સાત – મહાવિદ્યાલયમાં

પંદરથી અઢાર વર્ષની ઉંમર એટલે માણસના તારુણ્યપ્રવેશની ઉંમર ગણાય. મહાદેવના જીવનમાં આ વર્ષો પોતાનાં ઘર, ગામ અને જિલ્લાના કોશેટામાંથી બહાર નીકળી મુંબઈના મહાવિદ્યાલયના વાતાવરણમાં જઈને વસવાનાં હતાં. આ વર્ષો દરમિયાન તેમની ક્ષિતિજો વિસ્તરી. ભાવિ જીવન માટેની અહીં ચોક્કસ તૈયારીઓ થઈ.

આ કાળમાં મહાદેવ રાષ્ટ્રના નાગરિક તરીકેની તાલીમ લઈ રહ્યા હતા. સોળ વર્ષથી ઓછી ઉંમરનાને મૅટ્રિકની પરીક્ષા આપવાની છૂટ નહીં એવો નિયમ મુંબઈ યુનિવર્સિટીએ કર્યો તેનાથી એક વર્ષ આગળ જ મહાદેવે, ચૌદ પૂરાં થતાં પહેલાં જ, મૅટ્રિક પાસ કરી. પોતાની હાઈસ્કૂલમાં પ્રથમ આવ્યા. પરીક્ષામાં ભલે પહેલા આવ્યા, પણ હતા તો કિશોર જ ને? તે વખતે સુરત પરીક્ષાનું કેન્દ્ર નહોતું, તેથી પરીક્ષા આપવા મુંબઈ જવું પડ્યું. પિતરાઈ બહેનને ત્યાં ઉતારો હતો, પણ પેપર આપીને પાછા આવતાં ‘ઘરે’ પહોંચવાનો રસ્તો ભૂલ્યા. થોડી વાર રસ્તો શોધવા મથામણ કરી હશે, પણ તેમાં ન ફાવ્યા એટલે ગભરાઈને રડવા માંડ્યું. છેવટે એક પોલીસવાળાએ સરનામા મુજબ ઠેકાણે પહોંચાડ્યા.

કૉલેજમાં પ્રવેશ અંગે પણ પ્રથમ તો મુસીબત આવી પડી, પણ તે ‘ગુણછાયા’ને લીધે નહીં, ગુણને લીધે.

નોકરીનાં સ્થળો બદલાતાં બદલાતાં વલસાડ પહોંચેલા પિતાશ્રીને ત્યારે માસિક ચાળીસ રૂપિયા પગાર હતો. એટલે ઘરને ખર્ચે તો મુંબઈ રહીને ભણી શકાય એમ હતું નહીં. મૅટ્રિકમાં સારા માર્ક આવ્યા હતા એટલે એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ તો મળી ગયો. રહેવા માટે ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં ફ્રી બોર્ડર તરીકે દાખલ કરવા અરજી કરેલી અને તેમાં જગ્યા મળવાની આશા પણ પૂરી હતી. પણ અરજીનો જવાબ આવવામાં દસેક દિવસની વાર થાય એમ હતું, એટલા દિવસ એલ્ફિન્સ્ટન કૉલેજની હૉસ્ટેલમાં રહેવું પડ્યું. ત્યાંના છોકરાઓની સાહ્યબી, ખાવાપીવામાં થતો બગાડ, નોકરો સાથે હુકમશાહીથી થતી વાતો, જરા જરા વારમાં ખર્ચાતા પૈસા જોઈને મહાદેવ તો હેબતાઈ જ ગયા. ખાતાં મોંમાં કોળિયો ન જાય. ટૂંકા પગારના અને મોટા વસ્તારના બાપુજી પર આવા ખર્ચનો ભાર નખાય જ શી રીતે? ઘેરે પિતામાતા જે ખાતાં હતાં તે મહાદેવ ક્યાં નહોતા જાણતા? મહાદેવ એ પણ જાણતા હતા કે પુત્રને ભણાવવાની હોંશ પિતાને ખૂબ હતી, જરૂર પડત તો એ જમીન વેચીને પણ મહાદેવને કૉલેજમાં ભણાવત. પણ મહાદેવથી એવું મોંઘું શિક્ષણ લેવાય શી રીતે? પહેલે દિવસે સરખું ખાધું નહીં. આખી રાત રોઈ રોઈને કાઢી. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગમાં મફત રહેવાનું મળશે એવી આશા હતી તેથી જ કાળજું કઠણ રાખીને જેમતેમ કરીને દસ દહાડા કાઢ્યા. આશા મુજબ બોર્ડિંગમાં પ્રવેશ મળી ગયો. ઉપરાંત કૉલેજની એક સ્કૉલરશિપ પણ વધારાની મળી ગઈ, એટલે ભણતરનો ખર્ચ પિતાશ્રી ઉપર નાખવાનો પ્રશ્ન જ ન રહ્યો.

