બત્રીસ – પૂર્વ-પશ્ચિમ બંધુ-સંગમ

‘ગમે તે નિમિત્તે હું યુરોપ તરફ જાઉં ને રોમાં રોલાંને ન મળું એ તો ન બનવાજોગ વાત હતી.’ ગાંધીજીએ યુરોપ-યાત્રા પૂરી કરીને મુંબઈ બંદરે પહોંચવાને બે દિવસની વાર હતી ત્યારે ‘યુરોપથી શું લાવ્યો?’ નામના લેખમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. રોમાં રોલાંને તે કાળના લોકો, સાહિત્યકાર, સંગીતશાસ્ત્રી, તત્ત્વચિંતક તરીકે ઓળખતા હતા. પણ ઉપરોક્ત લેખમાં ગાંધીજીએ તેમને સારુ ‘સંત’ શબ્દ વાપર્યો છે. પૂર્વ અને પશ્ચિમના આ બે સંતબંધુઓનો સમાગમ મહાદેવભાઈની દૃષ્ટિએ જીવનનો એક લહાવો બની રહ્યો. ભારતની રોજેરોજ કથળતી પરિસ્થિતિને જોઈ, સરદાર વલ્લભભાઈએ તો કેબલ કરીને વિલાયતનું કામ પતે કે તરત પાછા વળવા વિનંતી કરી હતી, તોયે ગાંધીજીએ એક સ્ટીમર મોડા પહોંચીને સ્વિટ્ઝર્લૅન્ડ ને રસ્તે જવાનો નિર્ણય કર્યો હતો. અલબત્ત, એને લીધે ટ્રેનો, સ્ટીમરો વગેરેનાં ટાઇમટેબલો જોઈ, ટિકિટો ખરીદી, ઠેકઠેકાણે સંભાવિત યજમાનોની સાથે પત્રવ્યવહાર કરી ગોઠવણ કરવી, અથવા યજમાન બનવા અનેક જણ પડાપડી કરતા હોય ત્યાં પસંદગી કરવી વગેરે પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. અને ગાંધીજીના અંતેવાસીઓમાં આવી બાબતોમાં સૌથી વધુ વ્યવહારકુશળ માણસ તરીકે મહાદેવભાઈનું જ નામ બોલાતું હતું! મીરાંબહેન, અલબત્ત, રોમાં રોલાંને સૌ કરતાં વધુ જાણતાં હતાં. પણ આ યાત્રા સંબંધે મહાદેવભાઈનો ઉત્સાહ મીરાંબહેનથી જરાય ઊતરે એવો નહોતો. મહાદેવભાઈ રોમાં રોલાંને પહેલી જ વાર મળવાના હતા. અને એમ તો ગાંધીજી પણ પહેલી જ વાર મળવાના હતા; પણ આ ત્રણેની વચ્ચે આંતરિક સંબંધ જૂનો હતો.

ઠેઠ ૧૯૨૦માં રોમાં રોલાંની ડાયરીમાં ગાંધીજીનો સર્વપ્રથમ ઉલ્લેખ આવે છે. ૨૩મી ઑગસ્ટે તેમણે નોંધ કરી છે: ‘એક તરુણ બંગાળી હિંદુ, ડૉ. કે. રૉય મને મળવા આવે છે… એ અમને ગાંધીની વાત કરે છે, જેમનો હિંદુઓ પર અસાધારણ પ્રભાવ છે. એ મદ્રાસ (ભૂલ જાણીજોઈને રહેવા દીધી છે)ના વકીલ છે. એણે સાત-આઠ વર્ષ પર પોતાના લોકોની મુક્તિના કામ સારુ સમર્પિત થવા માટે પોતાની બધી સંપત્તિનો ત્યાગ કર્યો છે. એ લોકોની ઉપર એની ચુંબક જેવી અસર છે. એ તેમને શાંત (પૅસિવ) પ્રતિકારનો બોધ આપે છે અને હિંસાથી તેમને પરાવૃત્ત કરે છે. ગયા વર્ષનો મહાન વિદ્રોહ બ્રિટિશ સરકારે એને ગિરફતાર કર્યા ત્યાર પછી ફાટી નીકળ્યો હતો. અત્યારે એ દિલ્હીમાં છે. ટૉલ્સ્ટૉયના વિચારોની એની ઉપર અસર જણાય છે.’

૧૯૨૧માં કવિવર રવીન્દ્રનાથ ઠાકુર રોલાંને મળે છે ત્યારે તેઓ એમને કહે છે કે હજારો વર્ષથી ચાલી આવેલી અમારા દેશની અનાક્રમણની પરંપરાને ગાંધીએ સભાન સક્રિય કાર્યવાહીના સિદ્ધાંતનું સ્વરૂપ આપ્યું છે. પછી મદ્રાસના પ્રકાશક ગણેશન રોલાંને ગાંધીનાં પોતે પ્રકાશિત કરવા ધારેલાં લખાણોના સંગ્રહનાં પ્રૂફ મોકલી આપે છે. ગણેશન તેમની પાસે એ પુસ્તકની પ્રસ્તાવના માગે છે. પણ રોલાં પુસ્તકને આદ્યંત વાંચ્યા વિના પ્રસ્તાવના આપવાનો અસ્વીકાર કરે છે અને એમ પણ જણાવે છે કે, ‘આ મહાન પુરુષમાં એમને આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ કરતાં શુદ્ધતમ અને ઉચ્ચતમ પ્રકારના આધ્યાત્મિક રંગે રંગાયેલા રાષ્ટ્રવાદી વધુ દેખાય છે. એવો રાષ્ટ્રવાદ કદાચ આજકાલના યુરોપના ઘમંડી અને ભૌતિકવાદી રાષ્ટ્રવાદીઓ સારુ એક ઉત્તમ આદર્શ તરીકે રજૂ કરી શકાય. રોલાં જેવા કોઈક દિવસ એમને વિશે યુરોપના કોઈ સામયિકમાં એકાદ લેખરૂપે રજૂ કરી શકે, ગ્રંથની પ્રસ્તાવના તરીકે નહીં. આવા ગ્રંથનું ગંભીર અધ્યયન કર્યા વિના એને વિશે ઉતાવળે અભિપ્રાય આપવો એ પણ તેમના સ્વભાવની વિરુદ્ધ હતું. ૧૯૨૨માં રોલાં પોતાની ભગિની સાથે ગાંધીનાં લખાણોનાં સાતસો-આઠસો પૃષ્ઠોના સાહિત્યનો અભ્યાસ કરે છે અને એમના મિત્ર કાલિદાસ નાગને કહે છે કે એ લખાણનો કેટલોક ભાગ અમર રહે તેવો છે, જ્યારે બીજો કેટલોક એવો ક્ષણભંગુર છે કે આખી વિચારધારાને હાનિ પહોંચાડી શકે. ગાંધીના ‘વિજ્ઞાન વિશેના મધ્યકાલીન અવિશ્વાસ’ વિશે તેમને તેવું લાગે છે. શ્રી નાગ રોલાંને રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા લખાયેલા પત્રની નકલ મોકલે છે, જેમાં વ્યક્ત થયેલા વિચારો રોલાંના વિચારો જોડે ઘણા મળતા આવે છે.

૧૯૨૩માં રોલાં શ્રી નાગને લખે છે કે ગાંધીનાં લખાણોનું ભાષાંતર છપાશે તેની પ્રસ્તાવના તરીકે પોતે બે લેખો લખશે. પાછળથી ‘વીર પુરુષોનાં જીવન’ નામે તેમણે જે ગ્રંથાવલિ બહાર પાડવા માંડી હતી તેમાં ગાંધીનો પણ ઉમેરો કરવાની તેમની ઇચ્છા હતી. કારણ, ‘એનાથી બીજો કોઈ વીરપુરુષ વધુ પવિત્ર, વધુ સીધો ને વધુ સાચૂકલો જોવા નહીં જડે — યુરોપમાં તો કોઈ એની પાસે પણ પહોંચી શકે એમ નથી.’

માર્ચ ૧૯૨૩માં રોલાં એક પત્રમાં ગાંધી અને રવીન્દ્રનાથની તુલના સેંટ પૉલ અને પ્લેટો જોડે કરે છે.

એ જ વર્ષમાં સી. એફ. ઍન્ડ્રૂઝ રોલાંને મળે છે અને એમની આગળ આ બંને વિભૂતિઓ અંગે ઊંડાણથી વાત કરે છે.

એ જ વર્ષમાં રોલાંનો गांधी ગ્રંથ તૈયાર થાય છે, ૧૯૨૪માં એ પ્રસિદ્ધ થાય છે. ગાંધીજીની બીમારી અંગે ગણેશન મારફત રોલાં ગાંધીજીને સહાનુભૂતિનો સંદેશો મોકલે છે.

૧૭મી ફેબ્રુઆરી, ૧૯૨૪ને દિન રોમાં રોલાં અને પૉલ રિશાર સંયુક્ત સહીથી ગાંધીજીને લખે છે:

અમે સાથે મળીને તમને અમારાં પ્રેમ અને પ્રશંસા પાઠવીએ છીએ. હવે તમે ફરી પાછા મુક્ત છો, જેલની દિવ્ય છાયામાંથી યુદ્ધક્ષેત્રના સૂર્યપ્રકાશમાં પ્રવેશ્યા છો. ભારત આ ફેરે તૈયાર હો. અને યુરોપ પણ પોતાના અરણ્યમાં તમારો શબ્દ સાંભળો. ભારતના પ્રેમ અને માનવતાની સેવામાં.

