એ જ દિવસે, એ જ ટપાલ ડિલિવરીમાં મને મુંબઈથી રામુભાઈના અવસાન-સમાચાર આપતો પત્ર પણ મળ્યો. પુસ્તકો મળ્યાં ત્યારે એનો વાંચનાર ખોવાઈ ગયો!

એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢ્યો તે દરમ્યાન તો હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીકઠીક પાવરધો થઈ ગયો. ઘણી વાર આનંદ સાથે સવારે કારમાં જવાને બદલે, બપોરે બારેક વાગ્યે ઘરે લંચ પતાવી નિરાંતે નીકળું. ટ્યૂબ — અંડરગ્રાઉન્ડ રેલવે–માં લંડન જાઉં. નોર્ધર્ન લાઇનમાં હાઈ બાર- નેટ આખરી સ્ટેશન. ગાડી ત્યાંથી જ ઊપડે, એટલે બેસવાની જગ્યા આરામથી મળી જાય. પણ જો સવારે સાડાનવ પહેલાં કે સાંજે ચારથી છની વચ્ચે મુસાફરી કરો તો ગિરદીનો પાર નહિ. આપણી લોકલ ગાડીઓ જેવી જ ભીડ અને ભીંસાભીંસ અને ટ્રેનમાંયે એક જ ક્લાસ ત્યાં સમાન્ય રીતે, બેઠેલો પુરુષ ઊભો થઈને પોતાની જગ્યા સ્ત્રીઓ માટે ખાલી કરી આપતો નથી અને હકડેઠ ગિરદીમાંયે કોઈ સ્ત્રીદાક્ષિણ્ય દેખાડતું નથી. પશ્ચિમના દેશો વિશેનો આ આપણો એક પ્રચલિત ભ્રમ છે. વહેલી સવારે ઓફિસે જતાં કે સાંજે પાછા વળતાં — ‘રશ અવર’માં — તમે ધક્કામુક્કી કરીને જ ડબામાં પ્રવેશી શકો યા તમારી જાતને બહાર ફેંકી શકો. હા, ત્યાં એક વાત છે — આખી ટ્રેનના બધા ડબા આપોઆપ — ઓટોમૅટિકલી બંધ થાય પછી જ ગાડી ચાલી શકે એવી વીજળી કરામત, એટલે અહીંની જેમ ફૂટબોર્ડ પર લટકતાં મુસાફરીની ખતરનાક સહેલ કરવાનું શક્ય નથી. ‘સ્મોકંગિ કંપાર્ટમેન્ટ’માં સિગારેટનાં ઠૂંઠાં, માચીસનાં ખાલી ખોખાં, ચોકલેટનાં રેપર, છાપાં વગેરે ઠેરઠેર વેરાયેલાં પડ્યાં હોય, પણ જેવો લંડનનો પોલીસ, એવી જ લંડનની ટ્યૂબ-ગાડી બેનમૂન છે. ત્યાં જો તમે ઠેરઠેર ટાંગેલાં પાટિયાં પરનાં લખાણો બરાબર વાંચી અને અનુસરો તો કદી ભૂલા ન પડો — ન પડી શકો. એટલી બધી ચોકસાઈની વ્યવસ્થા છે અને વગર ટિકિટે મુસાફરી ન કરી શકો એવી અંકુશવાળી ટિકિટ-તપાસની પદ્ધતિ છે. લંડન નભે છે મુખ્યત્વે ટૂરિસ્ટો પર; અને ટૂરિસ્ટો એટલે અજાણ્યા લોકો. રાહબરો માટે માથાનો દુખાવો. છતાં રેલવેનો સ્ટાફ ખૂબ વિનયી, સહનશીલ અને ચાલાક. ધીરજથી તમારી મુશ્કેલીઓ સાંભળી — સમજે અને એનો તોડ લાવી આપે.

તમે પુરુષ હો, તો લંડનમાં કોઈ બાઈ તમને ‘ડાલિર્ંગ’ કહે એથી ફુલાઈ ન જતા, સ્ત્રી હો અને કોઈ તમને ‘ડાલિર્ંગ’ કહે તો છેડાઈ ન પડતાં અને તમારી ઇચ્છા કોઈને ‘ડાલિર્ંગ’ કહેવાની થાય તો સંકોચ ન રાખતાં બેધડક કહેજો. હું બારનેટના ઘરેથી યા લંડનમાં બસમાં જાઉં ત્યારે બસનાં સ્ત્રી યા પુરુષ કંડક્ટરો ટિકિટ આપી હંમેશાં કહે : ‘ઠાલુ!’ ભાનુને પૂછ્યું, ‘આ ‘ઠાલું’ શું છે?’ તો કહે, ‘ઠાલું નહિ પણ ઠા… લુ. ‘ઠા’ એટલે ‘થેંક્યૂ’ અને ‘લુ’ એટલે લવ!નું ટૂંકુંટચ એટલે — ઠાલુ!’

વાતવાતમાં ‘થેંક્યૂ’ તો આપણે સૌને આપણા કટ્ટા વેરીનેયે કહેવું જ પડે. મુંબઈ આવ્યા પછી આ ટેવ થોડો વખત ચાલુ રહેલી. બસમાં બેસું ત્યારે કંડક્ટર પાસે ટિકિટ માગતાં ‘પ્લીઝ’ અને એ ટિકિટ આપે ત્યારે ‘થેંક્યૂ’ કહેતો. એક વાર એક ભલો કંડક્ટર બિચારો મૂંઝાઈને મને કહે, ‘નો, સર! નો…નો!’ એની મતલબ તો ‘ડોન્ટ મેન્શન’ કે એવું જ કંઈ કહેવાની હતી. એ પછી મારી એ ટેવ છૂટી ગઈ છે!

લંડનમાં ‘સેલ્ફ સવિર્સ’ની સંખ્યાબંધ કૅન્ટીનો છે. એક ટ્રેમાં છરી, ચમચા, કાંટા, પ્લેટ વગેરે તમારે જાતે લઈ લેવાનું અને પછી જુદાં જુદાં કાઉન્ટરો પરથી ખાવાની મનપસંદ ચીજો. ચા, કોફી વગેરે માગી લેવાનું. ઘણા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ગ્રાહકોની સગવડ માટે આવી કૅન્ટીનો હોય છે. પહેલી વાર હું ‘વુલવર્થ’માં પ્રખ્યાત સ્ટોરની કૅન્ટીનમાં ગયો અને ટ્રે ભરીને સીધો ટેબલ પર બેસી ગયો. અડધું ખાધા પછી મેં જોયું તો સૌ ટ્રે ભરીને, પૈસા આપવાના કાઉન્ટર પર પૈસા ચૂકવીને પછી જ ટેબલ પર ખાવા બેસતા હતા. મને ખૂબ ભોંઠપ લાગી. ખાવાનું જેમતેમ પૂરું કરી હું પૈસા ચૂકવવાના કૅશકાઉન્ટર પર ગયો. કૅશ પર બેઠેલી બાઈ મને કહે, ‘કૅન આઇ હેલ્પ યૂ સર!’ મેં કહ્યું, ‘યસ પ્લીઝ! મને અહીંની રીતરસમની સમજ નહિ એટલે મેં તો પૈસા ચૂકવ્યા વિના જ ખાઈ લીધું. મને એમ કે ખાધા પછી ટેબલ પર કોઈ બિલ લાવશે. મારી મોટી ભૂલ થઈ. હવે શું થાય?’ પેલી કહે, ‘કંઈ ફિકર નહિ. હવે ચૂકવો.’ મેં કહ્યું, ‘કેટલા પૈસા થયા એની મને કેમ ખબર પડે! તું મારી સાથે ચાલ. મેં શું શું ખાધું એ તને બતાવું.’ એણે મારી સાથે દરેક કાઉન્ટર પર આવી હિસાબ કરી પૈસા લીધા, ઉપરથી કહે, ‘થેંક્યૂ, ડાલિર્ંગ!’

નવા નવા સ્ટોરમાં ફરી પૈસાની સગવડ પ્રમાણે હું નાનીનાની ખરીદી કરતો રહેતો. ખાસ તો નાના અજોય માટે રમકડાં ને એવું લેતો. સ્ટલિર્ંગની સગવડ ખૂબ મર્યાદિત ભાનુ–આનંદની કમાણી પણ એ વખતે ખૂબ મોટી નહિ. એમનો બટુકડો સંસાર મોજથી નભે એટલી સાધારણ. વરસે દિવસે બસો-ચારસો પાઉન્ડ બચે તે જુદા જુદા દેશ જોવામાં ખરચી નાખે. હું પહોંચ્યો એ પહેલાં જ સ્કેન્ડિનેવિયા ફરી આવેલાં. એક દિવસ અચાનક જ, ભાનુને એ જ્યાં કામ કરતી હતી એ કંપની તરફથી સો પાઉન્ડનું બોનસ મળ્યું. સોએ સો પાઉન્ડનો ચેક મારા હાથમાં મૂકી એ કહે, ‘ભાઈ! આ પૈસા અણધાર્યા આવ્યા છે. જાણે તમારા માટે જ આવ્યા હોય એમ. તમને મનફાવે એમ એ રકમ વાપરજો. સંકોચ ન રાખશો. ઘરઉપયોગી સારી ચીજો અહીં પુષ્કળ મળે છે. ફરતાંફરતાં ખરીદી પતાવતાં રહેજો. પછી જવાના ટાઇમે ઉતાવળમાં મનપસંદ ખરીદી સ્વસ્થતાથી નહિ થાય.’

આમ એકાએક સ્ટલિર્ંગની છૂટ થઈ એટલે મારું મન કંઈક હળવું થયું. કુટુંબનાં નાનાંમોટાં સૌ માટે શું લેવું એની યાદી અમે બનાવવા માંડી. ખરીદી જેવું આનંદદાયક કામ, ખાસ કરીને લંડન જેવા શહેરમાં બીજું એકેય નથી. પછી તો રીતસરની ખરીદી મેં શરૂ કરી દીધી.

મારે ‘બ્રેસિયર્સ’ ખરીદવાં હતાં. ભાનુ કહે, ‘ભાઈ, તમે ‘પીટર રોબિન્સન’ના સ્ટોરમાં જજો. સ્ત્રીઓ માટેની ચીજોની એ ખાસ દુકાન છે. ત્યાં ઉમદા વસ્તુઓ મળશે. હું ઊપડ્યો પીટર રોબિન્સનમાં. આખા સ્ટોરમાં હું જ એક બાવળના ઠૂંઠા જેવો પુરુષ. બાકી બધી સ્ત્રીઓ જ હતી. કાઉન્ટર પર આધેડ વયની એક ખુશમિજાજ બાઈ ઊભી હતી. મને પૂછે, ‘કેન આઇ હેલ્પ યૂ ડાલિર્ંગ?’ મેં કહ્યું, ‘થેંક યૂ વેરી મચ ઇન્ડીડ! મારે બ્રેસિયર્સ લેવાં છે.’ એ હસીને કહે, ‘આઈ હોપ યૂ નો ધ કરેક્ટ સાઇઝ!’ મેં એને વિગત સમજાવી. પેલીએ તો કાઉન્ટર પર ઢગલો કરી દીધો. પછી પૂછ્યું વોટ સ્ટાઇલ વૂડ યૂ લાઇક ઇટ ટુ બી? મતલબ કે કેવી ફૅશનમાં જોઈએ છે?’

એ કહે, ‘વૂડ યૂ લાઇક ટુ હૅવ એ ડેમોન્સ્ટ્રેશન? પહેર્યા પછી કેવાં લાગશે એ તમારે જોવું છે?’

હું તો ખરેખર ગભરાયો. મને થયું. આ બાઈ કરશે શું? પહેરીને બતાવશે? હજી તો મેં કંમિત પણ પૂછી નહોતી! મને મજાક કરવાનું મન થયું… પૂછ્યું, ‘ડુ વી હૅવ અ પ્લેઝર ઓવ અ ડેમોન્સ્ટ્રેશન ઓલ્સો?’

મોં મલકાવીને એ કહે, ‘નો, ડાલિર્ંગ! નોટ ધ વે યૂ મીન ઇટ!’ પછી ટપોટપ ત્રણચાર પૂતળાં કાઉન્ટર પર ગોઠવી એના પર બ્રેસિયર્સ ભરાવીને એણે મારી સામે જોયું. મેં કહ્યું, ‘કેવી ફૅશન સારી ગણાય એ તું જ પસંદ કરી આપ. પણ કંમિત શું છે?’ એ કહે, ‘મેં બતાવ્યાં એ સારામાં સારાં છે, કંમિત ચાર પાઉન્ડ.’

મેં કહ્યું, ‘એેટલાં મોંઘાં ન પરવડે મને. મારી ગુંજાયશ એક પાઉન્ડ સુધીની છે.’ એણે એ પ્રમાણેનો માલ કાઢ્યો અને ખરીદી તો પતી.’

મારે મારી દીકરી કિન્નરી માટે એક કોટ ખરીદવો હતો. ત્યાં હેંગર પર લટકતો એક કોટ મને ગમ્યો. કિંમત વધુ નહોતી. મૂંઝવણ એટલી હતી કે એ કોટ કિન્નરીને બરાબર આવી રહેશે કે નહિ? દુકાનમાં એક ગ્રાહક છોકરી ખરીદી કરી રહી હતી. બરાબર કિન્નરી જેવડી જ લાગે. મેં પેલી બાઈને કહ્યું, ‘પ્લીઝ! તમે પેલી છોકરીને અહીં બોલાવીને આ કોટ પહેરી જોવા કહેશો? મારી દીકરી એવડી જ છે.’

એ કહે, ‘એ તો મારા લોર્ડની દીકરી છે. અમારું સારામાં સારું ઘરાક છે. મારાથી એને એમ ના બોલાવાય. તમે કહી જુઓ.’

મેં એ છોકરી પાસે જઈને કહ્યું, ‘એક્સક્યૂઝ મી, ડાલિર્ંગ! વિલ યૂ પ્લીઝ હેલ્પ મી? મારી દીકરી માટે એક કોટ લેવો છે. એને ફિટ ના થાય તો મારી મહેનત એળે જાય. તું કોટ પહેરી બતાવે તો મને ખરી સમજ પડે. એ તારા જેવડી છે.’

એ હસીને કહે, ‘ઓહ શ્યોર! એમાં શું મોટી વાત છે? ચાલો.’ મેં પસંદ કરેલો કોટ તો મોટો નીકળ્યો. પણ પોતાને માટે જ ખરીદી કરતી હોય એમ એણે તો જુદી જુદી ફૅશનના કોટ કાઢીને માંડ્યા પહેરવા. બીજીયે બેત્રણ સેલ્સગર્લ આવીને એની તહેનાતમાં હાજર થઈ ગઈ. મને પૂછે, ‘શું કરે છે, તમારી દીકરી?’ મેં કહ્યું, ‘ભણે છે, કોલેજમાં છે.’

બધા કોટમાંથી એક પસંદ કરી કહે, ‘આ કોટ સરસ છે. પ્યોર આઇરિશ લીનન છે. ઇન્ડિયામાં પહેરવા કામ લાગે એવો લાઇટ છે.’

કંમિતનું લેબલ જોયું તો પચીસ ગીની! મેં કહ્યું, ‘આટલો મોંઘો કોટ મને ના પરવડે.’ એ કહે, ‘મોંઘો ક્યાં છે? ફક્ત પચીસ જ ગીની તો છે!’ એમ મેં સમજાવ્યું કે ‘આટલા સ્ટલિર્ંગ એક કોટ ખરીદવાને મારી પાસે ફાજલ નથી.’ એ કંઈ જુદં જ સમજી. કહે, ‘કંઈ ફિકર નહિ. મારી પાસે છે. હું તમને આપું.’ મેં કહ્યું, ‘પણ તને પાછા આપવાની મારી પાસે સગવડ જોઈએ ને?’

એ કહે, ‘ના આપશો પાછા. જસ્ટ ફરગેટ એબાઉટ ઇટ! મારે કંઈ અહીં પૈસા નથી આપવા પડતા. મારું તો અહીં ખાતું ચાલે છે અને બિલ મારા ફાધર ચૂકવશે. મારા તરફથી તમારી દીકરીને પ્રેઝન્ટ સમજજો.’

આ તો પેલા રાજા જેવી વાત થઈ. કોઈ કહે : પ્રજા ભૂખે મરે છે. ખાવા ધાન નથી. રાજા કહે : તો પછી લોકો ખાજાં કેમ ખાતાં નથી? છેવટે હું એને માંડ સમજાવી શક્યો કે એવું ના થાય. દુકાનમાં મેં માપ વગેરે લખાવ્યું, અને બીજી કોઈ વાર આવી મને પરવડે એવો કોટ લઈ જઈશ એવો ગોટો વાળ્યો.

દુકાનમાંથી મારી સાથે બહાર નીકળતાં એ કહે, ‘ચાલો, આપણે આઇસક્રીમ ખાઈએ.’ અમે સરસ કાફેમાં ગયાં. આઇસક્રીમ મગાવ્યો. ખાધો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. એ કહે ‘ના ચાલે!’ તમારાથી પૈસા ન અપાય. તમે મારા મહેમાન છો.’ મેં કહ્યું, ‘હું તમારાથી મોટો, અમારા દેશમાં મોટા સાથે હોય ત્યારે દીકરીઓ બિલ ચૂકવે એવો રિવાજ નથી.’ એ નિખાલસ ભાવે ખડખડાટ હસી પડી. કહે : ધેન લેટ અસ હૅવ વન મોર આઇસક્રીમ. આપણે બીજી એક પ્લેટ મગાવીએ. એકના પૈસા તમે આપો. એકના મને આપવા દો, પ્લીઝ! એટલે સાટું વળી રહે. આપણા બેઉની વાત રહે.’

એની આવી મીઠી વાતનો ઇન્કાર કરવાની મારી હંમિત ન ચાલી અને અમે બીજી પ્લેટ આઇસક્રીમ મગાવ્યો! એક સાવ અજાણી છોકરી જંદિગીમાં આમ વ્હાલપ વરસાવીને વહી ગઈ!

મારે માટે વેલ્વેટકોર્ડનો એક કોટ ખરીદવો હતો. શોપંગિ સેન્ટરમાં રખડતાં એવા કોટ દુકાનોની કાચબારીઓમાં જોતો રહું. પણ સ્ટાઇલ અને કંમિતનો મેળ જામે નહિ. એક જ જાતના અને ફૅશનના કોટ જુદા જુદા સ્ટોરમાં, કંમિત પણ હેરફેર. એક સારા સ્ટોરમાં કોટ જોયો. ગમ્યો. પહેરી જોયો. ફિટ આવ્યો. ભાનુ મારી સાથે હતી. મેં એને કહ્યું, ‘કોટ તો લેવો જ છે, પણ પહેલાં થોડો ભાવ-તાલ કરી જોઈએ.’ એ તો ગભરાઈને કહે, ‘ઓહ, ભાઈ! ઇટ ઇઝ સિમ્પલી નોટ ડન હીયર! અહીં ભાવતાલ કદી ન થાય.’ મેં કહ્યું, ‘તને ઓછપ લાગતી હોય તો તું જરા દૂર ઊભી રહે. મારે ખાતરી કરવી છે.’

મેં કાઉન્ટર પરની બાઈને કહ્યું, ‘આ કોટ મને પસંદ છે, પણ કોટ ખરીદવાનું મારું બજેટ ચાર પાઉન્ડનું છે અને તમારી કંમિત પાંચ પાઉન્ડની છે. તમને તકલીફ આપી માટે માફી ચાહું છું. મને થોભવાનું કહી એ ગઈ મૅનેજર પાસે. પાછી આવી હસીને કહે, ‘સર, યૂ કૅન હૅવ ઇટ ફોર યોર બજેટ પ્રાઇઝ! લઈ જાઓ ચાર પાઉન્ડમાં!’

એમ મારો એક પાઉન્ડ બચ્યો અને અહીં ભાવતાલ ન થાય એવો ભ્રમ ભાંગ્યો. પછી તો ઘણે ઠેકાણે રકઝક કરીને ચીજો લીધી છે. લંડનમાં ભાવતાલ ન થાય એવું કંઈ જ નથી. પરવડે ત્યાં સુધી ગ્રાહકોનું મન સાચવવાનું વેપારી માનસ વધે જ સરખું. હા, ત્યાં સંખ્યાબંધ દુકાનો એવી છે કે જ્યાં ભાવતાલ કરવાની કલ્પના સુધ્ધાં આપણે ન કરી શકીએ —

પણ એમ તો અહીં, મારા દેશમાંયે સેંકડો દુકાનો એવી છે, જ્યાં એક જ દામથી ચીજો વેચાય છે.

વિલાયતના લોકો અતડા છે. વિધિસરની ઓળખાણ ના થઈ હોય તો વાત તો ન કરે પણ તમારી સાથે ડોકુંય ન ધુણાવે એવી વાતો પ્રચલિત છે. ત્યાંની પ્રજામાં બેશક આપણને અતડાપણું લાગે, પણ એની ભીતરનું કારણ મને જુદું લાગ્યું છે. ત્યાંનાં લોકો ખૂબ કામઢાં છે, સમયને વેડફી દેવાનું ત્યાં કોઈને પોસાતું નથી. ફાલતુ વાતચીત માટે જાણે એમની પાસે સમય નથી. ખૂબ પ્રેમાળ પ્રજા છે. નવરાશની પળોમાં થાકેલાં તનમનને આરામ આપવામાં, અથવા તો બીજાની એવી આરામ પળોને ન છંછેડવામાં એ લોકો માને છે એવું મને લાગ્યું છે. ત્યાં તમે નવરા હો તો કોઈની ઓફિસમાં માત્ર ગપ્પાં મારવાં કે ખબર-અંતર પૂછવા જઈ ન શકો. ભાનુ-આનંદની કામકાજની જગ્યાએ બંને વખતના લંડનવાસ દરમ્યાન આ રીતે હું કોઈ વાર ગયો નથી. એ માટે ત્યાં ફક્ત એક જ વાક્ય છે : એવું થાય જ નહિ! ઇટ ઇઝ સિમ્પલી નોટ ડન!’

તમારે નવરા ન બેસવું હોય ને કામ કરવું હોય તો, તમારું મનપસંદ કામ કદાચ તમને ન મળે, પણ કામ શોધનારને કામ જરૂર મળી રહે, હોટેલમાં વેઇટર તરીકે, વાસણો સાફ કરવા માટે સેલ્સગર્લ કે ટાઇપિસ્ટ તરીકે એમ મહેનતનાં કામ સરળતાથી મળી જાય. મહેનતાણું પણ આવાં કામો માટે અઠવાડિયે આઠ-દસ પાઉન્ડ મળી રહે. આ પ્રકારનાં કામ કરવામાં કોઈ ત્યાં આપણા દેશની જેમ નાનપ માનતું નથી. શ્રમનું ગૌરવ કરનાર અને કરાવનાર બંને સમજે છે.

મને થયું કે કંઈ કામ શોધું, સમય પસાર થાય અને થોડું રોકડ નાણુંય મળે. એક એમ્પ્લોયમેન્ટ એજન્સીમાં ગયો. ત્યાં મૅનેજરને સમજાવ્યું કે ઘરે બેઠાં કરી શકું એવું કંઈક કામ શોધું છું. મારા વ્યક્તિત્વને માપીને એ કહે, ‘લિફાફા પર સરનામું સારા અક્ષરે લખી શકશો?’ એ તો મારું મનગમતું કામ હતું. મેં હા કહી એટલે એણે કહ્યું, ‘એક લિફાફા પર સરનામું લખી બતાવો.’ મારા ચોખ્ખા અક્ષર અને સારી સુઘડતા જોઈ એ કહે, ‘તમારું કામ ચોક્કસ છે. અમે એક લિફાફા દીઠ એક પેન્સ આપીશું.’ મેં ગણતરી કરી કે ત્રણચાર કલાકમાં પાંચસો સરનામાં તો આસાનીથી લખી શકાય એટલે દિવસના બે પાઉન્ડનું કામ સરળતાથી થઈ શકે. આનંદને વાત કરી. એ કહે, ‘ભાઈ, તમે અહીં હરવાફરવા અને આરામ કરવા આવ્યા છો, કામ કરવા નહિ. ઉપરાંત કાયદા પ્રમાણે તમે અમારા મહેમાન તરીકે આવ્યા છો એટલે કામ કરી પૈસા પેદા કરી ના શકો. આપણે એવી પંચાતમાં પડવું નથી.’ આમ કામ કરવાની વાત બંધ રહી અને અલગારી રખડપટ્ટી એ જ મારો આશરો રહ્યો.

તે દિવસે હું લંડન નહોતો ગયો. સારી એવી ઠંડી હતી. વરસાદ પડવાની આગાહી હતી. બ્લૅન્કેટમાં ઢબૂરાઈને પડ્યો પડ્યો વાંચતો હતો. ક્યાંકથી કોઈ બાળકનો રડવાનો અવાજ સંભળાયો. દસેક મિનિટ સુધી રુદન ચાલુ રહ્યું. થોડી વાર તો હું પડ્યો રહ્યો. બાળક તો રડે… કંઈ રડે, છાનું જ ન રહે. મારાથી ન રહેવાયું. થયું, જોઈએ તો ખરા કે શું વાત છે? ડ્રોઇંગરૂમમાં જઈ બારી ખોલી જોયું. અવાજ પાસેના ઘરમાંથી જ આવતો હતો. વીસેક મિનિટ થઈ, પણ બાળકની રડવાની એ જ રફતાર ચાલુ. હું તો પહોંચ્યો પડોશના મકાનમાં. દરવાજો ઠોક્યો, પણ કોઈએ જવાબ ન દીધો. ફરીને હું જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં, પાછળના બગીચામાં ગયો, કાચના બારણામાંથી જોયું તો દોઢેક વર્ષનું એક બાળક ફરતા કઠેડાવાળા પલંગમાં ઊભું ઊભું રડે. દરવાજાને ધક્કો મારતાં ખૂલી ગયો. અંદરથી બંધ નહોતો. મેં હાક મારી, ‘ઘરમાં કોઈ છે? એનીબડી હોમ!’ પણ કંઈ જવાબ ન મળ્યો. મેં બાળકને શાંત કરવાની તરકીબ આદરી. એને ઊંચકીને બહાર કાઢ્યું. ભીની લંગોટ બદલી. રમકડાંથી રમાડવાની કોશિશ કરી. થોડી વારે એ ભૂલકું તો ગેલમાં આવી ગયું. કિલકિલાટ કરવા લાગ્યું. હું ગભરાયો. ઘરમાં કોઈ નહિ અને છોકરો તો રમતે ચડ્યો! હવે શું કરવું?

એટલામાં એની મા બહારથી આવી. મેં ખુલાસો કરવા માંડ્યો કે હું બાજુના કોટેજમાં રહું છું. એ કહે, ‘મને ખબર છે, તમે મિસિસ પાટિલના ફાધર છો. ઇન્ડિયાથી આવ્યા છો.’ મેં કહ્યું, ‘આ તો તારું છોકરું રડતું હતું. મારાથી ન રહેવાયું એટલે પછી આવ્યો. એ કહે, ‘ખૂબ આભાર થયો તમારો. હું ખરીદી કરવા ગઈ હતી. એકાંતરે આમ જવું પડે છે એને મૂકીને. શું થાય?’ મેં કહ્યું, ‘એને સાથે લઈ જવો જોઈએ ને! છોકરાને આમ રડાવાય!’ એ કહે, ‘કોઈ વાર રડેય ખરો. પછી એની મેળે છાનો રહી જાય. રડવાથી તો બાળકનાં ફેફસાં સુધરે. વધારે ખરીદી હોય ત્યારે એને સાથે લઈ જવાનું ના ફાવે.’ મેં કહ્યું, ‘કોઈ બાળક આમ રડે તો મને ખૂબ અજંપો થાય. એનાં ફેફસાં હું જાઉં પછી સુધારજે. હું છું એટલા દિવસ એને ના રડાવતી. મારી પાસે મૂકીને જજે.’

એ મારે માટે કોફી બનાવીને લાવી. ભારતની વાતો પૂછવા લાગી. મેં કહ્યું, ‘અમારે ત્યાં મા આમ આટલા નાના બાળકને એકલું મૂકીને ના જાય. કોઈ ને કોઈ નાનુંમોટું ઘરમાં હોય; નહિ તો પાડોશીને ભળાવીને જાય અને ધ્યાન રાખનાર નોકર પણ મળી રહે.’

એ કહે, ‘અહીં તો પરણીને કુટુંબથી જુદા રહેવાનું. અહીંયાં જોઇન્ટ ફેમિલી સિસ્ટમ — સંયુક્ત કુટુંબ–નો રિવાજ નથી. તમારા જેવો પાડોશી વ્યવહાર પણ નથી અને બેબીસીટર — આયા બોલાવવાનું અમને વારંવાર ના પરવડે. એટલે અમારી લાચારી છે!’

એ પછી લંડન ના ગયો હોઉં ત્યારે એ બાળકને મારી ભાળમાં મૂકીને જતી. ભાનુને વાત કરી ત્યારે એ કહે, ‘ભાઈ, અહીં આવી પારકી પંચાતમાં પડવું નહિ. કોઈ ફરિયાદ કરે કે આ માણસ અમારા બાળકને ઉપાડી જવા — કિડનૅપ કરવા — આવ્યો હતો તો કફોડી સ્થિતિ થાય.’

સામાન્ય રીતે ભારતવાસી થોડા વસવાટે લંડનથી કંટાળી જાય છે. એને ઘર સાંભરે છે. લંડનના છલનામય બેવફા હવામાનથી એ ત્રાસે છે. સગાંવહાલાં અને મિત્રોની યાદ એમને સતાવે છે. મારી ભાણેજ સુનીલા ચિત્રકલાના અભ્યાસ માટે ત્યાં ગઈ છે. ચાર વર્ષનો કોર્સ છે, 1965માં ગયો ત્યારે અમે લંડનમાં લંચ માટે મળવાનું નક્કી કર્યું. મળી ત્યારે રસ્તા વચ્ચે જ વહાલથી ભેટી પડી. લંચ દરમ્યાન વાતવાતમાં મેં કહ્યું, ‘ચાલ, મારી સાથે ઘેર પાછી.’ બે પળ એ ટગરટગર મારી સામે જોઈ રહી, પછી ગળગળી થઈને કહે, ‘માસા, ઘર ને મા તો મિનિટે મિનિટે યાદ આવે છે. અભ્યાસ પૂરો થાય એના દિવસો રોજ ગણું છું. હજી તો ત્રણ વરસ કાઢવાનાં છે! આવી હેતવાત ના કરશો, નહિતર હું અહીં જ રડી પડીશ.’ બીજા વાર આ વરસે ગયો ત્યારે કહે, ‘હવે તો એક જ વરસ રહ્યું છે. પરીક્ષા પૂરી થતાં બીજે જ દિવસે દેશ જવા ઊપડી જઈશ!’

એક વાર ભાનુને પૂછી બેઠો : ‘તને અહીં ફાવે છે? ઘર યાદ નથી આવતું?’ ડાહી દીકરી હસીને કહે, ‘કયું ઘર, ભાઈ? હવે તો હું પરણી ગઈ! જ્યાં મારો વર ત્યાં મારું ઘર. પિયરનો કે દેશનો અજંપો કરે કેમ પાલવે? ખૂબ મોજમાં છું અહીં. તમે મળી ગયા. અમારી સગવડે અને અવકાશે મા અને ભાંડુઓને મળી આવીશ…’

લંડનમાં એક અવનવી પેઢી છે. એનું નામ જ ‘ઇમ્પો’સીબલ્સ એટલે કે ‘અસંભવિત’. તમારું ગમે તેવું વિકટ કામ હોય, એ લોકો કરી આપવાની હામ ભીડે, અને નવ્વાણું ટકા તો કરી આપે. થિયેટરની ટિકિટ ના મળતી હોય; પ્લેન, રેલવે કે જહાજનું તાત્કાલિક બુકંગિ જોઈતું હોય; કટાણે પાંચસો-હજાર માણસની પાર્ટી માટે વ્યવસ્થા કરવાની હોય; ચોક્કસ હોટેલમાં ભરસીઝનમાં રહેવાની જગ્યા જોઈતી હોય; મૂંઝવણનું કોઈ અટપટું કે અવળચંડું કામ હોય તો ‘ઇમ્પોસિબલ્સ’ એ માથે લેવાની હામ ભીડે.

મારી જિજ્ઞાસા સંતોષવા કંઈક નવું જાણવા મળશે એવી ધારણાથી હું ત્યાં ગયો. ઓફિસમાં એક રૂપાળી જુવાન છોકરી બેઠી હતી. એના ટેબલ પર પાંચ-છ જુદા જુદા રંગના ફોન પડ્યા હતા. મેં કહ્યું, ‘મારે મૅનેજરને મળવું છે.’ એ કહે, ‘પ્લીઝ, બી સીટેડ! ક્યાંથી આવો છો? શું કામ છે?’ કહ્યું, ‘ભારતથી આવું છું. પત્રકાર છું. તમારી પેઢીની કામગીરી વિશે જાણવું છે.’ એ કહે, ‘હું જ મૅનેજર છું. પણ માહિતી માટે તમને મારા પબ્લિક રિલેશન્સ ઓફિસર સાથે ભટકાડી દઉં. એ તમને જોઈતી બધી માહિતી આપશે અને છતાં કંઈ મુશ્કેલી લાગે તો મને કહેજો. યૂ આર મોસ્ટ વેલકમ, સર!’

પબ્લિક રિલેશન્સમાં વળી એના જેવી બીજી યુવતી મળી. ખૂબ સ્વસ્થ અને સાલસ. પૂછું એનો જવાબ મીઠાશથી, ચોકસાઈથી અને વિગતવાર આપે. ઘણી વાતો થઈ. મેં પૂછ્યું, ‘તમારું મહેનતાણું કેવા ધોરણે હોય છે?’ એ મલકીને કહે, ‘ઇમ્પોસિબલ ધોરણે! અહીં આવનાર મહેનતાણાનો આંક પૂછતા જ નથી. અઢળક ધન ખરચવાની શક્તિ અને તૈયારી હોય એ જ અહીં આવે. ભારતનાં ઘણાં શ્રીમંતો અને રાજા-રજવાડાં અમારી કને આવે છે. એક મહારાજા માટે પાંચસો મહેમાનોની મિજબાની અમે ગોઠવી આપી હતી. એ પ્રસંગ માટે ઇન્ડિયાથી ખાસ બસો ડઝન હાફૂસ કેરીઓ એમની વરદી પ્રમાણે પ્લેન ચાર્ટર કરીને અમે મંગાવેલી. અમારું બિલ પાંચ હજાર પાઉન્ડનું થયેલું એવું યાદ છે. એ રીતે એક વાર કોઈ ખાસ કારણ માટે ગંગાજળ મંગાવી આપેલું.’ આવા તો અનેક કિસ્સા જાણવા મળ્યા.

મુલાકાત પૂરી થયે પેલાં મૅનેજર બહેનને મળી એમનો આભાર માન્યો. એ કહે, ‘તમનેય અહીં કંઈ મૂંઝવણ હોય તો કહેજો.’ મેં કહ્યું, ‘હું કંઈ મહારાજા નથી!’ એ કહે, ‘ફિકર નહીં, અમારી પાસે આવનાર દરેક જણ અમારે માટે તો વી.આઈ.પી. — મહત્ત્વનો માણસ — જ છે. કામ પડે સંકોચ ના રાખતા.’

મારી એક મૂંઝવણ હતી. મને ભારત જવા માટેનું સ્ટીમરનું બુકિંગ ‘લોઇડ ટ્રિએસ્ટ્રીનો’માં નહોતું. બે મહિનાથી નામ વેઇટંગિ લિસ્ટ પર હતું. એ કંપનીની ભારત જતી બધી સ્ટીમરો ચિક્કાર હતી. મેં કહ્યું, ‘એક મૂંઝવણ છે, ‘લોઇડ્ઝ’ની — સ્ટીમર ‘વિક્ટોરિયા’ ઓક્ટોબરમાં ભારત જાય છે. તેમાં મને સૌ પાઉન્ડનો પૅસેજ જોઈએ છે. એટલી રકમની રિટર્ન ટિકિટ મારી પાસે છે. તમારું મહેનતાણું કેટલું થશે?’

એ હસીને કહે, ‘બધાં કામ પૈસા માટે થોડાં જ થાય છે? સમ ટાઇમ વી વર્ક ફોર પ્લેઝર ઓલ્સો. મને તમારી ટિકિટ આપો. બુકિંગ મળી જશે. આ તો ‘પોસિબલ’ કામ છે. મહેતાણામાં તમે આવતી કાલે મારી સાથે લંચ લેશો તો મને આનંદ થશે! પત્રકારોની સગવડ સાચવવી એ તો અમારી ફરજ છે.

એ ભલી બાઈએ મારા પૅસેજની વ્યવસ્થા તે જ દિવસે કરી નાખેલી. ઉપરથી મને સરસ વેજિટેરિયન રેસ્ટોરાંમાં લઈ જઈ મોંઘા વાઇન અને સરસ લંચથી નવાજ્યો. છૂટા પડતી વખતે મેં એને લક્ષ્મીજીની મૂતિર્ના પેન્ડન્ટ સાથેનો એક ગંઠેલો નેકલેસ ભેટ આપ્યો. એને સમજાવ્યું કે, ‘આ અમારી દોલતની દેવી છે.’ એ કહે, ‘દોલતની તો અમને ખૂબ જરૂર છે. હું એને આસ્થાથી જાળવી રાખીશ!’

એક વાર સ્કોટલેંડ યાર્ડની મુલાકાતે ગયો. મારા પાસપોર્ટમાં પત્રકાર તરીકેની ઓળખ જોઈને ફરજ પરના અધિકારી મિ. હચિન્સને મને બધે ફેરવી ખાસ ચીવટથી કાર્યવાહી વિશેની ઘણી વિગતો સમજાવી. મુલાકાત પૂરી થયે એમ કોફી પીતા હતા એટલામાં ફોનની ઘંટડી રણકી. વાત પતાવી એણે મને કહ્યું, ‘કાલે રાત્રે અમે ચોરીનો એક કિસ્સો પુરાવા સહિત — રેડહેન્ડેડ — પકડી શક્યા છીએ એ વિશે ફોન હતો. તમને કદાચ એમાં રસ પડશે.’

વાત એમ બનેલી :

‘જોન અને ટોમ લંડનની એક પબ — દારૂનું પીઠું–માં પેઠા. બપોરે ત્રણેક વાગ્યાનો સમય, એટલે પબમાં વધુ ગ્રાહકો નહોતા. બારમૅન પાસેથી કાઉન્ટર પરથી બીઅર લઈ દૂરના ટેબલ પર બેસી પીતા જાય અને વાતો કરતા જાય. શહેર બહાર આવેલા એક ડ્રગ સ્ટોરને લૂંટવાની બંને સંતલસ કરી રહ્યા હતા. આથી યોજના કેમ પાર ઉતારવી એની વિગતોથી ખૂબ ધીમે અવાજે સંભાળપૂર્વક ચર્ચા ચાલતી હતી. કાઉન્ટર પરના બારમૅને અમને ફોન પર તરત જ એ સંતલસની ખબર કરી. ફોન આવ્યો એટલે તાબડતોબ અમે રેડિયો મેસેજથી કબ પાસેના ઓફિસરને જોન અને ટોમની હિલચાલ ઉપર નજર રાખવા કહ્યું. ને રાત્રે બંનેને ડ્રગ સ્ટોર લૂંટતા આબાદ પકડી પાડ્યા. એ બારમેન બહેરો છે! સાંભળી શકતો નથી એટલે આદતના જોરે હોઠ ફફડે એ પરથી વાત સમજવા લીપ-મૂવમેન્ટ પારખવાની કળા એણે સાધી છે. પરિણામે જોન અને ટોમની સંતલસ ખૂબ દૂર બેઠાં નજરના જોરે એ સમજી શકેલો!’