બે વર્ષે ઇંટર પાસ થયા પછી આવા જ પ્રકારની બીજી મૂંઝવણ અનુભવાયેલી. બોર્ડિંગમાંથી જે ફ્રીશિપ મળતી તેમાં રહેવા-ખાવાનું, કપડાં અને મુંબઈની જે કૉલેજમાં ઓછામાં ઓછી ફી થતી હોય તેની અડધી ફી મળતી. પણ પુસ્તકોનું, જવા-આવવાનાં ટ્રામ કે લોકલનાં ભાડાંનું કે નાસ્તાપાણીનું ખર્ચ થતું તે સ્કૉલરશિપમાંથી કાઢતા. ઇંટરમાં સ્કૉલરશિપ સારુ જોઈએ તેનાથી એક નંબર નીચે આવેલો. એટલે એ સ્કૉલરશિપ વિના અભ્યાસ ચાલુ રાખવો કે નહીં એ જ પ્રશ્ન થઈ પડ્યો. પિતા તો કોઈ પણ હિસાબે અભ્યાસ ચાલુ રાખવાનો આગ્રહ રાખે એવી ખાતરી હતી એટલે આ વાતની ખબર જ તેમને નહીં આપેલી. ખૂબ વિમાસણમાં પડ્યા. એમનો ચહેરો જ એટલો સ્ફટિક જેવો નિર્મળ હતો કે કોઈ પણ ભાવ એ ચહેરા પર છૂપો ન રહે. કૉલેજમાં દાખલ થયા ત્યારથી જ જેમની સાથે દોસ્તી બંધાયેલી તે વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા મહાદેવની મૂંઝવણ એના ચહેરા પરથી જ પારખી ગયા. એની તેજસ્વિતા વિશે વૈકુંઠભાઈને માન હતું અને એના ઘરની આર્થિક સ્થિતિ વિશે ભાન હતું. તેથી ચૂપચાપ પોતાના પિતા પાસે ગયા અને એમને કહ્યું, ‘અમારા વર્ગમાં એક તેજસ્વી ને ગરીબ ઘરનો છોકરો છે. એક નંબર ખાતર એ સ્કૉલરશિપ ગુમાવે છે. આપની રજા હોય તો હું મારી સ્કૉલરશિપ છોડી દઉં તો એનો નંબર લાગી જાય!’ લલ્લુભાઈ જેટલા આર્થિક રીતે શ્રીમંત હતા તેટલા જ દિલના પણ દિલાવર હતા. એમણે તરત જ પુત્રને મહાદેવ ખાતર પોતાની સ્કૉલરશિપ જતી કરવાની સહર્ષ અનુમતિ આપી. ખુદ લલ્લુભાઈએ પણ વર્ષો પહેલાં આ રીતે સુયોગ્ય એવા ગરીબ સહાધ્યાયીઓ સારુ પોતાની સ્કૉલરશિપ જતી કરી હતી. વૈકુંઠભાઈએ મહાદેવને કે કૉલેજના બીજા કોઈને પણ કશી જાણ કર્યા વિના મહાદેવના લાભમાં પોતાની સ્કૉલરશિપ જતી કરી. તે જ વરસે આ રીતે સ્કૉલરશિપ જતી કરનાર એક વિદ્યાર્થિની પણ હતી. કૉલેજના સામયિક अेल्फिन्स्टोनियने વૈકુંઠભાઈના આ કૃત્યની નોંધ લેતાં કહ્યું, ‘કુમારી પટેલ અને વી. એલ. મહેતાએ પોતાની શિષ્યવૃત્તિઓ બીજા વધુ જરૂરિયાતવાળા અને સુયોગ્ય વિદ્યાર્થીઓ સારુ જતી કરીને ખૂબ સારું પ્રશંસાપાત્ર કામ કર્યું છે.’ ત્યાર બાદ વૈકુંઠભાઈ સાથે મહાદેવની મૈત્રી સર લલ્લુભાઈના આખા કુટુંબ સુધી વિસ્તરી. મહાદેવ પણ એમના ત્રણેય દીકરાઓની માફક સર લલ્લુભાઈને ‘લલ્લુકાકા’ કહેતા અને લલ્લુભાઈ પણ મહાદેવ પર પુત્રવત્ વાત્સલ્ય રાખતા. વૈકુંઠભાઈ સાથેની મૈત્રીનું એક બીજું નિમિત્ત એ નિયમિત ચાલવાનું પણ હતું. વૈકુંઠભાઈ અને એમના બીજા મિત્રોને ક્રિકેટ રમવાનો શોખ હતો. પણ વૈકુંઠભાઈના શબ્દોમાં કહીએ તો મહાદેવ ‘આદર્શ’ વિદ્યાર્થી હતા. ચાલવું એ જ એમની કસરત હતી. વૈકુંઠભાઈ મહાદેવભાઈ જોડે ઘણી વાર ચાલતા કૉલેજમાં જતા કે ત્યાંથી પાછા આવતા અને રસ્તે મિત્રોની જ્ઞાનગોઠડી ચાલતી. જોકે મિત્રતાના કાળનું સ્મરણ કરીને વૈકુંઠભાઈએ જે વાત યાદ કરી છે તે તો મહાદેવભાઈની વિદ્વત્તા કે એમની બુદ્ધિમત્તા કરતાં એમના ચારિત્ર્યને જ વધુ વ્યક્ત કરનારી હતી. ‘કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સંબંધ મીઠો હોય છે તેમ કડવાશનો પણ અનુભવ થાય છે. ચાર વર્ષ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં સાથે ગાળ્યાં તે દરમિયાન એક્કે આકરો અથવા કઠોર શબ્દ તેમની પાસેથી સાંભળ્યાનું સ્મરણ નથી. ગાંભીર્ય શરૂઆતથી જ તેમનું મુખ્ય લક્ષણ હતું. વિદ્યાર્થીઓના જીવનમાં વિનોદ હોય છે તેનાથી તેઓ વંચિત હતા એમ હું સૂચવતો નથી, પણ અધ્યાપકો અગર સહાધ્યાયીઓની નિંદા અથવા તો રમતગમતનો ચડસ તેમનામાં મેં જોયાં નહોતાં, જ્યારે મળવા અને વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે અભ્યાસની અને દેશના જીવનની જ વાતો કરવાની ઉત્સુકતા તેમનામાં હતી. વાર્તાલાપનો શોખ તેમનામાં પહેલેથી જ હતો પણ તેમાં પ્રવીણતા તો જેમ જેમ તેમના વ્યક્તિત્વનો વિકાસ થયો તેમ તેમ વધતી ગઈ.’