તમારા પૉલ રિશાર અને રોમાં રોલાં.

પેલી બાજુ ગાંધીજી ઑપરેશન પછી યરવડા જેલમાંથી સાસૂન હૉસ્પિટલમાં આવે છે ત્યારે એક દિવસ મહાદેવભાઈ તેમને ક્લેરેન્સ માર્શ કેસના પુસ્તક ‘नॉनवायलंट कोअर्शन‘ વિશે પૂછે છે. જવાબમાં ગાંધીજી કહે છે:

હા, એમાંનાં પાછલાં બે પ્રકરણ વાંચ્યાં. છેલ્લું નહીં. એ માણસે ખૂબ વાંચીને ભેગું કર્યું છે. પણ રોમાં રોલાં જેવું નહીં. કાંઈક સ્ક્રેપી (અસંબદ્ધ અને તૂટક) પણ કહેવાય. ટિળકની સાથેની તુલનામાં રોલાંની ખરી આર્ષદૃષ્ટિ છે. કવિ ત્યાં દ્રષ્ટા દેખાય છે. કેવળ કવિત્વ નથી પણ સાચું દર્શન છે.

૧૯૨૪ના નવેમ્બરમાં રોલાંનો સંદેશો લઈને દા. કાલિદાસ નાગ ગાંધીજીને મળવા આવે છે. તેઓ માહિતી આપે છે કે રોલાંના ગાંધીજી ઉપરના પુસ્તકનો બધી યુરોપિયન ભાષામાં તરજુમો થઈ ગયો છે. રશિયનમાં મૅક્સિમ ગોર્કી જેવા અગ્રગણ્ય સાક્ષરે તેનું ભાષાંતર કર્યું છે. મહાદેવભાઈ લખે છે કે, ‘પણ આજે ફ્રાન્સ દેશને રોમાં રોલાં સરખા મહાપુરુષની કિંમત નથી, તેમનો અહિંસા અને શાંતિનો ઉપદેશ ઝીલવાને ત્યાં આજે કોઈ તૈયાર નથી, આજે તેઓ પરિવ્રાજક છે.’ રોલાંને ભારત આવવાની તીવ્ર ઇચ્છા છે. નાદુરસ્ત તબિયત અને આર્થિક મુશ્કેલી વેઠીને પણ એ આવવા તૈયાર હતા. પણ ૮૮ વર્ષના વૃદ્ધ પિતાથી અવાય એમ નહોતું અને એમને મૂકીને રોલાંથી નીકળાય એમ નહોતું. ગાંધીજીને ૧૯૨૬માં અને ૧૯૨૮માં યુરોપ જવાનાં નિમંત્રણો મળ્યાં હતાં. બંને વાર એમ તો જવાનું ખાસ મન નહોતું છતાં રોમાં રોલાંને મળાશે એવી આશાએ તેમનું મન એ નિમંત્રણ સ્વીકારવા તૈયાર થઈ ગયું હતું. અન્ય કારણોથી તેઓ જઈ નહોતા શક્યા. પણ બંને વખતે તેમણે પોતાની સાથે મહાદેવ તો હશે જ એમ ગોઠવ્યું હતું. પહેલી વાર તો મહાદેવે કપડાં વગેરેની ચિંતા ન કરવી, તેઓ જ એની ગોઠવણ કરી લેશે એમ પણ જણાવેલું.

આ વખતે ગોળમેજી પરિષદ માટે આવવા નીકળ્યા ત્યારે યુરોપમાં સર્વપ્રથમ માર્સેલ્સ બંદરે પગ મૂક્યો તે વખતે નાજુક તબિયતને કારણે પોતે સ્વાગત કરવા ન આવી શક્યા તેનો રોમાં રોલાંને ભારે વસવસો હતો. પણ તેમણે પોતાની બહેન દ્વારા ખૂબ ઉમળકાભર્યો સંદેશો પાઠવ્યો હતો. ઇંગ્લંડમાં ચિસેસ્ટરના બિશપને જ્યારે મહાદેવભાઈએ પૂછ્યું કે આજના મુખ્ય શાંતિવાદીઓ કોણ ત્યારે તેમણે નિ:સંકોચ રીતે આલ્બેર સ્વાઈત્ઝર અને રોમાં રોલાંનાં નામ આપ્યાં હતાં. અને ગાંધીજી ખુદ તો રોલાંના નામનો જપ ઇંગ્લંડમાં એકથી વધુ વાર કરી ચૂક્યા હતા.

૬–૧૨–’૩૧ને રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં વિલેનવ નામના નાનકડા ગામમાં જ્યારે ગાંધીજી અને મહાદેવભાઈ પહોંચ્યા ત્યારે રોમાં રોલાં સાથેની મુલાકાતનું વર્ણન આપતાં પહેલાં જ મહાદેવભાઈ એની લાંબી પ્રસ્તાવના કરે છે:

જ્યારથી મીરાંબહેન આશ્રમમાં આવ્યાં ત્યારથી રોમાં રોલાંનો સંબંધ ગાંધીજી સાથે વધ્યો. જોકે ગાંધીજી વિશે પુસ્તક તો એમણે એ અગાઉ બે-ત્રણ વર્ષ ઉપર લખ્યું હતું. જર્મનીના ક્રાંતકવિ અને સંગીતકાર બીથોવનના ભક્ત અને ચરિત્રકાર, રોમાં રોલાં તરફ [એ] આકર્ષાયા. અને ત્યાર પછી રોમાં રોલાંના ગાંધીજી વિશેના પુસ્તકથી ગાંધીજી તરફ આકર્ષાયાં. પણ (આમ?) રોમાં રોલાં અને ગાંધીજી વચ્ચે ચિરંતન સંબંધ બાંધનાર મીરાંબહેન થઈ પડ્યાં.

ગાંધીજીની મુલાકાત રોમાં રોલાં તીવ્રપણે ઇચ્છતા હતા. બે વખત યુરોપની મુસાફરીની યોજના ઘડાઈ હતી અને રદ કરવામાં આવી હતી, અને એથી, ગાંધીજી અને રોમાં રોલાં બંનેને દુ:ખ થયું હતું, પણ બંનેએ ધીરજપૂર્વક રાહ જોઈ; અને દરમિયાન, રોમાં રોલાં, યુરોપની સાચી સ્થિતિથી ગાંધીજીને વાકેફ રાખતા ગયા અને પોતાની સાથે ગુફ્તેગો કરવા માટે ગાંધીજીની ભૂખને ઉત્તેજિત કરતા ગયા. વધુમાં, છેલ્લાં બે વર્ષથી એમની તબિયત પણ ડામાડોળ રહેતી હતી, અને આ વખતે જો એમને મળ્યા વિના પાછા જવું પડે તો ગાંધીજી પોતાની જાતને કદી માફ ન કરે. આમ આ યાત્રા કેટલાય વખતથી પાકી થઈ ગઈ હતી.

એમના હૃદયે જ્વાળામુખી સળગી રહેલો હતો, અને એને ઠારવા માટે જાણે એઓ ગાંધીજીની શીતળ ગોષ્ઠિની આશા રાખતા બેઠા હતા.

આત્માના સગપણથી જોડાયેલા આ બન્ને બંધુઓની મુલાકાતના વર્ણનથી મહાદેવભાઈની ડાયરીનાં પાનાંનાં પાનાં ભરાય તેમાં નવાઈ નથી, કારણ, મહાદેવભાઈને આમાં માત્ર શાંતિવાદી દૃષ્ટિએ યુરોપની તત્કાલીન પરિસ્થિતિનું વિશ્લેષણ તો જણાય જ છે, પણ તે ઉપરાંત તેમને ટૉલ્સ્ટૉય, બીથોવન, રામકૃષ્ણ અને રવીન્દ્રનાથની પરોક્ષ હાજરી પણ વર્તાય છે. અને વળી આ સ્થાનની શાંતિ અને તેનું અપૂર્વ સૌંદર્ય પણ ગાંધીજી અને મહાદેવભાઈ બંનેને આકર્ષે છે. મહાદેવભાઈ રોમાં રોલાં વિશે કહે છે:

ગયા યુદ્ધ વખતે એમણે ફ્રેંચ સરકારની ઇતરાજી મેળવી, એમની અતિશય પજવણી થઈ, કેટલોક સમય જિનીવામાં યુદ્ધનિવારક પ્રચાર કર્યો અને પછી અનેક પહાડોથી વીંટળાયેલા જિનીવાના સુંદર સરોવરતટે આવેલા ‘વિલિનવ’ નામના નાનકડા ગામડામાં વસ્યા. એમના આત્મામાં જગતમાં જ્યાં જ્યાં સત્ય, શિવ અને સુંદર છે એને વિશે અનુરાગ ભરેલો છે; પણ એમની પ્રકૃતિ સાદા, ભોળા, પોતાના જ વાતાવરણમાં ખૂંચેલા ફ્રેંચમૅનની છે. એમના પુસ્તકભંડારમાં જર્મન, ફ્રેંચ, રશિયન પુસ્તકો ખડકેલાં છે. એમના સત્ય અને અહિંસાના પ્રેમે એમને ટૉલ્સ્ટૉયના શિષ્ય બનાવ્યા, ગાંધીજીના પૂજારી બનાવ્યા, અને હવે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના રસિયા બનાવ્યા છે.