તે દિવસ ખૂબ ટાઢોડું હતું. જમી પરવારી અમે હીટર પાસે બેઠાંબેઠાં ટેલિવિઝન જોતાં હતાં. એટલામાં ફોનની ઘંટડી રણકી. ફોન મારી નજીક હતો એટલે મેં જ રિસિવર ઊંચક્યું. ‘હલ્લો!’ કહેતાં સામેથી અવાજ આવ્યો, ‘લોંગ ડિસ્ટંસ કોલ ફોર મિસ્ટર ઝવેરી!’ મેં કહ્યું, ‘સ્પીકંગિ!’

પણ આટલું સાંભળીને તો મારા હૈયામાં જાણે સીસું રેડાઈ ગયું. મનમાં ભારેનો અજંપો થઈ આવ્યો. થયું કે મારે માટે ટ્રંક-કોલ તો ઘરેથી જ હોય. અમંગળની આશંકાઓ અંતરને ઘેરી વળી. હું તો સૂનમૂન થઈ ગયો. ટ્રંક-કોલ છે જાણી ભાનુ-આનંદ પણ ગંભીર થઈ ગયાં.

એટલામાં અવાજ આવ્યો, ‘ભાઈ!’

ધ્રૂજતે અવાજે મેં કહ્યું, ‘કિન્નરી! કેમ દીકરી! શું છે આમ અચાનક?’ ઠંડીમાંયે મને પરસેવો વળી ગયો. શરીર પાણી પાણી થઈ ગયું.

ફરી અવાજ આવ્યો. ‘ભાઈ! હું અનુરાધા પ્રાગથી બોલું છું. જહાજ પર સાથે હતાં એ યાદ છે કે પછી ભૂલી ગયા?’

આટલું સાંભળતાં ખુશીને હડસેલે જાણે પળ પહેલાંનો ધ્રાસકો વેરાઈ ગયો. મેં કહ્યું, ‘નથી ભૂલ્યો, રાધા! ફોન પર અવાજ બરાબર ન વરતાયો. બોલ શું છે?’ એ કહે, ‘કોન્ટિનેન્ટ ફરવા નીકળી છું. પરમદિવસે રવિવારે ચાર દિવસ માટે લંડન આવું છું. તમે ફોન-નંબર આપ્યો હતો એ લેખે લાગ્યો, મારે માટે સેન્ટ્રલ વાય.ડબલ્યુ.સી.એ.માં બેડ એન્ડ બ્રેકફાસ્ટ સાથે રૂમ બુક કરાવી રાખશો?’

મેં વિગતો પૂછી ફ્લાઇટ નંબર અને સમય નોંધી લીધા. કહ્યું કે એરપોર્ટ પર ઉતારવા આવીશ. ખુશીખબરની લેવડદેવડમાં સમય પૂરો થવા આવ્યો. અચાનક યાદ આવ્યું એટલે ઉમેર્યું, ‘પ્લેન પરથી બસો સિગારેટ અને એક બાટલી શેમ્પેનની ડ્યુટી-ફ્રી મળશે એ અમારે માટે લેતી આવજે. બેસ્ટ ઓફ લક! બાય!’

યુરોપમાં અહીંની જેમ કોઈને ત્યાં ટપ દઈને મહેમાન તરીકે ટપકી ન પડાય. યજમાનનું સ્પષ્ટ આમંત્રણ હોય તો જ મહેમાન તરીકે જવાય એવી ત્યાં રીતરસમ. રાત રોકાવું હોય ત્યારે તો યજમાન પાસે પાગરણની પૂરતી સગવડ છે કે કેમ એવુંયે વિવેકથી પૂછવાનો રિવાજ. સગવડ પૂરતી ન હોય તો ધાબળા સાથે લઈ જવા પડે. મકાનમાલિકની મંજૂરી વિના સગાંવહાલાંનેય ઘરમાં રાખી ના શકાય. પતિપત્ની માટે ઘર ભાડે રાખ્યું હોય અને તેમને બાળક થાય તો ઘરધણી ધારે તો મકાન કાયદેસર ખાલી કરાવી શકો એવી ત્યાં જોગવાઈ. હું લંડન ગયો ત્યારે ભાનુને વિવેકથી મિ. ડાઉનંગિની પરવાનગી લેવી પડી હતી કે, મારા ફાધર બેત્રણ મહિના માટે અહીં આવે છે, તે તમે રજા આપો તો અમારી સાથે રહે. એમણે ના ભણી હોત તો મારે હોટેલમાં ઊતરવું પડત. સને 1966માં ભાનુને દીકરો આવ્યો ત્યારે એ લોકોએ બારનેટમાં મકાન ખરીદી લીધું અને રહેઠાણ બદલી લીધું.

બીજે દિવસે શનિવાર હતો. અનુરાધા અમારી સાથે જ રહે એની વ્યવસ્થા થઈ ગઈ હતી. આનંદ એક ફોલ્ડંગિ પલંગ ભાડેથી લઈ આવ્યો. રાત્રે કહે, ‘કાલે સવારે એકલો જ એરપોર્ટ જઈ રાધાને લઈ આવીશ.’ ભાનુ કહે, ‘ઓળખીશ કેમ?’ એ કહે, ‘લાંબા વાળવાળી, સાડી પહેરેલી સૌથી રૂપાળી છોકરી દેખાશે એને ઊંચકી લાવીશ!’ ભાનુ કહે, ‘એવી એક છોકરીને તો તું ઊચકી લાવ્યો છે!’ એ સૌ હસી પડ્યાં.

રવિવારની સવાર પડી. હું અને આનંદ એરપોર્ટ ગયા. ભાનુ રસોઈમાં પડી. ઘરે આવીને અનુરાધા તો તરત ભાનુ સાથે હળી ગઈ. સાંજે આનંદ અમને ‘કંટ્રી સાઇડ’ તરફ ફેરવી લાવ્યો. મોડી રાત સુધી અમે એક પબમાં બેઠાં, ડ્રિંક્સ પીધાં અને આનંદની વાતો ઉકેલી.

સોમવારથી મેં અને અનુરાધાએ લંડનની રખડપટ્ટી આદરી. શિશુ જેવી નિખાલસ રમતિયાળ અને અત્યંત લાવણ્યમયી રાધાની સોબતમાં ચાર દિવસ તો આંખના પલકારામાં જાણે ઓગળી ગયા. ગુરુવારે રાધાએ જવાની તૈયારી કરી, પણ ભાનુ કહે, ‘અત્યાર સુધી તો તું ભાઈ સાથે હરીફરી. અમારી સાથે નિરાંતે શનિ-રવિ વીક એન્ડ ગાળી સોમવારે જજે.’ આવા સ્નેહશબ્દને એ નકારી ન શકી. રોકાઈ ગઈ.

એ શનિવારે રાત્રે અમે શેમ્પેનપાર્ટી ગોઠવી હતી. ભાનુ કહે, ‘ભાઈ, કહો ના કહો પણ રાધાના મનમાં કંઈ ખૂબ મોટો ખટકો છે. દિલમાં જાણે ખૂબ દુભાયા કરે છે.’ આનંદ કહે, ‘કંઈ દુભાતી નથી, હસે છે, બોલે છે, હરે છે, ફરે છે, ડ્રિંક્સ લે છે. આનંદ કરે છે. ખાસ્સી મોજમાં છે!’ ભાનુ કહે, ‘એ જોવા માટે તો સ્ત્રીની આંખો જોઈએ. તને એ નહિ સમજાય.’

રાત્રે અમે મિજલસ જમાવી. આનંદ સરસ મજાનો ઇટાલિયન વાઇન લાવ્યો હતો. જમવા સાથે વાઇનની લિજ્જત માણતાં માણતાં વાતો વહેતી થઈ. ડિનર પતી ગયા પછી રાધા ભાનુને કહે, ‘તું કંઈક ગા.’ ભાનુએ ગાયું અને વાતાવરણમાં સંગીતનો આનંદ ઘૂંટાવા લાગ્યો. પછી ભાનુ રાધાને કહે, ‘હવે તું ગા.’ સંકોચનું તો કોઈ કારણ જ નહોતું. સૌ ઘરનાં હતાં. રાધા કહે, હમણાં નહિ; થોડી વાર પછી.’

ભાનુએ રેડિયોગ્રામ પર વિલાયતખાંની પીલુ ઠૂમરીની સિતારવાદનની ચૂડી ચડાવી. અનુરાધા શેમ્પેનની બાટલી સાથે લાવી હતી, એ આનંદે ખોલી, ગ્લાસ ભરાયા. ખાંસાહેબની સિતારમાંથી સરકતી ઇશ્કલહરીઓ શેમ્પેનમાં સમરસ થઈ ને એ આસવને પ્રેમના રસાયણનો પટ દઈ રહી હતી. સંગીત, સાજ અને શરાબના ત્રિભેટે હવા દર્દે દિલ દઈને વહેતી હતી. સિતાર શમી ગઈ અને રાધાએ ગીત ઉપાડ્યું :

ચલી રાધે રાની

અખિયનમેં પાની

અપને પ્રીતમસે મુખડા મોડકે…

એની કજ્જલશ્યામ આંખોમાંથી જાણે નર્યો વિષાદ ટપકી રહ્યો હતો. સ્વરસૃષ્ટિ સંકેલાતાં તો આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. પાંચ પળમાં એ સ્વસ્થ થઈ ગઈ. હસવા લાગી. ભાનુ કહે, ‘એમ હસીને વાત ના ઉડાવ!’ રાધા કહે, ‘કઈ વાત?’ ભાનુ કહે, ‘પ્રીતમસે મુખડા મોડવાની વાત. તું આવી ત્યારથી મારી આંખમાંથી એ તો ડોકિયાં કરી રહી છે. મને ના બતાવતી. ના કહેવું હોય તો તારી મરજી, પણ કહીશ તો મન હળવું થશે.’

રાધા કહે, ‘ખરી વાત છે તારી. હૈયામાં વાત સંઘરીને જાણે ખૂબ ભાર લાગે છે. એ અંતરગોઠ તારા જેવી સખી અને ભાઈ-આનંદ જેવા સ્વજનો પાસે નહિ ઠાલવું તો બીજા કોને કહીશ?’ અતીતનાં સ્મરણોને મમળાવતી હોય એમ એ થોડી વાર મૂંગી રહી. પછી બોલી :

‘ઘરથી દૂરદૂર, માબાપ અને ભાઈભાંડુને છોડીને આ પારકા પરદેશમાં આવી છું. ઘણુંબધું ભૂલવા. હોપ એન્ડ ફરગેટફુલનેસ — આશા અને વિસ્મરણ–ની અણમોલ ભેટ ઈશ્વરે માનવજાતને બક્ષી છે. સમયના વહેણમાં બધું ઓસરી જશે. અંતરનો અજંપો દૂર ના થાય ત્યાં સુધી, ખૂબ લાંબો સમય જર્મનીમાં રહેવાની છું. છબીકલાની મારી સાધનામાં ધરબાઈ જવાની છું. હું એક યુવાનના પ્રેમમાં હતી. એ મારા પ્રેમમાં મસ્ત હતો. હું એને દિલથી ચાહતી. એનો આદર કરતી. અમે હળતાંમળતાં, સ્નેહસૃષ્ટિમાં આથડતાં એકબીજામાં લીન હતાં. એ ન હોય ત્યારે મારી એકએક પળ બેચેનીમાં વીતતી.

‘એક વખત જુહુના સાગરતટે અંધારી તારામઢી રાત ઓઢીને અમે બેઠાં હતાં ત્યારે એમણે મને કહ્યું, ‘રાધિકા, મારે એક એકરાર કરવાનો છે. આપણા મિલન પહેલાં હું એક કિશોરી સાથે પ્રેમ કરી ચૂક્યો છું.’ મેં કહ્યું, ‘આપણા મિલન પહેલાંની કોઈ વાત મારે સાંભળવી નથી. તું, જેવો મેં તને ઓળખ્યો છે એવો જ સદા બની રહે એટલું મારા માટે પૂરતું છે.’ એ મારો પ્રિયતમ હતો. એના વિના હું જીવી શકું એમ નહોતી. એની આગલીપાછલી મારે સાંભળવી નહોતી. ઊલટું, એના નિખાલસ એકરાર પછી તો એ મને વધુ વહાલો લાગ્યો. લગ્ન આડા બે મહિના બાકી રહ્યા, ત્યારે એણે મને ફરી એક દિવસ કહ્યું, ‘પ્રિય! યાદ છે તને? એક દિવસ મેં પેલી કિશોરી વિશે કહ્યું હતું…’ મેં એની વાતને અરધેથી જ કાપી નાખતાં કહ્યું, એ વાતની તો ચોખવટ આપણે થઈ ગઈ છે ક્યારનીય! એ વાત તો પતી ગઈ. હવે એનું શું છે?’ એણે કહ્યું, ‘ના, ચોખવટ નથી થઈ. મેં તને કહ્યું હતું કે હું એના પ્રેમમાં હતો, પણ એ વાત સાચી નથી. તારા સિવાય, રાધિકા! બીજા કોઈ સાથે મેં પ્રેમ નથી કર્યો. તે દિવસે માત્ર મજાકમાં, તારા મનનું પારખું લેવા જ એ વાત મેં જોડી કાઢી હતી.’ એણે આટલું કહ્યું અને મારા અંતરતમમાં કોઈએ કટારી ભોંકી દીધી હોય એવી તીવ્ર વેદના થઈ આવી. મેં એને કહ્યું, ‘અરે… અરે! તેં આવું કેમ કર્યું! આવું તું કેમ કરી શક્યો? આ બધી વાતો તેં મને ના કહી હોત તો શું બગડી જવાનું હતું? અને એ કંઈ કહે, કંઈ દલીલ કરે એ પહેલાં હું ચાલી નીકળી, એણે મને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, અનેક ફાંફાં માર્યાં, પત્રો લખ્યા, વિનવણીઓ કરી, માફી માગી, પણ હું કદી એને મળી નથી. અંતરની વેદનાઓના તમામ સરંજામને સંકેલીને, સાથે લઈને, હું આજે દૂરદૂર અહીં આ પારકા પરદેશમાં આવી વસી છું. મારાં માવતર મારા દિલને સમજે છે. અને હવે તો હું કંઈક સ્વસ્થ છું, પણ આજે પેલું ગીત, ‘ચલી રાધે રાની…’ ગાયું અને ફરીથી અંતરશૂળ દિલમાં અજંપો વેરી ગયું. તમારી સાથે દિલની વાત કરવાનું મન થઈ આવ્યું ભાઈ! તમે જ એક દિવસ કહ્યું હતું ને કે : ‘એની ફાધર વૂડ બી પ્રાઉડ ઓવ્ ડોટર લાઇક યૂ’ એટલે જ.’

થોડી પળો છાનીમાની સરકી ગઈ. હું કંઈક ક્ષુબ્ધ સ્વરે બોલ્યો, ‘રાધા મારી દીકરી! તારા મનની આ ગૂઢ વાત સાંભળવા જેટલાં પ્રિયજન અમે થઈ શક્યાં એ વાતનો મને હર્ષ છે, પણ એણે તને બીજી યુવતી વિશે વાત કરી ત્યારે એને અપનાવવા તું તૈયાર હતી; તો પછી એણે જ્યારે તને કહ્યું કે તારા સિવાય અન્ય કોઈ સાથે એણે પ્રેમ નહોતો કર્યો ત્યારે એનો સ્વીકાર કરવામાં અંતરાય શા માટે નડે એ વાત મને ના સમજાઈ.’

ભાનુ સાથે નજર મેળવતાં રાધા બોલી, ‘એક નારીના મનની એ વાત તમને કદાચ ન સમજાય, ભાઈ! મારી સાથેના મિલન પહેલાં એણે ગમે તે કહ્યું એનું કોઈ ખાસ મહત્ત્વ મારે મન નહોતું અને નથી. એની અંગત વાત થઈ, પણ મને ઓળખ્યા પછી, મારી સાથે મનમેળ કર્યા પછી, મારી સાથેના સ્નેહનું બંધન સ્વીકાર્યા પછી; અંતરની સૂક્ષ્મતમ લાગણીઓને છંછેડવા, મારા મનનું પારખું લેવા, માત્ર મજાક કરવા ખાતર જે પુરુષ આટલી સહજ રીતે જૂઠું બોલી શકે એ છલનાને હું કેમ સાંખી શકું! સ્ત્રીઓનું દિલ તો દિલરૂબાના તાર જેવું નાજુક હોય છે. એની મુલાયમતાને અણઘડ રીતે છેડો તો તો એ નંદવાઈ જાય. પછી એમાંથી નિર્ભેળ સંવાદ કદીયે ના સરજાય. મારી વાત તમે સૌએ પ્રેમથી અને ધીરજથી સાંભળી એથી મારો હૈયાભાર હળવો થયો. હમણાં બાર વાગશે. નવો દિવસ શરૂ થશે. અને બે દિવસ પછી તો હું તમારા સૌથી વિખૂટી પડી જઈશ — પેલી આકાશી વાદળીની જેમ. ચાલો હવે આનંદની વાતો આદરીએ!’

લંડન જતાં પહેલાં, ગોરી ચામડીના એ દેશમાં કાળી ચામડી પ્રત્યે જે સૂગ ભરી પડી છે તેની અનેક વાતો સાંભળી હતી. સદ્ભાગ્ય ગણો, કમભાગ્ય ગણો કે અકસ્માત ગણો : ગમે તે કહો; અંગત રીતે મને આ દિશામાં એકેય કડવો અનુભવ નથી થયો પણ રંગભેદ ત્યાં ગજબનો છે. અંગ્રેજને મન વેસ્ટઇન્ડિઝ, જમાઈકા, હબસી, હિન્દુસ્તાની, ચાઈનીઝ, સંગાિપુરી, જાપાનીઝ એ બધાં જ ધોળી ચામડીની છાપ વિનાના ‘કલર્ડ પીપલ’. કોઈ તમને ભલે મોઢેથી કંઈ કહે નહિ; તમારું છતરાયું અપમાન કરે નહિ, તમારી સામે કતરાતી આંખે જુએ નહિ; પણ ત્યાંની હવામાં તમને રંગભેદની ગંધ આવે ને આવે જ. આવકારની ઉષ્માનું વાતાવરણ ન વરતાય. સ્વતંત્રતાના બે દાયકા પછીયે આજે આપણે ત્યાં ઢેઢભંગી પ્રત્યેની સૂગ ઠેરઠેર ગંધાય છે એના જેવું કંઈક આ પશ્ચિમી રંગભેદનું છે. ટેલિવિઝન ઉપર છાશવારે કાર્યક્રમો હોય કે પરદેશીઓ આ દેશને ખપતા નથી.

ગોરી ચામડીનો રબરસ્ટૅમ્પ ન હોય તો તમને અનેક કોન્ઝરવેટિવ-રૂઢિચુસ્ત લત્તાઓમાં મકાન ભાડેથી યા વેચાતું મળવાનીયે મુશ્કેલી પડે. તમારો પાડોશ અણગમતો લાગે. પણ સામે પક્ષે, આજે ત્યાં વસતા આ રંગબેરંગી પરદેશીઓ પણ અંગ્રેજોની આ સૂજ સામે હવે ખમતીધર થઈ ગયા છે. મને તો લાગ્યું કે માથાભારેયે થઈ ગયા છે. અંગ્રેજ શું કહે છે ને શું કરે છે એની જાણે એને તમા જ નથી, ઊલટું, મેં તો લંડનમાં જોયું કે હબસીઓની આંખમાં ગોરાઓ પરત્વે એક જાતનો લાલચોળ, અભિમાની તિરસ્કાર ભર્યો પડ્યો છે. એ અંગારાથી અંગ્રેજી આજે અકળાય છે. સમસમીને બેસી રહે છે. કારણ કે એનો કોઈ ઇલાજ નથી. ઘઉંવરણાં ને કાળાં પરદેશી ડોક્ટરો, નર્સો, હમાલો, કામદારો, કારીગરો, વેઇટરો, વાણોતરો એ બધાં વિના દેશ પાંગળો બની જાય એમ છે. ત્યાંનું વાતાવરણ ડોસી મરી નહિ, ખાલી ડચકે ચડી ને જમ ઘર ભાળી ગયા એવું — સાપે છછુંદર ગળ્યા જેવું છે.

હું ટ્યૂબટ્રેનમાં લંડન જતો હતો. ભીડ હકડેઠઠ. એક હબસી બેઠેલો. અંગ્રેજ બાઈ ઊભી હતી. પેલાને કહે, ઊઠ! ઊભો થા, મારે બેસવું છે. કાળીદાસનું તો રૂંવાડુંયે ના ફરકે. સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો રહ્યો. બાઈએ માંડ્યું એને ભાંડવા. કડવાં વેણનું જાણે ખાબોચિયું ભરાઈ ગયું. ગાળોનો ખાળકૂવો ઠલવાતો ગયો અને મારી બાજુમાં બેઠેલા એક સજ્જનનું લમણું તપી આવ્યું. એયે હતા રંગની પીંછી મારેલા જણ. લોહી તપ્યું ને જીભ એમનીયે સળવળી. કહે ‘યૂ બ્લડી બીચ! વોટ ડુ યૂ મીન? તારા બાપનું ઘર છે તો અમારું આ સાસરું છે. ખબરદાર! ઝાઝી લપછપ કરી છે તો ટાંટિયો ઝાલીને ફેંકી દઈશ દરવાજા બહાર! મોં સંભાળીને વાત કરજે.’

ડબો એંસી ટકા ગોરાઓથી ભરેલો, પણ કોઈ ચૂં કે ચાં ન કરે. સૌએ બેઠાં બેઠાં તમાશો જોયા કર્યો. બાઈની લૂલી થઈ ગઈ બંધ. પછી એક હરફ એના મોંમાંથી ન નીકળ્યો. ઊતરવાનું સ્ટેશન આવ્યું ને ચૂપચાપ ઊતરી ગઈ. નવાઈની વાત તો એ નીકળી કે મારા સાખપાડોશી હતા ‘શું શાં પૈસા ચાર’વાળા એક ગુજરાતી ભાઈ! છગનભાઈ એમનું નામ. મારા જ જાતભાઈ! લંડનમાં એમની હાટડી. ઓળખાણ થઈ એટલે મેં કહ્યું, ‘છગનભાઈ, તમે તો ભાઈ બહુ આકળા!’ એ કહે, ‘આખી જંદિગી મેં આફ્રિકે ગાળી છે. ત્યાં પોસ્ટમાસ્તર હતો. હમણાં અહીં આવ્યો છું ઠરીઠામ થવા. આ બે બદામની ધોળી વંતરી ભલું હશે તો ક્યાંક કોઈ હોટેલમાં લાદી લૂછતી હશે કે વાસણ માંજતી હશે. એ આમ આપણી નજર સામે કાળી ચામડીને ભાંડી જાય ને આપણે મૂંગામંતર જોયા કરીએ તો ધૂળ પડી આપણા ધોળામાં. આમ લૂલી ન હલાવીએ તો આ લોકો આપણને સુખે રોટલો ખાવા દે એ વાતમાં શું માલ છે! તમે જોયુંને, બોલ્યો કોઈ મરદનો બચ્ચો કાંઈ? જમાનો બદલાઈ ગયો છે, ભાઈલા! રાઈનાં પડ રાતે ગયાં. આ બે દાયકામાં દેખાડું તમને ધોળિયાનું ઉઠમણું!’ આમ અવળી ગંગાયે વહેતી જોઈ ક્યાંક ક્યાંક…

અંગ્રેજ તમને હળેમળે, તમારે ત્યાં ચા પીવા કે જમવાયે આવે, પણ પોતાનો વારો આવે ત્યારે સામાન્ય રીતે એ તમને હોટેલમાં જમવા લઈ જાય. ઘરઆંગણે નોતરવાનું ટાળે. અપવાદરૂપ અમારા અનુભવ સુખદ છે. અંગ્રેજ મિત્રો અમારે ત્યાં વારંવાર આવતા અને અમને ઘરે બોલાવી પ્રેમથી વળતું જમણ જમાડતા.

જોન રોબિન્સન આનંદનો ગોઠિયો. બંને એક જ ઠેકાણે કામ કરે. ખાસ્સો છ ફૂટ ઊંચો, કદાવર, દિલનો સાફ, વાતનો શોખીન. મનમોજી જુવાન. એની વહુ એન્ટોનિયો ફરાંસી લલના. શોખીન, રૂપાળી, ફૅશનેબલ, જબરી મજાકી, રમતિયાળ બાઈ. એક દીકરાની મા. દીકરાનું નામ રોબીન. એક વાર એ લોકો અમારાં મહેમાન થયાં. શનિ-રવિ વીક એન્ડ ગાળવા આવ્યાં. ત્યાં નાનાં બાળકોને સાંજે સાત વાગ્યામાં જમાડીને ઊંઘાડી દેવાનો ચાલ. જગ્યાની છત હોય ત્યાં બાળક એકલું સૂઈ રહે. એન્ટોનિયો રોબિનને સુવાડી ડ્રોઇંગરૂમમાં આવીને બેઠી. ભાનુ-આનંદ સ્કેન્ડિનેવિયા જઈ આવેલાં એ સફરની રંગીન સ્લાઇડો અમે પ્રોજેક્ટરથી જોતાં હતાં. ત્યાં રોબિન રડતો આવ્યો. કહે, ‘મા, મને બીક લાગે છે!’ એન્ટોનિયો કહે, ‘બીક વળી શાની લાગે, બેટા?’ દીકરો કહે, ‘અંધારાની.’ મા કહે, ‘અરે ગાંડા, અંધારામાં જ તો તું રોજ સૂએ છે. અંધારાની બીક તો તમે કોઈ દિવસ નથી લાગતી!’ રોબિન કહે, ‘પણ એ તો આપણા અંધારાની મા! ભાનુ આન્ટીના અંધારામાં મને નથી સોરવતું, ડર લાગે છે.’ મનોમન બાળકોને પોતાનું શું અને પારકું શું એની કેવી રમણીય પરખ હોય છે!

મેં એન્ટોનિયોને કહ્યું, ‘તું એને ખોળામાં લઈને પંપાળ. હમણાં સૂઈ જશે. ભાનુ-આનંદ મને ‘ભાઈ’ કહે એટલે એમનાં બધાં મિત્રો મને ભાઈ જ કહેતાં. એક વાર એન્ટોનિયોનો મારા પર પત્ર હતો. મારું નામ તો એ જાણે નહિ. સરનામામાં લખેલું — ‘મિસ્ટર ભાઈ!’ એન્ટોનિયો કહે, ‘ભાઈ, પાંચ વર્ષનો થયો. હવે વળી પંપાળવાનું કેવું? એ તો એ…ઈને એની મેળે પાછો જપી જશે. નકામાં લગદાં કરે છે.’ મેં રોબિનને કહ્યું, ‘અહીં આવ, મારી પાસે. હું તને થાબડું.’ રોબિન મારા ખોળામાં ભરાઈ ગયો. હું એને થપકીઓ દેવા લાગ્યો. ખૂબ આનંદ થતો હતો એને પંપાળતાં. ઘણે દિવસે નાનો અજોય મળ્યો હોય એવો. પાંચ મિનિટમાં તો એ ઊંઘરેટો શિશુ નીંદરવશ થઈ ગયો. એન્ટોનિયો જોઈ રહી. ભાનુ એને કહે, ‘હું મોટી ઢાંઢા જેવી થઈને બી.એ.માં હતી. ત્યાં લગી મા મને પંપાળીને સુવરાવતી, એની તો એક સુંદર વાર્તા છે કૃષ્ણ-જશોદાની અમારે ત્યાં. કોઈ વાર તને કહીશ. જોન કહે, ‘હમણાં જ કહે.’

ભાનુએ વાત આદરી :

‘જશોદાજી કનૈયાને એક વાર દુલારથી પંપાળીને સુવરાવતાં હતાં. કૃષ્ણ કહે, ‘મા, હવે તો હું મોટો થઈ ગયો. ભલભલા બળિયા સાથે બાથ ભીડું છું. મૂછનો દોરોયે ફૂટ્યો છે. તું નહિ પંપાળે તોયે મને ઊંઘ આવી જશે. શા માટે જાગરણ કરે છે? સૂઈ જા મા, તું તારે નિરાંત જીવે સૂઈ જા.’ જશોદા કહે, ‘મારા લાલ! મને ખબર છે તું હવે મોટો થઈ ગયો છે. પણ એ તો દુનિયાની નજરે. મારે હૈયે તો તું સદા બાળકનૈયો જ રહેવાનો. તને તો નીંદર આવી જશે બેટા! પણ તને ન પંપાળું; મારું હેત તારા રૂંવાડે રૂંવાડે ના ઠલવું ત્યાં સુધી મને કેમ કરીને ઊંઘ આવે? તને ઊંઘાડવા નહિ, પણ મારા હૈયાને હળવું કરવા હું તને પંપાળું છું!’

જનેતાનું હૈયું એટલે જનેતાનું હૈયું — દુનિયાભરમાં સરખું, ભાનુની વાત સાંભળી એન્ટોનિયોની આંખો ભીની થઈ ગઈ. એણે હળવેકથી રોબિનને મારી પાસેથી સેરવી લીધો. છાતી સાથે વળગાડ્યો અને પંપાળવા લાગી!

કોન્વેન્ટ ગાર્ડન એટલે લંડનની મોટામાં મોટી હોલસેલ શાકપીઠ. ભાયખલાની મારકેટ જેવી. સવારે ચાર વાગ્યે ખૂલે અને છ વાગ્યા સુધીમાં તો સંકેલાઈ જાય. દિવસના ટાઇમ મળે નહિ એટલે અમે રોજ બાર વાગ્યા સુધી ટેલિવિઝન જોતાંજોતાં વાતો કરતાં બેસીએ. એ શુક્રવારે રાત્રે ગપ્પાં મારતાં રાતના બે વાગી ગયા તેનો ખ્યાલ ના રહ્યો. સવારે કોન્વેન્ટ ગાર્ડન જવાનું નક્કી કરેલું. આનંદ કહે, ‘બે તો થયા, હવે સૂવાનો કંઈ અર્થ નથી. ચાલો નીકળી જ પડીએ. મોટરમાં ઇધરઉધર ભટકતાં પહોંચી જઈશું.’

ત્રણ વાગે અમે લંડન પહોંચ્યા. એક ‘ઓલનાઇટ રેસ્ટોરાં’ પાસે ગાડી પાર્ક કરી. એટલામાં હવામાં લહેરિયાં લેતાં વાયોલીનના સૂર સંભળાયા. અમારા કાન ચમકી ગયા. ગાડીમાં જ બેસી રહ્યાં. ભાનુએ પૂછ્યું, ‘ભાઈ, ડુ યૂ હીઅર વોટ આઇ હીઅર? સાંભળ્યું તમે?’

ફૂટપાથ પર આસન જમાવી કોઈ મસ્ત ભજવૈયો પોતાની ધૂનમાં ગીત છેડી રહ્યો હતો. એના સાજમાંથી એ નિપજાવી રહ્યો હતો બિલાસખાંની તોડીનો કરુણમય આલાપ. અંતરને વલોવી નાખે એવી તીવ્ર વેદનાથી એ પરોઢ પહેલાંના પ્રહરને છંછેડી રહ્યો હતો. થોડી વારે એ વેદના ખુદ પોતાથી ન જિરવાતી હોય એમ તોડીનું રૂપ સંકેલી એણે ઉપાડ્યો અહિરભૈરવ. હવા, ઝાડ, પાન, પશુ, પંખી અને ભાંગલી રાતની નિ:સ્તબ્ધતાયે ડોલી ઊઠી. પળભર તો ભ્રમ થયો કે જાણે મુંબઈમાં જ કોઈ મહેફિલમાં બેઠાં છીએ. એણે ભૈરવ આદર્યો ને અમારાથી ના રહેવાયું. મોટરમાંથી નીકળી અમે ફૂટપાથ પાસે સરક્યાં, દાઢી વધી ગયેલી. માથે પીકૅપ અને ઓવરકોટથી લદાયેલો એવો કલાકાર આંખો મીંચી તેની ધૂનમાં સાજના નાજુક તારને કોઈ દુલ્હન સાથે પ્રેમ કરતો હોય એવા દુલારથી જાણે પંપાળી રહ્યો હતો. એણે અમને જોયાં હોય એવું ના લાગ્યું. મનમાં થયું, કદાચ અંધ હશે. અમે ફૂટપાથ પર જ જમાવ્યું. અહીંયાં, આવી ભાંગતી રાતે, એકલો બેસીને તોડી-ભૈરવના ભેદ ઉકેલનાર કોઈ છે એ ખ્યાલે અંતરનું કુતૂહલ સળવળી ગયું. એકાએક ભાનુથી બોલાઈ જવાયું : ‘વાહ! વાહ!’ એ અવાજને અણગારે પેલાએ ગજ થંભાવી અમારી સામે જોયું. ઘણા વખતે કોઈ સ્વજન મળ્યું હોય એવી ખુશીની ખુશ્બોથી એનો ચહેરો જાણે મહેકી ઊઠ્યો. રાગ સંકેલાયો એટલે અમે ત્યાં બેઠાંબેઠાં જ વાતે વળગ્યાં.

એનું નામ અભરામ. વતની કરાંચીનો. ત્યાં આમ તો ટાંગો હાંકતો; સાથોસાથ બૅન્ડવાળાઓ સાથેયે એને નાતો. અબુમિયાં એના ઉસ્તાદ. એમની પાસે વાયોલીન શીખ્યો. બીજી લડાઈમાં ભરતી થઈને યુરોપ આવ્યો. ભારતના ભાગલા પડ્યા પછી દેશ ગયો જ નહિ. હવે એને ખબર નથી કે એનું વતન કયું — ભારત કે પાકિસ્તાન? ઘરડી મા ને ઘર-ખોરડાંના કંઈ વાવડ નથી. કોઈ પબ પાસે, રેસ્ટોરાં પાસે, નદીકિનારે, સાગરતટે… એમ ફરતો ફરે ને વગાડ્યા કરે, પશ્ચિમી સંગીતની ભારેની સૂઝ હૈયાઉકલતથી મેળવી લીધી છે, ક્યારેક દિવસ કોરો જાય તો વળી ક્યારેક એક-બે પાઉન્ડ મળી રહે. ઘર સાંભરે, વતન યાદ આવે. ત્યારે રાગ-રાગણી છેડી મનને હળવું કરી લે.

અમે એને રોસ્ટોરાંમાં લઈ ગયાં. ભાનુ કહે, ‘અભરામભાઈ, ચાલો આજે અમારે ઘરે. ભેળા જમશું. પછી તમે વગાડજો. અમે સાંભળશું.’ એ કહે, ‘ના બહેન! એવું બધું મારા જેવાને ન પાલવે. હું તો ભમતા ભૂત જેવો. માફ કરો, ઘરે તો નહિ આવું. સાધુ તો ચલતા ભલા! આ એના જેવું છે મારુંયે, ઘરે આવું તો ક્યાંક વળી માયા લાગી જાય. આપણે દેશવાસી અહીં, આમ પારકી ધરતીમાં અનાયાસે ભેગાં થઈ ગયાં એટલું ઘણું. કોઈ વાર અહિરભૈરવ સાંભળો ત્યાં આ અભરામને યાદ કરજો!’

તે દિવસે મોસમ ખુશનુમા હતી. બે અઠવાડિયાં પછી મારે કોન્ટિનેન્ટની સફરે નીકળવું એમ આગલે દિવસે નક્કી થયું અને વહેલી સવારે ઘરેથી ખુશીખબરના પત્રો મળ્યા હતા એટલે મારું મન પણ આનંદમાં હતું. નિરુદ્દેશે પગપાળા રખડતાં રખડતાં મને કકડીને ભૂખ લાગી. હાઈડ પાર્ક, મારબલ આર્ચ, રિજન્ટ સ્ટ્રીટ વટાવતો હું ટોટનહામ કોર્ટ રોડ ટ્યૂબ સ્ટેશન પાસે પહોંચ્યો ત્યારે એક વાગ્યો હતો.

હું મારા મનપસંદ ‘અલ્હાબાદ રેસ્ટોરાં’ તરફ વળ્યો. ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું. આછાં બ્રાઉન ‘ટાન’વાળી હસમુખી વેટ્રેસ મારી જરૂરિયાતો જાણે. હું જોઉં કે તરત ‘ગુડ ડે, સર!’ કહી મોટું જગ ઠંડા પાણીનું ભરી મૂકી જાય. પછી વગર કહે બીઅરભર્યું વજનદાર મગ, હું સ્મિત ફેંકી એને કહું, ‘સેઇમ એઝ યુઝવલ.’ પેલી સમજી જાય. પરોઠા, શાક, વઘાર કરેલી દાળ, પુલાવ. પાપડ, રસગુલ્લાં અને છેવટે બ્લૅક કોફી. કૅમેરા, હેવી કોટ, હેટ અને છત્રી વેટ્રેસને હવાલે કરી હું બારી પાસેની મારી રોજિંદી બેઠક પર ગોઠવાયો. ત્યાં બેસવું મને ગમે. ત્યાંથી મને સ્ટ્રોબરી વેચતી પેલી ત્રિપુટી દેખાય. યુવાન દંપતી અને ભટૂરિયું. હવે તો ખાસ્સી પહેચાન થઈ ગઈ હતી. લંચ અવરમાં ત્યાં ખાસ્સી ભીડ જામે. લાલ ઝાંયવાળી તાજી સ્ટ્રોબરી અને સ્ફૂતિર્લા એ યુગલ કરતાંયે મને વધુ આકર્ષણ તો એ રોજગારને રળિયામણો બનાવનાર ચારેક વરસના કિલકિલાટ કરતા બાળક માઇકલનું.

સ્ટ્રોબરીની બાંકડાગાડી, પતિપત્ની અને ભટૂર એ ચારેયના સહયોગથી એક રૂપાળી રોનક રેલાતી હતી. એકને બીજાથી વિખૂટું ના પાડી શકાય એવી. યુવતી મીઠી હલકે, ફ્રેશ સ્ટ્રોબરીઝ થ્રી એન્ડ સિક્સ! એ ટહુકે અને ગ્રાહકની માંગ ઝીલી ‘યસ લવ! યસ ડાલિર્ંગ!’ એમ કહેતી મીઠું મલકીને સ્ટ્રોબરીને પ્લાસ્ટિકના ચમચાથી ઊંચકી ત્રાજવામાં નાખતી જાય. યુવક એ મલકાટને તાલેતાલે સિફત અને ચપળતાથી સ્ટ્રોબરી થેલીમાં ઠલવી, ‘થેંક યૂ લવ!’ કહી ગ્રાહકને આપતો જાય, અને પેલો તંદુરસ્તીમસ્ત, લાલ ટમેટાં જેવા ગાલ અને સોનેરી વાળવાળો ભટૂરો ગ્રાહકો પાસેથી પૈસા લઈ એની માને આપે અને ચેન્જ લઈ, ‘થેંક યૂ સર! થેંક યૂ મેમ!’ કહેતો પાછું આપે.