કૉલેજના વિદ્યાભ્યાસ કાળમાં મહાદેવભાઈના બીજા અનન્ય મિત્ર હતા સૈયદ અબદુલ્લા બ્રેલ્વી, જે પાછળથી મુંબઈના बॉम्बे क्रॉनिकलના તંત્રી બન્યા હતા. પત્રકારત્વની દુનિયામાં હોવાને કારણે શ્રી બ્રેલ્વી રાષ્ટ્રીય આંદોલનમાં સીધા પડતા નહોતા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં તેમને ઊંડો રસ હતો. ગાંધીજીને यंग इन्डियाનો વહીવટ સોંપવામાં પણ તેમનો હાથ હતો. કૉલેજકાળ દરમિયાન થયેલી બ્રેલ્વી-દેસાઈની મૈત્રી જીવનભર વધતી ગઈ. મહાદેવભાઈના મૃત્યુ પછી સરકારના સખત સેન્સરશિપના જમાનામાં પણ મહાદેવભાઈ વિશે અગ્રલેખ લખનારાઓમાં બ્રેલ્વીસાહેબ અગ્રણી હતા. તેમણે ત્યારે મહાદેવના મરણથી ગાંધીજીને જે ભારે ખોટ પડી હશે તેનું સ્મરણ દેશને કરાવ્યું હતું.

