સમય

નવો ખણ્ડ શોધાયો. નક્ષત્રોને વિશે નવું નવું જાણ્યું. પણ હવે શોધેલું ખોવાઈ જાય એવું કોણ કરી આપશે? માનવજાતિને આજે કેટકેટલું ભૂલવાની જરૂર છે, બધાં યુદ્ધોના ઊઝરડા હજી સ્મૃતિમાં અંકાયેલા છે. એથી વેરઝેરનો નાશ થતો નથી, આપણો નાશ થાય છે. માનવી બુદ્ધને ભૂલે છે. ગાંધીને ભૂલે છે પણ વેરઝેરને ભૂલતો નથી. કોલંબસે માનવજાતિ પર ઉપકાર કર્યો કે અપકાર? કોઈ શોધાયેલો ખણ્ડ પૃથ્વીતલ પરથી લુપ્ત થઈ જાય તો?

આથી જ તો આપણા દિવસરાતનાં પરિમાણ એના એ રહ્યાં નથી. ક્ષણો તસતસતી બની જાય છે, સમય સહ્યો જતો નથી. કોઈ વાર શિરાઓમાં સમય સળકે છે, દર્દના ધબકારાની જેમ ધબકે છે, ત્યારે વિસ્મૃતિને ઝંખીએ છીએ. પણ વર્તમાન, નર્યો વર્તમાન, આપણા નસીબમાં નથી. આપણી આંખો કેટલી ઊંડી છે! એ કેટલું બધું સંગ્રહી બેઠી હોય છે!

વર્તમાન એટલો પુષ્ટ થયો હોય કે ભૂતકાળને માટે તસુભાર સ્થાન નહીં રાખે તો જ આપણે કેવળ વર્તમાનને પામી શકીએ. સમયથી પર થવું, સમયને થંભાવી દેવો – માનવી યોગથી ધ્યાનથી આવું બધું કરવા મથે છે. સમયનો પદધ્વનિ સંભળાય નહીં એવી સ્થિતિને આપણે ઝંખીએ છીએ. પણ સમયને છલોછલ ભરી દે એવું આપણી પાસે કશું હોતું નથી. આ ભર્યાભર્યા વિશ્વમાં આપણું ઠાલાપણું સમયના પાત્રમાં ખખડ્યા કરે છે. આપણા ઠાલાપણા સાથે ઘસાઈ ઘસાઈને સમયની તીક્ષ્ણ ધાર નીકળે છે. એ કોઈક વાર મર્મને છેદી નાખે છે. આથી જ જ્યારે આપણે કહીએ છીએ અકારણ વિષાદ ત્યારે સમય જ એના કારણરૂપ હોય છે તે ભૂલી જઈએ છીએ.

બાળકના જોડકણામાં પ્રાસ વડે સમયને ઠેકી જવાનો પ્રયત્ન કરીએ છીએ. પુનરાવર્તનના લયમાં સમયને બાંધી લેવા મથીએ છીએ. સમુદ્રને કાંઠે બેસીને એના ઊછળતાં અને શમી જતાં મોજાંની એકધારી ક્રિયાને જોઈને સમયને ભૂલીએ છીએ. તો કોઈક વાર કોઈક એવી દૃષ્ટિ આપણા પર પડે છે કે સમયનો કાળો કરોળિયો અને એની જાળ એકાએક આપણા ચહેરા પરથી દૂર થઈ જાય છે.

આપણી બધી ઘટનાઓના આકાર સમયના દ્રાવણમાં બંધાય છે. સમયનો પાસ આપણા બધા અનુભવોને બેઠો હોય છે. સમયથી આપણે જર્જરિત થઈએ છીએ તો કેટલીક વાર પુષ્ટ પણ થઈએ છીએ. સમય કપુરની જેમ ઊડી જતો હોય છે, તો એના ચાલ્યા જવાનું ભાન રહેતું નથી. પણ કેટલીક વાર એ શારડીની જેમ આપણને વીંધે છે. સમયના કળણમાં ખૂંપી જતા હોઈએ એવું લાગે ત્યારે આપણો શ્વાસ રૂંધાઈ જાય છે. પણ ગ્રીષ્મની સાંજની આછી વાયુલહરની જેમ સમય ફરફરતો હોય છે ત્યારે એમાં વિહાર કરવાનું ગમે છે.

શહેરનો સમય જુદાં જ રૂપો ધારણ કરે છે. મોટાં મકાનોની વચ્ચેથી ડોકિયું કરતો ક્લોકટાવર એ જાણે કે સમયે નગરને માથે ફરકાવેલી ધજા છે. પણ શહેરમાં સમય ઓગળતા ડામરના જેવો ચીકણો લાગે છે. સિનેમા થિયેટરમાં પુરાયેલો અજીઠો સમય કે રેલવે સ્ટેશન પરનો એન્જિનની સીટીથી રણકતો સમય શહેરમાં જ અનુભવાય છે. પણ હોસ્પિટલનો ડિસઇન્ફેક્ટન્ટથી ગંધાતો ને ધોળી લાદી પરથી લપસતો સમય વળી જુદો જ હોય છે. ફેક્ટરી અને કારખાનામાં સમયના ચક્રના દાંતા વાગે છે. આ બધી ભીડ-કોલાહલ વચ્ચે એકાદ નાના શિશુના અસાવધ હાથ વચ્ચેથી સરી જતી લખોટીની જેમ સરી જતો સમય પણ ક્યારેક દેખાઈ જાય છે ખરો. દેવપૂજાના ગોખલામાં ધૂપસળીથી ધૂમાયિત સમય દેવની મૂતિર્ઓ ભેગો ગૂંચળું વાળીને બેઠો હોય છે, તો કોઈ વાર એ રમતના મેદાનમાંથી લંગડાતો ભાગતો પણ દેખાય છે.

