સ્નિગ્ધતાહીન દિવસો

કોઈ વાર સમયના જીર્ણ આવરણના તન્તુઓ તૂટતા લાગે છે. એની આરપાર જોઈ લઈ શકાય છે પણ એ જે જોઉં છું તેનો આપણા સંસાર જોડે મેળ બેસતો નથી. એથી વિશુદ્ધ થઈ જવાય છે. એથી ફરી પ્રાગૈતિહાસિક અવસ્થામાંથી પાછા ફરીને સમયે પાડેલી સળનો આશ્રય લઈ લેવો પડે છે. પણ આ પરિણામભેદનો અનુભવ આપણી ચેતનાને થયા કરવો જોઈએ. સમયની ઘરેડમાં એને દોડાવ્યા કરીએ તો એ સીધી લીટી સિવાયની કોઈ ગતિને ઓળખે નહીં.

એકાદ શાન્તિની ક્ષણ આવી ચઢે ત્યારે એના નાના શા બિન્દુમાં કોલાહલના આખા સમુદ્રને ઓગાળી દઈ શકાય છે. બધું એને તળિયે ઠરે છે. પ્રશ્નોને ઓગળી જતા જોઉં છું. સંશયનાં વમળો પણ શમી જાય છે. નિસ્તરંગ સ્થિરતા સહેજ સરખી ગતિનો પણ આભાસ અનુભવવા દેતી નથી. શબ્દોને સર્જવાનો આનન્દ છે તો એનો વિલય થતો જોવાનો પણ આનન્દ છે. મૌનમાં પર્વતોની ગરિમા અને દૃઢતા છે. એ મૌનના દૃઢ આધાર વિના વાણીમાં અટલ નર્તનો સમ્ભવે ખરાં? ક્યાંકથી કોઈ અજાણ્યા ફૂલની સુવાસ અહીં વહી આવે છે. એની સુવાસથી નશો ચઢે છે. બધું નજર આગળથી ભુંસાઈ જતું લાગે છે. ચેતના ધૂંધળી બને છે, પછી એક બિન્દુ બનીને ક્યાંક સરી પડે છે. આકાશની ભૂમિમાં રેખાઓ લુપ્ત થઈ જાય છે, ત્યારે ‘છે’ અને ‘નથી’ની સીમાઓ એકબીજામાં ભળી જાય છે.

માનવીઓ જોવા ગમે છે. એ શું બોલે છે તે સાંભળવાની જરૂર નથી. કોઈ વાર ગાળ પણ દેતા હોય છે. પણ એના મુખ પરની રેખાઓ સંકોચાતી ઝીણી બનતી તો વળી વિસ્ફારિત થતી, ઊંડી બનતી એ આંખોને જોયા કરું છું. કોઈ વાર એ નાના ઝરણા શી છીછરી બની જાય છે. એનાં ઊંડાણનો ભય લાગતો નથી પણ કોઈ વાર એ દૃષ્ટિને ધાર નીકળે છે, એ મર્મને છેદી નાખે છે. કોઈ વાર એ ડહોળાઈ જાય છે. એનો ભાવ કળી શકાતો નથી. એ છેતરામણી બની જાય છે, ધૂર્ત બને છે. તો કોઈ વાર એ અંધારામાં દેખાતા સળગતા અંગારા જેવી લાગે છે. તો કોઈ વાર ગાઢ વનમાં ખીલેલી એક માત્ર કળી જેવી પ્રગટ થઈ ઊઠે છે. કોઈ વાર એ શઠ બનીને આપણી દૃષ્ટિથી બચતી રહે છે, તો કોઈ વાર એ આપણી દૃષ્ટિને મોહક લોભથી લલચાવે છે, પણ હું જોયા કરું છું.

અવાજ – મૃદુ બાષ્પના જેવો અવાજ મારા શરીરના કિનારા જોડે આછો આછો અથડાયા કરે છે. શરીરની જડતા કઠોરતા ધીમે ધીમે દ્રવી જાય છે, વહી જાય છે, હું મને પોતાને જ રેલાઈને દૂર સુધી પ્રસરીને અદૃશ્ય થઈ જતો જોઉં છું. કશાનું નહીં બનેલું એવું ઐશ્વર્ય મારા દેહની ભૂમિમાંથી પ્રગટે છે. એ અસ્પર્શ્ય અગ્રાહ્યા રહસ્યને જાળવવું ક્યાં? ને જો નહિ જાળવી શકું તો એ રહસ્ય બાષ્પીભૂત થઈને વેરાઈ જશે, કોઈ માનશે નહિ કે એ હતું. તો પછી કોઈ માનશે નહિ કે હું હતો, તો પછી આ વિશ્વ પણ ક્યારેક હતું ખરું? તો પછી આ બ્રહ્માણ્ડ ભગવાન પણ હતાં ખરાં? આવી કેટલી ક્ષણો મારી પર થઈને પાંખનો ફફડાટ કરીને ઊડી ગઈ હશે!

