ત્રીસ – સંઘર્ષ સારુ તૈયાર: સમાધાનનો સત્કાર

૨૬મી જાન્યુઆરી, ૧૯૩૧ને દિન ગાંધીજી જેલમાંથી છૂટ્યા; ૨૭મી ઑગસ્ટે હિંદના વાઇસરૉય સાથે બીજી વારના કરાર થયા; ૨૯મી ઑગસ્ટે તેમણે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા સારુ મુંબઈનું બંદર છોડ્યું. સાત માસના આ ગાળામાં દેશે સત્યાગ્રહીના એક નવા સ્વરૂપનાં દર્શન કર્યાં. દેશે જોયું કે સત્યાગ્રહી અન્યાયનો પ્રતિકાર કરવા જેટલો સજ્જ હોય છે તેટલો જ માનભર્યા સમાધાન સારુ પ્રતિબદ્ધ હોય છે અને સમાધાનની શરતો પોતાને તરફે પાર પાડવા એ આકરી તાવણીમાંથી પસાર થવા પણ તત્પર હોય છે. સત્યાગ્રહીની આ અભિનવ ભૂમિકા ભજવવામાં દેશે જે સાથ આપ્યો તે જેવોતેવો નહોતો; અને આ નવી ભૂમિકા દેશવાસી પાસે પહોંચાડવામાં મહાદેવભાઈનો સહકાર પણ કાંઈ જેવોતેવો નહોતો. મહાદેવભાઈની ભૂમિકા ગાંધીજીનાં વક્તવ્યોની નોંધ કરનારની, नवजीवनના લેખ લખનારની, વલ્લભભાઈના સલાહકારની, દેશને સારુ ભાષ્યકારની અને પ્રતિપક્ષીની સાથે મંત્રણાકારની હતી. આ પાંચે પ્રકારની ભૂમિકામાં મહાદેવભાઈની વિચક્ષણ કાર્યક્ષમતા, ભાષાની મધુરતા અને સ્વભાવની નમ્રતાએ તેમની બહુમુખી પ્રતિભાને પ્રગટ કરી હતી.

દાંડીકૂચથી આરંભ થયેલ પૂર્ણ સ્વરાજ માટેની અહિંસક લડાઈ જેવી લડાઈ જગતે પહેલાં કદી જોઈ નહોતી. એ લડાઈથી માત્ર સત્યાગ્રહીઓને કે સહાનુભૂતિવાળા નાગરિકોને જ કષ્ટ વેઠવું નહોતું પડ્યું, એમાં સરકારપક્ષે પણ ઓછું સહેવાનું નહીં આવ્યું હોય. દેશમાં સાઠેક હજાર જેટલા સત્યાગ્રહીઓએ જેલ ભોગવી હતી એ સાચું, પણ સરકારને એ સાઠ હજારને પકડવા પડ્યા હતા, એમની ઉપર કોર્ટોમાં કામ ચલાવવું પડ્યું હતું; તેમને કાચી ને પાકી જેલમાં રાખવા પડ્યા હતા; તેમને સારુ નવી જેલો શરૂ કરવી પડી હતી; કોને કયા વર્ગમાં અને કેટલી ‘સગવડો’ સાથે રાખવા એની ભાંજગડ કરવી પડી હતી. લોકો તરફે હજારો સરઘસો નીકળ્યાં હતાં એ ખરું, પણ એ સરઘસને રોકવાં કે પસાર થવા દેવાં, રોકવાં તો કેટલે દૂર ગયા પછી રોકવાં, એ રોકવા કેટલું બળ વાપરવું એ પણ સરકારને સારુ માથાનો દુખાવો થયો હશે. વળી આ લડતમાં આબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષો ભળ્યાં હતાં એટલે કિશોરોની ‘વાનરસેના’ સાથે કેમ વર્તવું, એમને માટેની બાળતુરંગો કેવી અને કેટલી કાઢવી, સ્ત્રીબંદીઓનો ‘બંદોબસ્ત’ કેવો કરવો એ પ્રશ્નોએ સરકારને કાંઈ ઓછી પજવી નહીં હોય. આ લડતના બે પક્ષોની અમલબજવણી કરનારામાં એક મુખ્ય તફાવત એ હતો કે સત્યાગ્રહીઓ તરફે સ્વેચ્છાપૂર્વક બલિદાન આપવાની વૃત્તિ કે એકબીજાનું જોઈને હોંશે હોંશે ઝંપલાવવાની અથવા ખેંચાવાની વૃત્તિ હતી, તો બીજી બાજુ સરકાર તરફે ફરજબજવણી, પેટ ખાતર વેઠ કરી છૂટવાની વૃત્તિ હતી. સત્યાગ્રહીઓને પક્ષે જો કાર્યકર્તા અને સામાન્ય જનતા એવા ભેદ હતા તો સરકારને પક્ષે ગોરા અમલદારો અને દેશી અમલદારો એવા ભેદ હતા. બંને તરફ કામ કરનાર લોકોમાં સ્વભાવ મુજબ પારાવાર વૈવિધ્ય હોય એ સ્વાભાવિક હતું. બંને પક્ષોની વર્તણૂકની પાછળ સત્યાગ્રહ અને સામ્રાજયવાદની બે ફિલસૂફીઓની પણ ટક્કર હતી, જે બંને પક્ષોના આચરણ પર અસર પાડ્યા વિના રહેતી નહોતી. આ બધાને પરિણામે કષ્ટસહન એક પક્ષે કાં ઉત્સાહવર્ધક કે વધુ કષ્ટસહનની પ્રેરણા આપતું બની રહેતું અથવા તો થકવી દેનારું અને નબળાઈઓ પ્રગટ કરનાર તત્ત્વ બની જતું, તો બીજે પક્ષે કષ્ટ આપવું એ આપનારને મન તિરસ્કાર, ક્રોધ કે ક્રૂરતાથી માંડીને ચિંતન, સહાનુભૂતિ કે કોઈ કોઈ વાર પશ્ચાત્તાપની વૃત્તિ જગવી જતું. શારીરિક વેદના માણસનો વધુ શક્તિક્ષય કરે છે કે ક્રોધ વધુ કરે છે એ મનોવૈજ્ઞાનિકો સારુ દિલચસ્પીનો વિષય બની શકે એમ છે, પણ આપણે અહીં તો એટલું જ સમજવાની જરૂર છે કે મીઠાનો કાયદો તોડવાને નિમિત્તે ચાલેલી રાષ્ટ્રીય ચળવળ દસ-અગિયાર માસને અંતે બંને પક્ષે કાંઈક અંશે થકવનારી તો હતી જ. આજે સાઠ વર્ષના ગાળા પછી વિચારતાં લાગે છે કે એ ગજગ્રાહમાંથી સરવાળે લોકપક્ષે જાગૃતિ અને શક્તિની વૃદ્ધિ અને શાસકપક્ષે શાસનનો દોર ઢીલો તો કરવો જ પડશે એવી પ્રતીતિ રહી હતી. આપણી કથાના આ પ્રકરણની કેન્દ્રવર્તી ઘટના ‘ગાંધી-અર્વિન કરાર’ એ ઉપર વર્ણવ્યા તેવા સમુદ્રમંથનની ફલશ્રુતિરૂપ હતો.

દેશમાં મુકુંદરાવ જયકર અને તેજબહાદુર સપ્રુ જેવા વિષ્ટિકારોના પ્રયાસ, ઇંગ્લંડમાં રામ્સે મૅકડૉનાલ્ડ જેવા મજૂરપક્ષના નેતાની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાંડીકૂચ અને ત્યાર પછીના આંદોલને દુનિયાભરમાં જગાવેલી ભારત માટેની સહાનુભૂતિ એ કદાચ ગાંધીજી અને બીજા દેશનેતાઓ માટે કારાગારનાં દ્વાર ખૂલવાનાં મુખ્ય કારણો હતાં.

અલાહાબાદના ‘આનંદ ભવન’માં પં. મોતીલાલ નેહરુ ત્યારે મરણશય્યા પર હતા. ગાંધીજી પૂનાથી સીધા અલાહાબાદ જવા ઊપડ્યા. મહાદેવભાઈને તેમણે તાર કરીને ત્યાં જ બોલાવ્યા હતા. इन्डिपेन्डन्टના કાળ દરમિયાનના સહવાસ વખતે મહાદેવભાઈને મોતીલાલજી પ્રત્યે ખૂબ આદરભાવ થયો હતો. મોતીલાલજી પણ મહાદેવભાઈ વિશે વત્સલતા ધરાવતા. ૨૬મીએ જેલમાંથી છૂટી ૨૭મીએ જ મહાદેવભાઈએ અલાહાબાદ સારુ ગાડી પકડી હતી. ૨૯મીએ સવારે અગિયાર વાગ્યે તેઓ અલાહાબાદ પહોંચ્યા. ત્યાર પછીની એમની ડાયરીનું પહેલું વાક્ય કહે છે: ‘પૂ. બાપુનાં દર્શન થયાં.’ કહે છે કે તુલસીદાસજીને વ્રજમાં ભક્તિ કરવાથી શ્રીકૃષ્ણે દર્શન દીધેલાં. ચક્રધારી શ્રીકૃષ્ણને જોઈ તુલસીદાસ માત્ર એટલું જ બોલેલા:

તુલસી મસ્તક તબ ઝૂકે
જબ ધનુષ્ય-બાણ લેઉં હાથ.

એ ડાયરીનું પહેલું આખું પાન ‘બાપુ’થી જ ભરેલું છે.

મોતીલાલજીનું સૂજેલું મોં જોઈને મહાદેવ ગભરાઈ ગયા. પથારીમાં પડ્યા પડ્યા પણ એમના હમેશના ઉલ્લાસથી આવકાર દીધો. ડૉક્ટરોની વાતો કરવા લાગ્યા… ‘આ ડૉક્ટરો આવે છે, ઉપરનીચે તપાસે છે; અને વાતો કરવા પાસેના ઓરડામાં જાય છે — જાણે કે મારી સાથે કશી નિસબત ન હોય! મેં એમને કહ્યું કે, તમે ઢોરના ડૉક્ટર નથી અને હું ઘોડો નથી.’

પછી કહે, ‘તમે બે બહાર છો એટલે તમે મળીને જે કરશો તે બરોબર જ હશે.’

ગાંધીજીની સલાહ માની મોતીલાલજીએ સારવાર સારુ અલાહાબાદની બહાર જવા સ્વીકાર્યું. ગાંધીજીએ ચાકરી કરવા અંગે કહ્યું, ‘મને તમે ઇચ્છો ત્યારે બોલાવજો – દિવસના, રાત્રે, ગમે ત્યારે.’

ઘનશ્યામદાસ બિરલા આવ્યા. તેમણે જાણવા ઇચ્છ્યું કે ગાંધીજીને વાઇસરૉય બોલાવે તો જાય ખરા કે? કશું પરિણામ ન આવવાનું હોય તોપણ વાઇસરૉયને મળવા સારુ જવા એમ ને એમ પણ ગાંધીજી તૈયાર હતા. ‘મીઠા વિશે હું એટલું જ માગું કે ગરીબ લોકોને મીઠું ઉઠાવી લેવાની કે બનાવી લેવાની છૂટ હોય — ભલે એમના અગરો હાલ તુરત કાયમ રહે.’ મહાદેવભાઈએ મીઠાના ઇજારાની નાબૂદીની માગણીની વાત કરી તો કહે: ‘ના, હાલ બિરલાજી જેવા કંપની કાઢીને મીઠું પકવવાનો અધિકાર મેળવે એ હું નથી માગતો.’ ગાંધીજીએ પૂછપરછ કરી તો ખબર પડી કે વેપારીઓ ગાંધીજીએ વાઇસરૉયની આગળ રજૂ કરેલા અગિયાર મુદ્દાઓ જોડે સંમત હતા એટલે ગાંધીજીએ એમની પાસે એવો ઠરાવ કરાવવા કહ્યું. એનો ખરડો ઘડવાની કામગીરી બિરલાજી અને મહાદેવભાઈને સોંપાઈ.

દેશની પરિસ્થિતિની વાત કરતાં મોતીલાલજીએ કહ્યું: ‘લોકોમાં સારી પેઠે શિસ્ત આવી ગઈ છે.’ ગાંધીજી કહે, ‘અને લડતમાં પણ એની મેળે ચાલવાની શક્તિ આવી ગઈ છે.’

મોતીલાલજીને ત્યાં સાંજે ગાંધીજી પ્રાર્થના વખતે મહાદેવભાઈને કહે, ‘તમારી પાસેથી પ્રાર્થના આજે એક વર્ષ પછી સાંભળું છું.’ મહાદેવ બીજું ભજન શા સારુ ગાય? એમણે સુરદાસને યાદ કર્યા: ‘प्रभु मोरे अवगुण चित न धरो.’

રાતે ગાંધીજી કહે, ‘આ વખતે જાણે જેલમાંથી નીકળતાં અફસોસ થયો. બધાં, ઘણાં, આદરેલાં અધૂરાં રહ્યાં એમ લાગ્યું. અને બહાર, આરામની તો વાત જ શેની?’

આવતાંની સાથે ગાંધીજીએ અંતેવાસીઓ પર તો પોતાનો ઝંડો ફરકાવી જ દીધો. જેલની જ ધાતુની પ્લેટ પર એવી જ તાંસળી મૂકી પ્યારેલાલ ગરમ પાણી સાથે મેળવેલી ડબલ રોટી, શાક, બદામનાં છોતરાં કાઢી, શેકીને બનાવેલી લૂગદી પીરસી ભોજન લાવ્યા ત્યારે તેમની ઝીણી નજરે જોઈ લીધું, ‘પ્લેટ નીચેથી સાફ નથી કરી ના?’ એટલું કહી ચીડ ભરેલો કટાક્ષ કર્યો, મહાદેવભાઈ કહે છે, ‘મારી આંખ આગળ અગાઉનાં એવાં અનેક દૃશ્યો ખડાં થઈ ગયાં. પ્યારેલાલનું શું થયું હશે? મારા જેવાનું શું થાય?’

ધમકી ખાવાનો મહાદેવનો વારો પણ તરત આવ્યો. બ્રજકૃષ્ણ ચાંદીવાલાએ દિલ્હીથી આવતાં તાર કર્યો હશે છતાં મહાદેવ કે પ્યારેલાલ સ્ટેશને લેવા નહોતા ગયા. ‘પ્યારેલાલની અને મારી સારી પેઠે ખબર લીધી, ‘તમે બંને બેદરકાર છો, ભુલકણા છો. પ્યારેલાલના ભુલકણાપણાના તો ઘણા દાખલા જેલમાં જોવાના મળ્યા. તમે કેમ કોઈ એને લેવા ન ગયા? એને ત્યાં જઈએ ત્યારે બધા ભોગો ભોગવવા — એ તો આપણો અધિકાર છે — પણ એને માટે આટલું પણ ન કરવું!! અહિંસાનો સિદ્ધાંત જરાય સમજ્યા નથી. એ માણસે તાર શા સારુ કર્યો — જો તમને એ સ્ટેશન પર ઇચ્છતા ન હોત તો!’

વારાફરતી કૉંગ્રેસ કારોબારીના સભ્યો અલાહાબાદમાં એકઠા થતા ગયા. પ્રથમ ગોળમેજી પરિષદમાંથી પાછા ફરેલા અનેક આગેવાનો પણ ત્યાં ભેગા થતા જતા હતા. કૉંગ્રેસ કારોબારીમાં નિયમ મુજબ ચૂંટાયેલા સભ્યો અને જ્યારે તેઓ જેલમાં હતા તે દરમિયાન અવેજીમાં વરાયેલા સભ્યોની એક બેઠક પણ ત્યાં જ મળી ગઈ. કૉંગ્રેસ અને સરકાર વચ્ચે યુદ્ધવિરામની શરતો અંગે અનેક પ્રકારનાં સૂચનો આવ્યાં. ગાંધીજી જેલમાં હતા ત્યારે ઇંગ્લંડના डेली हेरल्ड પત્રના પ્રતિનિધિ સ્લોકમે ગાંધીજી તથા મોતીલાલજીની મુલાકાત લીધી હતી. ગાંધીજી છૂટ્યા પછી જયકર અને સપ્રુએ વાઇસરૉય તથા કૉંગ્રેસ આગેવાનો જોડે પત્રવ્યવહાર ચલાવી, તેમ જ તેમને મળીને યુદ્ધવિરામની શરતો નક્કી કરેલી. કૉંગ્રેસ જરૂર પડ્યે સામ્રાજ્યમાંથી છૂટા થઈ શકાય એવું સંપૂર્ણ સ્વાતંત્ર્ય ઇચ્છતી હતી. જ્યારે સરકાર હિન્દુસ્તાનને ડોમિનિયન સ્ટેટ્સ — સાંસ્થાનિક સ્વરાજ — આપવાયે તૈયાર નહોતી. કારોબારીની ઇચ્છા ૧૯૩૦ની ચળવળ દરમિયાન પોલીસે કરેલા અત્યાચારોની તટસ્થ તપાસ થવી જોઈએ એવી પણ હતી.