લંચ પતાવી હું બહાર નીકળ્યો. ટોમ, મેરિયાના અને માઇકલ હવે તો મિત્રો જેવાં થઈ રહ્યાં હતાં. અડધો પાઉન્ડ સ્ટ્રોબરીનું મારું પૅકેટ મને જુએ કે તરત વગરપૂછ્યે તૈયાર કરી આપે. હું બાળક માઇકલ સાથે વાતે વળગ્યો. સામે જ આઇસક્રીમનો સ્ટોલ હતો. મેં એક બાર ખરીદી માઇકલને આપ્યો. પહેલે દિવસે આઇસક્રીમ લેતાં એ અચકાયો હતો. મા સામે મીટ માંડી હતી. માએ કહ્યું, ‘ટેક ઇટ ડાલિર્ંગ!’ માઇકલે બાર લઈને કહ્યું હતું, ‘થેંક યૂ સર!’ પછી પૂછ્યું, ‘તમારું નામ શું!’ મેં કહ્યું, ‘ઝવેરી.’ એ નામ જાણે એને ન ફાવ્યું હોય એમ એણે એનું ‘અંકલ જેરી’ કરી નાખ્યું. ત્યારથી અમારી દોસ્તી જામી ગઈ. માઇકલ મા સામે મીટ માંડ્યા વગર હવે ચોકબાર લઈ લેતો. માઇકલ ગ્રાહકોનો લાડકો. બધાં એને ‘બીઝી યંગ મેન’ કહે. એ બધા ગ્રાહકોને દીઠે ઓળખે. ટોમ જેટલો ભલોભોળો એટલી મેરિયાના ચાલાક અને નટખટ. પૈસાનો હિસાબ ચોકસાઈથી રાખે. કોટેજના હપ્તા ચોકસાઈથી ભરે. માઇકલ તો એને મન જાણે રાજકુંવર. ગ્રાહકોને પણ ઠાવકાઈથી સાચવે. પાઉન્ડ માગનાર બે પાઉન્ડ દઈ જાય એવી મીઠી જબાન. ચાર વાગે બાંકડો ખાલી થઈ જાય. પછી સ્કૂટર ઉપર ત્રણે જણ ઘર ભેગાં.

મારે હજી પંદર દિવસ લંડનમાં ગાળવાના બાકી હતા. ત્યાં તો ગળાબૂડ કામ અથવા થોકબંધ નાણું હોય તો જ ગમે. મેં માઇકલને પૂછ્યું, ‘ફરવા આવવું છે મારી સાથે?’ સવાલ અથડાયો કે તરત એણે મારી આંગળી પકડી લીધી. કહે, ‘કમોન અંકલ, લેટ અસ ગો!’ મેરિયાના સામે જોઈ મેં કહ્યું, ‘મને એકલા ફરતાં અડવું લાગે છે.’ એ આંખ મીંચકારીને કહે, ‘મને સાથે કેમ નથી લઈ જતા? અડવું નહિ લાગે. માઇ હસબન્ડ ઇઝ એ સ્પોર્ટ. વાંધો નહિ લે!’ ટોમ મોેટેથી હસવા લાગ્યો. મઝાક ઝીલતાં મેં કહ્યું, ‘મને માઇકલ સાથે વધુ ફાવશે. જો રજા આપો તો ચાર વાગ્યા પહેલાં મૂકી જઈશ.’ માની આંખમાંથી મંજૂરી પારખી એને અંગૂઠો બતાવતો માઇકલ મારી આંગળી ખેંચવા લાગ્યો.

ઓક્સફર્ડ સ્ટ્રીટ, પીકેડેલી અને સ્ટૅન્ડ વટાવી ચાલતાં ચાલતાં અમે ટ્રફાલ્ગર — લંડનના કબૂતરખાના પાસે પહોંચ્યા. નાનાં-મોટાં સૌ સરખાં બનીને કબૂતરોને ચણ ખવરાવતાં હતાં, માઇકલ કહે, ‘અંકલ, આપણે શીંગ લઈએ?’ મેં શીંગની ડબ્બી ખરીદવા માંડી. માઇકલે મને રોક્યો અને કહ્યું, ‘અહીંથી ના લેશો. અહીં તો ખૂબ પૈસા થશે. ચાલો આપણે સામેના સ્ટોરમાંથી મોટું પૅકેટ લઈ આવીએ. એ સ્ટોરવાળી મારી ફ્રેન્ડ છે.’ રસ્તો ઓળંગી અમે સામે ગયા. રેસ્ટોરાંવાળી બાઈએ હસીને પૂછ્યું, ‘કેમ માઇકલ! તારી મમ્મી કેમ છે? હમણાં કેમ દેખાતાં નથી?’ માઇકલ ઠાવકું મોં રાખીને કહે, ‘સ્ટ્રોબરીની સીઝન ચાલુ છે. હમણાં અમે ખૂબ બિઝી છીએ.’ પેલી હસી પડી. માઇકલે ‘અંકલ જેરી’ની ઓળખાણ કરાવી પછી પીનટનું મોટું પૅકેટ માગ્યું. મેં કહ્યું, ‘આપણે મેરિયાના માટે કંઈક લઈએ.’ એ કહે, ‘મમ્મીને કાજુ બહુ ભાવે છે.’ કાજુ લેવાયાં. માઇકલ રાજી રાજી થઈ ગયો. પછી પાછા અમે ટ્રફાલ્ગર સ્ક્વેર આવ્યા. શીંગ ભરેલા બંને હાથ લાંબા કરી માઇકલ ગોઠવાઈ ગયો. કબૂતરો એના હાથ પર, ખભા પર, માથા પર કૂદાકૂદ કરતાં શીંગ ખાતાં જાય. હાથમાંની શીંગ ખૂટતાં માઇકલ કહે, ‘કમોન અંકલ; હવે તમારો વારો. તમે ડરતા નહિ. એ કંઈ ચાંચ નહિ મારે. બસ ચૂપચાપ ઊભા રહેવાનું શીંગ લઈને — મારી જેમ જ.’

બાજુમાં એક યુવતી ઊભી હતી તે હસવા લાગી. મને પૂછ્યું, ‘વોટ અ સ્વીટ ડાલિર્ંગ! તમારો પૌત્ર છે?’ મેં કહ્યું, ‘ના, મારો દોસ્ત છે. લંડનમાં હી ઇઝ માય ઓન્લી ફ્રેન્ડ.’ પેલી કહે, ‘તમારો કૅમેરા મને આપો. હું તમારા બંનેનો એક સ્નૅપ લઈ દઉં.’ મેં કેમેરા આપ્યો. ચાંપ દબાઈ, છબી પડી ગઈ. અમારી ભાઈબંધીને મહોર લાગી ગઈ. સાડા ત્રણ થવા આવ્યા હતા. માઇકલ કહે, ‘હવે આપણે જઈએ. મા રાહ જોતી હશે.’ બાંકડા પાસે પહોંચીને માઇકલે તરત જ માને કાજુનું પડીકું આપ્યું. કહે, ‘તારે માટે. અંકલ લાવ્યા.’ મેરિયાએ એક મીઠું ‘થૅન્ક યૂ’ મારા ભણી ફેંકીને માઇકલને કહ્યું, ‘તો પછી આપણે અંકલને કોફી પાવી પડશે.’ પાસેના કાફેમાં મિજલસ જામી ગઈ. છૂટાં પડતાં માઇકલ કહે, ‘અંકલ, કાલે આપણે ઝૂ જોવા જઈશું.’

એ પછી મને લંડનમાં અડવું નહોતું લાગતું. ઘણી બપોર માઇકલની સોબતમાં આનંદમાં વીતતી. એને માટે ચોકલેટ, કૅન્ડી રમકડાં ખરીદતાં મજા આવતી. ભૂરી આંખો; ભરાઉ બદન અને સોનેરી વાળવાળી મેરિયાના મારી પાસે અડધો પાઉન્ડ સ્ટ્રોબરીના પૈસા ન લેતી. કહે, ‘તમે મારા માઇકલના અંકલ-ફ્રેન્ડ, તમારા ના લેવાય.’ પંદર દિવસ જોતજોતામાં વીતી ગયા. બીજે દિવસે મારે ‘કોન્ટિનેન્ટલ ટૂર’ પર જવાનું હતું. ટોમ મેરિયાના અને માઇકલને મેં ‘ઇન્ડિયા ક્લબ’માં મિજબાની આપી. ઈડલી, ઢોંસા અને ગુલાબજાંબુની. છૂટાં પડતાં અમારાં હૈયાં કંઈક ભારે હતાં. મેં કહ્યું, ‘માઇકલ, હું પાછો આવીશ ત્યારે તારે માટે ખૂબ રમકડાં લાવીશ. તને શું ગમે?’ માઇકલે યાદી બનાવી; ટોમીગન, ભમરડો અને ટેડીબેર. પછી ખિસ્સામાંથી એક નાનું માઉથ-ઓરગન કાઢી એણે મને આપ્યું. કહે, ‘આ તમને મારા તરફથી પ્રેઝંટ! મને ઓરગન ખૂબ ગમે છે.’ વગાડીને કહે, ‘જુઓ અંકલ, કેટલા સ્વીટ ટ્યૂન છે!’ હું ગળગળો થઈ ગયો. પોતાની સૌથી વધુ પ્રિય ચીજ એ બાળક હેતથી મને આપી રહ્યો હતો. ‘ગોડ બ્લેસ યૂ!’ કહીને મેં એ માઉથ ઓરગન ઓવરકોટના ખિસ્સામાં જતનથી મૂક્યું. ટોમ — મેરિયાનાને કહ્યું, ‘તમે અને તમારી સ્ટ્રોબરી વિના મને અડવું લાગશે.’ ટોમે ઉષ્માપૂર્વક મારો હાથ દાબીને કહ્યું : ‘તમે અમને ખૂબ યાદ આવશો.’ મેરિયાનાની આંખોમાં ઝાકળ હતી.

એક મહિનો હું કોન્ટિનેટર પર ફર્યો. ઇટાલી, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેંડ અને સ્કેન્ડિનેવિયા; પાછા ફરતાં ટોમીગન, ભમરડો, ટેડીબેર લેવાઈ ગયાં, સારું એવું એક્સચેન્જ એમાં વપરાયું, પણ મને એનો રંજ નહોતો. રોમથી કાલે લંડન પહોંચવાનું. સાંજે ઓક્સફર્ડ સ્ટ્રીટમાં ટોમને બાંકડે.

બીજે દિવસે રમકડાંનાં પૅકેટ લઈ ઓક્સફર્ડ સ્ટ્રીટ પહોંચ્યો. ત્યારે ચાર વાગવાની તૈયારી હતી. મને થયું ટોમ મેરિયાના ચાલ્યાં તો નહિ ગયાં હોય? દૂરથી જોયું તો બાંકડો સંકેલાતો હતો. હું ઝડપથી પહોંચી ગયો. રમકડાં ખાલી બાંકડા ઉપર મૂકી મેં ટોમ અને મેરિયાના સાથે હાથ મિલાવ્યા. પછી પૂછ્યું, ‘માઇકલ ક્યાં?’ બંને બે પળ મારી સામે જોઈ રહ્યાં, પછી ધ્રૂજતે અવાજે મેરિયાના બોલી, ‘માઇકલ? માઇકલ તો હવે નથી!’ મારા ગળામાં શબ્દો થીજી ગયા. ફરી મેરિયાના જ બોલી, ‘કાલથી અમે અહીં નહિ આવીએ, બધાં… બધાં એ જ સવાલ પૂછે છે કે માઇકલ ક્યાં? પોલિયો એને ભરખી ગયો! આ થાનક સાથેની લેણીદેણી પૂરી થઈ. ખરું પૂછો તો અમે જાણે તમારી જ રાહ જોતાં હતાં.’ ટોમની આંખ ટપકતી હતી, મેરિયાના ખામોશ હતી. હું સૂનમૂન હતો.

છેવટે મેરિયાના બોલી, ‘અમે આ રમકડાં ખૂબ જતનથી રાખીશું.’ મેં ઓવરકોટના ખિસ્સામાં હાથ નાખ્યો. મારી આંગળીઓ માઇકલના માઉથ-ઓર્ગન સાથે ટકરાઈ!

મૌનના પરિવેશને છંછેડ્યા વિના હું પાછો વળી ગયો. મારું મૌન ખૂબ ભારે હતું.

રખડપટ્ટીના અલગારમાં થોડા કડવા અનુભવોયે પરોવાયેલા છે. ટેલિવિઝન સાથે સંકળાયેલો મારો મિત્ર મિ. ગોલ્ડબોલ્ડ એક વાર મને પત્રકારો માટેના એક ડિનરમાં લઈ ગયો. સમર્થ પત્રકારોનું એ મિલન હતું. વિષય કેવી રીતે શરૂ થયો એ અત્યારે બરાબર યાદ નથી; પણ અચાનક ભારત વિશે વાતો નીકળી. હું બધું ચૂપચાપ સાંભળતો હતો. મને એમાં કૌતુકભરી મજા આવતી હતી. એમાં ચર્ચામાં ભાગીદાર બનવાની મારી લેશ પણ મરજી નહોતી.

અંગ્રેજને ભારત માટે ઓરમાયું હેત, ઉપરાંત સ્વસ્થતાથી કોઈને અસ્વસ્થ કરવાની આદત-આવડતે પણ ખરી. એક ભાઈએ મારા મોંમાં આંગળું નાખી બોલાવવાનો ચાળો કર્યો. મને ઉદ્દેશીને એક પ્રશ્ન કર્યો. પૂછ્યું, ‘તમારે ત્યાં પ્રમાણિકતાનું ધોરણ કેવું? વોટ એબાઉટ ઓનેસ્ટી ઇન યોર કંટ્રી?’ જાણે-અજાણ્યે એ વિવેકી અંગ્રેજ વિનય ચૂકીને મારા મર્મસ્થાને અડપલું કરી બેઠો. એને કોઈ ના મળ્યું ને હું જ મળ્યો! ક્ષણભર તો મને રૂંવેરૂંવે ઝાળ લાગી ગઈ. હુંયે સ્વસ્થતાથી બીજાને અસ્વસ્થ કરવાની કરામત લંડન રહીને થોડીથોડી શીખ્યો હતો. ખડખડાટ હસીને મેં કહ્યું, ‘કોઈ નહિ અને તમે મને આ સવાલ કરો છો એથી મને હસવું આવે છે. તમે આવો સવાલ ના કર્યો હોત તો સારું થાત. પ્રમાણિકતાનું ધોરણ તમે મૂકી ગયા હતા તે કરતાં ખાસ બગડ્યું નથી. પણ દોઢસો વર્ષનાં ટેવ-સંસ્કારો એમ કંઈ વીસ વરસમાં થોડાં જ સંકેલી શકાય? અંગ્રેજ આવ્યા તે પહેલાં મારો દેશ સમૃદ્ધ હતો. દોઢસો વર્ષમાં ખંખેરાઈ ગયો. બેકારી, કંગાલિયત, લાંચ, લફંગાઈથી છલકાઈ ગયો. એ બધું આટોપતાં તો બીજાં સો વર્ષ લાગશે. હું જોઉં છું કે ચારસો વર્ષની પરંપરા પછી; આજે જ્યારે તમારા દેશમાં પૂરી આઝાદી છે, બેકારોને રાજ્યનો સહોરો મળે છે અને રોટીની ફિકર નથી ત્યારેયે અહીં અપ્રમાણિકતાની કમી નથી. મહિને સો-બસો શિલંગિમાં ઘરનો વહેવાર નભાવવો પડે એવી પરિસ્થિતિ હોય તો, એવા સંજોગોમાં તમારે ત્યાં પ્રમાણિકતા કેટલી ટકે એનો વિચાર કરી જોજો. મારા દેશમાં કરોડો કુટુંબો એટલા પૈસામાં સંસાર ચલાવે છે એટલું જ નહિ; પણ ઘરડાં માવતરને, વિધવા ભોજાઈને કે અસહાય ભાણેજને પણ સાથે રાખીને પ્રેમથી પાળેપોષે છે. અને બીજાં કરોડો કુટુંબો તો એવાં છે જે સાવ બેકાર છે. આ બધું ખરું પૂછો તો તમારો દીધેલો વારસો છે; અને તમે… તમે જ મને આવો સવાલ પૂછી બેઠા એથી મને નવાઈ લાગે છે. અનફોર્ચ્યુનેટલી યૂ હૅવ હીટ મી બીલો ધ બેલ્ટ! તમે મારી નાજુક લાગણીને અકારણ છંછેડી એટલે આટલું કહેવાઈ ગયું તો માફ કરશો. અહીંયે મારો અંગત અનુભવ તો એવો છે કે : એન ઇંગ્લિશમૅન ઇઝ ઓનેસ્ટ અપટુ વન પાઉન્ડ! એક પાઉન્ડથી વધારેની વાત આવે ત્યાં અહીં તમારા દેશમાંયે અંગ્રેજને ફેરવી તોળતાં વાર નથી લાગતી. આ માન્યતા પાછળ રહેલો મારો અનુભવ સાંભળવો હોય તો કહું!’

આ અનુભવ જાણવા જેવો છે એટલે અહીં નોંધું છું. પ્રમાણિકતા એ કોઈ એક દેશનો ઇજારો નથી. માણસને પ્રમાણિક કે અપ્રમાણિક બનાવે છે એના સંજોગો. આપણા દેશની અપ્રમાણિકતા કે ગેરરીતિઓના બચાવમાં આ નથી લખતો. અંગ્રેજોને ઉતારી પાડવાના હીન આશયથીયે આ નથી લખ્યું, પણ પરદેશ ગયેલા, ત્યાંથી પાછા આવેલા કે પરદેશ ન ગયેલા આપણા દેશવાસીઓના મનમાં પરદેશ માટે જે નર્યો અહોભાવ ટપકે છે અને જે લઘુતાગ્રંથિ-ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ લઈને એ પરદેશમાં ઘૂમે છે; એના અનુસંધાનમાં આ અનુભવ અહીં ટાંક્યો છે. બધા અંગ્રેજો અપ્રમાણિક છે એવું કહેવાનો આશય રખે એમાંથી કોઈ તારવે, પણ આપણા આખાયે દેશમાંથી પ્રમાણિકતા સાવ પરવારી ગઈ છે એમ દર કલાકે કહેતાં રહેવું એય વાજબી નથી. લંડનના મોટામોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં સાતથી દસ ટકા માલ શોપલિફ્ટર્સ એટલે કે હાથચાલાકી અજમાવનાર ગ્રાહકો ઊંચકી જાય છે — ચોરી જાય છે એ હકીકતના બોલતા આંકડા મને ખુદ ત્યાંના શેઠ-વણોતરો પાસેથી સાંપડ્યા છે. એટલે, હજી ગઈ કાલ સુધી જેમના હાથમાં ભારતની સંસ્કારિતા અને શિક્ષણનો દોર હતો એ પ્રજામાંના એક જણે મારા અંતસ્તલને છંછેડ્યું ત્યારે હું સંયમ ખોઈ બેઠો. એ ખાટો અનુભવ આપણે જોઈએ.

વધારે વાંચતાં મારી આંખો દુ:ખવા આવતી એટલે આંખો તપાસરાવી નવાં ચશ્માં કરાવવાનો મારો વિચાર હતો. લંડનમાં ચશ્માં બનાવી લેવાનો કંઈક મોહ પણ ખરો. ભાનુ કહે, ‘ભાઈ, અહીં નૅશનલ હેલ્થની સ્કીમ પ્રમાણે તમને પંદર શિલંગિમાં ચશ્માં મળશે. બનાવી લો.’ મને વાત રુચી ગઈ. ત્યાં માંદગી હોય કે તપાસણી-ચકાસણી કરાવવી હોય તો તેના પૈસા ન લાગે. સરકાર તરફથી એ માટેનો મફત બંદોબસ્ત. એને ‘નૅશનલ હેલ્થ યોજના’ કહે. દર મહિને ત્યાં રહેનારે અમુક લાગો આ માટે ફરજિયાત આપવો પડે. દવા માટે સરકાર નક્કી કરે એ નિયમ. 1965માં ગયો ત્યારે દરેક પ્રિસ્ક્રિપ્શન દીઠ બે શિલંગિ આપવા પડતા. બાકીનો ખરચ સરકાર ભોગવી લે. 1967માં ચૂંટણી પછી સરકારે સૌને મફત દવા આપવાનું નક્કી કર્યું. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના તમને કોઈ કેમિસ્ટ દવા ન આપે. માંદગી હોય ત્યારે મુકરર ફેમિલી ડોક્ટર પાસે જ જવાનું. એનું પ્રિસ્ક્રિપ્શન લઈ કોઈ પણ કેમિસ્ટ પાસે જાઓ એટલે એ તમને દવા બનાવી આપે. હું ભાનુનો મહેમાન એટલે એમના ફેમિલી ડોક્ટર મિ. મોન્કમેન પાસે ગયો. એમણે મને ચશ્માંવાળા ઉપર રજાચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠી લઈ હું ચશ્માંવાળાની દુકાને ગયો. કહ્યું, ‘મારી દીકરીએ કહ્યું છે કે, પંદર શિલંગિમાં તમે ચશ્માં બનાવી આપશો.’ એ કહે, ‘એમની કંઈક ગેરસમજ લાગે છે. નેશનલ હેલ્થ પ્રમાણે કાચના પંદર શિલંગિ નહિ પણ એક પાઉન્ડ લાગે. તમારાં લખવા-વાંચવાનાં ભેગાં છે એટલે એ બાઈ-ફોકલ લેન્સના બે પાઉન્ડ થશે. જો નેશનલ હેલ્થની જે મુકરર ફ્રેમ છે તે લેશો તો ફ્રેમના દસ શિલંગિ થશે. તમારી મનપસંદ ફ્રેમ લેશો તો જેવી ફ્રેમ તેવાં દામ લાગશે.’

એણે બતાવી એ ધર્માદા ફ્રેમ સાવ ડબ્બા જેવી હતી. મેં એક સરસ ફ્રેમ પસંદ કરી. પેલો કહે, ‘આ ફ્રેમની કંમિત ચાર પાઉન્ડ થશે. એટલે કાચ અને ફ્રેમ મળીને કુલ છ પાઉન્ડ થશે.’ મેં કહ્યું, ‘મારે વાંચવાનાં એક જોડી જુદાંયે બનાવી લેવાં છે.’ એ કહે, ‘નૅશનલ હેલ્થમાં ફક્ત એક જ જોડી આ સસ્તા ભાવે મળી શકશે. વાંચવા માટેની બીજી જોડી, તમે પસંદ કરી છે એવી ફ્રેમ સાથે દસ પાઉન્ડ થશે.’ એ વખતે પાઉન્ડનો ભાવ તેર રૂપિયાનો ચાલતો હતો. એ હિસાબે જો નૅશનલ હેલ્થનો ભાવ મળે તો ચશ્મા એંસી રૂપિયાનાં અને બીજી જોડી એકસો ને ત્રીસ રૂપિયાની થાય. મુંબઈમાં બેસે તેના કરતાં અનેકગણાં વધારે દામ થયાં. મેં એને ફક્ત એક જોડી છ પાઉન્ડમાં બનાવવાનો ઓર્ડર આપ્યો. એ કહે, ‘ચશ્માં તૈયાર થતાં એક મહિનો લાગશે.’ બે પાઉન્ડ એણે ડિપોઝિટના લીધા. મને સારી બુદ્ધિ સૂઝી ને રસીદમાં બધું બરાબર લખાવી લીધું કે છ પાઉન્ડમાં પસંદ કરેલી ફ્રેમ સાથે ચશ્માં બનાવવાનાં. ડિલિવરી એક મહિના પછી અને એ માટે બે પાઉન્ડ ડિપોઝિટના મળ્યા છે.

એ પછી છ દિવસે મને નેશનલ હેલ્થ ખાતાના દફતરમાંથી પૂછપરછનો કાગળ મળ્યો કે : ચશ્માંવાળાએ તમારાં ચશ્માં માટે અમને પત્ર લખી રિવાજ પ્રમાણે રજા માગી છે. તો તમે કયા આધારે નૅશનલ હેલ્થ સ્કીમ પ્રમાણે ચશ્માં મેળવવાના અધિકારી છો એની વિગતો અમને લખી મોકલશો તો આભાર થશે. મેં તરત જવાબ લખ્યો કે : હું મારી દીકરીને મળવા અહીં આવ્યો છું. ત્રણચાર મહિના રહેવાનો છું. આથી વધુ કોઈ વિગતો મારી પાસે નથી.

પૂછપરછના કાગળની અને મારા જવાબની નકલ મેં ચશ્માંવાળાને પણ ટપાલથી તરત મોકલી આપી. ચાર દિવસ પછી મને નૅશનલ હેલ્થનું બીજું ફરફરિયું મળ્યું કે : તમે ટેમ્પરરી મુલાકાતી છો, એટલે અમારી આ યોજના પ્રમાણે તમને સસ્તા ભાવે ચશ્માં મળી શકશે નહિ તેની નોંધ લેશો. મને થયું, ચાલો પીડા પતી, છ પાઉન્ડ આપણા બચી ગયા! એ કાગળ લઈ હું ચશ્માંવાળાની પાસે ગયો. એ કહે, ‘તો પછી તમને ચશ્માંના દસ પાઉન્ડ લાગશે.’ મેં કહ્યું, ‘હવે મારે ચશ્માં બનાવવાં જ નથી. મારા દેશમાં તમારી નૅશનલ હેલ્થ યોજના કરતાં પા ભાગની કંમિતમાં ચશ્માં બને છે. હું ત્યાં જ બનાવી લઈશ.’ એ કહે, ‘પણ તમારાં ચશ્માં તો તૈયાર થઈ પણ ગયાં છે.’ મેં કહ્યું, ‘એ તો નવાઈની વાત તમે કરી! તમે જ તો કહ્યું હતું કે એક મહિનો ઉપરાંત લાગશે. મેં તમને પૂછપરછનો કાગળ તરત જ મોકલી આપ્યો હતો જે વાંચ્યા પછી રજાચિઠ્ઠી ના આવે ત્યાં સુધી ચશ્માં બનાવવાનું તમારે મોકૂફ રાખવું જોઈતું હતું. એ યોજના પ્રમાણે છ પાઉન્ડમાં મને મળશે એમ તમે જ મને કહ્યું હતું. એટલે એમાં મારો કોઈ દોષ નથી. દસ પાઉન્ડ ખરચીને ચશ્માં લેવા હું હરગિજ તૈયાર નથી.’

એ બંદો તો ડોકું ધુણાવીને કહે, ‘આઈ એમ સોરી, સર! પણ હવે બીજું કંઈ ના થાય. તમારે દસ પાઉન્ડ આપીને ચશ્માં લેવાં જ પડશે. અમને ચાર પાઉન્ડનું નુકસાન થાય એ કોણ આપે?’ મેં કહ્યું, ‘મારે ચશ્માં જોઈતાં જ નથી. તમે મને ડિપોઝિટના બે પાઉન્ડ પાછા આપી દો એટલે વાત પતી જાય.’ એ કહે, ‘તમે ચશ્માંનો ઓર્ડર આપ્યો છે. ડિલિવરી નહિ લો તો તમારી ડિપોઝિટના બે પાઉન્ડ જશે.’

એની આવી બેઢબ વાત સાંભળીને મારો મિજાજ ગયો. મેં કહ્યું, ‘તમારી એવી દાદાગીરી મારી પાસે નહિ ચાલે. એમ બે પાઉન્ડ હજમ કરી જવાનો ઇરાદો હોય તો નાકા ઉપર પોલીસથાણું છે. ત્યાં જઈ હું હમણાં જ ફરિયાદ નોંધાવી દઉં.’ મારી વાત સાંભળી એ ભોંઠો પડી ગયો. એણે વેપારી રીત આદરી. મને કહે, ‘એમ આકળા ન થાઓ. આપણે કંઈક રસ્તો કાઢીએ. બે પાઉન્ડ તમે વધારે આપો અને બે પાઉન્ડ હું જતા કરું. આપણે આઠ પાઉન્ડમાં સોદો પતાવીએ.’ મેં કહ્યું, ‘હવે તો એક દમડીયે વધુ ના આપું. ડિપોઝિટના મારા બે પાઉન્ડ વસૂલ કરવાની મારામાં તાકાત છે!’

અંતે છ પાઉન્ડમાં જ મને ચશ્માં આપવા એ કબૂલ થયો. મેં ખિસ્સામાંથી ચેકબૂક કાઢી બાકીના ચાર પાઉન્ડનો ચેક લખ્યો. એ કહે, ‘કાલે ચેક સ્વીકારાય પછી ચશ્માં લઈ જજો.’ હું સમસમી ગયો. મેં કહ્યું, ‘તમારા દેશમાં ના સ્વીકારાય એવા ખોટા ચેક લોકો બહુ આપતા લાગે છે. તમને ભરોસો ના પડતો હોય તો બેંકમાં ફોન કરી ખાતરી કરાવી આપું. પણ ચેક સ્વીકાર્યા પછી તમે મને ચશ્માં આપશો જ એની શી ખાતરી?’ એ લઈ ગયો, એણે મને ચશ્માં આપી દીધાં, મેં પહેરી જોયાં, બરોબર થયાં છે એની ખાતરી કરી લીધી અને પછી એને ચેક આપ્યો.

મુંબઈ-અમદાવાદ ખિસ્સાકાતરુઓ માટે મશહૂર અને દિલ્હીના ઠગ વખણાય. પણ ઇટાલી-ફ્રાન્સના લોકોનો સ્વભાવ ઉમદા. ખિસ્સું કાતરી કોટપેન્ટ ના બગાડે. તમારાં કપડાં જ ઉતારી લે એવા ઉસ્તાદ. કહેવાની મતલબ એટલી જ કે ઊજળું એટલું બધું દૂધ નથી હોતું અને દૂધ હોય એ બધુંય ભેળસેળ વિનાનું નથી હોતું. પેલા અંગ્રેજ પત્રકાર ભાઈએ આ કિસ્સો સાંભળ્યા પછી હસીને વાત વાળી લીધી. ખેલદિલીથી મારી માફીયે માગી લીધી, અને છતાં અંગ્રેજ પ્રજા નાનીનાની બાબતોમાં તો ખૂબ પ્રમાણિક છે. દૂધની બાટલીઓ દૂધવાળો દરવાજાની બહાર વિના ખટકે મૂકી જાય. છાપાંવાળો હાટડીમાં છાપાં પાસે પૈસા નાખવાનું ડબલું મૂકી ફરતો ફરે. બસમાં કંડક્ટર ટિકિટ લેવા ન આવ્યો હોય તો પડોશી પૅસેન્જરને ટિકિટના દામ આપીને ઊતરવાનું ઠામ આવે ત્યાં લોકો ઊતરી જાય. એમ ઘણી શીખવા-અપનાવવા જેવી સારી વાતોયે ત્યાં ભરી પડી છે.

યુરોપ, અમેરિકા કે રશિયા જેવા દેશોમાં ગજબની ઠંડી હોય છે એ વાત સાચી, પણ એ કારણે ત્યાં જઈએ, રહીએ ત્યારે, શરીરને ગરમાળો રહે એ માટે શરાબ પીવો જરૂરી છે એમ તમને કોઈ કહે તો એ વાત બિલકુલ માનશો નહિ. અહીં, આપણા દેશમાં અમુક વ્યક્તિને એના સ્વાસ્થ્ય માટે શરાબ પીવો જરૂરી છે એવી મતલબનું પ્રમાણપત્ર ડોક્ટરો આપે છે અને એ આધારે આપણી સમજદાર સરકાર એ વ્યક્તિને આ નશાબંધીના યુગમાં કાયદેસર દારૂ પીવાનો અધિકારી બનાવતી પરમિટ આપે છે! એના જેવી બીજી વાહિયાત અને રમૂજી વાત કોઈ હોઈ શકે નહિ. સ્વાસ્થ્ય માટે માણસને દારૂની નહીં પણ દૂધની જરૂર છે. આ વાતની ચર્ચામાં નથી ઊતરવું. શરાબ માણસો શા માટે પીએ છે એની ચર્ચાયે આપણે છોડી દઈએ. તંદુરસ્તી માટે સાવ બિનજરૂરી છે એટલી હું તમને ખાતરી આપું. મિત્રભાવે એટલુંયે ઉમેરું કે તમે શરાબ ના પીતા હો તો, માત્ર કુતૂહલને ખાતર એ ચાળે કદી ચડતા નહિ.

પણ લંડન જવાનું થાય તો, જ્યાં લોકો શરાબ પીવા એકઠાં થાય છે એવી ત્યાંની ‘પબ’ — દારૂનાં પીઠાં–ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. ત્યાં તમને કોકાકોલા, લેમનસ્ક્વોશ અને એવાં બીજાં સરસ નિર્દોષ પીણાંયે મળશે. પબમાં અવશ્ય જજો. નિરાંતે ત્યાં એકાદ કલાક ગાળજો. ત્યાં તમને એક નવી જ દુનિયા જોવા મળશે. એ અનુભવ નહિ લો તો તમારી સફર એટલી ઊણપવાળી ગણાશે. નશાબંધી પહેલાં આપણે ત્યાં દારૂ-તાડીનાં સેંકડો પીઠાંઓ હતાં. શરાબીઓ ત્યાંથી નશાચૂર છાકટા થઈને એલફેલ બોલતા નીકળતા. આજે એ પીઠાંઓ બંધ થયાં છે છતાં, એવા બેઢબ લોકો તમને ઠેરઠેર મળશે. પણ લંડનની પબને ‘દારૂનું પીઠું’ એવું કઢંગું નામ આપવાનું મન ના થાય એવી એક રોનકદાર બુલંદ હવા ત્યાં લહેરાય છે. એને ‘મયખાનું’ કે ‘સુરાલય’ કહેવાનું આપણને વધુ રુચે. અંગ્રેજી જીવન સાથે જાણે વણાઈ ગયું હોય એવું લાગે.

ત્યાં લોકો ફક્ત શરાબ પીવા નથી જતાં — એક વાતાવરણ પીવા જાય છે. એ વાતાવરણ છે ઇશ્કનું. ઇશ્ક શબ્દથી ભડકતા નહિ. ત્યાં તમને તરેહતરેહનાં ઇશ્કબાજો જોવા મળશે. એકબીજામાં મસ્ત ગુલતાન કરતાં પ્રેમી યુગલો, કલ્પનાને સ્નેહથી પંપાળતો કોઈ ઘેલો કવિ, રંગ અને એની ગગનસૃષ્ટિમાં રાચતો કોઈ ધૂની ચિતારો, જીવનની પાનખરમાં યૌવનનાં સ્મરણોને વાગોળતાં ડોસાડોસીઓ, દુનિયા આખીની લેશમાત્ર પરવા વગરનાં બીટલપંથી કિશોરકિશોરીઓ, કોઈ ભાનભૂલેલો પ્રોફેસર, આંગળીઓથી સાજ સાથે અડપલાં કરતો કોઈ મસ્ત બજવૈયો, દિવસભરની થકાવટને ખંખેરતો કોઈ બસ-કંડક્ટર કે કડિયો-કારીગર… દુનિયા સાથે અને દિલ સાથે પોતપોતાની રીતે ઇશ્કમસ્ત આવાં આવાં બહુરંગી માનવીઓનો મેળે તમને પબમાં જોવા મળશે.

ત્યાં તમને બાપ ને દીકરી, મા ને દીકરો, સસરો ને પુત્રવધૂ, ભાઈ ને બહેન, ભાઈબંધ ને બહેનપણી, પ્રીતમ ને પ્રિયા, મિત્ર ને શત્રુ, ગરીબ ને અમીર સૌ વિના સંકોચ, નિષ્કપટ સરળ મનથી એક જ ટેબલ પર બેસીને મહેફિલ માણતાં જોવા મળશે.

કેટલીયે પબનાં મૂળિયાં બસોચારસો વરસ જેટલાં ઊંડાં હશે. કેટલીક તો ભોયરાં-ભંડકિયામાં હોય. ત્યાં એવી પબની અસલિયત જાળવવાનો આગ્રહભર્યો રવૈયો છે. એ જ સૈકાઓ જૂનું ફરનિચર, ભીંતો પરનો એ જ પુરાણો સાજશણગાર. રંગરોશનીની એ જ ચૂની ઢબછબ, પબનો માલિક પેઢી-દર-પેઢી એ અસબાબ સાચવતો આવે. શરાબ ન પીઓ તોય એ બધાં કામણનો નશો દિલને તરબતર કરી મૂકે એવી રંગીન, દિલચશ્પ હવા ત્યાં લહેરાતી હોય. દીઠે અને અનુભવે જ એનું પારખું થાય એવું છે. ત્યાં કોઈને કોઈની પડી નથી. સૌ પોતપોતામાં બસ મસ્ત છે. કોઈ હસે, કોઈ રડે, કોઈ સુખનો સંતાપ કરે, કે કોઈ દુ:ખ ઓગાળે, કોઈ પ્રેમ કરે, કોઈ છૂટાછેડાની વાતો વણે, કોઈ કલ્પનાને મમળાવે. કોઈ ચીતરે, કોઈ સમસ્યા હલ કરે, કોઈ કોયડા પેદા કરે; રંગ, રાગ, ત્યાગ, ભોગ, વિલાસ, વૈમનસ્ય, પ્રેમ, સુખ, સંતાપ, બધાં સદેહે પબના તખ્તા પર ખલકના ખેલ રોજ આદરે ને રોજ આટોપે. બે શિલંગિ ખરચી લીંબુપાણીનો ગ્લાસ ભરીને બેસી જાઓ. અને અંતર ધરાય ત્યાં લગી બધું જોયા કરો, જો જોવાની આંખ હોય તો. મારી ભાણેજ સુનીલ ત્યાં ત્રણ વરસથી રહે છે. ચિત્રકામ શીખે છે. દૂધ અને નારંગીના રસ સિવાય બીજું કંઈ પીતી નથી. ચુસ્ત શાકાહારી, પણ પબની ભાતીગળ ગમ્મત જોવા જાય, લોકલીલા અવલોકે કે સ્કેચબુકમાં રેખાઓ પાડતી જાય — નિર્લેપ ભાવે. પબની સૃષ્ટિનો ઠાઠઠમકો અને નજાકતતા જોઈને એમ થાય કે ખરેખર:

જો ક્યાંય પણ ખુદા હશે, તો ઇશ્કનો બંદો હશે;

જો ઇશ્કથી જુદો હશે, તો ઇશ્કથી હારી જશે!

ટોટનહામ કોર્ટ રોડના ટ્યૂબ સ્ટેશન પાસે મશહૂર ડોમિનિયમ થિયેટર છે. ત્યાં ‘માઈ ફેર લેડી’નું ચિત્ર ચારપાંચ વર્ષથી એકધારું ચાલે છે. એની નજીક એક સરસ પબ છે; એનું નામ ‘ધ વાઇકંગિ’. હું સાંજે ભાનુ-આનંદની રાહ જોતો થિયેટર પાસે ઊભો રહું. ઠંડી વધારે હોય તો પબમાં બેસું. ભૂખ લાગી હોય તો સેવગાંઠિયાનું પડીકું સાથે લેતો જાઉં ને બીઅરના ગ્લાસ સાથે આરોગું. ઘણી વાર આનંદને મોડું થવાનું હોય એવે ટાણે હું અને ભાનુ પબમાં એની રાહ જોતાં બેસીએ. થિયેટરનું બારણું કે પબનું બેસણું એ અમારું સાંજિકું મિલનસ્થાન.

એવી એક સાંજે હું અને ભાનુ પબમાં બેઠાં હતાં. એક રૂપાળી, તંદુરસ્ત ખુશમિજાજ યુવતી રબનો દરવાજો હડસેલી અંદર સરકી. પાસેથી પસાર થઈ એટલે ભાનુ એને ઓળખતી હોય એમ બોલી, ‘હલ્લો, પેગી! ગૂડ ઇવનંગિ. હાઉ ઇઝ ધ વર્લ્ડ વિથ યૂ? કેમ છો?’ એ રૂપાળું હસીને કહે, ‘વેરી ગૂડ ઇવનંગિ ભાનુ! ધ વર્લ્ડ જસ્ટ ફાઇન. નથંગિ ટુ ગ્રંબલ!’ લહેરમાં છું. બસ, કોઈ ફરિયાદ નથી!’