બંને જણની વાતચીતમાં પહેલો ઘસારો રોમાં રોલાંનો. તેમને વર્તમાન યુરોપ વિશે ગાંધીજીને ઘણી ઘણી માહિતી અને ઘણી ઘણી ચેતવણી આપવાની છે. સ્વિટ્ઝર્લૅન્ડથી ગાંધીજી ઇટાલી થઈને હિંદ પાછા જવાના હતા. ઇટાલીમાં મુસોલિનીની સરમુખત્યારશાહી તે વખતે ખીલી ચૂકી હતી તેથી આગળ ઉપર રવીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતનો મુસોલિનીએ જેમ દુરુપયોગ કરી લીધો હતો તેમ ગાંધીજીનો ક્યાંક કરી ન જાય એની ચિંતા હતી. વળી સામ્યવાદના મૂળ વિચારોમાં જે શિવતત્ત્વ છે તેનો પણ ગાંધીજીને સ્પર્શ થાય એવી ઉત્સુકતા હતી.

એ ઘસારાનો થોડો ભાગ અત્યંત સંક્ષેપમાં — આપણે જોઈએ. રોલાંનાં લગભગ એકલાનાં જ વચનો, તે પણ ભાવ બને એટલા અકબંધ રાખીને, થોડા શાબ્દિક ફેરફાર સાથે ટૂંકાવીને: ‘વિશ્વયુદ્ધ પછી (ફ્રાન્સના પ્રમુખ) ફ્લેમેન્શોએ સુલેહ કરી, પણ તે ન ટકે એવી. અમેરિકાના પ્રમુખ વિલ્સને પાયા વિનાની માનવતાની વાત કરી. પછી બંનેની હાર થઈ. આર્થિક, સામાજિક અને નૈતિક દૃષ્ટિએ. મને એમ હતું કે મારો દેશ પ્રામાણિક છે, પણ મેં જોયું કે રાજકારણ પાછળનું ગુપ્ત બળ પૈસો હતો. બુદ્ધિજીવીઓમાં નિર્ણયશક્તિ નહોતી, કોઈ શ્રદ્ધા નહોતી તેથી તે બળોને રોકવાના પ્રયત્ન નિષ્ફળ ગયા. પ્રતિકાર માટેનું જોઈતું બળ યુરોપ ને અમેરિકાની લોકશાહીમાં નથી. છાપાંની મુક્તિ એ એમનો ધ્યેયમંત્ર હતો, પણ છાપાં પૈસા પર ચાલે છે. તેથી તે પૈસાપાત્ર માણસોના હાથમાં છે. આ બધું ખ્રિસ્તી અપ્રતિકારકો રોકી શકે, પણ પ્રશ્ન યુદ્ધ લડવાનો નથી, ચૂસણખોરી સામે લડવાનો છે. ૧૯૧૭માં રશિયા ઊભું થયું છે. અમને થાય છે કે ધનબળ રશિયા સામે જીતશે તો યુરોપની દુનિયા માટે આશાનો અંત આવવાનો. લેનિન અંગત વેરઝેરથી પર હતો, પણ સ્ટેલિનમાં એ નૈતિક મહાનુભાવિતા નથી.

મધ્યમ વર્ગમાં કોઈ નૈતિક ચારિત્ર્યબળ નથી. તમે લેનિનને મળી શક્યા હોત તો કેટલું સારું થાત? તમારા જેટલી સત્યોપાસના એની હતી પણ તમારા માર્ગો ન્યારા હતા. તમે રસ્કિનનું अनटु धिस लास्ट વાંચ્યું છે પણ માર્ક્સનું कॅपिटल વાંચ્યું નથી. તમને નિંદવાનો એક બેવકૂફ પ્રચાર ચાલી રહ્યો છે. હું વીસ વર્ષ નાનો હોત તો કેવું સારું થાત? તો હું યુરોપ સામે લડ્યો હોત.’

મુસોલિની વિશે રોલાંએ કહ્યું:

એનું માનસ ગૂંચવણભરેલું છે. એ કાર્ય કરતાં વધુ તો વ્યક્તિ માટે ઝંડો લઈને ફરે છે. એનામાં જેટલી હિંમત છે તેટલી જ કાયરતા છે. ટાગોર જ્યારે મુસોલિનીને મળવા ગયા ત્યારે [તેણે] કહ્યું, ‘હું [યે] શાંતિ અને અહિંસામાં માનું છું.’ [અને] ટાગોરના કથનને ઇટાલિયન છાપાંઓએ વિકૃત સ્વરૂપે રજૂ કર્યું; અમને જ્યારે એમણે સુધારા મોકલી આપ્યા ત્યારે કોઈ છાપાં એને છાપે નહીં. પોપ આદર્શ તરીકે શાંતિની તરફદારી કરે છે. તમારે એને મળવું જોઈએ. પણ જો, તમે એમને મળવા જાઓ અને મુસોલિનીને ન મળો તો મુસોલિની એને મોટો ગુનો ગણશે. મહાન મુત્સદ્દીઓ મહાન કુકર્મો સાથે સંકળાયેલા હોય છે.

આટલું લખ્યા પછી મહાદેવભાઈ લખે છે:

આમ પહેલે જ દિવસે પોતાના હૃદયનો ઊભરો ઠાલવીને, પોતાની ખુરશી ખસેડી, ગાંધીજીના બંને હાથ પોતાના હાથમાં લીધા અને અનેક યુગનો આશક, માશૂક ઉપર પોતાની તીક્ષ્ણ દૃષ્ટિ માંડી રહે તેમ અનેક ક્ષણ સુધી દૃષ્ટિ માંડી રહ્યા.૧૦

રોમાં રોલાંનાં બહેન મેડલિન દુભાષિયા તરીકે કામ કરતાં હતાં. એ કહે કે, ‘આવો દિવસ આવશે એવું અમે કોઈ દિવસ જાણતાં નહોતાં. અમને થતું કે તમને જોયા વિના જ અમારે આ દુનિયા છોડવી પડશે કે શું?’૧૧

ગાંધીજીએ રોલાંને જણાવ્યું કે શાંતિની વાત કરવા તેમને મુસોલિનીને મળવાની ઇચ્છા હતી. અને તેઓ પોપને પણ મળવા માગતા હતા. કારણ, એમ કરવાથી હિંદના કૅથલિક લોકોનો વધુ વિશ્વાસ સંપાદિત કરવાની તેમને આશા હતી.

રોલાંએ ચેતવ્યા: ‘તમે મુસોલિનીનો અમલ સ્વીકારો છો એવું કાંઈ બોલાઈ ન જવાય એની કાળજી રાખજો. તમે નિવેદનો ઘડીને છપાવજો. ઇટાલીમાં એ નહીં છાપે. તમારે તમારી સાથે કોઈ અમેરિકન ખબરપત્રીને રાખવા જોઈએ.’

ગાંધીજીએ કહ્યું કે મારે સંબંધ નહીં હોય એવા વિષય પર બોલીશ નહીં.

રોલાંએ ભય વ્યક્ત કર્યો કે લોકો તમારી વિરુદ્ધ બોલશે તે તમે સમજી નહીં શકો.

ગાંધીજી: હું મારી ફરજ બજાવીશ. અને પરિણામો વિશે ઉદાસીન રહીશ.

રોલાં: ગરીબ માણસને તમારો સંદેશો આપવાની તમારી ફરજ છે.

ગાંધીજી: આટલી બધી કાળજીવાળી અને ચોક્કસ સાવચેતીઓ રાખવી કોઈ પણ માણસ માટે અશક્ય છે એમ મને લાગે છે.

રોલાંએ ફરી ફરીને કોઈને સાથે રાખવા વિશે આગ્રહ કર્યો ત્યારે ગાંધીજીએ કહ્યું:

તાત્કાલિક પરિણામ એ આવશે કે ઇટાલીનાં છાપાંવાળા મને ખોટી રીતે રજૂ કરશે. પણ બોલાયેલા એક સારા શબ્દની અગર કરેલા એક સારા કામની અસર લાંબા ગાળે સારી પડે છે. હું કોઈ લાલચમાં ફસાઈશ નહીં એટલી ખાતરી અમને હોય તો અમારે આ જોખમ ઉઠાવવું જોઈએ.૧૨

બીજા દિવસની ચર્ચામાં ગાંધીજીએ કહ્યું કે:

તમે જ્યારે કહ્યું કે અહિંસા હિંદુસ્તાનમાં કામયાબ નીવડે પણ યુરોપમાં કામમાં ન આવે ત્યારે મને લાગ્યું કે આ એક ઘણો જ ગંભીર પ્રશ્ન છે. મને એમાં જરાય મુશ્કેલી લાગતી નથી. એનું સીધુંસાદું કારણ એ છે કે અહિંસા [પણ] સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય. આનો એ અર્થ નથી કે હું અહિંસાનો સંદેશો યુરોપને આપવાની શક્તિ ધરાવું છું — સિવાય કે એ હિંદુસ્તાનની મારફતે ફૂટી નીકળે.૧૩

આમ આપણને એક વિચિત્ર વિરોધાભાસ જોવાને મળે છે કે ‘આંતરરાષ્ટ્રીય’ રોમાં રોલાંને અહિંસા હિંદમાં શક્ય લાગે છે, યુરોપમાં નહીં અને તેમની કલ્પના મુજબ જે ગાંધી ‘રાષ્ટ્રવાદી’ છે, તેમને અહિંસા એક સાર્વત્રિક શક્તિ દેખાય છે!