આ દરમિયાન ૪થી ફેબ્રુઆરીએ यंग इन्डिया જપ્ત થવાના સમાચાર આવ્યા. ગાંધીજી કહે, ‘એનાથી મને આશ્ચર્ય નથી થયું.’

સરકારે ગાંધીજી, કૉંગ્રેસ કારોબારીના સભ્યો તથા બીજા કેટલાક આગેવાનોને જેલમાંથી છોડ્યા હતા. ઇંગ્લંડમાં ચાલતી પહેલી ગોળમેજી પરિષદના હિંદ આવતા સભ્યો પર છાપ પાડવા માટે પણ કદાચ આ કામ થયું હોય. પણ સરકારનું દમનચક્ર તો ચાલુ જ હતું. એક બાજુ ગાંધીજી એમ કહેતા હતા કે, ‘જે સિતમ ચાલી રહ્યો છે તે જોતાં સુલેહ વિશે વિચાર કરવો [એ] અશક્ય થઈ પડ્યું છે, પોલીસનાં કૃત્યોને, ટોચે બેઠેલું રાજનીતિવિષયક ખાતું યોગ્ય માને છે અને વખાણે છે. પોલીસે પોતાના જંગલીપણામાં જૂઠાણું ઉમેર્યું છે અને સરકારી પ્રકાશન અધિકારી તેમના હાથમાં એક હથિયાર છે.’

બીજી બાજુ આશ્રમનાં એક આદરણીય બહેન — ગંગાબહેન વૈદ્ય, જેમને બોરસદમાં પોલીસના લાઠીમારે લોહીલુહાણ કરી નાખ્યાં હતાં તેમને લખે છે:

તમને હું શું લખું? મેં જેવાં તમને કલ્પેલાં તેવાં તમે દેખાયાં છો. લોહીથી ભીની સુંદર લાગતી લાલ સાડી હું જોત તો કેવો હસત? આ અત્યાચારથી હું આવેશમાં તો આવ્યો પણ જરાયે દુ:ખ નથી પામ્યો. હર્ષ થયો છે.

એ મારમાં તમે કોઈ ન હોત તો મને દુ:ખ થાત ખરું. એમાંય મોહ રહેલો છે એમ જાણું છું. પણ આશ્રમનો મોહ છુપાવું તોયે છૂપો રહે તેમ નથી. આશ્રમવાસીના દોષ અસહ્ય લાગે. તેના ગુણ જોઉં ત્યારે તે પ્રમાણમાં સારું લાગે. મારનાર ઉપર તમને રોષ નથી આવ્યો એ ભારે વાત છે. કાકુ મારે તો કાંઈ ખીજ કરાય? આ મારનાર અજ્ઞાનથી મૂઢ બનેલા તમારા દીકરા જ હતા.

છઠ્ઠી ફેબ્રુઆરીએ પં. મોતીલાલજીનું લખનૌમાં અવસાન થયું. શબને અલાહાબાદ લઈ ગયા. એક બાજુ અગ્નિદાહની તૈયારી ચાલતી હતી, બીજી બાજુ ગાંધીજી કે. ટી. શાહ જોડે ગોળમેજી પરિષદના એમના અનુભવો વિશે વાર્તાલાપ કરતા હતા.

વાઇસરૉયને લખેલા પત્રનો એ આશયનો જવાબ આવ્યો કે પોલીસ અત્યાચારોની તપાસ તો ન આપી શકાય. પંડિત માલવિયાજી કહે, ‘દમન બંધ કરે એટલાથી સંતુષ્ટ કેમ ન રહેવાય? આવી તપાસ શી રીતે આપી શકે?’ ગાંધીજીએ અકળાઈને કહ્યું: ‘માબહેનોની આબરૂ લેતા રહે તે સાંખતા રહીએ એમ તમે માનો?’ માલવિયાજી કહે, ‘ના.’ ‘ત્યારે શા સારુ તમે મને નબળો બનાવવા ઇચ્છો છો? હું તો એ લોકો થોડું કરે એ માટે પણ તૈયાર છું… થોડા દાખલામાં તપાસ કરે તોપણ તૈયાર થાઉં. પણ કોઈ કલેક્ટર હજી દૂર થયો છે? કોઈ મોટા પોલીસ અમલદારને હજી થોડો જ બરતરફ કરવામાં આવ્યો છે?’ પ્રથમ ગોળમેજી પરિષદમાં જઈ આવેલા અનેક પ્રતિનિધિઓ એક પછી એક ગાંધીજીને મળવા આવતા હતા. તે પૈકી શ્રી શ્રીનિવાસ શાસ્ત્રીને તેમના એક તારના જવાબમાં લખ્યું: ‘તમારામાં અને બીજા મિત્રોમાં જે આનંદ પ્રવર્તી રહ્યો છે તેને ટેકો મળે એવું હિંદુસ્તાનના હાલના વાતાવરણમાં મને કાંઈ દેખાતું નથી. છતાંય, મારા મનમાં રહેલો ભાવ પાયા વિનાનો છે એવી લાગણી મને થાય એ ગમે. તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે તમે આવો.’

ગોળમેજી પરિષદમાં જઈ આવેલા અનેક લોકોની જેમ શ્રી શાસ્ત્રીએ પણ સુલેહ કરવાની વાત જ કરી. પણ એમને વિશે સૌને છાપ એવી પડી કે તેઓ ખૂબ સીધાસરળ માણસ છે. એમને તથા જયકર-સપ્રુને પણ ગાંધીજીએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ન થાય એ સારુ બધા પ્રયત્ન કરવા સમજાવ્યા. ગાંધીજી જાતે તો ફાંસીની સજા જ રદ થવી જોઈએ એમ માનતા હતા. તેમાં ભગતસિંહ જેવા દેશપ્રેમી યુવાનને મોતની સજા કરવાને તો તેઓ ટેકો આપી જ શી રીતે શકે? અલબત્ત, ભગતસિંહની કાર્યપદ્ધતિને તેમનો ટેકો નહોતો, પણ તેથી તેની સજાને ઘટાડવા સારુ પ્રયત્ન કરવામાં ગાંધીજીએ મણા નહોતી રાખી. આ પ્રયત્નનો આરંભ ગાંધીજી વાઇસરૉય લૉર્ડ અર્વિનને મળ્યા તે પહેલાંથી જ થઈ ચૂક્યો હતો.

સુલેહની વાતો ચાલી રહી હતી અને ગાંધીજી વાઇસરૉયને મળવા જશે એમ સાંભળીને અનેક લોકોએ એ વાટાઘાટને આવકારતા પત્રોની ગાંધીજી પર ઝડી વરસાવી. ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનો તાર અને પુત્ર બંને આવ્યા. એના જવાબમાં ગાંધીજીએ ૧૬–૨–’૩૧ને રોજ લખેલ પત્ર એમની તે વખતની મનોવૃત્તિને આબાદ પ્રગટ કરે છે:

દાંતને જીભની ભલામણ ન હોય. મારી સ્થિતિ પેલી સગી માના જેવી સમજજો. જીવતો રાખવા સારુ એનો વિયોગ સહન કરવા સારુ તૈયાર થઈ હતી ના? ઓરતોના ચોટલા તણાય, બાળકો નિરર્થક ચાબખા ખાય એમાં મને રસ તો ન જ આવે ના? એટલે તણાઈને પણ સુલેહ કરવાની ઇચ્છા રહ્યા જ કરે છે. પણ જે સુલેહ વરુ-ઘેટાના જેવી હોય તે સ્વીકારવા કરતાં ભલે ઓરતોની લાજ લૂંટાય, નિર્દોષ બાળકોનાં ઘરબાર ઉજ્જડ થાય, બેગુનાહ ફાંસીએ ચડે. મરણકાંઠે બેઠેલો હું હિંદુસ્તાનને ફસાવવામાં સહી ન કરું એમ ઈશ્વર પાસે માગ્યા કરું છું. ગાડાની નીચે રહેલા કૂતરાની સ્થિતિ મારી નથી. મારી મર્યાદાનું મને ભાન છે. હું રજકણ છું. રજકણને પણ ઈશ્વરના જગતમાં સ્થાન છે — પણ જો એ કચરાવું કબૂલ કરે તો. કર્તાહર્તા પેલો વડો કુંભાર [ઈશ્વર] જ છે. એને વાપરવો હોય તેમ ભલે મને વાપરે. હારશે તોયે એ, અને જીતશે તોયે એ. એટલે હારવાપણું છે જ નહીં. અથવા કહો, સદાયના હાર્યા જ છીએ ના?

હવે તો બહુ લખાયું, આટલું લખાયું, કેમ કે મૌન છે. પણ આ બધી તો પ્રસ્તાવના છે. લખવાનો આદર એટલા સારુ કર્યો કે રાજાઓને મનાવજો કે રૈયતના અધિકારને ઓળખે ને સ્વીકારે. ભાગીદાર થશે; ને ભાગીદાર પોતાની વર્તણૂકનો કાંઈ જ હિસાબ નહીં આપે?

‘લેડી પટ્ટણીએ કેટલું કાંત્યું? ખાદી કેટલી વેચી?…૧૦

દિલ્હી જતાં આશ્રમના લોકોને તે જ દિવસે લખેલા એક ટચૂકડા પત્રમાં કુંભારની ઉપમા બીજા રૂપમાં આવે છે:

‘કાલે વાઇસરૉયને મળવાનું થશે. બધું નિરાગ્રહથી બની રહ્યું છે. ઘડો ઊતરશે કે ગાગર એ તો વડો કુંભાર જાણે.’૧૧

૧૭મી ફેબ્રુઆરીએ ગાંધીજી ગાઝિયાબાદ ઊતરીને કારમાં દિલ્હી ગયા. ત્યાર બાદ ૧૯મીથી પંદર દિવસ સુધી સમ્રાટના પ્રતિનિધિ સાથે જનતાના પ્રતિનિધિની વાટાઘાટો ચાલી. પ્રત્યક્ષ વાટાઘાટો વખતે તો મહાદેવભાઈ હાજર રહેતા નહોતા. પણ રોજેરોજ નિવાસ પર આવતાંની સાથે જ ગાંધીજી પોતાના સ્મરણને આધારે મહાદેવભાઈ અને કૉંગ્રેસ કારોબારીના સભ્યો હાજર હોય તો તેમને વાતચીતનો સાર કહેતા. વાઇસરૉય પોતાને પક્ષે કોઈ સચિવને હાજર રાખતા કે નહીં તેની જાણ નથી થઈ શકી. બનતાં સુધી લૉર્ડ અર્વિન અને મહાત્મા ગાંધી એકલા જ મળતા હશે. પાછળથી વાઇસરૉય પણ રોજેરોજની વાત અંગે નોંધ કરતા. તે વખતની બ્રિટિશ પાર્લમેન્ટના વિરોધપક્ષના આગેવાન સર વિન્સ્ટન ચર્ચિલે આ અર્ધ-નગ્ન ફકીરને બ્રિટિશ સમ્રાટના પ્રતિનિધિના મહેલનાં પગથિયાં ચડતો-ઊતરતો અને તેની જોડે સમાનતાને દરજ્જે વાટાઘાટો ચલાવતો જોઈને પોતાની ચીડ પ્રગટ કરેલી. બહારથી આ સાવ વિષમ દેખાતા પ્રતિનિધિઓની સમાનતાને ધોરણે થયેલી વાટાઘાટોની રોજેરોજની ઘણી વિગતો આજે ઉપલબ્ધ છે, તે માત્ર મહાદેવભાઈની રોજેરોજની નોંધો ઉપરથી. ઇતિહાસના અભ્યાસુઓ તેને સારુ મહાદેવભાઈના સદાય ઋણી રહેશે.

અલાહાબાદથી નીકળતી વખતે જ ગાંધીજી કારોબારીના સભ્યોને કહી ગયેલા કે વાઇસરૉય સાથેની વાટાઘાટોમાં કાંઈ પણ નીપજતું દેખાશે તો તેઓ કારોબારીના સભ્યોને દિલ્હી બોલાવી લેશે. ૨૫મી ફેબ્રુઆરીએ મહાદેવભાઈએ સરદાર વલ્લભભાઈને એક પત્રમાં લખ્યું:

તમને શું લખું અને ક્યારે લખું? દર કલાકે પરિસ્થિતિ બદલાતી [હોય છે] અને મારી આસપાસ તો ધર્મશાળા અને દરબાર ભર્યો જ હોય. વાઇસરૉય સાથે વાતો અતિશય મીઠાશ, નિખાલસતા અને મિત્રતાથી થઈ.

સંધિની કલમો વિશે ઝઘડો બહુ રહ્યો. પણ ન્યાય કબૂલ કરીને શાસનની મુશ્કેલીઓ આગળ કરી. આટલી વાતચીતનો સાર છે. તે પછી વાઇસરૉયે ભારતમંત્રીને આખી વાતચીતના સારનો ‘કેબલ’ કર્યો અને એ ‘કેબલ’ની રાહ જોતા અર્વિન બેઠા છે. અહીં તો એમણે બધાને સમજાવી દીધા એમ સંભળાય છે અને ભારે હિંમત અને ધીરજથી કામ પણ લીધું એમ કહેવાય છે. બાપુની એમના પર ભારે અસર પડી છે એમ પણ કહેવાય છે. પણ ઘડો ઊતરે છે કે ગાગર એ આ ઘડી સુધી તો ખબર નથી જ. બીજી ‘કૉન્ફરન્સ’ થાય તે પહેલાં એક વાર નાનકડી અવિધિસર મિટિંગ કરવાની ત્રિમૂર્તિની૧૨ સૂચના વાઇસરૉયે પસંદ કરી હતી, પણ (ભારતમંત્રી) તરફથી એની સંમતિ હજી આવી નથી અને ન આવે ત્યાં સુધી એ ન ભરાય. બાપુએ એમાં ભળવાનું અને મહાસભાની આખી સ્થિતિ સમજાવવાની એટલા વિચારથી કબૂલ કર્યું છે કે સત્યાગ્રહી હમેશાં પોતાનાં બધાં ‘કાર્ડસ’ ખુલ્લાં રાખે છે. એ વિશે કૉંગ્રેસ કારોબારીમાં સહજ મતભેદ હતો. પણ આ ‘કૉન્ફરન્સ’માં કૉંગ્રેસ કારોબારી તરફથી બાપુ પોતાની કુલમુખત્યારીથી ચાહે તે ફેરફારો સુલેહની શરતોમાં કરે એવો ઠરાવ થઈ ગયો છે.

આ ઉપરાંત તમે છાપાંઓમાં જે વાંચ્યું હોય તે બધું ખોટું છે. ખેડૂતો અધીરા થયા છે, વેપારીઓ અધીરા થયા છે, સત્યાગ્રહીઓ મોળા પડ્યા હોય — પણ શું થાય? ચાક પર પેંડો ચઢાવ્યા પછી માટી ઉતારી લેવાની?૧૩

કેટલાક સભ્યો તો પહેલે દિવસથી જ દિલ્હીમાં હતા. બાકીના તરતોતરત ગાંધીજીના બોલાવવાથી આવી પહોંચ્યા. આખી વાટાઘાટ દરમિયાન કારોબારી રોજેરોજ મળતી રહી. ગાંધીજી તેમની આગળ વાઇસરૉય જોડે થયેલી વાતચીતના અહેવાલ આપતા અને રોજેરોજ કારોબારીના સભ્યોના અભિપ્રાયો એકોએક મુદ્દા અંગે સાંભળતા રહ્યા. ઘણી વાર તો ગાંધીજી વાઇસરૉયના મહેલથી પાછા ફરે ત્યારે મધરાત થઈ જતી. એક વાર તો રાતના એક વાગવા આવ્યો હતો, ત્યારે કારોબારીના સભ્યોને ઊંઘમાંથી ઉઠાડીને આખો અહેવાલ સંભળાવવામાં આવ્યો. વાર્તાલાપ એ રીતે ચાલ્યો કે છેલ્લી ઘડી સુધી શું પરિણામ આવશે એ કોઈને ખબર નહોતી — ચર્ચા કરનાર બંને મહાનુભાવોને પણ નહોતી. આખા દેશની મીટ આ વાર્તાલાપ ભણી મંડાયેલી હતી. એ વાતોના ઉતારચઢાવ સાથે દેશ પણ આખો ઝોલાં ખાતો હતો.