ભાનુએ એને હાથ પકડી બાજુની બેઠક તરફ દોરી. બે પળમાં હું વરતી ગયો કે એ યુવતી અંધ હતી. એટલી બધી સ્વસ્થ કે એના અંધાપાનો અણસાર આસાનીથી ના આવે. ભાનુએ મારી ઓળખાણ કરાવી કહ્યું : ‘મારા ફાધર ઇન્ડિયાથી આવ્યા છે.’ એણે હાથ લંબાવ્યો. મેં એનો હાથ મારા બંને હાથમાં લઈને હેતથી પંપાળ્યો. એનો ચહેરો મલકી ગયો. સ્પર્શની વાણી સમજતી હોય એમ એ બોલી, ‘ભાનુ, તારા પપ્પા તો ખૂબ હેતાળ છે. યૂ આર મોસ્ટ વેલકમ ટુ અવર કંટ્રી, સર!’

અમે એને માટે સફરજનનો રસ મંગાવ્યો અને વાતે વળગ્યાં. થોડી વારમાં તો ભારત વિશે અનેક સવાલો પેગીએ પૂછી નાખ્યા. આત્મીય બની ગઈ. હું એને જોઈ જ રહ્યો. મનોમન વિચારી રહ્યો, ‘અરે, અરે! કેવી સ્વસ્થ અને આનંદી છે આ સુરદાસી! આપણે આપણી પાસે જે નથી એનો રાતદિવસ વલોપાત કરીએ છીએ : ત્યારે આ નયનહીન બાળા કહે છે કે, ‘કોઈ ફરિયાદ નથી!’ અને તેયે કેટલી સરળતાથી? એના મોં પર અજંપાથી એક આછી રેખાયે ક્યાંય વરતાતી નથી.’

ભાનુએ એને પૂછ્યું, ‘પીટર કેમ છે?’ એ કહે, ‘આવતો જ હશે.’ પછી મને કહે : ‘તમે ઇન્ડિયાથી આવો છો, બુઝુર્ગ છો. હાથની રેખાઓ ઉકેલતાં તમને આવડતું જ હશે. પ્લીઝ હાથ જોઈ મારું ભવિષ્ય કહેશો!’ એમ કહી એણે બંને હથેળીઓ મારી સામે ધરી દીધી. હું સ્પષ્ટતા કરવા જતો હતો, પણ ભાનુએ ઇશારાથી મને રોક્યો, પછી પેગીને પૂછ્યું, ‘શું જાણવું છે તારે ડાલિર્ંગ?’ એ કહે, ‘પીટર મને પરણશે કે નહિ એ. કોઈ મને પરણે એ વાત જ જાણે માન્યામાં નથી આવતી. કેટલીયે આશંકાઓ થયા કરે છે.’

મેં એની હથેળીઓ હાથમાં લીધી. એક કોડભરી યુવતી નકરી શ્રદ્ધાથી મને એની અગમરેખાઓ ઉકેલવા માટે વીનવી રહી હતી. એને હું કેમ કરીને કહું કે એવી કોઈ આવડત મારામાં નથી! અને અવડત-અણઆવડતનો તો અહીં પ્રશ્ન નહોતો. પ્રશ્ન હતો માત્ર એની શ્રદ્ધામાં અમી રેડવાનો. એની નાજુક હથેળીઓની ઊલટતપાસનો ઢોંગ મેં આદર્યો. થોડી ગમે તે અર્થમાં બંધ બેસાડી શકાય એવી આડવાતો કરી. પછી કહ્યું, ‘પ્રેમરેખા તો પેગી, તારા હાથમાં એવી જોરદાર છે કે ભલભલાને ઈર્ષા આવે. જે એક વખત તને મળે એ બસ તને હેત કર્યા જ કરે એવું તારું ભાગ્ય છે! તારો પ્રેમી તને અવશ્ય પરણશે. સંતાનસુખનીયે સ્પષ્ટ રેખા અહીં પડી છે.’

મારા અવાજમાંથી નીકળતો નિખાલસતાનો રણકો એણે બરાબર પારખી લીધો હોય એમ એનું અસ્તિત્વ જાણે અજવાળી ઊઠ્યું. કહે, ‘ભાવિના ભેદ કોઈ ઉકેલી શકતું નથી એ હું જાણું છું. પણ તમારા જેવા શુભચંતિકની વાણી કદી અફળ નથી જતી એવી અચળ શ્રદ્ધાયે મારામાં ભરી પડી છે. એ આસ્થાને તમે વહાલથી પંપાળી એ માટે ખૂબ આભારી છું.’

એના સુંવાળા રેશમિયા વાળ પર મારાથી હાથ ફેરવાઈ ગયો. મેં કહ્યું, ‘ઈશ્વર તને ખૂબ સુખી રાખે, બહેન! તારી એ શ્રદ્ધા ફળે એવી મારી પ્રાર્થના છે; એવી મારી દુઆ છે.’

એવાય અનુભવો થાય છે કે, પબમાં એકલો બેઠો હોઉં ત્યાં કોઈ અજાણી બાઈ ટપ દઈને બાજુની બેઠકમાં ટપકી પડે. સિગારેટનું પાકીટ કાઢે. પછી પૂછે, ‘માચિસ છે તમારી પાસે?’ માચિસ આપું એટલે કહે, ‘વૂડ યૂ લાઇક ટુ બાય મી અ ડ્રિંક? કંઈ પાશો?’ આનો અર્થ ન સમજું એટલો અણઘડ હું નથી. છતાં રમૂજ ખાતર પૂછું, ‘વ્હાય શૂડ આઈ બાય યૂ ડ્રીંક? શા માટે?’ એ કહે, ‘હું તમને કંપની આપીશ.’ હું એને તરત જ કહી દેતો કે એવા ફાલતુ પૈસા મારી પાસે નથી. એવી અફલાતૂનાની વાતમાં આવનાર જરૂર ખંખેરાઈ જવાનો. એવી વ્યક્તિઓને મક્કમપણે ટાળવામાં જ સલામતી છે.

એક વાર અમે પબમાં બેઠાં હતાં. મને ખૂબ તરસ લાગી હતી. બીઅરનું મોટું મગ એકશ્વાસે ગટગટાવી ગયો. પાસેના ટેબલ પર બેઠેલાં યુવાન-યુવતીઓ જોઈ રહ્યાં. પછી એક જણ આવીને કહે, ‘ફરીવાર આ રીતે સડસડાટ બીજો મગ ગટગટાવી જાઓ તો તમે અમારા મહેમાન!’ મેં કહ્યું, ‘ભાઈ, વીસ વરસ પહેલાં મળ્યો હોત તો એ પણ કરી દેખાડત. આજે તો હવે બુઢાપો નડે છે.’ એ મિત્રો સાથે પછી તો ખૂબ દોસ્તી થઈ ગયેલી.

એક બીજો સરસ કિસ્સો યાદ આવે છે. હું અને આનંદ પબના કાઉન્ટર પર ગયા. બીઅરના મગ ભરાવ્યા. ચિપ્સ વગેરેનાં પડીકાં ખરીદ્યાં. બારમેન ખૂબ અપટુડેટ કપડામાં સજ્જ હતો. એની હોંશ અને અવાજમાં આવકાર તરવરતાં હતાં. કહે, ‘સર! ધ ડ્રિન્ક્સ આર ઓન ધ હાઉસ ટુ ડે. આજે મારા તરફથી અહીં જયાફત છે. આજે હું બારમેન તરીકેની મારી મંઝિલ શરૂ કરું છું. તમારા સૌની શુભેચ્છાઓ અને દુઆ ચાહું છું. પીવાય એટલું મોકળે મને પીઓ!’ હું તો ખુશ થઈ ગયો, મેં મોટે અવાજે માંડ્યું ગાવા : ‘હી ઇઝ અ જોલીગુડ ફે…લ્લો!’ મારો ચેપ બધાંને લાગ્યો અને સૌએ એ આનંદગાનને ઝીલી લીધું.

હું અને આનંદ સ્કોટલેન્ડ ગયા હતા ત્યારનીવાત છે. એક પબમાં ગયા. બે બુઢ્ઢા, ખખડધજ, દાઢીવાળા સ્કોચમેન ત્યાં બેઠા હતા. અમને કહે, ‘અહીં આવો!’ ગયા એટલે રુઆબથી કહે, ‘શું પીશો?’ અમે બીઅર મંગાવ્યો. એ લોકો કહે, ‘ક્યાં રહેવું?’ અમે કહ્યું, ‘ઇન્ડિયા.’ એ કહે, ‘ગાંધીનો દેશ! ગાંધી ખૂબ અચ્છો માણસ!’ મારા મગ ખાલી થયા એટલે કહે, ‘ચાલો, બીજો મંગાવો!’ આનંદ કહે — ‘મારે ગાડી ચલાવવાની છે. વધારે કશું નથી મંગાવવું.’ પૈસા ચૂકવવા પાકીટ કાઢ્યું. પેલા કહે, ‘ના ચાલે, આજે રાતે ના જવાય. તમે અમારા મહેમાન. પાકીટ ખિસ્સામાં મૂકી દો.’ ધરાર એ લોકોએ અમને રોકી પાડ્યા. પોતાને ખોરડે લઈ જઈ વાળું કરાવ્યું અને છૂટા પડતી વખતે ગાંધીને ફરી યાદ કરી સ્કોચ વ્હીસ્કીની એક સરસ બાટલી ભેટ આપી!

આમ પબ એ લંડનના સામાજિક જીવનનું એક મહત્ત્વનું અંગ છે. પબમાં જવાનું કોઈને ત્યાં અજુગતું નથી લાગતું. આપણે અહીં કોફીહાઉસમાં જઈએ એમ કેટલીક પબનું ઐતિહાસિક કે તવારીખી મહત્ત્વ પણ ખરું. અહીં ચાર્લ્સ ડિકન્સનો અડ્ડો હતો, અહીં ચચિર્લનું બેસણું હતું, અહીં વર્ડ્ઝવર્થ આવતો. અને શેરલોક હોમ્સ પણ… એમ જુદી જુદી પબનું જુદું જુદું બયાન અને પબનાં આખલો અને ખાટકી, એવાં એવાં ચિત્રવિચિત્ર નામ. લંડન જાઓ તો આ પબલીલા જોવાનું ભૂલશો નહિ!

યુરોપીય સંસ્કૃતિ વિશે, ખાસ કરીને સ્ત્રી-પુરુષ વચ્ચેના ત્યાંના જાતીય જીવન — સેક્સલાઇફ — વિશે અનેક અધકચરા યા અતિશયોક્તિભર્યા ખ્યાલો આપણા દેશમાં ફેલાયેલા છે. યુવાન સ્ત્રી-પુરુષો વચ્ચે ત્યાં મુક્ત સહચાર છે. લગ્ન પહેલાં એકથી વધુ વ્યક્તિ સાથે શરીરસુખ ભોગવી લેવાનું ત્યાં સાહજિક છે. ત્યાં નૈતિક ધોરણ જેવું કશું રહ્યું નથી એવી રંગભરી વાતો ત્યાં જઈ આવેલા અને ન જઈ આવેલાને મરીમસાલો ભેળવીને રસપૂર્વક કરતાં-લખતાં મેં સાંભળ્યાં-વાંચ્યાં છે. ત્યાંનાં બીટલ્સ, હિપ્પીઝ અને મંકીઝના સ્વૈરવિહારની આવી અનેક મોજીલી વાતોનો નશો આપણા યુવાન વર્ગને ચડેલો ઠેરઠેર નજરે ચડે છે. યુરોપ વિશે જે અનેક ભ્રમો આપણે ત્યાં ભટકે છે એમાંનો આ એક છે.

યુરોપના નૈતિક ધોરણને એની અસલિયતમાં સમજવા માટે પહેલાં ત્યાંના વાતવરણને અને ત્યાંની પ્રજાના યુવાન માનસને સમજવું જરૂરી છે. યુરોપની પ્રજાનો જો કોઈ મોટામાં મોટો ગુણ હોય તો તે શિસ્ત. છેલ્લાં બે વિશ્વયુદ્ધની યુરોપને એ મોટામાં મોટી દેણગી છે. ગમે તેવા સાધારણ યા અસાધારણ સંજોગોમાંયે અંગ્રેજ બચ્ચો પોતાની શિસ્ત, સલૂકાઈ અને રીતભાત-એટીકેટ નહિ ચૂકે. ‘થેંક યૂ’, ‘આઈ એમ સોરી,’ ‘બેગ યોર પારડન,’ એ શબ્દો મિનિટે મિનિટના એના જીવનવ્યવહારમાં એની જીભને ટેરવે.

આ શિસ્તમાંથી જન્મી છે એક પ્રકારની સુવ્યવસ્થા. ત્યાં બધું વ્યવસ્થિત — વેલ પ્લેન્ડ, ત્યાં ભીખ મંગાય વ્યવસ્થિત રીતે, ચોરી થાય વ્યવસ્થિત રીતે, શરાબ પીવાય વ્યવસ્થિત રીતે, ધંધો-રોજગાર પણ વ્યવસ્થિત, ત્યાંની જાણે અવ્યવસ્થાયે વ્યવસ્થિત.

સંયુક્ત કુટુંબની પ્રથા છેલ્લાં પચાસ વર્ષમાં ત્યાં છિન્નભિન્ન થઈ ગઈ છે — પણ તે વ્યવસ્થિત રીતે. દીકરોદીકરો પંદર-સોળ વરસનાં થાય એટલે સ્વતંત્ર, પણ ત્યાં તો માવતરનો પડકાર ઝીલવાનો હોય છે કે : ‘સ્વતંત્રતાનો ફાંકો રાખવો હોય તો એ સ્વતંત્રતા પરસેવો પાડીને મેળવી લો. પાંગળી પરવશ સ્વતંત્રતાને ત્યાં સ્થાન નથી. એટલે, આપકમાઈથી પોતાના બે પગ ધરતી પર ટેકવીને ચાલનાર ત્યાંની યુવાન પ્રજામાં એક પ્રકારની ખુમારી છે. પોતાની કરણીનાં સારાંમાઠાં ફળ ભોગવવાની એમની તૈયારી છે. લગ્નની પસંદગીનો દોર માવતરના હાથમાંથી હવે લગભગ છૂટી ગયો છે. એમાંથી ત્યાં પહેરવેશ વિશેનીયે એક વ્યવસ્થિત અરાજકતા ઊભી થઈ છે. આપણે એને ભોગવિલાસ–સેક્સ–સાથે મનફાવે તેમ સાંકળી ગૂંચવીને ગમે તેવી ગંદી વાતો કરીએ, પણ સાથોસાથ આપણે એ પણ વિચારીએ કે આપણી અને યુરોપની સંસ્કૃતિમાં અને પરિસ્થિતિમાં જમીન-આસમાનનો ફરક છે. અને છતાં જોવાની આંખ અને વૃત્તિ હોય, અને એ બધું ઝીણવટથી જાણવા-સમજવાનો સમય મળે તો, બધા સ્વૈરવિહારમાંયે જે શિસ્ત છે એ જોઈને આપણે છક્ક થઈ જઈએ!

જ્યારે આપણે ત્યાં શિસ્તનો સદંતર અભાવ તો છે જ, પણ અહીંને સ્વેચ્છાચાર પણ પાંગળો અને વિકૃત છે. આપણી હાઈસ્કૂલો અને કોલેજોમાં જતાં કિશોર-કિશોરીઓને બાપને પૈસા તાગડધિન્ના કરવા છે અને ફાંકો રાખવો છે સ્વતંત્રતાનો. આજે તમે કોઈ પણ હાઈસ્કૂલ કે કોલેજના ખૂણે કે દરવાજે રિસેસ પછી કે શાળાકોલેજ છૂટવા ટાણે ઊભા રહેશો તો એક પ્રકારનું બીભત્સ પ્રદર્શન તમને જોવા મળશે. ખેતરના ચાડિયા જેવા કઢંગા પોશાકમાં ટોળે મળીને ઊભેલા છોકરડાઓ રસ્તે જતી બાળાઓની વેવલી અને અશ્લીલ મશ્કરીમાં નાચતા અને રાચતા તમને દેખાશે, સંભળાશે. એ વિકૃતિનો સડો એટલે જ અંશે તમને છોકરીઓમાંયે વરતાશે, પહેરવેશની નવીનવી ફૅશનો આપણે ત્યાં વિકસી છે. કંઈ જ ખોટું નથી એમાં. યુવાન પ્રજા પોતાને દેહને સરસ કપડાંથી સજાવે, પોતાના રૂપને અને શરીરની સરસતાને શણગારે એના જેવી બીજી રૂડી વાત કઈ હોઈ શકે? પણ એ બધાંમાંથી સાહજિકતા અને રૂપમાધુરીના અમીને બદલે — ‘હું બનીઠનીને જે રૂપને સજાવીને નીકળી છું એ મારા દેહઠાઠને સૌ જુએ છે કે નહિ?’ એની તલાશમાં ચકળવકળ થતી આંખોમાંથી જ્યારે નરી આછકલાઈ નીતરે ત્યારે એ બધું વરવું અને બીભત્સ લાગે છે.

લંડનમાં હમણાં ‘મીનીસ્કર્ટ’ની ફૅશન ચાલે છે. મીનીસ્કર્ટ એટલે ગોઠણથી છઆઠ ઇંચ ટૂંકું સ્કર્ટ; અને મીની-મીનીસ્કર્ટ એટલે લગભગ એકાદ ફૂટ ઊંચું સ્કર્ટ. બારચૌદ વર્ષની બાળાથી માંડીને આધેડ વયની સ્ત્રીઓ સુધ્ધાં ત્યાં આ રીતે પહેરે. દાયકે દાયકે, શરીરના અમુક ભાગને છતો કરવાની ફેશન ત્યાં બદલાતી રહે છે. અત્યારે, પગને સાથળ સુધી ઉઘાડા રાખવાની-મીનીસ્કર્ટની ફૅશન ચાલે છે, પણ એમાં ત્યાં જે સ્વાભાવિક સરળતા વરતાય છે, આછકલાઈનો અભાવ દેખાય છે, એ અંગ્રેજી શિસ્તનું પરિણામ છે. આપણે ત્યાં વારલી સ્ત્રીઓ સાથળથી ઉપર કચ્છ મારીને સાડી પહેરે છે એ જેમ સ્વાભાવિક લાગે છે એમ મીનીસ્કર્ટમાં કોઈને અજુગતું લાગતું નથી. એ ફૅશનને ખૂબ સાહજિક રીતે અંગ્રેજ પ્રજાએ આવકારી અપનાવી લીધી છે. એ જોવાને નજર ટેવાઈ ગઈ છે. એ કારણે એમાં જાતીય આવેગ–સેક્સની ભાવનાયે તંદુરસ્ત નોર્મલ મનમાં ઊઠતી નથી એવો મારો અનુભવ છે. છેલ્લાં દસેક વરસમાં પેટ ઉઘાડું દેખાય એવી ટૂંકી ચોળી પહેરવાના રિવાજને જેટલી સાહજિકતાથી આપણે અપનાવી લીધો છે, એના જેવું આ મીનીસ્કર્ટનું સમજવું. ફરક છે માત્ર આવો પહેરવેશ પહેરીને ત્યાં બેફિકર ચાલી જતી એ યુવતીઓની આંખમાં. એ આંખો ફૅશનપરસ્તીના નશાથી ચકળવકળ થતી તમને નહિ વરતાય. ત્યાં તમને એક પ્રકારની તાઝગી અને ખુમારીભરી સ્વતંત્રતાની ઝલક દેખાશે. જંગલમાં વસતી ભીલકન્યાઓમાં જેવો અભય દેખાય છે એવો — બિરદાવવાનું મન થાય એવો — બેપરવાઈનો લહેકો આપણી નજરમાં વસી જાય.

એક વખત હું અને આનંદ ફરતા હતા. એક સરસ છોકરી મીનીસ્કર્ટ પહેરી પસાર થઈ. મેં આનંદને કહ્યું, ‘વોટ અ પેર ઓફ બ્યૂટીફુલ શેપલી લેગ્સ! કેટલા સુંદર ઘાટીલા પગ છે, આ છોકરીના!’ પેલી ચબરાક રમતિયાળ છોકરીને કાને મારા આ શબ્દ અથડાયા. એ પાછી ફરી. સામે આવી ઊભી રહી. હસીને કહે, ‘થેંક યૂ સર!’ અને નમણી નિખાલસતાથી મલકીને ચાલી ગઈ! મારા અંતરને ખૂણે મીઠાશનો એ રણકો આજેયે જળવાઈ રહ્યો છે. આપણે ત્યાં કોઈને આવું કહ્યું હોય તો ગોકીરો મચી જાય.

ત્યાંની બીટલપંથી યુવાન જમાતની સેક્સ વિશેની શિસ્ત જોઈને તો હું દંગ થઈ ગયો. દોઢ વરસના મારા વસવાટ દરમિયાન મેં ત્યાં કોઈને રસ્તે જતી સ્ત્રીની મજાક-મશ્કરી કરતાં જોયા નથી. યુરોપના સ્વેચ્છાચારની અનેક અવનવી વાતો મેં સાંભળેલી, એટલે મારું કુતૂહલ સળવળતું હતું. ટ્રફાલ્ગર સ્ક્વેર એટલે લાંબા વાળવાળાં, મેલાઘેલાં બીટલપંથી અને હિપ્પી યુવક-યુવતીઓનો ચોતરો. જાણે વામપંથીઓનો અખાડો. પોતપોતાનાં પુરુષ યા સ્ત્રીમિત્રને અઢેલી આલંગીિને ત્યાં સંખ્યાબંધ મનમોજી યુગલો બેઠાં હોય, ગોષ્ઠિ કરતાં હોય. દુનિયાની અમને પરવા નથી. જંદિગી એમને જીવવી છે, બસ પોતાની અદાથી જ. આજ આપણી છે, કાલ કોણે દીઠી છે, એ છે એમની જીવનકૂંચી.

એક દિવસ હંમિત કરી હું એક યુગલ પાસે ગયો. કહ્યું, ‘તમને કંઈક પૂછું?’ બંને હસીને કહે, ‘પ્લીઝ યોર સેલ્ફ! મોજથી પૂછો.’ ખુલ્લા દિલે કહ્યું, ‘ભારતથી આવું છું. અહીંનાં નૈતિક ધોરણો વિશે મનમાં મોટું કુતૂહલ લઈને અહીં આવ્યો છું. અહીં મેં રસ્તે જતી સ્ત્રીઓની મશ્કરી કરતાં કોઈને જોયા નહિ એટલે મનમાં થોડી નિરાશાયે થઈ છે. મારે અહીંની ‘સેક્સલાઇફ’ વિશે તમારાં જેવા પાસેથી કંઈક જાણવું છે, એટલે મોકળે મને આટલું પૂછું છું.’

બંને ખડખડાટ હસી પડ્યાં! યુવક કહે, ‘રસ્તે જતી કોઈ અજાણી  બાઈની મજાક કોઈ શા માટે કરે? ઇટ સિમ્પલી નોટ ડન, સર! આ મારી દોસ્તને હું ધોળે દિવસે અહીં સરિયામ જગ્યાએ ચુંબન કરું છું, બગલમાં લઈને મોજથી બેઠો છું, એથી વિશેષ શું જોઈએ? કાલે સવારે અમને એકબીજાની ભાગીદારી નહિ ખપે તો એ છુટ્ટી ને હુંયે છુટ્ટો. આ અમારી આઝાદી છે અને આ અમારું નૈતિક ધોરણ છે.’

મેં પૂછ્યું, ‘તમારે ત્યાં લગ્ન પહેલાં શરીરસુખ માણવામાં કોઈ વાંધો નથી, તમારે ત્યાં કુંવારિકાઓ — અનમેરિડ વજિર્ન્સ બહુ ઓછી, એ વાત ખરી?’

યુવતી ખબરદાર હતી, તેજસ્વી હતી, આખાબોલી હતી. સાપણના આવેગથી એણે પ્રશ્ન ફેંક્યો, ‘તમારે ત્યાં લગ્ન સુધી બધી છોકરીઓ કુમારિકાઓ — વજિર્ન્સ — જ છે એમ તમે ખાતરીપૂર્વક કહી શકશો? કોઈ પણ દેશ કહી શકશે?’

આ પ્રશ્નનો જવાબ આપણી પાસે છે? હકારમાં છે? મને લાગે છે કે નથી. આપણે ત્યાં શાળા-કોલેજોમાં, સમાજમાં અને હાઈ સોસાયટીમાં જે છાનગપતિયાં ચાલી રહ્યાં છે એનો સારો એવો અણસાર મને છે. માવતરને પોતાનાં બાળકો શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે ફરે છે એ બધું જોવા-જાણવાનો નથી સમય કે નથી ખેવના. બધાં પોતપોતામાં વ્યસ્ત છે અને મસ્ત છે. દીકરા-દીકરીને વહાલથી પાસે બેસાડી ને હેતવાતો કરનારાં-સાંભળનારાં ધીમે ધીમે ઓસરતાં જાય છે અને પછી એ જ માવતરો ફરિયાદ કરે છે કે આજકાલનાં છોકરાં અમારું સાંભળતાં નથી! યુરોપની શિસ્તને સમજ્યા વિના ત્યાંનો અનાચાર આપણે ત્યાં પેંધતો જાય છે. ત્યાંના અનાચારમાંયે એક પ્રકારનો એકરાર છે. સદાચારની છલના ત્યાં નથી. જ્યારે આપણને ડોળમાં રાચવું જાણે કે ગમે છે. ઢાંકપિછોડો આપણને કોઠે પડી ગયો છે. પડોશી છાનોછપનો શરાબ પીએ એમાં વાંધો નહિ, પણ કોઈ ખેલદિલ કહે કે ‘હું શરાબ પીઉં છું’ તો ત્યાં આપણી સંસ્કૃતિ વટલાઈ જવાની! યુરોપનાં યુવાનોનાં નૈતિક ધોરણો એમને મુબારક હો; પણ ત્યાં જે થાય તે છડેચોક થાય છે, બેધડક થાય છે એટલું મને ગમ્યું. અને એટલે એ અનાચારનેયે સ્વૈરવિહાર કહેવાનું મન થાય છે. એની પડખે એક જાતની નૈતિક હંમિત ડોકિયાં કરતી દેખાય છે, અને એ કામ ખૂબ દોહ્યલું છે!

લંડનના મુલાકાતીઓ માટે ‘સોહો વિસ્તાર’ એક અવળચંડું આકર્ષણ છે. ઓક્સફર્ડ સ્ટ્રીટની પાછળનો ભાગ ‘સોહો એરિયા’ તરીકે મશહૂર છે. હું લગભગ રોજ ઓક્સફર્ડ સ્ટ્રીટ જાઉં અને શાકપાંદડું ખરીદવા મારે સોહોમાંથી પસાર થવાનું. સોહો એટલે લંડનનો વિલાસમાર્ગ. ત્યાં અશ્લીલ પુસ્તકો અને ચિત્રો વેચવાની અનેક દુકાનો. ઠેરઠેર ચાલતા પૂર્જાઓનો તમને ત્યાં ભેટો થઈ જાય. બીભત્સ ફોટાઓ અને પુસ્તકો ત્યાંની દુકાનોમાં છડેચોક વિના રોકટોક વેચાય. એક વખત એક દુકાનમાં પેઠો. સેક્સ સાહિત્યને નામે પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની ત્યાં લંગાર લાગી હતી. આપણે ત્યાં સજ્જનો ચોરીછૂપીથી સંઘરે છે એવી, સ્ત્રીઓની સંખ્યાબંધ નગ્ન તસવીરો દીવાલ પર ટાંગેલી અને બહારની શો વિન્ડોમાં મૂકેલી હતી. કિશોર, યુવાન અને વૃદ્ધ ગ્રાહકો કોઈ પણ જાતના સંકોચ વગર એ બધું જોતા હતા, અને પસંદ પડે તો ખરીદતા હતા.

એક સેલ્સમૅન ટેબલને અઢેલી ખુરશી પર બેઠે બેઠે બધા પર નજર રાખતો હતો. થોડી થોડી વારે એ ગ્રાહક વરતીને બોલતો જાય, ખાસ ચીજો જોવી હોય તો અંદરના ઓરડામાં છે. મરજી થાય તો અંદર પધારો. મારાં પહેરવેશ પરથી એ તરત વરતી ગયો કે હું પરદેશી ટૂરિસ્ટ છું. મનેયે એણે અંદર પધારવાનું આમંત્રણ પીરસ્યું.

મેં એને ફોડ પાડીને પૂછ્યું, ‘ખાસ ચીજ એટલે તું શું કહેવા માગે છે, અને અંદર-બહારમાં શો તફાવત છે?’ એ ખંધું હસીને કહે, ‘અહીં, બહારના ઓરડામાં તમે બધું જુઓ અને કંઈ ના ખરીદો તો ચાલે. પણ અંદરના ઓરડામાં ઘૂસો એટલે એક પાઉન્ડની ખરીદી કરવાનું ફરજિયાત. અહીં છે એના કરતાં અવ્વલ નંબરનો માલ — વધુ ઉઘાડાં ફોટોગ્રાફ અને અશ્લીલ પુસ્તકો અંદર છે. જોઈને તમારી તબિયત ખુશખુશ થઈ જશે!’

મેં કહ્યું, ‘જો દોસ્ત, મારે અંદર જઈને બધું નિરાંતે જોવું છે એ વાત સાચી, પણ મને પસંદ ના પડે તો હું કંઈ ના ખરીદું. એ હતો જમાનાનો ખાધેલ દુકાનદાર. એ વગર આવી ખતરનાક દુકાન ચલાવી જ કેમ શકાય? દુકાનમાં ગ્રાહકો વધારે નહોતા એટલે એ નવરાશ ગાળવા મારી સાથે વાતે ચડ્યો. કહે, ‘તમને અશ્લીલ સાહિત્ય અને ફોટાઓનો શોખ છે? જો શોખ હોય તો જરૂર તમે કંઈક ખરીદવાના. હું અહીં ઉમદા કિસમનો માલ જ રાખું છું. તમારી પાસે પ્રોજેક્ટર હોય તો ફિલ્મો પણ ભાડેથી મળશે.’

મેં કહ્યું, ‘હું નોર્મલ માણસ છું. દરેક નોર્મલ વ્યક્તિને આ બધું જોવાની વૃત્તિ હોય એમ મનેય છે, જિજ્ઞાસા નથી એવો મારો દંભ નથી, ઉપરાંત એક પત્રકાર તરીકે એ જાણવા-સમજવાનું કુતૂહલ પણ છે કે તમારે ત્યાં શું શું આમ છડેચોક વેચાય છે, પણ તારી પેલી એક પાઉન્ડની ફરજિયાત ખરીદીવાળી વાત કંઈ મને રુચતી નથી. આપણે એમ કરીએ : તું મને અંદર લઈ જઈ બધું બતાડ. હું અર્ધા કલાકથી વધુ નહિ રોકાઉં. કંઈ નહિ ખરીદું તો માત્ર બધું જોવાના તને પાંચ શિલંગિ આપીશ.’

મારી આ નિખાલસ અને સીધીસટ વ્યવહાર-વાત પર એ ખુશ થયો. ઇટાલિયન હતો. કહે, ‘જર્નાલિસ્ટ ગુડ પીપલ. ગો ઇન એન્ડ સી. ઈફ યૂ લાઇક, બાય. ઇફ યૂ ડોન્ટ લાઇક, નો બાય. યૂ માઈ ફ્રેન્ડ!’ માણસ ચાલાક હતો. એના માલ પર મુસ્તાક હતો. એના મનમાં ખાતરી હતી કે એક વાર અંદર જનાર ખરીદ્યા વિના પાછો નહિ જ આવે.

અંદર જઈને મેં જે જોયું એથી હેરત પામી ગયો. આટલું ઢગલાબંધ વિકૃત અને બીભત્સ સાહિત્ય આમ ઉઘાડેછોગ વેચાતું હશે એનો મને અંદાજ જ નહોતો. આઠદસ ગ્રાહકો એ બધાંનો રસ લૂંટી રહ્યા હતા; અને એ બધા એકેક પાઉન્ડની ખરીદી કરવા મજબૂર હતા. પણ અશ્લીલતાયે જાણે ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈને-સજાવાઈને પડી હતી. કેટલાંક ઉમદા પુસ્તકોયે હતાં. અંતે એક પાઉન્ડની ખરીદી કરીને જ હું બહાર નીકળ્યો ત્યારે પેલો ઇટાલિયન મૂછમાં હસતો હતો! પછી તો એની સાથે સારી દોસ્તી થઈ ગઈ. એના કહેવા પ્રમાણે રોજનું અંદરનું વેચાણ સરેરાશ પચાસ પાઉન્ડનું થતું હતું.

સોહોમાં ઘણા ભારતીય અને પાકિસ્તાની લોકો ભટકાઈ જાય. મારું મનપસંદ ‘અલ્હાબાદ રેસ્ટોરાં’ પણ એટલામાં. સાંજ ઢળે નીકળો તો બારીમાં બેઠેલી કે રસ્તે ભટકતી લલનાઓ ‘કમોન લવ, હૅવ સમ ફન!’ કહેતી બેધડક તમને બરકે. સિપાઈદાદાને જુએ એટલે આડીઅવળી થઈ જાય. આમ તો સોહો આબરૂદાર લત્તો છે. હજારો ઓફિસો ત્યાં છે. ઢગલાબંધ ભારતીય અને પાકિસ્તીની રેસ્ટોરાં અને એક મોટી શાકપીઠ ત્યાં છે, પણ સાથે સાથે આ બધુંયે છે, એ લત્તામાં ખાસ આકર્ષણ છે ‘સ્ટ્રીપ ટીઝ શો’નું, ગલીકૂંચીઓમાં અને સરિયામ રસ્તે ‘સ્ટ્રીપ ટીઝ શો’નાં સ્થળો, ત્યાં બહાર ઊભા ઊભા એક-બે જણ રાડ્યું નાખતા હોય, ‘કમોન સર! એન્જોય યોર સેલ્ફ. ધ શો ઇઝ ઓન!’ બપોરથી માંડી મોડી રાત સુધી આ બધું ચાલે. એક-બે ઠેકાણે એવાં આમંત્રણ-પાટિયાં યે વાંચ્યાં કે ‘મોડલ માટે જુવાન છોકરી જોઈતી હોય તો ઉપર આવજો!’

એક વાર આનંદ કહે, ‘ભાઈ, લંડન આવ્યા છો તો ‘સ્ટ્રીપ ટીઝ’ જરૂર જુઓ. હું કાલ માટેની તમારી ટિકિટ લઈ આવીશ.’ મેં પૂછ્યું, ‘ત્યાં શું કરે?’ એ કહે, ‘એક બાઈ નાચ કરતાં કરતાં શરીર પરનાં કપડાં એક પછી એક કાઢતી જશે. છેલ્લું આવરણ દૂર કરી એક પળ સૌની સામે ઊભી રહેશે. અને પછી બત્તીઓ બુઝાઈ જશે.’ મેં પૂછ્યું. ‘કેટલા માણસોની મેદની હશે?’ એ કહે, ‘સામાન્ય રીતે સો-પચાસ માણસો બેઠાં હોય. સ્ત્રીઓયે એમાં ખરી. શો તો ચાલુ થયા જ કરે અને જોનારા મનફાવે એટલું બેસે. આવે ને જાય.’ મેં કહ્યું. ‘સો-પચાસ જણ સાથે બેસી, પાંચ પાઉન્ડ ખરચીને એક સ્ત્રીનો નગ્ન દેહ જોવો એના કરતાં અજોય માટે પાંચ પાઉન્ડનાં રમકડાં લેવામાં મને વધુ રસ છે. આપણે ટિકિટ નથી લાવવી. હું ઘરે જઈને સૌને કહીશ કે આનંદે મને ‘સ્ટ્રપ ટીઝ’ બતાવ્યો હતો.

પણ આલતુફાલતુ ઠેકાણાંઓમાં આ ‘સ્ટ્રીપ ટીઝ’નુંયે ખાસ્સું રૅકેટ ચાલે છે, તમે બહાર ટાંગેલી તસવીરો જોઈ લલચાઓ એટલે શોવાળા એક-બે પાઉન્ડની ટિકિટ તમને વળગાડે. અંદર જાઓ ત્યાં વળી દરવાજે એક જણ ઊભો હોય. એ તમને પૂછે કે ‘તમે ક્લબના મેમ્બર છો! વેર ઇઝ યોર મેમ્બરશીપ કાર્ડ! આ શો તો ફક્ત મેમ્બરો માટે છે. તમે કહો કે તમને બહાર ઊભેલા માણસે ટિકિટ આપી છે. તો એ દરવાન દાદાગીરી શરૂ કરે. કહે, ‘ડેમ ધૅટ મેન! અમે એને નથી ઓળખતા.’ એટલે તમારી વળી મેમ્બરશીપના એકબે પાઉન્ડ કડવા કરી અંદર જવાનું. આ હકીકતો મને પેલા મારા ચોપડીવાળા ઇટાલિયન દોસ્તે કહેલી. મેં એને કહ્યું, ‘મારે શો નથી જોવો પણ સ્ટ્રીપ ટીઝ કરતી કોઈ બાઈને મળવાની ઇચ્છા જરૂર છે. એના આ ધંધાના અનુભવો અને પ્રત્યાઘાતો મારે જાણવા છે.’

એ કહે, ‘એ બધાં ફાંફાં છે. આવી વાતોથી એ બધી હવે ટેવાઈને પાવરધી બની ગઈ છે. તમારી પાસે એક-બે પાઉન્ડ પડાવશે અને મનફાવે એવાં ગપ્પાં મારશે. જો તમારે ખરેખર જાણવું હોય તો એક નીગ્રો છોકરી મારી ફ્રેન્ડ છે એને મેળવી આપું. સ્ટ્રીપ ટીઝમાં અટવાઈ ચૂકી છે. હવે તો ‘કોલ ગર્લ’ તરીકે કામ કરે છે. સારા સારા હબસી ટૂરિસ્ટો આવે એને લંડન બતાવવાનું અને કંપની આપવાનું એનું કામ. આપણે એને ડિનર માટે બોલાવીએ. નિખાલસપણે વાતો કરશે. બનાવટ નહિ કરે એની ખાતરી.’

એ બાઈનું સ્ટેજનામ ‘લોલિતા’. ટૂંકું નામ લોલા. અમે ડિનર માટે મળ્યાં ત્યારે એની સાથે ઘણી વાતો થઈ. ખૂબ સરસ અને કરુણ અનુભવો એણે કહ્યા. ચામડી સાવ કાળી અબનૂસી, પણ દેહછટા નરવી ને નમણી. બધી વાતો અહીં નથી ઉતારતો, પણ ખાસ વાત તો એ કે એક ‘કેબરે’માં સ્ટ્રીપ ટીઝની તાલીમ લીધા પછી પહેલે જ દિવસે સ્ટેજ પર આવી અને નાચતાં નાચતાં એક પછી એક વસ્ત્ર માંડ્યું ઉતારવા. આખરી પળે નારીની આંતરલજ્જા આડી ઊતરી અને છેલ્લું આવરણ ફેંકી દેવાને બદલે શાલમાં દેહને લપેટીને એ ભાગી પડદા પાછળ. પ્રેક્ષકોને લાગ્યું કે આ પણ એની અદાકારીનો જ એક ભાગ છે. રોજ વસ્ત્રહીન નાચ જોવાને ટેવાયેલાંઓને લજ્જાળુ નજાકત ગમી ગઈ. ‘સમથંગિ ઓરિજિનલ’ કંઈક મૌલિક છે એમ માની સૌએ તાળીઓથી એ લાજવંતીને બિરદાવી, ધૂંવાંપૂંવાં થતા મૅનેજરને પણ આ કરામત જચી ગઈ. લોલિતાના શો એ જ ઢબે ચાલુ રહ્યા અને પ્રેક્ષકોની એ માનીતી થઈ પડી. મેં એનું નામ પાડી દીધું લલિતા. 1967માં બીજી વાર લંડન ગયો ત્યારે એ એક પૈસાદાર હબસીને પરણીને ઠરીઠામ થઈ ગઈ હતી. હવે તો એક બાળકની માતાયે થઈ ચૂકી હશે.