કવિતાની પંક્તિમાં બે શબ્દો વચ્ચેનો નિ:શબ્દ ઊંડો સમય કોઈ વાર ગભરાવી મૂકે છે. સવારે ઊગીને સાંજે ખરી જતા ફૂલમાં ઘડીક સમયને ફોરી ઊઠતો જોઈએ છીએ. કોઈ વાર સમયને કર્મની રજને લૂંછવાના અંગુછાની જેમ વપરાઈને કોઈ ખૂણે ફેંકાયેલો જોઈએ છીએ. સીમાડાના ચૂનાથી ધોળેલા પથ્થરની જેમ કોઈક વાર સમય ખોડાઈ જઈને પડ્યો હોય છે. કોઈકની આંખોમાં સમય આંસુને ટીપે ટીપે દ્રવી જતો દેખાય છે. તો કોઈકના પગમાં સમય મણીકાની જેમ બંધાઈ ગયેલો પણ દેખાય છે, ઘાટનાં પગથિયા જોડે રાત્રે ગુફતેગુ કરતા નદીના જળ જોડે સમય હોંકારો પુરાવતો સંભળાય છે, તો પીપળામાં સમય શિશુની જેમ કલબલ મચાવી મૂકતો પણ સંભળાય છે.

રેશમના કીડાની જેમ આપણે સમયના કોશેટામાં રહીને કાંતીએ છીએ, પછી આપણે ચાલ્યા જઈએ છીએ અને આપણું કાંતેલું પાછળ રહી જાય છે. માનવીનો વિદ્રોહ સમય સામે હોય છે. એની જોડે બાથ ભીડાવીને જ માનવ પોતાની તાકાતનો પરિચય મેળવે છે. સમયથી ચૂસાઈને ખોખા જેવા થઈ ગયેલા માનવીઓ પણ ક્યાં નથી દેખાતા? તો સમયને પાદપીઠ તરીકે વાપરનારાઓ પણ શું નથી? સમયના સર્પને લપાવા માટેના દર જેવી પણ ઘણાંની જિંદગી બની જતી હોય છે.

કેટલાક ભાગ્યશાળીઓ જ સમયને ક્રીડાનો સોબતી બનાવી શકે છે. સમયને જુગારીના પાસાની જેમ ફેંકનારા પણ હોય છે. ક્યારેક જ સમય ઘીના દીવાની સ્થિર જ્યોતની જેમ પ્રગટતો દેખાય છે નહીં તો એ અચાનક સુરંગની જેમ ફૂટે છે. સમય કંજૂસની નાણાંની થેલીમાંના પુરાયેલા સિક્કા જેવો પણ બની જાય છે.

સમયને આપણે મુક્ત કરીએ તો એ આપણને મુક્ત કરે, પણ જો આપણે એનો પીછો પકડીએ તો એ આપણો પીછો પકડે. એના કરતાં, સમય જોડે સંતાકૂકડી રમવી સારી. સમયના ઊંડાણનો ભરોસો નહીં માટે એની સપાટી પર સેલારા મારવા સારા. ઘણાં ગાંધીની દુકાનમાંના વસાણાના પડીકાની જેમ સમયને સાચવી રાખે છે.

કોઈક વાર મારી સામેનું જગત એકાએક હળવે પગલે સરી જાય છે ને ત્યારે અણધારી રીતે સમય જોડે દૃષ્ટોદૃષ્ટ થાય છે. હું સામેના વિસ્તારમાં મને મૃગજળની જેમ રેલાઈ જતો જોઉં છું. એ મૃગજળની છાલકો મને વાગે છે. ધરતીના ઊંડાણમાંના ભૂસ્તર જેવા મારી ચેતનાનાં પડ અબરખની જેમ ઊખડતાં જાય છે.

અનિદ્ર રાત્રિમાં સમયનું ઉત્તાપજનક સામીપ્ય સહેવાતું નથી, ત્યારે કોઈ જાદુઈ મન્ત્ર ભણીને સમયને બહાર બોલતી ચીબરીના અવાજમાં બાંધી દઈ શકાતો હોય તો? પણ શિરાઓના ધોરી માર્ગે સમયના ઘૂઘરા રણકી ઊઠે છે, ને ત્યારે નિદ્રા ચોંકી ઊઠેલા ભયગ્રસ્ત પંખીની જેમ ઊડી જાય છે. એના દૂર ને દૂર થતા જતા પાંખના ફફડાટને હું સાંભળ્યા કરું છું, ને સવારના પ્રથમ પ્રહરે સમય ખોવાયેલા શિશુની જેમ દયામણે ચહેરે જોઈ રહેતો મારી સામે ઊભો રહે છે.

20-8-72

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.