વાતો ચાલતી હતી ત્યારે દેશમાં લડત તો ચાલુ જ હતી. જોકે કાર્યકર્તાઓને ખાનગી રીતે આદેશ આપવામાં આવ્યો હતો કે ચાલુ પ્રવૃત્તિ ન અટકાવવી. પણ કોઈ નવી પ્રવૃત્તિ શરૂ ન કરવી. પેલી બાજુ સરકારનું દમનચક્ર પણ ચાલુ હતું. ધરપકડો, જપ્તીઓ, કનડગતો, ખેડૂતોના ઊભા પાક સાથે જમીનનાં વેચાણ, પાક પર પોલીસના પહેરા, પાક લેવાનો પ્રયત્ન કરનારનેય મારઝૂડ, એ સર્વ કાંઈ પુરજોશમાં ચાલુ હતું.

વાટાઘાટો દરમિયાન પોલીસના તમામ ઘાતકી વર્તન સંબંધી તપાસ થવી જોઈએ એવી વાત ગાંધીજીએ કાઢી. કોઈ પણ પ્રકારની તપાસ કરાવવા વાઇસરૉય તૈયાર નહોતા. આ મુદ્દા પર વાટાઘાટો પડી ભાંગશે એમ લાગવા માંડ્યું. ગાંધીજીએ કહ્યું: ‘તમે કે મિ. એમર્સન તમારી ઉત્તમોત્તમ દલીલો વાપરો છો ત્યારે મારા પર ઝાઝી અસર થતી નથી; પણ જ્યારે તમે સરકારની મુશ્કેલી આગળ કરો છો ને સરકાર મારી માગણી સ્વીકારી શકે એમ નથી એવું કહો છો ત્યારે હું નમતું જોખું છું.૧૩એ ગાંધીજીએ કારોબારીને કહ્યું કે આ મુદ્દા પર વાટાઘાટ તોડી નાખવી એ તેમને યોગ્ય નહોતું લાગતું, પણ કારોબારીનો જો આગ્રહ જ હોય તો તેઓ આનંદપૂર્વક કારોબારીના એજન્ટ તરીકે વર્તીને વાટાઘાટો તોડી આવશે. ગાંધીજીનું આ વલણ જોઈ કારોબારીએ પોતાનો આગ્રહ છોડી દીધો.

એવો બીજો મુદ્દો ખેડૂતોની ખાલસા થયેલી જમીન પાછી મેળવવા બાબત હતો. ગાંધીજીએ વાઇસરૉયને કહ્યું કે ગુજરાતમાં તેઓ તો વલ્લભભાઈને તેજે પ્રકાશતા હતા. તેથી તેમને જો આ બાબતમાં સમાધાન ન થાય તો તેઓ [ગાંધીજી] આ મુદ્દા પર વાટાઘાટો પડતી મૂકવા તૈયાર હતા. આ જમીનો બીજા આસામીને અપાઈ ગઈ ન હોય તો તે પાછી આપવા વાઇસરૉય તૈયાર હતા; પણ વેચાઈ ગયેલી જમીનની બાબતમાં વાઇસરૉયની મુશ્કેલી હતી. બારડોલી અને બોરસદમાં લડત ચાલતી હતી ત્યારે વાઇસરૉયે જાતે મુંબઈ સરકારને વચન આપ્યું હતું કે કોઈ પણ હાલતમાં વેચાઈ ગયેલી જમીન પાછી લેવામાં આવશે નહીં. છેવટે આ બાબત તોડ એવી રીતે નીકળ્યો કે કોઈ ત્રાહિત માણસ વચ્ચે પડીને ખરીદનાર પાસેથી ખેડૂતોની જમીન અપાવે તો સરકાર વાંધો લેશે નહીં, બલકે તેમાં બને તેટલી અનુકૂળતા કરી આપશે.

ગાંધીજીનો ખાસ આગ્રહ હતો કે પરદેશી કાપડ પર અને દારૂનાં પીઠાં પર શાંત ચોકી કરવાનો લોકોનો હક સ્વીકારવો જ જોઈએ. વળી જે પ્રદેશમાં મીઠું કુદરતી રીતે મળી આવતું હોય તે પ્રદેશમાં મીઠું ઉપાડવા, બનાવવા કે વેચવાનો અધિકાર સ્થાનિક લોકોને મળવો જોઈએ. લડતને અંગે જે પટેલ-તલાટીઓએ નોકરીમાંથી રાજીનામાં આપ્યાં હોય તેમને પાછા નોકરીમાં લેવા જોઈએ. આ મુદ્દા પર તડજોડ કરવામાં ખાસ કશી મુશ્કેલી ન આવી.

‘સૌથી વધારે મહત્ત્વનો પ્રશ્ન રાજ્યબંધારણને લગતો હતો. એ બાબતમાં લાંબી વાટાઘાટો પછી, અલબત્ત, કારોબારીની મંજૂરીની અપેક્ષાએ, ગાંધીજીએ સ્વીકાર્યું કે, ‘હવે પછીની ચર્ચા ગોળમેજી પરિષદમાં ચર્ચાયેલી બંધારણની યોજનાનો વિચાર આગળ ચલાવવાના હેતુથી કરવામાં આવશે. જે યોજનાની રૂપરેખા ત્યાં આંકવામાં આવી છે તેનું ફેડરેશન (સમૂહતંત્ર) એ એક અનિવાર્ય અંગ છે. તે જ પ્રમાણે કેટલીક બાબતો. દા. ત., દેશનું રક્ષણ, પરદેશો સાથેના સંબંધો, લઘુમતી કોમોની સ્થિતિ, હિંદનાં દેવાંલેણાંની પતાવટ વગેરેમાં હિંદુસ્તાનના હિતને માટે સલામતીઓ તથા હિંદીઓની જવાબદારીઓ એ પણ એનાં અનિવાર્ય અંગો છે.’ જેમ જમીનના પ્રશ્ન વિશે સરદારના મનનું સમાધાન નહોતું થતું તેમ આ રાજ્યબંધારણી પ્રશ્ન વિશે જવાહરલાલજીને સંતોષ નહોતો થતો. કેદીઓના છુટકારાની બાબતમાં એકલા સત્યાગ્રહી કેદીઓને જ છોડવાના હતા. બીજાઓ જેમને અટકમાં લેવાયેલા હતા તેમના કેસો વ્યક્તિગત રીતે વિચારવાના હતા, તથા જે સોલ્જરો અને પોલીસો ઉપર ઉપરીના હુકમના ભંગને સારુ કેસો થયા હતા તેમને કશી રાહતો આપવામાં આવી નહોતી. આવી બધી બાબતોમાં કારોબારીના સભ્યોને સંતોષ નહોતો. ગાંધીજીનું કહેવું એમ હતું કે આપણે જ્યારે સમાધાન કરવા જઈએ છીએ ત્યારે બધું આપણી મરજી પ્રમાણે થતું નથી. છતાં કોઈ એક મુદ્દા ઉપર તમારે વાટાઘાટો તોડી નાખવી હોય તો હું તેમ કરવા તૈયાર છું. છેવટે આ બધા સભ્યોએ ગાંધીજીની સલાહ માની, અને જવાહરલાલજી, જેઓને આ સમાધાની જરાયે ગમતી નહોતી તેઓ, પણ ગાંધીજી ઉપર શ્રદ્ધા રાખી સમાધાન કબૂલ કરવા તૈયાર થયા.૧૪

પરદેશી કાપડની ચોકી કરતી વખતે લોકો તરફથી ઠીક ઠીક બળજબરી વપરાઈ હતી એવી વાતો ગાંધીજી પાસે આવવા લાગી. ગાંધીજીએ કારોબારીના સભ્યોને પિકેટિંગમાં ઘૂસી ગયેલી બદી વિશે સમજણ આપી. એમણે સમજાવ્યું કે કોઈની ‘હાય હાય’ બોલાવવી, લોકોના હાથમાંથી બળજબરીથી કાપડ ઝૂંટવી લેવું, વિદેશી વસ્ત્રધારીને ઘેરી વળી એને હરવાફરવા ન દેવો; તેને ગાળો દેવી; વાહનોની આગળ સૂઈ જવું, કોઈની ઠાઠડીઓ કાઢવી; આ સર્વ અશિષ્ટતા ને હિંસા છે.

જૂનો એક પ્રસંગ યાદ કરીને ગાંધીજીએ કહ્યું કે જેણે અસહકાર ન કર્યો હોય તેને ત્યાં કોઈ મરી જાય તો તેની લાશ ન ઉઠાવવી એ પણ હિંસા જ છે, એમ તેમણે શૌકતઅલીને સમજાવેલું અને કહેલું કે તેમ થાય તો એમનાથી એમ કરનાર જોડે કામ ન થાય. જવાહરલાલજીને આ વાત સમજાઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આના કરતાં તો સીધી હિંસા સારી. પણ સેનગુપ્તા જેવા બીજા કેટલાક કારોબારી સભ્યોને લાગ્યું હતું કે આવી મર્યાદાઓ મૂકશું તો પિકેટિંગનું કામ મંદ પડી જશે.૧૫

વચ્ચે એક દિવસે વાટાઘાટોમાં મડાગાંઠ પડતી હોય એમ લાગ્યું. ગાંધીજીએ વાઇસરૉયને લખીને નોંધ મોકલવા કહ્યું, વાઇસરૉય તરફથી જે નોંધ આવી તે અત્યંત કડક હતી. કૉંગ્રેસ કારોબારીએ આ નોંધને ‘કૃપણ’ કહી.

તે દિવસે (૨૮–૨–’૩૧) રાતે મહાદેવભાઈ વાઇસરૉયની નોંધ લઈને શાસ્ત્રી પાસે ગયા. સરકારી ખરડો વાંચીને તેઓ પણ સમસમી ગયા. શાસ્ત્રી કોઈ પણ હિસાબે વાટાઘાટ ન તોડાય એમ ઇચ્છતા હતા. કહે, તમારું બધું કામ નિષ્ફળ જશે. મહાદેવભાઈએ ગીતાના છઠ્ઠા અધ્યાયના ચાળીસમા શ્લોકમાંથી યાદ આપી કે, ‘કલ્યાણમાર્ગે કો દુર્ગતિ પામતો નથી.’ શાસ્ત્રીને લાગતું હતું કે ગાંધીજીએ મીઠાના પ્રશ્નને નાહક ઇજ્જતનો સવાલ બનાવી દીધો છે. મહાદેવભાઈએ કહ્યું કે મીઠાનો પ્રશ્ન તો લાખોને લાગેવળગે છે અને હજારોને કહેવામાં આવ્યું છે કે એ કાયદો રદ થશે. શાસ્ત્રી કહે કે એ કાયદો તો થોડા સમયમાં તમે રદ કરી શકશો, આજે શા સારુ એ માગણી કરો છો? એ બિચારાને એની પણ ખબર નહોતી કે મદ્રાસને કાંઠે પણ મીઠું થાય છે. છેવટે ઊઠતાં ઊઠતાં મહાદેવભાઈએ કહ્યું કે અર્વિનને વિલાયતમાં ભારે ધન્યવાદ મળશે. કારણ, એનાથી બની શકે એટલો સારી રીતે રાજ કરવા એણે પ્રયત્ન કર્યો. એમ બોલતાં મહાદેવભાઈની અંગ્રેજીમાં ભૂલ થઈ. શાસ્ત્રી કહે, ‘મારે તમને ધમકાવવા પડશે. અડધા કલાકમાં તમે બે વાર ભૂલો કરી. As besl as he could ન કહેવાય, As best he could કહેવાય.’ જતાં જતાં મહાદેવભાઈએ એમનો આટલો સમય લેવા બદલ દિલગીરી વ્યક્ત કરી. એટલે શાસ્ત્રી કહે, ‘તમે એમ બોલશો નહીં, તમારા જેવા સાથે વાત કરવી એ આધ્યાત્મિક મનોયત્ન [વ્યાયામ] છે.’૧૬

પોલીસના અત્યાચારોના વર્ણનવાળો એક કાગળ શાસ્ત્રીએ મહાદેવભાઈને બતાવ્યો. મહાદેવભાઈએ કહ્યું કે આવા કાગળો તો તમે વાઇસરૉય પાસે મૂકતા હો તો? શાસ્ત્રી કહે, ‘ના, ના. એ…માં માલ નથી, આના કરતાં વધુ ઘોર કૃત્યોની એને જાણ છે!!’ મહાદેવભાઈની એની પર નોંધ: ‘છતાં એ ધાર્મિક વાઇસરૉય કહેવાય; ખ્રિસ્તી વાઇસરૉય કહેવાય!!’૧૭

સવારે શાસ્ત્રીએ કારોબારી આગળ ખૂબ માર્મિક અપીલ કરી. એ અપીલ વિશે મહાદેવભાઈએ પોતાની નોંધમાં ‘અતિશય લાગણીવાળી, સાચી અને નમ્રતાભરેલી’ એવાં વિશેષણો વાપર્યાં.

પોલીસતપાસ અંગેની વાત નીકળતાં ગાંધીજીએ ‘આપણને Exonerate કરે (નિર્દોષ સિદ્ધ કરે)’ એ શબ્દો વાપર્યા જે ઘણાને ન સમજાયા. ગાંધીજીએ કહ્યું કે મને પોલીસને સજા થાય એમાં રસ નથી, પણ આપણે બળજબરી વગેરે વાપર્યાના જે દોષ તેમાંથી મુક્ત થઈએ એમાં રસ છે, જવાહરલાલે કહ્યું કે એ અમે સમજીએ છીએ પણ એમાં જરા Sanctimoniousness (પવિત્રતાનો ડોળ) આવી જાય છે.

પ્રથમ ગોળમેજી પરિષદમાં જઈ આવેલા અનેક લોકો આવી આવીને કોઈ પણ હિસાબે વાટાઘાટોને તૂટવા ન દેવાનો આગ્રહ કરી જતા હતા. સર શાહનવાઝ ભુટ્ટોએ આવીને કહ્યું, ‘વાઇસરૉયને તોડવું નથી; તમે ન જ તોડશો. કેટલાક મોટા અંગ્રેજોએ મારી સ્ત્રીને આગ્રહ કર્યો છે કે ગાંધીને મળીને એમને સમજાવે કે એ ન તોડે.’૧૮

તે જ દિવસે વાઇસરૉયે આગલા કાગળની કડકાઈ માટે — એના ખરાબ ધ્વનિ માટે — માફી માગી. હિંદી સરકારના ગૃહખાતાના મંત્રી એચ. ડબ્લ્યુ, ઇમર્સન સાથે ગાંધીજીને ઓળખાણ કરાવી. (તેઓ જ આખી વાટાઘાટમાં ગચ્ચા નાખતા હતા એવી ગાંધીજીની માન્યતા થઈ હતી.) અને કહ્યું કે તમને બંનેને એક ઓરડામાં પૂરીને સહમતી વિના બહાર ન નીકળી શકો એમ કરવા માગું છું. સાંજે વાઇસરૉયે પોતાની સાથે જમવાનો આગ્રહ કર્યો, ગાંધીજીએ ગરમ પાણી, લીંબુ અને મીઠું માગ્યાં એટલે લૉર્ડ. અર્વિને હસીને કહ્યું, ‘અહીં બિનજકાતી મીઠું ન મળે હોં!’૧૮એ

એક દિવસે અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી મળવા આવ્યાં. તેમને ગાંધીજીએ કહ્યું, ‘લોકો થાકે તેથી કાંઈ દેશનું હિત વંચાતું હશે!’