મુંબઈ-કલકત્તામાંયે તમને સ્ટ્રીપ ટીઝ જોવા મળશે. ક્યાં એ નથી લખતો. પશ્ચિમના જીવનનું આયે એક વાસ્તવિક અને ઢાંકપિછોડા વિનાનું જોવાજાણવા જેવું પાસું છે. આપણે ત્યાં લોકો હવે ગરબા સાંભળવા નહિ, પણ ‘જોવા’ જાય છે અને તવાયફોનાં નખરાં અને જલસા હવે છડેચોક સારાંસારાં થિયેટરોમાં બેસી આબરૂદાર લોકો સહકુટુંબ મહાલે છે એના જેવું ત્યાં આ લાગે. માટે ભારતીય સંસ્કૃતિ વચ્ચે લાવી આમાં કોઈએ સૂગ કરવાનો અવકાશ નથી. ત્યાં એકબે રેસ્ટોરાંમાં ‘ટોપલેસ’ વેઇટ્રેસો પણ જોવા મળી. એવે ઠેકાણે ખાણું લેવાના જણ દીઠ આશરે પાંચેક પાઉન્ડ ખર્ચ થાય. આ બધા ખેલ ત્યાં ચાલે છે અને નભે છે ટૂરિસ્ટોના હિસાબે અને જોખમે. પરદેશીઓ આવે. સોહોની નજરબંદીના આ નજરાણા પાછળ, બે ઘડીની ગલીપચીના ફરેબ પાછળ નાણાં વેડફે. મૂરખ બને અને મૂંઝાય. દેશમાં આવીને કહે કે લંડનમાં તો આવું આવું જોઈ આવ્યા — ને મલકાય, પણ લંડનવાસીને પોતાને એ બધી વાતોમાં ઝાઝો રસ નથી. આવાં આડાંઅવળાં ખરચ-લફરાં એમને પોસાય નહિ. સામાન્ય નાગરિકનું સામાજિક જીવન અને ધોરણ આપણા જેવું જ રૂઢિચુસ્ત, સરળ અને કરકસરિયું છે. એની પાસે આવા ચાળે ચડવાનો નથી સમય કે નથી ફાલતુ પૈસા.

રાજકર્તા તરીકે અંગ્રેજ આપણા પરિચિત સ્વજન જેવા, અને ઇંગ્લૅન્ડમાં અને ખાસ કરીને લંડનમાં અને લંડનનાં પરાંઓમાં આપણને અજાણ્યું કે અડવું ના લાગે. આજના લંડનની કોઈ અછડતી વ્યાખ્યા બાંધવી હોય તો એમ કહી શકાય કે આજથી પચાસ વર્ષ પછી મુંબઈ જેવું હશે એવું લંડન આજે છે. પરદેશી ટૂરિસ્ટો માટે લંડન શહેરનું મોટામાં મોટું આકર્ષણ છે ત્યાંનાં ‘શોપંગિ સેન્ટર્સ’. ઓક્સફર્ડ સ્ટ્રીટ, રીજન્ટ સ્ટ્રીટ, બોંડ સ્ટ્રીટ, પિકેડેલી, મારબલ આર્ચ. આ બધા લત્તાઓમાં ત્યાંના મોટાંમોટાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ આવેલા છે. લંડન દુનિયાભરનાં મોટામાં મોટાં શોપંગિ સેન્ટરોમાંનું એક છે. ત્યાંની મોટી મોટી દુકાનોનો નજરે જોયા વિના ખ્યાલ આવવો મુશ્કેલ છે. હું તો લંડનમાં એકાકી કામ વગરનો રખડું, બાબરા ભૂત જેવો. આખો દિવસ પગપાળો ભટક્યા કરું. સ્ટલિર્ંગનાં સાધનો ખૂબ ટાંચાં. એક એક પેન્સની ગણતરી. પણ જોવાના કંઈ પૈસા ના બેસે, એટલે ઠંડીથી બચવા કોઈ મોટા સ્ટોરમાં પેસી જાઉં અને જીવ ધરાય ત્યાં સુધી બધું જોયા કરું. કઈ ચીજ કામની છે, ઘરઉપયોગી છે, જરૂરિયાતની છે, ક્યાં સારી અને સસ્તી મળે છે એ બધું ધ્યાનમાં રાખી મનમાં ટપકાવતો રહું અને બજેટની ગણતરી પ્રમાણે ધીમે ધીમે ખરીદતો રહું.

‘હેરોડ્ઝ’ એ લંડનનો માતબર અને જગવિખ્યાત સ્ટોર. કહેવાય છે કે ત્યાં ‘પિન ટુ એલિફંટ’ એટલે કે ટાંચણીથી માંડીને હાથી સુધીની બધી ચીજો મળે. આ વાતને ખાલી કહેતી કે મજાક માની ન લેતા. ખરેખર જો તમારે હાથી ખરીદવો હોય તો હેરોઝવાળા તમારો એ ઓર્ડર નોંધી લેશે અને મુકરર કરેલા સમયે તમને હાથીની ડિલિવરી અવશ્ય મળી જશે. અને ટાંચણી ખરીદવી હોય તો પાંચપચાસ જાતની ટાંચણીના સરસ નમૂનાઓ તમને ત્યાં જોવા મળશે. વર્ષો પહેલાં શોખીન મુંબઈગરાઓ કોટમાં ‘વ્હાઇટ વે’ કે ‘આર્મીનેવી’ જેવા સ્ટોરમાં જઈ ખરીદી કરવામાં ગૌરવ માનતા એમ ‘હેરોડ્ઝ’મા જઈને ખરીદી કરવી એ લંડનવાસીઓ અને ટૂરિસ્ટો માટે એક દિલચશ્પ લહાવો છે. સ્ટલિર્ંગથી ખિસ્સું તર હોય તો પાંચ હજાર પાઉન્ડની કોથળી તમે પલકભરમાં ખાલી કરી શકો અને છતાંયે તમારું મન ઊણું રહી જાય એવી અવનવી ચીજો ત્યાં ખડકાયેલી જોવા મળે. પાંચ હજાર બૂમ પાડવાનુંયે મારું તો ગજું નહોતું : છતાં મનની મનમાં ન રહી જાય એટલે મેં ત્યાંથી થોડાં સરસ ‘ગ્રિટંગિ કાર્ડ’ ખરીદ્યાં અને ‘હેરોડ્ઝ’ના સ્ટોરમાંથી જ એ પોસ્ટ કર્યાં. તમારે કાર્ડ ઘરે રવાના કરવાં હોય તો કેટલાક સ્ટોરમાં ટિકિટ વેચવાનાં ઓટોમૅટિક મશીન અને ટપાલપેટીનીયે વ્યવસ્થા હોય.

પણ નાણાંની ઠીકઠીક જોગવાઈ હોય તો ઓક્સફર્ડ સ્ટ્રીટમાં ‘સેલ્ફરિજીસ’ એ ત્યાંનો ખૂબ મોટો સ્ટોર છે. લંડનમાં મારા પહેલા જ દિવસે રસ્તે ચાલતાં ખૂબ ઠંડી લાગી એટલે એ સ્ટોરમાં પેસી ગયેલો. બધા સ્ટોર ‘સેંટ્રલી હીટેડ’ હોય. અંદર પેસો એટલે મુંબઈમાં કોઈ એકરંડિશન સ્ટોરમાં ફરતા હો એવી ખુશનુમા મોસમ લાગે. એ સ્ટોર જોઈને હું હેરત પામી ગયો. ‘હેરોડ્ઝ’ના પ્રમાણમાં ત્યાં ભાવ કંઈક કિફાયત. છ માળનો એ વિશાળ સ્ટોર આખો ફરીને બધું ઝીણવટથી જોતાં મને ખાસ્સા ત્રણ દિવસ લાગેલા. બધા ડિપાર્ટમેન્ટમાં મળીને ત્યાં બે-અઢી હજારથી વધુ વ્યક્તિઓ કામ કરે છે. ત્યાં વેચાણ કાઉન્ટર પર મોટે ભાગે સ્ત્રીઓ જ કામ કરતી હોય. એમાં કાળા-ગોરાનો ભેદ નહિ. હબસી અને જામાઈકન છોકરીઓને ત્યાં કાઉન્ટર પર જોઈ. ચા-કોફીના વેચાણ કાઉન્ટર પર એક ગુજરાતી બહેનને પણ જોયેલાં. પણ વેચાણની રસમ એવી કે ત્યાં તમને કોઈ ખરીદવાનો આગ્રહ ન કરે. બહુ બહુ તો કોઈ સેલ્સગર્લ મીઠું હસીને ‘કૅન આઈ હેલ્પ યૂ સર?’ કહી તમારું સ્વાગત કરે. તમે કહો, ‘નો થેંક યૂ! આઈ એમ જસ્ટ લુકંગિ એરાઉન્ડ.’ મતલબ કે હું બધું ફરીને જોઉં છું. એટલે વાત પતી જાય. ભટક્યા કરો મોજ આવે ત્યાં સુધી છપ્પનના મેળામાં. કોઈ તમારો ભાવ ના પૂછે. વેચાણ કાઉન્ટરથી થોડે થોડે અંતરે કૅશિયર બાઈઓ ઊભી હોય, ચીજ પસંદ પદે તે લઈ, કૅશ કાઉન્ટર પર જઈ પૈસા ચૂકવી દો. સ્ટોરની જાહેરાતવાળી એક સરસ થેલીમાં માલ પેક કરી પેલી બાઈ કૅશ બિલના ઓટોમેટિક મશીન પર પટપટાક હિસાબના આંકડા પાડી તમારા બિલનું પતાકડું મીઠામંજુલ ‘થેંક યૂ’માં ઝબકોળી તમને સોંપી દે.

‘સેલ્ફરિજીસ’માં જે માલ વેચાય તે બધાની, એ માલ વેચાણના કાઉન્ટર પર મુકાય તે પહેલાં પૂરી ચકાસણી કરવાનો રિવાજ. અમુક ધોરણ-સ્ટાન્ડર્ડથી નીચેનો માલ ત્યાં રાખવામાં આવતો નથી. એક વાર મેં ઇસ્ત્રી સાથે ફિટ કરવાનું એક ગેજેટ ત્યાં જોયું. કોઈ પણ પ્રકારની સામાન્ય ઇસ્ત્રી સાથે સ્પ્રંગિથી એ ભાગ ફિટ થઈ શકે અને ફિટ કરીએ એટલે ઇસ્ત્રીનું આપોઆપ સ્ટીમ આયર્નમાં રૂપાંતર થઈ જાય. એક બાઈ એવા ફિટંગિ સાથેની ઇસ્ત્રી કેમ વાપરવી એનું ડેમોન્સ્ટ્રેશન આપતી હતી. મને આ કરામત ખૂબ ગમી ગઈ. પચાસ શિલંગિની કંમિત હતી. મેં એક નંગ ખરીદ્યું. પછી પૂછ્યું, ‘આ ચીજ હું મારી સાથે ઇન્ડિયા લઈ જવાનો છું. વાપરવાની રીત સરળ છે એટલે જ લઈ જવાનું મન થાય છે. ત્યાં લઈ ગયા પછી જો એ બરાબર કામ ના આપે તો મુશ્કેલી ઊભી થાય.’ એ બાઈ ઘણાં વરસથી ત્યાં કામ કરતી હતી. મક્કમતાથી કહે, ‘સર, ધિસ ઇઝ સેલ્ફરિજીસ! અહીંનો બધો માલ ગેરન્ટીથી વેચાય છે. કામ બરાબર ના આપે એવી ચીજને અહીં વેચાણ માટે સ્થાન જ નથી. ઇન્ડિયા લઈ ગયા પછીયે જરા જેટલો ખટકો નીકળે તો બેખટક અમને પાછી મોકલજો. અમે ટપાલખર્ચ સાથે તમારાં નાણાં ગમે ત્યારે પરત કરીશું.’

સેલ્ફરિજીસમાં એક મજાનો કિસ્સો બન્યો. સૅન્ડવિચ ટોસ્ટરને મળતું એક નાનું વાસણ ત્યાં કાઉન્ટર પર જોયું. એની સાથેના લેબલ પર લખેલું હતું : ‘લેફ્ટઓવર્સ’ — એટલે કે ખાધા પછી વધેલી વસ્તુઓને આમાં સરસ રીતે રાંધીને બીજે દિવસે ઉપયોગમાં લઈ શકાય છે. મને રસોઈનો શોખ એટલે એ ચીજ લેવાનું મન થયું. આમતેમ ઉથલાવીને જોયું પણ કંઈ ગતાગમ ન પડી. કાઉન્ટર પર એક સરસ જુવાન છોકરી ઊભી હતી. મને લમણાફોડ કરતો જોઈ એણે પૂછ્યું, ‘કૅન આઈ હેલ્પ યૂ, સર?’ મેં કહ્યું, ‘યસ ડાલિર્ંગ, ઇન ધિસ કેસ આઈ રીયલી નીડ યોર હેલ્પ! મને આમાં કંઈ જ સમજ પડતી નથી. તું મને સમજાવ કે આમાં કેમ રાંધવું?’ એમણે બિચારીએ માથાકૂટ આદરી, પણ એના મગજમાંયે કાંઈ ના બેઠું. મને કહે — ‘જરા થોભો, પ્લીઝ! હું અમારી મૅનેજરને બોલાવી લાવું.’ મૅનેજર બાઈ આવી. એણેયે એ ચીજ સાથે મગજની કુસ્તી આદરી. થોડી વારે કહે; ‘આઈ એમ એકસ્ટ્રીમલી સોરી સર! પણ તમે થોભો તો હું અમારા ડિપાર્ટમેન્ટના ઉપરીને બોલાવી લાવું. આ ચીજ કેમ વાપરવી એની એને તો અવશ્ય ખબર હશે.’ એ વળી એક વયોવૃદ્ધ અને અનુભવવૃદ્ધ સજ્જનને બોલાવી લાવી. સ્ટોરનો એ ખૂબ મોટો વહીવટદાર હતો. ચીજ જોઈને એયે મૂંઝાયો. પણ જરાયે અકળાયા વિના હસીને મને કહે, ‘સર! ધિસ સીમ્સ ટુ બી અ હેડેક ફોર ઓલ ઓફ અસ!’ આ તો આપણા સૌ માટે માથાનો દુખાવો થઈ પડ્યો, હું આ ચીજ માટે આપને સંતોષકારક માહિતી નથી આપી શકતો એ બદલ ખૂબ શરમંદિગી અનુભવું છું અને તમારી માફી ચાહું છું. આ ચીજ ઇટાલિયન બનાવટની છે. અમે આજે જ ફોન કરીને એના મેન્યુફેક્ચરરને પૂરી માહિતી પૂછીશું. થોડીક તકલીફ લઈને પરમ દિવસે આવો તો તમારી શંકાનું સમાધાન કરી શકીશું.’

ચીજ તો હતી સાવ મામૂલી. બે-પાંચ શિલંગિ વિસાતની, પણ મને આ બધી સુજનતા અને ચીવટભરી તપાસણીમાં રસ પડ્યો. બે દિવસ પછી હું ગયો. પેલા વૃદ્ધ સજ્જન મને કહે, અમે મેન્યુફેક્ચરર પાસેથીયે સંતોષકારક ખુસાલો નથી મેળવી શક્યા એટલે એ ચીજને વેચાણમાંથી પાછી ખેંચી લીધી છે. તમારો સમય બગાડ્યો એ બદલ તમરી માફી ચાહું છું. આ ચીજ માટે ચીકાશથી પૂછપરછ કરી તમે અમારું ધ્યાન ખેંચ્યું એ બદલ સ્ટોરની મૅનેજમેન્ટ વતી હું તમારો આભાર માનું છું. કોઈ પણ વખતે હું તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકું તો વિના સંકોચે કહેજો.’

મેં એને કહ્યું, ‘તમારી ધીરજ અને ઘરાકને સંતોષ આપવાની ચીવટ અને સલૂકાઈથી હું ખરેખર પ્રભાવિત થયો છું, તમારો સ્ટોર અને આંતરિક કાર્યવાહી જોવાની મારી ઇચ્છા છે. એક પત્રકાર તરીકે તમારી ઢબછબનું અવલોકન કરવાનું મને ખરેખર કુતૂહલ છે.’ એ તો મારી વાત સાંભળીને ખુશ થઈ ગયો. સાથે આવીને આખો સ્ટોર મને ફેરવીને બતાવ્યો અને અનેક અવનવી માહિતી આપી. ઉપરના અમુક ખંડમાં તો એવી વ્યવસ્થા કે ત્યાં ગોઠવેલાં ટેલિવિઝનોમાં ઉપર બેઠાં બેઠાં આખા સ્ટોરમાં શું બને છે તે જોઈ શકાય. કોઈ શોપલિફ્ટર હાથચાલાકી કરી ચીજવસ્તુની ચોરીચપાટી કરતો હોય એયે ત્યાં બેઠાં બેઠાં વરતાય. એ સ્ટોરમાં ચાલીશ તો પબ્લિક ફોન છે, ત્યાંથી તમારે ગમે ત્યાં ટ્રંકકોલ કરવો હોય તો કરી શકો એવી સહૂલિયત. ઉપરના પાંચમા માળે કાર પાર્ક કરવાની મસમોટી વ્યવસ્થા, એક હજાર માણસો એકસામટા ખાઈ શકે એવી સેલ્ફ સવિર્સ કૅન્ટીન ત્યાં ગ્રાહકોની સગવડ માટે છે. ‘કસ્ટમર ઇઝ ઓલ્વેઝ રાઈટ’ એટલે કે ગ્રાહક અમારાં આંખ-માથા ઉપર — એ મુદ્રાલેખનું ત્યાં લગભગ બધા મોટા સ્ટોરમાં પાલન થતું અનુભવ્યું છે.

‘માર્ક એન્ડ સ્પેન્સર’ એ એવો જ એક બીજો સારો મોટો સ્ટોર છે. લંડનમાં અને પરાંઓમાં એની સંખ્યાબંધ શાખાઓ છે. મેં કિન્નરી માટે એક ગરમ કાડિર્ગન ત્યાંથી ખરીદેલું. એ પછી ઘણાં અઠવાડિયાં પછી એ જ સ્ટોરમાં ઇન્ડિયા માટે વધુ બંધ બેસે એવું બીજું કાડિર્ગન લગભગ પાંચ પાઉન્ડનું જોયું. ભાનુ કહે, ‘ભાઈ, તમે આ કાર્ડિગન લઈ જાઓ. માર્ક એન્ડ સ્પેન્સરવાળા એ બદલી આપશે.’ હું કાડિર્ગન લઈને ગયો, વાત સમજાવી કે આ ચીજ હું ઘણા દિવસ પહેલાં ખરીદી ગયો છું. હવે મારે એ બદલીને બીજું લેવું છે. કાઉન્ટર પરની બાઈએ જરા પણ મોં કટાણું કર્યા વિના પ્રસન્નતાથી મને કહ્યું, ‘જરૂર, અમે બદલી આપીશું, બીજું પસંદ ન પડે અને પાસા પાછા જોઈતા હોય તોપણ વાંધો નહિ. ગ્રાહક ખુશ રહે એ જ અમારી નીતિ છે.’ એ બાઈએ સાથે આવી કેવી જાતની કાડિર્ગન ઇન્ડિયા માટે વધુ કામનું અને એ દૃષ્ટિએ સંખ્યાબંધ નંગ બતાવ્યાં અને એ વસ્તુને કેમ ધોવી એ વિશેનાં સૂચનો પણ કર્યાં.

લંડનમાં ‘હેરોડ્ઝ’ જેવા માત્ર શ્રીમંતોને પરવડી શકે એવા સ્ટોર છે એમ ‘વુલવર્થ’ જેવા, મધ્યમવર્ગ અને ગરીબોને માફક આવે એવા પણ સંખ્યાબંધ સ્ટોર છે. ‘વુલવર્થ’ની લંડનમાં અને પરાંઓમાં ડઝનબંધ શાખાઓ છે. ‘વુલવર્થમાં વેચાતી ચીજો કિંમતમાં સસ્તી અને ક્વોલિટીમાં એટલે કે ટકવામાંયે મધ્યમ કે તકલાદી અને છતાં, ગ્રાહકો પ્રત્યેનો વર્તાવ જરાયે તકલાદી કે નબળો નહીં. કેટલીક શાખાઓમાં ગ્રાહકો માટે ‘સેલ્ફ સવિર્સ કૅન્ટીન’ની પણ સગવડ. ‘વુલવર્થ’ની એવી કૅન્ટીનમાં બેસી તમે બેપાંચ શિલંગિમાંયે લંચ પતાવી શકો. મારું લંચ હું ઘણી વાર એની ઓક્સફર્ડ સ્ટ્રીટની શાખામાં પતાવી લેતો. ઘણીવાર તો ઘરેથી પૂરી શાક લઈ ગયો હોઉં એ ત્યાં ચાકોફી સાથે નિરાંતે બેસી વિના સંકોચ ખાઈ લેતો. ત્યાંની એક સગવડ મને ખૂબ ગમે અને તે પીવા માટેના પાણીની. એક વોટરકૂલર મૂકેલું એમાંથી તમારી મેળે લઈને ગમે તેટલું ઠંડું પાણી મોજથી પીધા કરો.. બીજા રેસ્ટોરાંમાં કે કૅન્ટીનોમાં પીવાનું પાણી માંગવું પડે. મને જમતાં જમતાં ખૂબ પાણી પીવાની આદત. વારંવાર પાણી માંગું એટલે વેઇટરોને નવાઈ લાગે, કંઈક કંટાળોયે આવે. મને સંકોચ થાય એટલે ‘વુલવર્થ’ની આ વ્યવસ્થા મને ખૂબ ગમી ગઈ.

‘સેલ્ફરિજીસ’ જેવા સ્ટોરમાં કેટલાક વિભાગો ફક્ત સ્ત્રીઓ માટે ખરા, પણ ત્યાં ‘પીટર રોબિન્સન’ જેવા કેટલાક સ્ટોરમાં તો સ્ત્રીઓ માટેની જ ચીજો વેચાય. વળી બીજા થોડા સ્ટોર એવાય જ્યાં બેઢબ માપવાળાં સ્ત્રીપુરુષો માટેનાં જ કપડાં વેચાય. આને ‘આઉટ સાઇઝ’ સ્ટોર કહે, શરીર ખૂબ જાડું હોય અથવા સૂકલકડી હોય, કદ ખૂબ ઊંચું હોય યા ઠીંગણું હોય, છાતી કે કમરનું માપ તગડું હોય, હાથના પંજા કે પગરખાંનું માપ દળદાર હોય એવા લોકો માટેની ચીજોના આ ખાસ સ્ટોર. ત્યાંની પ્રજાની સરખામણીમાં આપણા લોકોનાં કદમાપ તો વહેંતિયાં લાગે. ભાનુના સ્લેક્સ વગેરે ખરીદવા માટે ‘એડોલેસન્ટ’ એટલે કે સ્કૂલે જતી મોટી છોકરીઓના વિભાગમાં જવું પડતું, કારણ કે એ વિભાગોમાં જ એના માપની ચીજો મળી શકતી.

લગભગ દરેક મોટા સ્ટોરમાં ત્યાં ‘એસ્કેલેટર’ની સગવડ. એસ્કેલેટર એટલે સરકણિયાં પગથિયાંવાળી સીડી. ઉપલે માળે જવા માટે તમારે ફક્ત સીડી ઉપર ઊભા રહી જવાનું. સીડી આપમેળે ઉપર સરકતી જાય. નીચે ઊતરવા માટે પણ એવી જ સગવડ. ખરીદી કરવા જાઓ ત્યારે બાળક સાથે હોય તો સ્ટોરમાં પુશચેર સાથે જઈ શકો, કૂતરાં સાથે લઈ જવાનીયે મના નહિ.

‘મધરકેર’ નામનો એક સ્ટોર છે એની ડઝનબંધ શાખાઓ યુરોપમાં છે. ત્યાં નવાં જન્મેલાં બાળકથી માંડીને બેત્રણ વરસની વયનાં બાળકો માટેની તમામ નાનીમોટી વસ્તુઓ મળે અને ભારેપગી સ્ત્રીઓની જરૂરિયાતનીયે બધી ચીજો ત્યાં મળે. દૂધની બાટલી, પોટી, બાળકો માટેનાં કપડાં, ગર્ભવતી સ્ત્રીઓ માટેનાં ખાસ કપડાં અને રમકડાંથી માંડીને બાબાગાડી, પુશચેર અને પલંગો વગેરે મા તથા બાળકને ઉપયોગી એકેએક ચીજ ત્યાં ખાસ ચીવટથી તૈયાર કરવામાં આવે છે. દરેક ચીજ અનેક પ્રયોગો અને ચકાસણી પછી ખાતરીલાયક ઠરે ત્યારે જ સ્ટોરમાં વેચવા મુકાય. ‘મધરકેર’નો સિક્કો લાગેલી વસ્તુ એટલે સો ટકા ગૅરન્ટીવાળો માલ. એ વિશેની નાનામાં નાની ફરિયાદ ઉપર અચૂક મોટામાં મોટું ધ્યાન આપવામાં આવે.

લંડનમાં જેમ મસમોટું ‘શોપંગિ સેન્ટર’ છે, એમ એ દુનિયાભરનાં આગેવાન ‘ફૅશન સેન્ટરો’માંનું એક છે, ત્યાં રોજબરોજ અવનવી ફૅશનો સરજાય છે અને આટોપાય છે. લંડન જાઓ તો ‘પબ’માં જવાની મેં ભલામણ કરી છે એમ અહીં ઉમેરું છું કે ‘કાર્નેબી સ્ટ્રીટ’માં અવશ્ય જજો. આપણી મતલબની ચીજો ત્યાં નહિ મળે, પણ યુરોપની આવતી કાલની ફૅશનને આજે અપનાવનારી રંગીનરંગીન જમાત ત્યાં તમને જોવા મળશે. એ લત્તો મુંબઈની ‘ક્રાફર્ડ મારકેટ’ કરતાંયે મોકળાશમાં નાનો છે. પણ ત્યાં લંડનની ફૅશનપરસ્ત, સુંદર, યુવાન મસ્તભરી, મનમોજી મેદનીનો જાણે મેળો ભરાયો હોય એવું લાગે. ચીજવસ્તુના ભાવતાલની ચિઠ્ઠીઓ વાંચી બે ઘડી તો આપણે ‘હેરોડ્ઝ’ જેવા ખર્ચાળ સ્ટોરને ભૂલી જઈએ.

ખરીદી માટે લટાર મારતાં યુવકો, યુવતીઓ, વૃદ્ધો, વૃદ્ધાઓની અંગભૂષા અને વેશભૂષાનો કાર્નેબી સ્ટ્રીટની ફૅશનઘેલી, યૌવનઘેલી, ઘનઘેલી, છકેલી, નિજાનંદે મસ્ત દુનિયાનો તો નજરે જોયે જ ખ્યાલ આવે. ભોગવિલાસ સદેહે ત્યાં રમવા ઊતર્યા હોય એવું લાગે. ત્યાં ભટકતી યુવતીઓએ પહેરેલા બિલ્લા જોઈ-વાંચીને તમને ચક્કર આવી જાય. એ બિલ્લાઓ પર લખ્યું હોય : ‘કિસ મી!’ એટલે ‘મને ચુંબન કરો,’ ‘આઈ એમ રેડી’ એટલે ‘હું તૈયાર છું.’ ‘આઈ ટેક પીલ્સ’ એટલે ‘હું ગર્ભનિરોધ ગોળીઓ લઉં છું.’ ‘એન્જોય લાઇફ’ એટલે ‘જંદિગી ભોગ માટે છે…’ વગેરે વાક્યો સાથેના બેજ છાતી પર બેધડક લગાવી એ લલનાઓ દુનિયા પોતાને માટે શું ધારશે એની પરવા કર્યા વગર, બસ, મોજથી પોતાના સાથીદારના બાવડામાં હાથ ભેરવીને કે એકલી મસ્તીભરી અદાથી ફરતી હોય. મને આ બધું જોઈને નવાઈ કે આઘાત તો ન લાગ્યો, સૌને પોતપોતાની રીતે જીવવાનો અધિકાર છે. ખરું પૂછો તો મને આ પ્રકારની નિખાલસ નફ્ફટાઈ સ્પર્શી ગઈ, પણ કૌતુક જરૂર થયું.

એક વાર ‘કિસ મી’ એવો બિલ્લો પહેરીને ફરતી એક યુવતીને ઊભી રાખી ટોળમાં પૂછી બેઠો, ‘એક્સક્યૂઝ મી. પણ આ બિલ્લાનો અર્થ શું? ડુ યુ રીઅલી મીન ઇટ? કોઈ તને આ વાંચીને ચુંબન કરે તો તું શું કરે? મારા સફેદ વાળ જોઈને એ હેતથી હસી પડી. કહે, ‘આ વાંચીને હંમિતથી મને ચુંબન કરે એવા જણની તો હું રાહ જોઉં છું. વ્હાઈ ડોન્ટ યૂ ડુ ઇટ? પૂછો છો શા માટે? ગો એહેડ!’ આવી છે કાર્નેબી સ્ટ્રીટની રંગીલી રોનક!

સફેદ વાળને લગતો બીજોયે એક રમૂજી કિસ્સો યાદ આવે છે. ‘ડેલીમેલ’ તરફથી દર વરસે યોજાતા એક મોટા એક્ઝિબીશનમાં ફરતો હતો. એક સ્ટોલ પર સફેદ વાળ કાળા કરવાની શોધનો સેમ્પલ મફત આપતો હતો. કાઉન્ટર પર એનું ડેમોન્સ્ટ્રેશન આપવા ઊભેલી છોકરીએ મારા ધોળા વાળ જોઈને મને બોલાવ્યો. કહે, ‘સફેદ વાળ કાળા કરવાની ગૅરન્ટી સાથેનો આ માલ છે. તમે જો હા પાડો તો તમારા વાળ હું કાળા રંગી આપું. કંઈ પૈસા આપવાના નથી. ડેમોન્સ્ટ્રેશન માટે ક્યારની કોઈ ધોળા વાળવાળાને શોધું છું. પ્લીઝ, તમે જો રાજી હો તો સૅમ્પલ ઉપરાંત એક આખી બાટલી અમે તમને ભેટ આપીશું.’

મેં બાટલીની કંમિત પૂછી. એ કહે, ‘બે પાઉન્ડ.’ મેં કહ્યું, ‘દીકરી મારી! આ વાળ ધોળા કરવા પાછળ મેં સાઠ વર્ષ ખરચ્યાં છે. તારી મફત બાટલી માટે એને કાળા કરવા હું હરગિજ તૈયાર નથી. એ તો મારી મોંઘી મૂડી છે. જો તું બાકીના જે થોડા કાળા રહ્યા છે એને સફેદ કરી આપે તો વળી ડેમોન્સ્ટ્રેશન માટે રાજી થાઉં.’ મારી વાત સાંભળી એ એની મૅનેજર બાઈને બોલાવી લાવી. એ કહે, ‘બાકીના વાળ સફેદ કરવા હોય તો તમારે બે-ત્રણ સિટિંગ માટે આવવું પડશે. એની અમારી ફી ત્રણ પાઉન્ડ થાય, પણ જો તમે અહીં ડેમોન્સ્ટ્રેશન માટે બેસવા રાજી હો તો હું એ કામ એક પાઉન્ડમાં કરી આપીશ.’ એ રીતે બેસી એક પાઉન્ડ ખરચી એની પાસે જવાનો મને મોહ નહોતો એટલે આ વાત ત્યાં જ અટકી.

આપણે ઘરઆંગણે ફરતાં હોઈએ એટલાં પરિચિત લાગે, જ્યાં આપણને અડવું ના લાગે એવાં જે થોડાં સ્થળો લંડનમાં છે એમાં ‘પેટીકોટ લેન’ની ગણતરી થઈ શકે. ઓલ્ડગ્રેટ ટ્યૂબ સ્ટેશનથી બે મિનિટને રસ્તે આ બજાર દર રવિવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ભરાય છે. પાંચસાત ગલીઓને આવરી લેતો આ બજાર-વિસ્તાર એ લંડનવાસીઓ માટે એક અનોખું અઠવાડિક આકર્ષણ છે. ત્યાં સંખ્યાબંધ રેંકડીમાં પોતાનો માલ ખડકી સજાવીને વેચનારાઓ ઊભા હોય. રેંકડીઓ ઊભી રાખવા માટેનાં ખાસ લાઇસન્સ એ દુકાનદારોએ લીધાં હોય છે. મુલાકાતીઓએ જોવાજાણવા જેવું આ સ્થળ છે. સમયની છત કાઢીને પણ ત્યાં એક વાર જવા જેવું છે. અમદાવાદની ગુજારી કે મુંબઈ ભૂલેશ્વરને બે ઘડી ભૂલી જાઓ એવી અજબગજબની ભીડ ત્યાં દર રવિવારે જામે છે. પેટીકોટ લેનનું મોટામાં મોટું આકર્ષણ — ખાસ કરીને સ્ત્રીઓ માટે — એ છે કે ત્યાં તમે મોકળે મને ભાવતાલ કરી, તમારા મનગમતા ઓછા ભાવે માલની માગણી કરી શકો અને ગ્રાહક માગતો ભૂલે એવો ઘાટ. દુકાનદારોયે એવા ઉત્સાદ કે હસીનમીને પોતાને પોસાણ થતું હોય ત્યાં સુધી ઓછેવત્તે ભાવે માલ ખંખેરી નાખે. બને ત્યાં લગી ગ્રાહકને જતું ના કરે. હોલસેલ ભાવે માલ લાવી, દુકાન કે ફરનિચરના ઠાઠમાઠ વિના, માફકસરના ભાવે માલ વેચવાનું આ રેંકડીવાળાઓને પરવડે ખરું, એટલે લંડનની વ્યવસ્થિત દુકાનોના પ્રમાણમાં માલ ત્યાં કંઈ સસ્તો વેચાય પણ વેચવા મૂકેલા માલની કોઈ જવાબદારી કે બાંયધરી આ દુકાનદારો સ્વીકારે નહિ. એક વાર એ માલ એના સ્ટોલ પરથી ‘એનઘેન ડાહીનો ઘોડો’ની જેમ એની રેંકડીમાંથી છૂટ્યો અને તમારાં નાણાં એના ખિસ્સામાં પડ્યાં એટલે એ છૂટો અને તમે બંધાયેલા. જાણે સામા મળ્યાની ઓળખાણ ના હોય એવો એનો વરતાવ થઈ જાય.

અહીંની હકડેઠઠ ભીડમાં તમારા ખિસ્સાનો ભાર હળવો થઈ જાય તોયે નવાઈ નહીં, પણ હાટડીવાળાની માલ વેચવાની કુનેહ જોઈને આપણે છક થઈ જઈએ, આફરીન પોકારી જઈએ. માલ વેચનાર સ્ત્રી-પુરુષોની જીભ જાણે મધની કૂપી જોઈ લો. ત્યાં ફરતાં હોઈએ ત્યારે આપણને, ‘ખરીદના મત! દેખો બહેનજી! દેખો ભાઈસાહેબ! દેખનેકા કામ નહિ હૈ.’ એવા લહેકા સાથે અજબ જેવી સ્ફૂતિર્ અને કુનેહથી માલનું વાચણ કરતા આપણા હંમિતબાજ સિન્ધી બિરાદરો યાદ આવી જાય અને ખરેખર ત્યાં મેં સિન્ધી અને પંજાબી ભાઈઓના સંખ્યાબંધ સ્ટોલ જોયા. આપણી ભારતીય બહેનોને પણ એવી હાટોમાં વેચાણ કરતાં જોઈ. હિન્દની અને પાકિસ્તાનની ત્યાં થોડી દુકાનો છે.

આ બજારમાં ખાણીપીણીનીયે સંખ્યાબંધ રેંકડીઓ ફરતી હોય. આઇસક્રીમ, હોટડોગ, સેન્ડવિચ, હેમ્બરગર, ચા-કોફી, ઠંડાં પીણાં ત્યાં છૂટથી વેચાય. મેં એક રેંકડીમાં પંજાબી ચાટ, રગડો અને પેટીસ વેચાતાંયે જોયાં. શોખથી ખાધાં. એકંદરે આ પેટીકોટ લેનમાંથી ચીજો ખરીદવાની હું સલાહ ના આપું, ચીજ ખરીદવી હોય તો લંડનના કોઈ સારા આબરૂદાર સ્ટોરમાંથી બે શિલંગિ વધુ આપીને ખરીદવી સારી, કે જેથી એ વિશે કોઈ દાદ કે ફરિયાદ હોય તો એનો તોડ લાવી શકાય. પણ પેટીકોટ લેન જોવા જરૂર જવું અને એ વખતે ખિસ્સામાં પૈસા બને તેટલા ઓછા રાખવા એટલે માલ ખરીદવાની લાલચ અને ખિસ્સાકાતરુના ભયમાંથી આપોઆપ ઊગરી જવાય.

ત્યાં પોટાબેલા લેન નામના બીજા એક સ્થળે ફૂટપાથ પર સંખ્યાબંધ ટેમ્પરરી સ્ટોલ્સમાં ચિતારાઓની કળાકૃતિઓ, નકશીકામની ચીજો, નેકલેસો, પેન્ડન્ટો, માળાઓ, માટીકામની ચીજો વગેરે વેચાય છે. કળાકારો રસ્તા પર, એટલે કે ફૂટપાથ પર અને લાકડાની કે ગૂણપાટથી ઊભી કરેલી દીવાલો પર ચીજો સજાવી-શણગારીને વેચતા હોય; વળી ઓક્સફર્ડ સ્ટ્રીટ જેવી જગ્યાઓમાં પણ ટ્યૂબસ્ટેશન આગળ ફૂટપાથ પર કે લાકડાનાં ખોખાંઓ પર આપણે ત્યાં ફ્લોરા ફાઉન્ટન જેવાં સ્થળોએ ફેરિયાઓ માલ વેચે છે એ રીતે ચીજો વેચાતીયે જોઈ. પોલીસભાઈ આવીને ઉઠાડી મૂકે તો આવા ફેરિયાઓ વળી વેરવિખેર થઈ જાય.

રશિયન, સ્કૅન્ડિનેવિયન, જાપાનીસ, સ્વિસ વગેરે સરકારો તરફથી સરસ ચાલતી દુકાનો પણ જોઈ, જ્યાં તે તે દેશનો માલ વેચાતો હોય અને દેશની બનાવટની ચીજોની સરસ જાહેરાત થતી હોય. એક આપણી સરકાર જ એવી છે કે જેના તરફથી આપણા દેશની કસબ-કારીગરીની જાહેરાત કે એના વેચાણ માટે કોઈ વ્યવસ્થિત પ્રયોગો કે પ્રયાસો થતા નથી. ભારત સરકારનો પ્રમાણિત એકેય સ્ટોલ કે દુકાન જેવું નથી જ્યાં આપણા દેશમાં બનતી સરસ ચીજોના વેચાણનો પ્રબંધ હોય. ઇન્ડિયા ક્રાફ્ટ નામની ખૂબ સરસ દુકાનો ત્યાં ચાલે છે. ઓક્સફર્ડ સ્ટ્રીટ અને મારબલ આર્ચ જેવાં શોપંગિ સેંટરોમાં આ પેઢીની ચાર સરસ શાખાઓ છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ‘ઇન્ડિયા ક્રાફ્ટ’ની પેઢીની માલિક એક સ્વિસ બાઈ છે. એનું નામ મિસ ટેલ્કો. લાખો પાઉન્ડનું રોકાણ એણે ભારતીય ચીજો વેચવાની આ દુકાનોમાં કર્યું છે. એમના પતિ મિસ્ટર ટેલ્કોને ભારતીય કારીગરીની અને આપણી જૂની મૂતિર્ઓ, ચિત્રો વિશેની ખૂબ ઝીણવટભરી સૂઝસમજ છે. દર વરસે એક વાર તેઓ ભારત આવી, વેપાર અને ચીજોનો ક્યાસ કાઢી ખરીદી કરી જાય છે. ભાનુએ ‘ઇન્ડિયા ક્રાફ્ટ’ની ઓક્સફર્ડ સ્ટ્રીટ શાખામાં છ વરસ સુધી મૅનેજર તરીકે વહીવટ કર્યો છે એટલે મને આ બધી વિગતોની જાતમાહિતી છે. બીજાયે નાના નાના વેરવિખેર સ્ટોર ભારતીય ચીજોના વેચાણ માટેના જોયા, પણ ‘ઇન્ડિયા ક્રાફ્ટ’ની બરાબરી કરી શકે એવો એક પણ સ્ટોર આપણા દેશની બનાવટની ચીજો વેચવા માટે ત્યાં નથી.

