ઘર ભૂલેલો પ્રમાદ

કેટલીક વાર આ સૃષ્ટિને કેવળ રંગના આવર્તો રૂપે જોવાનું ગમે છે. ભૂરા રંગના કેન્દ્રમાં એક ગુલાબી ઝાંયવાળું સપનું છે. પણ એ સપનાને પીળા રંગની વેદનાની કોર છે. જ્યાં એ વેદના પાકવા આવી છે ત્યાં પીળાશ પડતી રતાશ છે. બીજે, લીલો રંગ જ્યાં વૃદ્ધ થયો છે ત્યાં, એમાં રાખોડી ઝાંય દેખાય છે. રાતો રંગ ઉશ્કેરાટમાં કાળાશ પકડે છે, કેસરી રંગના બુદ્બુદો તોફાની છોકરાનાં ટોળાંની જેમ દોડે છે. જાંબુડી રંગ બહુ ઊંડો છે, એને ગળી રંગની કિનાર પર બેસીને જ જોવાનું શક્ય છે. હોસ્પિટલમાંની સફેદ ટાઇલ્સના જેવો માંદલો ધોળો રંગ લથડતે પગલે ચાલે છે. લીલા રંગનું કૈશૌર્ય ફૂટે છે ત્યાં એ જુવાળનાં મોજાંની જેમ છલકાય છે. પછી પ્રશ્ન થાય છે કે આ રંગો મને કેવે રૂપે જોતા હશે?

પવનનાં અળવીતરાંને સામેનું શિરીષનું વામન વૃક્ષ સહી રહ્યું છે. પવન બોલાવે તે બોલવા જેટલી એની પાસે પૂર્ણ સમૃદ્ધિ નથી. નાનાં બાળકો એની ડાળ પર ઘોડોઘોડો કે ટારઝન રમી શકે એટલું જ એ ઊંચું છે. કિશોરોનો અત્યાચાર સહીસહીને એ સહેજ ખૂંધું પણ થઈ ગયું છે. આથી જ પવન એનો કાન રહી રહીને આમળ્યા કરે છે તે એ મૂંગે મોઢે સહી લે છે. છતાં પંખીઓએ એને ઓછું આવવા દીધું નથી. થોડાંક સૂકાં ઝાંખરાં સળગાવ્યાં ને ધુમાડો થયો કે તરત કાળિયા કોશીનું છ પંખીનું મંડળ આવી ચઢ્યું. શિરીષ પર બે બેઠા, બાકીના ચાર છૂટા છૂટા, તાર પર બેઠા. એનું જોઈને પતરંગા આવ્યા. કાબરબાઈ તો હતાં જ. એક મશ્કરા કાળિયા કોશીએ કાબરને છંછેડી એટલે એ કકળી ઊઠી. એને ચીઢવવા કાળિયા કોશીએ ટહુકો કરીને એના ચાળા પાડ્યા. એક કૂતરો મેદાનમાં થઈને જતો હતો, તેને એક કાળિયો કોશી ચાંચ મારી આવ્યો. કૂતરો ચમક્યો તે જોઈને બીજા કાળિયા કોશીએ આનંદથી ટહુકો કર્યો. એટલામાં બળતાં ઝાંખરાંનો તાપ લાગવાથી આજુબાજુમાંનાં જંતુઓ ઊડવા લાગ્યાં. પંખીઓની જ્યાફત શરૂ થઈ ગઈ.

શિયાળાના સૂર્યને ઘરમાં સારો આવકાર મળે છે. મારા ઓરડામાંના કબાટનો અરીસો એને સૌ પ્રથમ ઉમળકાથી વધાવે છે. કબાટમાં બેઠેલા દેવ તડકાનું સોનેરી વસ્ત્ર હોંશેહોંશે પહેરી લે છે. પુસ્તકો પરનાં નામ પ્રકાશિત થઈ ઊઠે છે. ઝાંખા પડી ગયેલા પોલિશવાળી ખુરશી પણ મ્લાન મ્લાન હસવાનો પ્રયત્ન કરે છે. એક મારા પલંગ પરનું કાળું પાથરણું, એના મોઢા પર સ્મિત નથી. બાકી આ તડકામાં કાળિયો કોશી તો કાળા રંગના અંગારાની જેમ ચળકે છે. ખિસકોલીબાઈ તડકો ખાતા જાય છે અને શરીર પરની રૂંવાટીને ચોક્ખી કરતા જાય છે. તાર પર બેઠેલું પચનક મધમાખી કે ભમરીને શોધે છે. હમણાંની સુગરી દેખાતી નથી.