એક દિવસે મહાદેવભાઈ જમનાલાલજીની સાથે બાપુને મળવા ગયા. વાઇસરૉયના ઘરની બહાર સડક ઉપર સાડા બાર વાગ્યા સુધી રાહ જોઈને ઊભા રહ્યા.૧૯ સાડા બાર વાગ્યે બાપુ આવ્યા. રસ્તે ચાલતાં બાપુએ કહ્યું, ‘જમીનને વિશે૨૦ બહુ મુશ્કેલી પડી છે. અર્વિન પોતે કહે છે કે પોતે લેખી વચન આપી ચૂક્યો છે; પણ એ પોતે ગવર્નરને કાગળ લખશે.’ પિકેટિંગ વિશે (કહે), ‘બધી સ્થાનિક સરકારોના સખત કાગળો આવેલા છે. કાંઈ નહીં તો મને સજ્જનનું વચન૨૧ આપો. છ અઠવાડિયાં પિકેટિંગ બંધ રાખો.’ મેં કહ્યું, ‘એ તો એક દિવસ પણ બંધ રહી ન શકે. યુદ્ધવિરામ થાય ત્યાં સુધીના બેત્રણ દિવસ બંધ રાખું ખરો, પણ છ અઠવાડિયાં બંધ ન જ થાય.’ મીઠાને વિશે શૂસ્ટરને મળવું, એની સાથે સૂત્ર ઘડવું એમ ઠર્યું.

વાઇસરૉયનો ઉદ્યમ જોઈને બાપુ ચકિત થઈ ગયા. છૂટા પડતાં વાઇસરૉય કહે:

‘હું નિરાંતે ઊંઘું?’

બાપુ: ‘જરૂર.’

(વાઇસરૉય): ‘અને તમે એમ કરશો એવી ખાતરી રાખું?’

બાપુ: ‘મને ઊંઘવામાં અડચણ પડતી જ નથી.’

(વાઇસરૉય): ‘આમાં કેટલી ચિંતા પડી છે; ઉદ્વેગ થયો છે તેનું શું વર્ણન આપું? કોને વધારે ચિંતા થઈ છે? મને કે તમને?’

બાપુ: ‘એમાં હું સ્પર્ધામાં ઊતરવા નથી ચાહતો.’

(વાઇસરૉય): ‘ત્યારે હું મુંબઈ જાઉં ત્યારે મને વળાવવા આવશો કે?’૨૨

બાપુ: ‘જરૂર. ત્યાં હઈશ તો આવીશ.’

રાત્રે દોઢ વાગ્યે ઘેર પહોંચ્યા. વર્કિંગ કમિટીની મિટિંગ પોણા ત્રણ વાગ્યા સુધી ચાલી; અને બાપુ ત્રણ વાગ્યે સૂતા.૨૩

ઉપરોક્ત પ્રસંગો કરારો થયા તે વખતનું વાતાવરણ કેવું હશે તેની કલ્પના આપવા સારુ આપ્યા છે. ગાંધીજી અને લૉર્ડ અર્વિન બંને ધાર્મિક વૃત્તિના માણસો હતા; બંને એકબીજાની પ્રામાણિકતા પર વિશ્વાસ રાખતા હતા; બંને સમાધાનનું મહત્ત્વ સમજતા હતા; બંનેએ વાટાઘાટો ભાંગી ન પડે એટલા સારુ બેહદ મહેનત કરી તેને લીધે છેવટે ૫–૩–’૩૧ને રોજ કરારો પર સહીઓ થઈ. તે દિવસે સાંજે ખાતાં ખાતાં ગાંધીજીએ દેશવિદેશના અનેક મહત્ત્વપૂર્ણ અખબાર-પ્રતિનિધિઓ આગળ એક નિવેદન લખાવ્યું:

લગભગ દોઢ કલાક સુધી નિર્ગળ વાગ્ધારા ચાલી, ક્યાંય અટકતા નહોતા. માત્ર દેશી રાજાઓની વાત આવી ત્યાં અનકૉમ્પ્રોમાઇઝિંગ Uncompromising શબ્દ૨૪ યાદ નહોતો આવતો ત્યાં એકાદ મિનિટ થોભ્યા. એમની આસપાસ સૌ મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરતા હતા; બીજાઓ એમની છબીઓ ઉતારતા હતા; પણ એ બધાથી અસ્પૃષ્ટ અવ્યય બાપુએ પોતાની વાગ્ધારા ચાલુ રાખી. મેં પણ આખું નિવેદન લખી લીધું. સમાધાનીમાં ઊભરાઈ જવા જેવું એ બહુ નહોતું લાગતું પણ આમાં તો ઊભરાઈ જવા જેવું લાગ્યું. આખું નિવેદન એ અહિંસાના ચમત્કાર૨૫ તરીકે વર્ણવી શકાય; અને આખા સમાધાનની ઉત્પત્તિ અહિંસામાં જ હતી એ, એ નિવેદનનો ધ્વનિ હતો.

રાત્રે બાપુ કહે, ‘જ્યારે એક બાબતથી હું ભરેલો હોઉં છું ત્યારે આમ અખંડિત ધારા વહે છે. મારે ક્યાંય રોકાવું પડતું જ નથી.’૨૬

 • વાટાઘાટો અને કરાર કરવા એ કાંઈ સહેલી વાત નથી હોતી. એમાં એક તરફે પોતાના સિદ્ધાંતોની જાળવણી અને પોતાના લોકોનું ગૌરવ જાળવવાની વાત તો બીજી તરફ સામેના પક્ષની મુશ્કેલીઓ સમજીને એને અંગે વધુમાં વધુ ઉદારવૃત્તિ દાખવવાની વાત હોય છે. સારી વાટાઘાટો અને સારા કરાર પાછળ આ બે પ્રકારનાં સામસામાં બળોની સમતુલા જાળવી વિવેક સાધવાનો હોય છે. એ કામ સહેલું નથી. તેવું કઠણ કામ ગાંધીજી અને લૉર્ડ અર્વિને ૧૯૩૧ના માર્ચના આરંભમાં પાર પાડ્યું.

  કરાર કરવા જેટલું કઠણ કામ છે તેનાથી તેના અંગરંગને સમજીને એ કરારનું પાલન કરવું એ વધુ કઠણ કામ છે. ગાંધીજીએ જે કરાર કર્યા તેમાં વેચાઈ ગયેલી કે ખાલસા થયેલી જમીનો પાછી ન મળે એ એવી વાત હતી કે જે કબૂલ કરવી એ સરદાર સારુ અઘરી વાત હતી, જેમની ઉપર હિંસાનો આરોપ હોય તેવા કેદીઓ મુક્ત ન થાય તે અને બંધારણની દૃષ્ટિએ આગલી ગોળમેજી પરિષદે સ્વીકાર કરેલી કેટલીક વાતો એમની એમ રહેતી હતી તે કબૂલ કરવી એ જવાહરલાલ સારુ અઘરી વાત હતી. આ બેય જણાને સાથે લીધા વિના તો પોતાની પાંખો જ કપાઈ જાય એમ ગાંધીજી માનતા હતા. સરદાર ગુજરાતમાં અને જવાહરલાલજી સંયુક્ત પ્રાંતોમાં ઘૂમી ઘૂમીને કરારની વિગતો લોકોને સમજાવવા અને તેનો અમલ કરાવવા તથા એનું પાલન બેમાંથી કોઈ પક્ષે પણ બરાબર ન થતું હોય તો તેને સુધારવા બધી રીતે જાગ્રતપણે પ્રયત્ન કરતા હતા. એ વર્ષના જૂન માસની ૧૧મીએ જવાહરલાલ મુંબઈમાં રહેતા યુરોપિયન લોકોને મળ્યા ત્યારે તેમણે તેમને આખી કસરતનું મહત્ત્વ ખૂબ માર્મિક રીતે સમજાવ્યું હતું.

  ‘આ લડત મૂળ પ્રકારની૨૭ છે, દેશના રોમેરોમમાં વ્યાપેલી છે, અને તે કેવળ ગાંધીજીની નથી પણ પ્રજામાત્રની છે. બંધારણની વાતો કરતાં કહેલું, ‘તમે તો બંધારણનો જોડો પગમાં ખૂંચે કે ન ખૂંચે એ ન જોતાં એ જોડાના પૉલિશની ચર્ચા કરો છો.’ ‘લડાઈ લડાઈની વાત કેમ કરો છો?’ એમ સવાલ થયો એના જવાબમાં એમણે કહેલું, ‘સતત ચોકી, મુક્તિનું મૂલ્ય છે.૨૮ એ સાચું હોય તો એ તો મેળવેલી સ્વતંત્રતાનું મૂલ્ય છે. અને એમ હોય તો મેળવવાની સ્વતંત્રતાનું મૂલ્ય કેટલું હશે?’૨૯

  સરકાર પક્ષે અનેક અધિકારીઓની ઉપરવટ જઈને લૉર્ડ અર્વિને સમાધાન કર્યું હતું. સમાધાનને અમલમાં મૂકવાનો એ અધિકારીઓનો જાણે ઇરાદો જ ન હોય. એમ લાગતું હતું. કેટલાક તો એમ માનતા હતા કે ચળવળિયાઓ મારફત સરકારી અમલદારો ઉપર જ વધુ જુલમો થયા છે! પોતાની મરજી વિરુદ્ધ નિર્ણય થયો હોય તો તેનો અમલ કરવામાં બને એટલાં વિઘ્નો નાખવામાં પટેલ, તલાટી, કલેક્ટર, કમિશનરથી માંડીને વાઇસરૉયના સચિવાલયના મોટામાં મોટા અધિકારીઓ પાવરધા હતા.

  પરંતુ બે પક્ષોની ભૂમિકામાં એક જબરદસ્ત ફરક હતો. એક બાજુ વલ્લભભાઈની વૃત્તિ સિપાઈની હતી તેથી તેમણે ખાસ દલીલ કર્યા વિના ગાંધીજીની આજ્ઞા મુજબ વર્તવાનું નક્કી કરી નાખ્યું હતું અને બીજી બાજુ જવાહરલાલે ગાંધીજી પ્રત્યેના પ્રેમથી કરાર સ્વીકાર્યા હતા તેથી કરાર થયા પછી એક પણ વાર તેમણે એને અંગે ફરિયાદ નહોતી કરી. પેલી બાજુ જે અમલદારોને કરાર નહોતા ગમ્યા તેમણે ડગલે ને પગલે કરારનો ભંગ કરવામાં કશો નૈતિક ખટકો અનુભવ્યો નહોતો. લોકપક્ષ અને સરકારપક્ષની ભૂમિકામાં આ પાયાનું અંતર હતું. અધૂરામાં પૂરું કરાર થયા પછી સવા મહિને લૉર્ડ અર્વિનની વાઇસરૉયની કામગીરી પૂરી થઈ હતી. લૉર્ડ અર્વિનને મુંબઈ છોડતાં પહેલાં ગાંધીજીએ વિદાય આપી હતી. મહાદેવભાઈની ડાયરીમાં તેનું વર્ણન નીચે મુજબ આવે છે:

  ‘વાઇસરૉયની૩૦ સાથે શી વાત થઈ તે, સવારે મેં ગવર્નરની૩૧ મુલાકાતને માટે મુદ્દા-નોંધ૩૨ તૈયાર કરી હતી તે આપી ત્યારે બાપુએ મને કહી. કહે કે, ‘જે વસ્તુ મેં વાઇસરૉયને દિલ્હીમાં કહેલી તે એણે મને અહીં કહી. મેં એને કહેલું, ‘હું વિશ્વાસ રાખું છું કે હું તમારા હાથમાં સહીસલામત છું.’ એણે કહ્યું, ‘મારી આબરૂ સંપૂર્ણપણે તમારા હાથમાં છે. તમારે મને મારા અહીંના અને ત્યાંના દુશ્મનો સામે રક્ષણ આપવું પડશે.’૩૩

  વાઇસરૉયે બાપુને ફરીફરીને આગ્રહ કર્યો કે એમણે ‘વિલાયત જવું જ જોઈએ. ત્યાં જઈને ઘણું કામ થઈ શકશે. મુસલમાન-પ્રશ્નનું નિરાકરણ અહીં ન થાય તો ત્યાં થશે; પણ (એ અહીં ન થાય) તેટલા ખાતર ન જવું એ બરોબર નથી. હું વિલાયતમાં બધા પક્ષોની આગળ તમને ઓળખાવીશ.’ વગેરે.

  બાપુ: એ મારે માટે વિચારમાં ન બેસે એવું છે. મારાથી આના નિરાકરણ વિના ન જવાય; અને તમારો નિકાલ સ્વીકારાય નહીં એટલું જ નહીં, પણ તમારા ઉપર એ નિકાલ છોડાય પણ નહીં.’

  વાઇસરૉય: ‘તમારું મૂળભૂત વલણ હું સમજું છું. પણ ધારો કે એમ જ થાય તો તમારો વાંધો તમે નોંધાવી શકો છો. બાકી સાચી વાત એ છે કે અલગ મતાધિકાર મંડળો તમારે આપી દેવાં જોઈએ. માલવિયા-મુંજેની સાથે મેં વાત કરી અને તેઓ પણ એ આપવા તૈયાર થયા છે. પછી મુશ્કેલી શી હોય?’

  બાપુએ તોયે ના કહી એટલે પછી કહે, વારુ, પણ એના ઉપર વિચાર તો કરજો.’

  પણ પોતે ન જાય તો કરે શું?૩૪ એ પણ અર્વિને બાપુને પૂછ્યું. બાપુ કહે, ‘સ્વાતંત્ર્યની લડત છોડીને હું ઘરનાં દુ:ખો એક પછી એક લઈને તેના ઉપર સત્યાગ્રહ કરતો જઈશ. એ મારું કામ થઈ પડશે.’

  અર્વિન વિચિત્ર રીતે હસ્યો; (બાપુ કહે, ‘કદાચ મારી મૂર્ખાઈ ઉપર. હું કેવો બાઘો છું એ વાત ઉપર હસ્યો હશે) અને એને આશ્ચર્ય પણ થયું. એ જવાબને માટે એ કદાચ તૈયાર જ ન હતો.૩૫

  અર્વિનની જગાએ લૉર્ડ વિલિંગ્ડન વાઇસરૉયપદે આવ્યા હતા, જે સામ્રાજયવાદી રાજ્યવહીવટમાં પાવરધા હતા અને જેમની સહાનુભૂતિ અમલદારશાહી જોડે જ હતી. તેમને વિશે નરહરિભાઈ લખે છે:

  લૉર્ડ વિલિંગડન૩૬ તા. ૧૮–૪–’૩૧ના રોજ વાઇસરૉયપદે આવ્યા. તેઓ હિંદુસ્તાનના સારી પેઠે ભોમિયા હતા. મુંબઈ અને મદ્રાસમાં ગવર્નર થઈ ચૂકેલા હતા અને સિવિલ સર્વિસ સાથે તેમને સારી પેઠે ગાંઠ બંધાઈ ગયેલી હતી. હિંદુસ્તાનમાં બ્રિટિશ અમલદારોનું માનસ તેઓ બરાબર જાણતા હતા એટલું જ નહીં પણ એ માનસ સાથે તેમને સમભાવ હતો. બલકે એ માનસ તેમણે પોતે પણ કેળવ્યું હતું. આ સંધિ પ્રત્યે અને સંધિના પ્રણેતા ગાંધીજી અને લૉર્ડ અર્વિન પ્રત્યે તેઓ કેવું વલણ ધરાવતા તે ખાનગીમાં તેમણે કાઢેલા પણ બહુ જાણીતા થઈ ગયેલા તેમના આ ઉદ્ગારોમાં વ્યક્ત થાય છે: ‘એ તો અર્વિન ભલો માણસ તે આ નટખટ વાણિયાની જાળમાં ફસાયો. હું તો એને કોઠું જ ન આપું.’ બીજે એક પ્રસંગે કહેલું: ‘વાનર યુક્તિઓવાળો એ લુચ્ચો (ગાંધીજી) મને ખોટો દેખાડવામાં હમેશાં ફાવી જાય છે.’ જેનું આવું માનસ હોય તેની પાસેથી કેવી આશા રખાય? અને અમલદારોને તો સંધિ અશક્ય બનાવવી જ હતી. વિલિંગ્ડનસાહેબના રાજ્યમાં તેમને છૂટો દોર મળ્યો.૩૬ સંજોગોના આવા ભેદોને કારણે કરારો થયા એની સાથે સાથે જ એનો ભંગ થયો અને સુલેહ થઈ તે સાથે જ સંગ્રામની પણ જાણે કે શરૂઆત થઈ ગઈ.