દુ:ખ ઉપજાવે એવી વાત તો છે ઇન્ડિયા હાઉસની. આ વિષય પરત્વેની સરિયામ નિષ્ક્રિયતાની. ખુદ ઇન્ડિયા હાઉસમાં ખૂબ સરસ ‘શો વિન્ડોઝ’ છે. આ બધાનો ઉપયોગ સારું એવું ભાડું આપીને અને સારી એવી જહેમત ઉઠાવીને ‘ઇન્ડિયા ક્રાફ્ટ’વાળા કરે છે. એ પાંચ સરસ ‘શો વિન્ડોઝ’માં ભારતીય ચીજોને સારી રીતે સજાવી–શણગારી મૂકવાનું પણ આપણા હાઈકમિશનના દફતરે સૂઝતું નથી! બોન્ડ સ્ટ્રીટ જેવા લંડનના ખૂબ જ મહત્ત્વના શોપંગિ સેન્ટરમાં મોકાની જગ્યાએ આપણું ‘ઇન્ડિયા ટી સેન્ટર’ ચાલે છે. ત્યાં પણ છ-સાત ખૂબ સરસ ‘શો વિન્ડોઝ’ છે અને એના ભંડકિયામાં એક મજાનો સ્ટોર થઈ શકે એવી શક્યતા છે. હું ત્યાં હતો ત્યારે મિસ્ટર કિડવાઈ કરીને મહત્ત્વાકાંક્ષી ને હોંશીલા સજ્જન ‘ઇન્ડિયા ટી સેન્ટર’ના ડિરેક્ટર ઓફ ટી પ્રમોશનનો હોદ્દો સંભાળતા હતા, તેમની સાથે આ વિશે થોડી વાતો થઈ હતી. તેમણે કહ્યું, ‘મારી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ ગમે તેવી અને ગમે તેટલી વિશાળ હોય, પણ અમારું આ ખાતું, સેમી ગવર્નમેન્ટ કન્સર્ન છે. એટલે અમને ભારતીય સહૂલિયત સરકાર ના કરી આપે અને અમારી યોજનાઓને મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી અમારી લાચારી છે!

ઇન્ડિયા હાઉસ એટલે આળસુઓનો અડ્ડો એમ કહેવાનું મન થાય છે. આ લખતાં આનંદ નથી થતો. પારાવાર ક્ષોભ થાય છે, પણ જો કદી લંડન જવાનું થાય તો મહેરબાની કરી ઇન્ડિયા હાઉસને ભરોસે ના રહેતા. ત્યાંથી તમને કોઈ પ્રકારનો સહકાર નહિ મળે. લેડનમાં ઓલ્ડવિચ ટ્યૂબ સ્ટેશનની પાસે આપણું એટલે કે આપણી સરકારનું રજવાડી ઠાઠવાળું ઇન્ડિયા હાઉસ આવેલું છે. એ મકાન પર આપણો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકે છે અને ત્યાં આપણા, એટલે કે ભારત સરકારના પ્રતિનિધિ, હાઈકમિશનર સાહેબ, એલચી — જે કહો એમનું શાનદાર દફતર છે. એ દફતરમાં હજાર- બારસો જેટલાં માણસોને દર મહિને, આપણા દેશમાં જેની ભારોભાર અછત છે એવી ઘોષણા રાજકર્તાઓ કરે છે એવા વિદેશી હૂંડિયામણમાં ભારતની પ્રજાને હિસાબે અને જોખમે લાખો પાઉન્ડનો પગાર ચૂકવાય છે. લંડનના હોમ ડિપાર્ટમેન્ટમાં કે બીજા કોઈ દેશના એલચી ખાતામાં કર્મચારીઓનો આટલો જંગી કાફલો મેં જોયો નથી. આપણા આ વિદેશી ખાતામાં નોકરી મેળવવા માટેનું પહેલું ક્વોલિફિકેશન — પ્રમાણપત્ર મને એ લાગ્યું છે કે : ‘કામ કરવું નહિ. બને એટલું કામ કરવાનું ટાળતાં રહેવું અને નાછૂટકે કામ કરવું જ પડે તો ગોકળગાયની ગતિએ કરવું.’ આમાં અનેક ફાયદા છે. કામ ના કરે એટલે ઠપકો આપવાપણું કે કામમાં ભૂલ કાઢવાપણું જ ન રહે અને કામ તો કદી ખૂટે જ નહિ.

આપણી સરકાર જે પાસપોર્ટ આપે છે એના અંદરના પૂંઠા પર અશોકચક્રનું નિશાન છે. એની નીચે રાષ્ટ્રસૂત્ર લખ્યું છે : ‘સત્યમેવ જયતે’. એ પછી નીચેનાં વાક્ય અંગ્રેજી અને હિન્દુસ્તાનીમાં લખાયેલાં છે :

‘ઈસકે દ્વારા, ભારત ગણરાજ્ય કે રાષ્ટ્રપતિ કે નામ પર, ઉન સબસે જિનકા ઇસ બાતસે સરોકાર હો, યહ પ્રાર્થના એવં અપેક્ષા કી જાતી હૈ કિ વે વાહક કો બિના રોકટોક, આઝાદીસે આનેજાને દે, ઔર ઉસે હર તરહ કી સહાયતા ઔર સુરક્ષા પ્રદાન કરેં જિસકી ઉસે આવશ્યકતા હો.’

ભારત ગણરાજ્ય અને એના રાષ્ટ્રપતિનો આદેશ છે, અને છતાં આ આદેશ કે અપેક્ષા સાથે ઇન્ડિયા હાઉસને કંઈ જ નિસ્બત ના હોય એવો એ ખાતાનો વરતાવ મને લાગ્યો છે. તમે આપણા હાઈકમિશનર સાહેબને ગાળ લખો તો એની પહોંચ લંડનમાં ને લંડનમાં સ્વીકારતાં આઠ-પંદર દિવસ સહેજે લાગી જાય. જ્યારે હોમ ઓફિસને કાગળ લખો તો એનો વિગતવાર જવાબ ત્રીજે દિવસે અચૂક મળી જાય. મારી પાસે આ પ્રકારના વિલંબી પત્રવ્યવહારના પુરાવા મેં જાળવી રાખ્યા છે. મારા મિત્ર, જાણીતા પત્રકાર ભાઈ સુંદર કબાડીએ મને કહ્યું કે આવું તો વરસોથી ચાલે છે. અમદાવાદનું પાણી તમે ચોવીસ કલાક પીઓ અને પૈસાની ગણતરી કરતા થઈ જાઓ એવી કહેતી છે. આપણા ઇન્ડિયા હાઉસના નળના પાણીમાં જ સુસ્તીનો કંઈ ચમત્કાર હોય એવું મને લાગ્યું. નવા હાઈકમિશનર આવે ત્યારે એમનામાં શરૂશરૂમાં થોડી ધગશ વરતાય. પછી એ રામ એના એ, એવો ઘાટ થઈ જાય! હું ત્યાં વડા પ્રધાનના રાહત ફંડ માટે એક સરસ એક્ઝિબિશન લઈ જવાનો હતો. એના અનુસંધાનમાં આપણા અત્યારના હાઈકમિશનર મિસ્ટર ધવનને માટે મળવું હતું. અને તેઓ એ પ્રદર્શનની કમિટીમાં પેટ્રન તરીકે રહેવા રાજી છે કે નહિ એ જાણવું હતું. મારી પાસે એમની ઉપરના અંગત મિત્રોના ભલામણપત્રો હતા. મારા સ્વાર્થ માટે એમને મારે નહોતું મળવું, અને છતાં મારા પત્રની પહોંચ સુધ્ધાં મને આઠ દિવસે મળી! હું રહ્યો માથાભારે એટલે પહોંચ મળે એ પહેલાં મિસ્ટર ધવનને ફોન કરી મેં એમને મળી કામ પતાવી લીધું, પણ સામાન્ય પરિસ્થિતિ આવી છે — અને આવી જ રહેવાની!

તમારે પાસપોર્ટ ફરી બનાવરાવવો હોય કે એ વિશે કોઈ કામ હોય તો તમને કહેવામાં આવશે કે, ‘કાલે આવો!’ બીજો ધક્કો એટલે પાછી એક દિવસની રખડપટ્ટી! અને તેયે તમને કહેશે, ‘કમ ટુમોરો.’ ‘પ્લીઝ’ કે ‘સર’ કે ‘મૅડમ’ જેવું સંબોધન જ જાણે ઇન્ડિયા હાઉસના શબ્દકોશમાં નથી. અને એ બધી તુંડમિજાજી, આળસુ જમાતને આપણે ખૂનપસીનો નિચોવીને સ્ટલિર્ંગમાં પગાર ચૂકવીએ છીએ.

મારી ભાણેજ સુનીલા લંડનમાં ચિત્રકળા શીખે છે. એની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે. એ પોતાનાં ચિત્રોનું પ્રદર્શન ઇન્ડિયા હાઉસમાં ગોઠવવા માગતી હતી. અનેક ધક્કા ખાવા છતાં કોઈએ એને દાદ ના દીધી તે ના દીધી. ઊલટું, એના ચિત્રોની હાંસી ઉડાવી એને કહ્યું કે આવી કોઈ સગવડ આપવી એ ઇન્ડિયા હાઉસનું કામ નથી.

ઇન્ડિયા હાઉસની લાઇબ્રેરીમાં જાઓ તો તમને પાંચસાત દિવસનાં વાસી ભારતીય છાપાં વાંચવા મળશે, જ્યારે ‘એર ઇન્ડિયા’ની ઓફિસમાં આજનાં છાપાં કાલે ટેબલ પર મુકાયાં હોય. પૂછપરછ કરતાં ખબર પડી કે ખરચ બચાવવા માટે છાપાં ‘ડિપ્લોમૅટિક બૅગ’માં મંગાવવામાં આવે છે અને એ આપણા હાઈકમિશનર સાહેબ અને બીજા અફસરો વાંચી રહે પછી અવકાશે લાઇબ્રેરીમાં મૂકવામાં આવે છે. આના જેવો બીજો વાહિયાત વહીવટ હોઈ શકે નહિ. ભારતના છેલ્લામાં છેલ્લા સમાચાર વહેલી તકે જાણવાનો લંડનમાં રહેતા ભારતવાસીઓનો હક છે. મેં ત્યાં અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, મરાઠી, બંગાળી વર્તમાનપત્રો જોયાં; પણ ગુજરાતી એકેય અખબાર ના જોયું! કહે કે જીવરાજભાઈના વખતમાં ‘મુંબઈ સમાચાર’ જેવાં ગુજરાતી છાપાં મંગાવતાં તે હવે બંધ કર્યાં છે. મને લાગે છે કે હજાર માણસનો કાફલો છે એટલે જ આટલી સુસ્તી છે, પણ આટલો જંગી સ્ટાફ ના હોય તો પરદેશમાં આપણા ગરીબ દેશનો વટ કેમ પડે? આપણા મિનિસ્ટરો વગેરે છાશવારે ત્યાં પિકનિક કરવા જાય છે. એમની સરભરા અને તકતેવડ કોણ સાચવે? આપણાં એલચીખાતાં ભારતીય પ્રજાજનો માટે નથી, મિનિસ્ટરો માટે છે. મિનિસ્ટરો અને વી.આઈ.પી. માટે એ મહેલ છે. પ્રજાજનો માટે એ ભાંગીતૂટી સરાઈ પણ નથી. હિતેન્દ્ર દેસાઈ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન છે એટલી સરળ માહિતીયે ભારત વિશે તમને ઇન્ડિયા હાઉસમાંથી નહિ મળે! આવો વહીવટ ફક્ત લંડનના ઇન્ડિયા હાઉસમાં જ છે એવું નથી. મારા મિત્ર ભાઈ ચંદ્રવદન મહેતા જેવા મને ખાતરી આપે છે કે પરદેશમાં લાખો પાઉન્ડને ખરચે નભતાં આપણાં બધાં જ એલચી ખાતાંઓમાં આવું જ રેઢિયાળપણું જોવા-અનુભવવા મળે છે. માટે પરદેશ જાઓ તો એ ખાતાંઓને ભરોસે કદી ન રહેતા.

લંડનમાં 1965ની પહેલી સફર દરમ્યાન છ મહિના ગાળ્યા. એ ગાળામાં લંડનનાં થિયેટરોની દુનિયા ઠીકઠીક પ્રમાણમાં જોઈ. મુંબઈમાં એક યા બીજી રીતે નાટકની દુનિયા સાથે હું ઠીકઠીક સંકળાયેલો એટલે એ બધું જોવામાં મને રસ હતો. મારા મિત્ર અદી મર્ઝબાને મને ‘બોઇંગ બોઇંગ’ અને ‘ધ માઉસ ટ્રેપ’ એ બે નાટકો જોવાની ભલામણ કરી હતી. યુરોપની રંગભૂમિ વિશે તરેહવાર રંગીન પ્રશંસાઓ વરસોથી સાંભળતો હતો એટલે એ વિશે એક જાતનો અહોભાવ મનમાં ભર્યો પડ્યો હતો. ખૂબ મોટી અપેક્ષા લઈને ગયો હતો; પણ આ બે નાટકોનું ધોરણ મને તો ખૂબ સામાન્ય કક્ષાનું લાગ્યું. થિયેટરમાં પણ મોટા ભાગનાં જૂનાં થિયેટરો જોઈને તો સારી એવી નિરાશા થઈ. છેક ઉપર ચોથે માળે ગૅલેરીમાં બેસવા માટે પણ દસ શિલંગિ ખરચવા પડતા, અને ત્યાં બેસવા માટે નવ ઇંચ પહોળી લાકડાની સળંગ પાટલીઓમાં સીટની વચ્ચે હાથ ટેકવવા માટે હાથ સુધ્ધાં નહિ. એ પછી ઓલ્ડવીક સ્ટેટફોર્ડ-અપોન-અવોનમાં થોડાંક સરસ નાટકો જોયાં. રિજન્ટ પાર્કના આદર્શ ઓપન એર થિયેટરમાં ફુલ્લી ચાંદનીમાં લોન પર બેસીને સૅન્ડવિચ ખાતાં ખાતાં અને બીઅર ગટગટાવતાં કેટલાંક સારાં નાટકો જોયાં. પણ આ બધું જોઈને, જે અહોભાવ મનમાં લઈને ગયો હતો એને એક ઠેસ લાગી ગઈ. કદાચ ત્યાંનાં નાટકોને સમજવાની મારી એટલી જ મર્યાદા હશે. અહીં આપણા દેશમાં બંગાળી, મરાઠી, અંગ્રેજી, હિન્દી, કન્નડ રંગભૂમિ અને હજી ભાંખોડિયાં ભરતી આપણી ગુજરાતી રંગભૂમિ પર સેંકડો નાટકો મેં જોયાં છે. આપણાં સાધનોની મર્યાદાને ધ્યાનમાં લેતાં લંડનમાં નાટકો કરતાં એમાંનાં ઘણાં મને કોઈ રીતે ઊતરતાં નથી લાગ્યાં. ત્યાં જેમ સરસ નાટકો ભજવાય છે એમ આપણે ત્યાં પણ સારાં નાટકો છે અને આપણે ત્યાં ઊતરતી કક્ષાનાં નાટકો છે એમ ત્યાંયે ઘણાં નાટકોનું ધોરણ ખૂબ સામાન્ય છે. 1967-68માં ફરીથી ગયો ત્યારે મારા મિત્ર પી. એલ. દેશપાંડે પણ લંડન આવેલા. એમને રૂબરૂ મળવાનું તો ના બન્યું. પણ ફોન પર વાત થઈ ત્યારે આ વાત મેં તેમને કહી અને પૂછ્યું કે, ‘નાટકો જોવા-સમજવાની મારી મંદ બુદ્ધિને કારણે તો મને આમ નથી લાગતું ને?’ એમણે કહ્યું કે તેઓ પોતે લંડનમાં નાટકોમાં મારી જેમ જ નિરાશ થયા હતા. લંડનમાં રંગભૂમિ મોટેભાગે ટૂરિસ્ટો પર નભે છે એવું મને લાગ્યું છે. લાખો ટૂરિસ્ટો દર વરસે લંડન આવે અને બને ત્યાં સુધી દરેક ચીજનાં વખાણ કરવાની એક સામાન્ય પ્રથા યુરોપના દેશોમાં એટિકેટ તરીકે પ્રચલિત છે. અંગ્રેજ તમારે ઘેર જમવા આવે અને કઢી તીખી લાગે તોયે કહેશે, ‘વેરી નાઇસ! હાઉ ટેસ્ટફુલ!’ આ એના જેવી વાત મને લંડનની રંગભૂમિની લાગી છે. કદાચ મારી પોતાની સમજશક્તિ જ એટલી હશે કે કદાચ હું વધુ પડતી અપેક્ષાઓ લઈને ગયો હઈશ? નાટકની ટિકિટોમાં થિયેટરો પાસે છડેચોક કાળાંબજાર થતાંયે મેં જોયાં છે.

લંડનમાં સારાંસારાં જોવાલાયક સ્થળો તો મેં જોઈ લીધાં હતાં. મનમાં હતું, લંડનની ઝૂંપડપટ્ટીના વિસ્તારો વગેરે પણ જોવા જોઈએ. એક દિવસ ભલા પોલીસભાઈનું શરણ શોધ્યું. એને મેં મારી વાત સમજાવી કે મારે અહીંના ‘સ્લમ’ વિસ્તારો અને અહીંની મારામારીનાં દૃશ્યો નજરે જોવાં છે. એ કહે, ‘કોઈ દિવસ સાંજે, મારી ડ્યૂટી પૂરી થાય ત્યારે મળો તો મારી મોટર બાઇક પર તમને ફેરવી લાવું.’ અમે એક દિવસ એપોઇન્ટમેન્ટ નક્કી કરી. એ મને પોતાની પાછલી સીટ પર લટકાવી અનેક જગ્યાએ ફેરવી લાગ્યો. ત્યાંના ‘સ્લમ’ વિસ્તારો આપણી ઝૂંપડપટ્ટી જેવા તો નથી. મકાનોને ચાર દીવાલો ઈંટ-પથ્થર-ચૂનાની હોય પણ રહેઠાણો સાવ કંગાળ, ગંદાં અને જર્જરિત, એમાં ટોઇલેટ, બાથરૂમ જેવી વ્યવસ્થા પણ નહિવત્. હબસીઓ, જામાઈકનો વગેરે કાળી ચામડીના અને કેટલાક ગોરાઓનો એ ઘરોમાં વસવાટ. ગંદવાડ અને ગરીબાઈનો પાર નહિ.

લંડનની શેરીઓમાં થતી મારામારી મારે જોવી હતી. પેલો પોલીસ ઓફિસર મારો એ હિન્દી શબ્દ સાંભળી મને પૂછે, ‘સર, વોટ ડુ યૂ મીન બાય મારામારી! મારામારી એટલે શું?’ મેં કહ્યું, ‘તમારે ત્યાં જેને સ્ટ્રીટ ફાઇટ કહે છે એને અમે મારામારી કહીએ.’ એ કહે, ‘એ માટે કોઈ મુકરર સમય નથી એટલે મારી લાચારી છે. પણ જો તમને ઉતાવળ ના હોય તો એકાદ કલાક અહીં થોભો તો મારામારી જરૂર જોવા મળશે.’ અને સાચે જ અડધા કલાકમાં મારામારીનું દંગલ જોવા મળ્યું. શા કારણે ઝઘડો થયો, એ તો ભગવાન જાણે પણ લઠ્ઠ જેવા થોડા હબસીઓ ગોરાઓ સાથે અથડાઈ પડ્યા. હાથોહાથની લડાઈમાંથી પછી તો રસ્તા પર પડેલાં સ્કૂટરો એકબીજા પર ફેંકાવા લાગ્યાં. પેલા પોલીસભાઈને મને મારામારી દેખાડ્યાનો સંતોષ થયો. એ યુનિફોર્મમાં નહોતો. મને કહે, હવે જો મારામારી જોઈ લીધી હોય તો આપણે રસ્તે પડીએ. તમે નાહકના લફરામાં અટવાશો.

બચપણમાં રેલની મુસાફરી કરતાં, તારના થાંભલાઓ અને ઝાડવાંઓ અવળી દિશાએથી દોડતાં હોય એવા દૃષ્ટિભ્રમથી મારા બાળમનને અદ્ભુત કૌતુક લાગતું. હવે બુઢાપામાં, પરદેશની આ રખડપટ્ટીમાં કાળ ભગવાનની દોટમાં દિવસો, અઠવાડિયાં અને મહિના જંદિગીની અવળી ગમ દોડ્યે જતાં હતાં. કોઠે પડે ગયેલી કાળગતિનું કૌતુક તો શું થાય, પણ મનમાં બેધારી તલવાર જેવો અજંપો છવાતો ગયો. રહીરહીને ઘરે પહોંચવા માટે મન તપડતું. દીકરી-જમાઈના વિયોગની કલ્પનાનું વસમુંયે લાગતું જ હતું. એટલામાં, સપ્ટેમ્બરની શરૂઆતમાં એક દિવસ સાંજે ટોટનહામ કોર્ટ રોડ ટ્યૂબ સ્ટેશનમાંથી બહાર નીકળતાં છાપાનો વધારો જોયો. મસમોટા અક્ષરોમાં હેડલાઇન હતી : ઇન્ડો-પાકિસ્તાનની લડાઈ! ચમકાવનારી સેન્સેશનલ હેડલાઇન સિવાય બીજા ખાસ સમાચાર એ છાપામાં નહોતા, પણ એટલું વાંચી મનમાં બેચેનીની ભરતી ઊપડી આવી. એ પછી તો રોજરોજ ટેલિવિઝન ઉપર લડાઈની છૂટીછવાઈ બિનાઓ નજરે જોવા મળતી. મનનો ઉકળાટ વધી ગયો. સ્ટીમર ‘વિક્ટોરિયા’નું મારું બુકંગિ 24મી સપ્ટેમ્બરનું હતું. એટલે બેત્રણ અઠવાડિયાં દ્વિધામાં અને લાચારીમાં વિતાવ્યે જ છૂટકો હતો. લડાઈની તૈયારીના અને મુંબઈમાં ચાલતા અંધારપટ વગેરે પરિસ્થિતિનાં વર્ણનો છાપામાં અને ઘેરથી આવતા કાગળોમાં વાંચી લંડનયાત્રાનો નશો જાણે રાતોરાત ઊતરી ગયો. વતનની યાદ અને કુટુંબીજનો તથા મિત્રોની સલામતીની ચિંતા મનને કોરી ખાવા લાગી. આખો દેશ બધા મતભેદોને કોરે મૂકી આફતનો સામનો કરવા એક થયો છે જાણી મનમાં એક પ્રકારનો આનંદ પણ થતો. મારા દીકરાનો ભાનુ પર તાર હતો કે કરાંચી થઈને મુંબઈ આવતા કોઈ પણ જહાજમાં મને હરગિજ ન નીકળવા દેવો. હવાઈ જહાજમાં જ રવાના કરવો. વળી રંગીન સફરનો રસ જાણે સંકેલાઈ ગયો. ઉશ્કેરાટ અને ઉચાટમાં દિવસો વીતવા લાગ્યા.

ભાનુ કહે, ‘ભાઈ, હવે ‘અલ્હાબાદ રેસ્ટોરાં’માં અને સોહોનાં એવાં બીજાં રેસ્ટોરાંમાં જનવા ન જતા. એ બધાં પાકિસ્તાનીઓનાં છે.’ એ વખતે માણસ કેટલો જલદી પોતાના પાડોશીને એક રાતમાં પિશાચ માનતો થઈ જાય છે એની પ્રતીતિ થઈ ગઈ. એ પછી એક દિવસ ‘અલ્હાબાદ રેસ્ટોરાં’નો માલિક રસ્તામાં ભટકાઈ ગયો. સરસ માણસ છે. કહે, ‘હમણાં કેમ જણાતા નથી?’ મેં કહ્યું, ‘ઇન્ડો-પાકિસ્તાન લડાઈ ચાલે છે એટલે આપણે હવે મિત્રો મટી દુશ્મન બન્યા!’ એ કહે, ‘આ પારકી ધરતીમાં કોઈ નથી ભારતનું કે નથી પાકિસ્તાનનું. સર! વી આર ઓલ ફોરેનર્સ હીઅર! સંકોચ વિના જરૂર આવો.’ પણ એવી વાતે મન શેં માને? ના ગયો.

અંગ્રેજોનો ભારત પ્રત્યેનો પોકળ પ્રેમ અને પાકિસ્તાન માટેનો ખુલ્લો પક્ષપાત એ વખતે ઠીકઠીક છતો થયો. એક અઠવાડિયામાં મને ‘લોઇડ ટ્રીએસ્ટીનો’ કંપની તરફથી કાગળ મળ્યો કે લડાઈના આવા ડામાડોળ વાતાવરણમાં સ્ટીમર ‘વિક્ટોરિયા’ કરાંચી કે મુંબઈ બંદરે કદાચ નયે થોભે. એવા સંજોગોમાં મારે કોલંબો કે એવા બીજા બંદરે ઊતરી ત્યાંથી મુંબઈ પહોંચવા માટે જે સાધન મળે એમાં જવા માટે તૈયાર રહેવું પડશે અને એ પ્રકારના દસ્તાવેજોમાં સહી કરી આપવી પડશે. આ બધી વિધિ પતાવી હું નીકળવાના દિવસની રાહ જોવા લાગ્યો.

15 સપ્ટેમ્બરે મને ‘લોઇડ્ઝ’ કંપની તરફથી બીજો કાગળ મળ્યો કે સ્ટીમર ‘વિક્ટોરિયા’ મુંબઈ બંદરે થોભશે અને કરાંચી થઈને નહિ જાય. એટલે હવે પ્લેનમાં પાછા જવાની વાત બંધ અને સ્ટીમરમાં જ જવું પાકે પાયે નક્કી થયું. ખરીદી જે થોડીઘણી બાકી હતી એ આટોપવા માંડી. લંડનમાં મારી બે ભાણેજ, સુધા અને સુનીલા રહે છે તેમને અને બીજા સ્વજન મિત્રોને મળી વિદાય લેવા માંડી.

એ અઠવાડિયા દરમ્યાન એક વરસ કિસ્સો બન્યો. રોયલ ફેસ્ટિવલ હોલમાં રવિશંકરના સિતારવાદનનો કાર્યક્રમ હતો. બરાબર આઠ વાગ્યા સુધીમાં થિયેટરમાં ગોઠવાઈ જવાનું, ત્યાં મોડા પહોંચનારને ઇન્ટરવલ પછી જ પ્રવેશ મળે એવો શિરસ્તો છે. ભાનુ-આનંદ સાડા છએ કાર લઈને મને હાઈડ પાર્ક પાસે મળવાનાં હતાં. પછી કાશ્મીર રેસ્ટોરાંમાં જમી પરવારી, ગાડી પાર્ક કરવાના સમયની ગણતરી સાથે પોણાઆઠ વાગ્યે થિયેટર પર અમારે પહોંચી જવાનું હતું.

હું હાઈડ પાર્કમાં લટાર મારી રહ્યો હતો. લોકોનાં ટોળાં આગળ એક પાકિસ્તાની ભારત વિરુદ્ધ ગાળો ઓકી રહ્યો હતો. બીજી બાજુ એક પાદરી બીજા ટોળાને સ્વર્ગ અને નરકની વાતો સમજાવી રહ્યો હતો. ત્યાં કોઈએ મને શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં બૂમ પાડી, ‘એ…એ…ઈ બચુભાઈ! એ મોટાભાઈ!’ મેં આશ્ચર્યથી પાછળ જોયું તો નજર સામે એક વધુ આશ્ચર્ય ઊભું હતું. તપકીરિયા રંગનો ગરમ ચૂડીદાર, સુરવાલ, બંધ ગળાનો કોટ, માથે કાઠિયાવાડી સાફો, હાથમાં હેવી ઓવરકોટ… એવો એક આદમી દોડતો આવી, વાંકો વળી મારે પગે પડ્યા. પછી કહે, ‘કાં મોટાભાઈ! તમે ક્યાંથી! ઓળખાણ પડે છે?’

હું ગૂંચવાતો એની સામે તાકી રહ્યો. અહીંયાં, લંડનમાં, મને ઓળખતો, મને મારા બચપણના નામે બોલાવતો આ માણસ કોણ! ત્યાં વળી એ જ બોલ્યો, ‘તમે ન ઓળખ્યો, પણ મેં તો તમને વરતી કાઢ્યા, હોં! તમે મામાને કોઠે હીરાશેરીમાં ભાવનગરમાં રે’તા કે નઈ! તમે કપિલભાઈ ઠક્કરના ભાણેજ બચુભાઈ જ ને? યાદ છે… આપણે શેરીમાં હારે રમતા? ઓલા વાણિયાને હાટેથી ભાગ લઈને ખાતા? હું કાનજી ખવાસ!’

અને એકાએક સ્થળકાળનો ઓછાયો મારી નજર સામેથી ઓસરી ગયો. કાનજી અભેસંગ ખવાસ! અમારી શેરીમાં રહેતો. અમે બચપણમાં ભેળા રમેલા-ફરેલા. આટલાં વરસે ને છેક અહીંયાં એ આમ અચાનક સામે આવી ઊભો રહે તે ઝટ ક્યાંથી ઓળખાય? ‘અરે… અરે, કાનજી! તું અહીંયાં ક્યાંથી, ભાઈ?’ કહેતોકને હું એને ભેટી જ પડ્યો. દેશથી દૂરદૂર, સાત સમંદર પાર, અહીં પારકા પરદેશમાં સ્વદેશનું કૂતરુંય વહાલું લાગે, એમાંય આ તો મારો લંગોટિયો ભાઈબંધ કાનજી! એયે મને જોઈને ખુશખુશ હતો. કહે, ‘હું તો આ તૈણ વરહથી સું. દાક્તરસાબની હારે. શેઠ દાક્તરસાબની હારે. મેં તમને આબાદ વરતી કાઢ્યા, હોં મોટાભાઈ! વાળ ધોળા થયા, પણ અણહાર નો ભુલાય!’

અમે સડક પાસેના બાંકડા પર ગોઠવાયા. મેં સિગરેટ કેસ કાનજી સામે ધર્યું ત્યારે, ‘ઈ બીડી મને નો ફાવે. આ હોકલી જેવી મજો નંઈ. તમતમારે પિયો, મોટાભાઈ!’ કહી એણે માટીની અસ્સલ કાઠિયાવાડી હોકલી પેટાવીને જમાવ્યું. પછી તો અમે અલકમલકની વાતે વળગ્યા.

‘ઈ જમાનો થાવો નથ, હોં મોટાભાઈ! હવે તો દેશમાંયે સંધુંય ફરી ગ્યું. ઈ ‘સનાતન’ની નિહાળ, ને ઈ રૂપાપરીનો દરવાજો ને ઈ બોરતળાવ, ને ઈ પીલગાર્ડન, ઈ ગંગાજળિયાનું દેરું ને ઈ તખતશરની મોજું, ઈ દાણમશાલી — ને ભડેકિયાં પાન ખાવાનો ટેસ… ઈ સંધુંય હવે થાવું નથ! મારાં કરમમાં જ વદિયા નંઈ. તમે મુંબી ગ્યા ને હું રઈ ગ્યો ભણ્યા વિનાનો કારોધાકોર! પછી વાળુકોડવાળા રામજીભા શેઠને ત્યાં ચાકરી રઈ ગ્યો. એને વરહ થ્યાં ચાળી ઉપર બે. આ દાક્તરસાબ એમના દીકરા. ને ઈની હારે તૈણ વરહથી આંઈકણે સું.’

મેં કહ્યું, ‘અરે કાનજી! તું નસીબદાર ભાઈ! વગર ભણ્યે અહીંયાં લંડનમાં મહેર કરે છે, ત્યારે ભલભલાને તો અહીં આવવાની પરમીટેય નથી મળતી.’ તો કહે, ‘ઈ તો સુંધોય ઠીકોઠીક સે, મોટાભાઈ. હું તો રામજી અદા હારે આપણો સંધોય મલક ફરી વળ્યો. શેઠે એ…ઈ..ને રૂપાળી ચારધામની જાત્રા કરાવી. ને ગંગા મા તો જાણે અંબાનો અવતાર જોઈ લ્યો. ચાકર માતરને પંડ્યનાં જણ્યાંની જેમ જાળવે, હોં મોટાભાઈ! ઈ સાચકલાં માણહું ને ઈ જમાનો હવે થાવાં નથ. આ તો અદાએ પરાણે દાક્તરસાબની ભેળો મેલ્યો, ન મેં જીભ કસરી કે પંડ હાટે જાળવીશ એટલે રે’વું પડે, બાકી આપણો મલક ઈ આપણો મલક, બીજાં સંધાંય ફાંફાં! જલમભોમકા ક્યાંય થાવી નથ.’

કાનજી ડોક્ટર શેઠની સાથે લંડન આવ્યો. પેડંગ્ટિનમાં ડોક્ટર પાંચ વરસ માટે છે. હજી બે વરસ કાઢવાનાં. ડોક્ટર જર્મની ગયા છે એટલે કાનજી આજે લંડન આવ્યો છે; પણ એનું મન ભટકે છે એની ‘જલમભોમકા’માં. મેં કહ્યું, ‘મારી દીકરી ભાનુ અહીં ચાર વરસની છે, એને મળવા આવ્યો છું.’ તો કહે, ‘દીકરી આપની ચચ્ચાર વરહથી આંઈ ને મને તો ખબરેય નંઈ! પણ તમતમારે બેફિકર રો. હવે એની ફકર આ કાનજીને માથે. મને કે’વું ના પડે, હોં મોટાભાઈ!’

મેં કહ્યું, ‘આપણે તો બાળગોઠિયા. તું મને, ‘તમે’ કહીને બોલાવે એ ઠીક નહિ.’ તો કહે, ‘તમને કેટલાં થ્યાં?’ મેં કહ્યું, ‘છપ્પન’, તો કહે, ‘તંઈ તમે મારાથી તૈણ વરહ મોટા ને તમને ભણેલાગણેલાને તુંકારે બોલાવતાં જીભ નો ઊપડે.’ વાતોમાં વખત ક્યાં વીતી ગયો એની ખબર ન પડી, આનંદની મોટરનું હોર્ન સડક પરથી સંભળાયું એટલે મેં કહ્યું, ‘કાનજી, તુંયે આજે અમારી ભેળો જ જમી લે.’ તો કહે, ‘ભલે મોટાભાઈ!’

અમે કાશ્મીર રેસ્ટોરાંમાં ગોઠવાયાં. પહેલાંથી ફોન કરીને વરદી આપી હતી એટલે જમવાનું તરત જ આવ્યું. કાનજીએ છરીકાંટાથી અદબસર જમવા માંડ્યું. બધી એટિકેટ એ બરાબર જાણતો અને જાળવતો. જમતાં જમતાં અમે વાતે વળગ્યાં. કાનજી ભાનુને કહે, ‘દીકરી મારી, તું અહીં ચાર વરહથી, પણ મને તો ખબરેય નંઈ. તારે અંઈ કોઈ વાતે મૂંઝાવું નંઈ. અડીઓપટીએ આ કાનજીને બસ એક ટેલિફોન કરી દેવો. મારી તો આંખ્યું ટાઢી થૈ આ તમારી શિવપારવતી જેવી જોડી જોઈએને!’ એને જ્યારે ખબર પડી કે આનંદને ગુજરાતી નથી આવડતું ત્યારે એની સાથે હંદીિમાં ફેંકવા માંડ્યું. કહે, ‘તુમ તો સાબ બડા નસીબવાળા, હોં કે! અમારી છોડી રતન જેસી હે. કામ પડે તો હમકુ બસ એક ટેલિફોન કર દેના. હમ તો તમારા કાકાજી લગતા. કોઈ વાતસે મૂંઝાના નંઈ!’

અમારે ઉતાવળ હતી. જમવાનું પૂરું થયું એટલે અમે અંદર હાથ ધોવા ગયાં. પાછાં આવી કોફી પીવા બેઠાં ત્યારે કાનજી અંદર ગયો. અમે બિલની રાહ જોતાં બેઠાં હતાં ત્યાં વેઇટર બિલ અને પરચૂરણ સાથે હાજર થયો અને ડિશ કાનજી સામે ધરી. અમે અંદર ગયાં ત્યારે કાનજી પૈસા કાઉન્ટર પર સરકાવી આવ્યો હતો. ટીપનો હિસાબ ગણી એણે પાંચ શિલંગિ ડિશમાં રહેવા દીધા. મેં કહ્યું, ‘કાનજી, આ શું? તું તો અમારો મહેમાન. તારાથી પૈસા અપાય જ નહિ.’ તો કહે, ‘દીકરી-જમાઈને પે’લી વાર જોયા, મોટાભાઈ! કંઈ બોલો તો મારા ગળાના સમ!’ એ ભોળા માણસને કહેવું શું? વળી પાંચ પાઉન્ડની નોટ કાઢી ભાનુના હાથમાં આપવા માંડી. મેં કહ્યું, ‘અરે, અરે… આ તું શું કરે છે?’ તો કહે, ‘ઈ તો વેવારની વાત સે, મોટાભાઈ! એમાં તમારાથી કંઈ બોલાય જ નંઈ. લઈ લે, દીકરી! તને જમાડીને કાપડું કરવું જો’યે મારે. તારા બાપુ ને હું નાનપણમાં ભેળા રમતા ઈ વેવારે હું તો તારા કાકો થાઉં.’ અમારી સૌની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ભાનુ ઊભી થઈ, વાંકી વળી કાનજીને પગે લાગી. વિલીન થતા જમાનાના અવશેષ જેવા આ સાચુકલા માણસની ભાવનાની અવગણના કરવાની એનામાં હંમિત શેં પડે? છૂટા પડ્યા ત્યારે કાનજીના મોંમાં બસ એક જ વાત હતી : ‘આપણા જેવો મલક થાવો નથ, હોં મોટાભાઈ! આઈકણે મારા જેવાને નો સોરવે. પણ જીભ કસરી એટલે રે’વું પડે, બાકી જલમભોમકા ઈ જલમભોમકા!’