નવમી ડિસેમ્બરે રોમાં રોલાં પોતાની ડાયરીમાં લખે છે:

આજે સાંજે ગાંધીના પ્રથમ સેક્રેટરી, મહાદેવ દેસાઈ જોડે ફરી એક વાર ટૂંકો પણ સુખકર વાર્તાલાપ થયો. તે એક પાંત્રીસ-ચાળીસ વરસનો, ઊંચો, કદાવર, તેજસ્વી અને બુદ્ધિમાન ચહેરાવાળો, દેખાવડો ભારતીય છે. મારી બહેને એની જોડે મારા કરતાં લંબાણથી વાતો કરી છે. મને એની જાણ છે કે ગાંધીને જ સંપૂર્ણ રીતે સમર્પિત થવા સારુ એણે વકીલાત છોડી હતી. અને એને એ સમર્પણથી અખૂટ આનંદ સાંપડ્યો છે. પરંતુ મને મીરાં પાસેથી જાણવા મળ્યું છે, અને આજે સાંજે એ મને જાતે જ કહે છે કે મારાં લખાણો અને વિચારોનેય એના જીવનમાં થોડું સ્થાન છે. મીરાં જ્યારે આશ્રમમાં આવી ત્યારે તેઓ બંને મારે વિશે વાત કરી શકશે એમ વિચારીને એને ખૂબ હરખ થયો હતો. દેસાઈએ મીરાંને ફ્રેંચ શીખવવાનું કહ્યું કે જેથી મારાં લખાણો મૂળમાં વાંચી શકાય. પણ ગાંધીએ આ સાંભળ્યું ત્યારે તેણે બંનેને આ બાબત એમ કહીને યોગ્ય રીતે જ, ખૂબ સખત ધમકાવ્યાં હતાં, કે આવા સમયે એમણે કળાકૃતિઓ વાંચવામાં સમય ગાળવાને બદલે દેશને ખાતર પૂરો સમય આપવો જોઈએ. પણ એને લીધે દેસાઈએ પોતાનો અભ્યાસ છોડ્યો નહીં. એ મને જણાવે છે કે હવે એને એટલી ફ્રેંચ આવડે છે કે મૂળ લખાણનાં અંગ્રેજી ભાષાંતરોમાં ક્યાં ક્યાં ભૂલચૂક થઈ છે એ તેને સમજાય છે. એ મને ‘જ્યાઁ ક્રિસ્તોફ’ અને ‘ટૉલ્સ્ટૉયનું જીવન’ મૂળ ફ્રેંચમાં આપવા કહે છે. એને આશા છે કે એને દેશમાં ગયા પછી થોડા જ વખતમાં જેલ જવાનું થશે. ત્યાં એને મારી ચોપડીઓ વાંચવાની નવરાશ મળશે. એની આંખોમાં રહેલી લાગણીઓ અને એની ભારતીય ભંગિઓમાં રહેલી ભક્તિ એને મારે સારુ કેટલી સ્નેહભરી કૃતજ્ઞતાની લાગણી છે એ મને કહી જાય છે. એણે અને પ્યારેલાલે વરસોથી આ મિલનની વાટ જોઈ છે. બે વાર તો એ થતું થતું રહી ગયું હતું અને એ કહે છે કે હવે એ એક સ્વપ્ન સમ લાગે છે. ગાંધીની મંડળીમાં દરેક જણ પૂરો થાકે ત્યાં સુધી કામ કરે છે. ગુરુ પોતે જ્યારે સૂઈ જાય છે ત્યારે દેસાઈ અને પ્યારેલાલ ઘણી વાર મોડી રાત સુધી જાગીને દિવસ દરમિયાન લીધેલી નોંધોની સાફ નકલ કરે છે. દેસાઈનું કામ એ નોંધોમાંથી यंग इन्डियाને સારુ સંપાદન કરવાનું છે.૧૪

રોમાં રોલાંને ત્યાં જ ગાંધીજીને એક પરોઢિયે ‘સર્વિસ સિવિલ ઇન્ટર નૅશનલ’ના સ્થાપક પિયેર સેરેસોલ મળે છે. તેઓ એક અત્યંત નિર્મળ હૃદયની વ્યક્તિ હતા. એમની જોડેનું મિલન પણ सताम् सद्भि: संग: સમું બની રહ્યું હતું. સ્વિટ્ઝર્લૅન્ડની એકબે સભાઓમાં ગાંધીજીને કેટલાંક ધાર્મિક જૂથો મળ્યાં હતાં. તેમની સાથે ઉત્તમ પ્રશ્નોત્તરી પણ થઈ હતી. ‘ઈશ્વર સત્ય છે’ એમ કહેવાને બદલે ‘સત્ય ઈશ્વર છે’ એમ કહેવાનું હું પસંદ કરીશ એ સૂત્ર ગાંધીજીએ લોસાંની એક સભામાં ઉચ્ચાર્યું હતું. એ સભા ઘણું કરીને, પિયેર સેરેસોલ અને તેમના મિત્રોએ અંતરાત્માના આદેશને કારણે લશ્કરી સેવાનો વિરોધ કરનારાઓને સારુ યોજી હતી.૧૫ એક પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ કહ્યું:

ગિરિપ્રવચનના ઉપદેશને તમે તજી દીધો છે એવું જો મને માલૂમ પડે તો મને દિલગીરી થાય. જિસસનો એ સંદેશ યુરોપના ખ્રિસ્તીઓ જીવી જાણે છે [એવું મને માલૂમ પડે તો] એના કરતાં બીજા કશાથી મને વધુ આનંદ ન થાય… તમે તમારી જાતની કુરબાની કરવા તૈયાર ન હો તો તમે તમારી જાતને બચાવી શકો નહીં.૧૬

મહાદેવભાઈ નોંધ કરે છે કે:

આ ઉત્તર સાંભળીને પિયેર સેરેસોલ નાચ્યા. એ ઉત્તરમાં એમને પોતાના કામને માટે ગાંધીજીનો આશીર્વાદ મળી રહ્યો. એમણે એક મિત્રને કહ્યું, ‘અત્યાર સુધી અમે શંકાશીલ હતા, ઠરીને બંધાવાનો અચળ ખીલો અમને મળ્યો નહોતો. હવે આ ખીલે બંધાવાથી અમને અવળે માર્ગે જવાનો ડર નથી.૧૭

સ્વિટ્ઝર્લૅન્ડથી વિદાય થતાં મહાદેવભાઈએ લખેલ એકબે ફકરા એ દેશના અનુભવનો ચિતાર બહુ થોડા શબ્દોમાં આપી દે છે:

મારે કહેવું જોઈએ કે સ્વિટ્ઝર્લૅન્ડમાંના આ દિવસોમાં અમને અતિ કીમતી અનુભવો થયા છે. પાસેના અને આઘેના, સૌ લોકો પ્રેમભરી ભેટો લઈ આવ્યા હતા. કોઈ ફૂલો લાવ્યા અને કોઈએ ગીતો સંભળાવ્યાં. સૌથી છેલ્લે આવનાર ગોવાળિયા હતા જેમણે એમનાં ગો-ગીતો અતિ ઉત્સાહભેર ગાયાં. સેંકડો બાળકો અમારા ઉતારે ટોળે વળ્યાં અને ગાંધીજીને એમનું સુમધુર સંગીત સંભળાવ્યું. એક મિત્ર તો, રોજ જ્યારે ગાંધીજી એમનો સવારનો નાસ્તો કરતા હોય ત્યારે એમનું વાયોલિન લઈને આવે અને વગાડે. આજે સવારે જ જ્યારે અમે જિનીવા જવા નીકળતા હતા ત્યારે એક સાદી ગામડિયણે મારા હાથમાં એક પરબીડિયું મૂક્યું. મેં ધાર્યું એ એક ‘રામ રામ’ કહેતો પત્ર હશે. મોડી સાંજે મેં એ ખોલ્યું તો એમાંથી એક [ચિઠ્ઠી અને] પાંચ ફ્રેંકનો સિક્કો નીકળ્યાં. ચિઠ્ઠીમાં લખ્યું હતું: ‘એક સ્વિસ મજૂરણ તરફથી, તમારી એક અત્યંત ગરીબ બાઈને એક નાનકડી ભેટ.’ બીજો એક ટાઇપ કરેલો પત્ર — સ્પષ્ટ દેખાતું હતું કે એ, ગાંધીજીની પ્રવૃત્તિઓથી પરિચિત રહેતી એક સ્ત્રીનો — હતો. એની સાથે વીસ ફ્રેંકની નોટ હતી અને એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું, ‘હિંદીઓનાં દુ:ખને મારે મારાં માનવાં જોઈએ. તમે કેટલો ભાર વહી રહ્યા છો એની મને ખબર છે; અને છતાં સ્વિટ્ઝર્લૅન્ડ માટે અને આ આખા દુ:ખી યુરોપ માટે તમે પ્રાર્થના કરો એવું હૃદયપૂર્વક તમારી પાસેથી માગ્યા વિના મારાથી રહી શકાતું નથી.’