  આ પરિસ્થિતિમાં ગાંધીજીની નીતિ સંપૂર્ણ રીતે અહિંસક માણસને છાજે તેવી હતી. તેમણે એવી નીતિ અપનાવી કે આપણે પક્ષે તો કરારોનું ચુસ્તીથી પાલન કરવું જોઈએ અને તેમ કરતાં જે કાંઈ વધારાનાં કષ્ટો આવે તે વેઠી લેવાં જોઈએ, અને સામે પક્ષે જ્યાં જ્યાં પણ કરારભંગ થતો જણાય તેની વાત સરકારને કાને નાખવી જોઈએ. પોતાની તમામ સિપાઈવૃત્તિને અમલમાં આણીને નજર આગળ ખેડૂતોની ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો તે જોતા હતા છતાં વલ્લભભાઈએ ખેડૂતોને કરારની શરતોનું પાલન કરવાનો જ આગ્રહ રાખ્યો.

  દિલ્હીથી ગુજરાત પાછા આવી ગાંધીજી સરદાર સાથે બોરસદ અને બારડોલીના ખેડૂતોને મળ્યા. બોરસદમાં ગાંધીજીએ કહ્યું:

  આ સંધિ એ લડતનો અંત નથી. લડતનો અંત તો સ્વરાજ મળ્યા પછી જ આવશે. અને કદાચ સ્વરાજ મળ્યા પછી પણ ન આવે, કારણ, સ્વરાજ સરકાર સામે પણ સત્યાગ્રહ કરવાનો આવે. આજે તો જે સંધિ થઈ છે તે સ્વરાજની મજલમાં એક આગળ પગલું છે. હવે જે લેવાનું રહ્યું છે તે વાતચીત, ચર્ચા, વાટાઘાટથી લેવાનું છે એ આશાથી આ સંધિ થયેલી છે. હવે તમને થયેલા નુકસાનનો બદલો તમને અપાવવાની મેં તમને વાત કરી હોય કે સરદારે કરી હોય એવું મને સ્મરણ નથી. કોઈ સ્વયંસેવકોએ તમને એવી આશા આપી હોય તો વગરવિચાર્યે હતી એમ મારે કહેવું જોઈએ. એને માટે તમે સમિતિને કે મને કે સરદારને જવાબદાર ન ગણતા.૩૭

  ખેડા અને બારડોલીમાં ગાંધીજી અને વલ્લભભાઈ સાથે ગાળેલા ચાર દિવસો વિશે મહાદેવભાઈ લખે છે:’

  એ દિવસો જીવનના એક લહાવા તરીકે ગણી શકાય. ગયા વર્ષમાં આ ગામોમાં જે જે બન્યું, રાષ્ટ્રયજ્ઞમાં એમણે જે ભાગ (? ભોગ) આપ્યો તેનું વર્ણન કરવાને કોઈ વાલ્મીકિ જોઈએ; પણ આજે જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારનાં દૃશ્યો વર્ણવવાને પણ એવી દૈવી કલ્પનાની આવશ્યકતા છે. પણ મેં તો એ, લેખકની દૃષ્ટિએ જોવાના કરતાં સાધકની દૃષ્ટિએ જોયાં અને હર્ષાશ્રુથી આંખ પાવન કરી. ત્યાગ અને સંકટસહનની પરિસીમા છતાં એને ટપી જતી અભિમાનના અભાવની પરિસીમાએ હૃદય વધારે વિનમ્ર બન્યું, અને આ ભલા ખેડૂતોની અનેરી શ્રદ્ધાનો કણ પણ આપણામાં હોત તો કેવું સારું એવો ઉદ્ગાર નીકળી ગયો. સરદાર ગામેગામ ફરતાં સૌની તપશ્ચર્યાની સ્તુતિ કરતાં કહે છે, ‘તમે સહન તો બહુ કર્યું, પણ તમે જેવડી ઇજ્જત કમાયા તેવડી ઇજ્જત થોડા જ કમાઈ શકે એમ છે.’ મને નથી લાગતું કે એ લોકોને આ ઇજ્જતનો કાંઈ પણ ખ્યાલ હોય. બ્રેઇલ્સફર્ડે બારડોલીને અને ખેડાને અમેરિકામાં અને વિલાયતમાં અમર કર્યા છે, પણ એની એ ખેડૂતોને શી ખબર? ખેડૂતોને જેલમાં જઈને પ્રસિદ્ધિ મેળવવાનીયે ન મળે, અને છાપે ચડે તો છાપાં વાંચવા જેટલી નિરાંત અને ઘણી વાર જ્ઞાન ન મળે. આ સંજોગોમાં જેમને પોતે હૃદયમાં દેવનું સ્થાન દીધું છે તેવાના એ શબ્દને ઉઠાવી લઈ પારાવાર સંકટ સહન કરનાર ખેડૂતોને હજાર વાર ધન્યવાદ હો!’૩૮

  હિજરતીઓનાં દુ:ખદર્દ જોઈ મહાદેવભાઈ દ્રવી ઊઠે છે:

  આ ગાડાં ખેંચનારા ગરવા બળદોએ, આ ઘોડિયામાં પડેલાં બાળકોએ, આ રેંટિયો ફેરવતી બાળાઓએ — અરે, એ રેંટિયાઓએ પણ રાષ્ટ્રયજ્ઞમાં અજબ ભાગ ભજવ્યો છે. શકુંતલાની વિદાયના વર્ણનથી આંખ વધારે અશ્રુભીની થાય કે અન્સારીઓનાથી વિદાય લેતા આ હિજરતીઓને જોઈને વધારે અશ્રુભીની થાય? આ વિચાર કરતાં મારું આશ્રમ,૩૯ ગાંધીજીની શીતળ છાયામાં સનાતન વાસ, અને એની આસપાસ રહેલી બધી સૃષ્ટિ હું ભૂલું છું, અને આ સરલ, નિ:સ્પૃહ, નિર્વ્યાજ, શ્રદ્ધાળુ ખેડૂતોમાંનો એક હું હોત તો કેવું સારું એમ ઘડીભર થઈ જાય છે.૪૦

  કરાર થયા ત્યાર પછી બોરસદમાં ખેડૂતોના પ્રશ્નોની તપાસ રવિશંકર વ્યાસ (મહારાજ) અને છગનલાલ જોષીએ કરેલી. રવિશંકર મહારાજને ખેડા જિલ્લાના લોકોનો ઉત્તમ પરિચય હતો. શ્રી જોષી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના અભ્યાસુ હતા. બંને પોતે મેળવેલી હકીકતો મહાદેવભાઈ પાસે લાવતા. મહાદેવભાઈ તેમાંથી સરકાર સારુ નોંધ તૈયાર કરતા.

  મુંબઈના આઝાદ મેદાનમાં મળેલી એક વિરાટ સભામાં ૧૭મી માર્ચે ગાંધીજીએ સત્યાગ્રહ અને સમાધાનનાં મૂળતત્ત્વો ચર્ચ્યાં:

  સત્યાગ્રહી લડત માટે હંમેશ તૈયાર હોય; છતાં એનામાં સમાધાની માટે એટલી જ હોંશ હોવી જોઈએ — હંમેશ લડ્યા જ કરે એવું ન હોવું જોઈએ. શાંતિ માટે જો માનભર્યો મોકો મળે તો તેને આવકારવો જોઈએ. કૉંગ્રેસની વર્કિંગ કમિટીએ આવો મોકો જોયો અને એનો લાભ ઉઠાવ્યો. કોઈ પણ સમાધાનીમાં મહત્ત્વની શરત એ હોવી જોઈએ કે એમાં અપમાન જેવું કે હીણપત જેવું લાગે એવું કાંઈ હોવું જોઈએ નહીં: અગર તો એ, ડરના માર્યા કરી હોવી જોઈએ નહીં. મારા ઉપર તો, ‘કોઈ પણ રીતે ભીનું સંકેલી, સમાધાની કરી નાખો,’ એ મતલબના તારનો વરસાદ વરસ્યા કરતો હતો; પણ હું લેશમાત્ર ચલિત થયો નહીં. આવી બાબતો માટે હું એક ઘડાયેલો માણસ છું. અને મારા અંતરના અવાજ અનુસાર લીધેલા કોઈ પણ નિર્ણયમાંથી ખસવા કોઈ પણ તાર મને અસર ન કરે એ વિશે હું મક્કમ હતો. સત્યાગ્રહી શંકા અગર ભયને વશ થતો નથી; તેમ જ સામા પક્ષને નમાવવા, હઠાવવા, શરમાવવાનો વિચાર કરતો નથી; એ, ન્યાયમાર્ગથી ચલિત થતો નથી અને અશક્ય શરતો લાદતો નથી. એ પોતાની માગણીઓ વધારે પડતી ઊંચી ન રાખે તેમ જ વધારે પડતી મોળી પણ ન કરે. બધું મર્યાદામાં જ માગે. હું કહેવા માગું છું કે હાલની સમાધાની આ બધી શરતોને સંતોષે છે.૪૧

  ગાંધીજી બોરસદ – બારડોલીમાં ફરવા લાગ્યા તેથી લોકો મહાદેવભાઈને જાતજાતના પ્રશ્નો પૂછવા લાગ્યા. એમાંના કેટલાકના જવાબ તેમણે નીચે મુજબ આપ્યા:

  બોરસદમાં શું કે બારડોલીમાં શું, ગામડાંમાં આખો જન્મારો વીતે, અને સિમલા, મુંબઈ કે બીજાં પાટનગરોમાં બિલકુલ જવું જ ન પડે તો પ્રભુનો પાડ માનું એ જવાબ ગાંધીજી પાસેથી મળે. ગામડાંમાં જ ખરું કામ છે એમ તો ગાંધીજી પોકારી પોકારીને કહી ચૂક્યા છે અને રાજ્યબંધારણના સવાલનો તરત નિકાલ આવે એમ શા સારુ માની લઈએ? વળી, એ પ્રશ્નનો તરત નિકાલ આવે તોપણ આપણે કરવાનાં કામ તે (બીજું) કોઈ કરી આપવાનું નથી.

  સંધિની શરતો પાળવા-પળાવવાની ચર્ચામાં ગાંધીજીને સમય આપવો પડે એ દુ:ખની વાત નથી?’ એ પણ દુ:ખની વાત નથી. ગાંધીજીમાં કેટલી ધીરજ છે અને લોકોની પાસે કેટલી ધીરજ તેઓ રખાવી શકે છે એ જગત શી રીતે જોઈ શકત?

  એક મિત્રે કહ્યું તેમ આ સંધિપત્ર એ કોઈ નાનોસૂનો દસ્તાવેજ નથી; અને વર્સાઈની સંધિનો૪૨ અમલ કરવા-કરાવવામાં વર્ષો ગયાં તો આ સંધિપત્રનો અમલ કરવા-કરાવવામાં થોડાક મહિનાનો ગાળો વીતે તેથી કોઈએ નવાઈ પામવી જોઈએ નહીં અગર અધીરા થવું જોઈએ નહીં.

  અનેક ઠેકાણે અનેક બાબતોમાં સંધિની શરતોનો ભંગ થાય છે છતાં તે વિશે ખામોશ રહી, ગાંધીજી પોતાનું કામ કર્યે જ જાય છે. એના કરતાં અહિંસાનો બીજો વધારે સારો પાઠ કયો હોઈ શકે? સંધિની અમુક કલમના અર્થને વિશે પણ પ્રામાણિક મતભેદ હોઈ શકે છે. કોઈ અવળચંડા અમલદાર એ શરતના અવળા અર્થ કરતા હોય તોપણ તેને પ્રામાણિક માનીને તેમને પાટે ચડાવવાનો પણ ધર્મ થઈ પડે છે. સત્યાગ્રહીનો રસ્તો ખાંડાની ધારે ચાલવાનો છે. એ અહિંસાના અચળ માર્ગના પ્રવાસી ગાંધીજી સિમલા શા માટે ગયા તે હવે સમજાયું હશે.૪૩

  અહીં એ પણ કહી દેવું જોઈએ કે બધા અમલદારો એકસરખા નહોતા. એમાંના કેટલાક ગાંધી-અર્વિન કરારનું પાલન કરવા સારુ પ્રામાણિકપણે પ્રયત્ન પણ કરતા અને કૉંગ્રેસના પક્ષને સમજવા પ્રયાસ પણ કરતા. ખેડાના કલેક્ટર મિ. પેરી તે પ્રકારના હતા. મુંબઈના ગવર્નર અને એમના ગેરેટ [ઉત્તર વિભાગના કમિશનર] જેવા સલાહકારો જે કરારની અમલબજવણીમાં અંતરાયો નાખતા તો ઉત્તર પ્રદેશના ગવર્નર મિ. હલી બને એટલા અનુકૂળ થવા પ્રયાસ કરતા. બોરસદથી ચોથી મેને દિવસે મહાદેવભાઈએ સરદારને એક પત્રમાં લખ્યું:

  કાલે ટપાલના સમયે કલેક્ટર પાસે ગયો હતો. એટલે પ્યારાને [પ્યારેલાલને] કહી ગયો હતો કે તમને લખે. કલેક્ટરની સાથે ઠીક દોસ્તી થઈ છે. પણ એ લોકોની દોસ્તી ક્યાં લગી? મારા રિપોર્ટો એમને ગમે છે. પણ રાસનો જોશે એટલે એમની આંખ ફાટી જશે. રાસના જેવું કામ તો આખા હિંદુસ્તાનમાં ક્યાંય નથી થયું એમ કાલે જ જોઈ આવ્યો. રાત્રે ખેડૂતોની સાથે દોઢ વાગ્યા સુધી બેઠો હતો. ગામમાંથી કોઈ નીકળ્યા નથી. પણ કેટલીક વસ્તુઓ ખસેડી મૂકેલી છે અને તે તો ‘બાપુ ગોળમેજી પરિષદમાં જઈ આવે અને સ્વરાજ લાવે ત્યાં સુધી પાછી નથી લાવવી. એમ કહે છે. રાસે જે શૂરાતન બતાવ્યું છે તે જો આપણે જોઈએ અને એણે જે ત્રાસ વેઠ્યો છે તે સાંભળીએ તો આપણી આંખમાંથી ચોધાર આંસુ આવે. પણ અત્યારે બાપુ મને રાસ કે પેલા મમાણિયાના ખેડૂત કે એવા બીજા દાખલાઓ વિશે ન લખવા દે.

  પત્રને અંતે તાજાકલમમાં મહાદેવભાઈ લખે છે:

  ‘મારે તો બારડોલી જેવું જ આ ક્ષેત્ર અનાયાસે ખૂલ્યું અને બાપુ મને રાસ માટે હદપાર કરે તોપણ અડચણ ન લાગે.’૪૪

  સુરત અને ખેડા બંને જિલ્લાઓમાં કરારનો અમલ કરાવવા સારુ અને એમાં મુશ્કેલી આવતી હોય તો તેની વિગતવાર નોંધ તૈયાર કરવાનું કામ ગાંધીજીએ એકથી વધુ વાર મહાદેવભાઈને સોંપ્યું હતું. બારડોલીની તપાસસમિતિના અનુભવી મહાદેવભાઈને લાગતું હતું કે તે વખતે જેટલી સમજદારીથી અંગ્રેજ અમલદારોએ કામ લીધું હતું તેવી રીતે આ વખતે પણ કામ લીધું હોત તો કામ સુતરું થઈ જાત. પણ અહીં તો મૂળ દાનત જ ખોરી હતી. પણ ઘણી વાર લોકોની ત્યાગવૃત્તિ, તપશ્ચર્યા અને શ્રદ્ધા મોટા અંતરાયો દૂર કરવામાં સફળ થતી. ખેડા જિલ્લાના કલેક્ટર એમ તો સહાનુભૂતિવાળા હતા, પણ તેમને અમુક ગામો વિશે પૂર્વગ્રહ હતો, એને વિશે મહાદેવભાઈ કહે છે:

  પણ પેલાં બીજાં ગામો જેને કલેક્ટરે અવિશ્વાસપાત્ર ઠરાવ્યાં હતાં તેમણે તો પોતે અને પોતાના સેવક કાર્યકર્તાઓ વિશ્વાસને અપાત્ર ગણાયા તેનું દુ:ખ જુદી જ રીતે જ જાહેર કર્યું. બપોર સુધીમાં ત્રણેય ગામના થોડા થોડા લોકો બારસો-તેરસો રૂપિયા લઈને હાજર થયા. અમે સૌને લઈને કલેક્ટરની પાસે ગયા અને જણાવ્યું કે, ‘જે ગામને વિશે તમે વધારેમાં વધારે અવિશ્વાસ જણાવ્યો તે ગામ સાતસો રૂપિયા લઈને આવ્યું છે; તમે એ લોકોને મળો તો ખરા!’ કલેક્ટર આભા બન્યા. ‘આમ કરવાની કશી જરૂરત નહોતી,’ એમ જણાવ્યું. મેં કહ્યું: ‘સત્યાગ્રહીઓ પોતાનું દુ:ખ આ જ રીતે વ્યક્ત કરી શકે; આમાંના કેટલાક તો વ્યાજે પણ લાવ્યા હશે, પણ એમની આબરૂનો સવાલ આવીને ઊભો એટલે એ લોકો શું કરે?’ કલેક્ટર બહાર નીકળ્યા, લોકોને બોલાવ્યા અને કહ્યું: ‘મૈં બહુત ખુશ હુઆ હૂં. આપ લોગોં કો બડી તકલીફ હુઈ. ધૂપ મેં આયે. આપ લોગોં પર કોઈ નોટિસ નહીં નિકલેગી.’ એમ કહી મામલતદારને કાગળ લખી આપ્યો.૪૫

  મહાદેવભાઈએ ગામડાંમાં ફરીને લોકોને કરાર અંગે સમજૂતી આપીને તેમને ત્યાગ સારુ તૈયાર કરવા એને પણ સેવા માની. તેઓ લખે છે:

  લોકોને મેં તો બે વાક્યોમાં કહી દીધું: ‘આપણે પ્રામાણિક થવું છે, પ્રામાણિકપણે સરકારને કહી દેવું છે કે આટલા માણસો ભરી શકશે, આટલાની શક્તિ નથી, અને મુલતવીની રાહત આપવી પડશે. સરકારના ઉપર આપણે વિશ્વાસ બેસાડવો છે. અને એને કહેવું છે કે તમે કહેશો તે અને તેટલું ન અપાય, પણ અમે અમારી શક્તિ પ્રમાણે આપીએ તેટલું, અમારો કેસ સાચો હોય તો, તમારે લેવું પડશે.’ લોકો આ સમજી ગયા. રાસનું શૂરાતન ન સાંભળીએ, રાસના લોકોની પ્રસન્નતા ન જોઈએ તો રાસ ઉપર જે વીતી છે તે સાંભળીને ચોધારાં આંસુ આવે.૪૬

  કામ ધીમે ધીમે, પણ લોકોની શક્તિથી આગળ વધતું હતું તેનાથી મહાદેવભાઈએ સંતોષ અનુભવ્યો.