આ ઉપરાંત बॉम्बे क्रॉनिकलમાં કળાવિવેચનની કટારો લખનાર શ્રી કનૈયાલાલ હ. વકીલ તથા પાછળથી મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરતા શ્રી અલરેજા મહાદેવભાઈના મિત્રો હતા. વૈકુંઠભાઈ, બ્રેલ્વી અને મહાદેવભાઈની મૈત્રી દિવસે દિવસે વધતી ગઈ અને આખું જીવન ટકી.

એલ્ફિન્સ્ટન કૉલેજની હૉસ્ટેલમાં જતાંની સાથે જ મહાદેવભાઈને સમજાઈ ગયું હતું કે આ ખર્ચાળ, બગાડ કરનાર અને મોજશોખ ઉડાવનાર તથા નોકરોને બૂમાબૂમ કરીને પોતાની ધાક જમાવતા વિદ્યાર્થીઓની સોબત આપણને ન ખપે. પણ એલ્ફિન્સ્ટન કૉલેજના અભ્યાસખંડોમાં પ્રવેશ કરતાં જ પંદર વર્ષની કોમળ વયના મહાદેવે પોતાની આંતરસૂઝથી એટલું સમજી લીધું હતું કે આ એક એવું વિદ્યાધામ છે જ્યાં વિવેક કરીને આપણે પોતાના પુરુષાર્થથી વિદ્યા પ્રાપ્ત કરવાની છે. અહીંનાં વ્યાખ્યાનોની નોંધો જાતે લેવાની છે. પુસ્તકાલયમાં જઈ પાઠ્યપુસ્તકો ઉપરાંત નિત્ય વિકસતા જતા રસના નવા નવા વિષયોનાં પુસ્તકો જાતે શોધી કાઢવાનાં હતાં. અધ્યાપકોમાંથી યોગ્ય માર્ગદર્શન આપી શકે તેવાની શોધ કરીને એમની સત્સંગતિ કેળવવાની હતી. જે કૉલેજમાંથી દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિંદ રાનડે, ફીરોજશાહ મહેતા, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અસાધારણ વિદ્યાવ્યાસંગીઓ નીકળ્યા હતા તે કૉલેજમાં મહાદેવભાઈ પ્રવેશ કરી રહ્યા હતા. બૌદ્ધિક ક્ષિતિજોનો વિસ્તાર કરવાની મહાદેવભાઈને માટે આ અમૂલી તક હતી અને બીજા વિષયોમાંથી ચિત્તવૃત્તિનિરોધ અને અભ્યાસવૃત્તિને લીધે તેમણે તે તક બરાબર ઝડપી લીધી. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યનો તેમને મૂળથી જ શોખ હતો. તે કાળ સુધીમાં પ્રસિદ્ધ થયેલ ગુજરાતી સાહિત્ય તો તેમણે આ ચાર વર્ષો દરમિયાન જોઈ લીધું હતું. અંગ્રેજી સાહિત્યનો પણ તેમને શોખ હતો. અવારનવાર લેખો, નિબંધો કે કવિતાઓ પણ લખતા. એક વાર કૉલેજના માસિક अेल्फिन्स्टोनियन સારુ તેમણે અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું. તે ઉપરથી અંગ્રેજીના પ્રાધ્યાપકે તેમને બોલાવીને કાવ્યને વખાણ્યા પછી એવી સલાહ આપી કે તમે ગુજરાતી કે અંગ્રેજી એકેય ભાષામાં કાવ્યો ન લખશો; ખૂબ વાંચો, મોટા મોટા કવિઓનાં ઉત્તમ કાવ્યોનું પરિશીલન કરો અને પછી લખવાની ઊર્મિ આવે તો લખજો. આ સલાહનું ગાંભીર્ય સમજી લઈ મહાદેવભાઈએ કાવ્યો લખવાની ચેષ્ટા તે કાળે ન કરી. કૉલેજ પૂરી કર્યા પછી કેટલાંક ભજનો લખેલાં. પરંતુ મહાદેવભાઈની અમર કૃતિઓ તો બંગાળી અને અંગ્રેજી કવિઓના તેમણે કરેલા અનુવાદો રૂપે જ પ્રગટ થઈ. પાછળથી એમના કામનો બોજો એટલો વધી ગયો હતો કે મૌલિક કવિતાઓ તેઓ લખી શક્યા જ નહીં. અનુવાદો કર્યા તે સંઘેડાઉતાર હતા. પણ તેય પ્રમાણમાં થોડા જ કરી શક્યા. પેલા અંગ્રેજીના પ્રાધ્યાપક પાસેથી મળેલો બોધપાઠ તો એ હતો કે કોઈ પણ વસ્તુ વિશે અભ્યાસ અને અનુભવ વિના કલમ ચલાવવી નહીં. કૉલેજકાળ દરમિયાન સાહિત્યના તેમના મૂળ શોખ ઉપરાંત તેમણે ઇતર વિષયોનું વાચન પણ ઘણું કરેલું. વળી દેશના પ્રશ્નો અંગે જ્યારે સહાધ્યાયીઓમાં ચર્ચા ચાલતી હોય ત્યારે, ખાસ કરીને ચાલતા જતી વખતે, મહાદેવ એમાં ભળતા. રાજકારણના વિષયનો રસ પણ એમને લાગી ચૂક્યો હતો. તેથી કૉલેજના પહેલા વર્ષમાં સુરતની મહાસભામાં ગયેલા તો છેલ્લા વર્ષ દરમિયાન ઠેઠ અલાહાબાદ જઈને મહાસભામાં હાજરી આપી આવેલા. અલબત્ત, આ અધિવેશનોમાં તેમણે કોઈ વિશેષ ફાળો આપ્યો હોય એમ જણાતું નથી, પણ અઢાર વર્ષની ઉંમરે, કૉલેજનું છેલ્લું વર્ષ ચાલતું હોય ત્યારે, મુંબઈથી ઠેઠ અલાહાબાદ સુધી મુસાફરી ખેડી એ જ એમનો રાજકારણ વિશેનો રસ સૂચવી જાય છે.

કાવ્યો, નાટકો અને નવલકથાઓના વિશાળ વાચન છતાં તેમણે બી. એ.માં સ્વૈચ્છિક વિષય તરીકે ફિલસૂફી લીધો. વ્યક્તિ અને સમાજને ઉપયોગી થઈ પડે એવા સર્વ વિષયોમાં એમને રસ હતો. છતાં એમનું હાડ અધ્યાત્મનું હતું. એમના પરમ મિત્ર વૈકુંઠભાઈ એની શાખ પૂરતાં કહે છે: ‘આરંભથી જ ભાઈ મહાદેવમાં ધાર્મિક વૃત્તિ હતી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી એ જાગ્રત થઈ એમ માનવાને કારણ નથી. પણ તે વિષયના ઊંડા અભ્યાસને કારણે તેમની ધાર્મિક ભાવનાઓ દૃઢ થઈ એમાં સંશય નથી. જુદા જુદા દેશના તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા-સમજવાની જે તક તેમને કૉલેજના અભ્યાસ દરમિયાન મળી તેની પૂર્ણ અસર તેમના જીવન પર થઈ અને તેનો લાભ તેમણે જનતાને પહોંચાડ્યો.’