[આમ] વિલેનવમાં છઠ્ઠીથી અગિયારમી [સુધીના દિવસો] અતિશય સ્મરણીય [દિવસો] હતા. મો. રોમાં રોલાંનો બાપુને માટે નિરવધિ પ્રેમ [દેખ્યો] એમની બાલોચિત સરળતા જોઈને બડોદાદા યાદ આવતા હતા. એમની ઉદારતા પણ અસીમ. પણ વહેમ — જ્ઞાનતંતુઓ તંગ થઈ જવાના કારણે ભરાયેલો વહેમ — સારી પેઠે. [કહે] ‘મુસોલિનને ન મળવું,’ ‘એની સગવડો ન લેવી,’ ‘મળવા જવું તો સારી પેઠે સાવચેતીથી જવું.’ ‘પોતાના માણસને સાથે રાખવા,’ ‘એની સાથેની વાતોની નોંધ રાખવી,’ એવી એવી સૂચના આપી. બાપુ કહે, ‘આવી સાવચેતી રાખવી એ મારા સ્વભાવમાં નથી; અને એણે જે સગવડ આપવાનું કહ્યું છે તેની “ના” પણ ન પડાય…’૧૮

ગાંધીજી ઇટાલી ગયા ત્યાર બાદ રોમાં રોલાં પોતાના અનેક મિત્રોને ગાંધીજીની મુલાકાત અંગે હરખભેર પત્રો લખે છે. એ પત્રોમાં લગભગ અચૂકપણે ગાંધીજીના સાથીઓ વિશે પણ ઉલ્લેખ આવે છે. મહાદેવભાઈ વિશેના એવા બેત્રણ ઉલ્લેખો નીચે ઉદ્ધૃત કર્યા છે.

૨૪મી ડિસેમ્બરે ફ્રાન્સના મિત્ર લ્યુસિન રૉથને:

એમની જોડેના બે સચિવો, મહાદેવ દેસાઈ અને પ્યારેલાલ વખાણવા લાયક જુવાનિયા છે — ખાસ આવડતવાળા અને જન્મજાત કલાકારો. પણ તેમણે પોતાનું સર્વસ્વ એમને સમર્પી દીધું અને એનો તેમને જરાય પસ્તાવો નથી. એ લોકો તો પેલા મનુષ્ય અને તેના આશ્રમમાંથી દીપ્તિમંત થતા પવિત્રતા અને વીરતાના અસાધારણ વાતાવરણથી પુલકિત થતા હતા.૧૯

અને ૨૫મી ડિસેમ્બરે યુ.એસ.એ.માં લ્યૂસિન પ્રાઇસને:

એમની સાથે હતી મીરાં (મિસ સ્લેડ) જેનાં અંગો રુઆબદાર હતાં અને જેની ચાલ ને દેખાવ ડેમેતેર (લક્ષ્મી) જેવાં હતાં. અને ત્રણ ભારતીયો હતા — ગાંધીનો નાનો દીકરો દેવદાસ, જેનું ગોળ અને હસતું મોં છે (સરસ છોકરો છે, એનું નામ કેટલું મોટું છે એનું એને પૂરું ભાન નથી.’ અને બે સચિવો ને શિષ્યો — હૃદય અને મસ્તિષ્કના અસાધારણ ગુણોવાળા યુવાનો — મહાદેવ દેસાઈ અને પ્યારેલાલ.૧૯

૨૯મી જાન્યુઆરી, ૧૯૩૨ને દિન ફ્રન્સની એસ્થર મર્ચંદને:

‘બે સચિવો, મહાદેવ દેસાઈ અને પ્યારેલાલ. (બે ખૂબ કળાદૃષ્ટિવાળા સંસ્કારસંપન્ન યુવાનો).’૨૧

સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ બે દિવસ લંબાયો તેથી ઇટાલીના દિવસ કપાયા હતા. સરકારે મિલાનથી ફર્સ્ટ ક્લાસનો એક ડબ્બો ગાંધીજી સારુ ફાળવી આપ્યો હતો. એક મિત્રે આગ્રહ કર્યો કે ગાંધીજીએ રોમ તો જવું જ જોઈએ એટલે વેનિસને બદલે રોમ થઈને બ્રિન્ડિસી જઈને ત્યાંથી બોટ પકડવાનું ઠર્યું.

સમયના અભાવે મંડળી મિલાન રોકાઈ ન શકી, પણ સ્ટેશન પર બે પ્રાચ્યવિદ્યાવિશારદો ગાંધીજીને મળ્યા. તેમણે બે પુસ્તકો ભેટ આપ્યાં.

એ પુસ્તકમાં, રોમન અને દેવનાગરી લિપિમાં સુંદર રીતે છાપેલો, ઉપનિષદનો સાર હતો — આપણી સંસ્કૃતિના સમારકરૂપી આ ગ્રંથનાં થોડાંક ચૂંટેલાં રત્નો — શ્લોકો, અને એની ઉપરનાં ટિપ્પણો. બીજા પુસ્તકનું નામ भक्तियोग હતું. એમાં ભગવદ્ગીતાનો બારમો અધ્યાય, ખ્રિસ્તીઓએ गिरिप्रवचन અગર हाउन्ड ऑफ हेवन જે ભાવભરી કાળજીથી અને સુંદર કલાત્મક રીતે છાપ્યાં છે તે મુજબ છાપ્યો છે. એ બારમા અધ્યાયનો દરેક શ્લોક જુદો પાડીને છાપ્યો છે અને દરેકનું પૃથક્કરણ અને એના ઉપરનું ટિપ્પણ આપ્યાં છે; કર્તાની વિદ્વત્તા, અને ગીતાના કદાચ સૌથી સુંદર અધ્યાયને — જે અધ્યાયને, અનેક રીતે અધમમાં અધમ માણસ પણ ઈશ્વર સાથે એકતા સાધવા આત્મવિલોપનનો અધ્યાય કહી શકાય, તેને — પસંદ કરવામાં રહેલી એમની અદ્ભુત રુચિ, પ્રશંસાપાત્ર છે…૨૨

રોમમાં ગાંધીજીએ પોપ પાસે મુલાકાત માગી હતી. મહાદેવભાઈ લખે છે: ‘પોપે મળવાની ના પાડી. રવિવારે મળતા નથી, અને આજ સવારનો બધો વખત ભરાઈ ગયેલો છે એ બહાને!’૨૩

માદામ મૉન્ટેસોરીને ગાંધીજી લંડનમાં મળ્યા હતા અને ઉભય પક્ષે ખૂબ સ્નેહાદરપૂર્વક મળવાનું થયું હતું. રોમમાં મૉન્ટેસોરીની એક શાળા ગાંધીજી અને તેમની મંડળીએ જોઈ હતી.

ટૉલ્સ્ટૉયની એક દીકરી સિનિયોરા અબ્બેર્ટિના એક ઇટાલિયનને પરણી હતી. તે ગાંધીજીને ખાસ મળવા આવી હતી. તે એક કાળે રોમાં રોલાંની મિત્ર હતી. ગાંધીજીએ ઝાંખી થતી એ મૈત્રીને પુન: ઘેરી બનાવવા પ્રયાસ કર્યા હતા. આ મુલાકાત ટૂંકી હતી, પણ તે લાંબી ચાલી હોત તો કેવું સારું થાત એવી લાગણી મહાદેવભાઈના મનમાં રહી ગઈ.

ગાંધીજીની મુસોલિની સાથેની મુલાકાતને પ્રમાણમાં ઓછી પ્રસિદ્ધિ મળી છે. એ મુલાકાત જે તે કાળના સૌથી મોટા સરમુખત્યારને મનગમતી થઈ હોત તો ઇટાલીનાં સર્વ પ્રચારમાધ્યમો તેનો ઢંઢેરો પીટત અને સર્વ ફાસિસ્ટ વિરોધી દેશો એનો કાંઈક ને કાંઈક વિરોધ કરતા. પણ એમ જણાય છે કે ઇટાલીનાં છાપાંઓમાં આ મુલાકાતને બહુ પ્રસિદ્ધિ મળી નહોતી. તેથી તેની વિગતો મહાદેવભાઈની ડાયરીઓમાં દટાઈ રહી છે. હિંસાને આધારે સત્તા જમાવનાર એક સરમુખત્યાર, જેણે પોતાની પ્રજા સારુ ઠીક ઠીક કામો કર્યાં હતાં, પણ તે પોતાના સંસ્થાનવાદ અને લશ્કરશાહીને જોરે, તે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને પડકારનાર એક અહિંસક દેશભક્તને મળી રહ્યો હતો. મુસોલિની જોડે વાતચીત કરવા બાબત રોમાં રોલાંએ હજી થોડા દિવસ ઉપર ગાંધીજીને ચેતવ્યા હતા, પણ એવી કોઈ સાવચેતી રાખવાની આપણને ફાવે નહીં, એમ વિચારી ગાંધીજી ખુલ્લે મને, કોઈ પણ પ્રકારની કાર્યસૂચિ વિના મુસોલિનીને મળવા ગયા હતા. મુસોલિનીને ગાંધીમાં કદાચ એટલા માટે રસ હશે કે એ બ્રિટિશ સામ્રાજ્યના વિરોધી હતા. છતાં જાહેર રીતે આ અહિંસાપ્રચારક જોડે વાતચીત કરતાં હિંસાનું દર્શનશાસ્ત્ર ઊભું કરાવનાર આ સેનાપતિને થોડીઘણી મૂંઝવણ તો થઈ હશે. આખી મુલાકાત, તે વખતનું વાતાવરણ, તે વખતના મુસોલિનીના હાવભાવો કેવા હતા તે, ગાંધીજીના પ્રતિભાવો કેવા હતા તે બધીયે વિગતો મહાદેવભાઈએ ટપકાવી રાખી છે. તેથી તે સહેજ વિસ્તાર-દોષ વહોરીને પણ નીચે લગભગ એમ ને એમ આપી છે:

અનેક ઓરડાઓમાંથી થઈને એક અનેક હથિયારો ભરેલા ખંડમાં, અને ત્યાંથી થઈને એક અતિ વિશાળ ખંડમાં અમને લઈ જવામાં આવ્યા. બારણા આગળ મૂર્તિ૨૪ લેવા આવી. બધાંની સાથે હાથ મેળવ્યા; પોતાના ટેબલ આગળ બે ખુરશી મૂકેલી હતી તેમાંથી એક પર બાપુને બેસાડ્યા, અને એક ઉપર મીરાં બેઠી અને જનરલ મોરિસ અને હું ઊભા રહ્યા! અમને ઊભા રાખ્યા૨૫ — કારણ, ખુરશી નથી એમ વિવેક કરવાનો ડોળ પણ ન કર્યો.

ધીમે ધીમે એક એક વાક્યના સવાલ પુછાવા લાગ્યા, અને સવાલ પૂછતાં પૂછતાં એની આંખમાં એની ઝીણી કાળી કીકી વારંવાર ફર્યા કરતી હતી. લાંબા ટેબલ ઉપર ખડિયો, પેપર કટર, ચપ્પુ, એક પ્યાલામાં નારંગીનો રસ, એક પ્યાલામાં ચાર લાલ-ભૂરી પેન્સિલો, પોતાની આંખ આગળ વિજયની મૂર્તિની પ્રતિમા, ટેબલને એક ખૂણે એક સિંહ, ટેબલ એક નાનકડા ગાલીચા ઉપર, છતમાં સો બત્તીએ બળતું ઝુમ્મર, વિશાળ હૉલ — લગભગ આખો ગાલીચા વિનાનો!

‘તમને ઇટાલી ગમે છે?’

બાપુ: ‘મને તમારો સુંદર દેશ ગમે છે.’

‘તમે પોપને મળ્યા?’

બાપુ: ‘વારુ, એ મને મુલાકાત આપી શક્યા નહીં. એમણે કહ્યું, રવિવારે એ કોઈને મળતા નથી અને આજે સવારે, એ, કામમાં રોકાયેલા હતા.’

પેલાએ મોં બગાડ્યું, આંખ મટમટાવી — જાણે પોપનું જૂઠાણું જાણતો હોય તેમ. અને બીજા સવાલ ઉપર વળ્યો.

‘ગોળમેજી પરિષદ પૂરી થઈ?’

‘હા, જોકે હજી થોડું કામ બાકી છે; અને કહેવામાં આવ્યું છે કે એ મુલતવી રાખવામાં આવી છે. એક કારોબારી સમિતિ નીમવામાં આવી છે જેણે કામ ચાલુ રાખવાનું છે.’

‘તમે કાંઈ મેળવ્યું?’

‘ના, કારણ કે કાંઈ મળશે એવી મને આશા નહોતી.’

એની આંખમાંથી લુચ્ચું અને તિરસ્કારભર્યું સ્મિત ચમક્યું.

‘હિંદુસ્તાનની, આર્થિક બાબતોમાં સ્થિતિ કેવી છે?’

‘ખરાબ; જોકે અમે અમારી જરૂરિયાત કરતાં વધુ પેદા કરીએ છીએ એ કારણે, બીજા દેશોની જેટલી ખરાબ છે તેટલી નહીં; અને રોજબરોજ થતું શોષણ ન હોત તો, અને આવકના લગભગ એંશી ટકા લશ્કર પાછળ ઘસડાઈ જતા ન હોત તો અમે સુખી હોત.’

[એણે] ડોકું હલાવ્યું.

‘તમારો કાર્યક્રમ શું છે?’

‘અમારે સવિનયભંગની લડત ઉપાડવી પણ પડે.’

‘હિંદુ-મુસ્લિમ પ્રશ્નનું શું?’

‘ચીટકી રહીને કોઈ ને કોઈ રીતે અમે એને પાર પાડીશું. છેવટે, અમારે ત્યાં, ઇસ્લામના કેટલાક ઉત્તમ પ્રતિનિધિઓ છે, જે કૉંગ્રેસને માટે કામ કરે છે. ડૉ. અન્સારીથી ચડે એવો, દુનિયામાં કોઈ તમને જડશે નહીં. પેગંબરને જ્યારે મક્કાથી નીકળી જવું પડ્યું હતું ત્યારે મદદ કરનાર અન્સાર કુટુંબમાંથી એ ઊતરી આવ્યા છે.’

‘તમે એક થઈ જશો એમ તમને લાગે છે?’

‘મને લેશમાત્ર શંકા નથી.’

‘હિંદુસ્તાન માટે તમને સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઈએ છે?’

[‘સંપૂર્ણ’ કહીને આંખ મટમટાવી.]

‘હા; પણ ઇંગ્લંડ સાથે સમાન કક્ષાની ભાગીદારીનો એમાં નિષેધ નથી. અત્યારે ઇંગ્લંડ હિંદુસ્તાનને ચૂસી રહ્યું છે. જ્યારે એ, એ બંધ કરશે ત્યારે ભાગીદારીમાં પડતાં મને વાંધો નહીં આવે.’

‘તમે પ્રજાસત્તાક રાજ્યનો વિચાર કરો છો?’

‘વારુ, હા; મારે લોકશાહી તંત્ર જોઈએ છે.’

‘બધાં રાજ્યનો એક વડો હોય એમ તમે વિચારો છો?’

‘ના. હું, એકેએક હિત તરફથી ચૂંટાયેલા પ્રમુખનો વિચાર કરું છું.’

‘સામ્યવાદ હિંદુસ્તાનમાં સફળ થાય એમ તમને લાગે છે?’

‘ના, હું એમ માનતો નથી.’

‘મારો પણ એ અભિપ્રાય છે.’

‘તમે ઇંગ્લંડ કેટલી વખત ગયા છો? કેટલા મહિના?’

[આ બીજું વાક્ય બોલીને અંગ્રેજી સુધાર્યું.]

બાપુએ બે મહિના કહ્યા; મીરાંએ ત્રણ કહ્યા. એટલે મીરાં તરફ જોઈને કહે:

‘ઇંગ્લંડમાં શું સ્થિતિ છે?’

બાપુ: ‘ખરાબ. જાપાન અને તમે એના સફળ હરીફ છો તે કારણે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિને એ પહોંચી વળી શકશે નહીં. તમે — ખાસ કરીને તમારો બનાવટી રેશમી માલ — એને માટે મોટે ભાગે જવાબદાર છે.’

ઝીણી કાળી કીકીઓ આત્મસંતોષથી મલકી રહી.

‘યુરોપની સ્થિતિ વિશે તમે શું ધારો છો?’

‘હવે તમે, લાંબા વખતથી હું જેની રાહ જોઉં છું તે પ્રશ્ન મને પૂછ્યો. હાલ છે તે મુજબ યુરોપ ચાલી શકે નહીં — સિવાય કે એ એના આર્થિક જીવનનો આખો પાયો બદલે; સિવાય કે એ એનાં મૂલ્યાંકનોમાં ધરમૂળથી ફેરફાર કરે. હાલની ઇમારત એ ટકાવી રાખી શકશે નહીં — એને ટકાવી રાખવા માટે એ ગમે તે પગલાં લેશે તોપણ.’

‘પૂર્વ અને પશ્ચિમનો મેળ ન બેસે?’

‘કેમ નહીં? પશ્ચિમ, પૂર્વને ચૂસતું આવ્યું છે [પણ] જે ઘડીએ એ પૂર્વને ચૂસવાનું બંધ કરશે તે ઘડીએ સહકાર શક્ય બનશે.’

પેલાએ પાછું કહ્યું, ‘હું પણ એમ જ ધારું છું.’

આટલું કહીને એ ઊઠ્યો અને બાપુને વળાવવા ચાલ્યો. બાપુને કહે, ‘હું આશા રાખું છું ઇટાલી અને રોમની, તમારા ઉપર સારી છાપ પડી હશે.’

બાપુ: ‘હા, હા. એ બહુ સરસ દેશ છે, અને રોમ એક સુંદર શહેર છે. મારા માટે પહેલા વર્ગનો ડબ્બો રાખવા માટે તમારો ઘણો આભારી છું.’

પેલો કહે: ‘ના, ના, એમાં કાંઈ નથી.’

પછી બાપુએ કહ્યું, ‘તમારી સંસ્થાઓ વિશે કેટલુંક જોવાનું મને ગમત, પણ એક દહાડામાં એ બની શકે નહીં.’