  મહાદેવભાઈ માત્ર ખેડૂતોને જ સમજાવતા નહોતા, અમલદારને પણ સમજાવતા. એમના સમજાવવાથી જ ‘૩૦ની લડતમાં જે પટેલ-તલાટીઓ, રાજીનામાં આપનાર પટેલ-તલાટીઓની અવેજીમાં કામે લાગ્યા હતા, તેમને બદલીને જૂના લોકોને પાછા લવાયા ત્યારે વચગાળાના લોકોએ પ્રજા પર જુલમો ગુજારેલા તે છતાંય તેમને કાંઈક ઇનામ આપવાની સરકારની યોજના હતી, તે પડતી મુકાઈ.

  મહાદેવભાઈની અમલદારો સાથે મળીને સમજૂતીથી કામ લેવાની રીત એક વાર આંશિક રીતે જ સફળ થઈ હતી. તેઓ બારડોલી અંગે કલેક્ટર શ્રી કોઠાવાલા સાથે થયેલી સમજૂતી બાબત લખે છે:

  રાસનો કૂટ કોયડો મિ. પેરીએ કેવળ વાતચીત અને વાટાઘાટે ઉકેલ્યો, પણ બારડોલીનો કોયડો ઉકેલવાનું મિ. કોઠાવાળાની શક્તિ બહારનું કામ હતું — સત્તા બહારનું પણ હોય. ત્યાં તો ધડાધડ નોટિસો નીકળી, ગાંધીજી અકળાયા, એમણે મને સુરત મોકલ્યો, હું સુરતમાં ૯મી જુલાઈએ મિ. કોઠાવાળાને શ્રી મોહનલાલ પંડ્યા સાથે મળ્યો. બહુ મીઠી વાતો થઈ, તેમની સાથે કેટલીક સમજૂતી થઈ. નોટિસોને પાત્ર માણસોની યાદી, આ સમજૂતીને અંગે, અમને પહોંચાડવાનું એમણે કબૂલ કર્યું અને હું પાછો મુંબઈ ગયો, સમજૂતીને અંગે એક યાદી કલેક્ટરસાહેબે શ્રી મોહનલાલ પંડ્યાને મોકલી, તે યાદીનો પંડ્યાજીએ ઉપયોગ કર્યો, યોગ્ય માણસો પાસે પૈસા ભરાવ્યા, અશક્તો પાસે અરજી કરાવી. પણ એ યાદી પહેલી અને છેલ્લી હતી. મિ. કોઠાવાળાએ પંડ્યાજીને પોતાની લાચારી પ્રગટ કરી કહ્યું, ‘આવી યાદી હવે મારાથી ન અપાય, મને એવા હુકમ થયા છે.’ ગાંધીજી પણ જ્યારે મિ. કોઠાવાળાને ૧૩મી તારીખે સુરતમાં મળ્યા ત્યારે મિ. કોઠાવાળાએ કહ્યું કે, ‘મહાદેવની સાથે થયેલી મારી સમજૂતી સરકારને પસંદ પડી નથી.’૪૭

  આ કલેક્ટરને એક વાર ગાંધીજીએ કહેલું, ‘મારે અંગત રીતે તમારી સાથે કોઈ ઝઘડો નથી. તમે તો કેવળ હથિયાર છો,’ એના જવાબમાં કલેક્ટરે કહેલું, ‘હું હથિયાર પણ નથી; હું કેવળ પ્યાદું છું.’૪૮

  છેક ઉપરના રસ્તે વાટાઘાટોમાં કેવાં વિઘ્નો નખાતાં હતાં તેનો ખ્યાલ સિમલાથી ૧૫–૫–’૩૧ને દિન મહાદેવભાઈએ સરદારને લખેલા પત્રમાં આવે એમ છે:

  બાપુ બે દિવસ થયા એમર્સનને મળે છે. એ માણસ મહા દીર્ઘસૂત્રી છે. એટલે રોજ કલાકના કલાક લે છે. ગુજરાત વિશે બહુ ચર્ચા થઈ. અહીં ગેરેટ પણ આવ્યા હતા; અમારા આવ્યાના એક દિવસ અગાઉ ચાલ્યા ગયા. એમર્સન કહે છે: ‘જ્યાં સુધી ત્યાં૪૯ સખત પગલાં લેવાશે નહીં ત્યાં સુધી તમે શા સારુ અધીરા થાઓ?’ બાપુ કહે: ‘મારી ધીરજ હવે ખૂટી ગઈ છે, બદમાશ પટેલોને તમારે કાયમ રાખવા જ હોય તો પટેલોની સામે એવી હિલચાલ થાય કે તે ગામોમાં રહી જ ન શકે.૫૦ પણ મેં ધીરજ રાખી છે. એટલે લોકો કશું બોલતા નથી. ૧૯૨૮–’૨૯ અને ૧૯૨૯–’૩૦ના હપતા જે લોકોએ આટલી ઉદારતાથી ભર્યા છે તેમની પાસેથી મહેસૂલ લઈ શકાય નહીં; લો તો હું એને દગો કહીશ. વાતો બહુ આકરી થઈ. પેલાએ આખરે કહ્યું: ‘સખતાઈનાં પગલાં લેવાશે નહીં.’૫૧

  કેદીઓ વિશે પણ વાતો થઈ.૫૨ હવે એમણે કબૂલ્યું છે કે જેટલાને વિશે બાપુને લાગે તેટલા માટે લખી મોકલે. પંજાબના ૨૮ કેદીઓને નહીં છોડે, કારણ કે પંજાબની સ્થિતિ ખરાબ છે એમ કહે છે. મીઠા૫૩ વિશેની તકરાર ઠીક પતી ગઈ કહેવાય. મદ્રાસના માછીઓને એ ‘છૂટ’ લાગુ નહીં પડે એવા હુકમ નીકળ્યા હતા. તે ફેરવાશે અને હવે બાપુને બતાવીને આ લોકો માટે પરિપત્ર કાઢશે.

  અહીં બધા લોકો માને છે કે (સંધિનો) ભંગ મુંબઈના અમલદારો… ખાસ કરીને ગેરેટ જેટલા કરી રહ્યા છે તેટલા ભાગ્યે જ કોઈ કરતા હશે. બાપુ કહે છે કે ગેરેટને સીધા કરવા હોય તો ઘડીકમાં કરી શકાય. પણ એટલા ખાતર સંધિને તોડવી ઠીક ન કહેવાય. એટલે રાહ જોઈ રહ્યો છું. ગઈ કાલની બધી વાત ‘ફ્રન્ટિયર’ [સરહદ પ્રાંત] ઉપર હતી. પણ ત્યાર પછી હું બાપુ સાથે વાત નથી કરી શક્યો. પણ ગફ્ફારખાનની ગિરફતારી વિશેની વાતો ચાલી રહી છે.૫૪ ગુજરાતથી સરદાર પણ મહાદેવને પત્ર લખીને એમની મારફત ગાંધીજીને સંધિના અમલમાં થતી ઢીલ અંગે વાકેફ કરતા. ૨૫–૮–૧૯૩૧નો કેટલોક ભાગ જુઓ:

  અહીં તો સૌની નજર તમારે ત્યાં શું થાય છે તેના ઉપર છે. સંધિની શરતોના પાલનમાં કંઈ ફેરફાર થવાનો સંભવ લાગતો નથી. રાસના પટેલને હજી કાઢ્યો નથી. ખબર તો એવા મળ્યા છે કે ગાંધીજી પાછા આવતાં સુધી કંઈ જ કરશે નહીં. પોલીસ ઉઠાવી લીધી છે અને ધારાળાઓએ પાછું નુકસાન કરવાનું શરૂ કર્યું છે. પાક તૈયાર થયો છે તે વખતે તે તોફાન શરૂ કર્યું છે. બે જણની બાજરી કાપી ગયા. બે પંપના પટા કાપી લઈ ગયા. મેં કલેક્ટરને લખ્યું છે તો ખરું પણ જોવાનું રહ્યું કે શું થાય છે. વરાડના જહાંગીરને તો મામલતદારની તપાસમાં કંઈ થવાનું નથી. મામલતદાર મળી ગયો છે…

  યુ. પી.માં જવાહરની ફરિયાદ તો જેવી ને તેવી જ છે. છતાં ચલાવી રહ્યા છીએ. ‘પ્રેસ ઍક્ટ’નું તો તમે જાણો છો. હવે વળી કલકત્તામાં અટકાયતીઓના ટોળા પર ગોળીબાર કર્યો. તેમાં બે મરી ગયા અને પચીસ જણ ઘાયલ થયા. બંગાળી અટકાયતીઓ જરા અટકચાળા તો હોય છે. પણ સરકારે અતિશય જુલમ કર્યો લાગે છે. છતાં એ તો ઢાંકપિછોડા કરવાના જ…

  સિંધમાં સાત–આઠ જણને ‘[૧૨૪]અ’ કલમ પ્રમાણે પકડ્યા છે ને ‘કેસો.’ ચાલે છે. તેમાં ગોવિંદાનંદ પણ છે. બોલવામાં બાફ્યું જ લાગે છે. પણ એ તો હમેશાં જ એવું બોલતા હતા. આજે કાંઈ નવું નથી…૫૫

  કરારના વિરોધી અમલદારોએ ગાંધીજીનો વિરોધ કરવામાં કેટલીક વાર સામાન્ય શિષ્ટતાની મર્યાદા પણ જાળવી નહોતી. પૉવેલ નામના એક અંગ્રેજે એવો દાવો કર્યો હતો કે મેં ગાંધી સાથે વ્હિસ્કી પીધો છે અને આજે છે એવો તપસ્વી એ તે વખતે નહોતો. વળી કરાડીમાં એમને અડધી રાતે ગિરફતાર કર્યા ત્યારે ત્યાં કસ્તૂરબા ઉપરાંત બીજાં કોઈ બહેન પણ સૂતાં હતાં તેને લઈને ગાંધીજી પર ચરિત્રદોષનું આળ ચડાવવાના પ્રયાસ થયેલા એની નોંધ મહાદેવભાઈ પોતાની ડાયરીમાં કરે છે.૫૬

  દેશમાં કોમી એકતા અંગે કાંઈક સમજૂતી થાય નહીં અને કરારના અમલ અંગે કાંઈક ખાતરી ન થાય તો બીજી ગોળમેજી પરિષદમાં જવાનું લૉર્ડ અર્વિનને વચન આપેલું છતાં જવાય નહીં એમ ગાંધીજી માનતા હતા. કૉંગ્રેસ કારોબારીએ, ખાસ કરીને મૌલાના આઝાદે, એવો આગ્રહ રાખ્યો કે કોમી સમજૂતી ન થાય તોપણ તેમણે જવું. કરારના અમલ અંગે ગાંધીજી વાઇસરૉય વિલિંગ્ડનને મળ્યા. પ્રથમ તો વાત તૂટી જ ગઈ એમ લાગતું હતું પણ છેક છેલ્લી ઘડીએ સમાધાન થયું અને વાઇસરૉયે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી અને તા. ૨૯–૮–’૩૧ને દિન મુંબઈ પહોંચીને એસ. એસ. રાજપૂતાના નામની સ્ટીમર ગાંધીજી પકડી શક્યા. બહુ આશા રાખ્યા વિના વિલાયત જઈ રહેલા ગાંધીજીને વળાવવા મુંબઈના બંદરે લાખોની ભીડ ભેગી થઈ હતી. એ વિદાય અંગેનું મહાદેવભાઈનું વર્ણન છે તો સાવ સરળ અને અંગત, પણ તેથી જ તે માર્મિક થઈ ગયું છે:

  ઘરે દુર્ગા, બાબલો મળ્યાં, દુર્ગા પ્રસન્ન લાગી. જેમતેમ દોડધામમાં તૈયારી કરી અને બોટ ઉપર પહોંચ્યા — બાર વાગ્યે. સાથે બાબલો, દુર્ગા હતાં. બાબલો બોટ ઉપર આવીને કહે, ‘કાકા, બોટમાં આટલાં બધાં ઘર શી રીતે હશે?’ માણસો એટલાં હતાં કે બાબલો તો અકળાઈ ગયો.

  મુંબઈના લોકોએ અજબ વિદાય આપી. એક વાગ્યે સ્ટીમર ચાલી ત્યાં સુધી બાપુ ડેક ઉપર ઊભા રહ્યા. દુર્ગા, એક કેસરિયા સાડીવાળી પાસે ઊભી હતી. તેની નિશાની લઈને મેં, આખરે આંખ તાણવી પડે ત્યાં સુધી જોયા કીધી, આખરે બધું દૃશ્ય આંખ આગળથી લુપ્ત થયું.૫૭

 • ગાંધીજી અને મહાદેવભાઈ ૧૯૩૧ના જાન્યુઆરીની ૨૬મીએ જેલમાંથી છૂટ્યા ત્યારથી માંડીને ઑગસ્ટની ૨૯મી તારીખે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા તેમણે મુંબઈ બંદર છોડ્યું ત્યાં સુધીની કેન્દ્રવર્તી ઘટના ગાંધી-અર્વિન કરાર અને તેના અમલ અંગે આપણે જોઈ ગયા. મહાદેવભાઈના જીવનને લાગેવળગે છે ત્યાં સુધી આ જ અરસામાં બનેલી બીજી બે મુખ્ય ઘટનાઓ ભગતસિંહ અને તેના સાથીઓને ફાંસી અને કરાંચીમાં ભરાયેલ મહાસભાનું અધિવેશન હતાં.

  ભગતસિંહની ફાંસીને લૉર્ડ અર્વિન સાથે સંધિ થઈ તે છતાં ગાંધીજી રોકી ન શક્યા તેથી ઘણા જુવાનિયાઓ ઉશ્કેરાયા હતા અને દિલ્હીથી કરાંચી કૉંગ્રેસમાં આખે રસ્તે ઠેકઠેકાણે ગાંધીજી સામે દેખાવો થયા હતા. મહાદેવભાઈને રસ એ બાબતમાં હતો કે આ વિશે ગાંધીજીની ભૂમિકા દેશ આગળ તેઓ સ્પષ્ટ કરે.