વિદ્ધત્તાની સાધનાનું આ પાસું કૉલેજનાં ચાર વર્ષોથી પૂરું થવાનું નહોતું. એક નિત્ય વિકાસશીલ વિભૂતિનું પડખું સતત સેવનાર મહાદેવભાઈની જ્ઞાનોપાસના પણ એક જગ્યાએ જઈને અટકી ઓછી શકે? ગમે તેટલાં કામ વચ્ચે પણ એમનો અભ્યાસ ચાલતો જ રહ્યો. એ જ્ઞાનોપાસનાનો છેવટનો પરિપાક આપણને જોવા મળે છે ગાંધીજીના अनासक्तियोगના સટીક અંગ્રેજી ભાષાંતર કર્યા પછી તેની આગળ એમણે ‘માય સબમિશન’ (મારું નિવેદન) નામની, મૂળ પુસ્તક કરતાં પણ લાંબી, જે વિદ્ધત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે તેમાં.

વૈકુંઠભાઈએ મહાદેવભાઈની મૂળ ધાર્મિક વૃત્તિની વાત કહી છે એ સાવ સાચી હતી. માતાના ધાવણમાંથી અને પિતાના પ્રાથમિક શિક્ષણથી જ તે તેમને મળી હતી. નાનપણમાં એમણે વેદ-ઉપનિષદનાં પાત્રોની વાર્તાઓ વાગોળી હતી. પોતાનાં ઘરડેરાંઓ પાસે રામાયણ-મહાભારતની કથાઓ સાંભળી હતી. નથુરામ શર્માના અનુયાયી એવા એમના મુરબ્બીઓએ એમને શિસ્ત સાથે ધર્મના સંસ્કાર પણ આપ્યા હતા.

પરંતુ ચારિત્ર્ય પર સ્થાયી પ્રભાવ પાડી શકે એવી પહેલી વ્યક્તિ મળી તે ગોધરાના ‘બાપજી’, પુરુષોત્તમ સેવકરામ ભગત. મહાદેવભાઈ હાઈસ્કૂલના છેલ્લા વરસમાં ભણતા હતા, એટલે કે તેરચૌદ વરસના હતા ત્યારે હરિભાઈની બદલી વલસાડ થયેલી. ભગતજી વલસાડમાં હરિભાઈના એક મિત્રને ત્યાં પ્રસંગોપાત્ત આવતા અને અઠવાડિયું — બે અઠવાડિયાં રહી જતા. રજાઓ દરમિયાન મહાદેવભાઈ વલસાડ જાય ત્યારે આ ભગતનાં દર્શને જતા અને એમની ભજનમંડળીમાં ભળતા. હરિભાઈ અને મહાદેવ બંનેને ભજનોનો શોખ વારસાગત સાંપડલો હતો. કૉલેજમાં ગયા પછી મુંબઈ, દાદરમાં વસનજી પાર્ક પર ભગતજી આવતા, ત્યાં પણ તેઓ જતા. ગાંધીજીની સાથે ભળ્યા પછી પણ આમ અવારનવાર ભગતજીને મળવાનું થતું. બાપજીના મરણ પછી नवजीवनના એક લેખમાં મહાદેવભાઈ લખે છે:

‘કૉલેજમાં અભ્યાસ કરતો હતો તે વેળા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને તે દ્વારા શ્રી રામકૃષ્ણ પરમહંસનો કાંઈક પરિચય થયો હતો. એ પરમહંસની પ્રતિમૂર્તિ મને આ પુરુષમાં જોવા મળી. એ પરમહંસનાં વચનોનું રહસ્ય આ સંત પુરુષનાં વચનોથી મને સમજાયું. એમની સાથે કેટલોક સમય તો હું લાગટ રહ્યો છું અને પાછળથી દર વર્ષે એકાદ વાર એમનાં દર્શન કર્યાં છે. આ સમાગમ દરમિયાન એમને મેં નિરંતર ભગવદ્દભજનમાં લીન, ભગવતચર્ચામાં લીન, દેહાધ્યાસથી વિમુક્ત જોયા છે તેવા ભાગ્યે જ કોઈને જોયા હશે.

निर्मानमोहा जितसंगदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामा: ।
द्वंद्वैर्विमुक्ता: सुखदु:खसंज्ञेर् –
गच्छन्त्यमूढा: पदमव्ययं तत् ।। (गीता, 15-5)

એ વર્ણનને મારી સમજ પ્રમાણે એમનામાં મેં અજબ રીતે મૂર્તિમંત થતું જોયું.’

ગાંધીજી મુંબઈમાં હતા ત્યારે બાપજી વસનજી પાર્કમાં આવેલા તે વખતે એમનાં દર્શને ગયા ત્યારે સ્વામી આનંદ સાથે મહાદેવભાઈનો પ્રથમ આંતરિક પરિચય થયેલો તેનું વર્ણન સ્વામીએ ‘શુક્રતારક સમા’વાળા મહાદેવ વિશેના લેખમાં સ્નેહથી તરબોળ એવી કલમથી પોતાની આગવી શૈલીમાં કર્યું છે.

બાપજીની દ્વંદ્વવિમુક્ત એવી અવ્યયપદ પામેલી સ્થિતિ વિશે મહાદેવભાઈ લખે છે કે એ સ્થિતિને એમણે એકનિષ્ઠ ભક્તિથી મેળવી હતી. એકનિષ્ઠ ભક્તિના મહાદેવભાઈના પોતાના સંસ્કાર ગોધરાવાળા બાપજીની સત્સંગતિથી વધુ પુષ્ટ થયા અને ભવિષ્યમાં ગાંધીજીનાં ચરણોમાં પોતાની જાતને સમર્પણ કરવાની પરાકાષ્ઠાની નમ્રતા પ્રાપ્ત કરવામાં આ સત્સંગતિ એક નિમિત્તરૂપ બની એમ કહી શકાય. બાપજી વિશેના લેખમાં તેઓ અધ્યાત્મના વિચારોને કેવા સરળ શબ્દોમાં સમજાવતા તેનાં એકબે સરસ ઉદાહરણો મહાદેવભાઈ આપે છે. ગીતાનો સિદ્ધાંત શું? — એમ પૂછીને કહે, ‘જુઓને ગીતાનું રટણ કરો તો ગીતા-ગીતા-તાગી-તાગી એમ સમજાય છે! એટલે ગીતાનું રહસ્ય તાગી અથવા ત્યાગીમાં છે. જેણે દેહબુદ્ધિ ત્યાગી છે તેણે ગીતાને જાણી છે.’

અથવા ‘મોક્ષમાં બે શબ્દ છે: મોહ અને ક્ષય. મોહનો ક્ષય એટલે મોક્ષ જ છે.’

ભજનો દ્વારા જ બાપજી ઉપદેશ આપતા એમ કહીને મહાદેવભાઈ પોતાના અંજલિલેખમાં જે ઉદાહરણો આપે છે એનાથી એ સંતના વ્યક્તિત્વ સાથે સાથે મહાદેવભાઈના ચારિત્ર્ય પર પણ પ્રકાશ પડે છે. ભજનો તો બાપજી અનેક ગાતા હશે, પણ મહાદેવભાઈને તેમાંથી ખાસ્સી લીટીઓ ટાંકવાનું મન થાય છે તે તો છે:

‘નમીઆ સો તો સાહેબને ગમીઆ પ્યારે
નમીઆ સોઈ નર ભારી રે જી.’