કોઈ વાર સૂર્યને પટાવી ફોસલાવીને પાછો કાઢવાનું મન થાય છે. પણ પાળેલા કૂતરાની જેમ એ આખો દિવસ પાછળ પાછળ ફર્યા કરે છે. એની સુંવાળી રૂંવાટી, એની ઉષ્મા, એના દાંતની તીક્ષ્ણતા અને એનાં નિ:શબ્દ પગલાં બધું ખૂબ ખૂબ પરિચિત છે. એ મારી જોડે વંડીઓ ઠેકે છે, ખુલ્લી બારીમાંથી કૂદકો મારે છે, બારીના કાચ પર મૂઠી મારે છે. ગરીબડી તળાવડી પર જઈને રોષ ઠાલવે છે, વડ આગળ રાંકડો બની જાય છે, રાતે મારા ખિસ્સામાં લપાઈ ગયેલી લખોટીની જેમ ક્યાંક લપાઈ જાય છે.

દિવસ શરૂ થઈ ગયો છે. ક્યાંક રોલર ફરવાનો અવાજ આવે છે, સામેના રસ્તા પર થઈને એક હાથી ચાલી જાય છે. એ ડોલતો ડોલતો ચાલે છે, ઘંટડીઓ રણકે છે. ચાલતાં ચાલતાં સૂંઢથી લીમડાની ડાળી તોડી લે છે; આ શહેરને રસ્તે એ કોઈ મોટી ઘટના નથી, પણ મારી દૃષ્ટિ સમક્ષ તો એ હાથીની આજુબાજુ એક ગાઢ વન ઊગી નીકળે છે. હાથીઓનાં ઝુંડ દખાય છે. પાસે નદી છે, હાથીઓ સૂંઢથી પાણી ઉછાળે છે, હર્ષનાદ કરે છે. પણ તરત એ બધી માયા સંકેલી લઈને, મનને એક ખૂણે સંતાડી દઈને હું દૃષ્ટિને પાછી વાળી લઉં છું.

આ દિવસો ભીખના રોટલા જેવા લાગે છે. એમાં કશી સ્નિગ્ધતા નથી, એ કકરા છે, એની ધાર ખૂંચે છે, એ બેવડ વળી ગયા છે. એમાં શુષ્કતા છે. એને લોભથી સાચવી રાખવા માટે મેલી ફાટેલી કન્થા જોઈએ. એને ફગાવી દેવા જેટલો રોષ હજુ થયો નથી. માટે આ દિવસો હજી ખસતા નથી, પડ્યા રહ્યા છે. કોઈ સૂર્યને શાપ આપે, એ શાપના બળે કૂતરો થઈ જાય અને ભીખના રોટલા જેવા દિવસોને ખાઈ જાય!

ભૂમિના પેટાળમાંનું જળ આકાશમાંથી વરસનારા જળની રાહ જોઈને બેઠું બેઠું નિસાસા નાખે છે તે હું રાતે સાંભળું છું. રાતે એ આંખો અંધારામાં ચળક્યા કરે છે. પણ આકાશમાંનું અન્ધ જળ એ જોતું નથી. એ તો હજી ઉચ્છૃંખલ વાદળોની પીઠ પર બેસીને ફરે છે. એટલે દૂર ભૂમિના પેટાળના જળના નિસાસા સૂર્ય પહોંચવા દે ખરો?