મારી સૃષ્ટિની ત્રિજ્યાઓ દૂર સુધી વિસ્તરે છે તો દૂર દેશના કોઈ નવા કવિની સૃષ્ટિને જઈને અડે છે.. પણ કેટલીક વાર મારા ઘરની આજુબાજુમાં થોડાક જ વિસ્તારમાં એને લખલૂટ આનન્દ મળી રહે છે. મારી ઊગમણી બારી આગળ જ હું બેસું છું. પશ્ચિમ તરફની સૃષ્ટિ તરફ પીઠ કરીને હું બેસું છું. એ બાજુ કોલાહલ છે. ઉધામા છે. સ્કૂટરમોટરના ઘોંઘાટ છે. મોટેરાંઓની ખટપટ છે. બાળપણથી જ મેં ખેતરો, ખુલ્લાં મેદાનો, ખુલ્લું આકાશ, પંખીઓ, વૃક્ષો – આ બધાંને રમતનાં સાથી ગણ્યાં છે. આજે ખેતરો ખૂંદવાનાં રહ્યાં નથી. પણ બેઠા બેઠા મેદાનમાં દૃષ્ટિથી વિહાર કરું છું. પંખીના ટહુકામાં ટ્રકના કર્કશ હોર્નનો અવાજ ભળી જાય છે. પણ પંખી, વૃક્ષ, આકાશ – આ બધું પ્રાપ્ય છે ને પાસે જ છે એટલો આનન્દ છે. ખોટ છે નદીની – પથ્થરિયાળ પટવાળી, એકસામટાં જળની ભાષાનાં પૂર્ણ વિરામો એકઠાં કર્યાં હોય એવી રેતીવાળી, અન્તર ખોલી દે એવી પારદર્શક, માથું બહાર રહી શકે એટલી જ ઊંડી, રમણીય કાંઠાવાળી. ઔદ્યોગિક ક્રાન્તિનો ધૂમ્રધ્વજ આ શહેરે પણ ફરકાવ્યો છે. પણ એનું મારે મન ગૌરવ નથી. માગશરની હીરાની ઝાંયવાળી ચાંદનીમાંય આ બેશરમ ધુમાડો રેલવે યાર્ડમાંથી નીકળીને લાંબા કૃષ્ણસર્પની જેમ છેક ઉત્તર સુધી પ્રસરે છે. ગુપ્ત રીતે એ શ્વાસમાં પણ પ્રવેશે જ છે. પણ એ જાણે હવે મારી આજુબાજુના પરિવેશનું એક અંગ જ બની રહ્યો છે.

રાજામહારાજાનું ઘર ભૂલેલો પ્રમાદ મારે ત્યાં ભૂલો પડીને આવી ચઢ્યો છે. હમણાં તો પ્રમાદ જ પ્રમોદ થઈ પડ્યો છે. પ્રમાદ હોય ત્યારે ઘડિયાળમાંથી સેકંડ કાંટો ને મિનિટ કાંટો નીકળી જાય. સમય વહેવાનો ટિકટિક અવાજ સંભળાતો બંધ થઈ જાય પણ આ પ્રમાદ એટલે નરી નિષ્ક્રિયતા એવું નથી. આ પ્રમાદ એટલે નિશ્ચિન્તતા, નિરાંત. કશા ઉધામા નહિ. જોવાનું ગમે તો જોયા કરીએ. જે જોવું તેના પર ચિન્તન નહીં, એમાંથી કશી ફિલસૂફી તારવવાનો ઉદ્યમ નહીં. એકાદ કવિતાની પંક્તિ વાંચ્યા પછી એ પંક્તિને ચિત્તમાં પ્રસરવાને પૂરો અવકાશ આપવો. એ પંક્તિને નિમિત્તે ચિત્તમાં અનેક પંક્તિઓ રચાતી આવે તેનો આનન્દ માણવો, પણ એ પંક્તિઓને તરત લોભી બનીને કાગળ પર ઉતારી લઈ ચાર માણસને બતાવી કવિપણું માણવાનો ઉદ્યમ ન કરવો. એકાએક આવી ચઢેલા વિષાદને ધીમે ધીમે ઓગાળવો – આ બધું હોય છે તે કારણે પ્રમાદવશ થવાનું ગમે છે.