હૉલમાં[થી] નીકળતાંવેંત જોઈએ તો ફોટોગ્રાફરો ઊભેલા! એમણે બાપુ, મીરાં, જનરલ અને મારો ફોટો પાડ્યો.

પાછા ફરતાં બાપુ કહે, ‘જોઈ એની બિલાડા જેવી આંખ!’

મેં કહ્યું, ‘એવી જ ચમકતી હતી. એમાં વેર અને ઝેર ભર્યાં હતાં. દુષ્ટતા તો હતી જ.’

ઘેર આવીને પણ ‘બિલાડા જેવી આંખો’ કહી.

મેં કહ્યું કે, ‘સેતાનની આંખ આથી વધારે સારી ન હોઈ શકે;’ તો બાપુએ વાંધો ન ઉઠાવ્યો!

બધાં ગયાં પછી બાપુ કહે, ‘તમે બધા ન હોત તો કદાચ એ વધારે વાત કરત. તમે તો જાણો છો ને કે એ મીરાંને જાસૂસ પણ સમજતો હોય.’

મીરાં કેમ આવી શક્યાં એનો મેં બાપુને ખુલાસો કર્યો, એટલે બાપુ કહે, ‘એ બેવકૂફ છે.’૨૬

રોમનો કાર્યક્રમ એટલી ઉતાવળે ગોઠવાયો હતો કે મુલાકાતીઓની ભીડ પૅરિસ કે જિનીવા જેવી નહોતી. નવરાશનો લાભ લઈને નગરદર્શન સારુ ગાંધીજી પણ ગયા. સામાન્ય રીતે સંગ્રહાલયો કે દેવળોમાં ગાંધીજીને જતા ન કલ્પી શકાય. પણ અહીં તેમ બન્યું, એટલે મહાદેવભાઈએ એનું પણ મનોરમ ચિત્ર રજૂ કર્યું:

વેટિકન જોવામાં આશરે બે કલાક ગાળ્યા અને એનો પૂરો બદલો મળી ગયો. જે કોઈ થોડી દુનિયા મેં જોઈ છે તેમાં, વેટિકનના સિસ્ટાઇન દેવઘરમાંનાં અદ્ભુત ભીંતચિત્રોની અને શિલ્પકૃતિઓની સંગ્રહસ્થાનની તોલે આવે એવું કાંઈ નથી. દેવઘરમાં માઇકલઍન્જેલોનાં અજોડ ચિત્રો ઉપરાંત વધસ્તંભ ઉપર જિસસનું એક પૂતળું છે જે પથ્થરના હૃદયને પણ પિગળાવે એવું છે. ગાંધીજી એની આગળ કેટલીક ક્ષણ સુધી ઊભા રહ્યા, એની નજીક ગયા, એની પાછળ ગયા — જાણે કે એની પ્રદક્ષિણા કરી, અને બોલ્યા, ‘આંખમાંથી આંસુ આણે એવું કામ છે.’ શિલ્પસંગ્રહાલયમાંની ઉત્તમ કૃતિઓમાં એક પ્રખ્યાત ‘લાઓકૂન’૨૭ છે. એના ઉપર, બાપ અને બે દીકરાઓ મળી ત્રણ શિલ્પીઓએ, નાગની — જેને આપણે દુનિયા કહીએ છીએ તેની — ચૂડમાંથી છૂટવા માટેના મનુષ્યના સતત પરિશ્રમનો ખ્યાલ આપવામાં પોતાની સઘળી શક્તિઓ ખરચી નાખી છે. બીજી ધ્યાન ખેંચે એવી કૃતિ નાઇલ હતી. એના પ્રતીક તરીકે સૂતેલો એક મહાકાય મનુષ્ય હતો. એના એક હાથમાં આબાદી હતી અને બીજા હાથમાં અનાજનાં કણસલાં હતાં. એ મહાકાયના શરીર ઉપર નાચતાં, અને એની આજુબાજુ વહેલ માછલી ઉપર સવારી પણ કરતાં અનેક નાનાં ભૂલકાંના સ્વરૂપે નદીને મળતી નાની નદીઓ હતી. ગાંધીજી કહે, ‘આ તો ગંગાજી છે.’૨૮

આખા ઇંગ્લંડમાં સાથે ફરેલા કદાવર અંગ્રેજ અંગરક્ષકો ઇવાન્સ અને રોજર ઠેઠ બ્રિંડિઝીમાં બધા બોટમાં બેઠા ત્યાં સુધી સાથે હતા. છૂટા પડતાં ગાંધીજીએ એમને કહ્યું કે:

‘તમારી સેવાની કિંમત આંકી જાય એમ નથી. તમને પૈસાની ભેટ આપવાની મારી તાકાત નથી, પણ તમે સંભારણા તરીકે જે ઇચ્છો તે આપવાનો પ્રયત્ન કરીશ.’ એ લોકોએ ઘડિયાળ ઇચ્છયું. ‘અમારાં છોકરાંનાં છોકરાં એક અમૂલ્ય વારસા તરીકે એ સાચવશે. એમાં ગાંધીજીનું નામ કોતરાવી આપજો.’ ગાંધીજી કહે, ‘એ તો તમે રૂડી ભેટ માગી. તમને ઇંગ્લંડની બનેલી ઘડિયાળ મોકલી આપશું.’૨૯

ઇટાલીના પ્રવાસને અંતે મહાદેવભાઈ આમ લખે છે:

બધું કહ્યાકારવ્યા પછી, ઇટાલીનાં બે ચિત્રો મને યાદ રહી જશે. એક ઇટાલીનું સંકેતચિહ્ન — સળિયાનો ભારો અને કુહાડી. દરેકેદરેક ઇટાલિયન અધિકારીના પોશાક ઉપર એ હોય છે; અને એ ચિહ્ન મુસોલિનીના વિશાળ ખંડની બહાર સોનેરી રંગથી ચીતરેલું છે. આ ધ્યાન-ચિહ્ન ડરામણું છે અને એનો ભાવાર્થ સમજવો મુશ્કેલ છે.

બીજું ચિત્ર, જ્યાં જઈએ ત્યાં ભાવભીના સત્કારનું અને ભાવભીની વિદાયનું છે. ગરીબોના લત્તામાંથી ગાંધીજીને લઈ જવામાં આવતા હતા ત્યારે હજારોએ એમનું અભિવાદન કર્યું; મિલાન, રોમ અને બ્રિંડિઝીમાં સેંકડો માણસોએ — જેમાં સિપાહીઓ અને સૈનિકો પણ હતા, તેમણે — એમના હસ્તાક્ષર માટે પડાપડી કરી; અને રોમના રસ્તાઓમાં, સેંકડો, એમની પાછળ પાછળ ભમ્યા. જે વિદ્વાન એમને મિલાન સ્ટેશને મળ્યા હતા તેમણે સુંદર દેવનાગરી લિપિમાં લખેલા એક પત્રમાં ભગવદ્ગીતામાંથી, ગાંધીજીને આપી શકાય એવું એક અત્યંત યોગ્ય વિશેષણ — गान्धवे सर्वभूतहिते रता: વાપર્યું. સૃષ્ટિના કલ્યાણ માટે એકનિષ્ઠ ગાંધીને અનેકાનેક નમસ્કાર. એક ઇટાલિયન બાઈ અમારી પાછળ પાછળ લગભગ એક કલાક સુધી ફરી અને પાછી કૉલેઝિયમ આગળ અમે છૂટા પડ્યા ત્યારે એણે અમને એક કાર્ડ આપ્યું જેના ઉપર પણ गान्धवे महात्मने नमोनम: લખેલું હતું. એ, ફિલસૂફીમાં પારંગતની પદવી ધરાવતી હતી, અને સંસ્કૃતની પંડિત હતી.

અને [છેલ્લે] ‘પિલ્સાના’માં નીકળવા માટે ગાંધીજી (બોટની) નિસરણી ચઢવા જતા હતા ત્યાં આ પ્રમાણે એક માનપત્ર એમની સમક્ષ વાંચવામાં આવ્યું:

મહાત્મા! બ્રિંડિઝીના ઇતિહાસ અને કલાશોખીનોનું મંડળ તમને નમન કરે છે. જેમ સને ૧૯૨૫માં તમારા મહાન મિત્ર રવીન્દ્રનાથ ટાગોરને ઈ. સ. પૂર્વે પાંચમા સૈકાના એક પ્યાલામાં અમે પીણું આપ્યું હતું તેમ જ અને તે જ પ્યાલામાં, જે તમારો રોજનો ખોરાક છે, અને જેમાંથી તમે, મુક્તિ અને ન્યાયના તમારા દૂતકાર્ય માટે શક્તિ મેળવો છો તે — દૂધ અમે તમને આપીએ છીએ.

‘દૂધ બકરીનું છે?’ ગાંધીજીએ હસતાં હસતાં પૂછ્યું.