છતાં જળની આશા છૂટતી નથી. લોખંડની બેડીની જેમ ખણંગતું એ જળ ક્યારે સંભળાશે? નવા, હજી તો પલોટાયો પણ નથી એવા વછેરાની જેમ જળધારા ક્યારે દોડી જતી દેખાશે? કોઈ શિલ્પીની કુશળ આંગળીઓની જેમ જળ ક્યારે એનાં મનોરમ શિલ્પો આ માટીમાંથી કંડારશે? જળના એ રોમાંચક સ્પર્શથી પીપળાનાં પાંદડાં ક્યારે મુક્ત કણ્ઠે ખડખડ હસી પડશે? હજાર વર્ષથી તપ કરનારા મૌન વ્રતધારી પેલા કૂવાનાં નિસ્તરંગ ચિત્તને કોણ હિલ્લોલિત કરી મૂકશે? હસતી પારદર્શક રૂપવાળી જળસુન્દરીનું હાસ્ય ક્યારે દેખાશે? હજી તો નફફટ સૂર્યની ખંધી આંખો ઢંકાઈ ગઈ નથી. પણ આછો પયોધરનો અણસાર દૂર દૂર વર્તાય છે, આછી રણકતી જળમેખલા પણ સંભળાવા લાગી છે, તૃણાંકુરો વચ્ચે ફરી મૃદુ સંલાપ શરૂ થઈ ચૂક્યો છે. બળીઝળી રહેલી ધરતીને ક્ષિતિજની આસમાની મૃદુ હથેળીઓ શાતા આપવા સ્પર્શે છે. પણ ધાન્યક્ષેત્ર પરથી એ હરિત સ્નિગ્ધ સ્પર્શ ભુંસાતો જાય છે. વનસ્પતિનો એ વર્ણકલાપ વિસ્તર્યો નથી. પર્વતો હજી બોડા છે, એના પાષાણ હૃદયમાંથી નિર્ઝરિણીઓ વહેતી થઈ નથી. પંખીની પાંખ વચ્ચે ભરાઈ ગયેલાં જળબિન્દુનો ભાર નથી. ઇન્દ્રના ભાથામાંથી ઇન્દ્રધનુષ ખૂટી પડ્યાં લાગે છે. કેતકીના દણ્ડનું ઉન્નત ગૌરવ જોવા મળતું નથી. કદમ્બ ખીલ્યાં નથી, રાધા ક્યાં જઈને કૃષ્ણની રાહ જોશે? પણ રાધાને વિહ્વળ બનાવનાર એ ઘનશ્યામ માયા જ દેખાતી નથી!

જળનું એ તરલ ચંચળ ચુમ્બન ક્યાં છે? દેવો વાદળની આડશે રહીને એ જુએ, ભગવાનના હોઠ એ જોઈને ભીના થાય અને એક આર્દ્ર ઉચ્છ્વાસ સરી જાય તેનો સ્પર્શ આખા બ્રહ્માણ્ડને થાય. શંકરનું લંગિ ખરું પણ એના પર સદા જળાધારી વરસ્યા કરે. એ જળાધારી વિનાનું લંગિ તે તો નર્યો પાષાણ. સુકાઈને ક્ષીણ થયેલા જળપ્રવાહને કારણે ઉઘાડા પડી ગયેલા કાંકરાઓ બપોરે સૂર્યને ગાળ દે છે તે બપોરે નદીકાંઠે સંભળાય છે.

પૂર્વમાં પ્રભાતે ઉષાનું હાસ્ય દેખાતું નથી. પક્વ ધાન્યનો સુવર્ણપુંજ જુએ તો એ હસે ને? વિશ્વવ્યાપી કશાક શોકની મ્લાનતા વ્યાપી ગઈ છે. જળના એ સુડોળ બિન્દુની માયા લાગી છે. એ મોતીનો વૈભવ દરેક તૃણાંકુર અને પર્ણ ઝંખે છે. સુકાઈ ગયેલા દરની બહાર નીકળીને સાપ જળબિન્દુને ઝીલવા એની જીભ બહાર કાઢે છે. દેડકાઓનું વૃન્દગાન હવે થંભી ગયું છે. આગિયાની દીપમાળા પ્રગટી જ નથી.

પણ હવે આગમનના ભણકારા વાગે છે. ફરીથી મોર ગહેંકી ઊઠશે. કીડીઓને સંદેશો પહોંચી ગયો છે. ઈંડાંની અને એના કણના કોઠારની હેરફેર શરૂ થઈ છે. ટિટોડી ફરી સાંજે દેખાવા લાગી છે. વૃક્ષોની શાખાઓમાં પણ વર્ષાના આગમનનું ઇંગિત વર્તાય છે. માનવીની રુક્ષ આંખોમાં પણ સહેજ સ્નિગ્ધતાનો આભાસ થાય છે.

11-8-73

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.