ને સાખી ટાંકે છે, તો:

‘ઊંચા ઊંચા સો ચલે પણ નીચા ન ચલે કોઈ,
જો નીચા નીચા કોઈ ચલે તો સબસે ઊંચા હોઈ.
રામરસ ઐસા હે મેરે ભાઈ!’

અને પછી કહે છે, ‘રામરસ’વાળું ભજન ગાતાં એમનામાં જે મસ્તી અને ખુમારી મેં જોઈ છે તેવી ભાગ્યે જ બીજે ક્યાંયે જોઈ છે.’

શ્રદ્ધાંજલિની સભાઓમાં એક જ વ્યક્તિને જુદા જુદા લોકો જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપતા સાંભળવા મળે છે. આપણે જે શ્રદ્ધાંજલિ આપનારા લોકોને નિકટથી ઓળખતા હોઈએ તો એક સત્ય આપણને એ શ્રદ્ધાંજલિઓમાં જોવા મળશે કે શ્રદ્ધાંજલિ આપતાં આપતાં આપનાર વ્યક્તિ પોતે જે ગુણની વધુ કિંમત કરે છે, જેની એ અંદર અંદર ખેવના કરતો હોય છે તે જ ગુણ શ્રદ્ધાંજલિને પાત્ર વ્યક્તિમાં એને દેખાય છે. બાપજીને શ્રદ્ધાંજલિ આપવામાં ‘નમીઆ સૌ તો સાહેબને ગમીઆ’ કહીને મહાદેવભાઈએ પોતાના અંતરની ખેવનાને વ્યક્ત કરી છે અને આ જ લેખમાં આગળ ઉપર ‘આ જ જન્મમાં પુરુષાર્થ કરો, આ જ જન્મમાં’ અને ‘દેહના બંધનને તોડીને ફેંકી દો!’ એ એમનાં વચન વારંવાર સાંભળ્યાં છે, આજે જેમ જેમ એમનું સ્મરણ કરતો જાઉં છું તેમ તેમ એમની રામરસની મસ્તી યાદ આવે છે.

આ વચનો વાંચી સહેજે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે સો વરસનું કામ પચાસ વરસમાં પતાવીને દેહ છોડીને ચાલ્યા જવા પાછળ આ ખેવનાએ તો કામ કર્યું નહીં હોય?

‘શુક્રતારક સમા’વાળા લેખમાં ગીતાના યોગભ્રષ્ટ શબ્દને યાદ કરીને સ્વામી કહે છે:

‘શ્રેષ્ઠ પુરુષાર્થ કરતાં કરતાં અધવચે રસ્તે અચાનક તૂટેલો મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતનો ખજાનો ગાંઠ લઈને સંસારમાં આવે છે અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ તે જ પ્રમાણે એક એકથી ચડિયાતા એવા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા જ આ ધરતી પર આવ્યો હશે ને?’

આમ કૉલેજકાળ દરમિયાન મહાદેવભાઈના જીવન પર જે પ્રભાવો પડ્યા તેમાં અધ્યાત્મ અને સાહિત્યને બે મુખ્ય પ્રભાવ ગણાવી શકાય.

ફિલસૂફી અને તર્કશાસ્ત્રના ઐચ્છિક વિષયો લઈને મહાદેવભાઈ ૧૯૧૦માં બી. એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.

નોંધ:

૧.   નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित: પૃ. ૨૮-૨૯.

૨.   એજન: પૃ. ૩૯-૪૦.

૩.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૨૪૭-૨૪૮.

૪.   महादेवभाईनी डायरी – ૯ : एक संतनो देहत्यागમાંથી સારવી.

૫.   સ્વામી આનંદ: संतोना अनुज: પૃ. ૧૪૦.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.