ન્યૂ બારનેટ ગોકળિયા ગામ જેવું નાનું, યૌવનને ઇશ્કથી રંગ્યું હોય એવું રળિયામણું, અંતરને આનંદવિભોર કરતું લંડનનું એક પરું. પાંચ-છ મહિના હું ત્યાં રહ્યો. ત્યાંની શેરીઓ સાથે, એ માર્ગો પર રમતાં તંદુરસ્ત શિશુઓ સાથે, ત્યાં નાના સ્ટોરમાં ચોકલેટ સિગારેટ વેચતી ભૂરી ભૂરી આંખોવાળી મલક્યા કરતી ખંજનિકા માર્ગારેટ સાથે, અમારું ઘરકામ કરી જતી સિત્તેર વર્ષની કામઢી મિસિલ બુલોક સાથે, અમારા ઘરધણી એંશી વર્ષના યુવાન ડાઉનંગિ દાદા સાથે, ટ્યૂબ સ્ટેશન જતાં રસ્તે હારબંધ ઊભા રહી બાઅદબ સૌનું સ્વાગત કરતાં પાઇનનાં ઊંચાં વૃક્ષોની ઘટામાં આવતી તેજછાયાની રમ્મત સાથે એવી તો મહોબત બંધાઈ ગઈ, એવી તો અંતરગોઠ જામી ગઈ, કે એ બધું છોડતી વખતે દિલને એક ઠેસ લાગી ગઈ.

બારનેટ છોડવાને આગલે દિવસે હૈયાવાતની લેવડદેવડ કરી. સૌને હળીમળી ‘સીટી પાર્ક’ પાસે આવ્યો ત્યારે મનમાં ભાર હતો. એક નિયત બાંકડા ઉપર મારું પરિચિત વૃદ્ધ યુગલ બેઠું હતું. ચાર વીશી વટાવી ચૂકેલાં ડોસો અને ડોસી. એ બાંકડી ઉપર હું અનેક વાર એ દંપતી પાસે બેસતો. એમની સાથેના પહેલા પરિચયનું સ્મરણ હજી આજેયે અંતરના ખૂણે સળવળી થોડી વેદના જગાડી જાય છે.

લંડન ન ગયો હોઉં એ દિવસે બારનેટમાં જ સાંજ પડ્યે લટાર મારવા નીકળું. પાર્ક પાસે રસ્તા પર મૂકેલા ચોક્કસ બાંકડા પર એ વૃદ્ધ દંપતી અચૂક બેઠું હોય. જીવનનાં સુખદુ:ખનાં સરવાળા-બાદબાકી જેવી કરચલીઓ મોં પર વરતાય. બંને બેઠાં હોય એકબીજાના હાથમાં હાથ પરોવીને ચૂપચાપ. અવાવરું અતીતમાં ગરક થઈ ગયાં હોય એમ, ચૂ…પ… ચા… પ! એક દિવસ મને એમની સાથે વાત કરવાનું મન થયું. પાસે જઈને પૂછ્યું, ‘તમને વાંધો ના હોય તો હું તમારી પાસે બાંકડા પર બેસું. તમારી સાથે થોડી વાત કરું.’

ઘણે વખતે કોઈ પ્રિયજન અચાનક મળી જાય અને જેવો આનંદ થાય એવા હેતથી બંનેએ મને આવકાર્યો. અમે વાતે વળગ્યાં. મારી બધી વાતો સ્વજનની જેમ એમણે પૂછવા માંડી. હું મારી દીકરીને મળવા, એની સાથે થોડા દિવસ રહેવા, એનો સુખી સંસાર જોવા અહીં બારનેટ આવ્યો છું; ભારતમાં મારું ઘર છે. મારો દીકરો, એની પત્ની, એનાં બાળકો, મારી પત્ની, મારી નાની દીકરી, અમે સૌ સાથે રહીએ છીએ; એકબીજાની હૂંફે સુખદુ:ખના ભાગ કરી વહેંચી દઈએ છીએ. આ બધી વાતવિગતો પૂછીને એ બંનેએ જે લાં…બો નિસાસો મૂક્યો એ મારા હૈયાસોંસરવો ભોંકાઈ ગયો. મેં આત્મીયતાથી એમને એમના સંસારની વાતો પૂછી.

વૃદ્ધે કહ્યું, ‘મારે ચાર દીકરા અને બે દીકરી છે. મારો એક દીકરો તો તારા કરતાંયે મોટો છે. દીકરીને ઘેર દીકરી અને એને ઘેર દીકરા છે. પણ અમારા જીવનની એ કરુણતા છે કે અહીં આ દેશમાં લગ્ન થયાં કે દીકરી તો ઠીક, પણ દીકરાયે પોતાના મટી પરાયા થઈ જાય. આજે પંચ્યાશી વરસે મારે એકાકી જીવન પૂરું કરવાનું રહ્યું. એ શૂન્ય એકલતાનો તને ખ્યાલ નહિ આવે. એ એકલતા એવી ભયાનક છે, ભાઈ! કે આજે અમે એકબીજા સાથે વાત કરવાનું પણ લગભગ હવે ભૂલી ગયાં છીએ. અહીં આ સ્વજન એવા જડ બાંકડાના વિસામે વહી ગયેલી વાતોને વાગોળતાં અમે છાનાંમાનાં બેસી રહીએ ચૂ…. પ… ચા… પ! અંધારું થશે એટલે ડગુમગુ ઘરે પહોંચી, એકલતાને નીંદમાં લપેટી વિસામો કરશું. દીકરા, તું સુખી છે; તમારો દેશ અદ્ભુત છે!’

મારા આ વૃદ્ધ મિત્રો સાથે છેલ્લી ભેટ થઈ ત્યારે એ બંને મને ઘર સુધી વળાવવા આવ્યાં. ભાનુ–આનંદને નીચે બોલાવી મળ્યાં, ભેટ્યાં. ‘ગોડ બ્લેસ યૂ માઈ ચિલ્ડ્રન!’ કહી છૂટાં પડ્યાં. એ વખતના નીરવ વિષાદની યાદ આજેયે અંતરમાં અજંપો વેરી જાય છે.

છેલ્લી વાર લંડન ગયો ત્યારે એક પોલીસભાઈને રસ્તામાં ઊભા રાખ્યા. કહ્યું, ‘હું ભારતીય પત્રકાર છું. છ મહિના તમામ દેશમાં રહ્યો. એ સમય દરમ્યાન લંડનના પોલીસની સુજનતા, સ્વસ્થતા અને સહકારની ભાવનાથી હું ખરેખર પ્રભાવિત થયો છું. મારા વતી અને મારા દેશવાસીઓ વતી હું તમારો આભાર માનું છું. મારો આ સંદેશો તમારા ખાતાને પહોંચાડવા મારી વિનંતી છે.’

મારી આ વાત સાંભળી એ ખુશખુશ થઈ ગયો. ખૂબ સ્નેહપૂર્વક મારી સાથે હાથ મિલાવી બોલ્યો, ‘થેંક યૂ સર! થેંક યૂ વેરી મચ ઇન્ડીડ! લાખો પરદેશી ટૂરિસ્ટો અહીં આવે છે. પણ મારા અનુભવમાં તમારી જેમ મને આભાર વ્યક્ત કરનાર તો તમે પહેલા જ મળ્યા. તમને વાંધો ના હોય તો એક કાગળ પર આ વાત લખી અમારા ખાતા પર મોકલી આપશો? અમે આભારી રહીશું.’ મારા પોર્ટફોલિયામાં મારા નામનાં લેટરહેડ હતાં, એ પર મેં ત્યાં જ એને આભારપત્ર લખી આપ્યો.

સ્ટીમર ‘વિક્ટોરિયા’ ટ્રીએસ્ટ બંદરથી ઊપડતી હતી. મારે વેનિસથી એ સ્ટીમર 24મી સપ્ટેમ્બરે પકડવાની હતી. અચાનક 22મી સપ્ટેમ્બરે ટેલિવિઝન ન્યૂસમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સુલેહના સમાચાર સાંભળ્યા અને મનમાં કંઈક રાહત અનુભવી.

ફરી કોઈ વાર લંડન આવવાનું થશે એવો તો સ્વપ્નેયે ખ્યાલ નહોતો. એટલે લંડન પૂરતું અમારું આ આખરી મિલન છે એમ ગણી નીકળવાની આગલી રાત્રે દીકરી-જમાઈ સાથેની હેતવાતો જાણે ખૂટે જ નહિ. વાતોમાં જ રાત વીતી અને પરોઢ થયું. વિક્ટોરિયા સ્ટેશનથી ટ્રેનમાં વેનિસ પહોંચવાનું હતું. મારો વજનદાર સામાન તો આઠ દિવસ પહેલાં જ ‘લોઇડ્ઝ’ની લંડન ઓફિસે પહોંચાડી દીધો હતો.

ભાનુ–આનંદ વિક્ટોરિયા સ્ટેશને વળાવવા આવ્યાં હતાં. બંને કહે, ‘ભાઈ, હસતું મોં રાખીને જાઓ! જરાયે કોચવાતા નહિ. તમે જરૂર પાછા આવવાના!’ પણ અંતર એ વાત શેં માને? આવી અલગારી રખડપટ્ટી કંઈ વારંવાર ના સરજાય એની જાણે મનમાં ખાતરી હતી. વિદાયવેળાએ સ્ટેશનના પ્લૅટફોર્મ પર બંનેને વહાલથી ભેટી છૂટા પડતી વખતે મન ખૂબ ભારે દુ:ખી હતું. ટ્રેન ઊપડી ત્યારે હૈયું લંડનમાં રહી ગયું. શરીર જ જાણે સફર કરી રહ્યું!

વેનિસ બીજે દિવસે સવારે પહોંચ્યો. સ્ટેશન પર ઉતારવા માટે ‘લોઇડ્ઝ’ની વેનિસ ઓફિસનો સ્ટાફ હાજર હતો. લગેજ એમને સોંપી દેવાનો હતો. એક નાની હૅન્ડબૅગ સાથે રાખી શહેર જોવા નીકળી પડ્યો. આખો દિવસ ગામમાં ભટક્યો. વેનિસ એટલે જળમાર્ગનું શહેર, બધે તમે હોડીમાં ફરી શકો. હોડીમાંના જ એક સરસ રેસ્ટોરાંમાં જમવાનું પતાવ્યું. પાસપોર્ટ, હેલ્થ ઇન્સ્પેક્શન, વીસા, કસ્ટમ વગેરે અનેક વિધિઓ પતાવવાની હતી. ‘લોઇડ્ઝ’ કંપનીનું મથક જહાજી અડ્ડાની લગોલગ જ હતું. જોગાનુજોગ સ્ટીમર મારકોની પરના મારી કૅબિનના સહપ્રવાસી ભાઈ પ્રેમદીવાનનું નામ પણ પૅસેન્જરોની યાદીમાં જોયું! એ ટ્રીએસ્ટની સ્ટીમર પકડવાના હતા. અને એ જ સ્ટીમર પરની અમારા જમવાના ટેબલની સાથીદાર ગુલ શિરાઝી પણ ‘વિક્ટોરિયા’માં વેનિસથી જ સાથે હતી.

આ વખતે સ્ટીમરમાં મને ચાર બર્થવાળી કૅબિન મળી હતી. એક સાથી હતા ભાઈ પ્રસાદ. અમેરિકાથી આવતા હતા. ત્યાંની એમ્બેસીમાં ત્રણ વરસ રહી પાછા ફરતા હતા. બીજા સાથી હતા ભાઈ નેરલેકર, અમેરિકામાં પ્રોફેસર હતા. તેઓ પણ ન્યૂયોર્કથી વતન પાછા ફરતા હતા. પૂનાના વતની. બાકીની બર્થ ખાલી હતી. જતી વખતની સ્ટીમર ‘મારકોની’નો ઠસ્સો કંઈક જુદો જ હતો. એમાં બારસો પૅસેન્જરોનો જંગી કાફલો હતો. સગવડ બધી બાદશાહી હતી. યુરોપ અમેરિકાની કોઈ આલીશાન રજવાડી હોટેલમાં ઊતર્યાં હોઈએ એવું લાગે. એને મુકાબલે ‘વિક્ટોરિયા’ સાવ સાદી. ‘મારકોની’નો રુઆબ કોઈ જાજરમાન સોસાયટી લેડી જેવો હતો, તો ‘વિક્ટોરિયા’ લાગે ઠાવકી ઘરરખુ નારી જેવી. એમાં સાડાચારસો સફરીઓ હતાં. કોઈ મિત્રને ત્યાં મહેમાન થયાં હોઈએ એવું લાગે. ઓછાં મુસાફરો હોવાથી એકબીજા સાથે થોડા સમયમાં જ ઘરવટ જેવું થઈ ગયું. વાતાવરણમાં એક પ્રકારની ઉષ્માભરી નિકટતા આવી ગઈ. ઘણાં ભારતીય રાહબરો હતાં. વ્યવસ્થા સાદગીભરી હતી તો અક્કડપણુંયે ઓછું હતું.

અમારા જમવાના ટેબલ પર પ્રેમદીવાન, ગુલશિરાઝી, મિસ્ટર ગુપ્તા અને મિસિસ શાંતા ગુપ્તા અને જહાંગીરજી નામના એક પારસી સજ્જન હતાં. બધાં જ સફરરીઢા, ખુશમિજાજ અને લઘુતાગ્રંથિ વિનાનાં. બાજુના ટેબલ પર મિસ્ટર ગોયેન્કા અને મિસિસ રંજન ગોયેન્કા, સરસ મારવાડી યુગલ, ગોવાનાં રહેવાસી. મિસ્ટર ભાટિયા અને મિસિસ મધુરી ભાટિયા. બંને યુવાન અને રસિક, અને બે વિદ્યાર્થીઓ — કુમાર અને શ્રીધર.

સ્ટીમર ‘મારકોની’માં ભોજન સાથે સરસ ઇટાલિયન વાઇન પીરસવામાં આવતો હતો. એના અલગ પૈસા આપવા પડતા નહોતા. અહીં ભોજનટેબલ પર જોયું તો વાઇન નદારદ! ગુલે હેડ સ્ટૂઅર્ડને બોલાવ્યો. પૂછ્યું, ‘વાઇન કેમ નથી?’ એ કહે, ‘મારકોની બિગ શીપ. વી સ્મોલ. નો ફ્રી વાઇન! કૅન બ્રંગિ ઇફ યૂ પે મની.’ ગુલ કહે, ‘પે મની એવું ના ચાલે! અમે પૅસેજ ‘મારકોની’ જેટલો જ આપ્યો છે. આવી નાગડદાઈ કેમ કરો છો? બોલાવ તારા પરસરને!’ બિચારો હેડ સ્ટૂઅર્ડ! બોલાવી લાવ્યો પરસરને. પરસર કહે, ‘તમને ‘મારકોની’ પર જે વાઇન અપાતો એવાં બેરલ અમારા સ્ટોકમાં જ નથી. ક્યાંથી આપે? અમારી પાસે તો પૅક બોટલો છે, જે મોંઘી છે. એ મફત આપવાનો રિવાજ નથી.’ ગુલ કહે, ‘રિવાજ ના હોય તો પાડો! વાઇન નહિ આવે ત્યાં લગી અમે જમવું નહિ. એક વાર મફત મોજની ટેવ પાડો ને ફરી જાઓ એ કેમ ચાલે?’ એ તો ઉશ્કેરાઈને પહોંચી કૅપ્ટન પાસે. એને ઘસડી લાવી ડાઇનંગિ હોલમાં. કહે, ‘વેર ઇઝ અળર ફ્રી વાઇન?’ શાંતા ગુપ્તા ત્રણ વરસ રોમમાં રહેલી. અંગ્રેજી બરાબર ના જાણે પણ ઇટાલિયન ફક્કડ બોલતી. એણેય કૅપ્ટનને સમજાવ્યું કે, ‘વાઇન તો ખાણા સાથે મળવો જોઈએ અને મફત મળતી ચીજની મજા કંઈક ઓર છે!’ કૅપ્ટન ખૂબ સાલસ માણસ. સ્ત્રીહઠ આગળ ઝૂકી ગયો. હેડ સ્ટૂઅર્ડને ફરમાવી દીધું કે બધાં ટેબલ પર વાઇન પીરસો. ગુલ આનંદથી એને ભેટી પડી. એના ગાલ ચૂમી લીધા. પછી કહે, ‘હવે એ સરસ વાત પર તમે આટલા ટેબલ પર અમારી સાથે જમો!’ બિચારા ઇટાલિયનને પરાણે દાળ-ભાત ખવરાવ્યાં. ડાઇનંગિ હોલમાં બેઠેલાં સૌ ખુશ થઈ ગયાં, ગુલની અદા પર વારી ગયાં.

જહાજ પર ભૂદરભાઈ કરીને માણાવદરના સજ્જન હતા. મીઠી હલકે ભજનો ગાય, સાંજે અમે ડેક પર ભજનમંડળી જમાવી. જહાજ પર પાદરીઓ અને સાધવીઓનું ટોળું હતું એમનેય પ્રાર્થનામાં રસ પડ્યો. પહેલે જ દિવસે એ બધાં અમારી મંડળીમાં સામેલ થયાં. એમની પાસે હાથની સરસ વાજાપેટી હતી. ચડસાચડસીએ સૌનાં ગળાં ખૂલતાં ગયાં. શાંતા ગુપ્તા સરળ, સીધી, આસ્થાવાળી હંદિવાણી. એણે મીરાંનાં પદો ગાયાં, ફાધર ફ્રાંસિસે અંગ્રેજી સામ લલકાર્યું. ભાઈ જહાંગીરજી પણ ભળ્યા અને મંડળી જામતી ગઈ. આકાશના ભૂરા તારામઢ્યા ચંદરવાની ઓથે, સાગરના ઘૂઘવાટના સાજ- સથવારે એ બેઠકોમાં સૌને અંતરે અલૌકિક શાંતિ જામતી. ઈશ્વરના અસ્તિત્વની એ વિરાટ એકાંતમાં વિશ્વરૂપદર્શન જેવી ઝાંખી થતી. કેટલાંક યુવકયુવતીઓ કુતૂહલને વશ થઈ બેસતાં, પણ સૌને હૈયે, પોતપોતાની આસ્થાનું રૂપ લઈને રામ જાગી ઊઠતા અને એક વાર બેસે એટલે કોઈ ઊઠવાનું નામ ના લે.

સ્ટીમર ‘મારકોની’માં કૅબિનનો રખેવાળ પુરુષ હતો. અહીં દેખભાળ કરનારી હતી એક યુવતી. એનું નામ એન્ટોલા. સવારે છ વાગ્યે મંજુલ અવાજે અમને ‘મોનિર્ંગ, સીનોરી!’ કહી ઢંઢોળીને જગાડે અને ‘બેડ ટી’ પીરસી જાય. પ્રસાદને મોડા ઊઠવાની આદત, પણ ચાની વરદી રોજ આપે. માથે ઓઢીને સૂઈ રહે. પેલી પણ જબરી ઉસ્તાદ. એને ઊંચકીને પથારીમાં બેઠો કરે અને કપ ધરે. ખૂબ ભલી અને પ્રેમાળ. જોડાં સુધ્ધાં પાલિશ કરી આપતી. દરિયો તોફાને ચડ્યો ત્યારે નેરલેકરની કમબખ્તી બેઠી. પેટમાં પાણીયે ટકે નહિ. એકબે વાર તો કૅબિનમાં જ વોમિટ થઈ ગઈ. એ વખતે એન્ટોલાએ ખૂબ કાળજી કરી. પ્રસાદ એની રોજ મજાક કરે. કહે, ‘નેરલેકર ગુડ મેન! એને પરણી જા. સુખી થઈ જઈશ. પછી જોડાં સાફ નહિ કરવાં પડે.’ પેલી કહે, ‘ડોન્ટ વોન્ટ ગુડ મેન! તું પરણે તો તૈયાર છું.’ આમ હસીખુશીની ટોળ ચાલે. એની નિખાલસતા સાથે મહોબત થઈ ગઈ. મને અવારનવાર કહે, ‘માઈ ડેડી ઇઝ જસ્ટ લાઇક યૂ ફાઇન ઓલ્ડ મેન!’ નેરલેકર બિચારો ખૂબ શરમાળ પૂણેરી બ્રાહ્મણ. એન્ટોલાથી ભડકે. પેલી એને વારંવાર છંછેડે. ખૂબ ગમ્મત પડતી આ તાલ જોવામાં.

અમારા ટેબલ પર જહાંગીરજી સિવાય બધાં શાકાહારી ખોરાક મંગાવતાં. વેજિટેરિયન ડિશ રોજ એકની એક મળે — દાળ-ભાત, શાક અને ચવડ રોટલી. શાંતા ગુલને કહે, ‘તું હેડ સ્ટૂઅર્ડને કહે કે આ બધું ખાઈને કંટાળો આવે છે. કંઈ નવું નવું બનાવરાવો.’ ગુલ કહે, એમાં કંઈ નહિ વળે. આપણે કૅપ્ટન પાસે જ જઈએ. એ તો હવે આપણો દોસ્ત થઈ ગયો છે.’ ગુલ, શાંતા, રંજન, મધુરી ઊપડ્યાં કૅપ્ટન પાસે. તાલ જોવા હુંયે ગયો. કૅપ્ટન કહે, ‘એમાં હું કંઈ સમજતો નથી. રસોઇયો ગોવાનો છે. કહો તો એને બોલાવી આપું. તમે એની સાથે જ લમણાફોડ કરો.’ બોલાવ્યો બબરચીને. ગોયન્કાપત્નીએ એની સાથે ગોવાનીઝ બોલીમાં માથાઝીંક આદરી. ગુલ કહે, ‘તુમ ક્યા ક્યા જાનતા?’ પેલો કહે, ‘હું તો ચિઠ્ઠીનો ચાકર. વરદી મળે એ પ્રમાણે પકાવું. એમાં મારો શો દોષ?’ શાંતા કહે, ‘લઈ ચાલ અમને તારા બબરચીખાનામાં અને બતાડ કે રાશનનો શું બંદોબસ્ત છે. ઊપડ્યાં રસોડામાં. રાશનમાં તો અન્નકૂટ થાય એટલી સામગ્રી ભરી પડી હતી. ગુલ કૅપ્ટનને કહે, ‘તમે રજા આપો તો અમે જ મેનુકાર્ડ બનાવી વરદી આપીએ.’ કૅપ્ટન કહે, ‘મેં પાકશાસ્ત્રીને તમારે હવાલે કરી દીધો છે. મન ફાવે એમ કરો. પણ મહેરબાની કરી મને સુખે જંપવા દો!’

પછી તો બૈરાં જેનું નામ! આંગળી દેતાં પોંચો પકડી બહેનોએ રસોડાનો કબજો જ જાણે લઈ લીધો. ગામાને ચીંધે અને એને મદદ પણ કરે. ગામા પણ હોંશીલો. પોતાનો કસબ દેખાડતો જાય. મેમસાહેબો એનાં વખાણ કરતી જાય અને કામ કઢાવતી જાય. અથાણાંની બાટલીઓ ખોલાવી. પેટીસ, બટાકાવડાં, કચોરી, રગડો, ભજિયાં, પાપડ, ચટણી, રાયતાં, કઢી, ગુલાબજાંબુ, ગરમાગરમ પૂરી-પરોઠાં એમ રોજ અવનવી વાનગીઓ ટેબલ પર આવવા માંડી. રસોઈનો ઠાઠ જ જાણે ફરી ગયો.

પંખીના મેળા જેવી જહાજી સૃષ્ટિનો કિલ્લો અને કલબલાટ એ પણ અનુભવવા જેવાં છે. માનવમનનાં કંઈકેટલાંયે પાસાં આવા પ્રવાસમાં અનુભવની એરણ પર ટિપાય. એક પ્રસંગ એવો ઘા મૂકી ગયો. જહાજ બ્રિન્ડીસી બંદરે લાંગર્યું. પ્રસાદ, નેરલેકર, પ્રેમદીવાન, ગુલ અને હું સાથે ગામમાં નીકળ્યા. બપોર આખી રખડપટ્ટીમાં ગાળી ચારેક વાગ્યે પાછાં ફર્યાં અને કૅબિનમાં આવીને જોયું તો ચોથી ખાલી બર્થ માટે કોઈ નવા મુસાફરનો અસબાબ કૅબિનમાં પડ્યો હતો. લેબલ પરથી ભાળ મળી કે એ ભાઈનું નામ અબ્દુલ રહીમ અને સફરનો મુકામ કરાંચી. જહાજ કરાંચી નહીં જાય એવી બાંયધરી અમને વેનિસ છોડતાં અને લંડનમાંયે મળી હતી. એટલે બ્રિન્ડીસીથી કરાંચીનો મુસાફર જહાજ પર આવે એની કંઈક નવાઈ લાગી. મારા મનને થયું : જે હશે તે. હવે તો સફર જેમ આદરી છે એમ જ પૂરી કરવી રહી. અને જહાજ કંપનીનેય એના સાડાચારસો પૅસેન્જરોની ફિકર તો હશે જ એમ માની હું મારા બિછાના પર થાક ઉતારવા આડો પડ્યો. પણ પ્રસાદ અને નેરલેકરનું મન કંઈ જુદી જ વાત વિચારતું હતું. નેરલેકર કહે, ‘આ તો પાકિસ્તાની મુસાફર છે. આપણી કૅબિનમાં એ લફરું કેમ પોસાય?’ મેં કહ્યું. ‘જહાજ કંઈ આપણી માલિકીનું નથી. પોસાય કે નહીં એવું વિચારનાર આપણે કોણ? એ તો કૅપ્ટનની મુનસફીની વાત. પ્રસાદ કહે, ‘એ તો બરાબર ન કહેવાય. લડાઈની હવા તો હજી શમી નથી. આપણે કંઈ વાતો કરતાં હોઈએ અને એ હાજર હોય તો એમાંથી કંઈક ચડભડાટ થાય.’ મેં કહ્યું, ‘તંગદિલી થાય એવી વાતો જ આપણે શા સારુ કરીએ! હવે તો સુલેહ થઈ ગઈ છે. અને કાંઈ પંચાત થાય તો આપણે ત્રણ છીએ અને એ છે એકલો, ગભરાવાની શી વાત છે!’ નેરલેકર કહે, ‘ના ભાઈ! પાકિસ્તાનીનો શો ભરોસો? આપણો સરસામાન આપણી ગેરહાજરીમાં પોર્ટહોલમાંથી બહાર ફગાવી દે તો?’

આમ ઘણી ચર્ચા ચાલી. પ્રસાદ મને કહે, ‘તમે સૌથી મોટા છો, કૅપ્ટન તમારું સાંભળશે. તમારો દોસ્ત છે. એને જઈને સમજાવો કે આ પૅસેન્જરને કોઈ બીજી કૅબિનમાં મૂકે.’ મેં કહ્યું, ‘એ તો ન્યાયની વાત ન થઈ. કૅપ્ટનને મન બધાં મુસાફર સરખાં ગણાય. અને કંઈક મામલો વીફરે તો એને પહોંચી વળવાની તાકાત મારામાં છે. આ તો ભીરુપણું કહેવાય. પણ હું જઈને કૅપ્ટનને એટલું પૂછવા માગું છું કે જહાજ કરાંચી જવાનું છે કે નહીં અને જો કરાંચી રોકાવાનું હોય તો કંપનીએ આપણને આપેલી બાંયધરીનું શું? બાકી તો જહાજ પર કૅપ્ટનની સત્તા સર્વોપરી ગણાય. એ ધારે તે કરી શકે. પોતાની જવાબદારી એ સમજે છે. શું કરવું અને શું ના કરવું એવું એને કહેનાર આપણે કોણ?’

હું પહેલા ગયો હેડ પરસર પાસે અને પૂછપરછ કરી. એ કહે, ‘મને પૂરી માહિતી નથી. તમે કૅપ્ટનને જ મળી લો તો સારું.’ એનો આવો ઉડાઉ જવાબ સાંભળી હું ઉશ્કેરાયો. મેં કહ્યું, ‘માહિતી રાખવાનું તારું કામ છે. માહિતી ના હોય તો ના ચાલે. કંપનીએ અમને સ્પષ્ટ કહ્યું છે કે, જહાજ કરાંચી નહીં રોકાય. ‘એ કહે, એ વખતે તો ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું. હવે, સુલેહ પછી પરિસ્થિતિ બદલાઈ છે.’ એની આવી ગોળ ગોળ વાતોથી મને એટલું સમજાયું કે જહાજ ચોક્કસ કરાંચી જવાનું છે. હું ગયો કૅપ્ટન પાસે. કૅપ્ટને મારી વાત ખૂબ ધીરજથી સાંભળી-સમજી. પછી કહે, ‘કંપનીએ આવી બાંયધરી આપી છે એ હું જાણું છું અને હવે જહાજ કરાંચી જવાનું છે એ વાત પણ સાચી છે. તમારી મૂંઝવણ હું સમજું છું. અમે નક્કી કર્યું છે કે માર્ગ બદલીને જહાજ પહેલાં મુંબઈ લઈ જવું અને ત્યાંના ઉતારુઓને ઉતારીને પછી કરાંચી જવું એટલે તમારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. પૅસેન્જરોની સલામતી જોખમાય એવું કશું અમે ન જ કરીએ.’

એક વાત તો પતી. પછી મેં એને સમજાવ્યું કે, ‘અમારી કૅબિનમાં અહીંથી એક પાકિસ્તાની મુસાફરને લેવામાં આવ્યો છે. કયા મુસાફરને ક્યાં જગ્યા આપવી એ તમારી મુનસફીની અને સત્તાની વાત છે. પણ આ હકીકત પર ધ્યાન લાવવાનું મને મુનાસિબ લાગ્યું એટલે તમને કહું છું.’ મારી વાત સાંભળી કૅપ્ટન વિચારમાં પડી ગયો. તરત જ પરસર સાથે એણે ઇટાલિયન ભાષામાં મસલત કરી. પછી મને કહે, ‘મિસ્ટર ઝવેરી, આ વાતની તમે મને જાણ કરી એ માટે આભારી છું. ક્યાંક કંઈ ભૂલ થઈ લાગે છે. સરતચૂકથી આમ બન્યું છે. તમારી વાત મને વાજબી લાગે છે અને એ વાત હું સ્વીકારું છું. ક્યાંય કોઈ રીતે ગેરસમજ ના થાય એ આવા નાજુક સંજોગોમાં મારે જોવું જ રહ્યું. એ મુસાફરને અમે બીજી કૅબિનમાં મૂકીશું. તમે બેફિકર રહો! પછી એણે હસીને કહ્યું, ‘પણ એક વાત પૂછું? તમે ત્રણ ભારતીય અને એ એકલો. આવા સંજોગોમાં મૂંઝવણ થાય તો એને થાય. તમારે ગભરાવાનું શું કારણ છે? મેં કહ્યું, ‘હું તો કંઈ ગભરાતો નથી, પણ મારા સાથીઓને થોડીક માનસિક અસ્વસ્થતા રહે છે.’

આમ બીજી વાત પણ પતી. કૅપ્ટનનો આભાર માની હું કૅબિનમાં ગયો. પરસર જાતે બે સ્ટૂઅર્ડને લઈને આવ્યો અને સામાન ફેરવવા લાગ્યો. એટલામાં અબ્દુલ રહીમ જાતે જ આવીને હાજર થયો. પરાણે વહાલો લાગે એવો ફાંકડો જુવાન હતો. હશે પચીસેક વરસનો. આંખમાં ભયનું નામ નહીં. કહે, ‘મને આ જ કૅબિનમાં બર્થ આપવામાં આવી છે. મારો સામાન હવે શા માટે ફેરવો છો?’ પરસર કહે, ‘કૅપ્ટનનો હુકમ છે.’ એ કહે, ‘સામાન નહીં ફેરવાય. મને પહેલાં કારણ સમજાવો કે આ કૅબિનમાંથી મને કેમ કાઢવામાં આવે છે?’ પરસર કહે, ‘કૅપ્ટનનો હુકમ એટલે હુકમ! એનું કારણ કોઈથી ના પુછાય.’ અબ્દુલ રહીમનો ચહેરો તાંબાવરણો થઈ ગયો. કહે, ‘સુલેહ થઈ ગઈ છે. છતાં ત્રણ-ત્રણ હિન્દુસ્તાની મારા જેવા છોકરાથી ગભરાય છે એ નવાઈની અને મારે માટે તો આનંદની વાત છે. અને એમની આવી પોકળ મનોદશામાં સુલેહ પણ કેટલા દિવસ ટકવાની? કૅપ્ટન પાસે જઈ એ લોકોએ મને કૅબિનમાંથી કાઢ્યો છે એ હું જાણું છું. આવું એમણે શા સારુ કર્યું? આ વાતનો ડંખ મારા મનમાંથી જંદિગીભર નહીં ટળે!’ પછી અમારી સામે જોઈને તિરસ્કારથી કહે, ‘ચાલો, ખુદાહાફિઝ! મળશું કોઈ વાર લડાઈના મેદાન પર!’

આજે હજી હું અબ્દુલ રહીમને નથી ભૂલ્યો. એનાં તનમનનો ઉશ્કેરાટ, એની આંખોનો ખુન્નસભર્યો રંગ, એની ધારદાર વાણી અને એના અંતરંગનો અજંપ — એ બધું મારી નજર સામે તરવરે છે. મને મારી જાત પર એ  વખતે ખૂબ નફરત છૂટી હતી. થયું હતું : અરેરે, આવું મેં શા માટે કર્યું? વીસ વરસ પહેલાં અબ્દુલ રહીમ નામનો નાનકડો શિશુ મારા દેશનો હતો. આજે જુવાન અબ્દુલ રહીમ દુશ્મન લાગે છે અને આજથી અમને એ પાકા વેરી ગણતો થઈ ગયો!’ અને આ વાતનો ડંખ મારા મનમાંથી જંદિગીભર નહીં ટળે. ‘મળશું કોઈ વાર લડાઈના મેદાન પર!’ એ એના શબ્દોના ભણકારા હજી મને સંભળાય છે. એક સાખપડોશીને હડસેલો માર્યાનો અફસોસ પણ થાય છે. એ પછી જહાજ પર અમે અનેક વાર સામસામા થઈ ગયા હઈશું. એક વાર મેં એને મારી સાથે ડ્રિંક્સ લેવા નોતર્યોય ખરો, પણ બધું ફોકટ. અમને જોઈને એ તોછડાઈથી મોં ફેરવી લેતો.

આવું છે માનવીનું મન! લડાઈ એને ગમતી નથી અને સુલેહ એને પરવડતી નથી.

એડન બંદરે કંઈક હડતાળ અને તોફાન જેવું હતું એટલે અચાનક એવો નિર્ણય લેવાયો કે જહાજ એડન નહીં રોકાય. આ વાત જાણી જહાજ પર જાણે સન્નાટો છવાઈ ગયો. દરેક મુસાફરે એડનના ડ્યૂટી ફ્રી બંદરેથી કંઈ ને કંઈ ખરીદવાનો મનસૂબો કરી રાખેલો. પણ એડનને બદલે જહાજ જ્યૂબિટીની નાની ફ્રેન્ચ બંદરગાહ પર રોકાયું. એ બંદર પર પણ બધું ડ્યૂટી ફ્રી હતું. પણ ત્યાં એડન જેવી રોનક નહીં. જહાજ રાત્રે એક વાગ્યે જ્યૂબિટી પહોંચ્યું અને સવારે પાંચ વાગે ઊપડવાનું હતું. એડન નહીં તો જ્યૂબિટી સહી! બૈરાંઓ મધરાત્રે બંદર પર ઊથરી પડ્યાં. થોડા દુકાનદારો માલ લઈ જહાજી અડ્ડા પાસે આવ્યા હતા, પણ, એટલાથી એમનું મન શેં ધરાય! ટૅક્સીઓ ભાડે કરી સૌ પહોંચ્યાં ગામમાં અને દુકાનો ઉઘડાવી જ્યૂબિટીની મારકેટને માંડી ખંખેરવા.

દશેરાના દિવસે કાગળનાં ફૂલોથી અમે જહાજના લોંજને શણગારી ગોયેન્કા પાસે બિસ્મિલ્લાની શરણાઈ અને પન્નાલાલ ઘોષની બાંસુરીની ટેપ હતી તે પરોઢથી જહાજના માઇપ પર ચઢાવી. બહેનો સવારથી રસોડાનો કબજો લઈ ગામા પાસે અવનવી વાનગીઓ બનાવવા માંડી. જમણમાં દૂધપાક-પૂરી અને ઢોકળાં હતાં. સાંજ સુધી સૌએ મન ભરીને ઉત્સવઘેલછા માણી. કૅપ્ટન આ બધું જોઈ ખુશખુશાલ હતા. કહે, મેં આટલાં બધાં વરસોમાં આવી હોંશ મુસાફરોમાં કદી જોઈ નથી. તેમાંયે બધી બહેનોએ તો હદ કરી! વી હેવ થરલી એન્જોય્ડ યોર ફાઇન ફેસ્ટિવલ!’ મેં કહ્યું, ‘બચ્ચાજી! એ તો સારું છે, કે આજે દશેરા છે. હોળીનો તહેવાર હોત તો આ તારો દૂધિયો ગણવેશ બહેનોએ લાલચટક કરી દીધો હોય અને ગાલ ગુલાલથી રંગી નાખ્યા હોત.’

કેરો છોડ્યું એટલે અરસપરસની ડ્રંકિ પાર્ટીઓ પણ થઈ. લોંજમાં મિજલસ જામે. સવારસાંજ કોઈનો ને કોઈનો વારો હોય. બધાંએ મોકળે મને આનંદ કર્યો. પછી આવ્યો ફેન્સી ડ્રેસ હરીફાઈનો દિવસ, પ્રેમદીવાન અને ગુલ ગૂણપાટનાં કપડાં વીંટી આદિમાનવ બન્યાં. ગુલને એના વાળ પકડી ઢસડતો પ્રેમ સ્ટેજ પર લઈને આવ્યો અને ઇનામ જીતી ગયો, છેવટે કૅપ્ટન તરફથી ડિનર અને છેવટનો નાચ ગોઠવાયાં, સૌ મસ્ત થઈને નાચતાં હતાં. મને નાચતાં આવડે નહિ. શાંતા ગુપ્તાનેય ના ફાવે. અમે બંને એક ખૂણામાં બેઠાં બેઠાં બીઅર પીતાં પીતાં તાલ જોતાં હતાં. એટલામાં કૅપ્ટનની નજર પડી. કહે, ‘કેમ ચૂપચાપ બેઠાં છો? નાચો!’ મેં કહ્યું, અમને નાચતાં નથી આવડતું.’ એ કહે, ‘તોય નાચવું જ પડે. જેવું આવડે એવું. ના આવડે તો ફ્લોર પર ગોળ ચક્કર ફર્યા કરો. અહીંની ભીડમાં તમારાં પગલાં જોવા કોઈ નવરું નથી. આ પણ ફેસ્સિટલ સ્પિરિટની જ વાત છે, કમોન, ગેટ ગોઇંગ!’

શાંતા કહે, ‘ચલો ભાઈજી! નાચી નાખીએ!’ એટલે મારો સંકોચ હટી ગયો. અમે અમારી અણઆવડત પર ખડખડાટ હસતાં ફ્લોર પર એકબીજાના હાથ પકડી ગોળ ગોળ ફરવા લાગ્યાં. મનની એક લગન આમ છેલ્લે છેલ્લે પૂરી થઈ!