‘એ બકરીનું દૂધ છે.’ ‘એ બકરીનું દૂધ છે.’ ઇટાલિયન ભાષામાં અનેક જણ બોલી ઊઠ્યા. અને ગાંધીજીએ ઈસવીસન પૂર્વના પાંચમા સૈકાના એ પ્યાલામાંથી દૂધ પીધું.૩૦

બ્રિંડિઝીથી આગબોટમાં બેસી ગાંધીજી અને તેમની મંડળી તા. ૨૮–૧૨–’૩૧ને દિને મુંબઈ પહોંચી. લંડનમાં ગાંધીજી જેમના મહેમાન હતા તે કુમારી મ્યૂરિયેલ લેસ્ટર અને બે અંગરક્ષકો ઇવાન્સ અને રોજર ઇટાલીથી પાછા ફર્યા. યુરોપથી સાથે થયેલાં શ્રી અને શ્રીમતી પ્રિવેટ તેમની સાથે ડેક-મુસાફરો તરીકે મુસાફરી કરી મુંબઈ બંદરે ઊતર્યાં.

રસ્તામાં એડનમાં ગાંધીજીએ લોકો આગળ પોતાની ગોળમેજી પરિષદની સફરનું સરવૈયું કાંઈક આવા શબ્દોમાં રજૂ કર્યું હતું:

લંડન જવા નીકળતી વખતે મેં મુંબઈમાં કહ્યું હતું કે મારા હાથને અગર મારી જાતને ગંદી કર્યા વિના હું લંડનથી પાછો આવું તો હું [ઈશ્વરનો] આભાર માનીશ. અને તમને જણાવતાં મને આનંદ થાય છે કે હું ખાલી હાથે પાછો આવ્યો છું છતાં મારા હાથને ગંદા કર્યા વિના આવ્યો છું.૩૧

ગાંધીજીના એક સચિવ શ્રી પ્યારેલાલે એક ઠેકાણે આવા વિચારોને સહેજ વિસ્તૃત ઉદ્ધરણમાં ટાંક્યા છે:

હું કબૂલ કરું છું કે હું ખાલી હાથે પાછો આવ્યો છું. પણ મને એટલો સંતોષ છે કે જે વાવટાની આબરૂ મારા હાથમાં સોંપાઈ હતી તે વાવટો મેં નીચો નમાવ્યો નથી, કે તેની પ્રતિષ્ઠાને કોઈ રીતે ઝાંખપ લાગવા દીધી નથી. મેં નિરંતર એવી કાળજી રાખી છે, ને પ્રાર્થના કરી છે, કે મારાથી ગફલતની કોઈ ક્ષણે કે નબળાઈની કોઈ પળમાં એવું કંઈ કામ ન થાઓ કે એવું કંઈ વચન ન બોલાઓ, જેનાથી મારા દેશનું ગૌરવ ઝાંખું પડે કે મારા દેશભાઈઓએ મારા પર મૂકેલા વિશ્વાસને માટે હું અપાત્ર ઠરું.૩૨

ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગીત લખ્યું હતું:

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!

દાંડીકૂચ વખતે ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર કનુ દેસાઈએ કૂચ કરતા ગાંધીજીનું એક ચિત્ર દોર્યું હતું.

આ બંને કલાકૃતિઓને ધ્યાનમાં રાખીને મહાદેવભાઈએ ગાંધીજીના વિલાયત જતાં પહેલાંના થોડા દિવસોની પરિસ્થિતિના વર્ણનની સાથે સાથે આ કૃતિઓથી ઉત્પન્ન થતા ભાવોને પોતાની લાક્ષણિક શૈલીમાં સમજાવ્યા હતા.

વિલાયતથી તેઓ પાછા ફર્યા ત્યારે દેશમાં નવેસરથી તાવણી માટેનું વાતાવરણ તૈયાર થઈ ગયું હતું. એ વાતાવરણના સંદર્ભમાં મહાદેવભાઈએ વિદેશયાત્રા પહેલાં કરેલું પેલી બે કલાકૃતિઓનું રસદર્શન હજી વધારે અર્થસભર બની જાય એમ છે.

ભાઈ કનુ દેસાઈએ દાંડીના યાત્રીનું ચિત્ર દોર્યું તેની પાસે જીવંત ચિત્ર હતું, તેને એણે પીંછીથી ઉતારીને ચિરંજીવ દૃશ્યચિત્ર કરી મૂક્યું. આ ચિત્રની કથા કોઈ ભૂલી જાય, અને મેઘાણીજીનું ‘છેલ્લો કટોરો’ નામનું બાપુને વિદાયનું કાવ્ય — જે એ ચિત્રની સાથે છપાયું છે તે — લઈને બેસે તો ક્ષણ વાર કોકને પ્રશ્ન થાય કે આ ચિત્ર ઉપરથી કાવ્ય સ્ફુર્યું હશે કે કાવ્ય ઉપરથી ચિત્ર સ્ફુર્યું હશે!

મને લાગે છે કે ગાંધીજીની આ વિલાયતયાત્રા ભાઈ કનુ દેસાઈનું ચિત્ર વધારે સાર્થ કરે છે. એ ચિત્રમાં જે ગંભીર કરુણાની છાયા છે તે દાંડીયાત્રા કરતાં વિલાયતયાત્રાને વધુ લાગુ પડે છે. પણ ચિત્ર જોઈને રીઝીએ, જોયા કરીએ, કંઈક અંદરના ભાવની કલ્પના કરીએ; પણ કાવ્યની લહેજત જુદી છે. મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના [વિલાયત જતાં પહેલાંના] છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧મી ઑગસ્ટે હૉટસનસાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે ૨૭મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને — પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધારપછેડો ઓઢીને — જોયા કીધું હોય એમ લાગે છે:

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું;
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું;
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું;
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન: રિપુ-મન માપવું, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ!33

વિલાયત જતાં પહેલાં લખાયેલા આ ગીતની સાર્થકતા સ્વદેશ પાછા ફરતા ગાંધીજીનું બ્રિટિશ સરકારે જે રીતે સ્વાગત કર્યું તેનાથી વધુ કરુણ-કઠોર રીતે પ્રતીતિ થતી હતી.

નોંધ:

૧.   गांधीजीनो अक्षरदेह – ૪૮ : પૃ. ૪૪૯.

ર.   દિલીપકુમાર રૉય.

૩.   પબ્લિકેશન્સ ડિવિઝન: रोमां रोलां अॅन्ड गांधी कॉरस्पोन्डन्स: પૃ. ૩. અનુવાદ: નારાયણ દેસાઈ.

૪.   બધી માહિતી એજન પૃ. ૩થી ૨૨માંથી સારવીને.

૫.   महादेवभाईनी डायरी – ૬ : પૃ. ૧૬.

૬.   સને ૧૯૨૬ અને ૧૯૨૮ महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૮૮ની પાદટીપ ૨.

૭.   महादेवभाईनी डायरी – ૧૫ : પૃ. ૪૨૫.

૮.   એજન, પૃ. ૪૨૪.

૯.   महादेवभाईनी डायरी – ૧૫ : પૃ. ૪૨૬થી ૪૩૩માંથી સારવીને.

૧૦.   એજન, પૃ. ૪૩૩.

૧૧.   એજન, પૃ. ૪૩૩.

૧૨.   એજન, પૃ. ૪૩૬થી ૪૩૮માંથી સારવીને.

૧૩.   એજન, પૃ. ૪૩૯.

૧૪.   પબ્લિકેશન્સ ડિવિઝન: रोमां रोलां अॅन्ड गांधी कॉरस्पोन्डन्स: પૃ. ૧૯૮. અનુવાદ: નારાયણ દેસાઈ.

૧૫.   લીઝાં જિનીવ સરોવરકાંઠે આવેલ એક ગામ છે. ત્યાં ૮–૧૨–’૩૧ને રોજ ગાંધીજીએ ત્રણ સભાઓ કરી હતી. આ સભા એક દેવળમાં ભરાઈ હતી.

૧૬.   महादेवभाईनी डायरी–૧૫: પૃ. ૪૮૧.

૧૭.   એજન, પૃ. ૪૮૨.

૧૮.   એજન, પૃ. ૪૮૪–૪૮૫.

૧૯.   પબ્લિકેશન્સ ડિવિઝન: रोमां रोलां अॅन्ड गांधी कॉरस्पोन्डन्स: પૃ. ૪૫૩. અનુ. નારાયણ દેસાઈ.

૨૦.   એજન, પૃ. ૪૫૫.

૨૧.   એજન, પૃ. ૪૭૫.

૨૨.   महादेवभाईनी डायरी – ૧૫ : પૃ. ૪૮૬.

૨૩.   એજન, પૃ. ૪૯૦.

૨૪.   અર્થાત્ મુસોલિની પોતે.

૨૫.   એટલે અમારે ઊભા જ રહેવું એવી ગોઠવણ હશે.

૨૬.   महादेवभाईनी डायरी – ૧૫ : પૃ. ૪૯૧થી ૪૯૫.

૨૭.   એજન, પૃ. ૪.

૨૮.   એજન, પૃ. ૪૯૧.

૨૯.   એજન, પૃ. ૪૯૮. ભારત પહોંચતાં ગાંધીજીએ એ વચન પૂરું કર્યું હતું.

૩૦.   એજન, પૃ. ૪૯૮થી ૫૦૦.

૩૧.   એજન, પૃ. ૫૧૫.

૩૨.   કુમારી મ્યૂરિયેલ લેસ્ટર: गांधीजीनी युरोपयात्रा: પ્રસ્તાવના, પૃ. ૩.

૩૩.   महादेवभाईनी डायरी – ૧૫ : પૃ. ૪.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.