આવું આ દિવસોમાં કહું છું, માટે કોઈ મને દેશદ્રોહી ગણશે. છાપાંની ભાષામાં કહું તો સીમાડાઓ સળગ્યા છે ત્યારે હું પ્રમાદને કેફી પીણાંની જેમ નચંતિ જીવે ગટગટાવી રહ્યો છું, એટલું જ નહીં પણ એના આનન્દનો પ્રચાર કરીને બીજાને પ્રમાદી બનાવવાને ઉત્તેજી રહ્યો છું. આ પહેલાં યુદ્ધ થયેલું ત્યારે શહેરમાં એક સભા ભરવામાં આવેલી. એમાં બૌદ્ધિકોનું યુદ્ધસમયે કર્તવ્ય શું એ વિષય હતો. મને તો એમ કહેવાનું મન થઈ ગયેલું કે બૌદ્ધિકોએ સભા ગજાવીને ઘોષણા કરવી કે અમે અમારી બૌદ્ધિકતા બદલ નામોશી અનુભવીએ છીએ અને આજ સુધીની નિષ્ક્રિયતાનું પ્રાયશ્ચિત્ત કરી નાખવા યુદ્ધની આગલી હરોળ પર જઈને ઊભા રહેવા ઇચ્છીએ છીએ. પણ ત્યારે વળી દુર્બુદ્ધિ સૂઝી તે એવું બોલી બેઠો કે ટ્રેન્ચીઝની અંદર બંદૂક તાકીને ઊભો રહેવા તૈયાર છું, પણ ત્યારે જ પંખીનો મીઠો ટહુકો સાંભળું, વૃક્ષનાં કૂણાં પાંદડાં પર તડકાને ચળકતો જોઉં તો કાવ્યની પંક્તિઓ રચી નાખું. માનવીના વહેતા રક્તની કવિતા લખું. આવું બધું કાંઈક કવિતાઈ કરીને અભિનિવેશપૂર્વક હું બોલી ગયો. મંચ પર વીર ગર્જના કરવા આવેલા થોડા જૈફ મુરબ્બીઓ નારાજ થયા. મેઘાણીની પંક્તિઓ યાદ દેવડાવી. આવા વખતે ગાણાં તો ગાવાનાં હોય, ને મહેરબાન, હાથમાં બંદૂક હોય ત્યારે, કવિતા કરવા જાઓ તો સામા પક્ષની ગોળી એનું કામ કરી જશે વગેરે.

યુદ્ધના સમયમાં તો ઠીક, શાન્તિના સમયમાં પણ આપણી પ્રજાને ક્યાં કવિતા કળા જોડે સારો સલૂકાઈભર્યો વહેવાર રાખતાં આવડ્યો છે? કોઈએ અશ્લીલ લખ્યું એવી વાત ઊડે કે તરત સદ્વિચારપરાયણ સદાચારપરાયણ સજ્જનો ગોકીરો મચાવી મૂકે. સાહિત્યમાં એમને એટલો જ રસ. કવિતા તો હવે થોડા લોકોનો કલ્પનાવિલાસ જ ગણાવા લાગી છે. કવિઓ બિચારા આપસમાં કાવતરું કરીને ટકી રહેવા જોગી પ્રશંસાની વ્યવસ્થા કરી લે છે. બાકી જે મુખ કવિતા ઉચ્ચારે તે મુખ આત્મશ્લાઘાથી ગંદું નહીં થાય. માનવી નીચો પડ્યો તેમ કવિતાય નીચી પડી, જેની ખૂબ પ્રશંસા થાય તે જ શ્રેષ્ઠ એમ જ લોકશાહીના યુગમાં તો મનાય ને! માટે બધા બહુમતિ ઉઘરાવવા નીકળી પડે.

જુઓને, ગુજરાતમાં પાબ્લો નેરુડાના ચાહકો પ્રશંસકો એક સામટા કેટલા બધા નીકળી આવ્યા! શુદ્ધ કવિતાનો આગ્રહ રાખનારા પોલ વાલેરીનું આ શતાબ્દી વર્ષ છે, પણ અત્યારે તો અશુદ્ધ કવિતાનો નારો જગાવનાર નેરુડાની બોલબોલા છે. એક કોમ્યુનિસ્ટ પુસ્તકવિક્રેતા બિરાદરે કહ્યું : ‘હવે મારે ત્યાં વર્ષોથી પડી રહેલી, ઊધઈથી ખવાયેલી, ધૂળના થરથી ઢંકાએલી, નેરુડાની કવિતાની ચોપડીઓ ચપોચપ વેચાઈ જશે.’

સાહિત્ય કે કલા વ્યક્તિભોગ્ય વસ્તુ છે. પણ હવે વળી સમૂહભોગ્ય ગીત કે ગઝલોનો જમાનો પાછો આવ્યો છે. હવે કવિ વળી રંગલાનો પાઠ ભજવતો થયો છે, એ સ્ત્રૈણ લહેકાથી ગીતો ગાશે કે એના એ ચારપાંચ રદીફ કાફિયાની આજુબાજુ ફુદાંની જેમ ઊડ્યા કરશે. સભા ‘દુબારા દુબારા’ કહીને ડોલશે, કવિ પણ ડોલી ઊઠશે. પણ કવિતા ઉપેક્ષિતાની જેમ મુશાયરાની બહાર ઊભી રહી હશે.

3-12-71

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.