  ગાંધીજી ભગતસિંહની બહાદુરી, એની દેશભક્તિ અને એની સત્યનિષ્ઠાના પ્રશંસક હતા. અલબત્ત, તેમને એનો હિંસાનો રસ્તો પસંદ નહોતો. ગાંધીજી ભગતસિંહ વગેરેને ફાંસીની સજા થાય એની વિરુદ્ધ હતા. તેથી વાઇસરૉયને મળવા ગયા તે પહેલાં જ વાઇસરૉય જોડે જેમની સારી ઊઠબેસ હતી તેવા જયકર અને સપ્રુને આ અંગે કાંઈક કરવા આગ્રહ કર્યો હતો. બંનેએ પોતાના બનતા પ્રયાસ કરવાનું ગાંધીજીને આશ્વાસન પણ આપ્યું હતું. વાઇસરૉય સાથેની વાટાઘાટો કૉંગ્રેસના પૂર્ણ સ્વરાજના ઠરાવને લીધે ચાલેલા સવિનયભંગના આંદોલનને નિમિત્તે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે હતી. યુદ્ધવિરામ કઈ કઈ શરતોને આધારે થાય એની વાત ચર્ચાતી હતી. તેથી એ વાતોના એક ભાગ તરીકે તો ગાંધીજી ભગતસિંહ વગેરેના પ્રશ્નની ચર્ચા વાઇસરૉય સાથે કરી શકતા નહોતા. પરંતુ એ ચર્ચાથી સ્વતંત્રપણે તેમણે આ વિષયની ચર્ચા વાઇસરૉય સાથે જરૂર કરી હતી અને એક કરતાં વધારે વાર કરી હતી. વાઇસરૉય આ બાબતમાં જરા પણ મચક આપવા તૈયાર નહોતા, અને ગાંધીજી આ વિષયને વાટાઘાટોના વિષયની અંતર્ગત વાત માનતા નહોતા તેથી આ મુદ્દા પર વાટાઘાટ તોડી નાખવાનો તો પ્રશ્ન જ ઊઠતો નહોતો. વાત માત્ર માનવીય દૃષ્ટિકોણથી થતી હતી અને આ બાબતમાં વાઇસરૉયની રાજનૈતિક દૃષ્ટિ એની માનવીય દૃષ્ટિની આડે આવતી હતી. વાઇસરૉયે કોઈનેયે ફાંસીની સજા ફરમાવવી એ માનવીય દૃષ્ટિએ અયોગ્ય છે એવું સ્વીકાર્યાનું મહાદેવભાઈની નોંધ કે બીજે કશે જડતું નથી. હા, વાટાઘાટો ચાલતી હતી તે ધ્યાનમાં લઈને અને કૉંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીએ લીધેલા નિર્ણયને બહાલી મળવાની હતી એ વાતનો ખ્યાલ રાખીને વાઇસરૉયે ગાંધીજી કહેતા હોય તો કૉંગ્રેસ અધિવેશન ભરાઈ જાય ત્યાં સુધી ભગતસિંહની ફાંસી મુલતવી રાખવાની તૈયારી બતાવી હતી. ફાંસીની સજા એટલો સમય રોકી લે અને પાછળથી આપે તેમાં ગાંધીજીને પ્રામાણિકતા ન લાગી, તેથી તેમણે તે સૂચનને વધુ ઉત્તેજન ન આપ્યું.

  કરાંચી જતાં રસ્તામાં ઠેર ઠેર લોકો ગાંધીજીને કટાક્ષ કરી પૂછતા હતા કે ભગતસિંહને ક્યાં મૂકી આવ્યા? ‘રેડ’વાળા મલીર સ્ટેશને ‘ભગતસિંહ કો ફાંસી કિસને દિલાઈ?’ ‘ગાંધી કે સમઝોતેને.’ એવા પોકારો કરતા જુવાનિયા ઊભા હતા. સ્ટેશને ઊતરતાં ગાંધીજીને ઘેરી લીધા. દેવદાસભાઈએ કૉર્ડન તોડી તો તેમને ધક્કો મારીને કાઢ્યા. ગાંધીજી ઉપર કાળાં ફૂલ નાખવાનાં હતાં, પણ તેમણે એ ફૂલ માગ્યાં એટલે તેમના હાથમાં મૂક્યાં. તે વિશે ગાંધીજીએ કહ્યું, ‘એ લોકોએ ઠીક મર્યાદા બતાવી. આથી વધારે કોલાહલ કરી શકતા હતા. પણ ન કર્યો.’

  માલવિયાજી કહે, ‘આપણે કેમ બાપુએ વાઇસરૉયને કાગળ લખ્યો હતો એ વાત ન કરીએ?’ મહાદેવભાઈએ ગાંધીજીને પૂછી જોયું. એમણે કહ્યું, ‘એ કામ જવાહરલાલ-સુભાષનું છે. આપણે એ લોકોને માટે કેટલું કર્યું તે એમણે જ કહેવું જોઈએ.’

  ભગતસિંહ વગેરેને બચાવવા ગાંધીજીએ શું શું કર્યું એની જુવાનિયાઓને ખબર હોત તો તેમણે વિરોધમાં જે દેખાવો કર્યા તે માટે એમને દિલગીરી થાત અને પોતાની ભૂલ ભૂંસાઈ જાય એવું કાંઈક કરવા તૈયાર થાત એવી મહાદેવભાઈને આશા હતી. તેમણે એમ પણ લખ્યું હતું કે, ‘છેલ્લાં થોડાંક વર્ષોમાં, બ્રિટિશ સરકારે, એમની મહાનુભાવતા નજરે ચઢે એવું કોઈ કૃત્ય કરીને નામના મેળવી હોય એવું જાણ્યું નથી; પણ ગાંધીજીને એવી અપેક્ષા હતી કે લૉર્ડ અર્વિન જે શાસનપદ્ધતિના અંગ છે તે શાસનપદ્ધતિ છતાં, સમય વર્તશે અને કાયમી શાંતિ સ્થાપવાની સરકારની ઇચ્છાનો હિંદને સબળ પુરાવો પૂરો પાડશે. ત્રેવીસમી તારીખની વહેલી પરોઢે લખેલો કાગળ પ્રેમની શાહીમાં બોળેલી કલમ વડે લખવામાં આવ્યો હતો અને એક એક મહાન ખ્રિસ્તીની ઉદારતાને અપીલ કરતો હતો.’૫૮

  મહાદેવભાઈએ ઉલ્લેખ કરેલા એ પત્રમાં શું હતું? गांधीजीनो अक्षरदेह – ખંડ ૪૫માં ૩૬૦મે પાને તે પત્ર નીચે મુજબ આપવામાં આવ્યો છે:

  ૧, દરિયાગંજ, દિલ્હી,
  માર્ચ ૨૩, ૧૯૩૧

  પ્રિય ભાઈ,

  આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ આ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલેહશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપે મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની આપની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.

  સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.

  વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જે માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જે ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.

  આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.

  આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય તો તેમ કરવું સારું છે.

  શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિના કારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.

  ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.

  રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં,૫૯ પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.

  ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.

  આપનો
  સહૃદયી મિત્ર૬૦

  કૉંગ્રેસના અધિવેશનમાં ૨૬મી માર્ચે જાહેર ભાષણ કરતાં ગાંધીજીએ કહ્યું:

  એમને ફાંસીએ ચડાવીને સરકારે પ્રજાને છંછેડવાનું ભારે કારણ આપ્યું છે. મને પણ એથી ચોટ લાગી છે, કેમ કે મારી મસલતો અને વાતચીતો પરથી મારા મનમાં એવી દૂરની આશા બંધાઈ હતી કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ કદાચ બચી જાય. એમને હું બચાવી ન શક્યો તે માટે નવજુવાનો મારા પર ક્રોધ કરે તેનું મને આશ્ચર્ય નથી થતું, પણ મારે તેમના પર ક્રોધ કરવાનું કશું કારણ નથી. એક તો, મારા જીવનમાં આ જાતનો પહેલો પ્રસંગ નથી. જે માણસ માનવજાતિની સેવા કરવાનો દાવો કરતો હોય તેણે, જેમની પોતે સેવા કરે છે તેમના પર ક્રોધ ન કરવો એ એનો ધર્મ છે. હું તો અહિંસાધર્મી હોવાથી મારાથી કોઈના પર ક્રોધ કરી શકાય એમ છે જ નહીં…

  એ જુવાનો તો માત્ર એટલું જ પોકારતા હતા, ‘ગાંધી, પાછા જાઓ,’ ‘ગાંધીવાદનો નાશ થાઓ.’ એમને એમ કરવાનો હક હતો, કેમ કે એઓ માનતા હતા મેં ભગતસિંહને બચાવવાને મારું બનતું કર્યું નહીં, અથવા તો સાવ વીસરી ગયો. પણ મને કે બીજા કોઈને હેરાન કરવાનો એ જુવાનોનો ઇરાદો નહોતો. એમણે, સૌને પસાર થવા દીધા, અને પછી એક જુવાને આવીને કાળા કપડાનાં ફૂલ મારા હાથમાં મૂક્યાં. એ ફૂલ મારા પર નાખીને એઓ મારું અપમાન કરી શકત, પણ તેમ કરવાનો એમનો ઇરાદો નહોતો…

  આ જુવાનો તો દુનિયાને એ બતાવવા માગતા હતા કે મહાત્મા ગમે તેવો મોટો હોય તોપણ તે હિંદુસ્તાનનું નુકસાન કરી રહ્યો છે. એવી એમને ખાતરી છે. હું દેશને દગો દઉં છું એમ એઓ માનતા હોય તો મને ઉઘાડો પાડવાનો એમને અધિકાર છે…

  મારાથી આ જુવાનો સાથે આથી બીજું વર્તન રાખી જ ન શકાય, કેમ કે મારે તો એમને પ્રેમથી જીતી લેવા છે. તલવારનો ત્યાગ કર્યા પછી, મારો વિરોધ કરનારને આપવા માટે મારી પાસે પ્રેમના પ્યાલા સિવાય બીજું કશું રહ્યું નથી. એ ખ્યાલો આપીને હું એમને મારી નજીક ખેંચવાની આશા રાખું છું. માણસ માણસ વચ્ચે શાશ્વત વેર રહે એ મારી કલ્પનાની બહારની વાત છે. અને હું પુનર્જન્મમાં માનનારો રહ્યો, એટલે હું એવી પણ આશા રાખી રહ્યો છું કે આ જન્મે નહીં તો બીજે કોઈ જન્મે હું સમસ્ત માનવજાતિને પ્રેમપાશમાં લઈ શકીશ…

  સરકારે ઉશ્કેરણીનું પૂરતું કારણ આપ્યું છે એ હું કબૂલ કરું છું, પણ આ અધીરા જુવાનોને હું ઈશ્વરને નામે, આપણી પ્રિય જન્મભૂમિને નામે વીનવું છું કે તેઓ આ અહિંસક લડતમાં ખરા જિગરથી ઝંપલાવે. ચાળીસ વરસના મારા અહિંસાના અખંડ આચરણ પર તેઓ વિશ્વાસ રાખે.

  પણ એમ ન કરે તો તેઓ મને ભલે હણે, પણ ગાંધીવાદને તેઓ હણી શકવાના નથી. જો સત્યને હણી શકાય તો ગાંધીવાદને હણી શકાય, જે અહિંસાને હણી શકાય તો ગાંધીવાદને હણી શકાય, કેમ કે ગાંધીવાદ એટલે સત્ય અને અહિંસાને માર્ગે સ્વરાજ મેળવવા સિવાય બીજું શું છે? સત્ય અને અહિંસા દ્વારા મળેલા સ્વરાજનો શું તેઓ અસ્વીકાર કરશે?…૬૧

  મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં એક ઠેકાણે એ પણ નોંધ્યું છે કે બૅરિસ્ટર અસફઅલી ભગતસિંહ તરફથી દયા માગતો પ્રાર્થનાપત્ર ઘડી લાવ્યા હતા. તેને રદ કરીને ગાંધીજીએ નવો એવો પ્રાર્થનાપત્ર ઘડી આપ્યો કે જે ભગતસિંહ માટે વધારે સ્વમાનભર્યો હતો.૬૨

  એક વરસ પહેલાં જ લાહોર કૉંગ્રેસ સારુ સરદાર વલ્લભભાઈનું નામ આવેલું. પણ ગાંધીજીને લાગેલું કે બારડોલીની જીત પછી તરત તેમને કૉંગ્રેસ-પ્રમુખ બનાવવામાં આવે તો સરદારે એ જીતને વટાવી એવો એનો ખોટો અર્થ થાય. તેથી કૉંગ્રેસે એવો નિર્ણય કરવામાં ખમી જવા કહેલું, ‘૩૧ની કૉંગ્રેસ વખતે સરદારને પ્રમુખ બનાવવાનો વિચાર તેમણે વધાવી લીધો. સરદારની પોતાની ભૂમિકા તો બંને વખતે સૈનિકની જ હતી. તેમણે સેનાપતિની આજ્ઞાને જ શિરોધાર્ય કરી. મહાદેવભાઈને સારુ કરાંચી કૉંગ્રેસનો પ્રસંગ વિશેષ આનંદનો હતો. તેથી તેમણે नवजीवनમાં એને અંગે એકથી વધારે લેખોમાં વિસ્તૃત અહેવાલો આપ્યા અને એ લેખોમાં ગાંધીજી ઉપરાંત સરદારનાં ભાષણો, કૉંગ્રેસની વ્યવસ્થા પાછળ જયરામદાસ દોલતરામ અને તેમના સાથીઓની મહેનત, રસોડાની અત્યંત સુંદર વ્યવસ્થામાં કરાંચીના ગુજરાતીઓનો સહકાર, અને માર્ચના અંતમાં અધિવેશન ભરાયું હતું એટલે ‘આકાશછત્રધારી મંડપ’ની શોભાનાં ગુણગાન કર્યાં હતાં. આ અધિવેશનમાં મુખ્ય ઠરાવ સ્વરાજના મૂળ અધિકારો વિશેનો હતો તે ગાંધીજીએ રજૂ કર્યો. આ ઠરાવ કૉંગ્રેસના ઇતિહાસમાં શકવર્તી ગણાશે. પાછળથી આપણા દેશનું બંધારણ ઘડતી વખતે પણ આ ઠરાવનો આધાર લેવામાં આવ્યો હતો.

  કરાંચી કૉંગ્રેસમાં ખાન અબદુલ ગફ્ફારખાન પોતાના ખુદાઈ ખિદમતગારોની એક ટુકડી સાથે આવ્યા હતા તેની મહાદેવભાઈ ખાસ નોંધ લે છે અને તેમનું ભાષણ પણ જનતા સારુ પેશ કરે છે. કરાંચી કૉંગ્રેસથી પહેલાં જ કાનપુરમાં કોમી હુલ્લડો થયાં હતાં. અને શાંતિકાર્ય કરતાં શ્રી ગણેશ શંકર વિદ્યાર્થી ત્યાં શહીદ થયા હતા તેની નોંધ પણ મહાદેવભાઈ લે છે.

  કરાંચી કૉંગ્રેસ વિશે ઉલ્લેખ કરતી વખતે અહીં એક વાતની નોંધ લઈએ, જે મહાદેવભાઈએ કદાચ જાણીજોઈને પોતાની ડાયરીમાં નથી લખી, પણ જેનો ઉલ્લેખ તેમણે લેખક અને તેની મા આગળ કર્યો હતો.

  સરદાર વલ્લભભાઈને જ્યારે કૉંગ્રેસ-અધ્યક્ષ બનાવવાનું નક્કી થયું ત્યાર બાદ તેમણે મહાદેવભાઈને કૉંગ્રેસના મહામંત્રી બનવાનો ખૂબ આગ્રહ કર્યો હતો. મહાદેવભાઈને તો આનો કાંઈ જવાબ આપવાપણું હતું જ નહીં. એમને માત્ર મલકાઈને ગાંધીજી તરફ જોવાનું જ હતું. અને જે ગાંધીજીએ બે વરસ પહેલાં મહાદેવભાઈને બારડોલી ખાતર છૂટા કર્યા હતા, જેમણે એમને સરદાર સાથે મદ્રાસ અને બિહાર પ્રવાસમાં મોકલ્યા હતા, તેમણે મહાદેવને કૉંગ્રેસના મંત્રી બનવા ખાતર પોતાને ત્યાંથી છૂટા કરવાનો ઇન્કાર કર્યો હતો. ગાંધીજી મહાદેવભાઈને એક વર્ષ સારુ પોતાનાથી અલગ રાખવા માગતા નહોતા. નજીકના ભવિષ્યમાં વિલાયત જવાનું થાય તો ત્યાં એમની જરૂર હતી. અને ગાંધીજી એ પણ સારી રીતે જાણતા હતા કે મહાદેવનો સ્વધર્મ રાજકારણ નહીં, પણ ગાંધીકારણ હતો.

  મહાદેવભાઈ સામાન્ય રીતે પોતાની ડાયરીઓમાં પોતાને વિશે લખતા નથી. એટલે એમને વિશે જાણવા સારુ આપણે ગાંધીજીના પત્રોને જ ઉથલાવવા પડે છે!

  મહાદેવ સાબરમતી જેલમાં હતા ત્યારે યરવડાથી ગાંધીજી આશ્રમમાં માત્ર દુર્ગાબહેનને જ નહીં, પણ કોઈ પણ આશ્રમવાસીને પત્ર લખે તો મહાદેવનું સ્મરણ કરતા. નારણદાસ ગાંધીને નામે લખેલા પત્રમાં તો ભલામણ કરે છે કે, ‘મહાદેવને કહેજો કે જેલમાંથી પણ એને સમય અને રજા મળે તો લખ્યા કરે.’૬૩

  મણિલાલ ગાંધી સારુ ગાંધીજી યરવડા મંદિરની વાંચવાલાયક પુસ્તકોની એક સૂચિ મોકલે છે અને પછી આશ્રમના વ્યવસ્થાપકને લખે છે:

  ‘ઉપરનામાંથી જેટલું રસિક લાગે તેટલું ને થઈ શકે તેટલું મણિલાલ કરે. અથવા તો વાંચવાનો શોખ લગાડનાર મહાદેવ છે, એટલે મહાદેવ જેમ દોરે તેમ દોરાય.’૬૩

  વળી જ્યાં સુધી મહાદેવભાઈ બહાર રહીને મીઠાની લડતમાં સક્રિય હતા, ત્યાં સુધી થોડેઘણે અંશે સાબરમતી આશ્રમના પ્રશ્નોની ચિંતા પણ તેઓ જ કરે એવી ગાંધીજીની અપેક્ષા હતી. નારણદાસ ગાંધીને એક વાર ગાંધીજી લખે છે: ‘તમારી રીત હું જાણું છું. મહાદેવ જ્યાં લગી બહાર છે ત્યાં લગી તમે તમારી રીત પ્રમાણે છેવટના નિર્ણયનો બોજો નહીં ઉપાડો, અને તે બરોબર છે.’૬૫ જોકે એક જગાએ તેઓ છેવટના નિર્ણયની જવાબદારી પોતાને માથે પણ લે છે. નારણદાસભાઈ ઉપરના જ બીજા એક પત્રમાં ગાંધીજી એક ભાઈ વિશે લખે છે: ‘તેની અનિયમિતતા વગેરે સહન કરવા યોગ્ય છે એમ હું માનું છું, તે સાચો છે એટલે દંભ નથી કરવા માગતો. તેની શક્તિની કે ઇચ્છાની બહાર છે તે કરવાની ના પાડે છે. પણ તેનામાં સેવાભાવ છે જ. તેનું હૃદય સાફ છે. એટલે તેના નાના દોષો સહન કરવામાં ધર્મ રહેલો છે એમ લાગે છે. છતાં હવે મહાદેવ [ત્યાં] છે. તેના નિર્ણય ઉપર તે આધાર રાખવાનું કહે છે. મહાદેવ શું કહે છે તે જોજે. મહાદેવ નિકાલ નહીં કરી શકે તો હું તો છેવટે કરી દઈશ.’૬૬

  બંને જણ જ્યારે જુદી જુદી જેલમાં હતા ત્યારે ગાંધીજી યરવડા મંદિરથી આશ્રમમાં દુર્ગાબહેનને નામે પત્ર લખતા એ પત્રમાં દુર્ગાબહેનની તબિયત વિશે સૂચન કર્યા પછી તરત આખો પત્ર મહાદેવભાઈ સારુ જ લખતા. દાખલા તરીકે, ૧૮મી જાન્યુઆરી, ૧૯૩૧ને દિન સવારે પાંચ વાગ્યે લખેલો પત્ર મહાદેવભાઈ સાથે રેંટિયો અને ધનુર્વિધા (એટલે કે પીંજણશાસ્ત્ર) અને अनासक्तियोग અંગે સમાન રસપૂર્વક વિચારવાની દૃષ્ટિએ લખાયેલો છે:

  ચિ. દુર્ગા,

  હજુ નારંગીનો પ્રયોગ ચાલતો હશે. પિચકારી તો બરોબર લેવાતી હશે. ઓડકાર બંધ થવા જ જોઈએ. માથા ઉપર દુખાવો હોય તો માટી મૂકવી જોઈએ.

  મહાદેવને કહેવું હિલનો ગીતાનો અનુવાદ મારા જોવામાં નથી આવ્યો. કાકાને મેં લખ્યું છે. अनासक्तियोगમાં જે સુધારાવધારા સૂચવવા હોય તે સૂચવે અને શંકાઓ કે પ્રશ્નો હોય તે પણ પૂછે. એ મને ગમશે. એક એક ભજનનું ભાષાંતર મીરાંબહેનને દર અઠવાડિયે જાય છે. જો એ કોઈ પણ કાળે છપાવવાનું થશે તો તો મહાદેવ જરૂર જોશે જ. નહીં તોપણ મીરાંબહેન પાસેથી મેળવી લેવું. મારી પાસે તો બંગાળી ભજનો સિવાયનાં બધાનું પડ્યું જ છે. દેવદાસ સંસ્કૃતનો પંડિત થઈને નીકળે એ તો સરસ વાત થશે. એનું ઉર્દૂ પણ પાકું કરી લે તો સારું. ધનુર્વિધા ઉપર મથુરાદાસે જે લખ્યું છે તે ન જોયું હોય તો મહાદેવ જોઈ જાય. આ શાસ્ત્રને જેટલું ચોક્કસ કરી શકાય ને શણગારી શકાય તેટલું કરી લેવાની જરૂર છે. જેમ જેમ ઊંડો ઊતરતો જાઉં છું તેમ તેમ મારો મોહ રેંટિયા પ્રત્યે વધતો જાય છે. રેંટિયામાં રૂની બધી ક્રિયા આવી ગઈ. ગરીબનો બેલી પરમેશ્વર તો છે પણ પરમેશ્વરના હાથપગ રેંટિયો છે. તેને જે ગરીબ પકડે તેણે પરમેશ્વરને પકડ્યો. ગરીબની જેમ આપણે ખાઈપી ન શકીએ પણ ગરીબને અર્થે રેંટિયો તો ચલાવીએ જ. અને રેંટિયો ચલાવીએ એટલે તેની અખૂટ શક્તિનું નિરીક્ષણ કરવું ને તેને પ્રગટાવવી. આ અભ્યાસ જેવોતેવો નથી. અને એ જીવતી ગીતા છે. આ બધું મહાદેવને સારુ લખવાની જરૂર નથી, પણ તેને નિમિત્તે આ પ્રાર્થનાને સમયે મારા મનના ઉદ્ગારો નીકળી જાય. બધાની પાસે એ એવી રીતે નીકળી પણ ન શકે.

  બાપુના આશીર્વાદ૬૭

  કોઈક વાર વળી સાત વર્ષના બાબલાને લખે છે:

  શ્રી નારાયણરાવ,

  કે બાબલો? તેં ટીસા૬૮ તો સારા કાઢ્યા લાગે છે. પણ ટીસાને બદલે અક્ષરનાં ચિત્ર કાઢતાં શીખ. મહાદેવ આવ્યા એટલે ખૂબ ગમ્મત લૂંટે છે ના? વહેલો પાછો મોકલી ના દેતો.

  બાપુના આશીર્વાદ૬૯

  નોંધ:

  ૧.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૧.

  ૨.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૫.

  ૩.   એજન, પૃ. ૭.

  ૪.   એજન, પૃ. ૮.

  ૫.   એજન, પૃ. ૧૦.

  ૬.   એજન, પૃ. ૨૭.

  ૭.   गांधीजीनो अक्षरदेह – ૪૫ : પૃ. ૧૪૬.

  ૮.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૩૧.

  ૯.   એજન, પૃ. ૩૨.

  ૧૦.   એજન, પૃ. ૪૮, ૪૯.

  ૧૧.   એજન, પૃ. ૫૦.

  ૧૨.   સપ્રુ, જયકર અને શ્રીનિવાસ શાસ્ત્રી.

  ૧૩.   ગ. મા. નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૧૭.

  ૧૩એ.   गांधीजीनो अक्षरदेह – ૪૫ : પૃ. ૨૫૫.

  ૧૪.   નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૨ : પૃ. ૪૪.

  ૧૫.   પિકેટિંગ અંગેના મુદ્દાઓ: महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૮૪ પરથી સારવીને લીધા છે.

  ૧૬.   આ આખો પ્રસંગ: महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૮૫-૮૬ને આધારે લીધો છે.

  ૧૭.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૮૬ પરથી સારવીને.

  ૧૮.   એજન, પૃ. ૮૮-૮૯ને આધારે.

  ૧૮એ.   એજન, પૃ. ૮૯.

  ૧૯.   આ દિવસે વાઇસરૉય સાથે બે વખત મંત્રણા થઈ હતી, એક બપોરે અઢીથી સાંજના સાડા સાત સુધી અને બીજી રાતના સાડા નવથી સાડા બાર સુધી.

  ૨૦.   મતલબ કે જમીનો પાછી આપવા વિશે.

  ૨૧.   Gentlman’s word.

  ૨૨.   વાઇસરૉય લૉર્ડ અર્વિન મુંબઈથી તા. ૧૮–૪–’૩૧ના રોજ વિદાય થવાના હતા.

  ૨૩.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૯૦-૯૧.

  ૨૪.   આ નિવેદનમાં શબ્દો હતા It is therefore I think necessary for them to take up an uncompromising attitude.

  ૨૫.   Miracle of nonviolence.

  ૨૬.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૧૦૧.

  ૨૭.   Elemental.

  ૨૮.   Eternal Vigilance is the Price of Liberty.

  ૨૯.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૩૯૦.

  ૩૦.   વિદાય થતા વાઇસરૉય લૉર્ડ અર્વિન.

  ૩૧.   મુંબઈના ગવર્નર સર ફ્રેડરિક સાઇકસ.

  ૩૨.   Brief.

  ૩૩.   અસલમાં આ વાક્યો અંગ્રેજીમાં છે.

  ૩૪.   મતલબ કે ‘પોતે ગોળમેજી પરિષદમાં ન જાય તો શું કરશે?’

  ૩૫.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૨૬૩-૨૬૪.

  ૩૬.   નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૨ : પૃ. ૫૫.

  ૩૭.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૧૨૦.

  ૩૮.   એજન, પૃ. ૧૩૧-૧૩૨.

  ૩૯.   મૂળમાં આ પ્રમાણે છે.

  ૪૦.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૧૩૩.

  ૪૧.   એજન, પૃ. ૧૪૭.

  ૪૨.   પહેલા વિશ્વયુદ્ધ પછી જે સંધિ થઈ તેના કરારનામામાં, દસ્તખત, પॅરિસ પાસે આવેલા વર્સાઇલ નામના ગામમાં થયા હતા.

  ૪૩.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૩૪૨-૩૪૩.

  ૪૪.   નરહરિ પરીખ: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૧૮-૧૯.

  ૪૫.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૩૧૧-૩૧૨.

  ૪૬.   એજન, પૃ. ૧૦૫.

  ૪૭.   એજન, પૃ. ૫૧૨.

  ૪૮.   એજન, પૃ. ૪૬૬.

  ૪૯.   ગુજરાતમાં.

  ૫૦.   લડત દરમિયાન જે તલાટીઓ કે પટેલોએ રાજીનામાં આપ્યાં હતાં તેમને સંધિ મુજબ પાછા લેવાના હતા. પરંતુ તે બાબત સ્થાનિક અમલદારો અનેક વાંધા ઉઠાવતા.

  ૫૧.   આ સંદર્ભમાં કહેવાનું કે ગાંધી-અર્વિન કરાર થયો ત્યારે બારડોલી તાલુકાનું આશરે વીસ લાખ જેટલું મહેસૂલ ભરવાનું બાકી હતું. પરંતુ સરદારશ્રીના પ્રયત્નથી ઓગણીસ લાખ રૂપિયા તો સરકારી ખજાનામાં ભરાઈ ગયા હતા. બાકીના ભરવામાં જે વિલંબ થયો હતો તે ખેડૂતોની આડાઈને લીધે નહીં; પરંતુ તેમની જમીનો જપ્ત થઈ હતી, પાક લૂંટાઈ ગયો હતો અને ભેંસોની હરાજી થઈ હતી. એટલે એવા બેહાલ થયેલા ખેડૂતો પર મહેસૂલ માટે સખ્તાઈ થતી જોઈને ગાંધીજી અને સરદાર ભારે વિમાસણમાં પડ્યા હતા.

  ૫૨.   ગાંધી-અર્વિન કરાર મુજબ સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવાનું ઠરાવ્યું હતું અને તે સિવાયના રાજદ્વારી કેદીઓ વિશે તેમના કેસો તપાસીને નિર્ણયો લેવાના હતા. આ અંગે સનદી નોકરોએ પ્રાંતે પ્રાંતે એકસરખું ધોરણ અપનાવ્યું નહોતું અને તેથી મુંબઈ જેવા પ્રાંતમાં હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રાજદ્વારી કેદીઓ પણ છૂટ્યા; પરંતુ સરહદ પ્રાંતમાં ખાન અબદુલ ગફ્ફારખાન જેવા સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા નહોતા.

  ૫૩.   આ સંધિ મુજબ જ્યાં મીઠું કુદરતી રીતે પાકતું હોય ત્યાં પોતાના ઘરવપરાશ માટે મેળવવાની તેમ જ માથે મૂકીને અડખેપડખે વેચવાની છૂટ આપવામાં આવી હતી. તે માટે મદ્રાસ ઇલાકાના માછીઓએ સરકારને અભિનંદનના તાર કર્યા હતા. પરંતુ સરકારે તેમને રોકડું પરખાવ્યું હતું કે માછલી સાચવવા માટે આ સંધિ મુજબ છૂટ આપી શકાય નહીં. એટલે બાપુએ એમર્સન સાથે આ પ્રશ્ન ચર્ચ્યો હતો અને તેમનાથી આ વાત કબૂલ કરાવી લીધી હતી.

  ૫૪.   ગ. મા. નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૨૩-૨૪.

  ૫૫.   એજન, પૃ. ૨૨૫માંથી સારવીને.

  ૫૬.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૪૫૩-૫૪ને આધારે.

  ૫૭.   એજન, પૃ. ૫૪૧.

  ૫૮.   એજન, પૃ. ૧૭૪.

  ૫૯.   આ તારીખે સોમવાર એટલે મૌનવાર હતો. આ જ દિવસે પોતાના પત્ર પર ‘ખાનગી’નો શેરો કરી વાઇસરૉયે જવાબ આપ્યો: ‘આપે જે જે લખ્યું છે તે બધી બાબતો પર મેં ફરી ઘણી કાળજીપૂર્વક વિચાર કર્યો છે અને હાલની કપરી પરિસ્થિતિમાં તો આપનું કામ વધારે મુશ્કેલ બનાવવાનું હું કદી કલ્પવું પણ નહીં, છતાં લાચાર છું કે આપની વાતચીત દરમિયાન મેં આપને વિસ્તારપૂર્વક સમજાવ્યા પ્રમાણે એવાં કારણો છે જેને લઈને આપ માગો છો એવું પગલું ભરવાનું મને કોઈ રીતે વાજબી લાગતું નથી…’

  ૬૦.   गांधीजीनो अक्षरदेह – ૪૫ : પૃ. ૩૬૦-૩૬૧.

  ૬૧.   महादेवभाईनी डायरी – ૧૪ : પૃ. ૧૭૭થી ૧૮૧માંથી સારવીને.

  ૬૨.   એજન, પૃ. ૧૬૬.

  ૬૩.   गांधीजीनो अक्षरदेह – એજન, પૃ. ૧૭૪.

  ૬૪.   એજન, પૃ. ૨૫૩.

  ૬૫.   એજન, પૃ. ૨૬૭.

  ૬૬.   એજન, પૃ. ૨૮૬.

  ૬૭.   गांधीजीनो अक्षरदेह – ૪૫ : પૃ. ૯૮.

  ૬૮.   ટીસા — લીટા દોરવા.

  ૬૯.   गांधीजीनो अक्षरदेह – ૪૪ : પૃ. ૨૪૩.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.