નાચગાન પૂરાં થયાં અને સૌ ડેક પર આવ્યાં. સવારે આઠ વાગ્યે જહાજ મુંબઈ બંદરે લાંગરવાનું હતું. પહેલી પરોઢે કિનારાથી થોડે દૂર જંપી ગયું. મુંબઈનું બારું દૂરથી દેખાતું હતું. ધરતીનો છેડો ઘર! દુનિયા આખી ફરો, પણ મુંબઈ એ મુંબઈ! આ શહેર ક્યાંય થાવું નથી. મુંબઈને આંટી દે એવા એક એકથી ચડિયાતાં નગરો દુનિયામાં પડ્યાં છે. પણ મુંબઈ શહેરની પોતાની જે પંચરંગી અલબેલી, અનોખી રોનક છે એ બીજે ક્યાંય યુરોપમાં તો ના ભાળી. મુંબઈનો સમુદ્રકિનારો, ચોપાટી, જુહુ, ભેળપુરી ખાવાની મોજ, ભિખારીઓ, જમણના ડબ્બા ઓફિસોમાં પહોંચાડતાં ટિફિનવાળાઓ, માછલીના ટોપલા લઈને ચર્ચગેટ સ્ટેશને કલબલાટ મચાવતી મત્સ્યગંધાઓ, કવ્વાલીના જલસા, ભટાની કડવીમીઠી ઉકાળેલી ચાના રગડા, મરાઠી વિશ્રાંતિગૃહના પાંઉ-ઉસળ ને કાંદાનાં ભજિયાં, ભૂલેસરની દાતણવાળીઓ, દેવમંદિરોની ભીડ, રસ્તા વાળતી હરિજન બહેનો, કપડાંની ગાંસડીઓ ઘરેઘરે પહોંચાડતા ધોબીઓ, રસ્તા વચ્ચોવચ્ચ ખેલ જમાવતા મદારીઓ, ફેરિયાઓ, ભટકતી ગાયોને ઘાસ નીરતી ઘાસવાળીઓ, ડચકાં ખાતી ઘોડાગાડીઓ.. આ બધું ક્યાં જોવા મળશે!

જહાજના ડેક પરથી કોઈ અલ્લડ રૂપગવિર્તા મણિખચિત કંઠહાર પહેરીને પોઢી હોય ને ભરનીંદરમાં અંગડાઈ લેતી હોય એવું રોશનીમઢ્યું એ નગરીરૂપ જોઈને અંતર આનંદી ઊઠ્યું. ચિત્ત મારું પ્રસન્ન થઈ ગયું!

મોંસૂઝણું થયું ને એન્ટોલા ‘બેડ-ટી’ આપી ગઈ. આજે કોઈને જગાડવાપણું નહોતું સૌ જાગતાં જ હતાં. અમે ત્રણેએ એકેક પાઉન્ડની નોટ હાથમાં સરકાવી. ‘હોપ યૂ એન્જોય્ડ ધ વોયેજ!’ કહી એ હેતપૂર્વક અમારી સાથે હાથ મિલાવી ગળગળી થઈ ગઈ.

‘મળશું, જરૂર મળશું!’ આવજો, જરૂર આવજો!’ એવી હૈયાધારણ સાથે નાસ્તાના ટેબલ પર સરનામાંઓની લેવડદેવડ આટોપાઈ. જહાજને બંદરે લાંગરવાનું કોઈ કારણે વિલંબમાં પડ્યું હતું, છેવટ બપોર પછી સ્ટીમરનું લંગર મુંબઈને સાગરકિનારે અથડાયું. દરિયાલાલની દેવડીએથી જહાજી સૃષ્ટિની રોનકથી કૅપ્ટનથી, સ્ટૂઅર્ડોથી, ગરવી પ્રેમાળ એન્ટોલાથી, ઘોલકી જેવી સુસજ્જ કૅબિનથી અને સફરનાં સાથીઓથી છૂટા પડતાં વસમું લાગી ગયું.

પત્ની મને ઉતારવા આવી હતી. બચારી મને ડેક પર ઊભેલો જોતી કિનારે ડોક પર ઊભી રૂમાલ ફરકાવ્યા કરે! મેં એને સ્ટીમર પર આવવા ઇશારો કર્યો, કારણ કે હજી પાસપોર્ટ વગેરેની થોડી વિધિ ઊતરતાં પહેલાં પતાવવાની બાકી હતી. એણે વળતા ઇશારે સમજાવ્યું, ‘ઉપર આવવા માટેનો પરવાનો મારી પાસે નથી. પોલીસ નથી આવવા દેતો!’ હું ગયો કૅપ્ટન પાસે અને એને વિનંતી કરી કે — મારી વહુને સ્ટીમર પર આવવું છે. એની પાસે રજા-ચિઠ્ઠી નથી. કૅપ્ટન સાથે આવ્યો અને સીડી પાસે ઊભેલા સિપાઈને કહ્યું, ‘એ બહેનને ઉપર આવવા દો!’ પેલા કહે, ‘ના બને. એમની પાસે પાસ નથી!’ કૅપ્ટન પોતે સીડી ઊતરી નીચે ગયો. મારી પત્નીનો હાથ પકડી એને જહાજ પર લઈ આવ્યો. કહે, ‘મળો હવે મોજથી!’ વહાલથી એ મને ભેટી પડી. કહે, ‘શરીર તો ખાસ્સું જમાવીને આવ્યા છો!’

જહાજ પરનો કારોબાર પત્યો અને સામાન ઉતાર્યો પછી પહોંચ્યા કસ્ટમ ખાતામાં. એ લક્ષ્મણરેખા ઉકેલવાની મોટી દહેશત મનમાં હતી. કંઈક વાતો એ કોઠો વટાવવા વિશેની સાંભળી હતી. લોકોએ ભડકાવ્યો હતો કે : ‘બેત્રણ કલાક તો સહેજે લાગી જશે એ સીમા ઓળંગતાં, સામાન તમારો જકાતવાળા પીંખી નાખશે, હેરાન-પરેશાન કરી નાખશે તમને!’ મેં તો મારી આદત પ્રમાણે વિગતવાર યાદી સાથેના સામાનની બનાવી રાખી હતી. પણ મારો વારો ખૂબ પાછળ હતો. એક સિંધી ઓફિસર આરામથી બેઠા હતા. મેં જઈને એમને કહ્યું, ‘ગુડ આફ્ટરનૂન, સર! વેલકમ હોમ! બોલો, શું તકલીફ છે?’ હું તો આશ્ચર્યથી ડઘાઈ ગયો. અહીંયાં ભારતની ધરતીમાં એક જકાત અફસર મને ‘સર!’ કહીને સંબોધે એ વાત જ જાણે માન્યામાં નહોતી આવતી. મેં કહ્યું, ‘મારો નંબર ખૂબ પાછળ લાગે છે. કેટલી વાર લાગશે એ મારે જાણવું છે.’ એ તો નીકળ્યો કસ્ટમ ખાતાનો ઉપરી. કહે, ‘ઝટ ઘરે પહોંચવું છે ને? ચાલો, તમારો અસબાબ ચેક કરી આપું. નવરો જ બેઠો છું.’ મેં બધી પેટીઓ ખોલી નાખી. સાથેની યાદી એને આપી. ઝીણીઝીણી વિગતો સાથેનું લિસ્ટ અને ખરીદેલી ચીજોનાં ભરતિયાં જોઈ એ હસી પડ્યો. કહે, ‘ખરી યાદી બનાવી છે તમે તો! બોલો, આ સિવાય બીજું શું શું લાવ્યા છો?’ મેં કહ્યું, ‘મારી જાતને સલામત પાછી લાવ્યો છું. એ વધારામાં, પેટીઓ ખુલ્લી જ છે, તમે તપાસી લો એટલે જાન છૂટે!’ એણે પેટીઓ ખોલી. વીંખ્યા વિના જ બંધ કરી દીધી! ચોકથી બધા સામાન પર નિશાન કરી દીધાં. કહે, ‘પતી ગયું! જાઓ મોજ કરો!’ મેં એને કહ્યું, ‘હું તો ધારતો હતો કે તમે મને ખૂબ પરેશાન કરશો. તમારા ખાતાની હાલાકીની બહુ વાતો સાંભળી ગભરાતો હતો’ એ હસીને કહે, ‘અમે ઉતારુના પગ વરતી શકીએ છીએ. કશું વાંધાભર્યું લાવવાની તમારામાં હિંમત જ નથી એ હું અનુભવે જાણી શકું છું. અમારું કામ મુસાફરોને સહાય કરવાનું છે — હેરાન કરવાનું નહિ. સામે પક્ષે તમારી જેમ આવી વિગતવાર યાદી તૈયાર કરી અમારા કામને સરળ બનાવી સહકાર આપનાર વધુ ને વધુ ઉતારુઓ અમને મળે એમ ઇચ્છું છું, થેંક યૂ સર!’

આમ અણધારી સરળતાથી જકાતબારીનું કામ પતી ગયું, બીજી સફરમાંયે કસ્ટમ-અફસરનો વરતાવ એટલો જ સુજનતાભર્યો હતો. મારા અંગત અનુભવ પૂરતા, આ ખાતાના કર્મચારીઓ મને બીજા દેશોને મુકાબલે વિનયવિવેકમાં અને કાર્યદક્ષતામાં કોઈ રીતે ઊતરતા નથી લાગ્યા. બીજાની વાત બીજા જાણે!’

ઘરે સૌ રાહ જોઈને બેઠા હતા. ‘ભાઈ આવ્યા! શું શું લાવ્યા?’ એવું કુતૂહલ સૌના મોં પર તરવરતું હતું. પેટીઓ ખોલી જે કંઈ નાનીમોટી ચીજો લાવ્યો હતો એ જેને-તેને હવાલે કરી. ઓરડા વચ્ચે રમકડાંનો ઢગલો કરી નાના અજોય ભેળો મન ભરીને રમ્યો.

એક અલગારી રખડપટ્ટી પૂરી થઈ!

o

લંડનની સરખામણી મેં મનોમન બીઅર સાથે કરી છે. પહેલી વાર પીઓ ત્યારે એ બેસ્વાદ લાગે. પણ એની લહેજત અને તરાવટ એવી કે ફરી પીવાનું મન થાય. લંડનથી આવ્યા બાદ વારંવાર થતું કે ફરી એકાદ વખત ત્યાં જવાનું થાય તો સારું. એટલામાં આનંદનો પત્ર આવ્યો કે ભાનુને બાળક આવવાનું છે. આ ઉપરાંત એણે લખ્યું હતું કે : ‘હવે અમે બારનેટમાં જ અમારું મકાન ખરીદી લીધું છે. ઘર આખું ‘સેન્ટ્રલી હીટેડ’ છે, એટલે હવે ટાઢ તમને હેરાન નહિ કરે, માટે ફરી એક વાર આવો. પણ લંડન ફરીવાર જઈ શકાશે એવી તો આશા જ નહોતી.

એ અરસામાં મારા મિત્ર યોગેનભાઈ દેસાઈ પોતાના ગ્રૂપનો પ્રોગ્રામ લઈને લંડન જવાનું વિચારી રહ્યા હતા. મને એમણે કહ્યું કે જવાનું થાય તો તમે પણ સાથે ચાલો. તમે ત્યાં ઠીક ઠીક રહ્યા છો એટલે તમને પૂર્વતૈયારી માટે પહેલાં મોકલું. આમ બીજી વાર લંડન જવાનું બીજ મનમાં રોપાયું. પાંચ-છ મહિના આ વાતો ચાલી. આજે નક્કી થાય તો પછી કાલે વાત ઠેલાય, કારણ કે આશરે પચાસ-પોણોસો જણાનો કાફલો લઈને જવું એટલે અનેક વાતના વિચાર કરવા પડે. એવામાં કોઈ ખૂબ મહત્ત્વના કામમાં યોગેનભાઈ અટવાયા અને કાર્યક્રમ બંધ રહ્યો.

ચારપાંચ મહિના મનમાં લંડન જવાની આશા લઈને ફર્યો હતો અને ભાનુને પણ લખી નાખેલું કે હું આવું છું. એટલે મનમાં કંઈક નિરાશા છવાઈ. એ દરમિયાન, લંડનથી આવ્યા પછી ભારતીય કામગીરીની — હૅન્ડીક્રાફ્ટ — ચીજોનાં વેચાણ માટે લંડનમાં સારો અવકાશ છે એવી ચર્ચા બ્રાઇટ સ્ટીલ કોર્પોરેશનવાળા મારા યુવાન મિત્રો અને સંબંધીઓ એવા ભાઈ વીરેન્દ્ર પ્રતાપ અને ભાઈ બાબુ પ્રતાપ સાથે વારંવાર થતી રહી હતી. વીરેન્દ્ર કહે, ‘ભાઈ, જો તમને ઉમેદ હોય તો એક વાર જઈ આવો. ત્યાંની બજારનો ક્યાસ કાઢી આવો. વેચાણ માટે સારો ચાન્સ હોય તો મને એમાં રસ છે. પૅસેજનો પ્રબંધ હું કરી આપીશ. આમ વળી લંડન જવા માટે નવી આશા ઊભી થઈ. થોડા દિવસમાં તો આ વાત પાકી પણ થઈ અને ‘લોઇડ ટ્રીએસ્ટીનો’ કંપનીની ‘મારકોની’ જેવી જ આલીશાન સ્ટીમર ‘ગેલિલિયો’માં ‘મોગલ લાઇન’વાળા મારા મિત્ર ભાઈ રતનશીએ પૅસેજ નક્કી કરાવી આપ્યો. એ દરમ્યાન ઇજિપ્ત-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું. સુએઝની નહેર બંધ થઈ. સ્ટીમર ‘ગેલિલિયો’ મુંબઈ આવી જ નહિ અને છેવટે મારે ‘એર ઇન્ડિયા’ના હવાઈ જહાજમાં લંડન જવાનું થયું.

બીજી એક વાત માટે પણ મુંબઈમાં હતો એ દરમ્યાન ચર્ચા થયેલી. મુંબઈના પ્રખ્યાત બૅરિસ્ટર ભાઈ રજની પટેલની પત્ની સુશીલા પટેલે ભારનતા સો-સવાસો જેટલા ઐતિહાસિક પ્રસંગોનું બેનમૂન પ્રદર્શન તૈયાર કર્યું છે. દેશભરમાં અને પરદેશમાં એની ખ્યાતિ પ્રસરી રહી છે. એ પ્રદર્શનને ‘બિહાર રાહત ફંડ’ના લાભાર્થે લંડન લઈ જઈ શકાય તો સારી એવી રકમ ત્યાંથી એકઠી કરી શકાય એવું મારું સૂચન રજની પટેલ અને સુશીલા પટેલ એ બંનેએ વધાવી લીધું. પ્રશ્ન હતો ખર્ચનો. એ સિંધિયા સ્ટીમ કંપનીના નેવિગેશન પબ્લિક રિલેશન્સ ઓફિસર ભાઈ ચોકસીને વાત કરી. એમણે સિંધિયા કંપનીના માલિક સુમતિબહેન મોરારજીની પાસે વાત રજૂ કરી, અને સુમતિબહેને આખા પ્રદર્શનને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના સિંધિયાના જહાજમાં મુંબઈથી લંડન લઈ જવાનું અને પાછું લાવવાનું સ્વીકાર્યું.

બહેન ભાનુ એક દીકરાની મા થઈ ચૂકી હતી. એના દીકરાને જોવાની અને સાથે રમવાની હોંશ હતી. 8મી જુલાઈએ અજોયનો જન્મદિવસ અને તા. 11મી જુલાઈએ ભાનુનો જન્મદિવસ. બંને સચવાય એ રીતે હું તા. 9મી જુલાઈ 1976ના દિવસે ‘એર ઇન્ડિયા’ના જહાજમાં મુંબઈથી લંડન જવા નીકળ્યો.

‘એર ઇન્ડિયા’ના હવાઈ જહાજની સફર ખૂબ આરામની રહી. ભાનુ-આનંદ એરપોર્ટ પર ઉતારવા આવ્યાં હતાં. સાથે નાનો અનૂપ હતો. એનું લાડકું નામ ટીંગી. એરપોર્ટ પર જ અમારી દોસ્તી થઈ ગઈ. એને ગોદમાં લઈને હૈયું જાણે તૃપ્ત થઈ ગયું. ભાનુનું બારનેટનું નવું મકાન ખૂબ સરસ હતું. ત્રણ બેડરૂમ, મોટું રસોડું, વિશાળ ડ્રોઇંગ રૂમ, ડાઇનંગિ રૂમ અને આગળપાછળ મસમોટો બગીચો. ભાનુનો દિયર રાજ પાટીલ અને પત્ની ઉજ્જ્વલા પણ એ વખતે થોડા મહિના માટે લંડનમાં જ હતાં. એટલે કુટુંબમેળો સારો જામ્યો હતો. દીકરી-જમાઈને અને નાના ટીંગીને આ રીતે ફરી આમ જલદી મળવાનું થશે એવો તો સ્વપ્નેય ખ્યાલ નહોતો. ઘર આ વખતે ‘સેન્ટ્રલી હીટેડ’ હતું. હું પહોંચ્યો જુલાઈમાં. એ વખતે સેન્ટ્રલ હીટંગિ ચલાવવું પડે એટલી ઠંડી નહોતી.

આ વખતે લંડન પરિચિત સ્વજન જેવું લાગ્યું. થોડું કામ માથે લઈને આવ્યો હતો. એટલે સાવ હેતુ વિનાની રખડપટ્ટીયે નહોતી. બહેન સુશીલા પટેલના પ્રદર્શન વિશે સિંધિયા કંપનીની લંડન ઓફિસના રૂસ્તમજી કુમાના, ચંદ્રકાન્ત માસ્તર, બીજવાડિયા, ચૌહાણ વગેરે ભાઈઓને અવારનવાર મળવાનું થતું. સૌએ અંતરના ઉમળકાથી મને અપનાવી લીધો અને પ્રદર્શનના કામમાં પૂરો સહકાર આપવાની તત્પરતા દાખવી. ઘણી વાર લંચ માટેયે સિંધિયા કંપનીના રસોડે સ્વાદિષ્ટ રસોઈ જમવા પહોંચી જતો. પ્રદર્શનના કામ અંગે મારા મુરબ્બી મિત્ર સુંદર કબાડીને પણ વારંવાર મળવાનું થતું. ઇન્ડિયા હાઉસમાં એ વખતના એક્ટંગિ હાઈકમિશનર મિ. ચેટરજીને અને મિ. રઘુપતિને પણ આ જ કામ માટે મળતો. પણ એક યા બીજા કારણે પ્રદર્શનની વાત ઠેલાયે જ ગઈ. છેવટે નવા હાઈકમિશનર મિ. ધવન આવ્યા પછી એક કમિટી નીમવામાં આવી, જેની પ્રાથમિક બેઠકમાં જ બધી વાતોનો વિચાર કરતાં ‘એર ઇન્ડિયા’ના જનરલ મૅનેજર મિ. માનેક દલાલ અને બીજા સભ્યોને એમ લાગ્યું કે ચાલુ રાજકીય અને આથિર્ક સંજોગોમાં પ્રદર્શન લંડનમાં લાવવું સલાહકારક નથી — એટલે એ વાત બંધ રહી.

હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વિશે પણ ‘ઇન્ડિયા ક્રાફ્ટ’ના ભાગીદાર અને વહીવટદાર મારા મિત્ર ભાઈ રોમી માનેકતલા સાથે ઘણી મુલાકાતો અને ચર્ચા થઈ. એ બધી વાતો અહીં વર્ણવવાનો કંઈ અર્થ નથી પણ એમાંયે મને સરિયામ નિષ્ફળતા જ મળી. આમ જે બે વાતો માટે લંડન ગયો હતો એમાંનું કશું ના નીપજ્યું અને અંતે પાછી અલગારી રખડપટ્ટી શરૂ થઈ.

આ વખતે લંડનમાં કે બારનેટમાં અડવું લાગતું નહોતું. નાના ટીંગી સાથે રમવામાં સમય આનંદમાં વીતતો હતો. પડોશમાં એક પંજાબી યુગલ રહેતું હતું. શામી શ્યામસુંદર રિવારી અને અંબિકા. એમને ચાર વરસનો એક દીકરો. એનું નામ બિટુ. એક દિવસ એ ભટૂર ઊપડી ગયો ભટકવા. માબાપ ગભરાયાં. અમારો દરવાજો ઠોકી પૂછપરછ કરી. આનંદ મોટર લઈ એ છોકરાને શોધવા શામી અને અંબીને લઈ નીકળી પડ્યો. એક કલાકની શોધને અંતે બિટુજી સ્ટેશન પાસે રમતા મળ્યા. આ પછી શામી–અંબી સાથે પાકો ઘરોબો થઈ ગયો. એકબીજાને ઘરે સાથે જમવાનું વારંવાર બનતું. શામી રિવારી જહાજમાં કૅપ્ટન તરીકે વરસો સુધી રહ્યો અને હવે જહાજી પ્રોફેસરીની પરીક્ષા આપવા દોઢ વરસ માટે લંડન આવ્યો હતો. અંબી ખૂબ મજાની હસમુખી, ઠાવકી બાઈ. એમનેય સ્ટરલંગિનાં ફાંફાં. જે રકમ મળતી એમાં તાણીતૂસીને નભતું એટલે અંબી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી. હવે તો આ દંપતી મુંબઈ પાછું આવી ગયું છે.

ભાઈ સુંદર કબાડીનેયે વારંવાર મળવાનું થતું. મારા મામા રામુ ઠક્કરના એ મિત્ર એ નાતે હું એમને મામા કહું. ખૂબ પ્રેમાળ સજ્જન. ગાંધીજી સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વખતે લંડન ગયા અને ત્યાં જ રહી પડ્યા. મારા મિત્ર સ્વ. યશવંત પંડ્યાનો દીકરો કપિલ લંડનમાં બૅન્ક ઓફ ઇન્ડિયામાં સારા હોદ્દા ઉપર. એને ત્યાં પણ અવારનવાર જવાનું થાય. મારી ભાણેજો સુધા અને સુનીતા સતત મળતી રહે. આમ સમય સારી રીતે પસાર થતો ગયો. ઘણા નવા મિત્રો પણ થયા. બંને સફરની ઘણી વાતો અને પ્રસંગો સેળભેળ અત્યાર સુધીમાં જોવાઈ ગયાં છે.

બે વરસમાં લંડનમાં મોંઘવારી ગજબની વધી ગઈ હતી. આ વખતે લાંબો સમય રોકાવાનું હતું એટલે પૈસા ગણી ગણીને વાપરવા પડતા. એક્ઝિબિશનના કામ માટે લંડન તો વારંવાર જવું પડતું. એક વાર બારનેટથી લંડન જાઉં ને એક પાઉન્ડની ઊઠી જાય. ઇન્ડિયા હાઉસમાં તે વખતે હાઈકમિશનર તરીકે કોઈની નિમણૂક થઈ નહોતી. એક્ઝિબિશનના પેટ્રન તરીકે અમે હાઈકમિશનરને લેવાનું વિચારી રહ્યા હતા. એટલે વાત કોઈ ચોક્કસ રૂપ પકડી શકતી નહોતી.

આ વખતે નાના ટીંગી જોડે રમત-ગમત અને હેતપ્રીત એ જ મોટી વાત હતી. એનો પહેલો જન્મદિવસ અમે ઠાઠથી ઊજવ્યો. પચાસ-સો જેટલાં મિત્રોને નોતર્યાં હતાં. મુંબઈના અમારાં મિત્રો બસંત અને આશા ઠક્કર, ઓલ ઇન્ડિયા રેડિયોવાળા ગિજુ વ્યાસ, મારો પડોશી સતીશ મહેતા, ચંદ્રકાન્ત ઠક્કર, નીતિન મડિયા, પેસી ખંડાલાવાલા, આરતી ઝવેરી એમ ભારતથી આવતાં મિત્રો મળી જતાં ત્યારે ખૂબ આનંદ આવતો. દિવાળી અને બેસતા વરસે શામી–અંબી અને બસંત–આશાને અમે જમવા બોલાવ્યાં અને સપરમો દિવસ મોજમાં ગાળ્યો.

પછી જોવા મળી નાતાલની ધમાલ. નવેમ્બર માસથી નાતાલની ખરીદી શરૂ થઈ જાય. દુકાનો બધી નવેસરથી શણગારાય–સજાવાય. અવનવો માલ કાચમઢી ‘શો વિન્ડોઝ’માં જોવા મળે. યુરોપની પ્રજાની નાતાલની ઉત્સવઘેલછાનો તો દીઠે જ ખ્યાલ આવે એવું છે. ભાતભાતનાં અભિનંદન- કાર્ડોથી દુકાનો છલકાવા લાગી. ગ્રીટંગિ કાર્ડ એ યુરોપની પ્રજાનું એક મોટામાં મોટું વળગણ છે. ત્યાં આવાં કાર્ડો વેચવા માટે ખાસ દુકાનો હોય છે. જન્મ, મરણ, વિવાહ, લગ્ન, વરસી, માંદગી, સફર, વાસ્તુ, માતૃદિન, પિતૃદિન, પ્રેમદિન, મોટર ચલાવવાનું લાઇસન્સ મળ્યું હોય કે તમારું કૂતરું માંદું પડ્યું હોય… દરેક પ્રસંગને અનુરૂપ સરસ સુશોભનવાળાં ગ્રીટિંગ કાર્ડ ઢગલાબંધ વેચાય, નાતાલમાં તો લાખોની સંખ્યામાં આવાં કાર્ડની દુનિયાભરમાં લેવડદેવડ ચાલે. હું અજોયને, કિન્નરીને અને 1965ના ડિસેમ્બરમાં જન્મેલી મારી પૌત્રી અમોલીને અવારનવાર સરસ કાર્ડ મોકલતો. મારી લગ્નતિથિ પર એક સુંદર કાર્ડ પત્નીને મોકલવાનું વિચારી એક સ્ટોરમાં ખરીદી માટે ગયો. કાઉન્ટર પરની યુવતીને કહ્યું, ‘લગ્નતિથિ પર મારી પત્નીને એક ફક્કડ કાર્ડ મોકલવું છે. સારામાં સારું બતાવો.’ એ એક મનભર રેશમિયા કાર્ડ લઈ આવી. ઉપર ઉપસાવેલાં ગુલાબનાં ફૂલોમાંથી ફક્ત સુવાસ આવવાની જ બાકી એટલાં એ ફૂલ જીવંત લાગે. જંદિગીમાં ખૂબ વૈભવ ભોગવ્યો છે. એશમાં આળોટ્યો છું. મોંઘીદાટ વસ્તુઓ ખરીદતાં કદી સંકોચ થતો નથી, પણ એ કાર્ડની કંમિત સાંભળી પળભર વિચારમાં પડી ગયો. કંમિત હતી છ પાઉન્ડ એટલે કે લગભગ સવાસો રૂપિયા! સ્ટલિર્ંગની અછત ના હોત તો છ પાઉન્ડ મેં ખરચી નાખ્યા હોત. જિગર ના ચાલ્યું. છેવટે બે પાઉન્ડની કિંમતનું કાર્ડ ખરીદી મન મનાવ્યું.

ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી તો રસ્તાઓ પર એવી ભીડ જામે કે ના પૂછો વાત. એકબીજાં સાથે અથડાઈ-ભટકાઈને ચાલવા જેવું થાય. ઠંડી સખત હતી. ઓક્ટોબરથી ઘરમાં સેન્ટ્રલ હીટિંગ પેટાવવું પડે. ભાનુને ઘર આખું ગરમ રાખવાનો દરરોજનો દસબાર રૂપિયાનો ખર્ચ આવતો એ પરથી લંડનની મોંઘવારીનો કંઈક અંદાજ આવી શકશે. પણ આ વખતે મને વસમું નહોતું લાગતું. ઠંડીમાં ઊલટી તાજગી વરતાતી. ટીંગીને લઈને રોજ ફરવા નીકળી પડું. અડોશપડોશમાં સૌ મને ‘ટીંગીઝ ગ્રાંડપા’ તરીકે ઓળખે. કોઈ વાર હું એકલો નીકળું ત્યારે પૂછે, ‘કેમ, આજે તમારો દીકરો તમને ફરવા નથી લઈ ગયો?’ બારનેટનાં પડોશીઓ સાથે ખાસ્સી પહેચાન થઈ ગઈ હતી.

મારા આવ્યા પછી ટીંગી ઊંધો પડતાં, ભાંખોડિયાં ભરતાં અને ચાલતાં શીખ્યો. ખૂબ આનંદના દિવસો હતા મારા માટે એ. ભાનુનું બાળપણ એ વખતે નજર સામે તરવરતું. એક દિવસ એ પણ આમ જ જંદિગીનાં પહેલાં ડગલાં ભરતાં શીખી હતી. લંડનની પાનખર પણ માણવા જેવી છે. ઝાડ બધાં ઠૂંઠાં થઈ ગયાં હતાં. પાન ખરી પડ્યાં હતાં એ જોઈ વિચાર આવતો કે આ ઝાડ પર તો કાલે સવારે વસંતની બહાર આવશે. પણ જંદિગીની આ પાનખરમાં આટલું સુખ, આટલો આનંદ, આટલો સંતોષ ઈશ્વરે બક્ષ્યાં એ બધું શેં જીરવાશે? સુખનોયે માણસને થાક લાગે છે. એ થાક ઘણી વાર અંતરમાં અજંપો વેરી જાય છે.

એક દિવસ વહેલી સવારે ટીંગી મારા રૂમનો દરવાજો ઠોકવા લાગ્યો. બૂમાબૂમ કરવા લાગ્યો, ‘ભાઈ! ભાઈ! ભાઈ!’ પછી ભાનુનો અવાજ સંભળાયો, ભાઈ! કમાડ ખોલો, ટીંગી કંઈક દેખાડવા આવ્યો છે. હું ઊઠ્યો, ટીંગીને અંકમાં લીધો. એ બારી તરફ આંગળી કરે, ‘ધેર ધેર!’ મતલબ કે બહાર જુઓ. કાચબારીમાંથી નજર કરી અને અંતર આનંદવિભોર બની ગયું.

સડક, ઝાડ, પાન, મોટરો, છાપરાં, હરિયાળી, થાંભલા, વીજળીના તાર, એ બધાં પર બરફની શ્વેત ચાદર કુદરતે બિછાવી દીધી હતી. આખી રાત સ્નો પડ્યો છે. સફેદ રંગ એટલે શું એની આપણને સ્નો જોયે જ ખબર પડે. નૈનીતાલમાંયે બરફ પડતો જોયો છે. પણ આ દૃશ્ય કંઈ ઓર જ હતું. હજી રૂના પોલ જેવી બરફવર્ષા ચાલુ જ હતી. આકાશમાં કોઈ વિરાટ તાંતિયો પીંજી રહ્યો હોય કે અપ્સરાઓ તાંબડી ભૂલી કામધેનુને દોહી રહી હોય કે કૈલાસ પરથી નટરાજ તાંડવ ખેલતાં ખેલતાં જાણે હિમકણો ઉડાડી રહ્યા હોય એવી કલ્પના કવિમનમાં આવી જાય એવી, ધવલથીયે ધવલ રૂપાળી બરફસૃષ્ટિ જોઈ મનમાં ખૂબ તૃપ્તિ અનુભવી. પછી ઘણી વાર ‘સ્નો શાવર્સ’ જોયા પણ એ પરોઢનું દૃશ્ય હજી મનમાં રમી રહ્યું છે.

બીજી સફરનો એક પ્રસંગ અંતરમાં ચિરસ્મરણ મૂકી ગયો છે. બંને સફર દરમ્યાન મારા અંગત મોજશોખ પાછળ ખરચ કરવાનું મને પરવડે એવું જ નહોતું. બને એટલી કરકસરથી હું રહેતો. 21મી ડિસેમ્બરે મેં ભાનુ–આનંદને કહ્યું, ‘આજની રાત હું લંડનમાં ગાળીશ. મારે અહીંના નવા વર્ષની રોનક જોવી છે. સાંભળ્યું છે કે રાત્રે બાર પછી લંડનના રસ્તાઓ ઉપર આનંદ-ઉત્સવ ઊજવાય છે. હું સાડા અગિયારે લંડન પહોંચી વહેલી સવારે પાછો આવી જઈશ. મન ભરીને શરાબ પીશ અને મોજ કરીશ. નવું વર્ષ આ રીતે ઊજવવાનું મેં દસ પાઉન્ડનું બજેટ રાખ્યું છે.’ ભાનુ કહે, ‘ભાઈ! હું ખુશ છું તમારી આ વાત પર. દસ પાઉન્ડ મારા તરફથી નાતાલ-ભેટ સમજો!’ આનંદ કહે, ‘દસ પાઉન્ડ મારા તરફથી ઉમેરું છું. જાઓ, લંડનની આ રાત મન ભરીને માણી આવો. પણ તમને ટ્રેનમાં મોડી રાતે નહિ ફાવે. હું તમને ગાડીમાં મૂકી જાઉં. આપણે ટેમ્સ નદી પાસે ‘બિગબેન’ના ટાવર સામે ઊભાં રહીશું અને બારના ડંકા પડ્યે એકબીજાને નવું વર્ષ મુબારક કરી છૂટાં પડશું. સવારે આવો ત્યારે સ્ટેશન પરથી ફોન કરજો. હું તમને તેડવા આવીશ.’

આમ સ્ટલિર્ંગથી તસુ ખિસ્સું લઈ હું ને આનંદ લંડન ગયા. પહોંચ્યા ત્યારે બાર વાગવાને દસેક મિનિટની વાર હતી. ટેમ્સ નદીને કિનારે ‘બિગબેન’ના જગમશહૂર ઘડિયાલ-ટાવર પાસે ઊભા રહ્યા. આસપાસમાં સેંકડો યુગલો એકબીજાને આલિંગીને ઊભાં હતાં કે વળગીને ફરતાં હતાં. વાતાવરણ ઇશ્કની મસ્તીથી તરબરતું હતું. ટેમ્સ નદીનાં વહેતાં પાણી જોતો હું રેલંગિને અઢેલીને વહી ગયેલી અને વહી રહેલી જીવનસરિતામાં જાણે ખંખોળિયું ખાઈ રહ્યો. 31મી ડિસેમ્બરે રાત્રે બાર પહેલાં મારી પૌત્રી અમોલાનો જન્મ. આજે એ ઘરે ઊજવ્યો હશે! મેં મોકલેલાં રમકડે અજોય, અમોલા રમ્યાં હશે. સૌએ મને યાદ કર્યો હશે. ક્યાં મારો દેશ અને આજે ક્યાં આવીને હું ઊભો આ ટેમ્સ નદીના કિનારે! મારી વહાલી દીકરી, મબલખ વહાલ વરસાવીને વહાલો થઈ બેઠેલો દીકરા જેવો આનંદ અને એથીયે અદકેરો વહાલો ટીંગી આજે નજર સામે છે. જંદિગીનો શો ભરોસો? આજે છે, કાલે આટોપાઈ જાય. હવે કદાચ ફરી એમને આ રીતે મળવાનું નયે થાય! આવાં આવાં વમળો અંતરમાં ઘૂમરીઓ લઈ રહ્યાં હતાં.

એક ખૂબસૂરત યુવતી થોડે દૂર એકલી ઊભી ઊભી મારી જેમ જ નદીકિનારે અવલોકી રહી હતી. કોઈ કોઈ વાર મારી સામે જોઈ લેતી. બારના ડંકાથી ‘બિગબેન’ રણકી ઊઠ્યું. એક વર્ષ પૂરું થયું! નવા વર્ષની પળો જીવનનાં કમાડ ઠોકી રહી. આનંદ મને ભેટી પડ્યો. એનું હૈયુંયે ભારે હતું. કહે : ‘ભાઈ! હૅપી ન્યૂ ઇયર!’ મેં કહ્યું, ‘ગોડ બ્લેસ યૂ, માય સન!’ પેલી યુવતી એની જગ્યાએથી સરકી મારી નજીક આવી. એણે મારા બે હાથ પકડી લીધા. એના સ્પર્શમાં સ્નેહનો કંપ હતો. મારા ગાલ પર એનો હોઠ સહેજ અડાડી ‘હેપી ન્યૂ ઇયર, ગ્રાન્ડપા!’ એટલું કહી સડસડાટ ચાલી ગઈ! એક સાવ અજાણી યુવતી મારા અંતરમાં નિર્ભેળ આનંદનો, માનસરોવરનાં નીતર્યાં નીર જેવા વાત્સલ્યનો ધોધ વહાવી જીવનમાંથી વહી ગઈ. કદાચ એ મારા મનનો વિષાદ જોઈ રહી હશે. કદાચ એને થયું હશે કે એકાકી આ વૃદ્ધ ઊભો ઊભો અંતરના નિર્વેદને મમળાવી રહ્યો છે. નિખાલસ માનવતા એને મારી તરફ ખેંચી લાવી અને હેતથી મારે ગાલે વહાલપનું અમી વરસાવી ગઈ. મન મારું મહેકી ગયું. આનંદને મેં કહ્યું, ‘હવે મારે કશે જવું નથી. હેતની આ વાતને વિલાસમાં રગદોળવી નથી. ચાલો, પાછા ઘરે જઈએ! 1968ના નવા વર્ષની આ વાત જીવનું એક સંભારણું બની રહેશે. ઘરે પહોંચી ભાનુને જગાડી અમે હેતવાતોમાં નવું વર્ષ ઊજવ્યું.

એક્ઝિબિશનનું બંધ રહ્યું. મારી પરમિટ છ મહિના રહેવા માટેની હતી. એ મુદત વધારાવવા હોમ ઓફિસે ગયો. મારી અગાઉ અઢીસો જણ લાઇન લગાવીને બેઠાં હતાં. ઓફિસ બંધ થવાને એક જ કલાકની વાર હતી. અજબ જેવી સ્ફૂતિર્થી ત્યાંની સાત કામબારીઓ પર કામ આટોપાતું હતું. પોણા કલાકમાં તો મારો વારો આવી ગયો. બારી પર એક વૃદ્ધ સજ્જન બેઠા હતા. મને પૂછ્યું, ‘શા માટે અહીં વધુ રહેવા ઇચ્છો છો?’ મેં કહ્યું, ‘મારી રિટર્ન ટિકિટ એક વરસની છે. મારી દીકરીના દીકરાને રમાડવા અહીં આવ્યો છું. રજાચિઠ્ઠી આપો તો એની સાથે થોડો વધુ વખત રમી લઉં.’ એ કહે, ‘નસીબદાર છો, તમે! રમી લો મન ધરાય ત્યાં સુધી, તમારી રિટર્ન ટિકિટ છે એ તારીખ સુધીનો તમારો પરવાનો વધારી આપું છું.’ વાત કરતો જાય, મારાં કાગળિયાં ઉકેલતો જાય અને કામ સમેટતો જાય. દોઢ મિનિટથી વધુ સમય એને મારું કામ પતાવતાં ના લાગ્યો. ‘યૂ આર મોસ્ટ વેલકમ, સર!’ કહી, હસીને એણે મને વિદાય કરી દીધો. આટલો ફરક છે ઇન્ડિયા હાઉસ અને હોમ ઓફિસ વચ્ચે!

વરસ પૂરું થવા આવ્યું એટલે નીકળવાની તૈયારીઓ ચાલી. એ દરમ્યાન સુમતિબહેન લંડન આવ્યાં હતાં. કહે, ‘પ્રદર્શનનું તો ન થયું પણ અમારા મહેમાન તરીકે આપણા જહાજમાં દેશ પાછા જવું હોય તો પ્રબંધ કરી આપું. પહોંચતાં એક મહિનો લાગશે. એમનું આમંત્રણ મેં સ્વીકારી લીધું અને સંિધિયા કંપનીના જહાજ ‘જલદૂત’માં દેશ પાછો આવવા નીકળ્યો. ટીંગી–ભાનુથી છૂટાં પડતાં ખૂબખૂબ વસમું લાગ્યું. આનંદ મને લીવરપુલ સુધી મૂકવા આવ્યો હતો. જહાજ પર મને બે આલીશાન કૅબિન મળી હતી. ત્રીસ દિવસના એ જહાજી પ્રવાસની વાતોનું તો એક નાનું પુસ્તક થાય. ખૂબ મજેદાર મહેમાનગતિ જહાજ ‘જલદૂત’ પર મેં માણી અને ત્રીસ દિવસે મુંબઈ પહોંચ્યો. આવીને ફરી મનમાં થયું કે, ‘જલમભોમકા ઈ જલમભોમકા!’

o

License

અલગારી રખડપટ્ટી Copyright © by રસિક ઝવેરી. All Rights Reserved.